Search This Blog

25/08/2017

'સાઝ ઔર આવાઝ' ('૬૬)

ફિલ્મ    : 'સાઝ ઔર આવાઝ' ('૬૬)
નિર્માતા    : એસ.એસ.આઇ. ફિલ્મ્સ
દિગ્દર્શક    : સુબોધ મુકર્જી
સંગીતકાર    : નૌશાદઅલી
ગીતકાર    : ખુમાર બારાબંકવી
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ
કલાકારો    : જૉય મુકર્જી, સાયરા બાનુ, કન્હૈયાલાલ, નિરંજન શર્મા, સિદ્ધુ, આસિત સેન, લીલા મીશ્ર, સવિતા ચેટર્જી, મુમતાઝ બેગમ, નર્મદાશંકર, વિનોદ શર્મા, બાઝીદ ખાન અને કુ. પદ્મા ખન્ના.

ગીતો
    દુલ્હન બન કે આઇ, ઉમંગો કી શામ…..    લતા મંગેશકર
૨.   સાઝ હો તુમ આવાઝ હૂ મૈં, તુમ બીના હો…..    મુહમ્મદ રફી
૩.   દિલ કી મહેફિલ સજી હૈ, ચલે આઇએ…..    મુહમ્મદ રફી
૪.   તુમ ઇશ્ક કી મેહફિલ હો, તુમ હુસ્ન…..    આશા-રફી- કોરસ
૫.   પ્યાર કી રાહ બહાર કી મંઝિલ, પાનેવાલે…..    આશા- રફી
૬.   કિસને મુઝે સદા દી, કિસને મુઝે પુકારા…..    સુમન- રફી
૭.   પૂનમ કી રાત આઈ, દિલ કી મુરાદ…..    સુમન કલ્યાણપુર
૮.   ન ફૂલોં કી દુનિયા, ન તારોં કી દુનિયા…..    લતા- સાથી
૯.   પાયલીયા બાંવરી બાજે (ભાગ બીજો) …..    લતા- સાથી
૧૦. કિસને મુઝે સદા દી, કિસને મુઝે (શોક) …..    સુમન- રફી

સુબોધ મુકર્જીની ગણત્રી મનોરંજક ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક તરીકે કરી શકો, ગ્રેટ ક્યારેય નહિ. દેવ આનંદની 'પૅઇંગ ગેસ્ટ' અને 'લવ મેરેજ'ની સફળતા પછી ફિલ્મ 'જંગલી'માં પણ એને લેવાનો હતો, પણ ફિલ્મના ટાઇટલ માટે જરૂરી એવો જંગલી દેવ આનંદ લાગે નહિ ને એમાં ય શમ્મી કપૂરે ફિલ્મિસ્તાનના દિગ્દર્શક નાસિર હૂસેનને 'દિલ દે કે દેખો' અને 'તુમ સા નહી દેખા' જેવી હિટ ફિલ્મો આપવા છતાં શમ્મી-નાસિર વચ્ચે કોક વાતે વાંકુ પડયું, એમાં નાસિર હુસેને પોતાની નવી ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'માં શમ્મીને પડતો મૂકીને દેવ આનંદને લીધો, તો આ બાજુ સુબોધ મુકર્જીને ય દેવ આનંદ સાથે વાંકુ પડતા દેવને જંગલી બનાવવાને બદલે શમ્મી કપૂરને બનાવી દીધો, એમાં હિંદી ફિલ્મોનો ઇતિહાસ રચાઈ ગયો. એક 'જંગલી' તો એ જમાના પ્રમાણે ઘણી મોંઘી કહેવાય એવી રંગીન, શમ્મી કપૂરનું નવું અને તોફાની રૂપ, શંકર- જયકિશનનું તદ્દન નવી બ્રાન્ડનું સંગીત અને બ્યુટીક્વીન સાયરા બાનુની પ્રથમ ફિલ્મ... દેશભરમાં 'જંગલી'એ હાહાકાર મચાવી દીધો. સાયરા સુબોધ મુકર્જીની લાડકી હીરઇન બની ગઈ (કોની લાડકી નહોતી ?) અને પોતાની આગામી ફિલ્મો 'એપ્રિલ ફૂલ', 'સાઝ ઔર આવાઝ' અને 'શાગિર્દ'માં એને જ હીરોઇન બનાવી.

શમ્મી સાથે પાછો શું વાંધો પડયો એ તો ખબર નથી પણ ફિલ્મનું નિર્માણ ઘરનું જ હતું અને જૉય મુકર્જી સુબોધનો સગો ભત્રીજો હોવા ઉપરાંત એક પછી એક સફળ ફિલ્મો આપતો હતો, એટલે 'સાઝ ઔર આવાઝ'માં સાયરાની સાથે જૉયને લીધો.

આ જૉય મુકર્જીનો ફક્ત ગુજરાતે જ નહિ, પૂરા ભારતે ખભો થાબડવો પડે કે, કચ્છના ધરતીકંપ વખતે જૉય તેની પત્ની સાથે પીડિતોની મદદ માટે કોઈ પબ્લિસિટી વિના ઉપડી ગયો હતા અને સાચા અર્થમાં મજૂરની માફક બન્નેએ કોદાળી- પાવડાવાળા કામો કર્યા હતા. પબ્લિસિટી મેળવવાની તો બહુ દૂરની વાત છે... જૉયને તો કોઈ પત્રકાર ઓળખી જતો તો 'પોતે જૉય મુકર્જી નથી' એવું કહીને ટાળી દેતો.

જૉયના નાનાભાઈ શુબિર મુકર્જી અને તેના પત્ની શિવાની અમદાવાદ આવ્યા ત્યારે શિવાનીએ અમને કીધું હતું કે, 'પૂરા મુકર્જી પરિવારમાં મોટા ભાઈ (જૉય મુકર્જી) જેવો ઉમદા સ્વભાવ કોઈનો નથી. એ કદી કોઈની ઉપર ગુસ્સે ન થાય અને બધા એમનો પૂરો આદર કરે.' બાકીના મુકર્જીઓ વિશે બહુ ઊંચા આસનેથી વાત થાય એવું નથી.

જૉય મુકર્જી નસીબદાર હતો કે, ફિલ્મિસ્તાનના માલિક શશધર મુકર્જીના ઘરે જન્મ લીધો અને એટલે જ એની પહેલી જ ફિલ્મ 'હમ હિંદુસ્તાની' ('૬૦) કલરમાં બની હતી, જે ગાળામાં રંગીન ફિલ્મો ભાગ્યે જ બનતી. હજી રાજ કપૂર કે દેવ આનંદે તો પોતાની પહેલી કલર ફિલ્મ જોઈ પણ નહોતી, ત્યારે જૉયને 'ફિર વો હી દિલ લાયા હૂં', 'ઝીદ્દી', 'દૂર કી આવાઝ', 'યે ઝીંદગી કિતની હસીન હૈ' જેવી રંગીન ફિલ્મો મળી હતી, એટલે સુધી કે, આમ બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ, પણ પરદેશમાં શૂટિંગને કારણે અભિનેત્રી સાધનાના પતિ આર. કે. નૈયરે બનાવેલી ફિલ્મ 'આઓ પ્યાર કરે'ના બે રીલ્સ કલરમાં બનાવ્યા હતા.

કાયદેસર તો સાધનાની જેમ જૉયની પહેલી ફિલ્મ 'લવ ઇન સિમલા' હતી, પણ એનાથી પહેલી રીલિઝ થયેલી શશધર મુકર્જીની જ ફિલ્મ 'હમ હિન્દુસ્તાની''માં હીરો સુનિલ દત્ત હતો અને હીરોઇન આશા પારેખ, જૉયની જોડી હેલન સાથે બનાવવામાં આવી હતી.

સાયરા બાનુ એક્ટ્રેસ તો ઉમદા હતી જ, પણ આ ફિલ્મ જોયા પછી એ ક્લાસિકલ- ડાન્સર પણ અદ્ભુત હતી, એ માનવું પડે. નૃત્ય દિગ્દર્શક પી. એલ. રાજ અને તેની આસિસ્ટન્ટ રોશન કુમારીએ સાયરાને ડાન્સનું કૉચિંગ આપ્યું હતું. એની ફિલ્મો જ ઓછી આવી, એટલે હીરોઇન ઉપરાંત ડાન્સર તરીકે એનું મૂલ્યાંકન ઝાઝું થયું નહિ.

આ ફિલ્મમાં એના બેમિસાલ નૃત્યને કૅમેરામાં કંડારવામાં એન.વી. શ્રીનિવાસે બેમિસાલ કેમેરા ફેરવ્યો છે. મહેલના સૅટ બનાવવા અને તે મુજબના હીરોઇન કે ડાન્સરોના પોષાક બનાવવા રમત વાત નથી, પણ આર્ટ-ડાયરેક્ટર શાંતિ દાસે ઊડીને આંખે વળગે એવું સુંદર કામ કર્યું છે.

આજે વૃદ્ધત્વને આરે પહોચી ગઈ હોવા છતાં અમેરિકામાં પોતાની ડાન્સિંગ સ્કૂલ- ચલાવતી 'જ્હોની મેરા નામ'ના 'હુસ્ન કે લાખો રંગ...' ફેઇમ ડાન્સર પદ્મા ખન્ના બહુ કુમળી વયે આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હોવાથી એના નામની આગળ 'કુમારી પદ્મા' લખાયું છે. ફિલ્મ 'પાકિઝા'ના મોટા ભાગના નૃત્યો પદ્માએ કર્યા હતા. મીનાકુમારી બીમાર હોવાથી લોંગ શોટમાં એ બધા નૃત્યો પદ્મા ઉપર ફિલ્માયા હતા. આસિત સેન બહુ બૉર કરતો એક્ટર હતો. એની સાથે લીલા મીશ્રને લીધી છે. સ્નાયુબદ્ધ પર્સનાલિટીવાળો ખલનાયક સિધ્ધુ જૉય મુકર્જીની ઘણી ફિલ્મોમાં સાથે હતો.

જૉયના ભાઇ શુબિર મુકર્જીને સિધ્ધુના અતાપતા વિશે પૂછ્યું તો, એને એટલી જ ખબર હતી કે, સિધ્ધુ ફિલ્મિસ્તાનમાં તૈયાર થયેલો એક્ટર હતો, પણ આજકાલ ક્યાં છે એની જાણ નથી. ફિરોઝ ખાનની ફિલ્મ 'અપરાધ'માં છેલ્લે જોવા મળ્યો હતો. વિલનો કેવા ખૂંખાર લાગવા જોઈએ, એનો સીધો દાખલો સિધ્ધુ હતો. ચરિત્ર અભિનેતા નિરંજન શર્મા ખાનદાની પર્સનાલિટીવાળો એક્ટર હતો. એની સાથે ઑલટાઇમ ગ્રેટ કન્હૈયાલાલ હોય એટલે દ્રષ્યો કેવા જામે !

સંગીતકાર નૌશાદઅલીની કરિયરની શ્રેષ્ઠ ફિલ્મી- સંગીતવાળી કોઈ ફિલ્મ કાઢવી હોય તો 'સાઝ ઔર આવાઝ' પણ હતી. એક એક ગીત એના ટિપીકલ નૌશાદીયન-ટચથી મઢેલું હતું. ખાસ કરીને મુહમ્મદ રફીના ગ્રૅટ ગીતોથી. નવાઈ તો લાગે પણ લતા મૌજુદ હોવા છતાં નૌશાદે સુમન કલ્યાણપુર અને આશા ભોંસલેને હીરોઇન પર ફિલ્માયેલા મધુર ગીતો તો આપ્યા અને એ ગીતો મુલ્ક મશહુર પણ થયા. આઘાતની વાત એ છે કે, ખુદ નૌશાદે આ ફિલ્મમાં પોતાના સંગીતને  કોઈ ખાસ ગણ્યું હોય, એવું વાંચવામાં આવ્યું નથી.

શક્ય છે કે ફિલ્મ એ હદે પિટાઈ ગઈ હતી કે, અમદાવાદના લાઇટ હાઉસ સિનેમામાં ૧૯૬૨માં એ રીલિઝ થઈ અને અમે હજી જોવા જવાનું નક્કી કરીએ ત્યાં તો ઉતરી પણ ગઈ. માની ન શકાય એટલી હદે આ ભંગાર ફિલ્મ હતી.

ફિલ્મ પિટાઈ ગઈ એમાં એના ક્લાસિકલ સંગીતની પણ કોઈએ નોંધ ન લીધી. રાગ પટદીપ પર આધારિત રફીનું ટાઇટલ સોન્ગ, 'સાઝ હો તુમ આવાઝ હૂ મેં, તુમ બીના હો મેં હૂં તાર...' આજે ફિલ્મના ૫૫ વર્ષો પછી ય તરોતાઝા લાગે છે. (રાગ પટદીપ પરના અન્ય ગીતો યાદ કરી જુઓ, 'સચ હુએ સપને તેરે, ઝૂમ લે ઓ મન મેરે' (કાલા બાઝાર) કે 'મેઘા છાયે આધી રાત, બૈરન બન ગઈ નીંદિયા' (શર્મિલી).

નવાઈ તો લાગવાની જ છે કે એક વખત નૌશાદે ઑન રેકોર્ડ કીધું હતું કે, લતા જ સર્વોત્તમ છે. આશાનો અવાજ તવાયફી છે' પોતાનો દાવો સિદ્ધ કરતા હોય એમ નૌશાદે આશા પાસે એમની ફિલ્મોમાં આશા પાસે મોટે ભાગે મુજરાના ગીતો વધુ ગવડાવ્યા છે. જો કે, આ ફિલ્મના બે ગીતો હીરોઇન માટે ગવડાવ્યા છે. ફિલ્મના આસિસ્ટન્ટ સંગીતકાર મુહમ્મદ શફી હતા.

નૌશાદના ચાહકો માનશે તો નહિ પણ આ મુહમ્મદ શફીએ નૌશાદની માંદગીને કારણે ફિલ્મ 'સોહિની- મહિવાલ'નું પૂરું સંગીત આપ્યું હતું. ફિલ્મ 'ગંગા-જમુના'ના બે ગીતો 'ના માનુ ના માનુ રે...' અને 'ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો કાન કા બાલા'ની પૂરી ધૂનો શફીએ બનાવી હતી. ધી ગ્રેટ મુહમ્મદ રફીએ આ મુહમ્મદ શફી માંદગીના બિછાને હતા, ત્યારે એમના ઘેર જઈને ગુપ્ત મદદ (એ  જમાનાના ૧૦ હજાર) કરી હતી, જે શફીએ વિનયપૂર્વક સ્વીકારી નહોતી. મધુર સંગીતમાં બનેલી ફિલ્મો 'બાજુબંદ' અને 'અન્નદાતા'માં સંગીત મુહમ્મદ શફીનું હતું.

નૌશાદે એમના કાયમી ગીતકાર શકીલ બદાયૂનીને છોડીને એમની જ પુરાણી ફિલ્મ 'શાહજહાન' (સાયગલ) અને 'બારાદરી' ('તસ્વીર બનાતા હૂં, તેરી ખૂન-એ-જીગર-સે'- રફી)ના ગીતો લખનાર ખુમાર બારાબંકવીને આ ફિલ્મમાં પાછા યાદ કર્યા છે. ખુમાર મૂળભૂત રીતે અસલી શાયર હતા, એટલે આ ફિલ્મના ગીતોમાં એમણે અન્ય સંગીતકારોની જેમ એકના એક ચવાયેલા 'દિલ, મુહબ્બત, પ્યાર, હુસ્ન, ઇશ્ક' જેવા શબ્દો ભાગ્યે જ લખ્યા છે. અલબત્ત, ગીતોની ગુણવત્તા એમની શાયરી- ગઝલોને અડે એવી મજબૂત તો નથી જ.

No comments: