Search This Blog

11/10/2017

હેલ્લો કહેવાના હજાર રૂપિયા...

ગુજરાતની કોઈ પણ મોટી હોસ્પિટલ પાસેથી હવે માત્ર પસાર થતા ય ફફડી જવાય છે કે, ત્યાંથી પસાર થવાના ય આ લોકો પૈસા લઈ લેશે તો ? એક તો મોંઘા ભાવનો દર્દી આપણે દાખલ કરાવ્યો હોય ને એની ખબર કાઢવા (કે એને કાઢવા ય) હોસ્પિટલ જવું તો પડે !

એ જઈએ, એટલે વિઝિટર-ફીના હવે કોઈ ૫૦/- આપી દેવાના ! મુલાકાતીઓ હોસ્પિટલમાં દાખલ થાય એ સાથે જ અલગ-અલગ ચાર્જીસ ચૂકવવાના થવા માંડે છે, એ જોઈને ય કોક શાયરે શે'ર લખ્યો હશે,
 इस अंजुमन में आपको आना है बार-बार ,
दीवार--दर को गौर से पहचान लीजिये
(અંજુમન એટલે માળો, ઘર, મેહફીલ)

આવું બીજા કોઈ ધંધા કે વ્યવહારમાં જોયું ? દર્દીને તો દાખલ થવાના માનપાન હોય જ, પણ અહીં તો મુલાકાતીઓને પણ હોસ્પિટલની ભીંતે-ભીંત, ખૂણેખૂણો અને નર્સ-ડૉક્ટરોને ઊભા રાખીને ધ્યાનથી જોઈ લેવાની અપીલ કરવામાં આવે છે કે, મોડા વહેલા તમારે ય અહીં જ દાખલ થવાનું છે.

આવો વ્યવહાર અને આદર અન્ય કોઈ ધંધામાં જોયો ? કન્યા જોવા આખા ફેમિલીને સાથે લઈને જઈએ, ત્યારે એ લોકોનું બધાનું ધ્યાન, માનપાન અને સત્કાર આપણા લોટીયા એકલા ઉપર જ મોટા ભાગે હોય... પછી તો લોટીયો ઘરજમાઈ બને તો ભોગ એના, નહિ તો વારંવાર એને અહીં આવતા રહેવાનું છે, આપણા માટે હોસ્પિટલો જેવી ખાસ વ્યવસ્થા હોતી નથી કે, કેવળ દર્દી એટલે કે લોટીયાએ જ નહિ, હવે તો ઘર સમજીને આપણે બધાએ અહીં આવતા રહેવાનું છે. એવી કોઈ ફર્માઇશ કરતું નથી કે, કન્યા ફક્ત લોટીયાને જ બતાવવામાં નહિ આવે... તમતમારે ભાગે પડતી આવતી નાની-મોટી કન્યાઓનો સ્ટોક અમારી પાસે પડયો છે... જોઈ લો !

જ્યારે હોસ્પિટલવાળા આવા નફ્ફટ હોતા નથી. એ લોકો તમારી મુલાકાતથી માંડીને લિફ્ટ વાપરવાનો કે પાર્કિંગનો નાનોઅમથો ચાર્જ લઈને તમારી ખાતિરદારી કરે છે. જેમ જગતની સૌથી મોંઘી કાર 'બુગાટી' (કિંમત ૨૫-કરોડ) એટલી હદે મોંઘી પડે છે કે, એનું ઓઇલ બદલાવવાનો ખર્ચો ય નવી કારથી વધુ આવે છે... ૨૧-લાખ... એમ હોસ્પિટલોના પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા અડધો કી.મી. આઘે ભોંયરામાં જઈને અથડાતા-કૂટાતા દર્દીના રૂમ પર આવીએ, ત્યાં સુધીમાં ત્યાંના બાંકડાઓને જોવાનો ચાર્જ, નર્સો સામે સ્માઇલો આપવાનો ચાર્જ (સામી એ ન હસે, તો રીફંડ મળતું નથી !) કે ભૂલમાં તમારો રૂમાલ ખિસ્સામાંથી પડી ગયો તો હોસ્પિટલમાં ગંદકી ફેલાવવાનો દંડ ચૂકવીને દર્દીના રૂમ પર પહોંચો, ત્યાં સુધીમાં ગાડીનું પેટ્રોલ ભરાવવા જેટલો ખર્ચો થઈ ચૂક્યો હોય છે, પણ પાર્કિંગમાં ગાડી મૂકી આવ્યા પછી ચાર્જ ચૂકવવાને બદલે એ જ ગાડી ત્યાં ને ત્યાં વેચવા કાઢો તો બીજી એકાદી 'નેનો' જેવી કાર તો તમે હસતા હસતા ખરીદી શકો... આપણી જેમ, પોતાની ગાડી ત્યાં ને ત્યાં વેચવા બીજા ય ઊભા હોય ને ? રકઝક કરતા સારી આવડતી હોય તો સાયકલના ભાવમાં પેલો તમને એની ગાડી વેચી મારે !

જમાનો તો આપણો ય હતો, જ્યારે આપણે ય હોસ્પિટલોમાં દાખલ થતા હતા ને રોગ ગમે તેવો હોય, બધું મળીને ૨૦-૨૫ હજાર (મેક્સિમમ)માં પતી જતું હતું, (એમાં વોર્ડ-બોયને આપેલી બે રૂપીયાની ટીપ પણ આવી જાય ! સુઉં કિયો છો ?) આવડે એટલું ભણ્યા તો આપણે ય હતા, પણ સ્કૂલ અને કોલેજ ઉપરાંત ખાનગી ટયુશનો રાખ્યા હોય (અને સ્કૂલની નીચે ઊભેલી લારીમાંથી ખારા-ખાટાં અને તીખા આંબોળીયાનો) એ બધાનો આખી જીંદગીના ભણતરનો ખર્ચો બે-અઢી હજારમાં પતી જતો !

લાંચો તો આપણે ય ક્યાં નહોતા આપતા ? સરકારી કે મ્યુનિ. ઓફિસો કે આર.ટી.ઓ.ની કચેરીઓમાં બહુ બહુ તો વીસ-પચ્ચીસ રૂપિયામાં પતી જતું, મારા ભ'ઈ ! આખા વર્ષની આપણી આવકે ય કેટલી હતી ? ૨૦-૨૫ હજાર માંડ... !

ને આજે ? આજે તો આવી પ્રણામયોગ્ય હોસ્પિટલના રોડ પાસેથી પસાર થવાના ય ૨૦-૨૫ હજાર આપવા પડે ને તો ય... દર્દી બચી જ જશે, એની કોઈ ગેરન્ટી નહિ ! એમાં તો, ભોગ તમારા... !

આજે ભારતનો કોઈ પણ માણસ ઈશ્વરને પ્રાર્થના એ કરે છે કે, એક ઝાટકે મને મારી નાંખજે... જેમ કે, હાર્ટ-એટેક, પણ મેહરબાની કરીને મને હોસ્પિટલમાં લઈ જઈને મને (ને મારા કુટુંબને) રિબાવી રિબાવીને ન મારીશ, પ્રભુ ! હવે એવા કિસ્સા તો અનેક સાંભળવા મળે છે કે, દર્દી ગૂજરી ગયો હોય તો ય, એના સગાવહાલાઓના ઈમોશન્સ સાથે રમીને 'વેન્ટીલેટર' ઉપર મરેલો જીવતો રખાય છે.

ગુજરાતમાં તો નથી સાંભળ્યું પણ દિલ્હી બાજુ તો સાજાનરવા દર્દીની કિડની એને ખબરે ય ન પડે, એમ કાઢી લઈ, બારોબાર વેચી નંખાય છે. ડાબાને બદલે જમણા પગનું ઓપરેશન કે આ બાજુને બદલે આ બાજુવાળી દાઢ ખેંચી કાઢીને દર્દીને બબ્બેવાર છત ફાડી નાંખે એવી વિકરાળ રાડો પડાવવાના કિસ્સા સાંભળવામાં તો આવે છે... ને એનો ય ચાર્જ ''મામૂલી'' લેવાય !

રોજના આઠ-દસ કરોડ કમાતી હોસ્પિટલોની યાદી નાની નથી અને ડૉક્ટરોએ ડૉક્ટર બનતા પહેલા ભણતરથી માંડીને 'ડૉક્ટર બનવાનો' જે ચાર્જ આપવો પડયો હોય છે, તે નમ્રતાથી બિલ સાથે વસૂલવાનો તો આપણી પાસે જ હોય ને છતાં ય, એ જ ડૉક્ટરો આપણી જીંદગી બચાવે છે - ભલે ગમે તેટલી મોંઘી ફીઓ લઈને- ત્યારે એ જ ડૉક્ટર આપણને 'ભગવાન' લાગે છે. એવા ય કિસ્સા બને છે ને કે, આપણે જ નહિ, ડૉક્ટર સિવાય બધાએ આશા મૂકી દીધી હોય, એવા દર્દીને હેમખેમ આ ડૉક્ટરો જ પાછા લાવી આપે છે, ત્યારે ઈશ્વર કરતા ય ડૉક્ટર ઉપર આદર વધી જાય છે. પૈસા તો ક્યા ધંધાવાળો નથી લૂંટતો ? વકીલો, સ્કૂલ-કોલેજવાળા કે એડમિશનો અપાવનારા 'સાહેબો' અબજો કમાય છે, પણ એમાં આપણને જોઈતો ફાયદો કરાવી આપે, ત્યારે એ જ લોકોને પૂજવા પડે છે.

છેલ્લા આઠ-દસ વર્ષથી મરવાને વાંકે જીવી રહેલા સેંકડો દર્દીઓ હશે, જેમનું સાજા થવું શક્ય જ નથી, છતાં આ જ ડૉક્ટરો પાસે ભીખ માંગીને અને લાખો ચૂકવીને આપણા ઘરના દર્દીને જીવતો રાખીએ છીએ, ત્યારે પૈસા વસૂલ લાગે છે.

તો કરવું શું ? એક વાત ક્લિયર છે. જગતમાં બે જણને ચિંતા નથી, એક ગરીબને અને બીજા પૈસાદારને... મરવાનું ફક્ત મધ્યમ વર્ગના માણસને ! સાલો, લાંચ લઈ શકવા જેવી નોકરી કરી શકતો નથી અને ચૂકવવા જેટલું કમાતો નથી. ઈમાનદારીથી જીવવાની વાતો ફક્ત આ મિડલ-કલાસીયો કરી શકે છે, બાકીના બે ને એની જરૂર પડતી નથી.

આદર્શો પ્રમાણે જીવવા માટે મધ્યમવર્ગનો લલ્લુ ચોક્કસ નક્કી કરી શકે (અને પાળી શકે) કે, બર્બાદ થઈને મરી જઈશ, પણ લાંચ નહિ લઉં. ખોટા રસ્તે પૈસા નહિ બનાવું... પણ, જ્યાં લાંચ આપવાની હોય ત્યાં તો આપવી જ પડે છે. ત્યારે કોઈ આદર્શો કામમાં આવતા નથી. એની એટલી હૈસીયતે હોતી નથી કે, લાંચ લઈને ય ઘરનું પૂરૂં કરી શકે... કોઈ આપે, એવી જગ્યાએ તો એ હોવો જોઈએ ને ! સહેલામાં સહેલો અને બધાને આવડે એવો આક્ષેપ પોલીસ માટે થાય છે કે, શાકવાળા પાસેથી શાકે ય મફતનું પડાવે ! પોલીસને ભ્રષ્ટ કહેવામાં બહુ બુદ્ધિ દોડાવવાની કે પુરાવા ભેગા કરવાની જરૂર પડતી નથી કે, પોલીસ તો મફતીયો જ હોય !

કોઈ એક વાર એનો પગાર પૂછી જુઓ, નોકરીની હાલત જોઈ જુઓ, ચાર રસ્તે આટલા પ્રદુષણવાળી જગ્યા ઉપર આવતા-જતા કોઈ પણ વાહનની ટક્કરોના જોખમો જોઈ જુઓ. રેડ-સિગ્નલ વખતે ૯૦-સેકંડ ગાડીમાં બેઠા બેઠા ય 'ઊભા રહેવામાં' કેવા ચીડાઈ જઈએ છીએ. એસી ચાલુ હોય ને વાહનોનો ધૂમાડો ત્યાં ડયૂટી પર ઊભેલા પોલીસને ખાવાનો.

ગૂન્હો તમે કર્યો હોય ને પોલીસ પકડે ત્યારે, 'મોદી સાહેબ'થી માંડીને રૂપાણી સાહેબને ઓળખવાના સબૂતો રજુ કરીએ છીએ, પણ પોલીસ કોને ઓળખતો હોવાનો દાવો કરે ? પકડાઈએ ત્યારે એ એમ કહે છે, ''તમે જમાદાર ચાવડા સાહેબને ઓળખો છો ? એ મારા જમાઈ થાય... બોલો !'' ખાસ તો દિવાળી, રમઝાન કે ક્રિસમસ જેવી સેંકડો રજાઓમાં એમને કેટલી મળે છે ?

આપણા ઘેર કે ઓફિસે કોઈ પણ જોખમ ઊભું થયું તો પોલીસને બોલાવીએ છીએ ને આવે ય છે. કુદરતી કે માનવસર્જીત આપત્તિઓ વખતે વકીલો, ડૉક્ટરો, પ્રોફેસરો કે વેપારીઓ મદદમાં નથી દોડતા... પોલીસને થાક્યા કે કંટાળ્યા વગર દોડવું પડે છે, એની સામે એની આવક કેટલી ? રમખાણોમાં ય સામસામી પાર્ટીઓ કરતા પહેલા પથરા પોલીસે ખાવાના !

ને છતાં ય, હિમ્મત આપણી જુઓ કે, ખુલ્લેઆમ કહી દઈએ છીએ કે, પોલીસવાળા તો મફતનું ખાય છે ! લાંચ વગર એની માસિક આવક તપાસો તો ખબર પડે કે, આટલી આવકમાં આપણે તો ચણા ય લાવી ન શકીએ !... અને કોમિકની વાત કરીએ, તો એ જ પોલીસવાળાને હોસ્પિટલમાં બિલ આપણી જેમ લાખોનું જ ભરવાનું આવે છે.

એ વખતે એ બોલી શકતો નથી કે, ''ડૉક્ટર સાહેબ... યાદ છે, તમે રેલ્વે ક્રોસિંગ તોડીને ભાગ્યા અને મેં પકડયા ત્યારે, 'તમે ડૉક્ટર છો', એ જાણીને જવા દીધા હતા... ? બસ, સાહેબ...., આપનું બિલ જરા ઓછું કરી આપો, તો મે'રબાની... !''

સિક્સર
-
કેમ, ૩૮-દિવસથી ટીવી બંધ રાખ્યું'તું ?

- હનીપ્રિત પકડાય પછી કંઈક જોવા જેવું નીકળે ! હવે જોઈશું... ઘરમાં રામ-રહીમ (પત્ની) નહિ હોય ત્યારે !

2 comments:

Nautam Modi said...

Khub j saras ....

Unknown said...

इस अंजुमन में आपको आना है बार-बार ,
दीवार-ओ-दर को गौर से पहचान लीजिये...

અહીં વિપ્લવી કવિ કૃષ્ણ દવેનો ચોટડૂક ફાઇવ સ્ટાર શે’ર પણ આટલો જ જામ્યો હોત...

‘ફાઈવ સ્ટાર વૃક્ષની સામે, પંખી કરે દલિલ,
એક પળ ડાળીએ બેઠા ને આવડું મોટું બિલ ?’