Search This Blog

03/05/2017

જડબું ચોંટી જાય સજનવા...

અમારે ભણવામાં તો નહિ, પણ વાંચવામાં એક મસ્તમજાની કૉમિક વાર્તા  આવતી હતી. (આ લખવાનો ઈરાદો એટલો જ કે, વાચકોને ખાત્રી થાય કે હું સ્કુલ સુધી તો ભણેલો છું! મને ખોટું અભિમાન નહિ.) વાર્તાનું નામ હતું, 'લૉકજો'.

'લૉકજો' શબ્દોનો અર્થ થાય, મ્હોનું જડબું સજ્જડ બંધ થઈ જવું. ખોલો તો ખૂલે નહિ અને બંધ કરવા જાઓ તો બંધ થાય નહિ - એમનું એમ રહે. લૉકજો બે પ્રકારના હોય. એકમાં જડબું બંધનું બંધ રહે ને બીજામાં ખુલ્લાનું ખુલ્લું રહે! રીપેર કરાવવામાં અઠવાડીયું ય નીકળી જાય. આ તો હવે શહેરના ડૉકટરો વળી મેડિકલનું થોડું ઘણું ભણ્યા છે, એટલે અઠવાડીયું નથી લાગતું... પંદરેક દિવસમાં જડબું ઠીક થઈ જાય છે.

વાર્તા બહુ લાંબી નહોતી. કાઠીયાવાડની સાસુઓ આમે ય વઢકણી અને બાઝકણી હોવાની છાપ ધરાવે છે. (એ લોકો 'વહુઓ' થયા વિના સીધી 'સાસુઓ' બની ગઈ હતી!) વહુરો તો ધીબેડી નાંખવા માટે જ હોય, એવું એ બધીઓ હક્કપૂર્વક માને. હાથ-પગથી ફટકારી ન શકાય તો મોંઢેથી 'આવડી' ને આવડી' ચોપડાવવાની ને એમાં... દરેક શબ્દની પાછળ 'નો, ની, નું, ના' આવે, જેમ કે 'ગધેડી' શબ્દ પાછળ 'ના' લાગે એટલે ગાળ સીધી મા ઉપર જાય. કાઠીયાવાડમાં 'ગધેડી' નહિ, પણ 'ગોલકી' શબ્દ વપરાય છે. થોડી કંજુસ પ્રજા ય ખરી એટલે આખું 'ગધેડી' વાપરવાને બદલે 'ગધના'થી પતાવે; જે એકાદ અક્ષર બચ્યો તે ખરો!) પણ ગધેડી, ગોલકી કે ગધની-ત્રણે ય નો અર્થ અને ઉપયોગ એક જ! (સંપૂર્ણ ભાષા-સાહિત્યનો ગૌરવવંતો યશ મારા જામનગરને જાય છે, જ્યાં ભલે આ પ્રકારના સાહિત્યના જ્ઞાનસત્રો ભરાતા નથી, પણ સત્રની બહાર એકબીજા માટે આ સાહિત્ય છુટથી વપરાય છે.)

એમાં સૌરાષ્ટ્રના કોક દૂરના ગામડામાં એક સાસુ રાબેતા મુજબ, એની વહુ ઉપર લેવા-દેવા વગરની ખીજાણી અને રોજની જેમ 'રાંડની' નામની ગાળ દેવા ગઈ. 'રાંડ' શબ્દ બાકીના ગુજરાતમાં વપરાય/સમજાય છે, એ નહિ. સૌરાષ્ટ્રમાં 'રાંડ' એટલે 'વિધવા'. અહીં વહુ ઉપર ખીજાયેલી સાસુ પૂરતા તમસ ઉપર આવીને ગાળ દેવા ગઇ... 'રાં-----'!

બસ, એટલું જ બોલી શકાયું એમાં લૉકજો થઇ ગયું. માણસ ફૂલ ફોર્સમાં 'રાં' બોલવા જાય એમાં જડબું કેવું ખુલ્લું થાય, એ મુજબ સાસુમાનું જડબું પુરૂં ખુલ્યા પછી ખુલ્લું જ રહી ગયું, બંધ ન થયું અને બાકીના અક્ષરો તો જાવા દિયો, ડોસીથી કોઈ ઉંહકારો ય ન થાય એવો દરવાજો ખુલ્લો રહી ગયો. ખીજાઈને ગળામાંથી અવાજ કાઢવા જાય તો સાંજના સમયે પાણીના નળ આવવાના સમયે પહેલા હવા નીકળવાના અવાજો સંભળાય, એવા અવાજો એમના કંઠમાંથી નીકળે ને પાછા અટકી જાય. વહુને મજા તો ઘણી આવતી હતી, પણ એ ગભરાઈ ગઈ. એ વખતે તો મોબાઈલ નહોતા, એટલે દસ-વીસ ગાઉ દૂર ખેતરમાં સસુરજી કે વરજીને કહેવા કેવી રીતે જવું? ને તો ય વહુ અમદાવાદની (એટલે ખૂબ સંસ્કારી) હશે. દોડતી-હાંફતી ખેતરે ગઈ અને પેલા બન્નેને બોલાવી લીધા.

બધી વાત કરી (આખી વાતમાં ચેહરા ઉપર સ્મિત એકલા સસરાના મોંઢા ઉપર આવ્યું હતું! વાઈફના જડબાંને બદલે પેટ ભારે આવ્યું હોય, એવું માની બેઠા હતા.) અને ઘેર આવ્યા ત્યાં સુધીમાં તો અડોસપડોસ ભેગું થઈ ગયું હતું. કોક ડોસીને નેતરનો વીંઝણો (પંખો) નાંખે, તો કોક વળી 'ખમ્મા... ખમ્મા ધીરૂડોસી... બધું સારૂં થઈ જશે,' કહીને મનમાં રાજી થાય. ત્રીજીને વળી 'દૂરદર્શન'માં અહેવાલ મોકલવાનો હોય એમ પૂછ્યું... ''...તે આ જડબું હજડબંબ કેવી રીતે થઇ ગીયું? ઉપર-નીચેના દાંત વચ્ચે ચમચી ભરાયવી'તી...?''

આનો જવાબ ડોસી આપી શકવાની હતી? બીજી કોઈ પડોસણ આપી શકવાની હતી? વહુને તો પોતાની મા ઉપર ગાળ આવતી હતી, એટલે એ થોડું બોલવાની હતી! આ બાજુ ધીરૂડોસીથી બોલ્યા વિના રહેવાય નહિ ને કહેવાય પણ નહિ. એનાથી એમ તો કહી  દેવાય નહિ કે, 'મૂળ તો હું એને 'રાંડની' કહેવા ગઇ'તી, એમાં અધવચ્ચે જડબું ભરાઇ ગયું. આજકાલ તો રાંડના જડબાં ય પહેલા જેવા નથ્થી થાતા...!' ડોસીને પોતાના જડબાં કરતા વહુને દીધેલી ગાળ પૂરી ન થઈ એનો ગુસ્સો વધારે હતો.

ધીરૂડોસીને ગામના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર પાસે અગાઉ આવું એકે ય જડબું રીપેરિંગ માટે આવ્યું નહોતું. ડૉક્ટર હજી સમજ્યા નહોતા કે, એમણે શું કરવાનું છે, એટલે મોરબીની પૉટરીમાં બનેલી બરણીનું ઢાંકણું મચડી-મચડીને ખોલવાનું હોય, એમ ધીરૂડોસીના મોંઢાને ઢાંકણાની માફક ખોલી જોયું. ના ખુલ્યું. આવા જડબાં રીપેર કરવા માટે ડેન્ટલ કરતા સાયકલ રીપેર કરવાનો સામાન વધારે કામમાં આવશે, એવું ડેન્ટિસ્ટને લાગ્યું.

ખબર તો એમને ય ન પડી કે, આમાં કરવાનું શું હોય છે, એટલે ડોસીને દવાખાને લઈને આવેલા આઠ-દસ માણસોને કીધું, ''તમે બધા કાકીને ફિટમફિટ પકડી રાખો. હલવા ન જોઈએ. હું નીચેના જડબાં ઉપર જોરથી ઠોંસો મારું છું અને...'' આટલું સાંભળી તો ધીરૂડોસી નીચેથી ઉપરની છત સુધી ઉછળ્યા. ડૉક્ટર બીજી વાર ઢાંકણું... આઈ મીન, જડબું ખોલવા ગયા એમાં તો, 'ઈહિઈહિઈહિ' જેવા નોર્મલી પૃથ્વી પરના માણસો પાસેથી સાંભળવા ન મળતા હોય એવા અવાજો ગળામાંથી નીકળવા માંડયા, એ સાંભળીને ડૉક્ટરે કીધું, ''આમ તો અમારી પાસે આવા કેસો બહુ આવતા હોય છે... પણ કાકીને અમદાવાદ લઈ જવા પડશે.

 ત્યાં મારા એક મોટા ડૉક્ટર ઓળખીતા છે... એમની ઉપર ચિઠ્ઠી લખી આપું છું... બાકી ચિંતા કરવા જેવું નથી.''

એમ કાંઈ અમદાવાદ રેઢું પડયું હતું? એ વખતે એસ.ટી.ની બસો નહિ. ગાડાંમાં પહોંચતા જ ચાર દિવસ તો એમને એમ નીકળી જાય. ગાડામાં આખું કુટુંબ ઠેબા ખાતું નીકળ્યું. સાસુના ખુલ્લા મોંઢામાં કાંઈ જીવડાં-બીવડાં ગરી ન જાય, એ માટે વહુ મોંઢા ઉપર પંખો નાંખતી હતી, એમાં બે-ચાર વાર તો 'ભૂલમાં (?)' મોંઢા ઉપર ઠોકી ય દીધો. સસરો મનમાં તો ઘણો રાજી કે, લગ્નના પચ્ચા વરસ પછી માંડ એનું મોંઢું બંધ જોવા મળ્યું છે, મતલબ અવાજ વગરનું બંધ... કાશ, આ પંખો મારા હાથમાં હોત તો અટાણે ચાન્સ હતો હરખી રીતે ઠોકવાનો! ચિંતા તો દીકરાને ય હતી કારણ કે, ખેતરની માલિકી બાના નામે હતી, તે મેં'કુ... બા ખુલ્લે જડબે જાય એ પહેલા સહિઓ કરાવી લઈએ... આ તો એક વાત થાય છે!

બરોબર આઠમે દિવસે અમદાવાદ પહોંચ્યા. આપેલી ચિઠ્ઠી પ્રમાણે ડૉક્ટરનું સરનામું ગોતી લીધું. પ્રોબ્લેમ ડૉક્ટર બોલાવે નહિ ત્યાં સુધી બહાર વેઇટિંગમાં બેસવાનો હતો અને આમ ખુલ્લા મોંઢે બેસવામાં હજારો લોકો પૂછે, ''કેમ આમ મોંઢાં રાખીને બેઠા છો...? જયમા નથી? બ્રેડ-બટર લાવી દઉં...?''

એ વાત જુદી છે કે, દર્દી તરીકે પોતે આવેલા દુ:ખદર્દથી કણસતા દર્દીઓ ધીરૂડોસીને જોઇને ગેલમાં આવી જતા હતા કે, ''આપણે આવા લાચાર નથી.'' ડોસી મેક્સિમમ છત ઉપર જોઈ શકે અને ઘરવાળું કોઈ કાંઈ પૂછે તો વીસેક-પ્રકારના હાવભાવ મોંઢા પર લાવી શકે, જેમ કે... ''બા, હજી દુ:ખે છે?'' તો એમાં થોડું ઓછું ચીઢાઈને મૂન્ડી હલાઈને હા પાડે. ડોહો કહે, ''આ છાશ વઉએ બનાઇ છે... થોડી પીવી છે...?'' એના જવાબમાં જડબું હોય એનાથી ય વધારે પહોળું થઈ જાય એવા ગુસ્સાથી આખું શરીર ધણધણી ઉઠે. વૉશ-રૂમ જવા માટે ઉઠાડવી તો વહુને જ પડે, એટલે એ કાર્યનો તો ઈશારો ય કઈ રીતે કરવો? બે વાર તો સમજ્યા વગર એ કામ માટે વહુ બા ને હૉસ્પિટલની કેન્ટીનમાં લઈ ગઈ. ઈશ્વરની કૃપા હતી કે, ત્યાં ઇચ્છે તો ય ડોસી ગાયળું બોલી શકે એમ નહોતા. આખરે નંબર આવ્યો. ડૉક્ટરે ડોસીને અંદર બોલાવ્યા.

સ્ત્રીઓની બાબતે, મોંઢું ખોલાવવાના ઑપરેશનો લાંબા ન ચાલે... 'બંધ કરાવવાના' બહુ લાંબા ચાલે! કહે છે કે, સાડા ત્રણ કલાક ઑપરેશન ચાલ્યું. ડૉક્ટરે પૂછી લીધું હતું કે, આ બધું થયું કેવી રીતે? વહુએ ટુંકમાં પતાવ્યું, ''બા કોક વાતે મારા ઉપર ગુસ્સે થયા ને મને રાબેતા મુજબ 'રાંડની' કહેવા ગયા... એમાં 'રાં...' બોલી શક્યા... બસ, તે 'દિનું જડબું આવું જ ખુલ્લુ રહી ગયું છે... મૂંગી ફિલમ જેવું થયું.''

ઠેઠ બીજે દિવસે સવારે મોંઢા ઉપરના પાટા ખોલવાના હતા. ઘરના સહુ હાજર હતા. ડૉક્ટર પોતે ઘણા ખુશમાં હતા. આસ્તે આસ્તે પાટો પૂરો ખુલી ગયો, એ સાથે જ સામે ઊભેલી વહુની સામે જોઇને ધીરૂ ડોસી બરાડયા, ''....ડની!''

(કબુલ કે, બધાને આ અંતની સમજણ નહિ પડે... ડૉક્ટરને પોતાને ય નહોતી પડી. એણે કાંઈ ઓપરેશન-ફોપરેશન કર્યું નહોતું. મોંઢું ખોલાવવા ડૉક્ટરે પાટો ખોલતી વખતે ધીરૂડોસીના કાનમાં એટલું જ કીધું હતું કે, ''તમારી વહુ મને આવીને કે'તી'તી કે, ડોસીનું જડબું કાયમ માટે ન ખુલે, તો ડોક્ટર સાહેબ... હું ને મારા સસરા તમને બીજા દસ હજાર આપીશું.'' મૂળ વાર્તાની તો બે લાઈનો જ મેં નાનપણમાં સાંભળી હતી, તેના ઉપરથી આખો પ્લોટ મારી સમજ મુજબ, બનાવ્યો છે. કોઈ હકીકતદોષ હોય તો જાણકારોની ક્ષમા)

હવે એક આંતરરાષ્ટ્રીય અપીલ : આપ સહુને અપીલ છે કે, સપ્તાહમાં ગમે તે એક દિવસ નક્કી કરીને પરમેશ્વરને પ્રાર્થના કરજો કે, આખી જીંદગી માટે નહિ તો છેવટે એકાદ વર્ષ માટે, આપણા સહુના ભાગે પડતી આવેલી સાસુનું જડબું ચોંટી જાય અને ઍટ લીસ્ટ, વર્ષ પહેલા તો ઉખડે જ નહિ! આપણે પતિ હોઈએ કે પત્ની, સાસુઓ સહુને નડી હોય છે, માટે તમે સેઈફ હો તો બીજા માટે ય પ્રાર્થના કરજો.

સિક્સર
એક યોગી આદિત્યનાથ છે, જે રાષ્ટ્ર માટે પોતાના જાનની પરવાહ નથી કરતા ને બીજી બાજુ ગુજરાતભરના સંતો, કથાકારો કે ભજનમંડળીવાળાઓ છે, જે રાષ્ટ્રગીત ગવડાવતા ય ફફડે છે. હવે તો એ ફફડાટ છે કે, રાષ્ટ્રગીત ગવડાવવા જઇશું ને ક્યાંક કોક ઠોકી જશે તો ?

No comments: