Search This Blog

24/05/2017

અમદાવાદનો કયો એરિયા સારો ?

અમે નાના હતા ત્યારે ‘નવો વેપાર’ નામની ગૅઇમ રમતા, જેમાં મુંબઈના વાલકેશ્વર, મલબાર હિલ, અંધેરી, કાલબાદેવી કે રેલ્વે જેવા સ્થળો અમે ૪ – ૫ હજારમાં ખરીદી શકતા અને એની ઉપર આપણી સામેવાળો આવી જાય તો એણે આપણને ૫૦૦/– કે ૭૦૦/– જેવું ભાડું આપવું પડતું – જેવો એરિયા ! મને બહુ તો યાદ નથી પણ સૌથી મોંઘો એરિયા મલબાર હિલ ગણાતો, જે ખરીદવા માટે કોઈ દસેક હજાર બૅન્કમાં જમા કરાવવા પડતાં. એનું ભાડું ય એવું તગડું આવતું.

આજે જ મારે આવી ગેઇમ શરૂ કરવી હોય તો અમદાવાદના સૌથી સસ્તા એરિયા તરીકે ગાંધી રોડ કે બોપલ રાખુ (ગાંધી રોડ લેનારને બોપલ મફત !) માણેક ચોકીયું તો અહીંથી જે પસાર થાય, એને ફ્રી આપી દેતા. (ફ્રી આપવાનું એક માત્ર કારણ એ કે, ભલે ને આખું માણેકચોક ઠોકી જાય... ગાડી ક્યાં પાર્ક કરશે ? વળી દિવસે તો અહીં ભૂખે મરવાનો વારો આવે ને ?) આ જ કારણે આજ સુધી માણેકચોકમાં કોઇ બેસણું રાખતું નથી. મૃતદેહો ય પાર્ક કરવાની જગ્યા નથી !

સૌથી મોંઘામાં તો બસ, એક મારૂં નારણપુરા જ ! અમદાવાદમાં રહેનારા જ નારણપુરાને આટલું સુંદર ગણે છે, એવું નથી. અહીંથી પસાર થનારા ય ખુશ થઈ જાય છે. મોટું કારણ નારણપુરામાં ક્યારેય ટ્રાફિક–જામ થાય નહિ. એવું નથી કે, અહીં કોઈના ઘરે ગાડી નથી ને બધા સાયકલ પર ફરતા હશે. ચાર બંગડીવાળી પેલી આઉડી જેવી કારો તો નારણપુરા વાળા એમના રસોઈયા કે ધોબીને આપે છે. એક્ચ્યુઅલી, અહીંના રસ્તાઓ આમથી તેમ જાય છે જ એવી રીતે કે, ઓફિસ ટાઇમે કે અઢી – ત્રણ વાગે, કોઈ ટ્રાફિક જામ જ ન થાય. મને યાદ છે કે, એકવાર સી.જી.રોડ ઉપરના ટ્રાફિક જામમાં મારે યૂ–ટર્ન લેવા નડીયાદ જવું પડ્યું હતું. ગાંધીરોડ ઉપર કાર કે સ્કુટર તો ઠીક, લશ્કરની ટેન્ક લઈને જાઓ તો જ લોકો ખસે. રીલિફ રોડ ઉપર
ફિસ કે શૉપ હોય તો ઊંટ કરી લેવું સારૂં... પ્રભાવે ય સારો પડે અને પાર્કિંગની માથાકૂટ નહિ ! હમણાં હમણાં નવાનવા જુવાન થયેલા સેટેલાઇટ કે જજીસ બંગલા રોડો ઉપર આપણી ગાડીમાં ફેમિલીને બદલે, મસલ્સ બતાવવા અડધી બાંય ચઢાવીને કાળા કપડા પહેરેલા બાઉન્સરો બેસાડવા પડે. આટલા ટ્રાફિકમાં તો રોજ મારામારીઓ થાય. રિંગ રોડ કે એસ.જી. હાઇવે દેખાવમાં ભલે શહેનશાહોનું સામ્રાજ્ય લાગે, પણ એક વાર ત્યાં ગાડી લઈને નીકળી જોજો... લૉ ગાર્ડનમાં બાળકોને ફેરવવાની ગાડી લઈને નીકળ્યા હો એવો ટ્રાફિક જામ મળશે. પાલડી આમ તો હજી ગામનું ગામ જ રહ્યું છે. એ સુધર્યું નહિ. માણસો કરતાં ખટારા, એસ.ટી. અને ટ્રાવેલ્સવાળાની બસો અહીં કબડ્ડી રમવા રોજ આવતી હોય એવું લાગે. બાકી કંઈ રહી જતું હોય એમ અહીં પૂલના છેડે ટાગોર હૉલ આવ્યો છે, જ્યાં પ્રોગ્રામ રાખનારાઓ હૉલના સરનામામાં ‘ગાયો બેઠી હોય એની સામે’, ‘સરદાર પટેલ બ્રિજના નાકે’ એવું લખાવે છે. પાલડીને કિસ્સી કરીને જતો વાસણા સુધીનો રોડ વેચવા કાઢવાનો છે. રોડની બન્ને બાજુ ચાલી રહેલા બાંધકામને કારણે અહીંની બધી શોપવાળાઓ સોલ્જરી કરી કરીને એમની દુકાનોના બિલ્ડિંગો ઉપર ૨૦ – ૨૫ સ્વિમિંગ પૂલો બાંધવાનું વિચારી રહ્યાં છે, જેથી ઘેર જઈને નહાવું ન પડે. કેટલાક દુકાનદારો તો ઘેરથી જ સાવરણો અને ટોપલો લઈને આવવા માંડ્યા છે, તો કેટલાકે ગ્રાહકોને હજાર રૂપિયાની ખરીદી ઉપર એક ટુવાલ ભેટ આપવાની યોજના બનાવી રાખી છે. આમ તો પ્રભુદાસ ઠક્કર કૉલેજવાળો રોડ સારા ઘરમાં પરણાવ્યો હોય એવો લાગે છે, પણ ત્યાં જતા તમામ રસ્તા એટલા સાંકડા છે કે, અહીં વાહનો દોડતા નથી, ખસે છે. જો આ રોડ ઉપરથી વાહન લઈને સડસડાટ નીકળવું હોય તો સાંકડા રસ્તાને કારણે આખું વાહન લઈ ન જવાય... વચ્ચેથી કાર કે રીક્ષાને ફાડીને બબ્બે કટકે લઈ જવા પડે. આખા ગામમાંથી રથયાત્રા નીકળે છે... કદી આ રોડ પર ભાળી ?

તો બીજી બાજુ, શિવરંજની ચારરસ્તાનો ધમાલીયો રસ્તો એટલી હદે વેપારમય બની ગયો છે કે, તમે નીકળ્યા હો તો તમને આખેઆખા ખરીદી લેવા વેપારીઓ કાચી સેકન્ડમાં હાજર થઈ જાય. અહીં વેપાર સિવાય બીજુ કાંઈ જોવા ન મળે. માણસોની તંગીને કારણે તમને ખરીદવાની
ફરનું એકમાત્ર કારણ અહીંની શોપ્સમાં કે એ લોકોના ઘરમાં કામ કરવાવાળા માણસો મળતા નથી, એ છે. ટ્રાફિક સેન્સ વેચાતી કે ભાડે મળતી ન હોવાથી અહીંના ટ્રાફિક સિગ્નલ્સ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે, બોલો ! તપસ્વીઓની જેમ હલ્યા ચાલ્યા વગરના સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં મૂકી રાખ્યા છે. એનો ઉપયોગ તો ત્યાં ઊભેલા પોલીસવાળા ય કરાવતા નથી... મોટું મન રાખીને જેને જ્યાં ગાડી ઊભી રાખવી હોય ત્યાં ચાલુ ટ્રાફિકે ઊભી રાખવા દે છે.

રહ્યો આંબાવાડીનો પૂરો વિસ્તાર...! કહે છે કે, ભગવાન શ્રીરામચંદ્ર સીતાજીને છોડાવવા લંકા ગયા ત્યારે લક્ષ્મણે ધ્યાન દોર્યું હતું કે, લંકાના રસ્તે અહીંથી જઈશું તો ૨૫ – ૫૦ વર્ષે સીતાજીને બદલે માયાવતીને છોડાવીને પાછા આવવું પડશે, એટલો ટ્રાફિક અહીં હોય છે. અહીંના સેન્ટર–પોઇન્ટ પર થતાં ટ્રાફિક જામ પાછળ એક લોકવાયકા એવી છે કે, ધૃતરાષ્ટ્રના ૧૦૦માંથી ૬૦–૭૦ પુત્રોની ડીલિવરીઓ તો આ ચારરસ્તે જ કરી નાખવી પડી હતી. ડૉક્ટર સુધી પહોંચવાનો ટાઇમ રહ્યો નહોતો. ગાડી આગળ વધે તો ડૉક્ટર પાસે પહોંચાય. અહીં તો કેટલાક ડૉક્ટરોએ એમની કારમાં જ પ્રસૂતિગૃહો ખોલી રાખ્યા છે, મોબાઇલ મેટર્નિટી હોમ્સ.

એલિસબ્રિજ અને થોડું ઘણું મીઠાખળી જૂના અમદાવાદના તાજમહેલો છે. હજી અહીં ઊંચી છતવાળા  અને ઇંગ્લિશ બાંધણીવાળા આલિશાન બંગલા જોવા મળે ખરા. અમદાવાદનો શિક્ષિત વર્ગ આ એરિયાઓમાં સૌથી વધુ જોવા મળે. વાસણા પછી સરખેજ અને જુહાપુરા વિસ્તારો હવે આલિશાન થવા માંડ્યા છે. જુહાપુરામાં ગરીબી ખરી, પણ માણસો દિલના અમીર.

રહી વાત મારા નારણપુરાની. અહીં તો વસ્તી જૈનો અને પટેલોની છે. એક જમાનામાં ખાડિયાથી આવેલા પટેલોએ આવડ્યા એવા બંગલા અહીં બાંધી દીધા હતા, એમાંના કેટલાક તો આજે ય બિલકુલ બંગલા જેવા જ લાગે છે. નારણપુરા ‘મીની–ખાડિયા’ કહેવાતું પણ આ આખી ભૂમિ રહેવા માટે નહિ, દેરાસરો બાંધવા માટે વધુ ફળદ્રુપ હોવાથી જૈનોએ મ્હો–માંગ્યા પૈસા આપીને પટેલો પાસેથી બંગલા ખરીદવા માંડ્યા. કહે છે કે, થોડા જ વર્ષોમાં એકલા નારણપુરામાં જ બીજા ૮,૩૫૪ દેરાસરો બંધાઈ જશે. અહીંના પટેલોનું નામ પાટીદાર–અનામત આંદોલનમાં ખાસ ચમક્યું નહોતું. આળસ ! હવેના પટેલોને ફાર્મ હાઉસમાં વધુ રસ પડ્યો હોવાથી નારણપુરામાં બંગલા વેચીને કમાયેલા પૈસાના સીધા ફાર્મ–હાઉસીસ લઈ લીધા... એ વાત જુદી છે કે, ફાર્મ–હાઉસમાં રહેવા ન જવાય અને બંગલો વેચી નાંખ્યો છે, એટલે હવેના પટેલો શીલજ અને બોપલ બાજુ ઊપડી ગયા છે. હજી આ પટેલો તો રહેવા માટે આખેઆખું રેલ્વે–સ્ટેશન કે એસ.ટી. બસ સ્ટેશન લઈ શકે, એવા ખમતીધર છે.

નારણપુરાની બીજી ખાસીયત એ ય ખરી કે, ઘરની બહાર નીકળો એટલે પુરુષો ઓછા અને સ્ત્રીઓ વધુ દેખાય. માથે ખચાખચ તેલ નાંખેલી સ્ત્રી જોવા મળે તો ૯૦ ટકા તો એ જૈન જ હોય અને જરૂર પડે શાકવાળાને ય ફટકારતી હોય તો એ નારણપુરાની પટલાણી હોય. એના બે અર્થો થાય. એક તો, અહીંના પતિદેવોને ઘરના કામ કરવા પડતા નથી અને બીજું, અહીં ઘરવાળા કરતાં કામવાળા વધારે મળી રહે છે. અહીંની સ્ત્રીઓ માટે એ બન્ને વચ્ચે ખાસ કોઇ ફર્ક નથી. એકને પગાર આપવો પડે અને બીજો આખો પગાર આપી દે છે. નારણપુરામાં પૈસો તો ઘણો છે, પણ મુંબઈના વાલકેશ્વર કે મરીન લાઇન્સની જેમ અહીં પૈસો દેખાય નહિ. પૂરી સજધજ સાથે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી જોવી અલમોસ્ટ અશક્ય છે. આમ તો આપણે જોઈને કામે ય શું છે, છતાં દિલ્હી–મુંબઈ જેવી સજધજ અહી સુધી પહોંચી નથી, એ ધોરણે નારણપુરા કરતાં દિલ્હી જઇ આવવું વધારે ફિફાયત પડે.

આમ તો બાજુમાં સરદાર પટેલ કોલોની છે અને કહેવાય છે કે, એ નારણપુરાના સગા માસીની દીકરી છે. વાડજ દૂરના સગામાં થાય ખરૂં, પણ જેને નવું વાડજ કહો છો, એના અને જૂના વાડજમાં કોઇ ફર્ક ન લાગે. ક્લબો–બબોમાં થતી વાતચીત મુજબ, બન્ને વાડજો મિડલ–ક્લાસ લોકોનો આશ્રમ છે, જ્યારે નારણપુરામાં પૈસો ખરો, અને રહેણીકરણી મુંબઈ–દિલ્હી જેવી. માણસ વૃદ્ધ થાય તો વૃદ્ધાશ્રમમાં જાય અને ખિસ્સા ખાલી થવા માંડે તો વાડજમાં જાય !

નારણપુરામાં નદી, તળાવ કે દરિયા જેવું કંઈ નથી, એ તો હજી અમે ચલાવી લઇએ, પણ આખા નારણપુરામાં એક નાનકડું એરપોર્ટ પણ નથી. ઈંગ્લેન્ડ–અમેરિકાના સૌથી વધુ પેસેન્જરો નારણપુરામાંથી મળી રહે. બે–ચાર બી.આર.ટી.એસ. કાઢી નાંખીને આ જગ્યાઓ ઉપર શું એક નાનકડું એરપોર્ટ ન બનાવી શકાય ? જરૂર પડે ‘નારણપુરા–ટુ–ન્યુયોર્ક’ની સીધી ફ્લાઈટો ય શરૂ કરો તો ખોટ નહિ જાય. સુંઉં કિયો છો ?

હું મારા નારણપુરાને ખૂબ પ્રેમ કરું છું, જન્મે હું જૈન કે પટેલ ન હોવા છતાં....! હવે કોઈ પંખો ચાલુ કરો.
 

સિક્સર
આજના લેખને અનુરૂપ કવિ ભાવિન ગોપાણીનો આહલાદક શે’ર કવિને જ સમર્પિત છે:
લ્યો ફરી પલળી ગયા સૌ બાકસો
આપણે આજે ય બે પથ્થરો ઘસો

આ નગરમાં ફૂલથી પણ છે વધુ
ફૂલને ચૂંટી રહેલા માણસો

એ હતી સામે, આ એનો છે પ્રભાવ
મેં ઈશ્વરને કહ્યું કે ‘આઘા ખસો’

હું મને વેચ્યા વગર પાછો ફરૂં
ભાવ મારો એટલો પણ ના કસો.

No comments: