Search This Blog

30/07/2016

નૅપકીન જેવા થેપલાં

આકારમાં અફ કૉર્સ, હું ખાધે-પીધે સુખી અને શિક્ષિત જનાવર જેવો લાગું છું, પણ એ લોકો જેટલો મારો ખોરાક નથી. મને જમવા બોલાવવો ખાસ કાંઇ ભારે પડે એવું નથી. જાતનો સરસ મજાનો બ્રાહ્મણ છું, એટલે જમવા તો-ઉપરવાળા સિવાય જે બોલાવે, એને ત્યાં ટાઇમસર પહોંચી જાઊં છું. બીજી વાર બોલાવે, એ માટે ત્યાં હું જે જમ્યો હોઊં, એના દે-ઠોક વખાણો કરૂં છું, એમાંના કેટલાક તો સાચા વખાણ પણ હોય. આપણાં મનમાં પાપ નહિ... પેટમાં પણ જગ્યા જેટલું જ પાપ....!

પણ વખાણો કરવામાં હાળું ભરાઇ પડાય છે. ધત્તુભ’ઇના ઘેર મને જમવા બોલાવ્યો, તે કાંઇ મંગળ-બંગળવારના થેપલાં પડ્યા હશે, એ મને પ્રેમના ફૉર્સો કરીકરીને વહાલથી જમાડ્યો. એ લોકોને ગોડાઉન ખાલી કરવું હશે ને મારાથી વઘુ શક્તિશાળી ‘થેપલા-ખાઉ’ એમને નહિ મળ્યો હોય, એટલે હડફેટમાં મને લીધો ને એવા થેપલાં હું ખાઇ પણ ગયો. બ્રાહ્મણ જેનું ખાય એનું કદી ખોદે નહિ એટલે મારા ય ગળે ન ઉતરે એવા વખાણો કર્યા.

પત્યું. એમને તો એમના થેપલાંનો બ્રાન્ડ-ઍમ્બેસેડર મળી ગયો. મારા અગાઉ આવી ભૂલ કોઇએ નહિ કરી હોય, એ કારણે એ લોકો તો એમના પ્રચાર-સાહિત્યમાં પણ મારૂં નામ જોડવા લાગ્યા. ‘‘ભ’ઇ... આ પેલા અશોક દવે નહિ...?.... અમારા થેપલાં ખઇખઇને ‘બુધવારની બપોરો’ લખે છે...! એમના લેખનો પહેલો અક્ષર અમારા થેપલાંના પહેલા બાઈટથી લખાય. ચામાં બોળી બોળીને થેપલું ખાધા પછી જ દાદુ ઇન્સ્પાયર થાય....!’’

એ પછી તો ધત્તુભ’ઇનું આખું ઘર ભાન ભૂલ્યું. ઘરમાં થેપલાં કાયમી થઇ ગયા. શ્રીખંડમાં પણ થેપલાં બોળીબોળીને ખવાવા માંડ્યા. બ્રેકફાસ્ટમાં ખાખરાનું સ્થાન થેપલાંએ લીઘું. જગતનો પહેલો થેપલાંની ફલૅવરનો આઇસક્રીમ ધત્તુભ’ઇએ શોઘ્યો. કોઇ ચીજવસ્તુનું વર્ણન કરતી વખતે વાત જો એની ગોળાઇની કરવાની હોય તો, ‘‘ઓહ ન્નો....હાઉ સ્વીટ ? પમ્મીનો ફૅસ બિલકુલ થેપલાં જેવો રાઉન્ડ-રાઉન્ડ છે, નહિ, ડૅડ....?’’ ઘરનો માહૌલ એટલી હદે થેપલાંમય થઇ ગયો કે, કોક તો વળી એવું ય બોલ્યું હતું કે, આપણાં ઇટાલીયન-સોફાના કવરો પણ થેપલાંના લોટમાંથી બનાવો. અફ કૉર્સ, ઘરના નૅપકીનો તો પહેલેથી થેપલાં જેવા સિવડાવ્યા હતા. ટેસ્ટમાં બહુ ઝાઝો ફરક નહોતો. એમનો નૅપકીન ચાવો તો થેપલાં જેવો લાગે અને થેપલું આપ્યું હોય, તો આપણને એમ કે, મોંઢું લૂછવા આપ્યું છે. સાલું, પછી તો ઘરનું નામ પણ ‘ધત્તુ-સદન’ બદલીને ‘થેપલાં-ભવન’ કરી નાંખ્યું. એ વધારે પડતું ન કહેવાય ? (જવાબ : બહુ વધારે પડતું કહેવાય. જવાબ પૂરો)

ખબર હોય તો, આજકાલ હવે નવરી પડેલી મોટા ભાગની ગુજરાતણો ઘેર ચૉકલેટો બનાવતી થઇ ગઇ છે. જેને ઘેર જાઓ, એ નાસ્તાને બદલે ડિશમાં ચૉકલેટો ધરે છે અને ભારપૂર્વક કહે, ‘‘લો ને... લો ને.... ઘેર જ બનાવી છે...!’’ ચૉકલેટ જેવો એની ચામડીનો કલર બેશક હોય, પણ ડિશમાં ચોળાફળીની માફક ચોકલેટો ગોઠવીને મૂકી હોય, એ જોઈને સવાલ થાય કે, આ તું ધમકી આપે છે કે બીવડાવે છે ? વચમાં વચમાં મીઠાના ગાંગડા આવતા તારા ગઇ વખતના વઘારેલા ભાત હજી યાદ છે, ચોપડેલા ટીંચર-આયોડીન જેવી લસણની ચટણી હજી યાદ છે... આઇસ્ક્રીમની સાથે પણ ડુચાં મારવા માટે આપેલાં થેપલાં હજી યાદ છે, બેન ! હવે તારી ચૉકલેટોમાંથી તો મને છુટો કર...!

આ જ ગ્રાઉન્ડ પર, ધત્તુભ’ઇનું ફૅમિલી નિર્દયી બન્યું હતું અને પ્લાસ્ટિકના આકર્ષક અને ચળકતાં રૅપરમાં વીંટાળેલા થેપલાં એમણે સગાં-સંબંધીઓ કે ફ્રૅન્ડ્ઝને ઘેરઘેર મોકલવા માંડ્યા. ભોગ બનતા સગાંસંબંધીઓમાંથી કેટલાકે તો જ્યોતિષીઓની સલાહ લીધી કે, ‘‘ધત્તુભ’ઇના થેપલાં પાછળ પડી ગયા છે... મારી દીકરીના રીસેપ્શનમાં સ્ટેજ પર આવીને ધત્તુભ’ઇ આશીર્વાદની સાથે થેપલાનું પૅકેટ આપી ગયા હતા કે, ‘હનીમૂનમાં બહુ કામ આવશે...’ આમાંથી છુટવાનો કોઇ ઉપાય બતાવો, મહારાજ.’ ત્રિકાળજ્ઞાની જ્યોતિષીએ સરસ ઉપાય દર્શાવ્યો,

‘‘
૨૧-મંગળવાર કરો..... દુશ્મનો સીધા થઇ જશે. પાપગ્રહો નાશ પામશે.’’
‘‘૨૧-મંગળવાર....? નકોડા કે દૂધ-ભાત ખાઇને....?’’
‘‘ના...ફક્ત થેપલાં ખાઇ ને...!’’

કહે છે કે, સદરહૂ જ્યોતિષીને સૉસાયટીની બહાર ઘસડી લાવીને આ લોકોએ ઢોર માર માર્યો હતો. નજરે જોનારાઓનું બયાન છે કે, માર ખાધા પછી ઇલેકટ્રીકના થાંભલા નીચે પડેલા જ્યોતિષીનું મોંઢું પણ સૂઝીને....! (વાંચકો ખાલી જગ્યા ભરી દે...!)

ધત્તુભ’ઇની બા ઘણીવાર ખીજાતા કે, ‘‘બેટા ધત્તુ... થોડો સંયમ રાખો. છોકરાઓ ચ્યૂઈંગ-ગમની જગ્યાએ થેપલાંનાં ડૂચાં ભરવા માંડ્યા છે.’’ બાને એ ખબર નહોતી કે, એ થેપલાં ચ્યૂઈંગ-ગમની જેમ વર્ષો સુધી ચાવો તો ય એનો અંત આવે એમ નથી. આમાં તો પમ્મીની માંડમાંડ થયેલી સગાઇ પણ તૂટી ગઇ... પૈણનારાની મમ્મી એટલું તો વિચારે ને કે, આપણા ઘેર આવનારી છોકરી આવા કડડભૂસ્સ થેપલાં બનાવતી હોય તો, મારે મારા છોકરાને થેપલે-થેપલે મારી નથી નાંખવો.... નિકાલ કરતી વખતે એક એક જીદ્દી થેપલું પેટમાં ચોંટી રહે, તો અમે કોને બતાવવા જઇએ...?’

એમની પ્રોડક્ટનો બ્રાન્ડ-ઍમ્બેસેડર મને બનાવ્યો હતો, એટલે સમાજમાં વાતાવરણ એવું બનવા માંડ્યું કે, ઓળખીતા વાચકો મને પૂછવા માંડ્યા, ‘‘શું આપની સફળતાનું રહસ્ય ધત્તુભ’ઇના થેપલાં છે ?’ લક્સ સાબુ તનબદન પર ચોળી ચોળીને નહાતી હીરોઇનોની જેમ, વાચકો મને શરીર પર થેપલાં ચોળી ચોળીને નહાતો કલ્પશે, તો મારી માર્કેટ-વૅલ્યૂ શું રહેશે, એ ભય મને ખરો. પછી તો સ્વાભાવિક છે, મને થેપલાં બહુ ભાવતા હશે, એમ માનીને જેને ઘેર હું જઊં, ત્યાં આ એક જ ડિશ મને અપાય. સાલાઓ આપણી છાતીમાંથી આરપાર કોઇએ કપડાં સૂકવવાની નાયલોનની દોરી ખેંચી કાઢી હોય એવી સિક્સરો મારે, ‘‘ભ’ઇ, ભલે અમારા થેપલાં ધત્તુભ’ઇ જેવા નહિ હોય, પણ તમારા ભાભીને જેવા આવડ્યા છે, એવા બનાવ્યા છે... આજે તો ખાવા જ પડશે.’’

મારા વસીયતનામામાં મારે શું લખતા જવું, એની ય મને ચિંતા થવા માંડી. ડોહો સંપત્તિમાં થેપલાં સિવાય કાંઇ મૂકતો જવાનો નથી, એવું માનીને મારો પરિવાર મને ઘરડાંના ઘરમાં મોકલી દે તો મારૂં શું થશે, એ ભયથી હું ફફડતો હતો. એકવાર તો મોટા અંબાજી જઇને હું ૨૨-દિવસ સુધી થેપલાં નહિ ખાવાનું વ્રત લઇ આવ્યો, પણ પારણાંમાં મને થેપલાં જ ખવડાવ્યા. હું ય માણસ છું... મરી ન જાઊં ? (જવાબ : નવી માહિતી આપવા બદલ આભાર... જવાબ પૂરો)

....
ભગવાન પરશુરામે આખી પૃથ્વીને નક્ષત્રી કરી નાંખવાની પ્રતિજ્ઞા લીધી હતી....!

સિક્સર
‘‘
મૂકેશ અંબાણી એમના ૧૬૫-રૂમો ધરાવતા એક અબજ ડૉલર્સના મકાન ‘ઍન્ટીલા’માં રહેવા જશે... તમે આવું કંઇ વિચારો છો ?’’ એક વાચકે મને પૂછ્યું.
-
જી. મને એટલું નાનું મકાન ના ફાવે. હું લગભગ અઢી અબજ ડૉલર્સના મકાનમાં શિફટ થવાનું વિચારી રહ્યો છું... વિચારવાના ક્યાં પૈસા પડે છે ?

(Published on 27/10/2010)

No comments: