Search This Blog

17/07/2016

ઍનકાઉન્ટર : 17-07-2016

* મોહન ભાગવતજીની ઈચ્છા આખી દુનિયા 'ભારત માતા કી જય' બોલે એવી છે, પણ પહેલા ૧૨૫-કરોડ ભારતીયો પાસે તો 'જય' બોલાવો!
- ભાગવતજીએ આવું કહ્યું હોય, એની મને ખબર નથી પણ કીધું હોય, તો ખોટું શું છે? ૧૨૫-કરોડમાંથી જે લોકો ભારતીયો છે, એ સહુ તો બોલે જ છે.
(મનોજ ગાંધી, રાજકોટ)

* વિજય માલ્યા માટે શું માનો છો?
-મારે માનવાનું કાંઈ નથી... ફક્ત એની ઈર્ષા કરવાની છે.
(મિતુલ રામપરીયા, સુરત)

* પહેલાના સમયમાં બિરબલ અને તેનાલી રામા જેવા હસાવનારા હતા... આજે કોણ?
-રાહુલ ગાંધી.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* આપણા બધા જ્યોતિષીઓને ગોલ્ડ-મેડલ કોણ આપે છે?
-એ લોકો દયાળુ છે કે, 'ભારત રત્ન'નું લેબલ જાતે લઈ નથી લેતા!
(કૃતાર્થ આઈ. વૈષ્ણવ, રાજકોટ)

* રમુજ-રમુજમાં કોઈ વાત દિલમાં ઉતરી જાય અને આપના વાચકોને કાયમ યાદ રહી જાય એવી કોઈ વાત...?
-લખી નાંખો, 'અશોક દવે બ્રિલિયન્ટ છે.'
(સંદીપ ભટ્ટ, અમદાવાદ)

* આંધ્ર પ્રદેશે ત્યાંના બ્રાહ્મણો માટે  ૧૦૦-કરોડ ફાળવ્યા. સુઉં કિયો છો?
- ગુજરાતનો એક બ્રાહ્મણ તો એક કરોડમાં ય માની જાય એવો છે...
(દીપક એસ. માછી, વડોદરા)

* ઓસ્ટ્રેલિયાને ક્રિકેટમાં 'કાંગારૂ' કહેવાય છે. ન્યુઝીલેન્ડને 'કિવી' અને વેસ્ટ ઈન્ડિઝને કેરિબિયન, તો ભારતીય ટીમને...?
-ભારતીયોને 'વિરાટ' કહેવાય.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* જીવનમાં કરવા જેવું અને નહિ કરવા જેવું કામ કયું?
-લગ્ન.
(રહીમ મલકાણી, ભાવનગર)

* આજના જમાનામાં લાગણીનું પ્રમાણ કેમ ઘટી ગયું હશે?
- પૂરો પગાર ઘેર આપવાનું રાખો... નહિ ઘટે!
(દીપક પંડયા, બિલિમોરા)

* દિવસે દિવસે પ્રજાનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠતો કેમ જાય છે?
- મોદી સિવાય વડાપ્રધાન બનાવા માટે તમારી દ્રષ્ટિએ લાયક હોય, એવું એક નામ આપો... કોઈ પણ પાર્ટીમાંથી!
(મિરલ વાઘેલા, જૂનાગઢ)

* અનેક ભારતીયોને અમેરિકા જઈને વસવાનું મન છે. અમેરિકામાં એવું શું છે, જે ભારતમાં નથી?
-સ્વચ્છતા.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* વિરાટ કોહલીની સફળતા માટે એની પાછળ કોણ છે?
- મોટે ભાગે તો દુશ્મન ટીમનો વિકેટ કીપર એની પાછળ ઊભો હોય છે.
(પ્રણવ કારીયા, મુંબઈ)

શું બ્રહ્મચર્યનું પાલન ફક્ત પુરુષોએ જ કરવાનું હોય છે?
-હા. સ્ત્રીઓનું કામ કરાવવાનું હોય! 
(વૈભવ અંધારીયા, ભાવનગર)

* પહેલાના વડિલો બોલતા પહેલા સો વખત વિચાર કરવાનું કહે.... તમે કેટલી વખત વિચારો છો?
-હું વડિલ થઉં, પછી વિચારીને કહું.

* મારે IAS બનવું છે, પણ મારા પપ્પા મને ડૉક્ટર બનાવવા માંગે છે. શું કરવું?
- બડોં કી બાત કા બુરા નહિ માનતે, પગલે...!
(સાહિલ પટેલ, ગાંધીનગર)

* 'ભારત માતા કી જય' ન બોલે, એ ભારતમાં રહેવાને લાયક નથી. તમે શું કહો છો?
- હા, પણ બીજો એકે ય દેશ એમને, ત્યાં રહેવા દે એમ નથી.
(કુ. દધિચી ડી.ગોહિલ, ઉમરેઠ)

* નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો તમે ૧૨-કલાક કામ કરશો, તો હું ૧૩-કલાક કામ કરીશ. કારણ કે પ્રધાનમંત્રી નહિ, પણ 'પ્રધાન-સેવક' છે. તમે શું કહો છો?
- હું તો બહુ લાગણીપ્રધાન છું.
(રિધ્ધિ પટેલ, ચિખોદરા)

* પાકિસ્તાનની ટીમ આવીને પઠાણકોટ હુમલાની તપાસ કરે, એ કેટલી હદે વ્યાજબી કહેવાય?
- આપણે કાંઈ મહાત્મા ગાંધીની હત્યાની તપાસ માટે પાકિસ્તાનથી ટીમ બોલાવી?
(હરદીપસિંહ ઝાલા, રાજકોટ)

* ચીને આપણી સાથે જધન્ય ગૂન્હો કર્યો છે. દરેક ચીની વસ્તુ ખરીદવાનો દેશવાસીઓએ બહિષ્કાર કરવો જોઈએ કે નહિ?
- આપણો તો બહિષ્કારે ય ચાયનીઝ પ્રોડક્ટ જેવો હોય... 'ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!'
(નીલેશ કણજરીયા, જામનગર)

* તમે બૉલીવૂડમાં કેમ ઝંપલાવતા નથી?
- હાસ્ય લેખક તરીકે ૪૪-વર્ષથી ચાલુ છું... ત્યાં ૪-મહિનામાં ય ઘેર પાછા આવતા રહેવું પડે!'
(સોહમ બી. દવે, અમદાવાદ)

* તમને રાષ્ટ્રપતિ બનાવવા માટે હું ભલામણ કરું?
- એક ધૂળજી લાવી આપો ને, 'ઈ...! ભલે પછી હું એને રાષ્ટ્રપતિ બનાવીશ!
(ડૉ. મયંક છાયા, અમદાવાદ)

* આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ઉપરવાળાએ આટલી બધી બુધ્ધિ આપી, એના બદલે એક ટકો ઓછી આપી હોત, તો કેટલા બધા અક્કલમઠા સચવાઈ જાત!
- સીધું કહો ને, આઈન્સ્ટાઈને કોંગ્રેસમાં જોડાવા જેવું હતું...!
(ઘનશ્યામ ડી. પટેલ, મીરા રોડ)

* નોકરી કે ધંધો, બેમાંથી સારું શેમાં?
- તમે નરેન્દ્ર મોદી હો તો નોકરી અને વિજય માલ્યા હો તો ધંધો.
(પ્રજ્ઞોશ પંડયા, મહિસાગર)

No comments: