Search This Blog

28/08/2016

ઍનકાઉન્ટર : 28-08-2016

* ભારતના બહાદુર રોજ ૫-૭ જવાનોને કાશ્મિરમાં આતંકવાદીઓ ફૂંકી મારે છે, ત્યારે નરેન્દ્ર મોદી એક શબ્દ પણ પાકિસ્તાન વિરુધ્ધ બોલી રહ્યા નથી !
- યસ. ખૂબ ઝડપથી મોદી એ અભૂતપૂર્વ લોકપ્રિયતા ગૂમાવી રહ્યા છે. કેમ જાણે 'નોબેલ પારિતોષિક' મેળવવાની લ્હાયમાં એ શાંતિદૂત બનવા માંગે છે.
(વિરલ ગી. મેહતા, અમદાવાદ)

* પાકિસ્તાન સામે યુધ્ધ પાકિસ્તાનને પોસાય એમ છે ?
-પાકિસ્તાન આમે ય અર્થતંત્રથી પૂરો ખલાસ થઇ ચૂકેલો દેશ છે. એક યુધ્ધ એને ભીખ માંગતું કરી શકે તેમ છે.
(સહદેવ પારેખ, જામનગર)

* શું રાહુલ ગાંધી જ્યાં સુધી રાજકારણમાં છે, ત્યાં સુધી નરેન્દ્ર મોદી સલામત છે ?
- કેટલેક અંશે એવું કહી શકાય ખરૂં ! જ્યાં સુધી દુશ્મન તદ્દન નબળો હોય ત્યાં સિપાહીને બારે કોઠે દિવા હોય છે. આખા કોંગ્રેસ પક્ષમાં નરેન્દ્ર મોદી તો શું, રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલની બરોબરીએ ઊભો રહી શકે એવો ય એક નેતા નથી.
(સુમિત્રા પરીખ, વડોદરા)

* રૉબર્ટ વાડ્રા સામે મોદી સરકાર પાછળ પડી ગઇ હોય એવું નથી લાગતું ?
- એ તો કેસનો નિકાલ આવે, ત્યાં સુધી કહી શકાય નહિ, પણ એટલું ખરૂં કે, રૉબર્ટનું નામ ભાજપ વારંવાર ઉછાળે છે, તો કાંઇ ઠોસ હાથમાં ન હોય ત્યાં સુધી શું કામ થૂંકેલું ચાટો છો ?
(ગીરિશ પટેલ, સુરત)

* હમણાં તમને દૂરદર્શન પર જોયા-સાંભળ્યા... શું કામ લોકોને મૂર્ખ બનાવો છો કે, તમે દેખાવમાં સામાન્ય છો ? વાસ્તવમાં તમે સરસ લાગો છો.
- મને એટલી ખબર છે, હું લેખક છું, ફિલ્મસ્ટાર નથી.
(કેલી સી. પરીખ, અમદાવાદ)

* કેજરીવાલ માટે મોદી કેમ કંઇ રીએક્ટ કરતા નથી ?
- બહારથી નરમ અને મહીં તગતગતા લોઢા જેવા સખ્ત કવિ અનિલ ચાવડાનો શે'ર મોદીના મોંઢામાં મૂકવો જોઇએ :
'જેને માટે મેં મારૂં આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે,
હાહાકાર મચી જાશે જો હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે.'
(પરિંદા કે. શાહ, રાજકોટ)

* વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાન થયા. હવે ગુજરાતનું ભાવિ શું ?
- 'રૂ' અને 'પાણી' ભેગા થાય એવો લોચો ન થાય, એને બદલે વિજય થાય, એવું કરી બતાવવું પડશે.
(ગૌતમ વાય. દવે)

* 'બેન' 'ટૉલટૅક્સ' તો કઢાવતા ગયા... પણ વર્ષોથી લેવાદેવા વગરનો ટૉલટૅક્સ ભરે જતા હતા, એ વધારાનો ટૉલટૅક્સ પાછો અપાવવાની કોઇ યોજના ખરી કે નહિ ?
- વર્ષોથી પસાર થયેલા વાહનો રીવર્સમાં લઇ આવો, તો કદાચ પાછો મળે ય ખરો !

* તમારી ત્રણે ય કૉલમોમાં તમારી સૌથી વધુ ફૅવરિટ કઇ ?
- અફ કૉર્સ, 'બુધવારની બપોરે'.
(શિલ્પા પી. ઠક્કર, ભૂજ-કચ્છ)

* સંસદના ચાલુ સત્રે ઊંઘી જતા રાહુલ ગાંધીને એ ય ખબર નહિ હોય કે, સંસદનું લાઇવ-ટૅલીકાસ્ટ થઇ રહ્યું છે ?
- એકલો માણસ ઘેર ઊંઘે કે બગીચામાં... લૂંટાવાનું શું છે ?
(જનક શાહ, અમદાવાદ)

* તમે કવિ-લેખકોના સારા કપડાં પહેરે, એ વિશે લેખ લખ્યો... પણ હજી કોઇ સુધર્યું હોય એવું લાગતું તો નથી !!
- એ લોકો કુંભમેળાવાળા કપડાં(!) પહેરે તો ય એમની રચનાઓ કે કપડાંમાં ફેર પડવાનો નથી.
(મોહસિન ફઝલ દેરીવાલા, સુરત)

* તમને 'સૅલ્ફી' લેવાનો શોખ ખરો ?
- બીજાને લઇ આપું છું.
(મધુરી કે. ઓઝા, અમદાવાદ)

* તમે 'ફૅસબુક' પર કેમ નથી ?
- આ તમે અભિનંદન આપી રહ્યા છો કે પૂછપરછ કરી રહ્યા છો ?
(શ્રીધર કપાસી, નડિયાદ)

* મોદી સાહેબ બલૂચિસ્તાન માટે હળીઓ કરે રાખે છે, એના કરતા કાશ્મિરના આતંકવાદીઓને સંભાળવાનું કહો ને...!
- પાકિસ્તાન કાશ્મિર અને 'પીઓકે'માં દોઢડાહ્યું થાય છે, એનો મોદી જવાબ આપી રહ્યા છે.
(પરેશ જી. રાવલ, નડિયાદ)

* તમે નવરાશના સમયે કેવી ફિલ્મો જુઓ છો ?
- જૅરી લૂઇસ, આલ્ફ્રેડ હિચકોક અને ઋષિકેશ મુકર્જીની.
(કથા યુ. મહેતા, અમદાવાદ)

* આપણી ટ્રાફિક-વ્યવસ્થા આટલી નબળી કેમ ? બધા રોડ ફૂટપાથ પાસે સ્કૂટરોથી પાર્ક કરેલા હોય છે.
- હજી પૂરતી સંખ્યામાં રોડ-રોલરો મળતા નથી, ત્યાં સુધી સ્કૂટરોથી ચલાવી લો.
(સંજય કે. વ્યાસ, વડોદરા)

* સ્ત્રીને આકર્ષવાનો સરળ રસ્તો કયો ?
- એની પાસે બીજી સ્ત્રીની સુંદરતાના વખાણ કરો.
(એમ.જે. પતરાવાલા, સુરત)

* તમારી દ્રષ્ટિએ ફિલ્મ 'રૂસ્તમ' જોવાય ખરૂં ?
- અમદાવાદી યુવાનોમાં નવી ફૅશન નીકળી છે, ''એક વાર જોવાય..''! કેમ જાણે બીજી બધી ફિલ્મો ૨૦-૨૫ વખત જોવાની હોય !
(કેતકી ઉચ્છંગરાય ઓઝા, અમદાવાદ)

* હવે ગુજરાતમાં વિજય રૂપાણીને પહેલા જૈન મુખ્યમંત્રી તરીકે પોસ્ટરો-હૉર્ડિંગ્સોમાં ચમકાવાયા છે !
- તે એમાં ખોટું શું છે ? દલિત મુખ્યમંત્રી, બ્રાહ્મણ, પટેલ, મુસ્લિમ કે લોહાણા મુખ્યમંત્રી ય હોય તો એક દિવસ તો ભારતીય મુખ્યમંત્રી પણ આવશે ને ?
(નિલેશ કે. કોઠારી, મોરબી)

* તમારી જન્માષ્ટમી કેવી ગઇ ?
- બસ. બાવન પાનાની ગીતાના પઠનો કર્યા પછી, પોલીસે પકડયા નથી, એટલે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'.
(શ્યામલ વી. શાહ, સુરત)

* ઓલિમ્પિકમાં ભારતના દેખાવ અંગે શું કહેવું છે ?
- મને નામની ય ફરિયાદ નથી. પોતપોતાના ફૅડરેશનોની 'માવજત' છતાં એ લોકોએ જે કાંઇ કર્યું... સર આંખો પર !
(રૂમા વાય. શાહ, વડોદરા)

No comments: