Search This Blog

19/08/2017

'જુગનૂ'('૪૭)

ફિલ્મ    :     'જુગનૂ'('૪૭)
નિર્માતા- દિગ્દર્શક     : શૌકત હુસેન રિઝવી
સંગીત     :     ફિરોઝ નિઝામી (B.A.)
ગીતાકાર     :     એમ.જી.અદીબ- અસગર સરહદી, જે.નખ્શબ, તન્વીર નખ્વી.
રનિંગ ટાઈમ     : ૧૫-રીલ્સ
કલાકારો :દિલીપ કુમાર, નૂરજહાં, ગુલામ મુહમ્મદ (બટ્ટ), સુલોચના (રૂબી મૅયર્સ), લતિકા, ઝીયા મોહિયુદ્દીન, આગા મિર્ઝા, જીલ્લોબાઈ, લડ્ડન, નઝીર કાશ્મિરી, શશીકલા.

ગીતો
૧.વો અપની યાદ દિલાને કો, લૈલા કા વો કિસ્સા... મુહમ્મદ રફી- સાથી
૨. ઉમંગે દિલ કી મચલી, મુસ્કુરાઈ ઝીંદગી અપની... નૂરજહાં
૩. દેશ કી પૂરફેંક દિલકશ હવાઓં મેં રંગી... રોશનઆરા બેગમ
૪. આજ કી રાત, સાઝે દિલ પૂરદર્દ ન છોડ... નૂરજહાં
૫. તુમ ભી ભૂલા દો, મૈં ભી ભૂલા દૂં, પ્યાર ગૂઝરે... નૂરજહાં
૬. હમેં તો શામ- એ- ગમ મેં કાટની હૈ ઝીંદગી... નૂરજહાં
૭. યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ... નૂરજહાં- મુહમ્મદ રફી
૮... લૂટ જવાની ફિર નહિ આની, બીત ગઈ તો... શમશાદ બેગમ

દિલીપ કુમાર નામ પડે ત્યાં જ આપણો આદરભાવ છલકાઈ ઉઠે. આવું વિરલ વ્યકિત્વ હિંદી સિનેમાના પરદા ઉપર છેલ્લા ૭૦- વર્ષથી છવાયેલું રહ્યું, એ કેવળ એના અભિનય માટે જ નહિ, વ્યકિતત્વની ઊંચાઈઓએ પણ કામ કર્યું છે. ફિલ્મ તમને ગમી હો કે નહિ, દિલીપ તો ગમ્યો જ હોય. એની સાથે સ્ક્રીન પર કોઈ પણ કલાકાર હોય, તમારૂં ધ્યાન દિલીપ પરથી હટી ન શકે.

માત્ર ધ્યાન જ નહિ, એના અભિનય, અવાજ, પર્સનાલિટી અને સ્ક્રીન પર તેની હાજરી માત્ર કાફી છે તમને ઇમ્પ્રેસ કરવા માટે. એ જરૂરી નથી કે, તમને એના કરતા રાજ કપૂર વધારે ગમે છે કે દેવ આનંદ... જેનું પોતાનું વ્યકિતત્વ આગવું હોય, તે કદી સરખામણીમાં ન પડે. એ ત્રણે સુપરસ્ટાર્સ એમના જમાનાના બાદશાહો હતા. તમને એ ત્રણમાંથી એક જ ગમતો હોય તો ય સ્વયં તમારો ટૅસ્ટ ઊંચો કહેવાય કે, ઉત્તમ ચીજો તમને પસંદ છે.

તમારામાંથી જે કોઈએ સ્ટેજ કે ટીવી પર ઍક્ટિંગ કરી હોય તો એમને ખબર છે કે, દિલીપ કુમાર એક 'મૅથડ- ઍક્ટર' હતો, હૉલીવૂડના માર્લન બ્રાન્ડો જેવો. આવા ઍક્ટરોનો અભિનય તમને અભિનય લાગે જ નહિ.. જે રોલ એમણે પરદા ઉપર કર્યો હોય, તમને એ જ પાત્ર પરદા ઉપર જીવંત થતું લાગે અને એવું આ પાત્ર ફિલ્મે ફિલ્મે તમને ઇમ્પ્રેસ કરતું રહ્યું છે.

દિલીપ કુમાર આ લખાય છે ત્યાં સુધીમાં ૯૪ વર્ષનો થયો. (ફિલ્મ પત્રકારત્વની આ એક બદતમીઝી પણ છે અને લાચારી પણ છે કે, ફિલ્મી હસ્તિઓને તુંકારે બોલાવાય છે. ઇચ્છા તો માત્ર 'દિલીપ સા'' લખવાની હોય પણ એ થઈ એટલા માટે ન શકે ફિલ્મ-કલાકારોને 'અમિતાભ આવ્યો હતો' કે 'નૂતન' કેવી નમણી દેખાતી હતી ! એવા તુંકારે લખવાની પ્રથા છે.

રૂબરૂ મળો ત્યારે 'દેવ સા'' કહેવાનું હોય ને એ જ આપણો આદર છે, પણ પત્રકારત્વની આ પણ એક મર્યાદા છે. 'દિલીપજી આવ્યા હતા...' એવું બધા માટે સરખું સન્માન રાખવું પડે, જે વ્યવહારિક રીતે ઓછું શક્ય છે.
પણ તમે એને 'દિલીપ સા'', યુસૂફ સા'બ કે માત્ર દિલીપ કહો, આપણા આદરમાં કોઈ ફરક પડતો નથી, જેમ સગી મા ને તુંકારે જ બોલાવાય છે !

કેવો સંયોગ કે હિંદી ફિલ્મોના બે ચમકતા સિતારા દિલીપ કુમાર અને નૂરજહાં ફક્ત એક જ  ફિલ્મ 'જુગનૂ'માં સાથે દેખાયા. પછી તો દેશના ભાગલા પડયા અને નૂરજહાં પાકિસ્તાન જતી રહી. નૂરજહાં પાસે એ ચીજ 'રૅર'હતી કે ઇશ્વરે એને સુંદરતાપની સાથે સ્વર પણ મહામૂલો આપ્યો હતો. હીરોઈન તરીકેના નખરા- બખરા કે ચરીત્રની વાતો પોતપોતાના અર્થઘટનની બાબત છે, પણ નૂરજહાંને નજીકથી ઓળખનારી તમામ ફિલ્મી હસ્તિઓ એનો ઉલ્લેખ એક ભલી સ્ત્રી તરીકે કરે છે.

પરદા પરની નૂરજહાંને 'મલ્લિકા-એ-તરન્નૂમ'નો બિનઅધિકૃત ઇલ્કાબ મળ્યો હતો, પણ એના ગીતો સાંભળો તો આ ઇલ્કાબ પણ સામાન્ય લાગે. આવા ઇલ્કાબોથી તો એ સ્ત્રી ઘણી ઊંચી હતી. એનો શાસ્ત્રોક્ત કંઠ ભલભલા જાણકારને વિસ્મિત કરી મૂકે એવો દૈવી હતો.

આ ફિલ્મ માટે એણે ગાયેલું 'ઉમંગે દિલ કી મચલી, મુસ્કુરાઈ ઝીંદગી અપની...' મારા ઑલટાઈમ ફૅવરિટ ગીતો પૈકીનું છે. કમ્માલ નૂરજહાંની વધારે છે કે 'ક્યા ખ્ખૂબ' સંગીતકાર ફિરોઝ નિઝામીની, એ તય કરવાના તો સંગીતમય જલસા પડે ! ખૂબી એ છે કે, આ ગીતના અંતરાઓમાં કેવળ લય નથી બદલાતી, રિધમ પણ બદલાય છે, જેના લીધે એક ગીતમાં બે ગીત સાંભળતા હોવાના ઉમંગો ઉપડે.

(ઓ સાહેબ, લય બદલાય એટલે રિધમ બદલાય જ.. એમાં તમે નવું શું કીધું ? જવાબ : નૂરજહાંની ખૂબી એ વાતે હતી કે, અંતરાના અડધા મીસરે લય બદલાય છે... જવાબ પૂરો) નૂરજહાં પાસે સજ્જાદ હુસેન ઉપરાંત સંગીતકાર દત્તા કોરગાંવકરે (જેમણે લતા મંગેશકરે ગાયેલું સર્વ પ્રથમ હિંદી ફિલ્મી ગીત, 'પા લાગૂં કર જોરી રે...' ગવડાવ્યું હતું, તે નૂરજહાંના વખાણ કરતા થાકતા નહોતા. એમની ફિલ્મ 'બડી માં'માં નૂરજહાંએ ગાયેલા 'દિયા જલાકર આપ બુઝાયા..' ગીતમાં નૂરજહાંએ જે કલાસિકલ ધૈવત છેડયો હતો, તે દત્તા સાહેબની દ્રષ્ટિએ બેમિસાલ છે.

ધૈવત પર 'આપ' લેવો કે 'દિયા જલાકર' ઉપર લેવો, એ એક અજાણ્યા યુવાનની દાદ ઉપર અન્નાએ નક્કી કરી દીધું કે ધૈવત, 'જલાકર..' વખતે લેવો જોઈએ. એ યુવાને દાદાની ધૂન પર ખુશ થઈને એ જમાનામાં ય ખૂબ મોંઘી ગણાતી હાર્મોનિયમની પેટી કે. દત્તાને ભેટ આપી દીધી.

એ યુવાન આગળ જતા ખૂબ યશસ્વી સંગીતકાર બન્યો, જેનું નામ હતું 'ઓ.પી.નય્યર'. મસ્ત મજાની વાત તો એ છે કે, જીવનભર મદન મોહનની માફક ઓપી નય્યર પણ કહેતા રહ્યા કે, એમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી. પણ દત્તા કોરગાંવકર જેવો યશસ્વી સંગીતકાર ઓપીએ 'દિયા જલાકર આપ બુઝાયા.. માટે ધૈવતને 'જલાકર' ઉપર મૂકવો, એ સૂચનને બાર હાથે સ્વીકારી લે, એ પછી કાંઈ કહેવાનું રહેતું નથી.

નૂરજહાંને ફિલ્મી જ નહિ, સંગીતના જાણકારો કેમ આટલી મહાન ગાયિકા ગણે છે ને વખતોવખત પૂછાતું રહ્યું છે કે, ભાગલા પછી નૂરજહાં પાકિસ્તાન જતી રહી ન હોત તો લતા મંગેશકર આટલી સફળ બની શકી હોત ? બકવાસ ચર્ચા છે. સરખામણી બેવકૂફી છે, પણ નૂરજહાં   કેવી સજ્જ ગાયિકા હતી એનું પ્રમાણ  ફિરોઝ નિઝામીના આ અકલ્પ્ય ગીતની બંદિશ અને નૂરજાહાંની કમાલની ગાયકી ઉપર છે.

તમે સ્ત્રી હો અને ગાવાનો શોખ હોય તો પોતાના ટ્રાયલ પૂરતું, આ ફિલ્મમાં નૂરજહાંએ ગાયેલું ' આજ કી રાત... કૌલ ઉલ્ફત કા જો હંસતે હુએ તારોં ને સુના...' ઘેર બેઠા તૈયાર કરી જોજો..! તીવ્ર(હાઈ-પિચ)માં સાખી ગાયા પછી કેવા મધુરા ખરજમાં એણે 'કૌલ ઉલ્ફત કા..' કેવી આસાનીથી લીધું છે... જાણે અવાજ નાભિમાંથી નીકળ્યો હોય ! આ ફિલ્મમાં દેખિતું છે, નૂરજહાંના જ બધા ગીતો હોય. ફિલ્મ એના પતિ શૌકત હુસેને બનાવી હતી એટલે નહિ, પણ નૂરજહાંનો એ સમયે અન્ય કોઈ સાની નહોતો. દિલીપ કુમારની માફક મુહમ્મદ રફી પણ એક જ ગીત પૂરતા નસીબદાર નીકળ્યા, 'યહા બદલા વફા કા..' પણ દાખલો દિલીપની એક ફિલ્મ માટે આપવાનો હોય કે રફીના એક ગીત માટે.. એ ત્રણેએ પૂરવાર તો કરી આપ્યું કે, ૧૯૪૭-માં બનેલી આ ફિલ્મ કે આ ગીત આજે ૭૦-વર્ષ પછી ય એવું જ તરોતાઝા રહ્યું છે. એ જો કે કેવળ યોગનુયોગ હતો કે નૂરજહાં પાકિસ્તાન જતી રહી, એ જ વર્ષમાં લતા મંગેશકરનું હિંદી ફિલ્મોમાં આગમન થયું, એમાં તો કેવો વિરાટ ગૅપ પૂરાઈ ગયો !

શમશાદ બેગમ લતાથી જ નહિ, કોઈ પણ પ્લેબૅક સિંગર કરતા ઘણી સીનિયર ગાયિકા હતી. દલસુખ પંચોલીની ફિલ્મો 'ખજાનચી' અને 'ખાનદાની'થી જ એની બોલબાલા હતી. કમનસીબે, એને પોતાનો માલ વેચતા ન આવડયો. ચુસ્ત મુસ્લિમ મા-બાપની દીકરી હોવાને કારણે, પિતાના આદેશ મુજબ, એણે ક્યારેય પોતાનો ફોટો પડાવ્યો નહતો.

એ દેખાવમાં કેવી હશે, એ યાદ છે ત્યાં સુધી '૮૦- ના દાયકા સુધી ભાગ્યે જ કોઈને ખબર હતી. કોઈએ શમશાદબાઈનો ફોટો પણ જોયો નહતો. પછી તો વડિલાવસ્થામાં એ ઘણી મુક્ત થઈ અને ફોટા તો શું, ટીવી પર ઇન્ટરવ્યૂઓ ય આપવા માંડયા.

આ એક ગાયિકા હતી, જેને ફક્ત ગરજ પડી ત્યારે જ બોલાવાતી- એમાં નૌશાદ કે ઓ.પી.નય્યર પણ બાકાત નહિ, છતાં અન્ય સંગીતકારો કરતા આ બન્નેએ જે શમશાદને વધુમાં વધુ કામ આપ્યું. આ નમ્ર ગાયિકાએ કદી કોઈનું ખોટું લગાડયું હોવાનું જાણમાં નથી.

જેનું આ ફિલ્મમાં ફક્ત એક ગીત છે અને આપણામાંથી મોટા ભાગનાઓએ જેનું નામ પણ સાંભળ્યું ન હોય, એવી ગાયિકા રોશનઆરા બેગમનું 'દેશ કી પૂરફેંક દિલકશ હવાઓ મેં રંગી..' સંગીતના જાણકાર વાચકોને કૈફ ચઢાવે એવા કંઠનું કામણ છે. નૂરજહાં અન્ય કોઈને પ્લેબૅક આપતી ન હોવાથી આ ફિલ્મના ગીતોમાં શમશાદ ઉપરાંત રોશનઆરા બેગમને પણ ચાન્સ મળ્યો છે, એ ચાન્સ આપણને ડોલાવી જાય એવો છે. જલ્દી ન ઓળખાય એવી હીરોઈન અને વૅમ્પ શશીકલા ઉપર આ ગીત ફિલ્માયું છે.

એની સુંદરતાનો ખ્યાલ રાખીને દિગ્દર્શકે શશીકલાને આ ગીતમાં ઘણા કલોઝ-અપ્સ છે... આટલા ક્લૉઝઅપ્સ તો ખુદ નૂરજહાંને મળ્યા નથી. ફિરોઝ નિઝામીએ આ ફિલ્મના તમામ ગીતો ઉત્કૃષ્ઠ બનાવ્યા છે, એક ગીત પણ આઘું મૂકી ન શકો. કેટલીક રચનાઓ 'વિયર્ડ' લાગે, પણ છે નહિ ! મૅલડી વચમાં ડોકાં કાઢતી દેખાય- આઈ મીન, સંભળાય છે.

ફિરોઝ નિઝામી ભાગલા પછી પાકિસ્તાન જતા રહ્યા અને આપણે એક શુધ્ધ સંગીતકાર ગુમાવ્યો. એ જમાનામાં ફિલ્મી લોકો પોતાના નામની પાછળ ડીગ્રી લગાવતા, એમ ફિરોઝ નિઝામી પણ B.A.લખતા, પણ બી.એ. કરવા છતાં કોઈના ધૂનોની ચોરી કરીને પોતાને નામે ઠઠાડી દેતા નહોતા... સ્નેહલ ભાટકરની જેમ !

'લહેરોં પે લહેર, ઉલ્ફત હૈ જવાં, રાત હો કે સહર, ચલી આઓ યહાં..' આ ફિલ્મ 'છબિલી'માં હેમંત કુમારે ગાયેલું (નૂતને પોતે પણ આ જ ગીત સોલો ગાયું છે.) મૂળ ગીત સાંભળ્યા પછી સંગીતકાર સ્નેહલ ભાટકર માટે આદરનો કેવો ઊભરો છલકાઈ જાય ! પણ યૂ-ટયૂબ પર જુઓ ત્યારે ખબર પડે કે, મહાન કૉમેડિયનો જેરી લૂઈસ અને ડીન માર્ટિનવાળા ડીને ગાયેલા 'ધ મૅન હૂ પ્લૅય્સ મૅન્ડોલિનો'ની અક્ષરસ : (સૉરી, સ્વરે-સ્વરસ:) ઉઠાંતરી કરી છે.

ડીનોના આ મધૂરા ગીતના શબ્દો છે, With his little mandolin, and a twinkle in his eye, હવે તો એ ડાઉટે ય પડે કે સદીના પ્રથમ દસ મીઠા ગીતો પૈકીનું મુબારક બેગમનું સ્નેહલ ભાટકરે બનાવેલું 'કભી તન્હાઈયોં મેં યૂં, હમારી યાદ આયેગી..'પણ 'ચોરી કા માલ..'તો નહિ હોય ને ?

ફિલ્મ 'જુગનૂ' જોવી ગમે એવી ફિલ્મ બેશક બની છે. નહિ તો આ કૉલમમાં સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે, જે તે ફિલ્મ અતિ બકવાસ છે.. ટાઈમ પાસ કરવા ય ન જોવી ! પણ 'જૂગનૂ' માત્ર- નૂરજહાં- દિલીપ કુમાર માટે જ નહિ, એના સંગીત માટે જ નહિ... હરએક પહેલૂ માટે આબાદ બની છે. એ સમયમાં મોટા ભાગની ફિલ્મો બકવાસ બનતી, એમાં આ કૉમેડી ફિલ્મે અસર જુદી ઊભી કરી હતી.

સ્વચ્છ ફોટોગ્રાફી, મજાના સૅટ્સ, ગળે ઉતરી જાય એવી પટકથા(વાર્તા તો ઑલમોસ્ટ બધી ફિલ્મોની એની એ જ પ્રેમલા-પ્રેમલીની હોય, એટલે એનો ઉલ્લેખ જાવા દિયો !) અને દિગ્દર્શકની વાર્તા કહેવાની ઢબ અનેરી હતી. ગળે ઉતરી જાય એવો વાર્તાનો ક્રમ અને મજેદાર સંવાદો પણ ફિલ્મને મજાની બનાવે છે. આપણા મુહમ્મદ રફી સાહેબ પણ ફિલ્મના એક કૉમેડી ગીત 'વો અપની યાદ દિલાને કો, લયલા કા વો કિસ્સા છોડ ગયે..' ગાતા દેખાય છે.

આપણને નવાઈ લાગે કે, આટલો મુલાયમ અને તરત ગમી જાય એવો ચેહરો હોવા છતાં એ ઍકટર તરીકે કેમ વધુ ન આવ્યા ? ફિલ્મમાં ઝીયા મોહિયુદ્દીન નામના પાકિસ્તાની કલાકારે આપણે ત્યાં કે હૉલીવૂડમાં બનેલી ઘણી ઇંગ્લિશ ફિલ્મોમાં કામ કર્યું છે. એ સમયની ફિલ્મોના લેખક ઝીયા સરહદી પાછા જુદા, જેમણે રોશનના સુમધુર સંગીતમાં 'હમલોગ'અને ખય્યામના સંગીતમાં 'ફૂટપાથ'જેવી ફિલ્મો લખી હતી.

ફિલ્મ 'ફૂટપાથ' અને 'હમલોગ' જેવી અનેક ફિલ્મોના લેખક ઝીયા સરહદી સંગીતકાર રફીક ગઝનવીનો જમાઈ થાય (આ રફીક એટલે ફિલ્મ 'નિકાહ' વાળી સલમા આગાના દાદા) પણ રફીકની દીકરી સોનાની મૂરત જેવી સુંદર હોવા છતાં ઝીયા છોકરીઓનો ભારે શોખિન હતો. રફીક જમાઇબાબુના લક્ષણોથી બહુ નારાજ રહેતા. સસુરજીને એટલો ગુસ્સો કે, સંગીતકાર દત્તા કોરગાંવકરે રફીક ગઝનવી પાસે ઝીયાનું એક ગીત ગવડાવ્યું, એમાં ગઝનવીની શરત એક જ હતી કે, રૅકૉડિંગ વખતે ઝીયાનું થોબડું દેખાવવું ન જોઈએ.

'યહાં બદલા વફા કા..'ના નાનકડા અપવાદને બાદ કરતા દિલીપ કુમાર પૂરી ફિલ્મના એકોએક દ્રષ્યમાં શૂટ કેમ પહેરી રાખે છે, તે ધારણા બહારનો વિષય છે.

ફિલ્મમાં દિલીપના પિતા બનતા ગુલામ મુહમ્મદ બટ્ટ અને મા બનતી જીલ્લોબાઈને તમે ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં મધુબાલાની મા બનતા જોઈ છે. ટેલીફોન ઓપરેટરમાંથી એ જમાનાની સૌથી વધુ રકમ મેળવતી હીરોઈન સુલોચના(રૂબી મૅયસૅ) બગદાદી યહૂદી હતી, જેને 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' પણ એનાયત થયો હતો. 'જહૉની મેરા નામ'માં દેવ આનંદની મમ્મી બનતી સુલોચના લાટકર જુદી અને કવચિત ફિલ્મોમાં દેખાયેલી બંગાળી ઍકટ્રેસ સુલોચના ચૅટર્જી જુદી.

આ ફિલ્મ 'જુગનૂ'માં નૂરજહાંનું નામ જુગનૂ હોય છે. જુગનૂનો અર્થ 'આગીયો' થાય. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંધારા ખેતરોના વૃક્ષો ઉપર સ્વયંપ્રકાશિત આગીયા ચમક્તા દેખાય છે, તે જુગનૂનો ઉલ્લેખ ફિલ્મ 'પાકીઝા'ના લતાએ ગાયેલા 'મૌસમ હે આશિકાના..' માં સંભળાય છે અને કૅમેરામૅનની કરામતથી કમાલ અમરોહી 'જુગનૂ હૈ યા ઝમીં પર ઉતરે હુએ હૈં તારે... વખતે વૃક્ષો પર અંધારામાં ચમકતા આગીયા દેખાય છે.


વર્ષો પછી હેમા માલિની- ધર્મેન્દ્રની ફિલ્મ 'જુગનૂ' આવી હતી, જેમાં બર્મન દા નું આમ વૃધ્ધ થઈ ચૂકેલું છતાં કર્ણપ્રિય સંગીત જામ્યું હતું. દિલીપ કુમારની ઉંમર અને તબિયતને કારણે અનેકવાર એમના વિશે અફવાઓ ઊડતી રહી છે અને અલ્લાહ એમને વધુ ને વધુ તંદુરસ્ત ઉંમર બખ્શતા રહે એવી દુઆ.

No comments: