Search This Blog

06/08/2017

ઍનકાઉન્ટર : 06-08-2017

* આપના મતે સાચો હાસ્ય કલાકાર કોણ ?
- આવો સવાલ કોઇ હાસ્ય લેખકને પૂછી શકે એ.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* તુચ્છ ઉત્પાદનોની જાહેરાતોમાં અમિતાભ જેવો આદરણીય કલાકાર કામ કરે, એ એની પ્રતિભાને ઝાંખપ લાગે એવું ન કહેવાય ?
- જતે દહાડે એ પોતે તુચ્છ ન થઇ જાય, એ કારણે પણ આવી જાહેરાતોમાં આવતા રહેવું પડે !
(જયેશ અંતાણી, ભાવનગર)

* રોમિયો તો એક જ જુલિયેટને પ્રેમ કરતો હતો, છતાં યુ.પી.માં 'એન્ટી રોમિયો સ્કવૉડ'કેમ બન્યું ?
- બધા રોમિયો એમને ભાગે આવેલી એક જ જુલિયેટને પ્રેમ કરે માટે !
(ચેતન ગઢવી, ધાનેરા)

* પાકિસ્તાનનો વડાપ્રધાન શાહિદ આફ્રિદી બને તો પહેલું કામ કયું કરે ?
- આપણા માટે 'શાહિદ'નહિ 'શરીફ'જ વડાપ્રધાન તરીકે મજા કરાવે એવો છે. પાકિસ્તાનમાં આવા બેવકૂફ, ભ્રષ્ટ અને આવડત વગરના વડાપ્રધાન ટકી રહે, એ આપણા માટે વધુ ફાયદેમંદ છે.
(ભાર્ગવ મકાણી, દહીડા- અમરેલી)

* તમે કહો છો, આપણા સંતો- કથાકારોએ એમની કથાઓમાં રાષ્ટ્રગીત ગવડાવવું જોઇએ, પણ રાષ્ટ્રગીતના રાગડા તાણવાથી આપણા જવાનો બચી જવાના છે ?
- ના. પણ ઓમ નમ: શિવાય, શ્રીકૃષ્ણ શરણમ મમ: કે નવકાર મંત્રો ગાવાથી દેશ ચોક્કસ બચી જશે.
(હેમાંગિની અતુલ શાહ, અમદાવાદ)

* મારા બા મને ક્યારેય ખીજાતા નથી... તમારા કેમ કાયમ ખીજાય છે ?
- તમારા લક્ષણો સારા હશે.
(વિશાલ જે. ભટ્ટ, ભાવનગર) અને (જીજ્ઞોશ મુજપરા, ગોધરા) અને લતેશ ઢોલરીયા, સુરત)

* પેલું તમારી પાછળ દોડેલું, એ કૂતરાંને હવે કેમ છે ?
- એ તો પાછું અંકલેશ્વર ભેગું થઇ ગયું...!
(માહી રણા, અંકલેશ્વર)

* અક્ષયકુમારને એની ફિલ્મો 'એરલિફ્ટ'અને 'રૂસ્તમ'માટે નેશનલ એવૉર્ડ મળ્યા...
- એ ફિલ્મો જોઇ હોત તો સરકાર પહેલા તમે એને ઍવૉર્ડસ્ આપ્યા હોત !
(સંદીપ પટેલ, અમદાવાદ)

* શત્રુઘ્ન સિન્હા દરેક સ્થળે ખૂબ મોડા પડવાની હોબી ધરાવે છે...ને છતાં ય એને પ્રધાનપદું જોઇએ છે અને દરેક વાતમાં વાંધાવચકાં પાડે છે...
- આનું નામ, 'જન્મજાત વિલન'.
(પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* ઈંગ્લિશ 'એન્કાઉન્ટર'માં સવાલ ગુજરાતીમાં પૂછવાના ?
- વાઉ...તમને તો ગુજરાતી ય સરસ આવડે છે !
(યોગેશ મજીઠીયા, મુંબઇ)

* દુનિયાનું સૌથી સુખદ સ્થળ કયું ?
- સવારના ઉઠયા પછી તમને તરત મળી જાય છે, એ !
(દિલીપ સુથાર, દેવકાપડી- ભાભર)

* આજના ભણતર વિશે તમે શું વિચારો છો ?
- એ જ કે, એણે મને વિચારતો કરી દીધો.
(મેઘના એન. અટારા, પોરબંદર)

* જો બાપ જીવનભર 'એટીએમ'નું કાર્ડ બની શકે તો દીકરા કેમ એમનું 'આધાર- કાર્ડ'બનતા નથી ?
- દીકરાની વાઇફ 'ડિસ- કાર્ડ'કરી નાંખે માટે !
(રોહિન્ટન એચ. બોધાનવાલા, મુંબઇ)

* તપેલી ઠંડી હોય ત્યારે પણ એને 'તપેલી'કેમ કહે છે ?
- તમે આણંદમાં રહેવા છતાં 'અજમેરી'કહેવાઓ છો, એટલે !
(આદિલ શકીલએહમદ અજમેરી, આણંદ)

* તમારી અપીલને પ્રતાપે હવે પછી અમારા સમાજના કેળવણીના વાર્ષિક કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી થશે... જય હિંદ.
- કેળવણીનો પ્રતાપ.
(ધીમંત ભાવસાર, બડોલી- ઈડર)

* તમારી પસંદગી રાજ્યસભા માટે થાય તો તમે સ્વીકારો ખરા ?
- હું સચિન તેંડુલકર કે લતા મંગેશકર નથી કે માત્ર પોતાનો ઈગો સંતોષવા સ્વીકારી લેવાનું, પણ જવાનું કદી ય નહિ...ત્યાંની એક સીટ કેટલી મહત્વની છે, એનું મૂલ્ય એમને સમજાયું નથી.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* 'ઍનકાઉન્ટર'કૉલમનો વારસદાર કોણ ?
- આ કૉલમ કોંગ્રેસ ચલાવતી નથી.
(વિનાયક શુક્લ, ગોધરા)

પાંડુના મર્યા પછી રાજગાદી કુંતીને આપી હોત તો મહાભારતનું વિરાટ યુદ્ધ ટાળી શકાયું હોત ને ?
- એ વિરાટ યુદ્ધ જરૂરી હતું... અન્યાયનો નાશ કરવા માટે ! જગતના તમામ યુદ્ધો 'શાંતિ' માટે લડાયા છે.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* સવાલ પૂછનારની માહિતી તો માંગો છો, પણ કદી તમારો ફોન આવ્યો નથી કે નથી તમે આવ્યા !
- ભરૂચ આવીએ ત્યારે તો ભાવે ય પૂછતા નથી !
(કલ્પેશ સી. પટેલ, ભરૂચ)

* શિક્ષિત હોવા છતાં બધા યુવાનોના લગ્ન કેમ જલ્દી થતા નથી ?
- એ તો જેટલો ટાઈમ થતો હોય એટલો થાય જ.. ઉતાવળ હોય તો એમ ન કહેવાય કે ચાર ફેરાને બદલે અઢીમાં પતાવો ને, શુકલજી !'
(કૌનિક પરીખ, અમદાવાદ)

No comments: