Search This Blog

05/10/2017

ફિલ્મ 'ન્યુટન' જોવા જેવી ખરી?

હાસ્યસાહિત્યમાં ઑલમોસ્ટ દરેક હાસ્યલેખક પ્રયત્નો કરી કરીને વાચકોને હસાવવાના વલખા મારતો હોય છે. પણ સ્વયં, એમના જ શબ્દોમાં કહીએ તો 'આયાસ' વગર સર્જેલું હાસ્ય શ્રેષ્ઠ (અથવા તો એ જ સાચું હાસ્ય) છે.

દુનિયાભરના હાસ્યલેખકો પૂરી કરિયરમાં માંડ ૮-૧૦ હાસ્યલેખો આયાસ વગરનું હાસ્ય ઉપજાવીને લખી શકે છે. અર્થાત્, હાસ્યને ઊભું કરવું પડે છે, પણ જ્યાં લેખકે એવો કોઈ સભાન પ્રયત્ન ન કર્યો હોય છતાં, વાચકોને ધોધમાર તો ઠીક, સ્માઇલીયું હસવું ય આવી જાય તો એને 'આયાસ વિનાનું' (અને ઉત્તમ) હાસ્ય કહેવાયું છે.

ચાર્લી ચેપ્લિન કે (હજી હમણાં ગૂજરી ગયેલા) જૅરી લુઇસને પણ સભાનતાપૂર્વક ઊભા કરેલા હાસ્યનો સહારો લેવો પડયો છે. ઈંગ્લિશ હાસ્યલેખકો માર્ક ટ્વેઈન, પી.જી. વૂડહાઉસ, જેરોમ કે. જેરોમ કે આર્ટ બુકવૉલ્ડ પણ આયાસ વિનાનાં હાસ્યની વાર્તા કે લેખો જવલ્લે જ લખી શક્યા છે...

ત્યારે હમણાં આવેલી નવી હિંદી ફિલ્મ 'ન્યુટન' પહેલેથી છેલ્લે સુધી આયાસ વિનાના હાસ્યની ઉત્તમ ફિલ્મ છે. આવા નિર્દોષ છતાં મનોરંજક હાસ્યની આ બ્લૅક-કૉમેડી કોઈ પણ કક્ષાના પ્રેક્ષકે બેશક જોવા જેવી છે.

કબુલ કરવું પડે કે, આપણા જમાનામાં રાજ કપૂર કે દિલીપ કુમારની પ્રેમલા-પ્રેમલીની ફિલ્મો આવતી હતી, એના કરતા આજકાલની હિંદી ફિલ્મોનું સ્ટાન્ડર્ડ ઘણું ઊંચુ આવ્યું છે. પ્યાર-મુહબ્બત સિવાય પણ આગળ એક દુનિયા છે, એનું ભાન અક્ષય કુમારની 'બેબી, હૉલીડે, એરલિફ્ટ, રૂસ્તમ, અજય દેવગણની દ્રશ્યમ, આમિર ખાનની 'દંગલ', અમિતાભ બચ્ચનની 'સરકાર', સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' કે રાણા દગુબાટીની 'ધી ગાઝી એટેક' જેવી ફિલ્મોમાં એ જમાનાની ફિલ્મો કરતા તો ઘણું બધું 'માય ગ્ગૉઓઓ...ડ' આવ્યું અને એમાં ય, હમણા આવેલી રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યુટને' તો આપણે આજ સુધી જોયેલી સર્વોત્તમ દસ ફિલ્મોમાં ય ખૂબ આગળનું સ્થાન મેળવ્યું છે.

ઇંગ્લિશવાળા આ ફિલ્મ 'ન્યુટન'ને બ્લેક-કૉમેડી કહે છે, પણ એ બ્લેક હોય કે વ્હાઇટ... એક વાત ક્લિયર છે, અમે આટલા વર્ષોથી હ્યૂમરની જખ મારીએ છીએ, પણ આટલા ઊંચા ગજાની કૉમેડી હજી સુધી ભાગ્યે જ કોઇ ફિલ્મમાં જોવા મળી છે. હેડકી ઊપડે એવી વાત છે કે, આ ફિલ્મ કૉમેડી ફિલ્મ છે જ નહિ... પૂરી સીરિયસ ફિલ્મ હોવા છતાં, માત્ર ૧૦૬-મિનિટની આ ફિલ્મમાં ૧૧૨-વખત ખડખડાટ હસવું આવે છે અને તે પણ ઊંચી કક્ષાનું હ્યૂમર... એક દાખલો : ફિલ્મમાં આ તો કોઈ હીરોઇન-બીરોઇન છે નહિ, પણ એની ફીમેલ-લીડ (અંજલિ પાટીલ) આપણે ય સાચી આદિવાસી-સ્ત્રી માની જઇએ એવી ધારદાર એક્ટ્રેસ નીકળી. એને હીરો પૂછે છે, ''તું નિરાશાવાદી છું?'' જવાબમાં પેલી કહે છે : ''ના, આદિવાસી છું.''

ફિલ્મનું નામ 'ન્યુટન' વાંચીને કોકને એમ થાય કે મહાન વૈજ્ઞાાનિક સર આઇઝેક ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમ ઉપર આધારિત કોઈ ફિલ્મ હશે, પણ ન્યુટન તો આપણા હીરો (રાજકુમાર રાવ)નું નામ છે.

ઘેરથી તો એનું નામ 'નૂતન કુમાર' પાડયું હતું, પણ 'નૂતન કુમાર' જરા છોકરી જેવું લાગે, એવું એને લાગવાથી પોતે જ નામમાં નાનકડો ફેરફાર કરીને 'ન્યુટન' કરી નાંખે છે... ને તો ય, લોકો તો એને 'ન્યુટન કુમાર'ના નામે જ બોલાવે છે. એના આસિસ્ટન્ટ કારકુનના કિરદારમાં બહુ મજેલા એક્ટર રઘુવીર યાદવને પણ સંવાદ લેખકકે ૩-૪ હિલેરિયસ કટો આપી છે. રઘુવીર સારો ગાયક પણ છે, એ તો અગાઉથી ઘણી ફિલ્મોમાં જોયું સાંભળ્યું છે. અહીં તો ફિલ્મમાં કહેવાતું ગીત એક જ છે, જે બે વાર ગવાયું છે, એમાં એકમાં રઘુવીરનો અવાજ છે.

ફિલ્મની મઝા તો ત્યાં છે કે, દિગ્દર્શકે ફિલ્મના એકે ય દ્રષ્યમાં પ્રેક્ષકોને 'હસાવવાનો' નાનકડો પ્રયત્ન પણ કર્યો નથી છતાં સ્વયંભૂ ''દરેક દ્રષ્યે'' તમને ધોધમાર હસવું આવતું જાય અને એ ખડખડવાનો આપણો અવાજ હજી પૂરો થયો ન હોય, તે તાબડતોબ દાબી દઇને આવનારા બીજા દ્રષ્ય માટે ચૂપ અને તૈયાર થઈ જવું પડે, કારણ કે, બીજા દ્રષ્યમાં એનાથી ય વધુ હસવું આવવાનું છે!

એ વાત જુદી છે કે, ફિલ્મમાં તો એ લોકોએ કૉમેડી સર્જવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી, છતાં હ્યૂમર 'સમજવાની' તમારી સજ્જતા તો જોઇએ! જેમ કે, ફિલ્મના પ્રારંભમાં જ ભારતભરનો આજનો સર્વોત્તમ કૉમેડિયન સંજય મીશ્રા ઈલેક્શન-ડયુટી પર જનારા સરકારી કર્મચારીઓને જે સ્વાભાવિકતાથી ભાષણ આપે છે અને 'સમજાવે છે', તે સીચ્યૂએશન-કૉમેડી ધ્યાનથી જોવા-સમજવા જેવી છે.

તમે ફિલ્મ જોવાના જ છો, એટલે હ્યૂમરના ટુકડાઓ અહીં લખવા નથી, પણ ધી ગ્રેટ સુનિલ ગાવસકર આ સંજય મીશ્રાથી એટલો પ્રભાવિત હતો કે, વિદેશની એક ટેસ્ટ-સીરિઝમાં એણે સંજયને અન્ય ક્રિકેટરોના કૉમિક ઈન્ટર્વ્યૂ લેવા બોલાવ્યો હતો અને એ કૉમેડીએ ધૂમ મચાવી હતી.

'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'ના બન્ને ભાગ અને 'અગ્નિપથ'માં ચમકેલા ઍક્ટર પંકજ ત્રિપાઠીને આ ફિલ્મમાં જોવો લહાવો છે. સીક્યોરિટી ફૉર્સીઝના ચીફ તરીકે એ ઓછું બોલીને ઘણું મોટું કામ કરી ગયો છે.

ફિલ્મનો હીરો થોડો બાઘા જેવો લાગે, પણ છે નહિ. છત્તીસગઢના દૂરદરાઝ જંગલોના આદિવાસીઓ પાસે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન કરાવવા એ જાનના જોખમે જાય છે, જ્યાં પલભરમાં છાતી ચીરી નાંખતા નક્સલ આતંકવાદીઓના ખૌફ છતાં હીરો 'ન્યુટન' પ્રીસાઇડિંગ-ઑફિસર તરીકેના એના ૩-૪ કારકૂનો સાથે જાય છે. નક્સલીઓ સામે રક્ષણ માટે સરકાર તરફથી એને સીક્યોરિટી દળોની 'કહેવાતી' હેલ્પ મળે છે, જેનો ચીફ એને ખાસ કોઇ સપોર્ટ એટલા માટે નથી કરતો કે, એ જાણે છે કે, ફક્ત ૭૬-આદિવાસીઓના મતદાન માટે આવો જાન જોખમમાં મૂકવાનો ન હોય અને પાછો એ ચીફ (પંકજ ત્રિપાઠી) પ્રેક્ટિકલ પણ છે.

આ બધી લમણાફોડ વચ્ચે વિદેશી પત્રકાર છોકરી 'આવા' મતદાનનો રીપોર્ટ લેવા એની ટીમ સાથે આવવાની હોય છે, એટલે 'સરકારી સૂચના મુજબ' બધું વ્યવસ્થિત ગોઠવાવું જોઈએ. આપણો હીરો તો એવી કોઇ સરકારી સૂચના ન પણ હોય, તો ય પોતાની ડયૂટી માટે સખ્ત ધોરણે પ્રામાણિક છે. છેલ્લે થોડી ડ્રામાબાજી પછી ફિલ્મ તો ચલાવી હોય તો 'અમે બેસી રહેત...' એવો હબક ખાઈ જાય છે.

ફિલ્મ તો તમને ગમવાની અને અમારો ઉત્સાહ ખોટો પડે તો ય, સ્વપ્નિલ સોનવણેએ છત્તિસગઢના અંતરીયાળ જંગલોની જે ફોટોગ્રાફી કરી છે, તે નેશનલ જ્યોગ્રાફિકથી કમ નથી. આંખને ઠંડક આપે ને ક્યારેક બીવડાવી દે, એવી જંગલની નીરવ શાંતિ સ્વપ્નિલે કેમેરામાં આબાદ કંડારી છે.

એક ભારતીય તરીકે આપણે એ મનોકામના રાખી શકીએ કે હૉલીવૂડના ઓસ્કાર એવોર્ડ્સ માટે નૉમિનેટ થયેલી આ ફિલ્મ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ય ભારતનો ડંકો વગાડે અને વગાડશે જ, એની શંકા આ ફિલ્મ જોયા પછી નહિ રહે.

...અને બીજા શહેરોની તો ખબર નથી, પણ ગુજરાતીઓ માટે અભિમાન થાય, એ વાત હવે કોઇપણ થીયેટરમાં ફિલ્મ પહેલા પરદા પર દર્શાવાતા 'રાષ્ટ્રગીત'ને અપાતા સન્માનની છે. કેવું અભિમાન થાય કે, હવે કોઇને કહેવું પડતું નથી કે, રાષ્ટ્રગીત વખતે દરેક ભારતીય અદબપૂર્વક ઊભા થઈ જવું જોઈએ. અમદાવાદના સિનેમાઘરોમાં તો રાષ્ટ્રગીત ગવાઈ ગયા પછી બુલંદ અવાજે પ્રેક્ષકો 'ભારત માતા કી જય' બોલે છે.

કંઇક અકળાવનારું અને આંખ ઉઘાડનારું પણ એક થીયેટરમાં જોવા મળ્યું. એક-બે પ્રેક્ષકો પૂરા રાષ્ટ્રગીત દરમ્યાન ઊભા જ ન થયા, ત્યારે સિનેમા જોવા બેઠેલા જ કોક પ્રેક્ષકે બારોબાર મોબાઇલથી પોલીસને ફોન કરી દીધો... પછી પેલા બે જણાનું શું થયું, એ તો જાણવા ન મળ્યું પણ અમદાવાદના પ્રેક્ષકો કેવી દેશદાઝ ધરાવે છે, એનો આ માત્ર નમૂનો છે.

જયહિંદ.

સિક્સર

પહેલા તો આવતા-જતા વાહનોની નંબર પ્લેટોના છેલ્લા આંકડા ઉપર જુગાર રમાતો... હવે અમદાવાદના જાહેર રસ્તાઓ ઉપર વરસાદથી પડી ગયેલા જીવલેણ ખાડાઓ રીપેર(!) થઈ ગયા પછી કેટલી મિનિટોમાં અગાઉ કરતા મોટા ખાડાઓ સાથે બહાર આવે છે, એની ઉપર શરતો લાગે છે... ૨૦-૨૫ ને બદલે ૩-૪ મિનિટની શરત લગાવનાર પહેલો જીતી જાય છે.

2 comments:

Mitul said...

Amto kevu na joye.. pan amari society na jagruk nagrikoye a vakhte navratri ma ek divas des na sahido ne sradhanjali no karyakram rakhyo to ane bau sukses gayo... Prathna exotica new naroda.. vadilo pela virodh karta ke mataji na garba ma biju kai nai.. pan a change pachi ame next navratri ma roj rashtra git nu ayojan karvanu vichariye chhiye.. ane badha sahkar pan ape chhd

Ashok Dave said...

MARA PRANAAM AAP SAHU NE.
JAI HIND.
-Ashok Dave