Search This Blog

02/08/2017

શ્યામ રંગ સમીપે ન જાઉં

આ સ્ટોરી ઈસ્ટ આફ્રિકાના નાયરોબી શહેરની છે. એના બન્ને પાત્રો ગુજરાતી હિંદુ છે.

નામ એનું 'કરૂણ' હતું અને જીંદગી પણ નામ પ્રમાણે ગોઠવાતી જતી હતી. કરૂણાને કાળા રંગ સાથે મહોબ્બત હશે, એટલે કરૂણ મોશાયને એની વાઇફ ચુનીયાની સ્કીનના કાળા રંગ માટે ગુસ્સો અને દયા-બન્ને આવતા. સનમ ભીને વાન નહોતી, કાળી ધબ્બ હતી. ('ભીને વાન' એટલે બહુ કાળી નહિ... લગભગ ઘઉંવર્ણી) અફ કોર્સ, લગ્ન પછીની એ બન્ને વચ્ચેની એકે ય હરકત કે કસરતોમાં માં ચુનીયાનો કાળો રંગ ક્યાંય વચમાં આવતો નહતો.

પણ દુનિયાના તાનાઓ સાંભળીને કરૂણ ઉશ્કેરાઈ જતો હતો. સ્વીકારતો તો એ ય હતો કે, એની ચુનીયા સામાન્ય ભારતીય સ્ટાન્ડર્ડ ઉપરાંત પણ ઘણી શ્યામળી હતી અને એની સરખામણીમાં કરૂણ પોતે સહેજ ગોરો હતો. પોતાની પ્રશંસા તો કોને ન ગમે. લોકો લેવા-દેવા વગરનું બોલે રાખતા, ''સાલી, શું હસબન્ડ-વાઇફની જોડી બની છે ? કરૂણ એકદમ ફેર-સ્કીનનો અને વાઇફ કાળી ધબ્બ !'' કેમ જાણે પોતે બધા રાજ કપૂર જેવી રશિયન સ્કીનવાળા હોય ને એમની વાઇફો દલાઈ લામા જેવી ગોરી ગોરી !

એ તો ભલું હોજો સાહિત્યકારોનું કે, 'કાળા'ને બદલે 'શ્યામ' શબ્દ લઈ આવ્યા. કાળાને બદલે શ્યામ વાપરવાથી રંગમાં ફેર નહોતો પડવાનો, પણ મનને તસલ્લી રહે છે કે, તદ્દન કાળા કરતા શ્યામ ઓછો કાળો અને બોલવામાં ય 'કાળાધબ્બ' કરતા સૂરીલો લાગે. એ વાત જુદી છે કે, કૃષ્ણ 'શ્યામ' એટલા માટે નહોતા કહેવાતા કે એ કાળા હતા, પણ એમનું નામ 'શ્યામ' (પણ) હતું, માટે કાળા લોકો 'શ્યામ'થી ઓળખાવા લાગ્યા.

જગતનો દાખલો, એની... વાઇફ પૈણાવવા ગયો પણ ભારતમાં આ દાખલો ૧૦૦-માં ૮૦-ટકા કપલ્સને લાગુ પડે છે. વાઇફના વાળ ઘુંટણ સુધી લાંબા હોય તો એના ગોરધનનું ટકલું વાવણી પહેલાના ખેતર જેવું હોય. ગોરધન ભીને વાન હોય તો વાઇફ ગોરી હોય. જે છોકરીના વાળ લાંબા હોય, એના ગોરધનને જોયા વિના તમે કહી શકો કે, ''ઈને માથે ગોળ તાસક હશે.'

બીજું એક નિરીક્ષણ તો આ કૉલમમાં અનેકવાર લખાઈ ચૂક્યું છે કે, કાળા લોકોને કપડાં ય કાળા જ પહેરવા બહુ ગમે. તમારા સર્કલમાં આવા કાળીદાસો કે કાળીદાસીઓને યાદ કરી જુઓ... ચોંકી જવાય કે કપડાં પૂરતો જ એમનો ફેવરિટ કલર કાળો હોય. તારી ભલી થાય ચમના અને ચમની... ફિલ્મ એક્ટર કે એકટ્રેસો કપડાં કાળા પહેરે, એની પહેલા ગોરા રંગના બબ્બે કીલોના થપેડાં માર્યા હોય... તું એવું કરવા જઈશ તો લોકોને કાળા રંગ માટે કાયમની નફરત થઈ જશે. કાળાને બદલે તું ઉજળા કપડાં પહેરીશ તો ગેરન્ટી... કે કાળા કપડાંમાં લાગે છે, એવો બિહામણો/ણી નહિ લાગે.

ચુનીયા એની સગ્ગી વાઇફ હતી, એટલે દિવસમાં જ પચ્ચી વખત જોવી તો પડે. રાત્રે એ દેખાતી નહોતી. કરૂણને આ જ વાતનો વસવસો. 'મારા જ ભાગમાં આવો ડામર ક્યાંથી આવ્યો ?'

આમ તો એ સાયન્સ ભણેલો હતો, છતાં ક્યાંક એને ખાત્રી કે શ્યામળી ચુનીયાને ગોરી બનાવી શકાશે. પ્રોબ્લેમ એ હતો કે ચુનીયા પોતાના શ્યામરંગમાં ખુશ હતી. હવે પરણી લીધું છે, એની પૂરી ખાત્રી થયા પછી એને પોતાના કાળા રંગ માટે કોઈ ફરિયાદ નહોતી કે કોઈ ફેરફાર કરાવવો નહતો-ઈવન, થઈ શકતો હોય તો પણ ! ''મારે ક્યાં બીજો કરૂણ શોધવો છે તે મારે ચિંતા ''!

એ રાત્રે કરૂણે પૂરા વાત્સલ્યથી ચુનીયાને પ્રેમાવેશમાં પોતાના હાથમાં જકડી લીધી ને ખૌફમાં ને ખૌફમાં પોતાના હાથે ય તપાસી જોયા કે, ક્યાંક કાળો રંગ તો લાગ્યો નથી ને ? 'ચુનુ... આઈ લવ યૂ. હૉપ... કે તું પણ મને એટલો જ પ્રેમ કરતી હોઈશ. કરે તો છે ને ?'

ચુનીયાને આવા લાગણીવેડાં ગમતા નહિ. જવાબ આપવાને બદલે એણે તીખું પણ તરત મૂર્ઝાઈ જાય એવું સ્માઇલ પોતાના ગોરધનને આપ્યું. એ ટૉપિકની વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પણ હસબન્ડ છે... ચિંતા તો થાય ને ? આવનારૂં બાળક મારા જેવું આવે તો તો વાંધો નહિ, પણ આના કલરનું આવ્યું તો  સંતાન મોટું થશે ત્યારે લગ્નના માર્કેટમાં આવો બીજો શેડ મળશે નહિ.

કરૂણ દોરાધાગાથી માંડીને જ્યોતિષ-ફોતિષમાં માનતો નહોતો, તો ય માનવા માંડયો. એક વાર તો ચાલતો ડાકોરે ય જઈ આવ્યો. કેમે કરીને વાઇફનો કલર બદલાય એમ છે કે નહિ, તેને માટે આ માણસે ગૂગલમાં ય સર્ચ કરી જોઈ કે એમાંથી કાળી વાઇફને ધોળી કરવાનો કોઈ ઉપાય મળી આવે છે ?

એના સાસુ-સસરાને પૂછાય એવું નહોતું. આખું ગોડાઉન ત્યાંથી જ ખાલી થયું હતું. ચુનિયા તો હજી ગોરી લાગે, એવા એના ભાઈ-બહેનોનો ફાલ પેલા બન્નેએ ઉતાર્યો હતો. વાચકોએ એટલું ધારી લેવાનું કે, ખુદ ઉત્પાદકોનો પોતાનો રંગ કેવો હશે ?

લાખ પ્રયત્નો છતાં પરિણામો કરૂણ જ આવતા હતા, એનો કરૂણને વસવસો હતો. એને થયું, એક વાર ચુનીયાની પણ સલાહ લેવી જોઈએ. એણે ભૂલ એ કરી કે, દિવસને બદલે એ રાત્રે ચુનીયા પાસે ગયો. પરમેશ્વરની રંગભેદની નીતિને કારણે, ગાઉન ક્યાંથી શરૂ થાય છે અને ચુનીયા ક્યાં પૂરી થાય છે, એ કરૂણ નક્કી કરી ન શક્યો.

'ચુનુ... મારી ડાર્લિંગ ચુનુ. ડોન્ટ ગેટ મી રોંગ, પણ હું તારી સ્કીન ફેર કરવા માટે દિવસ-રાત ઝઝૂમું છું. સફળતા ય બધી કાળી જ મળે છે. કેન યૂ પ્લીઝ હેલ્પ મી... ?'

''હેલ્પ યૂ વ્હોટ ?''

''આઈ મીન... તારો વાન ઉજળો કરવા તું જ કોઈ મદદ કરી ન શકે ?''

ચુનીયા તો મહિનાઓથી આ બધો ખેલ જોયે રાખતી હતી. એને કરૂણ ઉપર ગુસ્સો નહોતો આવતો... હસવું આવતું હતું. લાગણી એક વાતે જ થતી કે, આખરે તો એને ગોરી બનાવવા માટે એનો વહાલો કરૂણ જ ધમપછાડા કરતો હતો ને ? ચુનીયાએ કરૂણને વાત્સલ્યથી પોતાના ખોળામાં સુવડાવ્યો. એના માથે હાથ ફેરવીને બોલી, ''કરૂ... આઈ મીન, કરૂણ. મને એક વાતનો જવાબ દે... આ તો જસ્ટ પોસિબિલિટીની વાત છે. મારો કાળો રંગ તને ગમતો નથી. પણ હું ગોરી અને તું કાળો હોત તો... ? તો શું, મેં તને અધવચ્ચે છોડી દીધો હોત ?

કાલ ઉઠીને... ઈશ્વર ન કરે અને તારો કોઈ પગ-બગ ભાંગ્યો અને તું જીવનભર ચાલી ન શકે... તો શું મારે તને છોડી દેવાનો ? અને આમ તો મર્યાદાને કારણે મારાથી આવી વાત થાય નહિ... પણ મારા કાળા રંગથી તને શું ફેર પડે છે ? રાત્રે અંધારામાં આપણા બેડરૂમમાં ગયા પછી મને કે તને ગોરા-કાળાની ગરજ ક્યાં પડે છે ?... એન્ડ, સોરી ટૂ આસ્ક યૂ ધીસ... બે મહિનામાં તો આપણું પહેલું બાળક આવશે... એ તારા ઉપર બી જાય ને મારા ઉપર પણ ! એ વખતે તું શું કરીશ...?''

... અને એ વખતે કરૂણ કાંઈ કરી ન શક્યો... બાળક બેમાંથી એકે ય ઉપર ગયું નહોતું. ચુનીયાને હબસી (નીગ્રો) બાળક અવતર્યું હતું !

ઈસ્ટ આફ્રિકાની કમાલ... !

સિક્સર
આઇસ ક્રીમના પેકેટ ઉપર સૂચના લખી હતી : આઇસ ક્રીમને ખુલ્લા સૂર્યપ્રકાશમાં ન રાખવો.

No comments: