Search This Blog

21/08/2016

ઍનકાઉન્ટર : 21-08-2016

* વિશ્વાસ અને શ્રધ્ધા વચ્ચે શું ફર્ક છે ?
- હું ઓળખું છું ત્યાં સુધી, બન્ને મામા-ફોઇના સંતાનો છે.
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)

સર, તમે ઇન્સ્પૅકટર હોત તો બધા પ્રશ્નો કેવી રીતે સૉલ્વ કરત ?
- પોલીસખાતામાં ઉપરથી કહેવામાં આવે, તે રીતે કામ કરવાનું હોય છે - જાતે નિર્ણયો લેવાના નહિ !
(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)

સરકાર ભણતર ફ્રી કરી નાંખે તો કેટલા ગરીબ લોકોના બાળકો ભણી શકે !
- હા, પણ ભણી લીધા પછી ય એ લોકો ગરીબ જ રહેવાના હોય તો યૂ-ટયૂબ પર એમના વિશે કાંઈ વિચારાય !
(રૂપેશ સોની, વડોદરા)

ભારત કી જય અને ભારત માતા કી જય.. બેમાંથી વધુ સારૂં શું ?
- અફ કૉર્સ, ભારત માતા કી જય જ બોલાય... શંકા પડતી હોય તો જાવેદ અખ્તરનું રાજ્યસભામાં ભાષણ સાંભળો.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

પોલીસ નેતાની ધરપકડ કરે, એ પછી જ એમને છાતીમાં દુઃખાવો કેમ ઉપડે છે ?
- બીજે જ્યાં ઉપડે છે, ત્યાં આપણાથી જોવાય એવું હોતું નથી !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

દરેક સવાલનો જવાબ ફેરવીને આપવો જરૂરી છે ? કોઈ જવાબ સરળ આપી ન શકાય ?
- તમારા નામ-અટકમાં ક્યાંય કાનો-માત્ર આવતા નથી... આટલું સરળ નામ ફેરવીને મૂકી ન શકાય ?
(ધવલ અનડકટ, રાજકોટ)

દીકરી પરણીને સાસરે જાય, ત્યાં પૂછાય છે, શું શું લઇને આવી છે ? પણ એ શું છોડીને આવી છે, એ કેમ કોઈ પૂછતું નથી ?
- ના સારૂં લાગે એ બધું... ! આપણે એને વધારે રોવડાવવી છે ?
(દીપક સોલંકી, નિકોલ ગામ)

માણસે પહેલા માણસ બનવું જોઇએ કે નહિ ?
- શરીરમાં કોઈ પણ અજાણ્યા ફેરફારો દેખાય તો તાબડતોબ ડૉક્ટરની સલાહ લેવાનું કહો.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

પ્રેમનો એકરાર કરવાનો સૌથી સારો દિવસ કયો ?
- મને ડર છે... રીક્ષા તમે ઊભી રાખો છો ને બેસી જશે કોક બીજો !
(સમીર પટેલ, વડોદરા)

* * બધી મજાઓ હતી રાતે રાતે,ને સંતાપ એનો સવારે સવારે...?
-પીવાનું ઘરે રાખ્યું હોય ને જવાનું લૉક-અપમાં... એની વાત છે.
(કનુભાઈ પરમાર, દામનગર)

ફિલ્મ નવરંગમાં મહિપાલની મોહિની, એ જ શું તમારી ડિમ્પલ...?
- અચ્છા અચ્છા... તો તમને અમારા ગયા જન્મનું ય બધું યાદ છે...!
(ડૉ. મુકેશ પંડયા, જેતપુર)

ગૌતમ ગંભીર આટલું સારૂં રમે છે, છતાં ધોની એને ટીમમાં કેમ નથી રાખતો ?
- આ જુઓ ને... મોદી ક્યાં મારી સામું ય જુએ છે ?
(રાહુલ સપ્રા, બોટાદ)

ગુજરાતમાં તોફાનો બીજા લોકો કરે, એમાં સરકાર અમારૂં ઈન્ટરનૅટ કેમ બંધ કરી નાંખે છે ?
- એવું ના હોય ભઇ...! બીજાઓના ઈન્ટરનૅટ ચાલુ હોય ત્યારે તમે તોફાનો કરવા જાઓ છો ?
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

વિજય માલ્યા આટલા બધાનું આટલું બધું કરી ગયો, એમાં વાંક કોનો ? રોકાણકારોનો કે બૅન્કોનો ?
- આપણે તો માલ્યાને શાબાશી આપવી જોઇએ... યાદ છે, નાની નાની વાતમાં બૅન્કવાળા આપણને કેટલું ટટળાવતા હતા ?
(ભાવીન પી. વ્યાસ, જામનગર)

ઈન્ટરનેટ પર પ્રતિબંધ દરમ્યાન વોટ્સએપીયાઓની શું હાલત થતી હશે ?
- સેલ્ફી ચાલુ ને... !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

ઉપપત્ની માટે રખાત શબ્દ વપરાય છે, તો બીજા પુરૂષ સાથે સંબંધો રાખતી સ્ત્રીને શું કહેવાય ?
- ઘાલખાધ.
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)

શું ઇંગ્લિશમાં ઇન્ડિયાનું નામ ભારત થઇ ન જવું જોઇએ ?
- ના. ઇન્ડિયા પણ કેવો ગૌરવવંતો શબ્દ છે !
(ધર્મિલ એમ. દેસાઈ, જૂનાગઢ)

પત્ની કેટલી બુધ્ધિશાળી છે, એ જાણવાનું કોઈ પ્રમાણ ખરૂં ?
- એણે તો તમારી બુધ્ધિ માપી લીધી... તમે એને પરણ્યા ત્યારથી !
(હિરેન વઘાશીયા, રાજકોટ)

કહે છે, જીવનમાં બધા અનુભવો કરી લેવા જોઇએ...!
- હા, પણ એને માટે પરણવું તો પડે જ !
(કપીલ મોનાણી, પોરબંદર)

હવે તો ગમે તે આલીયો-માલીયો મોદી વિશે મનફાવે એમ બોલે છે...
- મફત કોઈ બોલતું નથી. એવું બોલવાના એને પૈસા અને ટીવીમાં પબ્લિસિટી મળે છે !
(મધુકર મહેતા, વિસનગર)

એક કપ ચા તમને કેટલો સમય સ્ફૂર્તિમાં રાખે છે ?
- ચા... ?
(જગદિશ આર. શાહ, રાજકોટ)

મારે પણ લેખક બનવું છે, શું કરવું ?
- આવું કદી બીજા લેખકને ન પૂછવું.
(વૈભવ ડી. મેહતા, ભાવનગર)

દહેજ એટલે શું ?
- ભીખ.
(પિન્ટુ ઝાલા, અમદાવાદ)

કન્હૈયાકુમાર વિશે શું માનો છો ?
- એની એટલી હૈસીયત નથી કે, મારા/તમારા જેવાએ એને વિશે કાંઈ પણ માનવાનું હોય !
(મિતેશ પંડયા, સુરત)

લગ્ન ક્યારે કરવા ?
- કોઈ લગ્ન કરવાની હા પાડે ત્યારે.

(ઈમ્તિયાઝ બાદી, ટંકારા)

No comments: