Search This Blog

05/08/2016

'મેમસાહિબ' ('૫૬)

ફિલ્મ : 'મેમસાહિબ' ('૫૬)
નિર્માતા-દિગ્દર્શક : આર.સી. તલવાર
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ
કલાકારો : મીના કુમારીશમ્મી કપૂરકિશોર કુમારકુમકુમપ્રતિમાદેવીશિવરાજજ્ઞાનીમેહમુદમીસ માયાદાસઓમપ્રકાશમુન્નાબાઇરણધિર અને રાધેશ્યામ.




ગીતો
૧. ચુન્ની મુન્ની મુનિયા આઓ દિખાયે જી... આશા ભોંસલે
૨. હમારી ગલી આના, અચ્છા જી... આશા-તલત મેહમુદ
૩. પ્યારકી ઘડીયાં ગીનગીન દેખતે હૈં સપને... આશા ભોંસલે
૪. કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે... આશા-તલત મેહમુદ
૫. ઈશ્ક એક ઝહેર હી સહિ, ફિર ભી પિયે જાતા હૈ... આશા ભોંસલે
૬. દિલ દિલ સે મિલાકર દેખો, નઝરોં મેં સમાકર... આશા ભોંસલે
૭. દિલ દિલ સે મિલાકર દેખો, નઝરોં મેં સમાકર... કિશોર કુમાર

પહેલી આંચકી તો મીના કુમારી સાથે શમ્મી કપૂરને જોઇને લાગે, બીજી શમ્મી સાથે કિશોર કુમારને જોઇને લાગે... ત્રીજી, એ ત્રણેને એક ફિલ્મમાં સાથે જોઇને લાગે. આ કયા પ્રકારનું કૉમ્બિનેશન ? ધૂમઘાં તોફાની શમ્મી-કિશોર સાથે દયાની દેવી મીના કુમારી ? આપણે તો આવી કોઇ ફિલ્મ બની છે, તે ય નહોતા જાણતા. બસ, રેડિયો સીલોન પર મદન મોહનના સંગીતમાં તલત-આશાનું કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે, હાં મેરે લિયે..ને કારણે મેમ સાહિબનામની કોઇ ફિલ્મ હશે, એવો અંદાજ લગાવતા હતા. પણ જોયા પછી તો ફિલ્મ સારી અને ઘણી જુદી લાગી. શમ્મી કપૂર, કિશોર કુમાર કે મીના કુમારીના ચાહક હો અને સીડી મંગાવીને જોશો તો પૈસા પડી જાય એવા નથી. પણ, સંગીત મદન મોહનનું અને લતા મંગેશકરનું એકે ય ગીત નહિ ? એ તો ઠીક, પણ આશા ભોંસલેને એ જમાનામાં હીરોઇનને પ્લેબેક આપવાના ગીતો તો અમથા ય બનતા નહોતા. હોય તો ય, બહુ ફાલતુ ફિલ્મની ફાલતુ હીરોઇનના ગીતો આશાને મળ્યા હોય, ત્યારે અહીં આ ફિલ્મ મેમસાહિબમાં મદન મોહને આશાને સ્વયં મીના કુમારી માટે ગવડાવ્યું છે અને કિશોરના એક સોલોને બાદ કરતા તમામ ગીતોમાં આશા મૌજુદ !... જરૂર દાલ મેં કુછ... કાલા નહિ. દાલ મેં કુછ આશા હૈ !

એ વાત પછી જુદી થઇ કે, મદન મોહન આટલા ગ્રેટ સંગીતકાર હોવા છતાં, ઈવન લતા મંગેશકરના જ ગીતો હોય તો પણ ગીતોની સફળતાનો સ્ટ્રાઇક-રેટ બહુ સામાન્ય એટલે કે નીચા સ્તરે રહેતો, ત્યારે આ ફિલ્મમાં તો અન્ય સંગીતકારોની જેમ મદન મોહન પણ કિશોરના કંઠનો કોઇ સફળ ઉપયોગ કરી શક્યા નહિ. તલતના બહુ ચાહક હો, તો કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે...એ આશા સાથેનું યુગલગીત અને કિશોર-આશાના અલગ-અલગ સોલોમાં ગવાયેલું દિલ દિલ સે મિલાકર દેખો, નઝરોં મેં સમાકર દેખો...સાંભળ્યા હોય ખરા... ગમ્યા હોય, એવું તો હું બોલ્યો ય નથી ! એ સિવાય આ ફિલ્મનું આપણે નામ પણ સાંભળ્યું નહોતું. મદન મોહનને ગાવાનો શોખ તો ઘણો હતો અને ફિલ્મમાં સંગીત પોતાનું હોય પછી છોડે ? આ ફિલ્મમાં પણ ભજનના એક-બે મુક્તકો એ પોતે ગાય છે.... અને સારૂં જ ગાય છે ! બજારમાં મળતી સીડી-માં મદન મોહને નૈના બરસે રીમઝીમ રીમઝીમ..જેવા ૭-૮ લતાએ ગાયેલા ગીતો સાંભળી શકાય છે.
* * *
શમ્મી કપૂર હિંદી ફિલ્મોમાં આવ્યો, એમાં કપૂર-ખાનદાનની કોઇ કમાલ નહોતી. તમામ કપૂરોને જાતમેહનત અને જાત-નસીબથી આગળ આવવાનું હતું, એ ધોરણે શમ્મીની પ્રારંભની તમામે તમામ ૧૯ ફિલ્મો સુપરફ્લૉપ નિવડી હતી, તેમાંની એક આ. પ્રેક્ષકોથી માંડીને નિર્માતાઓ આક્ષેપ એવો કરતા કે, શમ્મી એના મોટા ભાઇ રાજ કપૂરની નકલ માત્ર કરે છે !

બેવકૂફો વાત કરતા હોય ત્યાં સમજદારે ચૂપ રહેવું જોઇએ,પણ હું અહીં ચૂપ નહિ રહું... મૈં ચૂપ નહિ રહુંગા...! એ વાત સોળે આના સાચી (ભ', 'આના' એટલે શું, એ નવી પેઢીનો કોઇ વાચક તમને પૂછે તો જરા સમજાવી દેજો ને ! હું નહિ પહોંચી વળું !) કે, દેખાવમાં (એ તમામ ફિલ્મોમાં મૂછો રાખવાને કારણે શમ્મી આબેહૂબ રાજ કપૂર જેવો લાગતો હતો, પણ એ વાત તદ્દન બોગસ કે, શમ્મીએ એક પણ ફિલ્મના એક પણ દ્રશ્યમાં રાજ કપૂરની (કે અન્ય કોઇની) નામ પૂરતી ય નકલ કરી હોય. અરે, એ પોતે ક્યાં કોઇથી કમ ઍક્ટરહતો, તે નકલબાજી મારવી પડે ! બસ, નસીબનો અભાગીયો ચોક્કસ હતો, કે આવી એ બધી ફિલ્મો તદ્દન ફ્લૉપ ગઇ. (શશી કપૂરની પણ એ જ કહાણી છે ને ?)

પણ જ્યાં દિલ દે કે દેખોઆવી અને નાસિર હુસેને શમ્મીની મૂછો ઉતરાવી નાંખી અને સીરિયસને બદલે કપડેલત્તે કે સ્ટાઇલમાં હૉલીવૂડના ઍલ્વિસ પ્રેસલી બ્રાન્ડનો દેખાવ કરાવી દીધો, ત્યારથી ગાડીએ સ્પીડ પકડી. આ ફિલ્મ એટલી હદે હિટ ગઇ કે, અચાનક શમ્મી બધાને ગમવા માંડયો અને એમાં ય તુમ સા નહિ દેખાઅને જંગલીજેવી શમ્મી-બ્રાન્ડની ફિલ્મોમાં એણે જંગલી-જાનવર રૂપ ધારણ કર્યું, પછી બોલબોલા ચારેકોર થવા માંડી.

સાચા અર્થમાં એ એ સમયનો સુપરસ્ટાર બની ગયો. શમ્મી કપૂરને પ્લેબૅક તલત મેહમુદે આપ્યું છે. મુહમ્મદ રફીના ચાહકોને જરા ગળે નહિ ઉતરે, પણ શમ્મી-રફી આટલા સીમેન્ટછાપ દોસ્તો હતા, છતાં શમ્મી માટે પહેલું ગીત તલત મેહમુદે ગાયું હતું. તલત તો આમે ય ભારે મીઠડો ગાયક હતો. એ એની કમનસીબી કે મૂકેશ, મન્ના ડે કે હેમંતની માફક સંગીતકારોએ તલતને પણ ગરજ પૂરતો જ લીધો.

જોકે મદન મોહન તલતનો ચુસ્ત ચાહક હતો. એની સાબિતી ઓમપ્રકાશે બનાવેલી ફિલ્મ જહાનઆરાના બે-ત્રણ ગીતો તલત પાસે ગવડાવ્યા, (‘તેરી આંખ કે આંસુ પી જાઉં, ઐસી મેરી તકદીર કહાં...’, ‘ફિર વો હી શામ, વો હી ગમ વો હી તન્હાઇ હૈ...અને અય સનમ આજ યે કસમ ખાયેં’ (લતા સાથે) મૈંતેરી નઝર કા સુરૂર હું... એમાં ઓમપ્રકાશ સાથે ઝગડો થઇ ગયો હતો, જે કેવળ રફીનો અવાજ લેવા માંગતા હતા. પણ મદન મોહને ફિલ્મ છોડી દેવાની ધમકી આપી, એટલે તલતના ગીતો આવ્યા. જો કે, રફીના બે ગીતો કિસી કી યાદ મેં દુનિયા કો હૈ ભુલાયે હુએ...અને બાદ મુદ્દત કે યે ઘડી આઇ...’ (સુમન કલ્યાણપુર સાથે... રાગ છાયાનટ’)ના એટલા જ મશહૂર થયા.

યસ. આંચકો લાગે એવી વાત એ પણ છે કે, શમ્મી કપૂરે આ ફિલ્મમાં નેગેટીવ - એટલે કે, એન્ટી હીરોનો રોલ કર્યો છે. એનાથી વધુ આંચકો અને આશ્ચર્ય એ વાતનું ય ખરૂં કે, કિશોર કુમાર અહીં સીરિયસ રહ્યો છે, એણે બ્રહ્મચારીનો ગંભીર રોલ કર્યો છે. તેમ છતાં ય ફિલ્મ આખી લાઇટ (હળવી) બની છે. મદન મોહનના ગીતો ભલે ઉપડયા નહિ, પણ અહીંના એક પછી એક બધા ગીતો સાંભળો તો કાનને પસંદ પડી જાય, એવા મીઠા તો બેશક બન્યા છે.

નવાઇઓ ચોક્કસ લાગે, પણ આ ફિલ્મમાં એક જુદી જ મીના કુમારી છે. પેલું રોનાધોના કે કપાળ ઉપર મોટો ચાંદલો અને માથે ઘુંઘટ-ફૂંઘટ કશું નહિ. એને બદલે (એ જમાના પૂરતી) એકદમ મૉડર્ન મીના અહીં આવી છે. પોણીયા પાટલૂન, ઉપર શર્ટ અને બ્લેઝર અને હેરસ્ટાઇલ (આપણને તો હસવું આવે એવી) ઈંગ્લિશ.

ફિલ્મ તો ચોક્કસપણે એ જમાનાની અન્ય ફિલ્મો કરતા વધુ મૌજીલી બનાવી છે; કૉમેડી નહિ પણ હળવી. અલબત્ત, ફિલ્મની વાર્તા ગળે ઉતરે એવી તો નથી જ અને બ્રહ્મચર્ય વિશેની કિશોરની દલિલો હાસ્યાસ્પદ અને લંબાણપૂર્વકની છે. જો કે, ફિલ્મ બનાવનારે ફિલ્મ સરળતાથી બનાવી છે, વાર્તાને પણ સરળ બનાવીને, એટલે જોવાની ચીઢ ચઢતી નથી.

કિશોરનું સગપણ મીના કુમારી સાથે નાનપણમાં થઇ ગયું હોય છે, પણ મીના મોટી થતા સુધીમાં બિલકુલ મૉડર્ન અને આઝાદ ખયાલોવાળી તોફાની યુવતી બને છે, જ્યારે કિશોર બ્રહ્મચારીના આશ્રમમાં જઇને વર્ષો સુધી યોગસાધના કરીને સમાજમાં પાછો એટલા માટે આવે છે કે, સમગ્ર ભૂમિતટને એ આધ્યાત્મિક બનાવવા માંગે છે.

આ બાજુ, કરોડપતિ મીના કુમારી જાતે જ છાપામાં લગ્નવિષયક જા.ખ. આપીને ઉમેદવારોને બોલાવે છે, જેમાંના એક ઉમેદવાર તરીકે કૉમેડિયન મેહમુદ થોડીવાર માટે આવીને પણ ધૂમ મચાવે છે અને બીજો શમ્મી કપૂર (શિથિલ ચરીત્રની કુમકુમનો પ્રેમી હોવા છતાં) પણ ઉમેદવારી નોંધાવે છે, માત્ર મીનાની કરોડોની મિલ્કત હડપ કરવા માટે ! ઈન્ટરવ્યૂમાં એ બદતમીઝી કરતો હોવા છતાં મીનાને પસંદ પડી જાય છે અને મીના એના પાલક કાકા-કાકી (જ્ઞાની અને મુન્નાબાઇ)ને મેળવે છે. આ બાજુ કિશોર પણ મીનાને પરણવા આવી ચઢે છે-ઑફિશિયલી, પણ એના બ્રહ્મચર્યના વિચારો ભલે હવે પૂરા થયા હોવા છતાં સ્ત્રીને એ પુરૂષની દાસી સમજે છે અને મીના સાથેના ઈન્ટરવ્યૂમાં કહે પણ છે કે, મારી સાથે લગ્ન કર્યા પછી મારી દાસી બનીને તારે રહેવાનું છે. પેલી આ બધું-ઑબ્વિયસલી હસી કાઢે છે અને કિશોરની મશ્કરી કરે જાય છે.

એક તબક્કે કિશોર નજર સામે મીના-શમ્મીને પ્રેમના ગીતો ગાતા વીંટળાયેલા જુએ છે અને નારાજ પણ થાય છે, છતાં મીનાની એને ય લત પડી જાય છે. આ બાજુ, મીનાની દોલત હડપવા ખાતર જ એની સાથે લગ્ન કરવા માંગતા શમ્મીને એક આંચકો લાગે છે કે, વસીયતનામા મુજબ, મીના સાથે કિશોરના જ લગ્ન થઇ શકે. અગર મીના બીજા કોઇને (શમ્મીને પણ) પરણે, તો મીનાની બધી મિલ્કત કિશોરને જ મળે. ફિલ્મના અંતે તો સત્યનો વિજય થાય છે અને શમ્મી કપૂરની હાર થાય છે.

શમ્મી કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, કિશોર દાનું પ્લેબૅક મેળવવાનો એને કદી અવસર જ મળ્યો નહિ. એક માત્ર સાત સહેલીયાં ખડી ખડી..માં કિશોરના કંઠે શમ્મી પરદા પર ગાય છે. એક વ્યક્તિ તરીકે શમ્મીએ કિશોર દાના ભરપેટ વખાણ કર્યા છે. આ ફિલ્મ મેમસાહિબમાં શમ્મી બેહદ દેખાવડો લાગે છે... એટલો કે, ઈવન જંગલીઅને એ પછીની ય કોઇ ફિલ્મમાં એ આટલો હૅન્ડસમ નથી લાગ્યો... શરીર ભરાવાને કારણે ! અહીં તો એ પરફેક્ટ-ટૅન જેવા બૉડી અને ઈવન આજે ય અલ્ટ્રા-મૉડર્ન લાગે એવા પરફેક્ટ કપડાં સાથે નિહાયત ખૂબસુરત લાગે છે.

કિશોર કુમાર ભાગ્યે જ કોઇ ફિલ્માં મૂછ વગરનો જોવા મળ્યો છે, પણ એની દરેક ફિલ્મ ધ્યાનથી જોશો તો દરેક ફિલ્મમાં એણે ચીતરેલી કે ચોંટાડેલી મૂછો લગાવી છે. આનું કારણ તો કોને ખબર હોય ? એ ગમે તે હોય, પણ એના જમાનાની ઑલમોસ્ટ તમામ અભિનેત્રીઓ જાહેરમાં કહી ચૂકી છે કે, બીજા હીરોની સરખામણીમાં અમને કિશોર સાથે કામ કરવાની સૌથી વધુ મઝા આવી છે.

અફ કૉર્સ, નૂતન અને નંદાને બાદ કરતા એકે ય હીરોઇન દૂધે ધોયેલી નહોતી. એમને પ્રેમમાં પાડવી કોઇપણ હીરો માટે ડાબા હાથનો ખેલ હતો ને એમાં ય મીના કુમારીના કારનામા તો છેલ્લે છેલ્લે ગુલઝાર અને સાવનકુમાર ટાક સુધી ફેલાયેલા છે, છતાં મીના અને કિશોર વચ્ચે કોઇ મજાક મસ્તી સાંભળી નથી. કુમકુમ કાયમની બીગ્રેડની ઍક્ટ્રેસ બની રહી. મૂળ એ બનારસના ગરીબ મુસ્લિમ ઘરાનાની છોકરી. નામ એનું ઝેબુન્નિસા’(બીજી એક માહિતી મુજબ, એનું નામ મેહરૂન્નિસાજાણવા મળ્યું છે.) અને એની માસી મુંબઇની ફિલ્મોમાં કોઇ સામાન્ય અભિનેત્રી હતી. એણે કુમકુમને ફિલ્મ શીશામાં એક ડાન્સ પૂરતું કામ અપાવ્યું, એ ફિલ્મ જોયા પછી ગુરૂદત્તે કુમકુમને ફિલ્મ 'આરપાર'માં એક નૃત્યગીત આપ્યું.... શમશાદ બેગમનું કભી આર કભી પાર લાગા તીર-એ-નઝર’, પછી ગુરૂદત્તે એમની મી. એન્ડ મીસિસ ૫૫, પ્યાસા અને સી.આઇ.ડી.માં પણ કુમકુમને લીધી. યોગ્ય ઠેકાણે ભરાયેલા શરીરને કારણે દેખાવમાં તો ભારોભાર સૅક્સી હતી.

એમાં મેહબુબખાન પૂરા પાગલ થઇ ગયા અને ફિલ્મ મધર ઈન્ડિયામાં એને અચ્છો રોલ આપ્યો અને સન ઑફ ઈન્ડિયામાં હીરોઇન બનાવી. ખાનસાહેબે સીટ ખાલી કરી, એટલે સાધના-રાજેન્દ્રવાળી ફિલ્મ આરઝૂના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગરે કુમકુમને ખૂબ નજીક બોલાવી લીધી અને એમની લગભગ બધી ફિલ્મોમાં કામ આપ્યું. કિરણ કુમાર જેમાં હીરો હતો, એવી ફિલ્મ જલતે બદનમાં પણ સાગરે એને હીરોઇન બનાવી. બધા પ્રયાસો નિષ્ફળ ગયા, એટલે જે કામમાં એ માહિર હતી, તે નૃત્ય અને એમાં ય ખાસ કરીને ફિલ્મોમાં આવતા ફૂટપાથ-નૃત્યોમાં કુમકુમે મહારત હાંસલ કરી.

શમ્મી કપૂર-રાજકુમારની ફિલ્મ ઉજાલામાં આવા એના બે ફૂટપાથીયા ગીતોએ આજ સુધી ધૂમ મચાવી રાખી છે, ‘તેરા જલવા જીસને દેખા, વો તેરા હો ગયાઅને ઓ મોરા નાદાન બાલમા ન જાને જી કી બાત’. આજે તો એ ઘણી વૃધ્ધ થઇ ચૂકી છે, પણ એનો એક દીકરો હિંદી ફિલ્મનિર્માણ સાથે સક્રીય છે. કુમકુમે ઝાહિદઅલી અબ્રાર સાથે લગ્ન કર્યા પછી સઉદી અરેબિયા સ્થાયી થઇ, પણ ઈ.સ. ૨૦૦૪માં પાછી આવીને પોતાની માતૃભાષા ભોજપુરીમાં એક મૅગેઝીન કાઢ્યું. હાલમાં એ મુંબઇ-પોતાના ફ્લૅટમાં રહે છે.

ઈશ્ક એક ઝહેર સહિ, ફિર ફી પીયે જાતા હૂં...મુજરો ફિલ્મમાં ગાનાર ઍક્ટ્રેસ મીસ માયા દાસ છે. સુંદરતા, ફિગર અને નૃત્યની પરિપૂર્ણ આવડત છતાં આવી અનેક માયાદાસ પછીની ફિલ્મોમાં ચાલી કેમ નહિ, એ સવાલ છે. આ છોકરી ય સ્વરૂપવાન, શરીરે ચુસ્ત અને શાસ્ત્રોક્ત નૃત્યની જાણકારીવાળી હોવા છતાં, એમના નામે બીજી કોઇ ફિલ્મ લખાઇ હોય તો ય ખબર નથી.

રાજન કપૂરને તમે નામથી ઓળખતા નથી, પણ ભાગ્યે જ કોઇ એવી ફિલ્મ હશે, જેમાં એને તમે ન જોયો હોય ! આ ફિલ્મમાં વસીયતનામાનો સૉલિસિટર બને છે. મેહરબાનુ (જેનો ઉલ્લેખ ફિલ્મ તુમ સે અચ્છા કૌન હૈમાં કર્યો હતો, તે કદરૂપી ડોસી) અહીં કિશોરની માં બનતી પ્રતિમાદેવી પાસે લગ્નનો હરખ કરવા આવે છે.

ફિલ્મ જોવાય તો ય કોઇ લૉસ નથી અને... ન જોવાય તો......

No comments: