Search This Blog

31/05/2017

ઘરમાં સાપ નીકળે ત્યારે...

અત્યારે આ છાપું વાંચતી વખતે અચાનક તમને શંકા જાય કે, તમારા ઓશિકાની પાછળ સાપ સળવળે છે, તો એ કાચી સેકંડ કેવી જાય તમારી ? આપણે સુતા હોઈએ, એ બેડરૂમની છત ઉપર ચોંટેલી ગરોળી જોઈ શકાતી ન હોય, ત્યાં સાપ નીકળે, એ કાંઈ પેંડા વહેંચવાના સમાચાર તો નથી ! ગુજરાતી સ્ત્રીઓ તો એમેય કહેશે કે, ''હાય રામ.. સાપ-બાપ નીકળે, એ તો હજી ચલાવી લેવાય, પણ ગરોળી ...? બાય ગૉડ, હું તો પછી એ રૂમમાં જઉં જ નહિ !'' (આટલી વાત પછી ગુજરાતભરના ગોરધનોએ શીખી લેવાનું કે, પ્રાયવસી માટે તમારો રૂમ અલગ રાખવો હોય તો બે-ચાર ગરોળીઓ પકડી લાવો. આઈ મીન, રમકડાંની બહુ મળે છે ! પેલી એ રૂમમાં કદી આવે તો નહિ !)
એ રાતની વાત છે. બાત એક રાત કી.

વાઇફ રાત્રે અઢી વાગે ઊંઘમાં હસતા હસતા બોલી, ''અસોક.. રે'વા દિયો.. આ ઉંમરે આવું બધું હવે શારૂં નો લાગે... છોકરાઓ જાગતા હશે... ગલીપચી થાય છે, પ્લીઝ !

મને શું પાછળ ખોટી જગ્યાએ કૂતરૂં કરડયું હતું કે, રાત્રે અઢી-તઇણ વાગે વાઇફ સાથે આવી (એટલે કે, છોકરાઓના દેખાતા ન કરાય એવી) મસ્તીઓ કરવા જઊં ? ભલે હજી એવી ઉંમરો વટાવી નથી (ઘર માટે ક્યારની વટાવાઈ ગઈ હોય !... આ મારી એકલાની નહિ, ગુજરાતભરના ૫૦-ની ઉપરના તમામ ગોરધનોની વાત થાય છે. ઘરમાં ખોટો સમય અને શક્તિ વેડફવાના ન હોય ! સુઉં કિયો છો ? બોલો જયહિંદ ...!) છતાં પણ અનુભવી ગોરધનો કદી પોતાની વાઈફ સાથે આવી મસ્તી અડધી રાત્રે જ નહિ, અડધી બપોરે ય ન કરે ! શરમાઈ શરમાઈને એની આવી આજીજીઓ વધતી ગઈ, એટલે મને ડાઉટ પડયો કે, સાલું મેં કાંઈ કર્યું નથી ને આ શેની આટઆટલી મલકાયે રાખે છે ! રાતની ડીમ-લાઈટમાં મેં એનો ચેહરો જોયો.

ફિલ્મ 'ચૌદહવીં કા ચાંદ'માં સૂતેલી વહિદા રહેમાનને ગુરૂદત્ત અદબ વાળીને ઊભો ઊભો જોયે રાખે છે ને ઘાંટા પાડી પાડીને ગીત ગાય છે, ''ચૌદહવી કા ચાંદ હો, યા આફતાબ હો...'' એવું મારાથી ગવાય એવું નહોતું કારણકે આ ઉંમરે એ ચૌદવીકા નહિ, 'અઠયાવીસ કા ચાંદ' જેવી લાગતી હતી ને હું ય ગુરૂદત્ત જેવો નહિ, ઇસ્ત્રી માટે ધોબી કપડાં લેવા આવ્યો હોય એવો ઊભો હતો.

અલબત્ત, હું નિર્દોષ હતો, છતાં એના શરીર ઉપર ક્યાંક સળવળાટ થતો હતો, એ શેનો હશે, એ કલ્પના માત્રથી હું ફફડી ગયો. આમ તો, શહેરમાં સાપ-બાપ નીકળે નહિ પણ એવું કાંઈ લખી આપ્યું ન હોય કે ન જ નીકળે. 'કાંઈ ના હોય એ તો...એવું માનીને બેસી... આઈ મીન, સુઈ તો ન રહેવાય ને ? મેં હળવેકથી એનો ખભો હલાવીને જગાડી. એ ચીસ પાડવા જતી હતી, એટલે મારે કહેવું પડયું, ''ગભરાઈશ નહિ.. સાપ નથી.. હું છું.'' કદાચ એટલે જ એ ગભરાઈ હોય એવું બને. સમય પારખીને મેં એને-જાણે કાંઈ થયું જ નથી, એવા સ્વાભાવિક ટોનમાં કહ્યું, ''સાંભળ.. તું હચમચતી નહિ. આસ્તેથી પલંગ પરથી ઉતરીને નીચે આવી જા...''

''હાય રામ... ક્યાંક સાપ-બાપ તો નથી ને ?'' એને આવી બીક લાગી હતી, પણ મેં એનું મ્હોં દબાવીને કહ્યું, ''આપણે એ જ તપાસ કરવાની છે... પહેલા મને કહેતને થતું'તું શું ?''

વિગતે વાત કરતા ગભરાયેલા છતાં મક્કમ સ્વરે એણે માહિતી આપી, ''આમ તો કાંઈ નહિ.. મને એમ કે, તમે તોફાને ચઢ્યા હશો... પણ ગળાની આજુબાજુ કાંઈ લિસ્સું લિસ્સું ફરતું હોય એવું લાગ્યું. આમ ગમે પાછું કે, સરકતું- સરકતું જાય... હાય રામ, કંઈક સાપ-બાપ જેવું તો નહિ હોય ને ?''

મને ચોક્કસ ખાત્રી હતી કે આજે હું સંપૂર્ણ નિર્દોષ હતો છતાં ખરેખર સાપ કે નાગ-બાગ હોય તો પતી જવાય ને ? એને કરડે તો હજી વાધો નહિ. ઝેરને ઝેર જ મારે. સાપ મરી જાય. પણ મને કરડે તો ઘરમાં બર્નોલે ય પડયું નથી. વળી, એને કરડે તો પોલીસને તો પહેલો ડાઉટ મારા ઉપર જ આવે કે, હું કરડયો હોઈશ. આમ પાછો એની જીભના રસાસ્વાદો જીવનભર ચાખ્યા પછી મને વાઈફથી એવો ડર લાગે પણ ખરો કે, ક્યાંક કોઈ સર્પનો આત્મા એનામાં  ભટક્તો નહિ હોય ને ? ઝેરીમાં ઝેરી કિંગ કોબ્રાને પકડીને પોતાના વશમાં કરી લેવાની ફાવટ દુનિયાભરના સસરાઓને હોય છે.

આ આવડત એમણે પોતે વર્ષો પહેલા ઝેરી નાગણને પકડીને પોતાના વશમાં કરી લીધા પછી વિકસી હોવાનું મનાય છે. નાગણના બચ્ચાઓ તો વાઈફ આણાંમાં લેતી આવી હોય છે. જીવીએ ત્યાં સુધી આપણે એ સાલાઓને... આઈ મીન, સાળાઓ અને સાળીઓને સાચવવાના હોય છે.

આસ્તે રહીને ઘરના છોકરા-વહુને ઉઠાડયા. બુમાબુમ કે ચોંકવાની મનાઈ લગાવી. ઘરની બધી લાઈટો ફૂલ કરી દીધી ને તો ય મેં ટૉર્ચ (ગુજરાતીઓ જેને 'બૅટરીકહે છે)થી ભીંતો ઉપર, સોફા નીચે, ડબ્બાઓ ખોલી ખોલીને ટૉર્ચનો પ્રકાશ ફેંકવા માંડયો. ઍટ લીસ્ટ, સાપને તો એવું લાગવું જોઈએ કે, આ લોકો મારી તપાસમાં નીકળ્યા છે, બેસી નથી રહ્યા. વાઈફ મારો ખભો ખેંચ ખેંચ કરે ને દીકરો ને વહુ 'ગૂગલપર સાપ નીકળે તો શું કરવું, એના ઉપાયો શોધવા માંડયા. આમ પાછા મદારીઓ અમારી જ્ઞાતિના ન થાય એટલે ઓળખાણ તો હોય નહિ, એટલે અડધી રાત્રે ફોનો ય ક્યાં કરવા ? પોલીસ આવીને પંચનામું કરવા બેસે ત્યાં સુધી પેલો બે-ચારને કરડી ચૂક્યો હોય !

મોટો પ્રોબ્લેમ એ હતો કે, આખા ઘરમાં સાપ ક્યાંય દેખાતો નહતો. દેખાય તો પ્લાન પણ ઘડીએ કે, એને કેવી રીતે પકડવો ! આપણને ઘરમાં બહુ બહુ તો ઉંદર પકડવાના અનુભવો હોય- જે કદી પકડાયા ન હોય ! આપણી પાસે પાછું રીવોલ્વરનું લાયસન્સ નહિ અને જાત બ્રાહ્મણની એટલે ખંજર- તલવારો તો ભીંતે લટકતા ન હોય ! ''હજી આમ વાંહડાને ઘોડે (એટલે કે, લાકડાના વાંસડાની જેમ) ઉભા ને ઉભા સુઉં રિયા છો.. નીચા વળીને સોફા હેઠે જોવો તો ખરા કે તીયાં ગુડાણો છે કે નંઇ ? મેં કીધું, સોફા તો ક્યારના તપાસી લીધા. આપણા કબાટની ચાવી છ મહિનાથી ખોવાતી હતી, એ મળી ગઈ... સોફા નીચે જ હતી.

''અટાણે ચાવીયુંની કિયાં માંડો છો.. બાથરૂમમાં જોઈ આવો, તીયાં તો ભરાણો નથી ને ?''

''પણ.. મને અત્યારે નથી લાગી... હું કેવી રીતે જઉં ?''

''હે ભગવાન... આમને તો કાંય કે'વા જેવું નથી.. કઉં છું, બાથરૂમની ડોલ-બોલ ખસેડી જુઓ... તીયાં ભરાણો હઈશે ! ''

હું આમ પાછો બહાદુર અને હિમ્મતવાળો ખરો. ફિલ્મ 'શોલેમેં ૧૩ વખત જોયું હતું ને તો પણ ગબ્બરસિંઘથી ગભરાયો નહતો. રસ્તા ઉપર કોક મવાલીને લોકો ધોલધપાટ કરતા હતા ત્યારે કોઈને ખબર ન પડે, એમ હું ય દૂરથી એક ટપલી મારી આવ્યો હતો. સિંહ કે વાઘથી હું ડરતો નથી કારણકે, હું રહું છું એ નારણપુરા સુધી આવવાની એ લોકો હિમ્મત કરતા નથી. માઉન્ટ આબુમાં એક વખત મેં કેમેરાથી લગભગ ૪૦૦ મી દૂર ઊભેલા રીંછનો ફોટો પાડયો હતો ને રીંછ ભાગી ગયું હતું.

અમારી કારનો એ ક્યાં સુધી પીછો કરી શકે ? કહેવાનો મતલબ એટલો જ કે, બહાદુરી જ્યાં બતાવવાની હોય ત્યાં બતાવાય... જેની ને તેની સામે નહિ ! સાપ કે કોબ્રા આપણા માપના ના કહેવાય. કોઈ જાણે તો ય કેવું ખરાબ લાગે કે, મારી મારીને સાપ માર્યો ? ટૂંકમાં, ઘરમાં છુપાયેલો સાપ મારે મારવો નહતો. પકડતા આવડતો નહતો અને એ ડંખ મારી દે, એવો મોકો આપવો નહતો. મારા દીકરાએ સલાહ આપી કે, સાપ પકડવો, એ આપણો ખાનદાની વ્યવસાય નથી. એક કામ કરીએ. બહારથી તાળું મારીને અત્યારે ઘરની બહાર નીકળી જઈએ. કાલે ઝૂમાંથી કોકને બોલાવી લેશું.

બીજા દિવસે સવારે સાપ પકડવાનો ઍક્સપર્ટ આવી ગયો. ખીજાયો ય ખરો. વાઈફના ગળા ઉપર જે સરકતું હતું, એ એનો જ રેશમી દુપટ્ટો હતો, જે ઊંઘમાં એના હાથે ખેંચાતો હતો.

સિક્સર
-
આખરે ભારતે પાકિસ્તાની બંકરો ઊડાવી માર્યા....
-
હુજુર... યે તો અભી શુરૂઆત હૈ...!

No comments: