Search This Blog

28/05/2017

એનકાઉન્ટર : 28-05-2017

* પ્રજાનું સામાજીક જીવન ધોરણ ઊંચું લાવવા તમને નથી લાગતું કે, વિશ્વના અન્ય દેશોની જેમ આપણે ત્યાં પણ ઓફિસોમાં શનિ-રવિ રજા હોવી જોઈએ ?
શનિ-રવિ જ કામના દિવસો રાખો... બાકીની રજાઓ ! આમે ય, કામ તો એટલું જ થાય છે.
(
રમેશ દોશી, મુંબઇ)

*
પહેલો ગુન્હો તો ઈશ્વરે ય માફ કરતો હોય છે, તો પત્નીઓ બિચ્ચારા પતિનું પહેલું લફરૂં કેમ માફ કરી ન શકે ?
પતિ પણ પત્નીનું પહેલું લફરૂં માફ કરી શકતો હોય તો આગળ વધવામાં વાંધો નથી.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* સંસદસભ્યો કે ધારાસભ્યો સરકારી નોકરો ન હોવા છતાં એમને આટલો મોટો પગાર કેમ આપવામાં આવે છે ?
- પાપી પેટને ખાતર...
(
ધવલ જે. સોની, ગોધરા)

* આ વખતની ગરમીમાં એકલો પંખો ચાલુ રાખવાથી કાંઇ વળશે ?
પંખો બંધ રાખીને એની નીચે તો ગોળ ગોળ ના ફરાય ને ?
(
મનિષ અમીન, વડોદરા)

* ભગવાન તમને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો ?
સંતો પોતાની કથાઓમાં રાષ્ટ્રગીત ગવડાવે.
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* ઇ.સ. ૨૦૧૪ની ચૂંટણીમાં કિટલીએ ઇટલીને હરાવી દીધી... ૨૦૧૯માં શું થશે ?
કિટલી ઠંડી પડી પણ જાય તો ય ઇટાલીનો કોઇ ગજ વાગે એવો નથી.
(
હસમુખ નારણભાઇ વોરા, ધોરાજી)

* અત્યારની ફિલ્મોમાં ગાતા હોય એવામાંથી તમારી પસંદગીનો ગાયક કોણ ?
- ઉદિત નારાયણ.
(
ડો. કૌમિલ જોશી, અમદાવાદ)

* હવે તમને મોદીની ૫૬''ની છાતી દેખાઇ કે નહિ ?
મને લોકોની છાતીઓ જોવાનો શોખ નથી.
(
વાસુદેવ પી. ભટ્ટ, મુંબઇ)

* ગુજરાતની રાજકીય સ્થિતિ કોણે બગાડી ?
આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી છે, એવી પ્રજાને ખબર પડે પછી ખબર પડે. હાલમાં તો એમને ધાર્મિક સમારંભોમાં હાજરી આપવા સિવાય પ્રજા પાસે જવાનું કોઇ કામ હોતું નથી.
(
હર્ષિલ જયેશ જોશી, વડોદરા)

* મોદી સાહેબનું અત્યાર સુધીનું શાસન જોતા શું લાગે છે ?
કાશ્મીરના પથ્થરબાજોને એક વાર ઢાળવાનું શરૂ કરે, પછી આપણને અને એ લોકોને ય ખબર પડે.
(
નિકુંજ પ્રજાપતિ, અમદાવાદ)

* 'ફેસબુક'ના જમાનામાં સાચો મિત્ર શોધવો અશક્ય છે ને ?
જુઓને, એટલામાં જ ક્યાંક પડયો હશે...!
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* ગુજરાતીઓ સૈન્યમાં ભરતી કેમ થતા નથી ?
મંદિર-દેરાસરોમાં ભરતી થવાની વાત કરો... કલાકમાં કરોડો જોડાઇ જશે.
(
જતિન દીક્ષિત, નાલાસોપારા)

* આપણી શિક્ષણ પદ્ધતિ ક્યારે સુધરશે ?
આ જમણી બાજુમાં મૂકેલા સૂચનાના બૉક્સને વાંચતા આવડશે ત્યારે.
(
રવિરાજસિંહ ઝાલા, અમદાવાદ)

* છોકરીઓના ફોનમાં ઘણા બધા 'લોક્સ' કેમ હોય છે ?
ક્યારેક છોકરાઓના ફોનો બાજુ પણ લટાર મારી આવો તો ખબર પડે.
(
કેતન ઠોસાણી, સાવરકુંડલા)

* દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?
જગતનો કોઇ દેશ ભ્રષ્ટાચાર વગર ચાલતો નથી.
(
પ્રજ્ઞા ગરાળા, જામનગર)

* પાવરફૂલ 'સેન્સ ઓફ હ્યુમરવિશે શું કહેવું છે ?
કહેવાની ન હોય... કરી બતાવવાની હોય !
(
ભાવિન એમ. પટેલ, અમદાવાદ)

* કપિલ શર્મા જેવો ગુજરાતમાં 'અશોક દવે શો' બનાવો તો કેવું ?
'એનકાઉન્ટરલખવા અહીં આવતો હોય તો મને ત્યાં જવામાં વાંધો નથી.
(
મેહૂલ એમ. ચાવડા, કપડવંજ)

* હું તમારાથી એટલો બધો પ્રભાવિત છું કે, મેં અમરેલીમાં 'શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળાખોલી નાંખી છે...
હવે એ લોકો પ્રભાવિત નહિ રહે !
(
ઇમ્તિયાઝ બલોચ, અમરેલી)

* શું આપણી સંસ્કૃતિ સાબુપ્રધાન છે ? સાબુની બનાવટમાં આયુર્વેદના ઔષધો આવવા માંડયા છે !
આપણી દવાઓ 'વ્હિસ્કીપ્રધાન' નથી ?
(
બી.એસ.વૈદ્ય, વડોદરા)

* 'એનકાઉન્ટર'નું નામ 'સર્જીકલ સ્ટ્રાઇક'રાખો તો ?
તો કોંગ્રેસના લોકો પ્રૂફ માંગશે.
(
રાહુલ તળપદા, વાંઠવાળી-ખેડા)

* હસમુખો સ્વભાવ સ્માર્ટનેસની નિશાની છે ?
એમ જ હોત તો પૂછપરછની બારી ઉપર કોઇને નોકરી જ ન મળત !
(
ધ્રુવ પંચાસરા, વીરમગામ)

* સવાલ પૂછનારાઓનું તમે મૅરિટ-લિસ્ટ કેમ બહાર નથી પાડતા ?
આપણા દેશમાં સવાલો ઊભા કરનારા તો બધા સ્માર્ટ છે... ફાંફા જવાબો આપનારાઓને પડે છે.
(
યોગેશ બકરાણીયા, નાના આંકડીયા-અમરેલી)

* પ્રાણાયામ અને વ્યાયામ વચ્ચે શું ફરક હોય છે ?
એકે ય એન્ગલથી હું તમને બાબા રામદેવ જેવો લાગું છું ?
(
વિનુભાઇ સોલંકી, દેદાદરા-આણંદ)

No comments: