Search This Blog

12/08/2016

'લાટ સાહબ' ('૬૭)

ફિલ્મઃ'લાટ સાહબ' ('૬૭)
નિર્માતા : ઈન્ટરનેશનલ એન્ટરપ્રાઇઝ
દિગ્દર્શક : હરિ વાલિયા
સંગીત : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ
થીયેટર : એલ.ઍન. (અમદાવાદ)
કલાકારો : શમ્મી કપૂર, નૂતન, પ્રેમ ચોપરા, રાજેન્દ્રનાથ, લલિતા પવાર, મુરાદ, રામઅવતાર, ઈંદિરા બિલ્લી, ઓમપ્રકાશ અને વેદના સાવંત.


ગીતો

૧. જાને મેરા દિલ કિસે ઢૂંઢ રહા હૈ... મુહમ્મદ રફી
૨. સવેરેવાલી ગાડી સે ચલે જાયેંગે... મુહમ્મદ રફી
૩. દિલ લે ગઇ, લે ગઇ, એક ચુલબુલી... મુહમ્મદ રફી
૪. મુઝે જબ સે મુહબ્બત હો ગઇ... લતા મંગેશકર
૫. અય ચાંદ જરા છુપ જા, અય વક્ત... આશા-રફી
૬. તન મેં અગ્નિ મન મેં ચૂભન, કાંપ... આશા-રફી

કેટલીક ફિલ્મો જોતી વખતે મહીંમહીં ધીમો ગુસ્સો ચઢવા માંડે. આવી ફિલ્મ જોવા બેઠા છીએ, એટલે બન્ને હથેળીઓ એકબીજા સાથે ચુસ્ત ભીંસીને આખા બૉડી સાથે તરડાતા-મરડાતા હોઇએ, આવી ફિલ્મના લેખક અને દિગ્દર્શક માટે આવડે એટલી ગાળો મનમાં ઘુંટયા કરીએ કે, સાલી કોઇ ફિલ્મ આટલી હદે ફાલતુ હોઇ શકે ? ફિલ્મ 'પાકીઝા'માં મીના કુમાર ઉપર બળાત્કાર કરવા આવેલા અત્યંત કદરૂપા વિલન જગદિશ કંવલ જેવાએ વાર્તા લખી હોય અને અગાઉની કોઇ ફિલ્મમાં શહૂર નહિ બતાવી શકેલા હરિ વાલિયાએ ડાયરેક્શન કર્યું હોય...

તમે ગુસ્સો કાબુમાં એટલે રાખી શકો કે, ખુદ પર ગુસ્સો ચઢ્યો હોય કે, કોણ કહેવા આવ્યું હતું, આવી ફિલ્મ જોવા માટે ? શમ્મી કપૂરના ફૅન હો, એટલે આવી રદ્દી ફિલ્મમાં કામ કરવા બદલ એને માફ કરી દેવાનો ? નૂતનનું તો જૉનર પણ નહિ, આવો રોલ કરવાનું પણ અગાઉ શમ્મી સાથે ફિલ્મ 'બસંત'માં એણે આવો જ ફાલતુ રોલ કર્યો હતો, એટલે શમ્મીની જેમ એને ય માફ કરી શકાય કે, એ જમાનામાં વળી સારી ફિલ્મો બનતી હતી ય ક્યાં ? આખરે તો આ ફિલ્મનગરીમાં હર કોઇ પૈસા કમાવવા તો આવે છે ! અને નૂતન કે શમ્મી જેવા અદભુત કલાકારો ક્યાં સુધી સારી ફિલ્મની રાહ જોઇને બેસી રહે ?

આ ફિલ્મના દિગ્દર્શક એક વિચિત્ર કારણે યાદ રાખવા પડે છે કે, આપણા સહુના ચહિતા સંગીતકાર રોશનનું મૃત્યુ દારૂ પીતા પીતા આ હરિ વાલિયાના ઘરમાં થયું હતું. 'ગમે હસ્તિ સે બસ બેગાના હોતા, ખુદાયા કાશ મૈં દીવાના હોતા...' જેવું વેદનાસભર 'રફીયન' ગીત જેનું હતું, એ શમ્મી કપૂરવાળી જ ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ' પણ હરિભાઇએ ઉતારી હતી અને '૭૩માં એક જમાનાની ઍર હૉસ્ટેસમાંથી હીરોઇન બનીને ઍકસ્ટ્રાના રોલ કરવા માંડેલી ફરિયાદ અને અન્ડરવર્લ્ડના મરહૂમ ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીને પરણેલી અને નિગાર સુલતાનની દીકરી હિના કૌસર સાથે સંજીવ કુમાર અને પ્રદીપ કુમારને લઇને ફિલ્મ 'દૂર નહિ મંઝિલ' બનાવીને હરિભાઇએ થૅન્ક ગૉડ... નિવૃત્તિ લઇ લીધી હતી.

શમ્મી કપૂરની કરમ-કઠણાઇ કહો તો એમ, પણ આવી ફાલતુ ફિલ્મમાં ય એણે અભિનય તો કપૂર-ખાનદાનને શોભે એવો ઉત્તમ આપ્યો છે. મને આશ્ચર્ય અને છલોછલ કદર એ કારણે થાય કે, '૬૧માં ફિલ્મ 'જંગલી'માં એ જેવો દેખાય છે, એવો જ સોહામણો અને શરીરે તદ્દન ફિટ '૬૭માં બનેલી આ ફિલ્મમાં પણ દેખાય છે. એના કમનસીબે હરિભાઇએ આ ફિલ્મ સ્વ. ગીતા બાલીને અર્પણ કરી છે. આમ તો શમ્મી-ગીતા ફિલ્મ 'રંગિન રાતેં'ના શૂટિંગથી પ્રેમમાં પડી ગયા હતા, પણ ગીતા બાલીએ પ્રેમનો એકરાર હરિ વાલિયાની ફિલ્મ 'કૉફી હાઉસ' વખતે કર્યો. ચાલુ શૂટિંગે બન્ને ''આવીએ છીએ...'' કહીને મંદિરમાં જઇને લગ્ન કરી લીધા હતા,ત્યારે એક માત્ર આ હરિ વાલિયા ઉપસ્થિત હતા. બસ, '૬૭ની આ ફિલ્મ પછી હીરો તરીકે શમ્મીએ છેલ્લી ફિલ્મ 'બ્રહ્મચારી'માં કામ કર્યું. આમ તો રાજેશ ખન્ના-હેમા માલિનીવાળી ફિલ્મ 'અંદાઝ'નો ય એ હીરો તો કહેવાય જ, પણ સમજીને પોતાના વળતા પાણી અને ચઢતી ચરબી પારખીને શમ્મી ચરીત્ર-અભિનેતા બની ગયો. હવે આ મહાન અભિનેતાના નામ આગળ 'સ્વર્ગસ્થ' લખવું પડે છે, 'સ્વ. શમશેરરાજ કપૂર'.

યસ. આવી નબળી ફિલ્મમાં શમ્મીના અભિનય ઉપરાંત બે ચીજો સરાહનીય છે, એક તો કાશ્મિરના પહાડો, મેદાનો અને ખીણોની મનોરમ્ય રંગીન ફોટોગ્રાફી અને બીજું, 'ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂ'ની જેમ, શંકર-જયકિશનને ય ખ્યાલ આવી ગયો હશે કે, આપણા આંટા આવી ગયા છે, છતાં ય આ ફિલ્મના બે-ત્રણ ગીતોમાં એ જ અસલી ટચ દેખાય છે-ખાસ કરીને, ફિલ્મ 'રાજકુમાર'ના આશા-રફીના 'દિલરૂબા, દિલ પે તૂ' સ્ટાઇલમાં બનેલા, 'તન મેં અગ્નિ મન મેં ચૂભન,...' ગીતમાં. 'અય ચાંદ જરા છુપ જા' એ ગીત પણ એ જમાનામાં રેડિયો પર બહુ વાગતું.

પણ શંકર-જયકિશનનો અસલી સ્પર્શ રફીના 'સવેરેવાલી ગાડી સે ચલે જાયેંગે' બિલકુલ શમ્મી-સ્ટાઇલથી ગવાયું અને બન્યું છે. જોવાની ખૂબી એ છે કે, જયકિશન, રફી અને શમ્મી-એક બીજાના અંતરંગ દોસ્તો, છતાં આ જ ત્રિપુટી ફિલ્મ 'ઉજાલા'માં કેમ અંશતઃ ખંડિત થઇ ? એમાં રફીનું એક જ ગીત હતું, હીરો શમ્મી હોવા છતાં.

યસ યુવાનીમાં બુધ્ધિ વધારે હશે, એટલે આ ફિલ્મ હજી સુધી જોઇ નહોતી, પણ કાલા ચસ્મા પેહના, તો 'ભાઈ' બનના પડતા હૈ, ક્યા ભીડુ...?'ના જોર પર આ ફિલ્મ જોવી પડી, ત્યાં સુધી ગીતના આ શબ્દો, 'સવેરેવાલી ગાડી સે ચલે જાયેંગે'નો રૅફરન્સ સમજાતો નહતો, પણ ભલે બેવકૂફીછાપ વાર્તા હતી, છતાં શૈલેન્દ્રએ પોતાની કમાલ છોડી નહોતી. ફિલ્મની વાર્તા મુજબ, ગરીબ કઠિયારા શમ્મીમાં લલિતા પવારને સપનાં આવે રાખે છે, 'પૂરનમાશી કી રાત તેરે બેટે કી આખરી રાત હોગી', એવી ધમકીઓ સ્વયં યમરાજા લલિતાને આપે છે, એમાં આગલી રાત્રે 'ગાંવવાલો' સાથેના મેદાની-જશ્નમાં શમ્મી આ શબ્દોવાળું ગીત ગાય છે.

વિલાયત ભણીને આવેલી નિક્કી (નૂતન) આ ગરીબ કઠિયારાના પ્રેમમાં પડે છે, પણ બદમાશ ખલનાયક પ્રેમ ચોપરા, આ ફિલ્મમાં આવીને હોલવાઇ ગયેલી ભોલી (નવી અભિનેત્રી વેદના સાવંત) ઉપર બળાત્કાર જેવા કોઠાકબાડાં કરે રાખે છે, એમાં એને ઓમપ્રકાશનો ભરચક ટેકો. નૂતનના પિતા રાય સા'બ (મુરાદ) પ્રેમ ચોપરાને જમાઇ બનાવવા માંગે છે. શમ્મી ઉપર 'ભોલી કે બચ્ચે કા બાપ'નો આરોપ મૂકાય છે. તમને સમજણ ન પડે કે, શમ્મીની માં આવો આરોપ માની શું કામ લે ? હે ય... કમ ઑન, આવું તો ટનબંધ માની ન શકાય એવું ફિલ્મમાં છે, જેમ કે એનો અંત. યમરાજા 'એક બુઢી માં'ના વાત્સલ્ય સામે ઝૂકીને મૃત્યુનું આખું ઍકાઉન્ટ ફેરવી નાંખે છે અને શમ્મીને બદલે એની માં ને ઉપાડીને હેંડતા થાય છે.... એની માં ને !

યસ. બેવકૂફી તો બેવકૂફી પણ રાજેન્દ્રનાથના પરદા ઉપર જુઓ, એટલે હસવું તો આવવા માંડે જ, એની બફૂનરી સ્ટૅન્લી લૉરેલ (હાર્ડી)ની સીધી ઉઠાંતરી હતી, છતાં ય, આ મહાન કલાકારે બેશક એક નોખા કૉમેડિયન તરીકે વર્ષો સુધી જગ્યા બનાવી રાખી હતી.

ક્યાંથી માનવામાં આવે કે, પ્રેમનાથના આ નાના ભાઇ અંગત જીવનમાં ભાગ્યે જ હસ્યા હશે ! આશા પારેખે કીધેલી વાત મુજબ, શૂટિંગનું દ્રશ્ય ગમે તેવું કૉમિક હોય, શૉટ આપી દીધા પછી રાજેન્દ્રનાથ એકદમ મૌન થઇ જતા. ન છુટકે જ કોઇની સાથે વાત કરે. ઓહ, હસવા-હસાવવાની તો કોઇ વાત જ નહિ ! 'પોપટલાલ' તરીકે વધુ મશહૂર થયેલો આ અભિનેતા શમ્મી કપૂરનો બાળપણનો દોસ્ત હતો. બન્ને નાના હતા, ત્યારે પોતપોતાના મોટાભાઇઓના મશહૂર નામો વટાવીને ઈરાની રૅસ્ટોરાંમાં મફત મસ્કાબન-ચાય પી આવે. શક્ય હોય ત્યાં સુધી શમ્મીએ પોતાની ફિલ્મોમાં રાજેન્દ્રનાથને લેવાની ભલામણ કરતો..

રામઅવતારની જેમ ! 'તીસરી મંઝિલ'ના ટ્રેન-દ્રશ્યમાં જે જાડીયાને હસાવીને લોટપોટ કરી નાંખે છે, એ રામઅવતાર પણ શમ્મીની ફિલ્મોમાં હોય. એ જમાનામાં રાજ-દિલીપ-દેવ પોતાની તમામ ફિલ્મોમાં પોતાના માનિતા સ્ટાફને અચૂક કામ અપાવતા, એમ ફિલ્મ 'લાટ સાહબ'માં પણ શમ્મીએ ઈંદિરા બિલ્લીને ખાસ આગ્રહથી લેવડાવી હતી. 'લખનૌ મેં ઐસી કૌન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે !' 'જાની' રાજકુમારનો મૂલ્કમશહૂર ડાયલૉગ જે તવાયફ માટે બોલાયો હતો, તે માંજરી આંખોવાળી 'ઈંદિરાનું 'બિલ્લી' ઉપનામ આંખોને કારણે જ પડયું હતું. આ બિલ્લી એવી ચીજ હતી, જેની સાથે ફિલ્મ પૂરતા સંબંધો રાખવાની પણ ભલભલા હીરોની વાઇફ પસંદ નહોતી કરતી. '૬૦ના દશકમાં દારા સિંઘની ફિલ્મોમાં એ છવાયેલી રહી હતી.એનું સૅક્સથી ભરપૂર રૂપ કોઇને પણ પાગલ કરવા માટે કાફી હતું, એમાં શમ્મી કપૂરનો ય શું વાંક ? અલબત્ત, આ ફિલ્મમાં બિલ્લી કૉમેડિયન રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે.

યસ. ઘણા પૂછશે કે, 'લાટ સા''નો અર્થ શું ?

બ્રિટિશરોના રાજમાં અંગ્રેજ અફસરો, ભારતીયો પાસે પોતાને માટે 'લૉર્ડ સાહિબ' સંબોધન વપરાવાનો આગ્રહ રાખતા. ઉચ્ચાર જલ્દી કોઠે પડયો નહિ અને 'લૉર્ડ' શબ્દ અપભ્રંશ થતો થતો 'લાટ' બની ગયો. તમારામાંથી ઘણાએ પેલો ખાખી ટોપો પહેરેલા અંગ્રેજો યાદ હશે, એ આવા ખાખી ટોપા પહેરીને પોતાને 'લાટ સા'' કહેવડાવતા. એ વાત જુદી છે કે, આ ફિલ્મના નામ સાથે એને કોઇ નહાવાનો ય સંબંધ નથી. શમ્મીએ પોતાની ફિલ્મોમાં પોતાનું નામ મશહૂર કરતા ટાઇટલ્સ ગમતા, 'જંગલી, જાનવર, બદતમીઝ, બ્લફ માસ્ટર, પ્રોફેસર, લાટ સા'બ... વગેરે વગેરે.

બસ. લેખ વાંચ્યા પછી એવું ફીડબૅક ન આપતા કે, કમ-સે-કમ... લેખ કરતા તો ફિલ્મ વધારે સારી હશે !

No comments: