Search This Blog

06/05/2017

‘બિન બાદલ બરસાત’ (’૬૩)

ફિલ્મ : ‘બિન બાદલ બરસાત’ (’૬૩)
નિર્માતા : ઉત્તમ ચિત્ર
દિગ્દર્શક : જ્યોતિ સ્વરૂપ
સંગીતકાર : હેમંત કુમાર
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૧૫ – રીલ્સ
કલાકાર : વિશ્વજીત, આશા પારેખ, મેહમુદ, નિશી, પદ્મા ચૌહાણ, દેવકિશન, એસ. એન. બેનર્જી, મોની ચેટર્જી

ગીતો
૧. જીંદગી કિતની ખૂબસુરત હૈ, આઈયે આપ કી... હેમંતકુમાર
૨. જીંદગી કિતની ખૂબસુરત હૈ, આઈયે આપ કી... લતા મંગેશકર
૩. એક બાર જરા ફિર કહે દો, મુઝે શરમા કે... લતા – હેમંતકુમાર
૪. મરીઝ – એ – ઇશ્ક હૂં, અય જાનેમન મેરી દુઆ કરના... મુહમ્મદ રફી
૫. દિલ મેં તેરિ યાદ સનમ લબ પે તેરા નામ... રફી – આશા ભોંસલે
૬. બિન બાદલ બરસાત ન હોગી ઓ નાદાનોં... આશા ભોંસલે
૭. બિન બાદલ બરસાત ન હોગી ઓ નાદાનોં... લતા મંગેશકર
૮. રાત ખામોશી સે આતી હૈ... ખુશી ભી મિલી હમકો... લતા મંગેશકર
૯. જબ જાગ ઉઠે અરમાન તો કૈસે નીંદ આયે... હેમંતકુમાર

ફિલ્મ ‘આનંદ’ તમને યાદ રહી હોય તો અમિતાભ બચ્ચન (બાબુ મોશાય)ના રસોઈયો બનતો કલાકર દેવકિશન આ ફિલ્મ ‘બિન  બાદલ બરસાત’નો વાર્તાલેખક છે. જેમ જગદિશરાજનો પોલિસ ઈન્સપેક્ટરનો કિરદાર મેક્સિમમ ફિલ્મોમાં કરવા માટેનો વર્લ્ડ–રેકર્ડ છે, તેમ આ દેવકિશનનો ફિલ્મે–ફિલ્મે મહારાજ બનવાનો રેકોર્ડ ઓફિશિયલી નોંધાયો ભલે ન હોય.... પણ હશે તો ખરો જ!

અહીં આપણે સમજવાનું એટલું કે, સાયકલના પંક્ચરો બનાવનારો લગ્નની શેરવાની કે સ્યૂટ સિવવા બેસે તો કેવું પરિણામ આવે ? શેરવાનીની બાંય ફાટી ગઈ હોય તો પંક્ચર બનાવનારો ત્યાં ય કાળું થીંગડું મારે ! દેવકિશન એક્ટર તરીકે અને એમાં ય રસોઈયા તરીકે સારો, પણ વાર્તા આવાની પાસે લખાવાય ? યાદ હોય તો, ફિલ્મ ‘પાકીઝા’માં રાત્રે હૉજમાં નહાતી મીના કુમારી ઉપર બળાત્કાર કરવા જે વિલન આવે છે તે જગદિશ કંવલ અનેક હિંદી ફિલ્મોની વાર્તા લખી ચૂક્યો છે અને એમાંની એકે ય યાદ કરવા પૂરતી ય ઉલ્લેખનીય નથી. ફિલ્મ ‘પ્યાર કિયે જા’માં મેહમુદનો અર્ધપાગલ સસરો બનતો કલાકાર શ્યામલાલ ’૫૦ – ના દશકમાં થોડી ઘણી ફિલ્મોની વાર્તા લખી ચૂક્યો છે, જેમ કે છેલ્લે ‘ઢોલક’.

ટુંકમાં, આ ફિલ્મ ‘બિન બાદલ બરસાત’ આ લોકોએ કેમ બનાવી, એની ખબર તો પછી લઈએ છીએ, પણ ફિલ્મનું આવું હાસ્યાસ્પદ નામ રાખવાની એના દિગ્દર્શકને કઈ સનક ઊપડી હશે, એ રામ જાણે ! તમે ફિલ્મ જુઓ ત્યારે ખબર પડે કે પૂરી ફિલ્મમાં નથી કોઇ વરસાદ આવતો, નથી વાદળાં દેખાતા કે નથી... એ લોકો જે સો – કોલ્ડ સાહિત્યિક અર્થ કાઢવા ગયા છે, કે હીરોઈન ઉપર એવા દુ:ખ પડે છે કે, આકાશમાં જેમ વાદળ દેખાય નહિ ને ઝાપટું પડી જાય, એવું ય બહેન આશા પારેખબેન સાથે કાંઈ થતું નથી.

અલબત્ત, વાદળવાળો કે વાદળ વગરનો કોઈ વરસાદ આંખમાંથી કે આકાશમાંથી પડતો નથી. ફિલ્મનું ના વાંચીને સારા ઘરના પ્રેક્ષકો લલચાઈ જાય કે, આવું સરસ નામ છે તો ફિલ્મ પણ કોઈ રવીન્દ્રનાથ ટાગોર કે શરદચંદ્રના લેવલની હશે... હંહ, માય ફૂટ !

આનાથી સારી વાર્તા તો નવા વાડજમાં વહેલી સવારે કેબિન ખોલતા કોઈ દૂધવાળાએ લખી આપી હોત !

દેવકિશન જેવાએ વાર્તા લખી હોય તે કેવી હોય ? નીલમગઢના ધનિક ઠાકૂરને એક બનજારણ (જીપ્સી) સાથે દેહસંબંધ બંધાયા પછી ઠાકૂરે તો બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. આ અપમાનથી ગીન્નાયેલા બનજારણના પિતા પૂરા ઠાકૂર–ખાનદાનને શ્રાપ આપે છે કે, એ ખાનદાનમાં હવે જે કોઇ પુરુષ પરણશે, એની પત્નીનું એક વર્ષમાં મૃત્યુ થશે. અગાઉના એક–બે ઠાકૂરો મરી ગયા, પણ હાલના ઠાકૂર પ્રભાતસિંહ (વિશ્વજીત) કાયમ માટે નીલમગઢ સ્થાયી થવા આવે છે અને અહીંના ડૉક્ટર (મોની ચેટર્જી)ની પુત્રી સંધ્યા ગુપ્તા (આશા પારેખ) સાથે પ્રેમમાં પડે છે. મજાની વાત છે કે, ઈ.સ. ૧૮૯૫ – ની સાલમાં પેલા ઠાકૂરના દગાથી ગૂજરી ગયેલી જીપ્સી છોકરી (નિશી) નવોનક્કોર જન્મ લઇને વિશ્વજીતને પરણવા એટલે કે, ‘પુરાના હિસાબ ચૂકાને...’ પાછી આવે છે. આ ઠાકૂરને મેળવવા નિશી એના વણઝારા પિતા દેવકિશનનું ખૂન કરે છે. એ આશા પારેખનું ખૂન કરવા ખુલ્લા ચપ્પે ઘરેથી નીકળે છે, ત્યારથી ખંજર સાથે હાથ ઊંચો જ રાખે છે. (આવું ફિલ્મ ‘પડોસન’માં સાયરા બાનુને થપ્પડ મારવા સુનિલ દત્ત ઘેરથી જ થપ્પડવાળો હાથ ઊંચો રાખીને ઘરથી ૪ – ૫ કી.મી. દૂર ગાર્ડનમાં જાય છે. બન્ને ફિલ્મોનો દિગ્દર્શક જ્યોતિ સ્વરૂપ જ હોવાથી એની પર્સનલ લાઈફમાં એકાદવાર આવું કઢંગુ ચોક્કસ બન્યું હોવું જોઈએ... સુઉં કિયો છો ?)

યસ. દિગ્દર્શક હતો જ્યોતિ સ્વરૂપ... મેહમુદનો સગો બનેવી. હજી આગળના લેખમાં બધી માહિતી આપી જ છે કે, મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (ઉર્ફે શાનો) સાથે મૂળ તો ગીતકાર હસરત જયપુરીની સગાઈ થઇ હતી, જે હસરતના મધરના ચરિત્ર વિશે આડીઅવળી વાતો ફેલાતા મેહમુદની માએ સગાઇ તોડી હતી. તે પછી શાનો ઈસ્માઇલ મેમણને પરણી. મેમણ ગૂજરી ગયો અને શાનોએ ફિલ્મ ‘પડોસણ’ના દિગ્દર્શક જ્યોતિ સ્વરૂપ સાથે લગ્ન કર્યા. પછી તો મેહમુદના બનેવીઓને મરવા ઉપર હાથ બેસી ગયો હતો, એટલે જ્યોતિ પણ ગૂજરી ગયો અને શાનો પાકિસ્તાન જઈને ત્યાં લગ્ન કર્યા અને ઈન્ડિયા પાછા આવીને નવો સંસાર માંડ્યો હતો.

શ્રી. બિશ્વજીત રણજીતકુમાર ચેટર્જી કોલકાતામાં ૧૪ ડીસેમ્બર, ૧૯૩૬ના રોજ જન્મ્યો હતો. આપણે બધા આળસમાં આ શુભ દિવસે જનમવાનું ચૂકી ગયા, નહિ તો કેવી કેવી હસ્તિઓ ૧૪–મી ડીસેમ્બરે જન્મી છે ? રાજ કપૂર, શ્યામ બેનેગલ, દિવ્યાંકા ત્રિપાઠી (ટીવી), નરી કૉન્ટ્રાક્ટરના માથામાં બાઉન્સર મારનાર વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર ચાર્લી ગ્રીફિથ, ટેનિસ – સ્ટાર વિજય અમૃતરાજ અને બન્ને ‘બાહુબલી’માં વિલન બનનાર રાણા દગુબાટી પણ આ જ તારીખે જન્મ્યા હતા. એ વાત જુદી છે કે, રાજ કપુરના પ્રાણસમા ગીતકાર શૈલેન્દ્ર પણ ૧૪ ડીસેમ્બરે ગૂજરી ગયેલા. ૧૯૬૯–માં રેખાની પહેલી ફિલ્મ ‘અંજાના સફર’ (‘દો શિકારી’)માં વિશ્વજીતે રેખાની જાણ બહાર પૂરી પાંચ મિનિટ સુધી શૂટિંગને બહાને હોઠ ઉપર લાંબું ચુંબન કરે રાખ્યું હતું, જે ફોટો અમેરિકાના મેગેઝીન ‘લાઈફ’માં પ્રસિધ્ધ થયો હતો. હોબાળો થયો એટલે રેખાએ દોષનો આખો ટોપલો વિશ્વજીત ઉપર ઢોળી દીધો હતો કે, હું તરફડતી રહી છતાં વિશ્વજીત મને છોડતો નહતો.

ફિલ્મોનો ટોપલો ખાલી થઈ પૉલિટિક્સમાં જોડાયા. બુધ્ધિ કેટલી હશે, એ વાતનો અંદાજ એના ઉપરથી આવી જાય છે કે, ભ’ઈ મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસમાંથી વિધાનસભાનું ઇલેક્શન હારીને સાતમા નંબરે પાસ થયા હતા.

પૂરો કરિયર ચરિત્રથી શુધ્ધ રાખનારો વિશ્વજીત છેલ્લે છેલ્લે ‘ડોહા’ બન્યા પછી બગડ્યો હતો અને પોતાની ઑલમોસ્ટ દીકરીની ઉંમરની છોકરી ‘ઇરા’ સાથે લગ્ન કર્યા, એમાં પહેલી પત્ની સ્વ. રત્નાના બન્ને સંતાનોએ બાપ સાથે આજ સુધી સંબંધ ચાલુ કર્યો નથી.

આશા પારેખ માટે એક નવાઈ ચોક્કસ લાગે કે, એની અભિનય ક્ષમતા વિશે સવાલ ઉઠાવી શકાય એમ નથી. ‘મૈં તુલસી તેરે આંગન કી’માં એણે નૂતન જેવી પૂર્ણત: સમર્થ એક્ટ્રેસ સાથે બરોબરીનું કામ કર્યું હતું. અન્ય ફિલ્મોમાં અભિનય ઉપરાંત એ જોવી ય ગમે, એવી સુંદર હોવા છતાં સમજ ન પડે, એવી વાત છે કે, ૧૯૫૦–૬૦ના જમાનાની હીરોઈનોની વાત નીકળે છે, તેમાં શ્રેષ્ડ અભિનેત્રીઓમાં ગીતા બાલી, નૂતન, મીના કુમારી, નરગીસ, વૈજ્યંતિમાલા, માલા સિન્હા, નંદા અને મધુબાલાના નામો લેવાય છે, પણ એ યાદીમાં ક્યારેય આશા પારેંખ, સાધના, નલિની જયવંત, કામિની કૌશલ કે ઈવન નિમ્મીના ય નામો સાંભળવામાં આવતા નથી. એનો મતલબ એવો ય નથી કે, આમાંની એકે ય કાચી અભિનેત્રી હતી, છતાં મનમાં આપણે ય કબુલવું પડે કે, ‘એક્ટિંગની વાત કાઢવાની હોય ત્યારે નૂતન, મીના કુમારીથી આગળ નામો ન  લેવાય.’

અંગત રીતે, મારો વાંધો આશા પારેંખ માટે એટલો જ કે, હિંદી ફિલ્મોના જે કોઈ ગુજરાતી સ્ટાર્સ હતા, તેમાંના એકે ય પોતે ગુજરાતી હોવાનું ગૌરવ તો બહુ દૂરની વાત છે, સ્વીકાર પણ કર્યો હોવાનું દેખાયું નથી. સંજીવ કુમાર, આશા પારેખ, દેવેન વર્મા... ને નામો લખવા જઈએ તો બીજા ૫૦–યાદ આવે, પણ એમાંના કોઈએ પોતે ગુજરાતી હોવાનું ગર્વ લીધું નથી, આશા પારેખે પણ નહિ ! લતા મંગેશકર, સુનિલ ગાવસકર કે રાજ ઠાકરે... પોતે મહારાષ્ટ્રીયન હોવાના રીપિટેશન એમના ઈન્ટરવ્યૂઓમાં કેટલી બધી વખત આવે ?

અને આટલા માટે જ મને, ‘તારક મેહતા કા ઊલટા ચશ્મા’ની આખી ટીમ ગમે છે. મોટા ભાગના કલાકારો ગુજરાતી ખરા જ, પણ સીરિયલનું પૂરું વાતાવરણ પણ પૂર્ણપણે ગુજરાતી છે, નહિ તો પંજાબી–મહારાષ્ટ્રીય વાતાવરણમાં ગુજરાતીઓ ક્યાં ખોવાઈ જાય એની ય ખબર ન પડે !

ફિલ્મમાં રાબેતા મુજબનું સંગીત હેમંત કુમારનું છે. તદ્દન સામાન્ય પ્રકારના ગીતો છે. એક વાત આપણે ઘણી વખત વાગોળી છે કે, લતા મંગેશકર શા માટે ફિલ્મમાં કોઈ ચોક્કસ ગીત સો ટકા મશહૂર થવાનું જ છે, એમ માનીને સંગીતકાર પાસે પરાણે પુરૂષ ગાયકે ગાયેલું ગીત પોતે ય સોલો ગાય જ.

ઈતિહાસ સાક્ષી છે કે, આવા સેંકડો ગીતો બહેને ગાયા છે, પણ ‘‘એક પણ ગીત’’ એમનું કદી ય જામ્યું નથી. જેમ કે આ ફિલ્મનું ‘જિંદગી કિતની ખૂબસુરત હૈ...’, ‘એહસાન તેરા હોવા મુઝ પર’, ‘મુઝકો ઈસ રાત કી તન્હાઇ મેં આવાઝ ન દો’, ‘ઓ મેરે શાહે ખુબા,  મેરી જાને ઝનાના...’, ‘જાયેં તો જાયેં કહાં, સમઝેગા કૌન યહાં’ અને ‘તુઝ સે નારાઝ નહિ ઝીંદગી હૈરાન હૂં મે...’

અને તો પણ કબ્બુલ કરવું જ પડે કે, લતા મંગેશકરથી વધુ પરફૅક્ટ કોઇ ગાયક થયો કે થઈ નથી.

No comments: