Search This Blog

21/08/2017

ઍનકાઉન્ટર : 20-08-2017

* તમને કોઈ ગુરૂ બનાવે તો શિષ્ય પાસેથી ગુરૂદક્ષિણા શું માંગો ?
- 'હવે પછી કોઈને ગુરૂ બનાવતો નહિ !'
(
રક્ષિત ઉષાકર વોરા, ગાંધીનગર)

* બધાને સલાહ આપવી ગમે છે... લેવી નહિ.. આમ કેમ ?
- એ આપણા દેશની સંસ્કૃતિ છે. આપવું ખરૂં. લેવું નહિ.
(
હાજી ભાઈસાહેબ 'અલવી', વડોદરા)

* મહાભારતમાં આવતી 'ઐક્ષણી સેનાએટલે કેવી સેના ?
- જે ભાગીને બૅંંગ્લોર ભેગી થઈ ગઈ હોય !
(
પ્રવિણ પંડયા, પત્રી- મુંદ્રા)

* દેવોના પુષ્પક વિમાનને પેટ્રોલ પમ્પ ક્યાં મળતા હતા ?
- રાધનપુરમાં
(
હર્ષદ એ.સોલંકી, રાધનપુર)

* શું ખાઈને ઍન્કાઉન્ટરના જવાબો આપો છો ?
- જે ખાઈને તમે સવાલ પૂછો છો.
(
વ્રજબાળા એચ.પટેલ, ગાંધીનગર)

* દરેક છાપામાં 'બેસણાં' કરતાં 'શ્રધ્ધાંજલિ'ની જાહેર ખબરનો ભાવ કેમ વધુ હોય છે ?
- બેસણું તો લાઈફમાં એક જ વખત આવે...
(
રસીલા ડી.શાહ, અમદાવાદ)

* કલીયુગમાં નિર્દોષ દંડાય છે ને દોષિતો લીલાલહેર કરે છે... આવું કેમ ?
- લાલુપ્રસાદના વિચારો ય આવા જ છે.
(
ભાનુપ્રસાદ સોની, અમદાવાદ)

* જૂના અને નવા ગીતો વચ્ચે કયો તફાવત ?
- ગીત સાંભળ્યા પછી પૂછવું ન પડે કે આ નવું હતું કે જૂનું... તો એ જૂનું સમજવું.
(
મયંક આચાર્ય, જામનગર)

* કોઈ તમારા વખાણ કરે ત્યારે કેવું લાગે છે ?
- કરો તો ખબર પડે.
(
શ્રીમતી ખુશ્બૂ જોબનપુત્રા, જૂનાગઢ)

* ઘણા હાસ્યલેખકો એમના ઘરે જનારાને પોતાનું પુસ્તક ભેટ આપે છે... તમારે કેમનું છે ?
- આવનારો કઈ ભેટ લેતો આવ્યો છે, એના ઉપર આધાર !
(
રિષીત શાહ, અમદાવાદ)

* જીએસટી વિશે શું માનો છો ?
- ટૅક્સો વિશે કાંઈ માની શકાતું નથી... ભરવાના હોય છે.
(
કિરીટ મજીઠીઆ, વડોદરા)

* મુહમ્મદ રફી બીજા ક્યારે ?
- તમને સાંભળી લીધા પછી નિર્ણય લેવાય.
(
ઇન્દ્રવદન અંતાણી, ગાંધીનગર)

* ભાજપ કોઈ દૂધે ધોયેલો પક્ષ નથી અને કૉંગ્રેસ એટલો ખરાબે ય નથી. તો પછી કૉંગ્રેસ માટે તમારો પૂર્વગ્રહ શા માટે ?
- મેં તો ભાજપના ય કોઈ દિવસ વખાણ કર્યા નથી.
(
મનજીભાઈ ગોહિલ, બોટાદ)

* અદાલતોના પૅન્ડિંગ કૅસો સદીઓ પાર વટાવી જાય છે...એનું શું કારણ ?
- કૅસો જેટલા લાંબા ચાલે, એટલો ડૉક્ટરો અને વકીલોને ફાયદો.
(
મધુસુદન જોશી, અંજાર)

* પત્નીને અર્ધાંગિની કેમ કહેવામાં આવે છે ?
- તમારામાં પત્નીઓના નામ ન હોય ?
(
કિશોર રામદેવપુત્રમ, બોટાદ)

* તમારા પછી 'ઍનકાઉન્ટર' કોણ લખશે ?
- જે તમારા પછી વાંચનારો હોય એ.
(
પ્રતાપભાઈ ઠાકોર, ખેરટી)

* 'પતિ પરમેશ્વર' અને 'સ્ત્રી શક્તિ' છે... વિરોધાભાસ નથી લાગતો ?
- આ બન્નેમાં તમે ઢીલા ક્યાં પડયા ?
(
ટી.એસ.પરમાર, આણંદ)

* શું જીંદગી આજકાલ સસ્તી થઈ ગઈ છે ?
- આમાં ભાવતાલ કરવાનો ન હોય.
(
દિલીપ વોરા, અમદાવાદ)

* તમે અમદાવાદમાં અવારનવાર ભૂલા કેમ પડી જાઓ છો ?
- રસ્તા પરના જે ખાડા- ટેકરાઓને લેન્ડમાર્ક ધાર્યા હોય, એ બીજી વાર જઈએ ત્યારે મોટા થઈ ગયા હોય !
(
પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* ગુજરાતના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ આવે તો ?
- હશે હવે... જે થવાનું હતું તે થઈ ગયું !
(
રાજેશ જે. મંગી, જામનગર)

* ભિખારીઓને ભીખ અપાય ?
- તો બીજા કોને અપાય ?
(
હાજી યુનુસ આહમદ દલાલ, મુંબઈ)

* હવે અમારા શહેરની અનેક સંસ્થાઓ તેમના હરએક કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ફરજીયાત ગવડાવે છે.
- સમય આવવાનો છે કે, પૂરા પાકિસ્તાનમાં ય આપણું રાષ્ટ્રગીત ગવાતું હશે.
(
સ્વીકૃતી કે. પટેલ, વડોદરા)

* હવે હું પણ માથામાં ખચાખચ તેલ નાંખેલી સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો નથી. સુઉં કિયો છો ?
- યૂ મીન... તમારે ઇ.સ. ૧૯૭૦ પછીનું મૉડલ જોઈએ છે !
(
જ્વલંત કેદાર ભટ્ટ, સુરત)

* સાંભળ્યું છે, તમે ખૂબ મોડી રાત સુધી જાગો છો ?
- 'તુમ મેરે ખ્વાબોં મેં પાયલ ઉતાર કે આયા કરો,
રાત ભર યહાં પૂરા મોહલ્લા જગા રહેતા હૈ..!
(
મનોજ શ્યામ રાવલ, રાજકોટ)

* હવેના યુવાશાયરો તદ્દન તોફાની રદીફ લઈ આવે છે, ઍશ કરાવે છે... સુઉં કિયો છો ?
- તારા વિશે વિચારવાનું તો રોજનું થયું
  ખુદનું ગળું દબાવવું તો રોજનું થયું
  તારૂં કશુંક આપવું તહેવાર જેવું છે  
  મારૂં બધું જ માંગવું તો રોજનું થયું
  (કવિ ભાવેશ ભટ્ટ)
(કુંજન જે.પટેલ, મહેસાણા)

No comments: