Search This Blog

20/07/2016

જૂનું બધું કાઢો

'અસોક...હું એમ કે'તી'તી કે, આપણા ઘરમાં જુનું બધું કાઢીને નવું લિ આવીએ, તો કેવું ?'

'ખોટા વિચારો ના કર... હવે મારા બદલામાં નવો કોઇ ના આવે !'

'તમે ય તી સુઉં ગાન્ડા કાઢો છો... હવાર-હવારમાં આવું બોલાય ?'

એની વાત તો સાચી હતી. ઘરમાં જૂનું એટલું બધું ભરાઇ ગયુ છે કે, ઘર આખું ચિક્કાર પીધેલું હોય એવું લાગે છે ને એમાં ય ઘરની સાઇઝ નાની. જૂનું કાઢવામાં મને વાંધો નહતો, પણ એ બદલીને એની જગ્યાએ નવું લઇ આવવાનો હું વિરોધી હતો. પ્રશ્ન ઘરમાં જગ્યા કરવાનો હતો. નવું લાવવાથી તો એની એ જ મોકાણ ઊભી રહે.

'આપણે પહેલા લિસ્ટ બનાવીએ કે, શું શું કાઢવા જેવું છે...!' મેં સજેશન મૂક્યું.

'....અઅઅ.. કાઢવા જેવામાં તો બાપુજી-'

'શટ અપ... મારા ફાધર તને ક્યાં નડયા... ખબરદાર-'

'તમે ય પૂરું શાંભળતા નથ્થી ને અમથી ઝીંકાઝીંકું કરે રાખો છો. હું એમ કે'વા જાતી'તી કે, બાપુજીને પૂછવું તો પડે ને કે, હવે કાંય કામનું નો રિયું હોય એવું સુઉં સુઉં કાઢવા જેવું છે ?'

'એ તો પહેલું બાનું જ નામ દે ને ?....આઇ મીન, એ એમ કહેશે કે, મને નહિ, 'બાને પૂછો.'

'થાયકી હું તો તમારા આખા ફૅમિલીથી...! એકોએક નંગ ભઇરા છે..!'

મારા જેવા મિડલક્લાસ ફૅમિલીવાળાનો આ કાયમી પ્રોબ્લેમ છે. વૈકુંઠ નાનું ને ભક્તો ઝાઝા. ત્રણ બૅડરૂમના નાનકડા ફ્લૅટમાં અમે સાત રહીએ છીએ. સાતમાં બે નાના બાળકો એટલે ઘર સાફસુથરૂં રાખવા માટે મિનિમમ અગીયાર-બાર સ્ત્રીઓ જોઇએ. મારા દીકરા અને મારી પાસે એક-એક સ્ત્રી જ છે ને એ બિચારીઓ તો કેટલું પહોંચી વળે. મેં સજેશનો અનેકવાર કર્યા છે કે, તમે એકલીઓ તો પહોંચી વળતીઓ નથી... કે'તા હો તો અમે બંને બબ્બે-ચચ્ચાર વધારાની લઇ આવીએ તો શું કે... તમારે બે જણીઓ માથે આટલો બધો હોબાળો ન રહે !

વહુ તો બોલે એવી નથી, પણ વાઇફે સંભળાવ્યું, 'ઈ વાત બરોબર...તે 'દિ મે'તા ભાઆ'ય આઇવા'તા, ઇ ય આમ જ કે'તા'તા...કે 'તમારા ભાભી બિચારીથી એકલી નથ્થી પોંચી વરાતું...' બોલો, એમને સુઉં જવાબ દેવો ?'

'તારી જાતનો મેહતો મા---' બોલતા અટકી જવું પડયું કારણ કે, મે'તો આમ માણસ સારો, પણ આવા કામોમાં એનો ભરોસો ન કરાય. અને હું ક્યાં ઘરનું કામ એકલો પહોંચી વળું એવો નથી...એણે આવા ડબાકા મારવાની શી જરૂર હતી ?

પણ પ્રશ્ન તો વણઉકલ્યો જ હતો. ઘર આખું એવું ભરાઇ ગયેલું લાગે કે, ઘરના જ દરેક સ્થળે અમારે ઠેકી ઠેકીને જવું પડે. અમે તો રહેવા આવ્યા છીએ કે કબડ્ડી-કબડ્ડી રમવા, એ જ ખબર ન પડે !

મારી પહેલી નજર પડી ઘરના ફ્રીજ ઉપર. આ તો અહીં લખવામાં 'ફ્રીજ' લખવું પડે, બાકી વપરાશમાં તો એની સર્કીટ ઊડી જવાને કારણે અમે લોકો મહીં બુટ-ચંપલો સિવાય બધું મૂકતા. ફાધર કહેતા હતા કે, '૧૯૬૭-ની સાલમાં લાવ્યા ત્યારે એનો ઉપયોગ ચીજો ઠંડી કરવા માટે થતો, એવું યાદ છે. પછી તો એની સર્કીટ-બર્કીટ ઊડી ગઇ એટલે એનો ઉપયોગ ગડી વાળેલા કપડાં મૂકવા તારી બા કરતી. તું મોટો થયો એટલે તને ય ઠમઠોરવો પડયો હતો કે, બહુ ગરમી લાગતી હોય એટલે નીચોવેલા કપડાં ફ્રીજમાં ન મૂકાય... એને સૂકવવા તાર ઉપર મૂકવા જોઇએ...'

હમણાંથી એનો ઉપયોગ સારો થવા માંડયો છે કે, વાઇફ અને વહુ બંને માથામાં નાંખવાનું તેલ જરી ઠંડક રહે, એ માટે તેલની બૉટલો ફ્રીજમાં મૂકવા માંડયા હતા. ખાવા-પીવાની ચીજો અમે બાલ્કનીમાં મૂકી આવતા, જેથી ગરમની ગરમ રહે. આવા ફ્રીજને રાખવાનો ય કોઇ અર્થ નહતો. પેલું મોબાઇલ પર કંઇક નીકળ્યું છે ને કે, તમારી જૂની ચીજવસ્તુ વેચવી હોય તો એનો ફોટો પાડીને 'ઍપ'માં મોકલી દો...એ ય કરી જોયું. કોઇકે જવાબ લખ્યો, 'અન્કલ...ઘોડાગાડી ચાલુ હાલતમાં છે ? સાથે ઘોડો મળશે ને ?'

મારાથી એકલાથી એવડું ફ્રીજ ઉચકાય નહિ અને નીચે ફેંકીએ તો કોકને વાગે, એટલે એ રહેવા દીધું. બીજી કોઇ મોટી ચીજ કાઢવા જેવી હોય તો ઘરમાં આમતેમ નજર ફેરવી. પેલું જૂના જમાનાનું બૉક્સ-ટીવી હતું અને એ તો ક્યારેક ચાલતું પણ હતું. અમે દેશનું ધન વિદેશીઓના હાથમાં જતું ન રહે, માટે ચૅનલો નંખાવવાના વિરોધી હોવાથી એમાં માત્ર 'દૂરદર્શન'ના કાર્યક્રમો જ આવતા. જમવા બેઠા હોઇએ ત્યારે જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવી રીતે કરશો, તમારા ગામમાં શૌચાલય બનાવવાની સરળ રીતો કે 'રંગતાળી રંગતાળી રે લોલ...' જમવા બેઠા હોઇએ, ત્યારે આવે, એમાં જમતા જમતા તાળીઓ પાડતા કેવી રીતે ફાવે ? એ ટીવીને વેચવા કાઢ્યૂં, તો લેનારો પૂછે, 'આની સાથે બીજું શું શું આવશે ?' મેં દાઝમાં કીધું, 'આની સાથે તો બસ...હું આવીશ...!' તો કહે, 'એવું નહિ...ઍટ લીસ્ટ, મહિનો ચાલે એવી કોઇ ચીજ આપો.'

આપણામાંથી ઘણા બધાનો પ્રોબ્લેમ અમારા જેવો છે. ઘરમાં કોઇ કામની રહી ન હોય, એવી ચીજો ય ફેંકી દેતા જીવ ન ચાલે, ભલે ઠેબાં ખાતી હોય ! આપણા જીવ પાસેથી ય બોધ નથી લેતા કે, ઉંમર થયા પછી શરીર હખળડખળ થવા માંડયું, એટલે એ ય શરીરનો મોહ રાખતો નથી ને ઉપડી જાય છે. આપણે એમાં પાછા આધ્યાત્મિક બની જઇએ છીએ કે, આત્મા અમર છે. ભલે રહ્યો, પણ આત્મો એકલો એકલો રખડે ન રાખે, માટે શરીરને છોડવા માંગતા નથી. મારી પાસે નકામી પૅનોના ઠોબરા પચાસ પડયા હશે, એમાંની એકે ય લખવા તો ઠીક, કાન ખોતરવાના કામમાં ય આવે એવી નથી.

હું તો છું જ મધ્યમ વર્ગનો, પણ અબજોપતિઓના ઘરમાં ય આવી જ હાલત જોઇ છે. ડોહાના ફોટા ઉપર બાવા બાઝી ગયા હોય છતાં ન બાવા કાઢે, ન ડોહાને કાઢે... આઇ મીન, એમના ફોટાને કાઢે. હિંચકાનો શોખ અનેકને છે, પણ ચીચૂડ-ચીચૂડ ન બોલે, એના માટે સળીયા ઉપર તેલ પૂરવાના રિવાજો રાખ્યા હોતા નથી. એક જમાનામાં ભલે પર્શિયન કાર્પેટ લીધી હોય, પણ આજે સદીઓ પછી એ જ કાર્પેટ પર્શિયાની નહિ, લખતર-વઢવાણમાં ય ન મળે, એવી થઇ ગઇ હોય. રોજ એમાં એમના ને એમના પગના અંગૂઠાઓ ભરાતા હોય ને છુંછા બહાર દેખાતા હોય...પણ પર્શિયન-કાર્પેટ છે ને...? એમ ન કઢાય !

હું અમેરિકા ગયો ત્યાં આપણા કરતા જુદું જોવા મળ્યું હતું. ઘરનો આવો સામાન એ લોકો ઘરની બહાર રોડ ઉપર પાથરીને મૂકી દે. જેને જે જોઇતું હોય, તે આવીને સાવ સસ્તામાં ભાવ કઢાવીને લઇ જાય. કોઇ પૈસા આપ્યા વિના જતો રહે (જો કે, એવું તો જવલ્લે જ બને !) તો ય ફિકર નહિ... ઘરમાંથી તો કચરો દૂર થયો ! ન્યુ ઑર્લિયન્સમાં આવા એક બંગલાની બહાર મેં આવો સામાન જોયો. એમાં એક બ્રાન્ડ-ન્યૂ સ્પૉર્ટ્સ-બાઇક (સાયકલ) જોઇ. હજી તો એના રૅપર પણ ઉખડયા નહોતા.

આગલે દિવસે ડીકેથ્લોન જેવા મોટા સ્ટોરમાં મેં એવી સાયકલ જોઇ હતી. કિંમત વાચીને અત્યારે ય હેડકીઓ આવે છે. ભારતીય ચલણ મુજબ, સવા લાખ રૂપિયા થાય ! મને થયું, ભૂલમાં બહાર મૂકાઇ ગઇ છે. ત્યાં એની ધોયળી માલકીન આવી. મેં એ સાયકલ સામે જોયું, તો મને કહે, 'તું ઇન્ડિયન લાગે છે..! કોના માટે લઇ જવી છે ?' મેં કીધું, 'મારા ગ્રાન્ડ-સન માટે !' તો ધોયળીએ સ્માઇલ સાથે એ સાયકલની ચાવી મારા હાથમાં મૂકતા કીધું, 'ઈટ્સ ફ્રૉમ મી...ઍન્જૉય ! તારા ગ્રાન્ડસનનો તું આટલો ખ્યાલ રાખે છે, એટલે પૈસા નહિ લઉં.'

આપણે પાછા ઇન્ડિયન ને ? એમ કાંઇ અણહક્કનું મફતમાં લેતા હોઇશું ? થોડા ગળગળા થઇને બહાનું કાઢીને હું નીકળી ગયો.

સિક્સર
સંસદ સભ્યોને પાંચ વર્ષ કામ કરવા (!) માટે લાઇફ-ટાઇમનું પૅન્શન અપાય છે. લશ્કર ઉપરાંતના સરકારી કર્મચારીઓ ૨૦-૨૦ વર્ષ સુધી નોકરી કરે ત્યારે નિવૃત્તિ વખતે એમને છેલ્લા પગારના ૫૦-ટકા જ મળે. પરંતુ પોતાની લાઇફ સરકારી નોકરીમાં હોમી દેનાર ૫-૧૪ વર્ષની ટર્મ માટે નોકરી કરનારાઓને એક રૂપિયો ય ન મળે. સંસદ સભ્યો નિવૃત્ત થાય ત્યારે પૂરો પગાર મળતો રહે.

મોદી સાહેબ, સરકારી કર્મચારીઓનો વાંક શું ? આમનો ન વધારો તો કાંઇ નહિ, સંસદ સભ્યોને લ્હાણી તો અટકાવો.

No comments: