Search This Blog

04/08/2017

મેરે અપને (૧૯૭૧)

ફિલ્મ  : મેરે અપને (૧૯૭૧)
નિર્માતા    :    એન.સી.સિપ્પી
દિગ્દર્શક    :    ગુલઝાર
સંગીત    :    સલિલ ચૌધરી
ગીતકાર    :    ગુલઝાર
રનિંગ ટાઇમ :     ૧૪-રીલ્સ : ૧૬૪ મિનિટ્સ
થીયેટર    :    અજંતા - અમદાવાદ
કલાકારો    :    મીના કુમારી, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, સુમિતા સાન્યાલ, રમેશ દેવ, તરૂણ ઘોષ, પેન્ટલ, અસરાની, દિનેશ ઠાકુર, ડેની ડેન્ઝોંગ્પા, યોગેશ છાબડા, નાસિર, સુધીર ઠક્કર, શશીકિરણ મહેતા, દેવેન વર્મા, અભિ ભટ્ટાચાર્ય, અસિત સેન, કેષ્ટો મુકર્જી, લીલા મીશ્ર, એ.કે. હંગલ, દેવકિશન, રાજ વર્મા, પરદેસી, માસ્ટર ચિન્ટુ, મૂલચંદ અને મેહમાન ભૂમિકામાં : મેહમુદ, યોગીતા બાલી અને દેવેન વર્મા.

ગીતો
૧.હાલચાલ ઠીકઠાક હૈ, સબ કુછ ઠીકઠાક હૈ......કિશોર કુમાર, મુકેશ
૨.રોજ અકેલી આયે, રોજ અકેલી જાયે...........લતા મંગેશકર
૩.ગંગા કી ભરી ગોદ મેં, ગંગા કે રાહી ચલે રે........મન્ના ડે
૪.કોઇ હોતા, જીસકો અપના, હમ અપના કહે.........કિશોર કુમાર
(ગીત નં.૨ અને ૩ ડીવીડીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.)

ગુલઝારની એક અદભૂત ફિલ્મ વિશે આજે આપણે વાત કરવા નીકળ્યા છીએ. ફિલ્મ તો બેશક બેનમૂન છે અને એમાં ય હમણાં સ્વર્ગસ્થ થયેલા વિનોદ ખન્નાના ચાહકોએ તો ખાસ જોવા જેવી છે. એ ખૂબ હેન્ડસમ લાગે છે. આ ફિલ્મમાં એને જોયા પછી પહેલો સવાલ એ આવ્યો કે, આટલા સોહામણા માણસો મરતા પણ હશે ? ગદ્ય હોય કે પદ્ય, ગુલઝારે મૌલિક કેટલું લખ્યું છે કે, એ ધારણાનો વિષય જ રહ્યો નથી. ત્રીસેક ટકા શુદ્ધ મૌલિક રચનાઓ હશે, પણ બાકીના બધામાં કાં તો કોઇને અર્થ ન સમજાય ને કાં તો 'ચોરી કા માલ હૈ, બાબા.' તમે વિચારો કે, બિમલ રૉયની ફિલ્મ 'બંદિની'થી આ માણસ ફિલ્મોમાં છે અને કેટલીક રચનાઓ તો અદભૂત લખી છે, 'કઇ બાર યૂં ભી હુઆ હૈ સફર મેં, અચાનક સે દો અજનબી મિલ ગયે હો, જીન્હેં રૂપ પેહચાનતી હો અજલ સે(અજલ=સૃષ્ટીનો પ્રારંભ), વો હી મિલ ગયે હો ભટકતે ભટકતે, કૂંવારે લબોં કી કસમ તોડ દો તુમ, જરા મુસ્કુરા કે બહારેં સજા લો'.... આવું સુંદર લખનાર સર્જકમાં એક ચોર જીવ પણ પડેલો હતો. લતા-ભૂપીએ ગાયેલા 'દિલ ઢુંઢતા હૈ, ફિર વો હી, ફૂર્સત કે રાત-દિન...જેવી ઑલટાઇમ ગ્રેટ રચનાનું આ જ મુખડું મિર્ઝા ગાલિબનું લખેલું હતું (જેની કબુલાત કોક નાનકડા ઈન્ટરવ્યુમાં એમણે કરી લીધી હતી) પણ એ જ ગીતમાં એમના પોતાના શબ્દો બાકીના અંતરાઓમાં કેવા અનોખા અને ઠંડકસમા છે લખ્યા ? 'જાડોં કી નર્મ ધૂપ ઔર, આંગન મેં બૈઠકર...' 'બર્ફીલી સર્દીયોં મેં, કિસી ભી પહાડ પર...' કેવા અમૂલ્ય શબ્દો લખ્યા છે આ સર્જકે ! અને એણે જ દાટ વાળ્યો હતો 'હમને દેખી હૈ, ઉન આંખો કી મ્હેંકતી ખુશ્બુ...'વાળા ગીતમાં !

(ખુશ્બુ એટલે મહેંકતી જ હોય. એની આગળ મહેંકતીનું વિશેષણ ક્યાંથી આવે ? ગંધાતી કે રૂપરંગીલી ખુશ્બુ ન હોય. મહેંકતી હોય, એને જ ખુશ્બુ કહેવાય ! ખુશ્બુ દેખાઇ શકે એવી ચીજ નથી. વળી ખુશ્બુ બહુ બહુ તો મોંઢામાંથી, કાનમાંથી, નાકમાંથી આવે... આંખોમાંથી કઇ ફેકટરીની ખુશ્બુ આવે ? અને 'રિશ્તા' એટલે કે સંબંધ શબ્દને આગળ-પાછળ ઉપર-નીચે... ગમે ત્યાંથી મૂલવો... એમાં ઇલ્ઝામ એટલે કે આરોપ શબ્દ ક્યાંથી બેસે છે ?

ને તો ય, આ માણસનું એક પ્રદાન અમૂલ્ય ચોક્કસ છે. હિંદી ફિલ્મોના ૯૯.૯૦ ટકા ફાલતુ ગીતકારોએ વાપરેલા દિલ, મુહબ્બત, પ્યાર, ઈશ્ક, ખુદા કે હુસ્ન-ઈશ્કની બબાલવાળા શબ્દોમાંથી ગુલઝારે હિંદી ફિલ્મ ગીતોના ચાહકોને મુક્તિ અપાવી. 'પથ્થર કી હવેલી કો, શીશો કે ઘરૌંદો મેં, તિનકોં કે નશેમન તક, ઇસ મોડ સે જાતે હૈં...' જેવા ભલે કોઇ અર્થ જ ન નીકળતો હોય, એવા શબ્દો ભલે વાપર્યા, પણ કાંઇક નવું તો મળ્યું. સાવ પ્યાર-મુહબ્બતથી તો કોઇ વાત આગળ ગઇ!

દુ:ખ એ વાતનું થાય કે, આવો સર્જક આટઆટલી તકો મળવા છતાં ચોરીચપાટી ઉપર કેમ ચઢી ગયો ? આજની ફિલ્મ 'મેરે અપને'એણે દિગ્દર્શિત કરેલી સૌ પ્રથમ ફિલ્મ હતી અને કોઇ પણ હિસાબે એને સર્વોત્તમ ફિલ્મો પૈકીની એક કહેવી જ પડે, એવી સુંદર બની છે, ત્યાં ખબર પડે કે, મૂળ તો બંગાળના નામી દિગ્દર્શક તપન સિન્હા (બંગાળી ઉચ્ચાર 'તોપોન સિન્હા')એ ઉતારેલી અને રાષ્ટ્રીય ઍવૉર્ડ પુરસ્કૃત બંગલા ફિલ્મ 'આપનજન'ની ગુલઝારે એક એક ફ્રેમ-ટુ-ફ્રેમ ચોરી કરીને 'મેરે અપને'નામ આપ્યું છે.

તમારામાંથી જેણે પદ્મશ્રી નાના પાટેકર (સાચું નામ વિશ્વનાથ પાટેકર : જન્મ તા. ૧ જાન્યુઆરી, ૧૯૫૧)ની હીરો તરીકેની પહેલી હિંદી ફિલ્મ 'અંકૂશ'જોઇ હશે તો આ ફિલ્મની વાર્તા ઘણી મળતી આવશે. 'અંકુશ' ઉતારનાર એન ચંદ્રા ! આપણા ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણનો ભાઇ હતો અને 'મેરે અપને'માં ગુલઝારનો આસિસ્ટન્ટ દિગ્દર્શક, એટલે 'મેરે અપને'ની બેઠી છાયા 'અંકૂશ' ઉપર પડી.

શિક્ષિત છતાં બેકારીને કારણે ગુંડાગર્દીને રસ્તે ચઢેલા યુવાનોની ઘણી ફિલ્મો આપણે ત્યાં આવી ગઇ, એમાંની આ એક બીજી, 'મેરે અપને'. ફિલ્મનું પૂરૂં શૂટિંગ ૪૦ દિવસમાં પૂરૂં થઇ ગયું હતું અને ન થયું હોત તો ફિલ્મ જ પૂરી ન થાત કારણ કે, પૂરી ફિલ્મ દરમ્યાન મીના કુમારી દર્દનાક રીતે બિમાર હતી અને ફિલ્મ થિયેટરોમાં આવી એના કોઇ બે-ત્રણ મહિના પહેલા જ એ સ્વર્ગસ્થ થઇ ગઇ.

વાર્તા આમ છે : નાનકડા ગામમાં રહેતી વિધવા વૃદ્ધા મીના કુમારી આમ તો ઝુંપડી જેવા મકાનમાં રહે છે, પણ એના સ્વર્ગસ્થ દારૂડીયા અને નૌટંકીવાળા પતિ દેવેન વર્માના અવસાન પછી પણ એના ઘણા આંબા છે, જેની કેરીઓ વેચીને થોડું ઘણું ગુજરાન ચાલે છે.

એ મીનાને ત્યાં અચાનક ભત્રીજો બનીને રમેશ દેવ (ફિલ્મ 'આનંદ'નો ડો. પ્રકાશ કુલકર્ણી... અર્શદ વારસીવાળી ફિલ્મ 'જોલી એલ.એલ.બી.માં અર્શદને ખોટું કામ કરવા બદલ જે વૃદ્ધ કોર્ટની લૉબીમાં તમાચો મારે છે તે હવે ઘણો વૃદ્ધ થઇ ગયેલો આ રમેશ દેવ જ છે.) ખોટા સગપણો બતાવીને મીનાને શહેરમાં લઇ જવા આવે છે. આ અશિક્ષિત વૃદ્ધા એની વાત માનીને શહેર જાય છે, ત્યાં ખબર પડે છે કે, એ લોકો મીનાના સગા-બગા કોઇ નથી. આ તો નોકરાણી મળતી નહોતી, એટલે સગપણના બહાને ડોસીને ઘેર લઇ આવે છે. રમેશની પત્ની ફિલ્મ 'આનંદ'માં અમિતાની પ્રેમિકા બનતી સુમિલા સાન્યાલ છે.

ગામ અને શહેર વચ્ચેના ભેદથી ગભરાયેલી મીના જેમ તેમ કરીને રહે છે તો ખરી, પણ જે ગલીમાં આ લોકો રહેતા હોય છે, તે શ્યામુ (વિનોદ ખન્ના) અને છૈનુ (શત્રુઘ્ન સિન્હા)ની ગુંડા ટોળકીઓ વચ્ચે રોજની મારામારીઓની ગલી છે. બન્ને હીરો એકબીજાની જાનના દુશ્મનો છે, પણ મીના કુમારી પોતાની પ્રાણની આહૂતિ આપીને ઝઘડા કાયમ માટે બંધ કરાવે છે.

યુવાન મીના કુમારીના રોલમાં જે છોકરી લઇ આવ્યા છે, તે 'અમીના કરીમ' ક્યારેક કાનની બુટ કે નાકના ટેરવાંથી મીના કુમારી જેવી દેખાવાની ગુલઝારે કોશિષ કરાવી છે, પણ ક્યાં સૌંદર્યવતી સ્વ. મીના કુમારીને ક્યાં આ એની ડબલ ! કંઠ મીનાને મળતો આવે છે, એમાં ડબિંગ-આર્ટિસ્ટને બોલાવાઇ છે. (પાછલી પૂરી ઉંમર હોસ્પિટલમાં કાઢી હોવાને કારણે ખુદ મીના કુમારીનો અવાજ પણ એનો પોતાનો નથી, ડબિંગ-આર્ટિસ્ટનો છે.)

મિમિક્રી-આર્ટિસ્ટો જુદા જુદા ફિલ્મ ઍક્ટરોના અવાજો કાઢી બતાવે છે, એમની મોટા ભાગની કમાણી બીજા હીરો-હીરોઇનો માટે (એમના જેવો અવાજ કાઢી) ડબિંગ કરી આપવામાં થાય છે. યાદ હોય તો, ફિલ્મ 'તીન બહુરાનીયાં'નું શૂટિંગ પતાવ્યા પછી તરત જ પૃથ્વીરાજ કપૂર એમનો અવાજ ખોઇ બેઠા હતા, ત્યારે જાણિતા પીઢ કલાકાર બિપીન ગુપ્તાએ તેમનું ડબિંગ કર્યું હતું.)

કારણ તો ખબર પડે એવું નથી, પણ સંગીતકાર સલિલ ચૌધરીની સૌથી વધુ માનિતી લતા મંગેશકરનું ભલે ફિલ્મમાં એક જ ગીત હોય, પણ ફિલ્મના ટાઇટલ્સમાંથી એનું નામ ગાયબ છે. (ફિલ્મમાંથી પણ ગીત ગાયબ છે.) ફક્ત મુકેશ અને કિશોરના જ નામો છે. એ ય પાછી જોવાની ખૂબી છે કે, કિશોરની કારકિર્દીના પ્રારંભના વર્ષોમાં સલિલ દા એને ગાયક જ માનતા નહોતા અને ફિલ્મ 'નૌકરી'નું ખૂબ જાણીતું થયેલું ગીત, 'છોટા સા ઘર હોગા, બાદલોં કી છાંઓ મેં, આશા દીવાની મન મેં બંસુરી બજાયેગી' મૂળ તો હેમંત કુમારના કંઠે રૅકોર્ડ થયેલું (આજે ય મળે છે), પણ હીરો કિશોર છતાં પ્લેબૅક એનું પોતાનું નહિ, એટલે ખૂબ નર્વસ થઇ ગયેલા કિશોરે સલિલ પાસે રીતસરની યાચનાઓ કરી, પોતાની જૂની ફિલ્મોના ગીતોની રૅકર્ડો આપી, પણ પેલા માને નહિ. છેવટે બિમલ રોયની સૂચનાથી એ ગીત કિશોર પાસે ગવડાવવું પડયું અને કેવું સુપરહિટ સાબિત થયું ! બહુ વર્ષો પછી આ ફિલ્મમાં કિશોર પાસે 'કોઇ હોતા જીસકો અપના...'ગવડાવ્યું ત્યારે છેક ખબર પડી સલિલ દા ને કે, જેને હું નીગ્લેક્ટ કરતો હતો, તે તો ભારતનો ખૂબ લોકપ્રિય ગાયક બની શકે એમ છે.

બસ, એમાં મૂળ કારણ તો સલિલને મુહમ્મદ રફી માફક ન આવે અને કિશોરનો ધ્વજ ઊંચો લહેરાવા માંડયો. મૂકેશ ધીમેધીમે સલિલ સંગીતમાંથી ખસતો ગયો અને કિશોર કાયમી થઇ ગયો. યોગાનુયોગ, આ ગીત 'કોઇ હોતા...કિશોરે એની ત્રીજા નંબરની ભૂ.પૂ. વાઇફ (એટલે કે, ભૂતપૂર્વ પત્ની)યોગીતા બાલી માટે વિનોદ ખન્નાને પ્લેબેક આપીને ગાયું છે... પછી તો ગીતમાં દર્દ ઉભરાય તો ખરૂં ને ?

બીજી બાજુ, બીજા કોઇ સંગીતકાર મૂકેશને અડે નહિ-સિવાય કે, રાજ કપૂર જેવાઓનો આગ્રહ હોય, નહિ તો 'ગરજ સરો ને મૂકેશ મરો'એમ ખુદ શંકર-જયકિશને પણ રાજ કપૂર સિવાયની કેટલી ફિલ્મોમાં મૂકેશ પાસે ગવડાવ્યું છે ? પણ મૂકેશ પહેલેથી જ સલિલ દા નો ખૂબ માનિતો. એક વાત સાચી કે, મૂકેશને શાસ્ત્રીય સંગીતનું કોઇ જ્ઞાન નહિ-હાર્મોનિયમ પર ફક્ત સૂર મેળવતા આવડે અને દરેક ગીતના અનેકોનેક રીહર્સલો કરાવવા પડે, એનાથી કંટાળીને સંગીતકારો ન છુટકે જ મૂકેશને લેતા, એમાં સલિલ દા ખીજાઇ જતા, 'શું બકવાસ કરો છો ! મૂકેશ પાસે ભલે બીજા ગાયકો કરતા વધારે રીહર્સલો કરાવવા પડે, પણ આખરી રેકોર્ડિંગમાં આ તમારો એકે ય ગાયક મૂકેશ જેવું મીઠું ગાઈ શકે છે ?'સલિલ ચૌધરી પણ અનિલ બિશ્વાસ અને સી. રામચંદ્રની માફક મુહમ્મદ રફીને ન છુટકે જ ગવડાવતા.

શત્રુઘ્ન સિન્હા ફિલ્મોમાં આવતા વ્હેંત છવાઇ ગયો, એની ખલનાયકીના નવા અંદાઝથી. દેખાવડો તો હતો જ, પણ અવાજ બેઝનો હતો અને સાધારણ હૅઝલ-રંગની આંખો ઉપરાંત પોતાના અલગ અંદાઝથી સંવાદો બોલવાની છટાને કારણે રેહાના સુલતાન-અનિલ ધવનની બી.આર.ઈશારાએ વેશ્યા સાથે પરણી બતાવવાની હિમ્મત કરનાર હીરો (અનિલ ધવન)ની ફિલ્મ 'ચેતના'બનાવી, એમાં થોડો સમય આવીને પણ શત્રુઘ્ન મેદાન મારી ગયો હતો.

આમ તો ફિલ્મોમાં એને પહેલીવાર લાવવાનો યશ દેવ આનંદને અપાય છે ફિલ્મ 'પ્રેમ પૂજારી'માટે, પણ રાજેશ ખન્નાની ફિલ્મ 'ધી ટ્રેન'માં એ એક દ્રષ્ય માટે વેઇટિંગ રૂમમાં  બેઠેલો દેખાયો છે. વૈજ્યંતિમાલા-ધર્મેન્દ્રની ફિલ્મ 'પ્યાર હી પ્યાર'ના એકાદ દ્રશ્ય માટે એ હતો, જ્યારે આશા પારેખ-મનોજ કુમારની ફિલ્મ 'સાજન'માં એ પોલીસ ઈન્સ્પેકટર એસ.પી. સિન્હાના નાનકડા રોલમાં દેખાય છે. (હાલમાં રાજકારણના ક્ષેત્રે પણ ભાજપમાં એ નાનકડા રોલમાં જ દેખાય છે...

નિરીક્ષકો કહે છે, એ આટલું ય દેખાય છે, એ ઘણું છે.) એની દીકરી સોનાક્ષી સિન્હા કેટલી સફળ થઇ એ તો સમય નક્કી કરશે પણ પિતાએ પુત્રી પાસે ઘણું બેવકૂફીભર્યું નિવેદન કરાવ્યું હતું કે, 'મારા પપ્પા આજે ય સુપરસ્ટાર છે.'(એ વખતે શત્રુઘ્ન અમિતાભનો દુશ્મન હતો.) આ ફિલ્મમાં એ છૈનુનો રોલ કરે છે, એમાં એક સંવાદ ઘણો પ્રચલિત થયો હતો, '... વો આયે તો કહે દેના છૈનુ આયા થા... બહોત ગર્મી હૈ ખૂન મેં તો બેશક આ જાએ મૈદાન મેં... જો હસરત નીકાલની હૈ વો નીકાલ લે લેકીન આહિંદા, અગર મેરે કિસી લડકે કો હાથ લગાયા તો મુહલ્લે કા મુહલ્લા ઊડાકે રાખ કર દૂંગા...' એ સંવાદ આજ સુધી લોકપ્રિય રહ્યો છે.

ડૅની સાથે હોટલમાં નવરા બેઠેલા સાથીઓમાં છોકરી જેવા લાંબા વાળવાળો છોકરો શશી કિરણ મેહતા છે, જેને તમે રાજ કપૂરની ફિલ્મ 'બોબી'માં રિશી કપૂરના હોસ્ટેલના દોસ્ત તરીકે જોયો છે. એની બાજુમાં બેઠેલો હેન્ડસમ લાગતો અને શરીરે સુદ્રઢ સુધીર ઠક્કર (કબીર)છે. હોટલનો માલિક કે મેનેજર પરદેશી છે, જે અનેક ફિલ્મોમાં એકસ્ટ્રા તરીકે આવી ચૂક્યો છે.

પણ મીના કુમારી કાંખમાં બાળકને તેડીને શેરીમાં આંટો મારવા નીકળે છે, ત્યારે ગુસ્સાથી આગબબૂલો થતો દાઢીવાળો યુવાન સ્વ. દિનેશ ઠાકૂર (બિલ્લુ)છે અને એને શાંત પાડનાર પૅઇન્ટલ છે. અમૃતસર પાસેના તરણતારણ ગામનો આ સીખ્ખ કંવલજીતસિંઘ અસરાનીની સાથે જ '૬૯માં ફિલ્મ 'ઉમંગ'માં પહેલી વાર આવ્યો હતો. સુભાષ ઘાઈ એ ફિલ્મનો હીરો હતો. આજે પેઇન્ટલ ૭૦ વર્ષનો છે.

આ ફિલ્મમાં યોગીતા બાલીનો પિતા બનતો ટાલીયો કલાકાર કમલદીપ છે, જે મોટા ભાગની ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેકટર બનીને આવતો. ફિલ્મમાં શત્રુની જે સો-કોલ્ડ પ્રેમિકા બને છે, તે ફાતિમા છે. વિનોદ ખન્નાનો પિતા બનતો દેવકિશન અગાઉના લેખોમાં મેં કહ્યુ છે તેમ ઋષિકેષ મુકર્જી કે ગુલઝારની ફિલ્મોમાં પર્મેનેન્ટ રસોઇયાનો રોલ કરે છે.

પદ્મશ્રી ડૅની ડેન્ઝોંગ્પાને આ ફિલ્મ ખૂબ ફળી અને આ જ ફિલ્મથી એ હિંદી ફિલ્મોનું કાયમી નામ બની ગયો. એ સિક્કિમના ગૅંગટૉકથી આવ્યો છે. એનું ખાનદાન બૌદ્ધ ધર્મ પાળે છે અને એનું મૂળ નામ તો શૅરિંગ (Tshering) ફિન્તસો ડૅન્ઝોંગ્પા છે, પણ પૂણેની ફિલ્મ્સ ઍન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટયૂટમાં તેની સાથે ફિલ્મ-એક્ટિંગનો કોર્સ કરતી જયા ભાદુરીએ આવું નામ બોલવામાં લોકોને તકલીફ પડે, માટે બદલી નાંખવા સૂચન કર્યું અને નામ એણે 'ડેની' રાખ્યું.

એની શ્રેષ્ઠ ફિલ્મો તો ઘણી છે, 'ધૂન્દ, ૩૬ ઘન્ટે, અગ્નિપથ, ફકીરા, ચોર મચાયેશોર અને બુલંદી હતી. ભૂલેચૂકે ય કોઇ ફિલ્મી પાર્ટી કે ઍવૉર્ડ સમારંભમાં નહિ જનારા આ અદાકારને તો ભારતીય સેનામાં જોડાવવું હતું,
પણ નસીબ ફિલ્મોમાં જોર મારતું હતું. ખૂબ સોબર સ્વભાવના આ માણસે હમણાં જ અક્ષય કુમારની ફિલ્મ 'બેબી'માં પ્રેક્ષકોને ખૂબ ગમે તેવો ફિરોઝ ખાનનો રોલ કર્યો હતો. '૧૬ ડીસેમ્બર' નામની ફિલ્મ પણ ડેનીને કારણે ખૂબ વખણાઇ હતી. આ ફિલ્મમાં તે વિલન નથી. વિનોદ ખન્નાના દોસ્તનો રોલ કરે છે. એના હાથમાં ઢીંગલો પકડાવવામાં આવ્યો છે.

તમે ઘણા સ્ટેજ શોમાં આવા ઢીંગલા સાથે વાત અને સવાલ-જવાબ કરતા 'વેન્ટ્રીલોક્વિસ્ટ્સ'ને જોયા હશે. એ ઢીંગલાની અંદર હાથ નાંખીને વેન્ટ્રીલૉક્વિસ્ટ સવાલ પૂછે અને પેલો જવાબ આપે. આ ગજબની કલા છે. આનો કલાકાર પોતે સવાલ આપણી જેમ પૂછે, પણ જવાબ વખતે હોઠ સહેજ પણ ફફડાવ્યા વિના ગળાની અંદરથી સંવાદો બોલે, જેમાં આપણને લાગે કે, જવાબ ઢીંગલાએ આપ્યો છે, સ્ટેજ અને માઇક્રોફોન વિના આ કલા બતાવવી શક્ય નથી.

દેવેન વર્માને તગડો રોલ મળ્યો છે. આ ફિલ્મમાં, નાની મીના કુમારીના પતિનો. અશોક કુમારની દીકરી રૂપાને પરણનાર દેવેન ગુજરાતના કચ્છમાં જન્મ્યો હતો, પણ એણે કદી ય પોતે ગુજરાતી છે,એવું ઍટ લીસ્ટ જાહેરમાં તો નથી કીધું. ગૌરવ લેવું, તો બહુ દૂરની વાત છે.

મૅહમુદ કૅમિયો રોલમાં આવીને પણ હસી પડાય એવું મનોરંજન કરે છે. અસિત સેન એના પ્રમાણમાં ખીલાય એટલું ખીલ્યો છે. એકંદરે, જોવી જ જોઇએ, એવી સુંદર ફિલ્મ 'મેરે અપને'.

No comments: