Search This Blog

06/08/2016

આજે તમારો બર્થ-ડે છે ?

કોઇનો બર્થ-ડે ભૂલી જવાથી મોટું પાપ કોઇ નથી. પુરૂષો આવું ખોટું લગાડવામાં બહુ પડતા નથી, પણ ભૂલી જવામાં બહુ પડે છે. સદનસીબે, ભારતના પુરૂષોને બર્થ-ડેઓ સિવાય પણ ઘણું બઘું યાદ રાખવાનું હોય છે.... ને સારૂં યાદ રાખવાનું હોય છે. સ્ત્રીઓને ૩૬૪-દિવસથી પોતાની બર્થ-ડૅટ યાદ હોય છે, પણ જન્મી ત્યારથી બર્થ-યર યાદ હોતું નથી. એ પોતાની બર્થ-ડૅટ ભૂલતી નથી અને બીજાને ભૂલવા દેતી નથી. જો એનો લાલીયો ભૂલી જાય તો પાક્કો મારવાનો થાય છે. રૂમના બારણાં બંધ કર્યા પછી જેવું હનીમૂન વખતે કરતી હતી, તેનાથી બિલકુલ ઉંઘુ અહીં કરતી હશે. જે પોશ્ચરમાં પલંગ પર ઢીંચણ ઉંચા કરી, મૂન્ડી નમાવીને લાજશરમથી એ બેઠી હશે, એવી અદામાં પણ ભયથી ફફડતો અત્યારે એનો ગોરધન બેઠો હશે, અને ગૅરન્ટી બૉસ, ગૅરન્ટી.... એ અદા સહેજ બી મોહક ન હોય. યાદ હોય તો, હનીમૂનોમાં સૌ પ્રથમ દરવાજાની સ્ટૉપર ચઢાવીને પલંગ પાસે આવતા પહેલા ટેબલ પર પડેલો દૂધનો ગ્લાસ લેતા આવવાનો હોય છે. અહીં બર્થ-ડે ખૂલ્યા પછી એ જ મનહૂસ ગ્લાસ કાન્તાડી ગોરધનના માથે ફટકારે છે, ત્યારે પેલો બોલે છે, ‘‘ઓહ... હૅપી બર્થ ડે, ડાર્લિંગ કાન્તા...!’’

બ્રિટિશ હ્યૂમરમાં તો સરસ કહેવાયું છે કે, ‘‘પત્નીની બર્થ-ડેટ યાદ રાખવાનો એક જ ઉપાય છે કે, જીંદગીમાં બસ... એક વાર ભૂલી બતાવો !’’ નખ્ખોદ વાળી નાંખે પેલી. હવે ગુજરાતી પત્નીઓ આપણે જોઇ શકીએ એવી ખુલ્લમખુલ્લા પોતાના ગોરધનને ઝૂડી કાઢતી નથી, પણ એનો અર્થ એવો પણ નહિ કે, ગોરધન બચી ગયો હશે... સુઊં કિયો છો ? અહીં તો તમે ઝૂડાતા હો તો જ કાંઇ કે’જો, નહિ તો છાનામાના પડ્યા રહેજો.

ગોધરા અને જૂનાગઢ બાજુના સંતો કહી ગયા છે કે, વાઇફની બર્થ-ડેટ એનો ગોરધન ભૂલી ગયો હોય તો ખાટી છાશ પી લેવી પણ વાત આગળ વધવા ન દેવી. અફ કૉર્સ, ખાટી છાશ કોણે પીવી, એવો ઉલ્લેખ સંતોએ કર્યો નથી.... પણ આપણે તો ઘેરબેઠા ગુજરાતી હસબન્ડોઝને જાણીએ ને કે, મજાલ નથી વાઇફ પાસે ખાટી છાશો પીવડાવી શકે.... આ તો એક વાત થાય છે....!

ઇન ફૅક્ટ, આ ભૂલને એક ભૂલ સમજવાને બદલે ઇગોનો પ્રશ્ન બનાવી દેવામાં આવે છે. આટલું ભૂલી જવાના પાપમાં પેલો રીટર્ન-સ્વરૂપે પેલી માટે આસમાનના તારા તોડી લાવવા તૈયાર થાય છે, વહેલી પરોઢે ઉઘાડા પગે લાંભા સુધી ચાલી આવે છે, પોતે કરેલા મહાપાપના બદલામાં વાઇફના ગળાને બદલે પગ દાબી આપે છે, બે અઠવાડીયા સુધી સામેવાળાની બારીમાં એકપણ વખત નહિ જોવાનું વચન આપે છે અને ખાસ તો મોટી ભૂલ એ કરી બેસે છે કે, લગ્ન પહેલા લીમડાના ઝાડ નીચે જે ગીત આને જોઇને ગાતો હતો તે, ‘‘ચાંદ સી મેહબૂબા હો મેરી કબ ઐસા મૈંને સોચા થા....’’ પેલીની ફર્માઇશ પર ગાઇ બતાવે છે... બેસને વાંદરા....! અત્યારે ૪૫-ની ઊંમરે તારી ચાંદ સી મેહબૂબા તારી બા જેવી લાગે છે ને તમે બન્ને બહાર નીકળતા હો ત્યારે સોસાયટીવાળાઓ બારીઓમાંથી જોઇને એવું બોલે છે કે, તું તારી વાઇફના બાબા જેવો લાગે છે... ખોટી ફિશિયારીઓ ના માર....! પેલુ બહુ મંડી હોય તો એની આંખો નીચેના કાળા કૂંડાળાઓ જોઇને, ‘‘પંખીડાને આ પિંજરૂં, જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તો ય પંખી,, નવું પિંજરૂં માંગે, હોઓઓઓ....’’ એવું ગવાય, તો તારા ઘરમાં નવું પિંજરૂં ય આવે... બોલ્યા, ‘‘ચાંદ સી મેહબૂબા હો...’’...હંહ....!!! હોઠના બન્ને ખૂણાઓમાંથી નવી કરચલીઓ ફૂટી નીકળી હોય, એ પંખી જૂનું જ થઇ ગયું કહેવાય.... સસરો બદલી ના આલે તો ચાર-પાંચ શૉપિંગ મોલોમાં તું આંટા મારી આય...! નવું પિંજરૂં ના આવે તો કાંઇ નહિ, ભેટ-કૂપનો તો આવશે !

કમ્માલની વાત એ છે કે, વાઇફોની બર્થ-ડેટો ભૂલી જનારા ગોરધનો રોજ ઑફિસેથી ઘેર પાછા આવતા સોંપેલા એકે ય કામો કદી ભૂલતા નથી. મોટા ભાગ તો ભણેલા-ગણેલા પતિદેવને શરમાવે નહિ તો સંકોચ કરાવે એવા કામો ય આ ડોબાઓ રોજ પતાવતા આવે છે. કરિયાણાનું બિલ ભરતા આવવું, આજુબાજુની સૉસાયટીઓમાં તપાસ કરતા કરતા ઘૂળજીને શોધી લાવવો કે ઇવન, શાકભાજી લેતા આવવાનું કામ પણ આ લોકો કરે છે. વિવાદ ભલે થતો, પણ પુરૂષનું પણ કોઇ સૌજન્ય છે, મર્દાનગી છે અને એની ઑફિસમાં એ બૉસ છે, દોસ્તોમાં એ લીડર છે. પણ મારા તો ફલૅટ નીચે જ સબ્જીવાળાની દુકાન છે ને હું રોજ જોઊં છું કે, આવડું આ લીડરીયું થેલીના નાકા પકડીને ઊભું ઊભું ૩૦૦-ભીંડા ને ૨૦૦ પરવળ ખરીદતું હોય છે... તારી ભલી થાય ચમના.... હાળા લગ્નના પહેલા દિવસે તને છાકો પાડતા ન આવડ્યો, એની સજા હવે તું ભોગવ આખી જીંદગી. લગ્નના આગલા દિવસે સસુરજીની બોચી પકડીને કન્ફર્મ ના કરી લઇએ કે, મૅરેજ પછી શાક-બાક લેવા હું નથી જવાનો.... પાછળથી કોઇ કચકચ ના જોઇએ, ડોહા...!’’

યસ. ગોરધન બહાર ગમે તેવો મોટો માણસ હોય, ઘરના કામો બરોબરના હિસ્સે એણે પણ કરવા જોઇએ, પણ આવા ‘‘બૈરાંછાપ કામો....?’’ સાચું પૂછો તો મને શાક લેતા પતિ ઉપર કદી માન થયું નથી. શાક લેતો ગોરધન, જંગલનો રાજા સિંહ ચોળાફળીની લારીવાળાને, ‘‘એ ભ’ઇ.... થોડી ચટણી નાંખો ને...’ એવી આજીજી કરતો હોય એવો લાગે છે. એ ગોરધન સિંહને બદલે જાતનું વાંદરૂં હોય તો મને વાંધો નથી કે, આપણે એના ગયા પછી બોલવાના ય કામમાં આવે કે,‘‘હાળો, હાવ વાંદરા જેવો છે...’’

મતલબ.... સ્ત્રીઓએ કરવાના કામો પુરૂષો કરવા બેસે, એમાં જોનારને પહેલી શંકા મર્દાનગીની લાગે. આઇ મીન, એની વાઇફ આપણને મરદ લાગે, બોલો ! (એ જો કે, સારૂં ય કહેવાય.... કમ-સે-કમ આપણે તો એની વાઇફથી દૂર રહીએ...!) પણ સંસ્થા મૂંઝાય છે એ વાત પર કે, વ્યાખ્યા મુજબ, ઘરના કામો ક્યા ગણવા ? રાત્રે સુતી વખતે પથારી કરવી, બાળકોને રમાડવા, જામ થઇ ગયેલું કિચનનું ડ્રૉઅર ખેંચી કાઢવું, ઇવન વાઇફના કપડાંને પણ ઇસ્ત્રી કરી આપવી, ફ્રીજના ખાલી શીશાઓમાં પાણી ભરેલું રાખવું કે મહારાજ બહારગામ ગયા હોય ત્યારે પત્નીને રસોઇમાં પણ મદદ કરવી, એમાં કાંઇ ખોટું નથી.

પણ વાઇફની બર્થ-ડે ભૂલી ગયેલો લાચાર, મજબુર, અશક્ત, બેવકૂફ અને નબળો પડી ગયેલો ગોરધન શાકની લારીએ ઊભો રહે, એ મારાથી નથી જોવાતું, સંતો... નથી જોવાતું. એક વખત પોતાને ખખડાવી નાંખવાની કૂપનો ગોરધને આપી, તે પેલી આખી જીંદગી લહેરથી વાપરે છે. પછી એ પ્રમાણભાન એને ન રહે કે, મહેમાનો બેઠા છે તો પતિ સાથે જરા પદ્ધતિસરની વાત કરૂં.

કઇ કમાણી ઉપર બેન, તું તારા બર્થ-ડે ભૂલી જવાને આટલું મોટું સ્વરૂપ આપે છે ? ખરેખર તો બેવકૂફ સ્ત્રીઓ આખા વર્ષમાં ફક્ત એકવાર આવતા પોતાના બર્થ-ડે ઉપર પેલા સાથે ઝગડો કરી, મોંઢા ચઢાવીને સૅલિબ્રેટ કરવાને બદલે બેસણું બનાવી દે છે. કારણ એટલું જ કે, પેલો ઉંઘતો ઝડપાયો છે અને બર્થ-ડે ભૂલી ગયો છે, ધેટ્સ ઑલ.... ‘‘આખા વર્ષમાં મારો ફક્ત એક જન્મ-દિવસ યાદ ન રાખી શકે ? આ બનાવને મોટું સ્વરૂપ આપવાને બદલે મોટું મન રાખીને ઉજવણી કર, ઘરના બધાને ખુશ કર અને તારા બર્થ-ડે કરતા તારી ખેલદિલી બહુ મોટી છે, એ સાબિત કર.’’

સિક્સર
- તમને એક દિવસ માટે દાઉદ ઇબ્રાહિમ જેવા પાવર્સ મળે તો ?
- તો મને SMS કરનારાઓને બેરહેમીથી ઉડાડી મારૂં...!
(Published on 20-10-2010)

No comments: