Search This Blog

10/05/2017

કૅકને બદલે ઢોકળું કપાય ?

બર્થ–ડે પાર્ટીઓમાં કૅક જ કપાય? તેલવાળું ઢોકળું કે બર્થ–ડે બૉયનું મોંઢું ખોલાવીને ખાંડવી ન ખવડાવાય ? ‘કૅક જ કેમ ?’ એનો જવાબ તો એકે ય ભારતીય પાસે નથી. મોંઢું મીઠું કરાવવા પેંડા–બરફી નહી, કૅક જ ! જસ્ટ બીકૉઝ... ઈંગ્લૅન્ડ–અમેરિકામાં ધોળિયાઓ કૅક કાપે છે, એટલે આપણે ય કાપવાનો ! આ તો સારૂં છે કે ધોળિયાઓ બર્થ–ડે બૉય / ગર્લનું કાતરથી શર્ટ કે ફ્રોક કાપતા નથી, નહિ તો બધા હસતા મોંઢે તાળીઓ પાડતા ‘હૅપ્પી બર્થ–ડે ટુ યૂ’ ના શંખનાદ સાથે હાથમાં કાતર–ચપ્પા લઈને શર્ટ–ફ્રોક ઉપર તૂટી પડતા હોત ! ચીરેચીરા છુટા કરી નાંખતા હોત !

ઇન્ડિયાએ ચોરેલી વિદેશી સભ્યતાઓમાં સૌથી વધુ હાસ્યાસ્પદ હોય તો કૅક–કટિંગની છે, જેની એકે ય વાતનું લૉજિક ન મળે ! માની લો, કે બર્થ–ડે ‘બોય’ (!) ૮૫ – વર્ષનો ડોહો હોય, એટલે રિવાજ મુજબ, આવડે કે ન આવડે, ‘જય આદ્યાશક્તિની આરતી’ના જ ઠેકા ઉપર તાળીઓ વગાડતા વગાડતા ‘હૅપી બર્થ–ડે ટુ યૂ...’ બધાએ ગાવાનું ને એમાં છેલ્લે જ્યારે ‘હૅપ્પી બર્થ–ડે ટુ...’ ઉંચા સૂરમાં લઇ જવાનું આવે, ત્યારે ૯૮–ટકા રાજીનામા આવી ગયા હોય ને ડોહા એકલા તાળીઓ પાડતા ગાતા હોય.

હું ભૂલેચૂકે ય કોઇની બર્થ–ડે પાર્ટીમાં જતો નથી, એનું એક માત્ર કારણ એ કે, ડોહાએ તમાકુ–બીડીવાળા મોંઢે ખાધેલી કૅકનું અડધું અને એંઠું બચકું આપણને ખવડાવે... આપણું એંઠું બાજુવાળાને જાય... તારી ભલી થાય ચમના... ઘેર જઇને હું તારી બાનું ય એંઠું ખાતો નથી ને તું અહીં ગમ્મે તે જેઠા, સવિતા કે બાબુડીયાનું એંઠું મને ખવડાવે છે ? કાંઇ બાકી રહી જતું હોય એમ બર્થ–ડે બૉયની વાઇફ એ જ કૅક એના મોંઢા ઉપર હોળીના રંગની માફક ચોપડી દે. આ તો સૌથી વધુ ફની વાત છે કે, કપાયેલો કૅક બર્થ–ડે કે ડોસીના ચેહરા ઉપર ચોપડી દેવાનો ! કાંઇ કારણ, ભ’ઈ ? એક તો મૂળથી જ ડોહો કૅક કલરની સ્કીન લઇને આવ્યો હોય ને ઘરવાળા એનું મોંઢું વધારે કાળું કરે ! ગોબરાઓ પાછો એવો ચોંટાડેલો કૅક આંગળીમાં લઇને ચાટે...! કોઇ પંખો ચાલુ કરો !

હા. ડ્રિન્ક્સ હોય તો વાત જુદી છે. આપણા ચોખલીયા ગુજરાતીઓની આ વાત પણ સમજાતી નથી. ભૂલેચૂકે પોતાના દીકરાનું એંઠું ન ખાનારો શરાબી બાપ એની સાથે બેઠેલા સૌમિલ, કરૂણ, ધ્યાનમ કે ભરત જાડીયાના દારૂના એંઠા ગ્લાસ કે સિગારેટો વિના સંકોચે પી જાય છે. દારૂ એંઠો પીવાય... કોઇને એંઠી દાળ પીતા જોયો છે ?

એ વાત તો હવે બધા કબુલ કરશે કે ઍટ લીસ્ટ, ગુજરાતમાં ‘એક પણ’ દારૂડીયાને ‘પીતા’ આવડતો નથી. (હવે ફેરફાર થયો હોય તો ખબર નથી, પણ અગાઉ ગુજરાતમાં દારૂ પીવાની પરમિટ લેવા માટે જે ફોર્મ ભરવું પડતું, એના શબ્દો કંઇક આવા હતા : ‘દારૂડીયાનું નામ, દારૂડીયાના બાપનું નામ, દારૂડીયાનો ધંધો’... વગેરે વગેરે !) ધોળીયાઓ ડ્રિન્ક્સની સાથે મન્ચિંગ એટલે લે છે કે, વ્હિસ્કીને કારણે મોંઢું તૂરૂં થઇ ગયું હોય એટલે બે ઘૂંટની વચ્ચે માંડ બે દાણા ખારી સિંગ કે ચણા (પ્રોટીન) ખાઇ શકાય. આપણાવાળા તો નિર્વાસિતોની ન્યાત જમવા બેઠી હોય, એવા નીચે મૂકેલી મન્ચિંગની ડિશો ઉપર તૂટી પડે છે... દારૂ બાજુમાં રહી જાય. પાછી વધારે સમજ પડે નહિ, એટલે ‘પી લીધા પછી’ જમવાનુ ફૂલ હોય. સૅલેડ, પાપડ, બે–ત્રણ પંજાબી સબ્જી, દાલ મખની ને જીરા રાઇસ... (ઓહ ન્નો... આટલું પીધા પછી ય ‘બધા ખાય છે’ એટલે આપણે ય ખાવો પડે.... આઇસક્રીમ ! ‘ડૅઝર્ટ’ બોલવામાં મજાનું લાગે, એટલે કોઇ મીઠાઈ કે આઇસક્રીમ ખાવો પડે.)

વ્હિસ્કીમાં સોડા જ કેમ ? લિમ્કા કેમ નહિ ? ‘મારે તો બૉસ... સોડા વિના ચાલે જ નહિ... કોકવાર ના મળે તો છેવટે કપડાં ધોવાનો સોડા ય આમાં નાંખીને પી લઉં... પણ સોડા તો જોઇએ જ ! મારા પૅગમાં છ આઇસ–ક્યૂબ જોઇશે... બાઇટિંગમાં આપણે બૉઇલ્ડ–ઍગ્સ સિવાય ચાલે જ નહિ !’

આ બધા નખરાં મૅક્સિમમ બીજા પૅગ સુધી હોય છે. ત્યાં સુધીમાં ભ’ઇને પૂરતો ચઢી ગયો હોય, પછી અસલી રંગમાં આવી જાય, ‘અરે બૉસ... સોડા ના મળે તો છાશ મંગાવો... બૉઇલ્ડ ઍગ્સ ના હોય તો બોઇલ્ડ શક્કરીયા લાવો, પણ લાવો... ! આપણે બધું ય ચાલશે... !’ ના લવારે ચઢી ગયો હોય.

‘ઑન–ધ–રૉક્સ’ (એટલે કે, સોડા કે પાણી વગર સીધો દારૂ જ પી જવાનો !) પીવાથી બહુ રોલાં પડે ? પીતા–પીતા બાઇટિંગ કહો કે મન્ચિંગ કહો, શેના માટે હોય છે ? પીવાની શરૂઆત કરતા પહેલા એકબીજાના કપાળને બદલે ગ્લાસ–ટુ–ગ્લાસ અથડાવીને ‘ચીયર્સ’ કેમ બોલે છે ? કારણ કે, ‘કપાળ–ટુ–કપાળ’ અથડાવાથી ‘ખડીંગ’ કરતો અવાજ આવતો નથી. ‘ચીયર્સ’ કયા કારણથી બોલવામાં આવે છે ? વૉડકા, જીન, બ્રાન્ડી, વાઇન, વ્હિસ્કી, માર્ગેરિટા, રમ, કોન્ટોક, ફૅની, દેસી કે બિયર... બધામાં આલ્કોહૉલ તો છે જ, છતાં વ્હિસ્કી પીનારો વોડકા કેમ નથી પીતો કે જીનને લાઇમ–કોર્ડિયલ સાથે કેમ પીવાય છે ? માર્ટિની એ જ જીન... એમ ? જૅમ્સ બૉન્ડ નહાતી વખતે બાથટબની પાળી ઉપર માર્ટિની મૂકીને કેમ પીએ છે ? (... કારણ કે, એ લોકો પાસે હિંગાષ્ટકનું દ્રાવણ ન હોય !) દરેક શરાબ પીનારો ‘સ્કૉચ’ કે ‘સિંગલ મૉલ્ટ’ શબ્દ તો બોલે જ છે, પણ એનો અર્થ... રામરામરામ...! આપણે પીવાથી કામ છે ને, ભ’ઈ ? અહીં દારૂ પીવાના ક્લાસ ભરવા થોડા આયા છીએ ?

સિંગલ–મૉલ્ટ સ્કૉચ વ્હિસ્કી ફક્ત સ્કૉટલૅન્ડમાં જ ડિસ્ટિલ્ડ થયેલી હોવી જોઈએ અને ઓકના ઝાડના લાકડાના કાસ્કેટ (પિપડાં)માં મિનિમમ ‘ત્રણ વર્ષ અને એક દિવસ’ સુધી મૅચ્યોર કરેલો હોવો જોઇએ. ડબલ–મૉલ્ટ વ્હિસ્કી બે પ્રકારના ગ્રૅઈન્સમાંથી બનેલી હોય અને બે ડિસ્ટલરીઝમાં બની હોય. સિંગલ–મૉલ્ટનું મહત્વ વધારે હોય.

‘ચીયર્સ’ બોલવાનું અસલી કારણ બ્રિટિશરોનો બીકણ સ્વભાવ છે. એ લોકો ભૂતપ્રેતથી વધારે બીએ છે, એટલે દારૂ (આલ્કોહૉલ) પીવા બેસો, એટલે આલ્કોહૉલ તો સ્પિરિટનો બનેલો હોય, અર્થાત જાણે–અજાણે પીતી વખતે તમે ‘ઇવિલ–સ્પિરિટ’ને બોલાવો છો, પણ ભૂતપ્રેત સ્વભાવના બીકણ હોવાથી કાચના બે ગ્લાસ અથડાવવાથી થોડો અવાજ ‘ખડિંગ’ થાય, એમાં ભૂત–ડાકણ નાસી જાય છે, એની ખુશાલીમાં ‘ચીયર્સ’ બોલાય છે, ભક્તો ! આપણને તો ખબર પડે નહિ, પણ ધોળિયાઓ બોલે છે ને...! બસ, આપણે ય બોલવાનું ! ધોળીયાઓ પીતા પહેલા ‘જે શી ક્રસ્ણ’ બોલતા હોત તો પાપની સાથે પૂણ્ય તો કમાવવા મળત...! સુઉં કિયો છો ?

આપણે ત્યાં બર્થ–ડે પાર્ટીમાં શરાબ નથી પીવાતો, પણ ભાઇલોગોની પાર્ટીઓમાં તો વૉશ–બૅસિનમાં મોંઢું ય વોડકા–બિયરથી ધોવાતું હશે ને ! એમની બર્થ–ડે પાર્ટીઓમાં કૅક છરી–કાંટાથી ન કપાય.. રીવૉલ્વરનો સીધો ભડાકો કૅક ઉપર થાય. સામે છેડે જૈનોની બર્થ–ડે પાર્ટીઓ સાત્વિક હોય. ‘હેપ્પી બર્થ–ડે...’ને બદલે નવકાર મંત્રો બધાએ સમૂહમાં બોલવાનો. શક્ય હોય ત્યાં સુધી બર્થ–ડે બોય શૂટ–બૂટને બદલે ઑફ–વ્હાઈટ કલરનું વન–પીસ શનીયું પહેરે. કપાળે પીળો ચાંદલો કરે, પાર્ટીમાં આવતા મહેમાનોને બંને હાથ જોડીને ‘જય જીનેન્દ્ર’ કહે. આ તો બહુ વર્ષો પછી ખબર પડી કે, બર્થ–ડે કૅકો તો ઈંડાની બનેલી હોય ને આપણે હોંશેહોંશે એકબીજાના મ્હોમાં  ખોસતા હતા. હવે જો કે, ઑલરેડી ઉજવાઇ ગયેલી બર્થ–ડે પાર્ટીઓ ઈંડા વગરની કૅકો કાપીને ફરી તો ઉજવાય નહિ, પણ બૅકરીવાળાઓ સમજી ગયા છે કે, કમાવવાનું તો આ લોકો પાસેથી જ છે, એટલે બૅકરીમાં બૉર્ડ માર્યા હોય છે, ‘ઍગલૅસ કૅક મળશે.’ એટલે કે ઈંડા વગરની કૅક ! ... જૈનો પાછા કૅકો ખાવા તૈયાર !

અમથા ય, ગુજરાતીઓને બુધ્ધિ વગરના કહો તો ય વાંધો આવે એવો નથી. બર્થ–ડે કે મૅરેજ–પાર્ટીઓમાં આ લોકો કઇ કમાણી ઉપર બૂકે લઇ જાય છે, તે સમજ પડતી નથી. પોતાની તદ્દન બેવકૂફીની જાહેરાત લોકો હાથમાં બૂકે લઇને પાર્ટીઓમાં પહોંચીને કરે છે. ઘણો મોંઘો હોવા છતાં એક માત્ર બૂકે (ફૂલોનો ગુલદસ્તો) જ એવી ચીજ છે, જેને કોઇ કરતા કોઇ ગણકારતું નથી. જેને કોઇ સૂંઘતુ ય નથી, જેનો કોઇ ઉપયોગ નથી. પાર્ટીમાં પહોંચતાની સેકન્ડે જ બર્થ–ડે બૉયના હાથમાં એ પધરાવી દેવાનો હોય છે. એ પોતે ય બૂકે સામે જોતો નથી. જે ફૂલો તો પરમેશ્વરના ચરણોમાં મૂકવા માટે સર્જાયા છે, જે તમામ બર્થ–ડે પાર્ટીના હૉલના ખૂણામાં ઢગલો થઈને ચોથા વર્ગના કર્મચારીઓ જેવા નીગ્લૅક્ટ થઇને પડ્યા હોય છે. પાર્ટી પતી ગયા પછી ઘેર જઇને આખું ઘર આવેલી ગિફ્ટ્સના રૅપરો ખોલવા ગોળ કૂંડાળે બેસી જાય, પણ બૂકે તો હૉટેલના એ ખૂણામાં જ મૂકી આવ્યા હોય. બૂકેના વેપારીઓ ય સમજી ગયા છે કે, ગુજરાતી બેવકૂફોને એક બૂકેના
૫૦૦/– ખર્ચવા પડે કે ૫૦૦૦/– કોઇ ફર્ક કે સમજ પડતી નથી. ભારતભરનો સૌથી મોંઘો બૂકે ખરીદીને પાર્ટીમાં પહોંચો તો ય બર્થ–ડે બૉય એક સેકન્ડ પૂરતો હાથમાં લઇને ખૂણામાં પધરાવી દેવાનો છે. સમજદારી એટલી ક્યાંથી લાવવી કે, જેટલો ખર્ચો બેવજૂદ બૂકે પાછળ કરો છો, એટલા ખર્ચામાં પેલાને કામમાં આવે એવી કોઇ ચીજ પણ ગિફ્ટમાં આપી શકાય ને ? એમાં એની કે તમારી બા ના ખીજાય !

બસ. જેમાં પાઈની બુદ્ધિ વાપરવી ન પડે ને માત્ર પૈસા ખર્ચવાનો મોભો દેખાતો હોય, એ સઘળી ચીજો ઉપર ગુજરાતીઓની માસ્ટરી છે. ભગવાને ગુજ્જુઓને પૈસો પણ લથબથ આપ્યો છે, પણ એ વાપરવો ક્યાં, એની બુદ્ધિ નથી આપી...

ભોગ ભગવાનના... !


સિક્સર
હાફૂસની સીઝન જામી છે. કહે છે કે, હવે તો કેરીનો રસ પણ ‘મૅન્ગો’ની ફ્લેવરમાં મળે છે. 

No comments: