Search This Blog

26/10/2017

વો મૅસેજ કિસ કા થા ?

એને કોઈ 'ટીમ્સી' કહીને બોલાવે, એ ના ચાલે. ઉચ્ચાર 'ટીમ્ઝીથવો જોઈએ. એમાં ય, ''નો ઉચ્ચાર 'ઝવેરીલાલ'નો નહિ. ગઝલનો ''. કલબમાં દર સૅટરડૅ-નાઈટની વીકલી પાર્ટીમાં બધા ફ્રૅન્ડ્ઝોએ એને ટીમ્ઝી કહીને બોલાવવી પડે, નહિ તો સૉલ્જરીમાં એ શૅર ના કરે.

એમાં ય, આ બધી ફ્રૅન્ડ્ઝો તો પ્યોર વાણીયણો અને પટલાણીઓ... 'કહેને મેં ક્યાં જાતા હૈ.. ? 'એ ધોરણે ટીમ્ઝી માટે બધાની વચ્ચે ઍનાઉન્સમૅન્ટ કરે, ''આપણા ગ્રૂપમાં ટીમ્ઝી જેવી સૅકસી અને સુંદર બીજી કોઈ નથી.. શી'ઝ ધ પ્રાઈડ ઓફ અવર ગૂપ !'' એટલે આખી પાર્ટીનું બિલ પૂરા ફખ્રથી ટીમ્ઝી ચૂકવી દે.. આપણે તો બે-ચાર વાર ખાલી, ''અરે હોય.. અરે હોય ??'' એવું કહી દેવાનું એટલે બહેન વધુ ઝનૂનમાં આવી જાય, 'સ્ટોપ ઑલ યૂ સ્ટુપિડસ્.. બિલ ચૂકવવાનો હક્ક તો એકલી મારો જ !'' અમે ય એ જ કહીએ છીએ...!' બધા આવું બોલે તો નહિ, પણ મનમાં બોલી જાય !

ના. હવે તો ટીમ્ઝી આ વાંચવાની નથી, છતાં ય કબુલ તો કરવું પડે કે , આખા ગ્રૂપની એ સૌથી સ્માર્ટ અને સુંદર છોકરી હતી... આમ તો એને સ્ત્રી કહેવાય, પણ છોકરી કહો તો આવતી પાર્ટીનું બિલે ય અત્યારથી આપી દે. સ્ત્રીને ઉલ્લુ બનાવવાનો સૌથી સહેલો ઉપાય, એ દેખાતી હોય એના કરતા ય ઓછી ઉંમરની અને સ્માર્ટ કહી દો ! ( આમાં લેખકનો અનુભવ બાદ કરવો !)

મોટો પ્રોબ્લેમ એ હતો કે, ટીમ્ઝીને પોતાને ય એ વાતની ખબર કે, એ કેટલી ગજબનાક સુંદર છે ! આ બાતમીનો મોટો ગેરફાયદો પોકીને- એટલે કે, એના હસબન્ડ 'પોપટ કીનારીવાલાને'. 'પોપટ તો કાંઈ કોઈનું નામ હોતું હશે, ટીમ્ઝી તો મારવા લે, અગર કોઈ એને પોપટને નામે બોલાવે તો ! પણ મરતા મરતા દાદાજીએ હઠ પકડી હતી કે, ''બાબાનું નામ પોપટ જ હોવું જોઈએ. નહિ તો હું પ્રાણ નહિ છોડું..!''' ડોહો બોલેલું જલ્દી પાળી બતાવે, એટલે પરિવારે પોપટ નામ માન્ય રાખ્યું હતું, પણ ડોહાને ખબર ન પડે એમ બીજું નામ પોરસ પાડયું હતું... જન્મ-મરણ નોંધણી કચેરીમાં નામ લખાવવું પડે, ત્યાં સુધી ડોહો ગયો ન હતો, એટલે છેક સુધી પોપટ જ ચાલ્યું... આ તો સારૂં થયું કે, આવનાર બીજા દસેક વર્ષમાં જ કાકો ઉકલી ગયો અને કલબ કે પાર્ટીમાં ચાલે એવું નામ 'પોકી-પોરસ કિનારીવાલા પાડવામાં આવ્યું.

'પોકી ડીયર... હું કેવી લાગું છું.. ? આ વખતે પર્પલ ચૅકસનું ટૉપ અને સ્ટાર્ક બ્લેક ટ્રાઉઝર્સ પહેરૂં છું. પેલી બધીઓ જલી મરશે !'' લગ્નને આઠેક વર્ષ થયા હશે, મતલબ પોકી આઠ વર્ષથી રોજ જૂઠ્ઠું બોલતો હતો, ''બહુ સરસ, જાનુ...''

એને ખબર નહિ કે, આ બોલતી વખતે પોકીડો રાબેતા મુજબ, બાથરૂમમાંથી બહાર જ નહિ નીકળ્યો હોય ! નહોતું સાંભળ્યું છતાં મારે કંઈક જવાબ આપવાનો હશે, એવું પેલીના સંભળાયેલા અવાજ ઉપરથી એ બોલી ગયો,''બહુ સરસ, જાનુ !'' આવી ટેવ પડી ગયેલી હોવાથી એક વાર તો ટીમ્ઝી લપસી પડી અને બૂમ મારી, 'પોકી.. હું પડી ગઈ..'ત્યારે પણ પોકીથી બોલી જવાયું હતું,''બહુ સરસ, જાનુ !''

લગ્ન પછી પોકીનું મોટા ભાગનું જીવન બાથરૂમમાં જ ગયું હતું. એને અંદર વધારે શાંતિ લાગતી..અને મળતી !

બરોબર એ જ વખતે પોકીના સૅલફૉન પર ટીડિંગ... અવાજ સંભળાયો. વૉટ્સઍપનો એ રિંગટૉન હતો. ડીસન્સી ખાતર પણ ટીમ્ઝી અને પોકી એકબીજાના ફોન ક્યારે ય ચૅક ન કરે, પણ આ વખતે ટીમ્ઝીથી બસ, એમ જ જોવાઈ ગયું. મૅસેજ હતો... 'આઈ મિસ યૂ, ડીયર..'

ટીમ્ઝી છત સુધી ઉભે માથે કૂદે, એવો આ જોર કા ઝટકા હતો. 'આઈ ડૉન્ટ બીલિવ ઇટ... સાલા પોકીડાને આજ સુધી મેં ક્યારેય મીસ નથી કર્યો ને આ વાંદરી એને મીસ કરનારી છે કોણ ? એક સૅકન્ડ માટે તો એ પોકીને ચીસ જ પાડવા જતી હતી. ત્યાં એને એના પ્રિય લેખક જ્હૉન ગ્રીશામનું વાક્ય યાદ આવ્યું. 'નૅવર અન્ડરઍસ્ટિમેટ યૉર ઍનિમી.' અપને દુશ્મન કો કમજોર મત સમઝો. આ સાલી મારા પોકીને મિસ કરી જાય, એ જોવા તો દે છે કોણ ?

એણે તાબડતોડ નામ વાંચ્યું, 'આરઍમપી'. એમાં બહુ સમજ ન પડી એટલે ટ્રુ-કૉલરમાં જોયું તો સડસડાટ ચોંકી જવાયું. 'આરઍમપી' એટલે તો કોઈ 'રણછોડભ'ઇ મફાભઈ પટેલ નીકળતો હતો. ''ઓ મ્મી ગૉડ.. આ તો કોઈ પુરૂષ છે ..! ઑહ ન્નો. પોકીઇઇઇ.. તું આવો નીકળ્યો ?'' છોકરીઓ ઓછી પડતી 'તી તે... ? કાચી સેંકડમાં તો ટીમ્ઝી લાલચોળ થઈ ગઈ.

એ જ ક્ષણે પોકી બૉડી- પરફ્યૂમના ફૂવારા ઉડાડતો બાથરૂમમાંથી બહાર નીકળ્યો. ગુસ્સાથી ટીમ્ઝી લાલચોળ પછી સીધી પીળી પડી ગઈ હતી અને કોઈ ચીસ પાડવા માંગતી હતી. બૉડી- સ્પ્રેથી આખો રૂમ મઘમઘી ઊઠયો હતો અને ટીમ્ઝી દર સેકન્ડે બસ્સો- બસ્સો ગ્રામની સ્પીડથી ઊકળી રહી હતી. ' આજે કાં તો પોકીડો નહિ ને કાં તો રણછોડીયો નહિ.. મારૂં કે મરૂં ! સાલા બન્ને ભેગા મળીને મને સમજે છે શું ?'

''પોકી, આ આરઍમપી કોણ છે...?'' રોજ કરતા વૉલ્યૂમ ઊંચો અને તીવ્ર લાગ્યો. 
''આરઍમપી...? વૉ'ડૂ યૂ મીન.. ? વાત શું છે ?' 
''તને આ વાંદરો બહુ મીસ કરે છે, એવો એનો વૉટ્સઍપ મૅસેજ તારા ઉપર છે...પોકીડા, આ ધંધા ક્યારથી શરૂ કર્યા ? હું ઓછી પડું છું તનેએએએ..?''

એ પછી તો વાચકો ધારી શકે છે કે આગળ શું બન્યું હશે !બધાનો આવો અનુભવ તો હોય ને ? આઈ મીન, તમે કશું જાણતા ન હો ને આરોપીના પિંજરામાં વગર ઊભે જવાબો આપવાના હોય તો જવાબે ય શું આપો ? બહુ લાંબી બબાલ ચાલી બે વચ્ચે. એમાં પહેલા તો એ બોડી- સ્પ્રેની બોટલ સીધી ભીંત ઉપર ફેંકવામાં આવી. સખ્ત તરી ગયેલી ટીમ્ઝીએ એમના માસ્ટર- બૅડરૂમનો બૅડ ઉપાડીને ફેંકી દીધો. પલંગ ઉપડે નહિ માટે ! પોકી માટે પણ આ નવું હતું. ' આ રણછોડીયો હશે કોણ..? મને મીસ કરે છે, મને ?'

હવેના કપલ્સમાં મારામારીઓ કરતા કુશન- ફાઈટિંગ વધુ થાય, એટલે મોંધા ભાવના ઓશિકા ફાડી ફાડીને આખા રૂમમાં ઝીંકાઝીંક કરવાની ને રૂમ આખો ઊડતા 'રૂ..રૂ..રૂ..' વાળો થઈ જવો જોઈએ.. થયો !
***
આજની પાર્ટીમાં ટીમ્ઝીનો મૂડ ઑફ હતો... પેલાનો તો ઑન હોય તો ય ઑફ બતાવવો પડે. અફ ર્કાર્સ, ઑફ જ હતો. બધા બુધ્ધિ વગરની હાહાહિહૂહૂ કરતા હતા, આ બે સિવાય. ટીમ્ઝી એની સો- કોલ્ડ દોસ્ત વીરાને, નહોતી 'લાગી' તો ય ર્વાશરૂમ લઈ ગઈ, ''વીરૂ, ડૂ યૂ નો સમબડી, રણછોડભ'ઇ.. માવા કે મફાભઇ... ઓહ, પટેલ ?''

વીરાએ તો હસી કાઢ્યું, 'વોટ ડૂ યૂ મીન, ડુ આઈ નો સચ એ ગાય ? ટીમ્સી..'
'ટીમ્સી નહિ.. ટીમ્ઝી બોલ..!'
'હા, પણ તું આ મને કેમ પૂછે છે ?'

એ પછી તો જાણે કોઈને ખબર પડવાની નથી. એમ ટીમ્ઝી વારાફરતી ગ્રૂપની એકેએકે છોકરીને વોશરૂમ લઈ ગઈ.. એ બધીઓના ગોરધનનોને પહેલો ડાઉટ તો એજ પડયો કે, સાલી આ એક બધીઓને બગાડે નહિ...! આજ કાલ તો કોઈ સ્ત્રી ઉપર ભરોસો મૂકાય એવો નથી. જો કે, એમાંના કેટલાક મનોમન એવું ય સોચતા હતા કે, એવું હોય તો સારૂં... આપણા કૅસમાં તો વાઈફ ગરબડ ઊભી ન કરે !

ગ્રૂપના જૅન્ટ્સોને તો વોશરૂમ લઈ જવાય એવું નહતું. પૂછીએ ને સાલા બધાઓનું ગ્રૂપ નીકળે તો ? આખો માહોલ બદલાઈ ગયો. એ પાર્ટી તો એમ જ પૂરી થી. પોકી તો ઘેર આવ્યા પછી ય ટૅન્શનમાં કે ટીમ્ઝી કોઈ મસ્તમજાની છોકરી માટે વહેમાતી હોય તો આપણાં માનપાને ય વધે ... આ તો ?

હવે તો પ્રાયવેટ સીક્યોરિટીવાળાઓની સર્વિસ પણ મળે છે. ટીમ્ઝીએ કમાન્ડો જેવા એકને રોક્યો, તપાસ કરવા કે રણછોડીયો મૂવો છે કોણ ? પણ તાત્કાલિક એ જ સેકન્ડે એને કાઢી ય મૂક્યો, 'સાલા કમાન્ડો જેવા તો આમે ય બોડી-બિલ્ડરો હોય... પોકીડાને નવી તક મળે એવું નથી કરવું. એણે પેલાને સોરી કહીને જવા દીધો. ટીમ્ઝીએ શહેરનો કોઈ ખૂણો બાકી ન રાખ્યો. રણછોડને શોધવામાં. હવે પહેલા જેવું લૅન્ડ-લાઈન ફોનોની ડીરેકટરી તો હોય નહિ એટલે હવે 'વો કૌન થા ?' વાળો પ્રોજેક્ટ ધૂંધળો લાગી રહ્યો હતો.

ઇન ફેક્ટ, એ મેસેજ ગ્રૂપના વિકીએ ટીમ્ઝીને કોઈ બીજાના સેલફોન પરથી મોકલ્યો હતો. આ રોજનું હતું. ટીમ્ઝી પણ 'ગોદાવરીબેન'ને નામે સામા પ્રેમના વોટ્સએપો રોજ કરતી. એ તો બન્ને મળ્યા, એટલે આનંદ- આનંદથી ઘટસ્ફોટ થઈ ગયો....

પણ પોકી રાહ જુએ છે, ' આ રણછોડ કોણ હશે ને ક્યારે મળશે !'

સિક્સર
-
ટીવી ન્યૂસવાળા હનીપ્રિત ગઈ.. અને આરૂષી પાછી આવી !

- ઓહ, અઠવાડીયામાં બીજી કોઈ આવે તો સારૂં... નહિ આવે ત્યાં સુધી આરૂષી ચાલુ રહેશે !

No comments: