Search This Blog

26/10/2017

સર.. આપ મારે ત્યાં કપડા- વાસણ કરવા આવશોજી ?

અકળાયેલા શહેનશાહ અકબર એમના બાબલા શેહજાદા સલીમનો હાથ પકડીને દર દર ભટકે છે, પણ કોઈ સ્કૂલવાળો ઍડમિશન આપતો નથી. પૂરા હિંદુસ્તાન પર જેમની હકૂમત, એ અકબર પાસે સલીમને ઍડમિશન અપાવવાના બદલામાં સ્કૂલના ટ્રસ્ટિઓ અડધા દિલ્હીનું તખ્ત માંગે છે અને એ પછી ય, આટલી 'રકમતો ફક્ત સલીમડાને ઍડમિશન અપાવવા માટે જ.. વાર્ષિક પરીક્ષામાં પાસ કરાવવા માટે તો શહેનશાહે બાકીનું દિલ્હી જ નહિ, બાકીના દિલ્હીમાંથી રોજેરોજ કચરો સાફ કરવાનો કૉન્ટ્રાક્ટ અકબરના સાળા પાસે છે, તે પણ અમને આપી દેવો.

આનાથી જોર કા ઝટકા શહેનશાહને વિઝા- ઑફિસવાળાએ માર્યો છે. આમ તો હવે, બધાને દસ-દસ વર્ષના વિઝા આપી દે છે પણ લોચો ય કાકાએ પોતે માર્યો છે. વિઝા- ઓફિસરે સવાલ પૂછ્યો,' અમેરિકા શેને માટે જવું છે ?' જવાબમાં ભોળા અકબરે કહી દીધું, ''બસ.. એકાદો ધૂળજી લેવા !

આખું ઇન્ડિયું ફયરો.. સાહેબ, ફૂલ-ટાઈમ તો જાવા દિયો.. ખાલી એક ટાઈમ કપડા-વાસણ માટે ય એક સોમો કે કાંતિ મળતો નથી... તે મેં'કુ... એકાદ આંટો અમેરિકા મારી આવું.. કહે છે કે, ત્યાં સ્પેનિશ, મૅક્સિકન કે કાળીયા નોકરો મળી રહે છે... ને આ બાજુ, ઘેર તમારી ભાભી-મહારાણી જોધા છ મહિનાથી ધમકી આપે રાખે છે કે, 'હવે ધૂળજી લાવી નહિ આપો, તો હું પિયરથી પાછી આવતી રહીશ..!'

આવી લુખ્ખી સાંભળ્યા પછી ક્યા ગોરધનના આખા શરીરમાં મંકોડા ચઢી ન જાય !

એક વાત શહેનશાહ સમજી નહોતા શક્યા કે, અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ, ઘરઘાટીઓ તો ત્યાં ય નથી મળતા. ત્યાં બધા કામો ગોરધનોએ જાતે કરવાના હોય. કપડાં-વાસણ તો રોજના થયા, પણ કચરા-પોતાં, ૮-૧૦ માઈલ ગાડી ચલાવીને ગ્રોસરી લઈ આવવાની, ઘરમાં નાનકડાં રીપેરીંગ કરવાના, બૅકયાર્ડમાં જઈને ગાર્ડનિંગ અને રોજ બે ટાઈમ કાર-વૉશ કરવાની... આટલા બધા કામોના ગોરધનને બસ... એક વાઈફ મળે ! હંહ... હવેના સસરાઓ પાસે વધારાનો માલ જ ક્યાં પડયો હોય છે ?

ઇન્ડિયાનો આ સળગતો પ્રશ્ન છેલ્લા બસ્સો વર્ષોથી છે, કામવાળા નથી મળતાં. બે ટાઈમ જમવા કે ચાર ટાઈમ ચા-નાસ્તા ઉપરાંત મહિને ૨૫-૫૦ હજાર પગાર આપો તો ય કોઈ આવતું નથી. આટલો પગાર ઑફર કરવા જાઓ તો તાડૂકે,''ભિખારી હમજો છો ? હું તમારા વર સાથે ઓફિસમાં કામ નથી કરતો, તે આટલા ઓછા પગારમાં કામ કઢાવવા માંગો છો ! ....અને મારી સાથે મારા ફૅમિલીએ રહેવાનું ક્યાં, એ તો બોલ્યા જ નથી !''

૭૦ ટકા-ગુજરાતણો આટલી મોટી રકમ ધૂળજીમાં ખર્ચી નાંખવાને બદલે પોતપોતાને ભાગે પડતા આવેલા ગોરધનને આ કામો સોંપી દે છે. અને એ સારૂં ય પડે... ઘરમાંથી કાંઈ આઘુંપાછું તો ન થાય- વર સિવાય ! એમ કાંઈ સોમો કે સવિતા મળતા ય નથી. ઇન્ડિયામાં રહેવું ને ધૂળજી વિના ચલાવવું, એ પાયલટ વિના બોઈંગ ઊડાડવા જેવું અધરૂં કામ છે. કદાચ અર્થઘટન ખોટું થયું હશે, પણ આ બબાલ તો પુરાણોથી ચાલતી આવે છે.

'રામાયણ'માં સીતાજીએ લક્ષ્મણને 'સુવર્ણ મૃગશોધવા નહિ, પિત્તળ તો પિત્તળનો.. એકાદો ધૂળજી શોધી લાવવા મોકલ્યા હતા. એમાં આખી રામાયણ સર્જાઈ. રાવણે સીતાજીનું અપહરણ કર્યું, એને બદલે લક્ષ્મણનું કર્યું હોત તો એની વાઈફ મંદોદરીએ એને માફ કરી દીધો હોત અને પતિદેવ ઉપર ખુશ થઈને, 'હાઉ ટુ ગેટ ઍન આઈડીયલ હસબન્ડ' ! નામનું પુસ્તક લખ્યું હોત !

એક જમાનો હતો, જ્યારે રાજસ્થાનના ડૂંગરપુરના ધૂળજીઓ મળી આવતા હતા. હવે સ્થિતિ ઉલટી છે. એજ ધૂળજી અત્યારે મૅડિકલના છેલ્લા વર્ષમાં હોય કે પી.એચ.ડી. કરતો હોય. 'મેરે દેશ કી ધરતી સોના ઊગલે ઊગલે હીરે મોતી..'ના અસલ શબ્દોમાં હીરે મોતી નહિ, હીરૂ અને મોતી નામના કામવાળાઓનો સંદર્ભ હતો.

પુરાતન ખોદકામો દરમ્યાન આ પ્રદેશમાંથી અનેક મૂલ્યવાન ધૂળજીઓ મળી આવતા. મૂલ્યવાન એટલે મહિને-મહિને દેસમાં ભાગી ન જાય એવા નોકરો. હજી વહેલી પરોઢે ચડ્ડા અને સ્પૉર્ટસ-શૂઝ પહેરીને ચાલવા નીકળેલા ગોરધનો કાંઈ 'મૉર્નિંગ-વૉકમાટે નથી નીકળ્યા હોતા...
  
ક્યાંયથી કોઈ રડયાંખડયાં એકાદો ધૂળજી મળી આવે છે. એની શોધમાં નીકળેલા હોય છે. એ વાત જુદી છે કે, એમને આવો એકાદો ધૂળજી મળી આવ્યા પછી, એ બેમાંથી ધૂળજી ક્યો, એ ધારી લેવાનું જોનારાઓને અધરૂં પડે છે.

બન્ને વચ્ચે 'ચડ્ડોકૉમન ડ્રેસ હોય છે માટે ! અને એ વાત તો વધારે જુદી છે કે, હવેના ધૂળજીઓ ઘણા ખરા ગોરધનો કરતા કપડેલત્તે વધુ સ્માર્ટ દેખાતા હોય છે ! ફાટેલા જીન્સ આપણા છોકરાઓ પહેરે છે, પણ એકે ય સોમા કે ગણપતને ફાટેલે કપડે જોયો ? આ તો એક વાત થાય છે.

ભાજપ કે કોંગ્રેસ, આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવું હોય તો ગુજરાતના ઘરઘરમાં એક એક ફ્રી ધૂળજી આપી શકે, એ જ પાર્ટી લૅન્ડસ્લાઈડ વિક્ટરીથી જીતશે. વચનો આપવામાં શું જાય છે, પણ દરેક પક્ષ પ્રજાને ફૂલટાઈમ એક એક ધૂળજી આપવાનું વચન આપે, તો સ્વચ્છતા કે શૌચના વચનો આપવાની જરૂર નહિ પડે.

રાહુલજી કે મોદી સરકારે પ્રજાને સૌથી પહેલા તો ઘરદીઠ એક એક નોકર આપવાનું વચન આપવું જોઈએ અને એ પણ સહુને પરવડે એવો. બદલામાં ઘરઘાટીઓ આપણા આધાર-કાર્ડમાં એનું નામ ઉમેરાવવાની જીદ કરે તો લાઝમી છે. આખરે એય આપણા જ પરિવારનો માનદ સભ્ય છે ને !

હિંદી ફિલ્મોમાં 'ભાઈલોગ'થી માંડીને 'બાઈ લોગબધા વિષયો ઉપર ફિલ્મો આવી ચૂકી છે. હજી સુધી ધૂળજી- કલ્ચર પર એક જ ફિલ્મ આવી છે,'બાવર્ચી', જેમાં એ વખતના લોકપ્રિય હીરો રાજેશ ખન્નાએ કોઈ શહેનશાહ કે બાહુબલિનો રોલ નહોતો કર્યો, ધૂળજીનો કર્યો હતો ને એમાં સુપરસ્ટાર બની ગયો હતો. દેશના ધૂળજીઓ બાહુબલિ કરતા ય વધુ શક્તિમાન હોય છે, પૂછો આપણા ભાગે પડતી આવેલી વાઇફો ને ! એ જ ખન્નાની ભૂ.પૂ. વાઈફ ડિમ્પલ કાપડીયાનો હમણાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લંડનના કોઈ રેલ્વે સ્ટેશન પર ડિમ્પલ સની સાથે બેસીને સિગારેટો ફૂંકાતી દેખાય છે. ઘટનામાં સિગારેટ અગત્યની નથી, બાજુમાં બેઠેલો સની દેઓલ મહત્વનો છે... કલ્પના છે કે, મૂળ તો ડિમ્પલ સ્ટેશને- સ્ટેશને ધૂળજી શોધવા દરદર ભટકતી હશે, એમાં એને સનીમાં 'ધૂળજી-દર્શનથયા હશે... કોઈ 'ધૂળજીમાં સની-દર્શન થયા હશે કે નહિ, તેની બાતમી નથી.'

સારો ધૂળજી બનાવવાની હવે યુનિવર્સિટીઓ શરૂ થશે, તો જ આ દેશની વાઈફો સુખી થશે. સૉરી, ગોરધનો સુખી થશે. યુનિ.ઓએ દેશને તેજસ્વી નાથુ કે સવિતાઓ આપવાના ઍકેડૅમિક- ર્કાર્સીઝ શરૂ કરવા પડશે. આમ કરીશું તો જ આપણને માસ્ટર્સ કરેલા ગણપતો કે ભૂરીબેનો મળી રહેશે. જો આમાં કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. સહુ સ્વીકારશે કે, આજે ભારતમાં એમ.એ.કે ઈવન એમ.બી.એ. કરેલા યુવાનો એટલું નથી કમાતા, જેટલું આપણા હોનહાર મારૂજીસુરેશ કે 'અશોકનામના ધૂળજીઓ કમાય છે. તમે ગણી ગણીને એક એક સંસદ સભ્ય કે ધારાસભ્યોના પહેરવેશ કે પર્સનાલિટી જોઈ જુઓ.. શું આપણો નથ્થુ ગૈરો એ લોકોથી વધુ સોબર ને સ્વચ્છ નથી લાગતો ?.. અને શરીરે મજબુત કેવો ? આપણા વાળો સ્કૂટરને કિક મારવામાં હાંફી જાય છે... જ્યારે મનુજી આપણા આખા ખાનદાનને કિક મારીને મહિના માટે રાજસ્થાન જતો રહે છતાં... હમ કુચ્છ નહિ કહેતે ..! આ તો એક વાત થાય છે !


સિક્સર
-
ચાંદીનો વરખ ચોંટાડેલી મીઠાઈઓ ખરીદતા પહેલા સો-વાર વિચાર કરજો... ટીવી-રીપોટ્સૅમાં ચોખ્ખું બતાવ્યું છે કે, ચાંદીનો વરખ ગાય- બળદના મોંઢામાંથી નીકળતી લાળ, એમના છાણના પોદરાઓમાંથી કે એમના વીર્યમાંથી બને છે. વરખનો તો કોઈ ચોક્કસ સ્વાદ પણ હોતો નથી. !

No comments: