Search This Blog

03/08/2016

બાલ બાલ બચ ગયે

સૅલ્ફી ઊંચેથી લેવો પડે છે, એટલે ટાલીયાઓ સૅલ્ફી લેતા ભાગ્યે જ જોવા મળે છે. (ઊંચેથીનો મતલબ, માળીયા ઉપર ચઢીને સૅલ્ફી ન લેવાનો હોય, હાળા ચમના !) ફોટાનો ત્રણ/ચતુર્થાંશ હિસ્સો એમની ટાલ લઇ જાય, પછી બતાવવાનું રહ્યું શું ? સ્માઇલો ક્યાંથી અપાય ? સૅલ્ફી-સ્ટિક હવે જૂની થઇ ગઇ. આપણો સૅલ્ફી બીજા કોઇ લઇ આપે, એવા મોબાઇલ શોધતા હજી વર્ષોના વરસ નીકળી જશે. સાયન્સ એટલું આગળ નથી વધ્યું અને હાથ ઊંચેને બદલે નીચે રાખીને સૅલ્ફી લેવાય, એવા મોબાઇલો આમ તો બજારમાં મળતા થયા છે, પણ એમાં કહે છે, 'ઍન્ગલ' બહુ સારા નથી આવતા ! 

આપણા જૂના ફોટા આમ તો આપણા જીવો બળાવવા માટે સાચવી રાખ્યા હોય છે. હજી  બસ કોઇ... ૪-૫ વર્ષ પહેલાના આપણા ફોટા કાઢીને જુઓ... કેવા ભરાવદાર ને જથ્થાબંધ વાળ હતા... અને આજે ? કોઇ વિરાટ રિયાસતનો નિવૃત્ત રાજવી પોતાના માંદલા ઘોડાઓને જોતો હોય, એવા બચી ગયેલા દસ-બાર વાળને જોતા રહી જવું પડે છે (અને એ ય અરીસામાં) છતાં કરી કાંઇ શકતા નથી. જથ્થાબંધ વાળથી યુધ્ધો જીતાતા નથી, પરંતુ આ એ જ વાળ હતા, જેને કારણે પ્રેમના 'અનેક' યુધ્ધોમાં આપણા ભવ્ય વિજયો થયા હતા. ઘણા મેદાનો સાફ કરી નાંખ્યા હતા. આજે માથાંમાં ખાલી સપાટ રિવરફ્રન્ટ જોવાના દિવસો આવ્યા. 

આપણા થોકબંધ વાળમાં સનમ પોતાની ચાર આંગળીઓ ફેરવીને કેવું વહાલ કરતી...? અને લગ્ન પછી એને જડમૂળથી ઉખાડવાના હોય, ત્યારે ચાર આંગળીની સાથે અંગૂઠો ય ભરાવીને ખેંચતી. વાળ એવી મિલ્કત છે, જેમાં ફક્ત આંગળીઓ ભરાવાય તો જ વહાલ આવે... મહીં અંગૂઠો ઘૂસ્યો તો વાળ ખેંચીને આપણને પછાડવા માટે ઘુસ્યો હોય ! વાળ સાથેના પ્રેમ અને સૅક્સમાં અંગુઠાનો ઉપયોગ હિંસાની નિશાની છે. માત્ર ચાર આંગળીઓ ફરતી હોય તો સમજવું, એને ગૅસના સ્ટવ પર મૂકેલા પાપડની ઝડપે આપણું આખું શરીર ઉભરાઇ આવે, એવું પેલીને વહાલ ઉભરાઇ આવ્યું છે. (આવું આવું રૉમેન્ટિક લખીને હું ટાલવાળા વાચકોના જીવો બાળવા કે જલાવવા નથી માંગતો.) 

કહે છે કે, મહાશક્તિશાળી સૅમસનની બધી તાકાત એના માથાના વાળમાં હતી. પણ ઈવન લૂઝ કૅરેક્ટરની સ્ત્રીઓ પણ એની નબળાઇ હતી, એમાં એની સ્વરૂપવાન પ્રેમિકા 'ડલાઇલાએ' જ એના માથાંના વાળ કાપી એને બોડીયો બનાવીને ફિલિસ્તીની દુશ્મનોને સોંપી દીધો હતો, જેમણે એની આંખો ફોડી નાંખી ને ગુલામ બનાવી દીધો હતો. સિંહનું જડબું ફાડી શકનાર મહાશક્તિમાન સૅમસનની માફક આપણામાંથી તો કોઇની તાકાત માથાંના કે મૂછોના વાળમાં દેખાતી નથી અને હોય તો ય આપણે ક્યાં એવી તાકાતના જોરે પડોસીનું માથું ભાંગવા જવું છે ! તો આ એક વાત થાય છે, છતાં યુવાનીમાં આપણે ય સૅમસન હતા. વચ્ચે પાંથી પાડીને રાજેશ ખન્ના બની જતા અને ખન્નો ગયો પછી અમિતાભ બચ્ચનની જેમ કાન પર વાળના બારણાં મૂકાવતા. એની પહેલા રાજેન્દ્ર કુમાર જેવી હૅરસ્ટાઇલ સોબર માણસોમાં હતી. પ્રેમનાથ એટલે જ ન ઉપડયો, કે, કૅરમ-બૉર્ડ જેવા માથે હાથ ફેરવવા જેવું કાંઇ હતું જ નહિ ! 

આજે તો, વગડાં વચ્ચે માત્ર પાળીયો ધૂળ ખાતો ઊભો હોય એમ માથાંની વચ્ચે કોરૂંઝાટક મેદાન ઊગું ઊગું થઇ રહ્યું છે... જાણે વૃધ્ધ થઇ ગયેલા વાળ ભેગા થઇને જાહેરસભા ગોઠવવાના હોય ! તબલાંની વચ્ચે કાળું હોય ને આજુબાજુ સફેદ હોય, એનાથી ઊલટું થઇ ગયું છે. વચ્ચે ધોળું ધબ્બ ને આજુબાજુના લમણે અને પાછળ બોચી ઉપર થોડાઘણા વાળ બચ્યા હોય ! સાલું, મેદાન હોય તો સાફે ય કરાવીએ... આમાં તો બચ્યું એટલું બચાવી રાખવાનું હોય !  ઘનઘોર જંગલ હતું, ત્યાં આજે વિધવા જેવી વાડ થઇ ગઇ ! 

સ્ત્રીઓને ટાલ પડતી નથી, એવા વહેમમાં રહેવા જેવું નથી. મકાનની વચ્ચે ચૉક હોય, એમ એ લોકોને ય હવે માથાં વચ્ચે નાનકડો ટેકરો પડી જાય છે. બધું અહીનું અહીં જ ભોગવવાનું છે... ઉપર ક્યાંય હૅર-સ્પા કે ટ્રીટમૅન્ટ કરી આપવાવાળો મળવાનો નથી. 

કોઇ પણ સ્ત્રીનો આ પર્મેનૅન્ટ ડાયલોગ છે, ''અરે... પહેલા તો મારા વાળ જોયા હોય તો.... આઆઆ...ટલા લાંબા હતા ! ઠેઠ ઢીંચણને અડતા...'' (ઓ બેન, શરીરશાસ્ત્રના નિયમ મુજબ, ઢીંચણ આગળ હોય, પાછળ નહિ !) એક જમાનામાં હશે ય ખરા, પણ આજે નથી અને જે બચ્યા છે, એ બરછટ થઇ ગયા છે, સુંવાળા અને સિલ્કી નથી રહ્યા, એનો ગમ આપણી ઉપર કાઢે, ''મારા લાંબા વાળ જોઇને તો તેલ અને શૅમ્પૂ કંપનીઓવાળા મને મૉડેલિંગ માટે બહુ ફૉર્સ કરતા, પણ આપણને એવા પ્રદર્શનો કરવાનો શોખ નહિ ને !'' 

 એવું મોટા ભાગે તો જોયું છે કે, જે સ્ત્રીના વાળ લાંબા હોય, એના ગોરધનને માથે ઢાલગરવાડ જ હોય ! ઈશ્વરને ત્યાં આવું અંધેર ? ગોરધનને તો 'હું આને કેમ પરણ્યો ?' એની ચિંતામાં માથે ટકો આવી ગયો હોય, પણ બેનના લાંબા વાળ ભલે આડેધડ હૅરડાઇઓ ચોપડી ચોપડીને ભૂખરા થઇ ગયા હોય, પણ તો ય છે તો લાંબા ને ? કાંસકાનો... (સૉરી, હવે 'કૉમ્બ' બોલાય !) ઉપયોગ જીવો બાળવા માટે જ રહી ગયો છે. રોજ સવારે એ ડાહ્યલીની થાય કે, 'આજે આટલા ગયા... કાલે આનાથી વધારે જશે' બસ, કોકે ભરાવી દીધું કે, માથામાં તેલ રેડવાનું રાખો, તો વાળ નહિ ઉતરે, એટલે તગારાંમાં રંગારો ડબ્બો ભરીને રંગ રેડતો હોય એમ માથાંમાં તેલના રેગાડાં ઉતારી આવી આ મંડી હોય ! હું તો આવી તેલ નાંખેલી સ્ત્રીઓના ઘેર જમવા ય ન જઉં-ભલે વાઇફ એકલા જમી આવવાની છૂટ આપે ! 

આપણી ટમી અને વાળ બન્નેના સ્વભાવ એકબીજાથી તદ્દન ઊલટા છે. પેલી ઓછી થતી નથી અને આ વધતા નથી. બન્ને સાનભાનમાં રહે તો આપણે સારા ય લાગીએ. ટમી ઉતારવાના ધખારામાં રોજ સવારના પહોરમાં લાખો દુઃખિયાઓ ચાલવા નીકળી પડે છે, પણ વાળ વધારવા કે ખરતા અટકાવવામાં પાછલા પગે ચાલવું કે બીજી કોઇ કસરતો કરવી , એનો નિર્દેષ તો એકે ય 'બાબા' આપતા નથી. એટલું ખરૂં કે, ભારતના મોટા ભાગના બાબાઓના વાળ આપણી સ્ત્રીઓ કરતા વધુ લાંબા હોય છે. જો કે, એ લોકો તેલ નાંખતા હોતા નથી, ભસ્મ ચોપડે છે. આપણી બહેનો પણ જો હવે પછી વાળમાં તેલને બદલે ભસ્મ ચોપડવા માંડે તો જટા ઊગી ય નીકળે. 

સાચું પૂછો તો હવે તો હું ય ભરાઇ ગયો છું. વાળની દુનિયામાં મારી આવતી કાલ સારી નથી. એમ તો છે થોડાઘણા, પણ કામમાં આવે એવા નથી. પુરૂષોએ તો ઝૂલ્ફ લહેરાવવાની હોય નહિ અને આપણને એવી ખોટી આદતે ય નહિ, તેમ છતાં મારા જૂના ફોટા જોઉં છું તો લાલઘુમ્મ થઇ જાઉં છું કે, જીંદગીમાં કમાયેલું બધ્ધું ગયું...? 'કમાયેલું'નો મતબલ, મારે હૅર-કટિંગ સલૂનનો ધંધો હશે, એવું માનવાનું નથી. અહીં તો જીવ બાળવાની વાત ચાલે છે કે, કેવા શમ્મી કપૂર જેવા જથ્થામાં વાળ હતા, ઝૂલ્ફના કેવા ઝટકા મારતા હતા ને છોકરીઓ એ જ વાળ પર ફિદા ય કેવી હતી ! નીચેનો શે'ર મૂળ તો વ્હિસ્કી માટે છે... આપણે એને માથાના વાળ માટે વાંચવાનો છે. (મયસ્સર એટલે પ્રાપ્ય) 

આજ તો ઈતની મયસ્સર નહિ મયખાને મેં
જીતની હમ છોડ દિયા કરતે થે પયમાને મેં 

અમારો હૅરકટિંગ સલૂનવાળો ય હવે તો ખીજાવા માંડયો છે, ''આ શું બબ્બે વર્ષે હેંડયા આવો છો વાળ કપાવવા...! માથે કાંઇ ઊગવા તો દો...!'' 

સિક્સર 
જામનગરના સૉલ્લિડ ઝડપે પ્રગતિ અને પ્રવાસ કરતા કવિ ડૉ. મનોજ જોશીની લખેલી ગઝલમાં આપણે 'રસોડું' એટલે 'કૉંગ્રેસ' ગણી લીધું છે. 
'બા' કોણ છે,  સમજાવવાની જરૂર છે

'ખૂલે આંખ બાની, ખૂલે છે રસોડું, સદા બાની સાથે ઊઠે છે રસોડું. 
ફળીથી લઇ છેક ઊભી બજારે, રહી બાનો પાલવ ફરે છે રસોડું. 
સવારે ને સાંજે સૂની બાની આંખો, ધૂમાડો બનીને રહે છે રસોડું. 
જણ્યા પેટના પેટ બસ ઠારવાને, સતત બાની સાથે મથે છે રસોડું. 
બધા  ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું-પધૂરૂં સૂએ છે રસોડું.

No comments: