Search This Blog

10/08/2016

તિતિક્ષા... તારે ખાતર!

તિતિક્ષા મનમાંથી હટતી નહોતી. ચાર અઠવાડીયા આપણી બ્રાન્ચમાં નોકરી શું કરી ગઈ કે, મન અને ધન તો જાવા દિયો.... ખાસ તો તન હરી ગઇ, એ આકરું પડયું. એના વિચારમાત્રથી શરીરમાં સળવળાટો શરૂ તો થતા, પણ પૂરા ન થતા. તિતુનું ડ્રેસિંગ પણ કેવું લલચામણું! ખાસ કરીને, બ્લૅઝરની નીચેનું શર્ટ અને શર્ટના સમજો ને, ઑલમોસ્ટ ખુલ્લા બટન! હજી નોકરીના ભલે ૪-વર્ષ બાકી રહ્યા હોય, પણ તંદુરસ્તીની ઉંમર તો હવે શરૂ થાય છે ને?

પ્રોબ્લેમ ત્યારે થતો કે, તિતુનું ધ્યાન ન હોય ત્યારે આપણે ''ત્યાં'' જોતા હોઈએ, ત્યારે સુધબુધ વિસરાઈ જાય પણ અચાનક એનું ધ્યાન પડી ગયું કે, આપણે ટગરટગર ત્યાં જોતા હતા, તો... ખલ્લાસ! તિતિક્ષા મેડમ એટલી હદે વિફરે કે, એકાદ વીકમાં તો આપણી બદલી પાકી જ સમજો. ''મિસ્ટર ઘોરપડે, અહીં બેન્કમાં નોકરી કરવા આવો છો કે, જ્યાં ને ત્યાં આંખો સેટ કરવા આવો છો? નોનસેન્સ... આઈ વિલ ડ્રાઈવ યૂ આઉટ ઑફ ધીસ બ્રાન્ચ, યૂ અન્ડરસ્ટેન્ડ?''

કદાચ બદલી થઈ પણ જાય તો ફરી આ નજારો જોવા નહિ મળે, એ લાલચે ઘોરપડે છેલ્લીવાર એ પર્વતોની ખીણમાં નજર કરી લેતો...! ક્યારેક તો આમાં પકડાઈ જવાય તો ય તિતિક્ષા કાંઈ બોલતી નહિ... કદાચ એનેય ગમતું હતું. ઘોરપડેના ગયા પછી, કેબીનમાં એને કોઈ જોતું નથી ને, એ ખાત્રી કરી લીધા પછી તિતિક્ષા ય ડોકી છાતીને અડે એટલી નીચી કરીને જોઈ લેતી કે, ભગવાને બધું આપ્યું છે તો ભરી ભરીને! એને જરા ગર્વ પણ થતો કે, રૂપ તો બધીઓને મળ્યું હોય છે, પણ આવું હર્યુભર્યું તો...!

બેન્કમાં નોકરી કરીએ એટલે એ શું ભૂલી જવાનું કે, હજી આપણે પૂર્ણ પુરૂષોત્તમ છીએ, મર્યાદા પુરુષોત્તમ નહિ? ઘરે તો આવું કાંઈ જોવાનું રહ્યું ન હોય ને બહાર નીકળીને ય જટાધારી જ બનવાનું હોય તો નોકરી એની બહેનના શુભ લગ્ન કરાવવા ગઇ...! અને એમ નોકરી જાય બી શેની? આવું જોવામાં બેન્કનો કોઈ ગૂન્હો થોડો કર્યો છે?

ઘોરપડે એકલો જ નહતો કે આવા જીવો બાળે. સારી વાતમાં સૌ સંગાથ આપે, એમ સ્ટાફના બીજા ય કાકાઓ 'જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ...'ની ધૂન સાથે ઘોરપડેના જ રસ્તે હતા. અલબત્ત, દરેકનો અંદાજ અને 'મોડસ ઓપરેન્ડાઈ' અલગ હતી. સી.જે. દીવાને તો તિતુ પહેલી વાર બ્રાન્ચમાં મેનેજર તરીકે આવી, એ જ દિવસે મનોમન એની સાથે પૈણી નાંખ્યું હતું. એ તિતુને શકુંતલા અને પોતાને રાજા દુષ્યંત માનતો. ગંધર્વ-વિવાહમાં બન્નેની સંમતિ જોઈએ, એ વાત સાચી પણ બધે એવા કાયદા-કાનૂન જોવા જઈએ તો દેશમાં કોઈ નવા બાળકનો જન્મ જ ન થાય! દીવાન તિતુને 'તીતલી' કહેતો - અફકોર્સ, મનમાં! તીતલીને પેલી રીતે જોવા માટે એનો પ્લાન અલગ હતો. એ કોઈ ફાઈલ લઈને મેડમ પાસે જાય અને પોતે ઊભો રહે. વાંકા વળીને તીતલીને ફાઈલમાં ચોક્કસ જગ્યાએ આંગળી દબાવીને એને એન્ગેજ રાખે, 'મેડમ, આ પાર્ટીની હજી રીકવરી નથી આવી. બહુ બદમાશ માણસો છે... આવા લોકોને તો-'

પણ તિતિક્ષા ય દીવાનની મા થાય એવી હતી... એ ભલે એને ગમે તે બનાવવા માંગતો હોય! એકાદ વખત પૂરતી એને સમજ નહિ પડેલી, પણ બીજી વખતે કહી દીધું, ''મિસ્ટર દિવાન... તમારે ફાઈલમાં જે બતાવવું હોય તે ત્યાં સામે ઊભા રહીને બતાવો. જે તે પેરગ્રાફની લાઈન ઉપર હાઈલાઈટર ફેરવીને મને કહેવાનું... અને સાંભળો, હવેથી બેન્કમાં આવો ત્યારે ઘેરથી બ્રશ કરીને આવો... મોંઢું દૂર રાખવાનું!''

આ પછી મોંઢાં દૂર રાખવાવાળી વાત સાલી બ્રાન્ચમાં ય પહોંચી જાય, એટલે દીવાન ઉપર હસીને સ્ટાફના બીજા માણસો ય દીવાનને ''... ઓહ દીવાનજી, અમારા ફેમિલી-ડેન્ટિસ્ટ કોલગેટની સલાહ આપે છે... ને તમે હજી દાતણ વાપરો છો?'' ને બધા હસી પડતા.

મકવાણાને મનમાં કોઈ ભેદભાવ નહિ કે, તિતુનું ફક્ત આટલું જ જોવાય... એને ખરો ટેસડો તિતુ પાછળ ફરીને ઊભી હોય ત્યારે આવતો. દવે કોઈથી જાય એવો નહતો. એને તિતિક્ષા બ્રાહ્મણ હોવાનો ફાયદો ઉઠાવવો હતો અને માની બેઠો હતો કે, આખરે ન્યાતજાત બી કોઈ ચીજ છે. આવી સુંદર છોકરી થોડી કાંઈ પટેલ-વાણીયામાં મૂડીરોકાણ કરે? એ વાત જુદી છે કે, તિતિક્ષા અફ કોર્સ, બ્રાહ્મણ હોવા છતાં એને બ્રાહ્મણોમાં કોઈ રસ નહતો, એ તો ઠીક પણ બેન્કની આદર્શ કર્મચારી હોવાને નાતે 'સર્વધર્મ સમાનતા'માં માનતી. વાર્તાનો સાર એટલો કે, અરજદારો અનેક હતા પણ નોકરી કોઈને મળે એમ નહોતી.

બસ, એટલે જ બ્રાન્ચના સ્ટાફે તિતિક્ષા અત્યારે જે બ્રાન્ચમાં છે, ત્યાં પોતાની બદલી કરાવવાના સપનાં શરૂ કર્યાં. એમ તો પાછી થોડી ઘણી ઓળખાણ જૂના યુનિયનમાં અને બેન્કના મોટા ઑફિસરો સુધી હોય એટલે ટ્રાય કરીએ તો વાંધો આવે એમ નહતો... એટલું કે, હાલની બ્રાન્ચ ઘરની નજીક છે અને તિતિક્ષાવાળી બ્રાન્ચ માટે સ્કૂટરને બદલે ગાડી કાઢવી પડે. પૈસેટકે તિતુ આમ પાછી મોંઘી પડે ને એમાં ય હાથમાં તો કાંઈ કશું આવવાનું ન હોય!

યસ. બ્રાન્ચમાંથી ખાસ કોઈ મેસેજ માટે કોઈને તિતુવાળી બ્રાન્ચમાં મોકલવાની વાત આવતી તો હરકોઈ ભોગ આપવા તૈયાર હતું. બે-ચાર જણા તો વગર કામે ય-સ્ટાફના દોસ્તને મળવાનું બહાનું કાઢીને જઈ આવ્યા હતા, પણ તિતિક્ષા તો એમને ઓળખતી ય નહોતી... આઈ મીન, ઓળખતી હોય તો ય, આવી ફોર્માલિટીઝને સપોર્ટ કરે એવી નહોતી. એ વાત જદી છે કે, એ ભલે ન બોલે, પણ એને જોયા પછી એની યાદોનો ઢગલો એક અઠવાડીયા માટે ભરાઈ જતો! અને એમાં ય, મોકાણના સમાચાર આવ્યા. આપણી જ બ્રાન્ચના દિવાકરની બદલી એક્ઝેક્ટ તિતુની બ્રાન્ચમાં જ થઈ. એ તો પેલું હિન્દીમાં શું કહે છે... હા, ફૂલો નહોતો સમાતો. જવાની હજી અઠવાડીયાની વાર હતી પણ રોજ સવારે બેન્કમાં આવીને હરામી મોંઢું હસતું ને હસતું જ રાખે, એમાં જીવો આપણા બળી ન જાય? નોર્મલી, તો આમ કોઈ બદલી થાય તો સેન્ડ-ઑફ પાર્ટી રાખવામાં આવે, પણ આ તો કોકના મરી જવાના સમાચાર જેવા કરૂણ સમાચાર હતા!

આપણે મરી ગયા'તા તે દિવાકરને ત્યાં ખસેડયો ? આવી પાર્ટીમાં આઈસ્ક્રીમની ચમચી ય મોંઢામાં કેવી રીતે જાય? બધાએ દિવલાને સમજાવવાની કોશિષ કરી, ''આ બ્રાન્ચમાં તો જવાય જ નહિ, દિવાકર...! ત્યાં તો સ્ટાફ રાત્રે આઠ વાગ્યા સુધી ઘરે જઈ શકતો નથી...!'' આ લૂખ્ખી પાછી અવળી સાબિત થઈ... દિવાકર તો ખુશ થઈ ગયો કે, એનો મતલબ કે તિતુ સાથે રાત્રે આઠ સુધી રહેવા મળશે. બીજાઓએ પણ સમજાવી જોયો કે, તિતુ હવે પહેલા જેવી સેક્સી રહી નથી. ગાલ બેસી ગયા છે અને સાવ પાટીયું થઈ ગયું છે...!

એનો ય પૉઝિટીવ અર્થ દિવાકરે લીધો. અર્થાત્, તિતુ પહેલા જેવી રહી ન હોય તો આપણે કમ્પિટીશન ઓછી અને આપણે ક્યાં એના ગાલને બચકાં ભરવા છે!

સૉલ્જરીના પૈસા બધાએ આપવા છતાં સેન્ડ-ઓફ પાર્ટીમાં કોઈ ન આવ્યું. ઘડીભર તો દિવાકરને ય થઈ ગયું કે, આ લોકો સાચું તો નહિ કહેતા હોય ને? વળી ખોટું ય કહેતા હોય તો બી... તિતલી આમે ય ક્યાં કોઈને ભાવ આપે એવી છે? કંઈ બાકી રહી જતું હોય એમ એનો ગોરધન રીતસરના બાઉન્સર જેવો હટ્ટોકટ્ટો છે. આપણને ગળેથી ઉપાડે તો છત સુધી લઈ જઈને ફેંકે.

હા. બદલીના દિવસે એની બ્રાન્ચ સુધી મૂકવા સ્ટાફનો હરકોઈ હેન્ડસમ તૈયાર હતો... એ બહાને તિતિક્ષા મેડમને 'હેલ્લો-હાય' કહેતા અવાય! પણ ખોટી હરિફાઇમાં ઉતરવું પડે, એ માટે દિવાકર તૈયાર નહતો કે, કોઈ મૂકવા આવે. વળી તિતલી આમ પાછી કેશિયર શાહ ઉપર થોડી વધુ મેહરબાન હતી. શાહડો આવે તો તિતુ એની કેબિનમાં કૉફી પીવા એને બોલાવે અને આપણે કપ-રકાબી પાછા મૂકવા જવાનું!

''દિવલા... સાલા, તિતુની બ્રાન્ચમાં જાય છે તો આપણી બદલી ય ત્યાં થાય, એવા કોઈ ચક્કરો ચલાવજે, યાર! તને તો ખબર છે ને આપણે દૂરના સાઢુભાઈઓ થઈએ...?'' એવું પ્રકાશ પટેલે કહ્યું.

નવી બ્રાન્ચમાં દિવાકરનો પહેલો દિવસ. જૂનાં સપના ઘસીઘસીને ચકચકિત કર્યા. એને એ પણ યાદ આવ્યું કે, એક વખત ફાઈલ આપતી વખતે તિતલીની આંગળી મને અડી ગઈ હતી ને મેં ખોટા સૌજન્યપૂર્વક 'સૉરી' કહ્યું, તેના જવાબમાં ગુસ્સે થવાને બદલે તિતલી-વહાલી તિતલીએ સ્માઈલ સાથે, ''ઈટ્સ ઑર્રાઇટ...' કીધું હતું. એ પાછી મૂળ ઈસ્ટ આફ્રિકાની એટલે આપણા 'ઑલરાઈટ' બોલવાને બદલે લંડનના ઉચ્ચાર મુજબ, 'ઑર્રાઇટ' બોલી હતી. દિવાકરે ઘસીઘસીને એ સપનું ફરી ચળકાટવાળું કર્યું. હવે તો અનેકવાર ફાઈલોની આપ-લે થવાની... અનેકવાર આંગળીઓ અડશે. અનેકવાર એ નીચું જોઈને શર્માઇને 'ઈટ્સ ઓર્રાઈટ' કહેશે ને એમાં ને એમાં કોક દિવસ મેળ પડી જશે. પછી તો તિતુને 'મેકડૉનાલ્ડ્સ' કે 'સીસીડી'માં જ લઈ જવાય. આવી પાર્ટીને લઇને ગૌતમ ચવાણા ભંડારના બાંકડે ન બેસાડાય! ચવાણાવાળાની ય બા ખીજાય!

અને ઈશ્વરનો ચમત્કાર તો જુઓ! તિતિક્ષા મેડમે દિવાકરને પહેલે દિવસે વેલકમ કરતી વખતે રીતસરનો શેઈક-હેન્ડ કર્યો. દિવાકરના આખા બદનમાં લખલખું પસાર થઈ ગયું. હવે જાણે કે, એ હાથ તો આવનારા છ-સાત વર્ષો સુધી ધોવાશે નહિ, પણ આજે હાથ મિલાવ્યો છે તો કાલે દિલ પણ મિલાવશે. ઓહ, અને પછી તો શું શું મળશે, એની કલ્પના જ થઈ શકે એમ નથી. વધારે મજો તો એ પડવાનો કે જૂની બ્રાન્ચનો દીવાનીયો, મકવાણો, દવલો, શાહનો પિલ્લો... સાલા બધાના જીવો ભડકે બળી જવાના... હાહાહા!

દિવાકરનું સપનું આમ ધૂળમાં મળી જશે, એની એને ગંધ પણ નહોતી આવી. બહુ લાગવગો દોડાવીને તિતિક્ષાની ઉંમરની દિવાકરની દીકરી રૂબીને પણ આ જ બ્રાન્ચમાં નોકરી મળી...!

સિક્સર

વરસાદને અમદાવાદ સાથે શું આડવેર છે... એ અમદાવાદને પબ્લિક-ટૉયલેટ સમજી બેઠો હોય એમ, છેલ્લા બે વર્ષથી રસ્તા ભીના કરવા પૂરતો આવે છે...!

1 comment:

Anonymous said...

Does titiksha exist?