Search This Blog

15/10/2017

ઍનકાઉન્ટર : 15-10-2017

* તમને નાના બાળકો ગમે ?
- મને તો રાહુલ પણ ગમે છે.
(
ધ્રૂવા જયકુમાર બારોટ, વડોદરા)

*
સ્ત્રીને ઘરનું આભૂષણ કહેવાય છે, તો પુરૂષને ?
-
આભૂષણનું કારણ.
(
મનોજ ત્રિવેદી, વલસાડ)

*
મારી પત્ની રોજ મને ધંધા ઉપર જવા માટે ધક્કા મારીને ઘરની બહાર કાઢે છે, તો મારે શું કરવું ?
- હવે તમારે કાંઈ કરવાનું નથી. જે કાંઈ કરવાનું હશે, તે ગુજરાતભરની વાઇફો પોતાના ભાગે આવેલા ગોરધન માટે કરશે.
(
પ્રવિણ પી. સોનપાલ, સુરત)

*
પોસ્ટકાર્ડ શરૂ કર્યા પછી કેવું લાગે છે ?
- (
૧) સવાલ પૂરા નામ-સરનામા, ફોન નં. સાથે ફક્ત પોસ્ટકાર્ડમાં જ પૂછાવવો જોઇએ (૨) કવર કે અંતર્દેશીય પત્રો અહીં ખોલવામાં જ આવતા નથી. (૩) વધુ પડતો વિવેક-વિનય બતાવવાની જરૂર નથી. 'માત્ર સવાલ' લખેલો હોવો જોઇએ. સવાલ-નામ-સરનામા સિવાયનું વધારાનું કાંઈપણ પોસ્ટકાર્ડમાં લખ્યું હશે તો તમારો સવાલ રદબાતલ થશે જ. પછી પૂછપરછનો અર્થ નથી કે 'અમારા સવાલો કેમ કદી લેતા નથી ?' (૪) કુટુંબના જુદા જુદા સભ્યોના નામો લખીને ઘરની એક જ વ્યક્તિઓ અનેક પોસ્ટકાર્ડસ લખે છે, તેની ખબર અહીં પડે છે. મહિને એક જ પોસ્ટ-કાર્ડ લખવું જોઇએ.
(
મોના સુરેશ અધ્યારૂ, સુરત)

*
અખિલેશ યાદવ કહે છે, ગુજરાતના જવાનો શહિદ નથી થતા...
-
ગુજરાતના જવાનો ઉ.પ્ર.ના મવાલીઓને શહીદ કરે છે.
(
જ્યોત્સના હિંડોચા, રાણાવાવ)

*
સ્ત્રીને શક્તિ કહેવાય છે, તો પુરૂષને શું કહેવાય ?
-
આવું બધું તમે કહેતા હશો... અમે તો સ્ત્રીને સ્ત્રી જ કહીએ છીએ.
(
શૈલેષ બામણીયા, વીરપુર)

*
તમે સ્વચ્છ ભારતમાં માનો છો ?
-
હું બધા પ્રકારના ભારતમાં માનું છું.
(
દિલીપ વોરા, અમદાવાદ)

*
તમને હિંદી ફિલ્મોના 'ઍનસાયક્લોપીડિયા' કહી શકાય ?
-
કહી દો ત્યારે...! સાચું કોણ જોવા આવવાનું છે !!
(
કિરણ એસ. પારેખ, પાલઘર)

*
તમે લખ્યું હતું તેમ, આંધ્ર પ્રદેશના એક નાનકડા ગામમાં રોજ સવારે ૧૬ લાઉડ-સ્પીકરો ઉપર પૂરા ગામમાં રાષ્ટ્રગીત વાગે, ત્યારે આખુ ગામ સન્માનપૂર્વક ઊભું રહી જાય છે. આવી રાષ્ટ્રભક્તિ આખા દેશમાં કરી ન શકાય ?
-
છાપું ખોલો. આજના જે કોઈ સ્થાનિક કે સંગીત કે અન્ય કાર્યક્રમો હોય ત્યાં આયોજકોને ફોન કરીને જણાવી દો કે, તમારો કાર્યક્રમ રાષ્ટ્રગીત ગવાયા પછી જ શરૂ કરશો... અને એમ નહિ કરો, તો અમને વાંધો નથી. દેશ કેવળ અમારો નથી.
(
ટી.વી.બારીઆ, વડોદરા)

*
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસે ૧૨૫ સીટો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે...
-
ભાજપ સિવાય બોલવાનો એક પણ મુદ્દો હોય તો ભલે ને તમામે તમામ સીટો લઇ જાય !
(
મીના નાણાવટી, રાજકોટ)

*
હાસ્યલેખકોના વસીયતનામાનો મુખ્ય મુદ્દો શું હોય ?
-
આ વસીયતનામું તૈયાર કરવાની વકીલની ફી કોણ આપશે !
(
વિભા પી. શાહ, અમદાવાદ)

* '
પિઘલા હૈ સોના, દૂર ગગન પે, ફૈલ રહે હૈં શામ કે સાયે...' ગીત વિશે શું માનો છો ?
- '
ગો ઇસ્ટ ઓર વેસ્ટ, સાહિર લુધિયાનવી વૉઝ ધ બેસ્ટ'
(
મયંક આચાર્ય, જામનગર)

*
કોલેજીયનો હજી પ્રેમપત્રો લખે છે ?
-
હવે 'વોટ્સઍપ' કાફી છે.
(
અરૂણ એમ.જેબર, વેરાવળ)

*
અન્ય કોઈ દેશ પોતાના દેશને 'માતા' કહેતો સાંભળ્યો નથી... ભારતમાં જ દેશને માતા કેમ કહેવામાં આવે છે ?
-
આ જ બતાવે છે કે, જે માતાનું આપણે દૂધ પીધું હોય છે, એને માટેની વફાદારી મૃત્યુપર્યંત રાખીએ છીએ.
(
ડી.ડી.સોની, હાલોલ)

*
તમે પાકા શિવભક્ત છો. તો તમારા ઘરમાં દબદબો શિવજીનો કે પાર્વતીજીનો ?
-
શ્રી ગણેશજીનો
(
મણીબેન પટેલ, ઊંટડી, વલસાડ)

*
શ્રીકૃષ્ણ જન્મ અને શ્રીરાહુલ જન્મ વચ્ચે શું તફાવત ?
-
બંને પોતાની મમ્મીઓના લાડકા હતા.
(
ગીરિશ માલીવાડ, વડોદરા)

*
સંતાનના નામ પછી પિતાનું નામ લખાય છે, માતાનું કેમ નહિ ?
-
પિતાનું નામ ભૂંસાવા પાત્ર છે, માતાનું કદી નહિ.
(
ટી.એસ.પરમાર, આણંદ)

*
ગુજરાતના હાલના મુખ્યમંત્રી મોદીની સ્ટાઇલ અપનાવી રહ્યા છે...સુઉં કિયો છો?
-
હા, પણ ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે, એ વાતની પ્રજાને ખબર પાડવાની હજી એમને જરૂર લાગતી નથી !
(
મણીલાલ પારેખ, રાજકોટ)

*
દુષ્ટોના સંહાર માટે દેવોને વારંવાર જન્મ લેવો પડતો હોવા છતાં દુષ્ટતા શાશ્વત કેમ રહી છે ?
-
આવા ધાર્મિક જવાબો આપી આપીને મને લાગે છે, ધીમે ધીમે હું ફાધર વાલેસ બની જઈશ !
(
લિન્યસ પેલમોર, અમદાવાદ)

*
સંતોમહંતો બધી પ્રતિજ્ઞા લેવડાવે છે, લાંચ ન લેવાની પ્રતિજ્ઞાા કેમ નહિ ?
-
એ લોકો ખોટું કરાવવામાં કદી માનતા નથી.
(
પ્રેરણા ડી. સુમેસરા, વિરમગામ)

No comments: