Search This Blog

17/08/2016

શોભા ડે... બદનામ હોંગે, તો ક્યા નામ ન હોગા ?

મારી ઍનકાઉન્ટરકૉલમમાં ઘણા સવાલ પૂછે છે, મારે તમારા જેવા પ્રખ્યાત બનવું છે.. તો રસ્તો બતાવશો ?’

હવે તો રસ્તા સાવ આસાન થઇ ગયા છે. ટીવી કે અખબારો સામે તદ્દન વાહિયાત વાત કરો. બીજે દિવસે તમારા નામના ડંકા ! જુઓ. આટલા બધા રસ્તા નીકળી આવ્યા છે.

(૧) શોભા ડે મુંબઇની એક પત્રકાર છે. આજ સુધી મુંબઇ સિવાય એને કોઇ ઓળખતું નહોતું. એને પબ્લિસિટી જોઇતી હતી. તરત એણે કહી દીધું, ઑલિમ્પિકમાં ગયેલી ભારતીય ટીમો દમ વિનાની છે. આપણા ખેલાડીઓ ત્યાં સૅલ્ફી લેવામાંથી જ ઊંચા આવતા નથી. આનાથી ય વધારે આપણે ઉશ્કેરાઇ જઇએ એવું ય એણે કીધું છે. તે જાણતી હતી કે, એના આ નિવેદનોથી દેશભરમાં ભોચાલ મચશે. વૉટસએપીયાઓ મજાક કરી કરીને એને પબ્લિસિટી આપશે. ફિર ક્યા ? જેને મુંબઇની બહાર કોઇ ઓળખતું નહોતું, એને માટે નૅશનલ ન્યૂસથી માંડીને વૉટ્સઍપ કે ફૅસબૂક ઉપર ધૂમધામ પબ્લિસિટી ! શોભાને એ ખબર નથી કે, રિયો-ડી-જાનેરો ઑલિમ્પિકમાં ભાગ લેવા ગયેલી આપણી ટીમોમાંથી અનેક ખેલાડીઓને ત્યાં રમવાના શૂઝ પોતાના ખર્ચે ખરીદવા પડયા છે. ત્યાં આખી ટીમને એક ઓરડામાં માત્ર ખુરશીઓ કે જમીન પર લંબાવીને રાત કાઢવી પડી છે. શોભાને અફ કૉર્સ, બધાએ ઝાડી નાંખી છે, પણ એ તો એને જોઇતું હતું. બદનામ હોંગે, તો ક્યા નામ ન હોગા ? બે-ચાર જણા ગાળો દઈને રહી જવાના છે, પણ ચારે બાજુ શોભા... શોભા.. શોભા... તો વગર મફતનું થઇ ગયું ? બેવકુફ પત્રકારો અને સુપર-બેવકૂફ વૉટ્સઍપીયાઓ એક પૈસા લીધા વગર આવા લાકોને ફ્રી-ઑફ-ચાર્જ પબ્લિસિટી આપી દે છે ને દેશભરમાં એનું નામ થઇ જાય છે. (આ જુઓ, લેવાદેવા વગરની મેં ય પબ્લિસિટી આપી દીધી ને ?)

(
૨) જુઓ, હું ભારત દેશને ચાહું છું, એવું કહીશ તો કોઇ નોંધે ય લેવાનું નથી. પણ હું ભારત માતાની જય નહિ બોલું, એટલું કહેવામાં તો ટીવી પર મોટી મોટી ચર્ચાઓ શરૂ થાય. બે જણાની આની તરફ ને બે જણા પેલાની તરફ... કલાકની ચર્ચામાં પેલાનું તો નામ થઇ ગયું ? અસદુદ્દીન ઓવૈસી રોજબરોજ આવું કાંઇ ગતકડું શોધી લાવે છે ને પૂરૂં મીડિયા એની પાછળ ! એને જે પૈસા ખર્ચીને ન મળે, એ બધું એના ફોટા સાથે આખા દેશમાં ચમકે. ૧૫-મિનિટ માટે પોલીસ હટાવી લો, પછી જુઓ અમે શું હાલત કરીએ છીએ ! એવા મતલબનું કાંઈ નાનો ઓવૈસી અકબરૂદ્દીન હૈદ્રાબાદની એક મહોલ્લાની સભામાં બોલ્યો હતો. એ ત્યાં જ શમી જાત, પણ આપણા મીડિયાએ એના ભાઈ અસદુદ્દિનને આનો આ સવાલ પૂછી પૂછીને આખી દુનિયામાં પબ્લિસિટી અપાવી દીધી. ધર્માંતરણ કરાવવાનો ખેપાની ઝાકીર નાયકને કોઈ મહત્વ જ આપવાનું ન હોતું, એને બદલે મીડિયા રોજ એના ઇન્ટર્વ્યૂ લેતું, ટૉક-શો યોજતું. એને સામે ચાલીને ફ્રી પબ્લિસિટી મળી ગઈ.

બીજી બાજુ, સલીમવાળા ગીતકાર લેખક જાવેદ અખ્તરે રાજ્યસભામાં ટૅબલ પર મુઠ્ઠી પછાડી પછાડીને ભારત માતા કી જય બે વખત ઘાંટા પાડીને પૂરા દેશાભિમાનથી કીધું... કોઇ છાપા કે ટીવીએ એની નોંધ પણ ન લીધી !

(૩) માયાવતી એક સામાન્ય નેતા હતા. એ ઘણું બધું બોલતા, તો ય કોઇ કશું છાપતું નહોતું. પછી એક દિવસ એણે ઍલાન કરી નાંખ્યું, બ્રાહ્મણોની વિરૂધ્ધ... ફિર ક્યા..? આખા દેશની ટીવી-ચૅનલો પર માયાવતી જ માયાવતી ! એ પાછું હોલવાવા માંડયું, એટલે નવેસરથી એણે નવું નિવેદન આપ્યું, હું ને મારી પાર્ટી બ્રાહ્મણોને લઇને આગળ વધીશું. ફરી પાછું મીડિયા એના ઘરે !

(૪) તમારામાંથી હવે તો બહુ ઓછાને યાદ હશે કે, આચાર્ય રજનીશ શરૂશરૂમાં અમદાવાદના પ્રિતમનગરના અખાડામાં માંડ કોઇ ૫૦-૬૦ શ્રોતાઓની હાજરીમાં પ્રવચનો કરતા. હું નાનો અને મને યાદ છે કે, ફિલ્મ નવરંગનો હીરો મહિપાલ પણ ત્યાં આવતો અને હું એમની સાથે બેસીને રજનીશજીને સાંભળતો. એ પછી સાધારણ લોકપ્રિયતા વધી, એટલે રજનીશજીના પ્રવચનો ઍચ.કે. કૉલેજના હૉલમાં યોજાવા માંડયા, પણ હૉલની કૅપેસિટી જ માંડ ૪૦૦-૫૦૦ની, એટલે એમની લોકપ્રિયતા કેવી હશે ?

પણ અચાનક એક દિવસ એમણે મહાત્મા ગાંધીના વિરૂધ્ધમાં કોઇ વાત કરી. બસ... ! એક અઠવાડીયામાં રજનીશજી દેશભરમાં ચર્ચાતા થઇ ગયા. લોકો એમના પ્રવચનોમાં ભીડ કરવા માંડયા. એ જ્ઞાાની હતા, એમાં બે મત નથી, પણ નામ રોશન કરવા માટે ઉશ્કેરણીજનક કંઈક તો બોલવું પડે, એની એમને ખબર !

(૫) નસિરુદ્દીન શાહના ફિલ્મોમાં આમ તો સંપૂર્ણ કલાકાર કહી શકાય એવો તગડો અભિનેતા છે, પણ એણે કેવો મસ્ત મજાનો સ્ટંટ કર્યો ? એણે પ્રેસને એવું કાંઇ કહી દીધું, કે આ દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચનને હું પરફૅક્ટ ઍક્ટરો માનતો નથી. અસલી ઍક્ટર તો શમ્મી કપૂર છે. દિલીપ-અમિતાભે જે કાંઇ કર્યું છે, તે અમે બધા ઍક્ટરો કરી શકીએ, પણ શમ્મી જેવું કરી બતાવવું કોઇના હાથની વાત નથી. એણે તો રાજેશ ખન્ના માટે ય એવું કહી દીધું કે, એ બહુ નબળો ઍક્ટર હતો. દેશભરના મીડિયાએ એ વાતને ચગાવી.

ખૈર, નસિરે જે કાંઇ કહ્યું, એ નસિરે કીધું હતું માટે મીડિયાએ ચગાવ્યું અને રાતોરાત દેશભરના ટીવી-છાપાઓમાં એને પબ્લિસિટી મળી ગઇ. આ જ નસિરે આમિરખાન અને એ.આર. રહેમાનની માફક એમ પણ કહ્યું હતું કે, ભારતમાં મુસલમાનો માટે અસહિષ્ણુતા છે. બસ. ધાર્યા કરતા ય વધારે પબ્લિસિટી મળી ગઈ.

બીજી બાજુ, અનુપમ ખેર કાશ્મિરી પંડિતોના પુર્નવસન માટે ચીસો પાડી પાડીને બોલે છે... કોઇ ટીવીવાળો ફરકતો નથી !

(૬) વિવાદાસ્પદ કમૅન્ટ કરીને લાઇમ-લાઇટમાં આવવાની શરૂઆત ઇંદિરા ગાંધીના ખાસ ચમચા દેવકાંત બરૂઆએ, ઇન્દિરા ઈઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા કહીને કરી હતી. કૉંગ્રેસમાં તો એ સિલસીલો આજ દિન સુધી ચાલતો રહ્યો છે. દિગ્વિજયસિંઘને તો પરાણે બંધ કરવા પડયા છે, નહિ તો બાફવામાં એ રાહુલ ગાંધીના ય કાકા થાય એમ છે. પણ એ જે કાંઇ બોલતા, બધું ટીવી-છાપાઓમાં આવતું અને એમને એટલું તો જોઇતું હતું. લાલુ-મુલાયમ બેવકૂફીભર્યા નિવેદનોથી જ મશહૂર થયા છે.

(૭) નરેન્દ્ર મોદી ય કોઇનાથી કમ નથી. આટલા વખત પછી એ ગૌરક્ષકો માટે બોલ્યા અને ખખડાવી નાંખ્યા કહેવાતા ગૌરક્ષકોને ! બરોબર છે, પણ ગૌહત્યા કરનારાઓ માટે બે શબ્દ તો બોલો, ભાઈ ! પાકિસ્તાનના આતંકવાદીઓ રોજ આપણા ૫-૭ સૈનિકોને મારી નાંખે છે ને મોદી એક અક્ષરે ય બોલતા નથી. લોહી આપણું ગરમ થઇ જાય છે, પણ મોદી તો શાંતિદૂત બનીને, નોબેલ પારિતોષિક મેળવવાની લાઇનમાં ઊભા હોય એમ પાકિસ્તાનને એક નાનકડી ય સંભળાવતા નથી... સામે ચાલીને મારી આવવાની વાત તો દૂર રહી !

(૮) બે બદામના નેતાઓની ગાડીની પાછળ કૅમેરા સાથે ભમભમભમ દોડતા જઈને, કારની બારીમાંથી એમનો લૂછલૂછ ઈન્ટરવ્યૂ લેવો, એમાં મીડિયાનું સ્વમાન ક્યાં ગયું ? મીડિયાને તો ચોથી જાગીર કહેવાય છે. સત્તર વાર પૂંછડી પટપટતી હોય તો નેતો હાથ જોડતો તમારી પાસે આવે, એને બદલે મંદિરમાં પ્રવેશતા જ પંડાઓ ભક્તની આજુબાજુ હાથ જોડતા આજીજીઓ કરે છે, એ કક્ષાએ આપણું ઇલૅકટ્રોનિક મીડિયા પહોંચ્યું છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન એકબીજાને મળ્યાં,  નૅશનલ ન્યૂસ થયા ? ઉત્તર પ્રદેશના છેવાડાના ગામની ભાગોળે ૩૦-ફૂટ ઊંડા ખાડામાં નાનું બાળક પડી ગયું, એ ઘટના દુઃખદ ચોક્કસ છે, પણ એનું લાઇવ-ટૅલીકાસ્ટ...??? રોજ બળાત્કાર અને ગૅન્ગરૅપ સિવાય તમારી પાસે બીજી કોઇ સ્ટોરી જ નથી ? દેશમાં કોઇ સારી ઘટનાઓ બનતી જ નથી ? કબુલ કરો કે, ટીવી પર રોજ ન્યૂસ જોઇને આપણું મગજે ય વિકૃત થઈ જાય છે !

(૯) યૂ-ટયુબ પર પાકિસ્તાનને લગતી ચૅનલો જુઓ તો ખ્યાલ આવશે કે, ત્યાંનું નાનું છોકરૂં ય ભારતને ગાળો દે છે. ત્યાંના હરકોઈ નાગરિકના રોમેરોમમાં ઝેર વ્યાપેલું છે ભારતની વિરૂધ્ધમાં, ત્યારે આપણે સામે ચાલીને ત્યાં વાટાઘાટો કરવા જઇને મોંઢું કાળું કરીએ છીએ ! આપણા ધર્મગુરૂઓ આપણને કેવળ ઑમ નમઃશિવાય અને જય જીનેન્દ્ર જ બોલતા શીખવે છે... ભારત માતા માટે કેમ એક શબ્દ પણ નહિ ? એક માત્ર જૈન મુનિ ચંદ્રશેખર વિજયજી ભારત દેશ માટે કે દેશની ભક્તિ માટે જૈનોને સાચી સલાહ આપતા હતા. આજે કયા મુનિ દેશનો ઉલ્લેખ ય કરે છે ?

(
૧૦) દાયકાઓ પહેલા-જ્યારે ફિલ્મસ્ટાર માલા સિન્હા ટૉચની ઍકટ્રેસ હતી, ત્યારે એના ઘેર ઇન્કમટૅક્સનો દરોડો પડયો અને એના બાથરૂમની છત તોડતા એમાં છુપાવી રાખેલી કાળાધનની નૉટોનો વરસાદ થયો. માલા કોઇને મોઢું બતાવી શકતી નહોતી, એટલી શરમ આવી ગઇ હતી અને આજે ? જેને બંગલે દરોડો પડે છે, એ ઘરના છોકરા-છોકરીના લગ્નના બજારમાં ભાવ ઉચકાઇ જાય છે. પાર્ટી ખમતીધર છે ! દરોડો પડવો એ હવે ગૌરવ ગણાય છે.

(૧૧) આ બાજુ કૉંગ્રેસ પાર્ટીને જુઓ. નૅકસ્ટ ઇલૅક્શનમાં મારે/તમારે ભાજપને બદલે કૉંગ્રેસને વોટ આપવો હોય તો કયા મુદ્દા ઉપર આપવો ? ભાજપને ભાંડવા સિવાય બીજો એક્કે ય મુદ્દો જ નથી એમની પાસે ? દેશ માટે કે પાકિસ્તાન માટે કે દેશના વિકાસ માટે તમે શું કરી શકો એમ છો, એનું એક વાક્ય તો બોલી જુઓ ! મોદીને હટાવ્યા પછી, ખુદ તમારી પાસે એકે ય એવો ખમતીધર માણસ છે, જે દેશનો વડાપ્રધાન બની શકે ? અને આ બાજુ, મીડિયા કોઇ નહિ ને આપને માથે ચઢાવી રહ્યું છે. ભઇ જુઓ તો ખરા કે, કેજરીવાલમાં નામનો ય કોઈ ભલીવાર છે ? મીડિયા ભૂલી ગયું છે કે, જે અન્ના હજારેને લેવાદેવા વગરના તમે હીરો બનાવી દીધા હતા, એ ક્યાં ગયા ? દેશ માટે શું કરે છે ? શું કર્યું ? મીડિયા ફોટા પાડવા આવતું હતું, તે મહાત્મા ગાંધીની સમાધિ પાસે એ ય એ જ મુદ્રામાં પલાંઠી વાળીને બેસી ગયા ને મીડિયાએ દેશભરમાં ચમકાવી દીધા... પણ પછી શું થયું ? આજે એ કેમ કાંઇ બોલતા નથી ? ને બોલે તો ય એમનું કોઈ માન છે ?

(
૧૨) અમારા લેખકો ય ઓછા નથી. આજ સુધી કોઇએ નામ ન સાંભળ્યું હોય, એવાએવાઓને મોટા ઍવૉર્ડસ મળે ને કાંઇ છાપા કે વાચકે નોંધ પણ ન લીધી હોય, એ બધાએ કહેવાતી અસહિષ્ણુતાના નામ પર એ ઍવૉર્ડસ પાછા આપવા માંડયા ને, લો કલ્લો બ્બાત....દેશભરના મીડિયાએ આવા લેખકોને રાતોરાત હીરો બનાવી દીધા. નૅશનલ લૅવલે જેમને આવા ઍવૉર્ડસ મળ્યા છે, એમનું પ્રદાન વિચારવા જઈએ તો ગૂંચવાઈ જવાય કે, આમનું તો કોઇએ નામ પણ સાંભળ્યું નથી !

સિક્સર
ધી ગૉડફાધર ફિલ્મનો ત્રીજો ભાગ જોતા ડૉન માઇકલ કૉર્લિયોન કહે છે, તમારા દુશ્મનને ધિક્કારો નહિ. એનાથી તમારા જજમૅન્ટને અસર પડે છે.’ 

2 comments:

Unknown said...

Badha y n haki naykha Ashok bhai tme to.....Must Read Article

Anonymous said...

Shobha ne to khas zatki chhe