Search This Blog

17/05/2017

આવું અમદાવાદ તમે જોયું હતું ?

જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયાઆવું સ્કૂલમાં અમને શીખવાડવામાં આવતું ને અમે એવું સમજતા ય ખરા કે, સસલા એટલે કે, નવા ફ્લૅટ માટે અરજી કરનારાઓ બહુ વિફર્યા હશે ને કૂતરાઓ.... એટલે કે, એ જમાનાના બિલ્ડરોની પાછળ બચકાં ભરવા દોડ્યા હશે, કૂતરાં ભાગ્યા હશે, એ જોઇને મેયર આઇ મીન, શહેનશાહ એહમદશાહે અહીં શહેર બનાવવાનું નક્કી કર્યું હશે.

પણ ઇતિહાસ ગવાહ છે કે, એક વાર અહીં અમદાવાદ બનાવી લીધા પછી બાદશાહ પોતે ય અઠવાડીયું રોકાયા નથી. આ શહેર રોકાવા જેવું નહિ... રોકાણ કરવા જેવું ખરૂં !

બસ. એ દિવસથી આજ સુધી શહેરના બિલ્ડરો બાદશાહોની માફક રહ્યાં છે. એમાંના કેટલાક બાદશાહોએ હાઉસિંગ બોર્ડમાં જોડાઇને જે મળ્યું
, તેનાથી સંતોષ માન્યો. બાદશાહના સુબાઓને મ્યુનિસિપલ કોર્પોરેટરતરીકે પણ ઓળખવામાં આવે છે. એહમદશાહે પોતાના નામની ક્યાંય તખ્તી મૂકાવી નથી, પણ જીવનભર અમદાવાદ એમને યાદ કરતું રહે, એ માટે શહેરભરમાં શાહી ધારાસભ્યોએ પોતાના નામો જડાવીને બાંકડા મૂકાવ્યા છે. (અમારા નેટવર્કવાળા સ્વ. ગુ.છો.શાહ હયાત હોત તો આજે લખત, ‘કોના બાપની દિવાળી ?’) 

અમદાવાદની સ્થાપના ઈ.સ. ૧૪૧૧માં થઇ હતી
, એટલે આજે એ ઑલમોસ્ટ ૬૧૬ વર્ષનું થયું. એ વખતે શહેરની વસ્તી માંડ કોઇ હજાર બે હજારની હશે. આજે શહેરમાં રીક્ષો દોડતી હોવા છતાં ૭૦ લાખની વસ્તી થઇ છે. રીક્ષા અને બાઇકવાળાઓ પ્રયત્નો પૂરા કરે છે કે, આટલા નાના શહેરમાં આટલી મોટી વસ્તી ન હોવી જોઇએ, એટલે કે એ લોકો વસ્તી ઓછી કરી આપવાના યથાશક્તિ પ્રયાસો કરે છે. કહે છે કે, આ વસ્તી ઓછી કરી આપવાના મામલે તો તેઓ શહેરભરના ડોક્ટરો વકીલો કરતાં ય આગળ નીકળી ગયા છે. 

મને ૧૯૬૦
પછીનું અમદાવાદ યાદ છે. અને એ એટલા માટે કે સરદાર પટેલ સ્ટેડિયમ પર ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાની ટીમો ત્રણ દિવસની મેચ રમવા આવી હોય ત્યારે લાલ દરવાજે આખા બસ સ્ટેશન પર લાઇનમાં ઊભા રહેવા માટે દોરડાં બાંધ્યા હોય, જેથી સ્ટેડિયમ સુધી બસમાં જઇ શકાય. એ વખતે રીક્ષાઓ હતી પણ એમને પોષવાની જાહોજલાલી અમારા લોકો પાસે નહિ. ભદ્રના કિલ્લાથી આગળ અમદાવાદ એવું કાંઇ વિકસ્યું ય નહોતું. આજે ય ફાંકા મારનારા મળી રહેશે, ‘‘એ જમાનામાં ફાધરની સૂઝ કેટલી ઊંચી કે, અહીં ગુજરાત કોલેજની આજુબાજુ તો જંગલ હતું. સાપ વીંછીઓ નીકળે, છતાં ફાધરે અહીં બંગલો બાંધ્યો... ! કેટલામાં ખબર છે ? ફક્ત રૂ. આઠ હજારમાં આટલો મોટો બંગલો...!’’

એનો સીધો અર્થ અમે એવો કાઢતા કે
, ડોહાને એ જમાનામાં માણસો રહે છે, એ ભદ્રના કિલ્લાની અંદરની વસ્તીવાળા બોલાવતા નહિ હોય... ગામની બહાર કાઢ્યા હશે...! એ વખતનું અમદાવાદ કિલ્લોમાં જેટલું સમાય એટલું હતું. નવરંગપુરા, નારણપુરા કે પાલડી જેવા વિસ્તારો આજના જેવા સમૃદ્ધ વિસ્તારો નહોતા. નાનકડા ગામો હતા. ખાડીયાથી પાલડી જવું હોય તો આજે જેમ પાટણ મહેસાણા જવાનું થાય, એમ કહેવાતું, ‘‘બહારગામ જઇ આવીએ છીએ...!’’

અમદાવાદમાં અત્યારના ભદ્રકાળીના મંદિરની સામે એસ.ટી.નું બસ સ્ટેન્ડ હતું અને એની સામે ઘોડાગાડીઓ ઊભી રાખવાનું
પાર્કિંગ’ . કઇ ઘોડાગાડી કેટલા વાગે ઊપડશે, એની પૂછપરછ કરવા લોકો એસ.ટી. સ્ટેન્ડે પૂછવા જતાં. ઘણી વાર એસ.ટી.ની બસો કરતાં ઘોડાગાડીઓ વધારે ઝડપી પહોંચાડતી, એટલે એસ.ટી.નું માન આટલું અને આવું હતું.

આજની જનરેશને ઘોડાગાડી જ ન જોઇ હોય
, પણ એક ઘોડાની પાછળ ચાની નાનકડી કીટલીની સાઇઝનું બોક્સ હોય, જેમાં ચાર પેસેન્જરો બેસે. હું નાનો અને મોટો થઇશ તો ચોક્કસ ઘોડાગાડીવાળો થઇશ, એવા સપના સાથે હું ઘોડાગાડીવાળાની બાજુમાં બેસતો. ઘોડાને ચાબૂક પડતી જોવાની મઝા આવતી. ગાડીવાનની બાજુમાં બેસવાનો આનંદે ય કોઇ ઓર હતો. જયપુરના મહારાજા શહેરનો નજારો કરવા નીકળ્યા હોય, એવું હું એકલો માનતો. પેસેન્જરનું બોક્સ આજે તો બીક લાગે એવું. મહીં ચાર જણા બેસવાના હોય, એમાંના પહેલા બેએ પહેલા ચઢી જઇને ગાડીવાનની પાછળની સીટ પર બેસી જવાનું અને બાકીના બે પાછળ બેસે. એ તો આધાર પાછળ બેસનારાના વજન ઉપર હતો કે, આગળથી ઘોડો ચાર પગે હવામાં અધ્ધર થઇ જાય છે કે નહિ !

શહેરમાં હોટેલ
ફોટેલ જેવું તો નામનું જ. ગાંધી રોડ ઉપર ચંદ્ર વિલાસ, એની સામે પૂર્ણિમા, રીલિફ રોડ ઉપર ચેતના અને યમુના, રીલિફ ટોકીઝની બાજુમાં ગુજરાતની પહેલી એરકન્ડિશન્ડ હોટેલ (આજની જેમ એ જમાનામાં પણ પ્રજાને હોટલ અને રેસ્ટરાં વચ્ચેના ફરકની ખબર નહોતી.) ક્વૉલિટી’, એની બરોબર સામે નીરો, જેમાં શહેરમાં પહેલીવાર જ્યુક બોક્સ આવેલું. એમાં પચ્ચીસ પૈસાનો સિક્કો નાંખો એટલે આરપાર દેખાય એવા પ્લાસ્ટિકના બોક્સમાં એક રેકર્ડ નીકળતી દેખાય અને એની મેળે ડાયલ પર ગોઠવાઇ જાય ને મનગમતું ગીત વાગે. ભદ્રકાળી મંદિરની બાજુમાં આવેલી કોર્ટની સામે ઑલ્ડ મદ્રાસી બ્રાહ્મણીયા હોટલ આવેલી, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મસાલા કે સાદા ઢોંસા મળતા. મસાલાનો ૨૫ ન.પૈ.માં મળતો અને સાદો ૧૫ ન.પૈ.માં . (ન. પૈ. એટલે નયા પૈસા.)

બાકી મોટી જાહોજલાલી ઘીકાંટા ઉપર આવેલી સિનેમાઓની હતી. ફિલ્મ જોયા વિના પાછા જ આવવું ન પડે
, એટલી મોટી સંખ્યામાં થીયેટરો.... નોવેલ્ટી, એલ.એન..., લક્ષ્મી લાઇટ હાઉસ, પ્રકાશ, મધુરમ અને ઘીકાંટા પહેલા પાછા વળી જો તો આ બાજુ રીગલ, બાજુમાં અશોક (જે પૂરા શહેરનું આજે એક માત્ર જૂનું થીયેટર છે, જે ચાલુ છે.) એની સામે કૃષ્ણ, એની સામે રૂપમ, ગાંધી રોડ ઉપર આવો તો ય ફિલ્મ જોય વિના પાછા જવું ન પડે. શરૂઆત ફુવારા પાસે આવેલી સેન્ટ્રલ અને પ્રતાપ ટોકીઝથી થાય. સહેજ આગળ જાઓ તો સિનેમા ડી ફ્રાન્સ, પછી મોડેલ ટોકીઝ અને છેલ્લે જેના જીવનમાં એક પણ ઇંગ્લિશ  ફિલ્મ આવી નથી છતાં નામ એનું ઇંગ્લિશ ટોકીઝ’. સ્ટેશનની સામે અલંકાર સિનેમા હતું. બહુ દૂર જાઓ તો સારંગપુર કેરીપીઠાની સામે રોઝી ટોકીઝ, ગોમતીપુરમાં ઉષા...

લાલ દરવાજે રૂપાલી અને આશ્રમ રોડ ઉપર નટરાજતો બહુ વર્ષો પછી આવ્યા
, એટલે કે શિવ, શ્રી કે દિપાલી ટોકીઝના પ્રસવ પણ નહોતા થયા. ટીકીટના દર એક રૂપિયાવાળી લોઅર સ્ટોલ્સ, ૧.૨૦માં અપર અને ૧.૪૦માં બાલ્કની.

યસ
, માણેકચોક આજના જેવું જ ઝળહળતું હતું, પણ ત્યાં ભાજીપાઉં કે ઢોંસા ફોસા તો બહુ પછી આવ્યા. મૂળ તો ત્યાં ભેળ, પાણીપુરી અને ગાંઠીયા જલેબીનો જ વેપાર. ઠંડામાં આઇસક્રીમ કરતાં કૂલ્ફી વધુ વેચાય. આજના છોકરાઓને મજ્જા પડી જાય પોળોના નામ સાંભળવાની. પાડા પોળ તો ખરી પણ લાંબા પાડાની પોળ એટલે શું પાછું ? નામ પાછું મોટા જેઠાભાઇની પોળ નહિ... સાદા જેઠાભાઇની પોળ, પણ સાઇઝથી વેતરી કઢાયેલી નાની જેઠાભાઇની પોળ ખરી. શેરી શબ્દ તો કાઠીયાવાડનો. અમારામાંથી જેને ઇંગ્લિશ બોલીને પ્રભાવ પાડવો હોય તે ગોટીની શેરીને ઉંધી કરી નાંખે, એટલે રીશેનીટીગો...જેવું ઇંગ્લિશ નામ સંભળાય. ગાંધી રોડની જે ખત્રી પોળમાં હું રહેતો, ત્યાં આખી પોળમાં એકે ય ખત્રીનહિ. ધોબીની પોળમાં એકે ય ધોબી નહિ અને દરજીના ખાંચામાં એકે ય દરજી નહિ. જૈનોની બહુમતીને કારણે મૂળ નામ દોશી વાડાની પોળહતી, પણ ગામ આખાએ એને ડોસીવાડોબનાવી દીધેલો.

નવાઇ ભલે લાગવા દો
, પણ નવું નક્કોર વેસ્પા કે લેમ્બ્રેટા સ્કૂટર રૂ. ૨૫૦૦/માં મળતું અને અનેક લોકો છછ હજારમાં વેસ્પા વેચીને ખૂબ કમાયા. મોટરબાઇકમાં રોયલ એન્ફીલ્ડઅને જાવાજ મળે. કાર ફક્ત બે જ હતી, એમ્બેસેડર અને ફિયાટ. બહુ વર્ષો પછી ટચૂકડી સ્ટાન્ડર્ડ હેરલ્ડઆવી.

મસ્તમજાની વાત હતી ફેશનની. છોકરાઓ ઢીંચણથી નીચે લેંઘા જેવું પહોળું થાય
, એવું બેલબોટમપેન્ટ પહેરતા અને છોકરીઓ કમરથી સર્કસના તંબુની માફક ગોળ ફેલાયેલું ફ્રોક પહેરે. ધોતીયાદાસો તો પોળોના નાકે નાકે જોવા મળે. છોકરીઓ આખું અઠવાડિયું માથામાં ખચાખચ તેલો નાંખતી અને રવિવારે વાળ ધોઇ નાંખે. (ત્યાં સુધી પુરુષોએ એમનામાં જોવાનું શું ?)

યસ. શહેરના જોવાલાયક સ્થળોમાં કાંકરીયું તળાવ પહેલું આવે કારણ કે બીજું કાંઇ હતું પણ નહિ. એક જમાનામાં કાંકરીયામાં મગર (ક્રોકોડાઇલ) હતા અને રાત્રે કાંકરીયાની પાળે સૂતેલા કોક ગરીબને મગર ઊંડા પાણીમાં ખેંચી ગયો
, ત્યાર પછી મગરો કાઢી નાંખવામાં આવ્યા.

લોકો કહે છે કે
, એ મગરો પછી રાજકારણમાં જોડાઇ ગયેલા અને આજ સુધી ગરીબોને ઊંડા પાણીમાં ખેંચી જઇને લોહી ચૂસી લે છે.

સિક્સર
પુસ્તકમેળામાં શું લીધું ? 
બસ. ૨૦ ૨૫ સેલ્ફીઓ લીધી.

2 comments:

Yours potentially said...

Saras. Juan amdavad vishe 2-4 vadhu lekh lakhsho to anand thashe.

Yours potentially said...

Juna Amdavad vishe Vadhu Lekh lakhsho to anand thashe