Search This Blog

01/10/2017

ઍનકાઉન્ટર : 01-10-2017

* તમે 'ફેસબુક' પર છો?
- ના. ફક્ત ચેકબુક ઉપર છું.
(
કોમલ ભટ્ટ, ગાંધીનગર)

* કાશ્મીરના પથ્થરબાજોને નાથવા શું કરવું જોઈએ?
- કમનસીબે, સરકાર પાસે ય આનો તો કોઈ જવાબ નથી.
(
કવિતા સંજય અંધારીયા, ભાવનગર)

* ૧૦૦- માંથી ૮૦- બેઈમાન, છતાં ભારત મહાન કેમ?
- ૧૦૦- માંથી ૮૦ સારા માણસો છે, એટલે.
(
ધાર્મિક ગોકાણી, પોરબંદર)

* જીવનમાં કેટલાક લોકો કદી ય મળતા નથી, છતાં રોજ યાદ આવે છે...
- એટલે જ કહું છું, કોઈને ઉધાર આપવું નહિ.
(
હિતેન મોદી, પ્રાંતિજ)

* મારે લગ્ન કરવાં છે, કરાય કે ન કરાય?
- જસદણ આખું ખાલી થઈ ગયું લાગે છે.
(
કોળી જયસુખ સરીયા, જસદણ)

* ગુજરાત વ્યસનમુક્ત ક્યારે થશે?
- પહેલાં શૌચમુક્ત તો થવા દો... આઇ મીન, શૌચવાળું કામ તો પતવા દો.
(
ચેતન ગોહેલ, બોટાદ)

* 'ઍનકાઉન્ટર'માં જવાબો આપવાનો કંટાળો નથી આવતો?
- એ કંટાળાના સારા પૈસા મળે છે.
(
શ્વેતા કૃણાલ દેસાઈ, વલસાડ)

* સાધુ રાજકારણમાં જોડાયા પછી સંત કહેવાય કે નેતા?
- ભારતના અનેક રાજકીય સાધુઓનો ઈતિહાસ ખરડાયેલો છે.
(
રાજેન્દ્ર મનજી પઢારીયા, ડૉમ્બિવલી)

* તલત મહેમુદ પછી મખમલી અવાજ કોઈનો આવ્યો?
- જરૂર શું છે?
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* તમારી 'બાયોપિક' બને તો કેવું લાગે?
- બને ય ખરી, હોં!
(
રાકેશ પટેલ, સુરત)

* આજકાલ સવાલોની સંખ્યા બહુ વધી ગઈ નથી લાગતી?
- બીજા શેની સંખ્યા વધારવી છે?
(
હમ્ઝા મકવાણા, ભાવનગર)

* ધરમની ગાયના દાંત ન જોવાય તો શું જોવાય?
- ધરમની 'હેમા'ને!
(
શ્રીમતી કાજલ પુનિત ભટ્ટ, જૂનાગઢ)

* ભગવાનની ભક્તિ કેવળ સ્વાર્થ અને ડરને કારણે જ થાય છે ને?
- ભક્તિ એ ભક્તિ છે... ચાહે કોઈ પણ કારણથી થતી હોય.
(
દીપક એમ. પંડયા, નવસારી)

* હું તો ગરમીમાં ચાદર ભીની કરી, ઉપર પંખો ચાલુ કરીને સૂઉં છું... તમે?
- કોઈનાં સૂતા પછીનાં રહસ્યો ન પુછાય!
(
રહીમ મલકાણી, ભાવનગર)

* મૅક્સિમમ કેટલા સવાલો પૂછી શકાય?
- મહિને એક જ સવાલ પૂછવો જોઈએ.
(
કુંજન જોશી, અમદાવાદ)

* હાલનો ટ્રાફિક જોઈને એમ થાય છે કે, ભલ્લાલદેવનો રથ લઈને રોડ ઉપર નીકળવું જોઈએ...
- યૂ મીન... નેતાઓની ગાડીઓ કરતાં ય એ રથ ચઢે?
(
હાર્દિક ડબગર, મેહસાણા)

* કાયમ સુખી રહેવા શું કરું?
- સુખની તો ખબર નથી, પણ કાયમ સંતોષી રહેવું હોય તો મા- બાપને પ્રેમ કરો.
(
નીલેશ શાહ, મુંબઈ)

* તમે દીવ કોઈ શરાબીઓ સાથે ગયા છો?
- મારી સાથે દીવ ઘણા આવે છે.
(
યશ વ્યાસ, જૂનાગઢ)

* સાસરે જતી પત્ની રડે છે કેમ?
- બારણામાં આંગળી ભરાઈ ગઈ હોય...
(
ડેનિસ નાકરાણી, જૂનાગઢ)

* તમે 'બુધવારની બપોરે' કોની મદદથી લખો છો?
- માના આશીર્વાદથી.
(
ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

* તમે વડાપ્રધાન બનો તો પહેલું કામ કયું કરો?
- અડધી બાંયના બે- ત્રણ હજાર ઝભ્ભા સિવડાવી લઉં.
(
યોગેશ મસોત, મોરબી)

* આપણા મુખ્યમંત્રી મ્યુનિસિપાલિટી ક્યાં દરોડા પાડે તો વિશ્વપ્રસિધ્ધ થઈ જાય?
- મુખ્યમંત્રી રહે છે, એ વિસ્તારના રસ્તાઓ ઉપર ખાડા- ટેકરા થઈ જાય, એવું કાંઈ શુભ શુભ બોલો!
(
ચિરાગ સુએરા, મેઘરજ)

* વટસાવિત્રીમાં પત્નીઓએ દોરા ક્યાં વીંટવા જોઈએ? વડને કે વરને?
- વો વાઈફ હી ક્યા... જો અપને ગોરધન કો બાંધ કે રખ ન સકે?
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* આ વખતે ડિમ્પલ કાપડિયાને બર્થ- ડે ગિફ્ટ શું આપી?
- અમારામાં કહેવાય નહિ!
(
મનોજ પંચાલ, મુંબઇ) અને (સ્મિત આચાર્ય, અમદાવાદ)

* કપિલ શર્માનો શૉ તમને કેવો લાગે છે?
- ખૂબ ગમે છે. બસ, પુરુષો સ્ત્રીનાં કપડાં પહેરીને આવે તે કઢંગું લાગે છે.
(
અંકિતા કાનાણી, ધ્રોળ)

* આપણો દેશ પ્રજાસત્તાક હોવા છતાં હજી વિકાસશીલ જ કેમ છે?
- આપણી આજુબાજુના બધા અવિકસિત દેશોને સંભાળવાના છે, માટે.
(
ધ્રૂવિત ચાવડા, જૂનાગઢ)

No comments: