Search This Blog

06/10/2017

'ધર્માત્મા' ('૭૫)

ફિલ્મ: 'ધર્માત્મા' ('૭૫)
નિર્માતા- દિગ્દર્શક : ફીરોઝખાન
સંગીતકાર    : કલ્યાણજી- આણંદજી
ગીતકાર    : ઇન્દિવર
રનિંગ ટાઇમ : ૧૯ રીલ્સ : ૧૭૧ મિનિટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : ફીરોઝ ખાન, હેમા માલિની, રેખા, પ્રેમનાથ, ડૅની ડેંન્ગઝોેગ્પા, રણજીત, ફરિદા જલાલ, ફરિયાલ, જીવન, સુધીર, મદનપુરી, સુલોચના લાટકર, ઇફ્તેખાર, સત્યેન કપ્પૂ, જગદીશ રાજ, કૃષ્ણકાંત, સીમા કપૂર, બ્રહ્મ ભારદ્વાજ, હબિબ, વી. ગોપાલ, મેજર આનંદ, હર્ક્યૂલીસ, ધનરાજ, ઇમ્તિયાઝ, ઝાહિરા, નાદિરા, અલકા, જયરાજ, નાના પળશીકર, નઝીર હુસેન, કૃષ્ણ ધવન, ગુરનામ, મોહન ચોટી, યુસુફ, યશરાજ, દારાસિંઘ, જાનકી દાસ.

ગીતો
૧.જુબાં જુબાં પર ચર્ચે તેરે, ગુલશન ..ભાગ-૧ ...........મહેન્દ્ર કપૂર
૨.મેરી ગલીયો મેં લોગો કી યારી ..ભાગ-૨............લતા મંગેશકર
૩.તેરે ચેહરે મેં વો જાદુ હૈ, બિન ડોર ખીંચા જાતા હૂં... કિશોર કુમાર
૪.ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દીખતી હો........... મૂકેશ- કંચન
૫.તુમને કભી કિસે સે કભી પ્યાર કિયા હૈ.................મૂકેશ- કંચન

ફીરોઝ ખાનની અત્યંત સફળ ફિલ્મ 'ધી ગૉડફાધર' પર આધારિત હતી.

ફીરોઝ ખાનને વાર્તા કહેતા સરસ આવડતી હતી એને એમાં ય હરદમ થ્રિલર બનાવતો એટલે એની કોઈ પણ ફિલ્મ જોવી ગમે. એક નિર્માતા તરીકે આ માણસે પૈસા ખર્ચવામાં કોઈ ફિલ્મમાં કશું બાકી રાખ્યું ન હોય, એટલે લખલૂટ ખર્ચે બનાવેલી એની ફિલ્મો થીયેટરોમાં ટંકશાળો પાડતી. '૭૨માં મુમતાઝને લઈને 'અપરાધ' બનાવી અને સરસ બનાવી હતી. એ પછી '૭૫માં એણે આ 'ધર્માત્મા' બનાવી ને ચારે બાજુ સિલ્વર જ્યુબિલીઓ થઈ. ફીરોઝ પૈસા ખૂબ કમાયો. એની ફિલ્મો કોઈ આસમાનના તારા તોડી લાવે એવી ફિલ્મ સમજ મુજબની 'ગ્રેટ' ન હોય, પણ બધા મસાલા એમાં ભર્યા હોય, સેક્સ, સુંદર જ નહિ સેક્સી લાગતી હીરોઇનો, સાઇડ- હીરોઇનો, અન્ય યુવાન સ્ત્રીઓ, ઉપરાંત મોઘીદાટ ગાડીઓ, વિદેશોમાં, શુટિંગ, નયનરમ્ય ફોટોગ્રાફી અને ક્રાઇમની જકડી રાખે એવી વાર્તાને કારણે એની ઓલમોસ્ટ બધી ફિલ્મો હિટ નીવડી. અફઘાનિસ્તાનમાં ઉતરેલી આ સૌ પ્રથમ ફિલ્મ હતી. ૧૯૭૫માં 'ધર્માત્મા' રીલિઝ થઈ ત્યારે સૅન્સર બોર્ડે તેને 'પુખ્તવયનાઓ માટે જ'નું '' સર્ટિફિકેટ આપ્યું હતું.

એ જમાનામાં મુંબઈના વિશ્વવિખ્યાત (!) જુગારખાના સરતાજ રતન ખત્રીના વરલી-મટકા ઉપર આ ફિલ્મ આધારિત હતી. ફીરોઝ ખાન રતન ખત્રી સાથે ઘરોબો કેળવીને એના ધંધાની રીતરસમો શીખીને આ ફિલ્મમાં ઉતારી હતી. રતન ખત્રીને આમાં મોટો લાડવો દેખાયો, એટલે ફીરોઝને સલાહો આપી દીધા પછી એને પોતાને ય ફિલ્મ બનાવવાનું શહૂર ઉપડયું અને ફિલ્મ 'રંગીલા રતન' બનાવી, જેમાં રિશી કપૂર અને પરવિન બાબીને લીધા હતા. કહેવાની જરૂર નથી, ફિલ્મ મોટા સાટકે પિટાઈ ગઈ હતી.

વાસ્તવમાં મારિયો પૂઝોની સકળ બ્રહ્માંડની સૌથી વધુ વંચાયેલી અને વેચાયેલી નવલકથા 'ધી ગોડફાધર' ઉપરથી અનેક હિંદી ફિલ્મો ઉતરી છે, એમાંની આ પહેલી અને સફળ ફિલ્મ હતી. એ વાત જુદી છે કે દાવો તો એણે પોતે ય કર્યો હતો કે, મારી કિલ્મ 'ધી ગૉડફાધર'માંથી પ્રેરણા લઈને બનાવી છે. એ ભ્રમમાં પ્રેક્ષકોએ રહેવા જેવું નથી. એ ઇંગ્લિશ ફિલ્મના એકાદ-બે પ્રસંગો ઉમેરીને ક્રાઇમ ફિલ્મ બનાવવાથી 'ગૉડફાધર' બની જતી નથી. અફઘાનિસ્તાનની નેશનલ સ્પોર્ટ્સ બની ગયેલી 'બુઝકશી'નું ફિરોઝે એના સિનેમેટ્રોગ્રાફર કમલ બૉઝ પાસે અદ્ભુત ફિલ્માંકન કરાવ્યું, જેમાં એ વખતે અંજાઈ જવાય એવા હૅલિકોપ્ટરમાંથી લેવાયેલા મનોહર શોટ્સને કારણે કમલને શ્રેષ્ઠ ફોટોગ્રાફીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. (આટલી સુંદર ફોટોગ્રાફી આપણને બતાવવા બદલ કમલ દા ને આપણે ભેટી લેવા જોઈએ.)

ઘોડા ઉપર બેઠેલા ઘોડેસ્વારો બકરીના મડદાંને જમીન પરથી ઉઠાવી જઈને છેલ્લે કોણ હાંસિલ કરે છે, એ જોવાની આખી ગેઇમ છે. સદનસીબે, તાલીબાનોએ વર્ચસ્વ જમાવતા મોટા ભાગના ઘોડાઓ એ લોકોના કામમાં આવવા માંડયા, એમાં આ રમત ઑલમોસ્ટ બંધ થઈ ગઈ.

ફિલ્મનું શુટિંગ અફધાનિસ્તાન અને બેંગલુરૂ ખાતે ફીરોઝના ફાર્મ હાઉસમાં થયું છે.

ફીરોઝે હેમા માલિની સાથે ફિલ્મમાં ગાયેલા કિશોરના પ્લેબૅકનું 'તેર ચેહરે મેં વો જાદુ હૈ, તેરી ઔર ખીચા આતા હૂ' ગીતનું પૂરું શુટિંગ અફઘાનિસ્તાનના બમિયાન પરગણાના 'બંદે અમિર નેશનલ પાર્ક'માં થયું છે. આઉટડોરના આ દ્રષ્યો મોહક છે.

ફિલ્મનો ટાઇટલ રોલ કરનાર પ્રેમનાથ વરલી- મટકાનો મોટા પાયે ધંધો કરે છે. પણ એના દીકરા ફીરોઝને એમાં રસ નથી- અનૈતિક લાગે છે, એટલે એ જુદો રહે છે. જીવન, સત્યેન કપ્પૂ, રણજીત, ઇમ્તિયાઝ ખાન, સુધીર જેવા ગુંડાઓ ગૉડફાધરને મારી નંખાવે છે, એના બદલાની આ ફિલ્મ છે. હેમા માલિની કબીલામાં રહે છે. એની પાછળ ડૅની પડયો હોય છે, પણ ફીરોઝ હાજર જ છે ! ફિલ્મ પૂરી થતા સુધીમાં ટોટલ થયેલા ખુનો ગણતા તમે થાકી જાઓ એ હાલત છે.

આ એ દિવસો હતા, જ્યાં રાજેશ ખન્નાનો દબદબો હતો અને ફીરોઝ ખાન રાજેશને હીરો તરીકે લેવા માંગતો હતો. એણે ના પાડીને કાયમ પસ્તાયો કારણ કે ફિલ્મે ટિકિટબારીઓ ઉપર ટંકશાળ પાડી હતી. યાદ હોય તો ફિલ્મ 'શોલે'ના ગબ્બરસિંઘનો રોલ મૂળે તો ડૅની ડૅંગ્ઝોપ્પાને ઑફર કર્યો હતો, પણ ડૅની આ ફિલ્મના શૂટિંગમાં અફઘાનિસ્તાનમાં વ્યસ્ત હોવાથી એણે 'શોલે' જતી કરવી પડી હતી. 'ધર્માત્મા' પછી બચ્ચનની 'ખુદાગવાહ' પણ અફઘાનિસ્તાનમાં ઉતરી હતી. યોગાનુયોગ ડેની બન્ને ફિલ્મોમાં હતો.

એવી જ રીતે ફિલ્મમાં જે રોલ રેખાએ કર્યો છે, તે ફીરોઝે ઝીનત અમાનને ઓફર થયો હતો, પણ ઝીનતે સેકન્ડ હીરોઇનનો રોલ સ્વીકારવાની ના પાડી, એટલે રાત્રે ખૂબ ઢીંચીને ફીરોઝે ઝીનતને ફોન કરી ખૂબ હલકી ભાષામાં ગાળાગાળી કરી હતી. વર્ષો પછી, ફિલ્મ 'કુરબાની'માં ફીરોઝને ઝીનત જોઈતી હતી, ત્યારે વચ્ચે એક કોમન દોસ્તને રાખીને ફિલ્મનો કરાર થયો હતો.

ફીરોઝ ખાન પોતાને બોલિવુડના 'ક્લિન્ટ ઇસ્ટવુડ' તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરતો.

આ ફિલ્મની બીજી અભિનેત્રી રેખાને ફીરોઝખાનથી માઠુ લાગ્યું હતું કે, ફીરોઝ હેમા માલિનીમાં વધુ પડતો રસ લઈ રહ્યો છે. ફિલ્મની પબ્લિસિટી અને પોસ્ટરોમાં ય ભેદભાવ રાખ્યો હતો.

એ વાત સાચી ય હતી અને ફીરોઝ હેમા પાછળ પાગલ થઈ ગયો હતો અને જાહેરમાં એલાન કર્યું હતું કે, હેમા માલિનીની પૂરી કારકિર્દીમાં એ 'ધર્માત્મા' જેવી સુંદર બીજી કોઈ ફિલ્મમાં લાગતી નથી. (એ વાત જુદી છે કે, હેમા માલિનીએ એની તમામ ફિલ્મોમાં માથે વાળની વિગ પહેરીને સુંદરતા બતાવી છે. એનું કપાળ: મોટું હોવાથી વિગ પહેરવી પડતી. એ વાત જુદી છે કે, ફિલ્મના કોઈ પણ કેરેક્ટર કરતા ફીરોઝ પોતે 'ડેશિંગ' હેન્ડસમ લાગે છે.

એ પોતે મૂળ અફઘાનિસ્તાનનો હોવાથી એની સ્કિન પણ ગુલાબી ગુલાબી હતી.) ફીરોઝની અગાઉની ખૂબ સફળ ફિલ્મ 'અપરાધ'માં એણે મુમતાઝના નાકે ચુંબન કર્યું હતું, એનાથી જોસ્સામાં આવીને આ વખતે હેમા માલિનીના હોઠ ઉપર લાંબુ ચુંબન કરવાનો શૉટ ગોઠવ્યો હતો, પણ હેમાની માતા જયા ચક્રવર્તીએ ગુસ્સામાં આવીને ઑફરને નકારી કાઢી હતી.

રાજ કપૂરે 'મૈ શાયર તો નહિ' ગીતનું રેકોર્ડિંગ કર્યું, એની પાર્ટીમાં શમ્મી કપૂર અને ફીરોઝખાન પણ આવ્યા હતા. ફિલ્મ 'ઇન્ટરનેશનલ કૂક'નું શૂટિંગ પતાવીને ફીરોઝ બહુ વધુ પડતો 'ચઢાવીને' આવ્યો હતો, એમાં શમ્મીને કહી દીધું, 'તારું શરીર જોયા પછી લાગે છે કે, હવેની મારી ફિલ્મમાં તું મારા બાપનો રોલ કરી શકીશ.' એમાં તો બન્ને વચ્ચે માત્ર ગાળાગાળી નહિ, ટેબલ-ખુરશી પછાડ રીતસરની મારામારી થઈ ગઈ. ડબ્બુ (રણધીર કપૂરે) શમ્મીને અને સંજય ખાને એના ભાઈ ફીરોઝને ખેંચી ખેંચીને છોડાવ્યા અને એમની ગાડીઓમાં બેસાડયા. માનવામાં ન આવે એવી વાત એ છે કે, આટલી મારામારી કર્યા પછી શમ્મી અને ફીરોઝ બન્ને મુંબઈના હાજી અલી પાસેના બારમાં વધુ પીવા અને એકબીજાને ખભે માથુ મૂકીને રડવા જતા રહ્યા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ બહારની સાચી મારામારીઓ ફીરોઝ ખાન જેટલી કદાચ કોઈએ નહી કરી હોય ! જો કે, એ જ નશાને કારણે ફીરોઝ પાકિસ્તાન જઈને પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફના મોઢા ઉપર કહી આવ્યો હતો કે, 'મને હિન્દુસ્તાની હોવાનું અભિમાન છે.

મારો ભારત દેશ બિનસાંપ્રદાયિક છે જ્યાં રાષ્ટ્રપતિ મુસલમાન અને વડાપ્રધાન શીખ છે. પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમોએ વધુ વિકાસ કર્યો છે. પાકિસ્તાન ઇસ્લામના નામ ઉપર બન્યું હતું અને જુઓ.. અહીં જ મુસલમાનો બીજા મુસલમાનોને ઘાતકી રીતે મારી રહ્યા છે.' આવા તમાચા પડયા પછી મુશર્રફે ફીરોઝ ખાનને કાયમ માટે પાકિસ્તાન આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો.

ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક વિખ્યાત 'સાયમન એન્ડ ગારફન્કેલ'ના લિયો રોજાના 'અલ કૉન્ડોર પાસા' ઉપરથી તૈયાર થયું હતું.

ફીરોઝનું ફાર્મ હાઉસ બૅંગ્લોરમાં હતું, જેનુ શુટિંગ એ પોતાની લગભગ દરેક ફિલ્મોમાં કરતો 'કુરબાની'માં અમરીશ પુરી રહે છે તે અને અહીં પ્રેમનાથના બંગલા તરીકે દર્શાવ્યું છે.

ફિલ્મમાં ફીરોઝ ખાનની પોતાની એન્ટ્રી ૨૬ મિનિટ પછી થાય છે.

હેમા માલિનીની ઉપસ્થિતિમાં ડૅની ફીરોઝને ભાલો લઈને મારવા આવે છે, ત્યારે ભાલો ફીરોઝની છાતીમાં ઘૂસી જાય છે અને લોહી નીકળતું બતાવાય છે, પણ કાચી સેકંડમાં ફીરોઝ ઉભો થઈને સામો વાર કરે છે, એ લાંબી ફાઇટીંગમાં ફીરોઝના કપડા પર ક્યાંય લોહીનું ટીપું દેખાતું નથી. એ જમાનામાં કદાચ એવા ભાલા નીકળતા હશે કે, એક વાર વાગે ત્યારે જ લોહી નીકળે, પણ તાબડતોબ ગાયબ પણ થઈ જાય !

ફિલ્મમાં હીરોઇન હેમા માલિનીનું અચાનક મૃત્યુ બતાવાય છે, એ જાણીને ફિલ્મના વિતરકો (ડિસ્ટ્રીબ્યુટર્સ) અને ફીરોઝના દોસ્તોએ ના પાડી કે, હેમા મરી જશે તો ફિલ્મ ફ્લોપ જશે. લોકો એને તો જોવા આવે છે. ફીરોઝ પણ ઢીલો પડયો પરંતુ હેમાએ ખેલદિલીપૂર્વક ફીરોઝને તેની સ્ક્રીપ્ટ મુજબ જ આગળ વધવાનું કીધું અને એમ જ થયું, એ ચમત્કાર થયો. હેમા માલિની ગૂજરી જાય છે, એના કારણે ફિલ્મ વધુ ઉંચકાય છે.

નાઇટ ક્લબમાં ખલનાયકો રણજીત અને સુધીર જે કેબરે- ડાન્સર સાથે બદતમીઝી કરે છે, તે સીમા કપૂર છે. બારમેન કોમેડિયન વી. ગોપલ ('જ્હોની મેરા નામ'માં આઇ.એસ. જોહરની મૂછો ઉતરડી નાંખે છે એ) ફાંસીની સજા પહેલા લોર્ડ જીસસની પ્રાર્થના કરવા આવેલા ફાધર જૂના જમાના હીરો પી. જયરાજ  છે.

કૅન્સરમાં મરતા નાના પળશીકર (જેમનો સર્વોત્તમ રોલ બી. આર. ચોપરાની ફિલ્મ 'કાનૂન'માં જોવા મળ્યો હતો... 'ધનીરામ કા ખૂન મૈને નહિ કિયા.. જજ સા'')ના પુત્ર તરીકે અમજદ ખાનનો મોટો ભાઇ ઇમ્તિયાઝ ખાન છે. ખાનાબદૌશોનો સરદાર બનતો ભારે કદરૂપે કલાકાર હબિબ બહૂ જુનો એક્ટર  છે.

આટલા બધા વિલનો હોવા છતાં ફિલ્મનો મુખ્ય વિલન ઇમ્તિયાઝ ખાન છે.

ફિલ્મના સંગીત વિશે તમારે કંઈ કહેવા લખવાનું હોય તો કહો.

બાકી, ફિલ્મ જોઈને તમને સહેજ પણ કંટાળો નહિ આવે તેવું માની શકાય.

No comments: