Search This Blog

29/10/2017

ઍનકાઉન્ટર : 29-10-2017

* 'સરકાર-' જેવી બકવાસ ફિલ્મમાં કામ કરીને અમિતાભ બચ્ચને શું પોતાની ગરીમાને બટ્ટો નથી લગાડયો ?
- ફિલ્મ બકવાસ હતી, અમિતાભ નહિ !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* શિક્ષણમાં વ્યાપારીકરણ હોય તો આપણો દેશ પ્રગતિ કેવી રીતે કરી શકે ?
- શિક્ષણ સિવાય કયું ક્ષેત્ર દાનધરમના ધોરણે ચાલે છે ?
(
દીપક એમ. પંડયા, નવસારી)

* અનાથાશ્રમ અને વૃધ્ધાશ્રમને ભેગા કરી દેવામાં આવે, તો વૃધ્ધોને બાળકો અને બાળકોને વડીલો મળી રહે કે નહિ ?
- બે ય બંધ કરાવવા છે ?
(
યોજક કંસારા, અમદાવાદ)

* રાહુલ ગાંધીના લગ્ન થશે જ નહિ... તમે શું માનો છો ?
- એ પરણે કે ન પરણે.... મારા પિતાશ્રીનું શું જાય છે ?
(
અંબાલાલ પ્રજાપતિ, અઢોઇ- ભચાઉ)

* રાહુલ ગાંધી હવે વેદ-ઉપનિષદ ભણવાના છે. આ તો એવું થયું કે બાળમંદિરનું બાળક સર્જરી કરવાનું હોય !
- ભણે તો સારું... તો ખબર પડશે કે, કોંગ્રેસને વેદ-ઉપનિષદ સાથે કોઇ લેવાદેવા નથી.
(
કૃતિ ઠાકર, વડોદરા)

* ડિજિટલ ઈન્ડિયા 'ઍનકાઉન્ટર'માં પોસ્ટકાર્ડ ફરીથી ? સૅટેલાઇટથી પાછું ગાડાયુગમાં?
- આપણાં અંતરિયાળ ગામડાંઓને પણ સૅટેલાઇટની સફર કરાવવી જોઇએ ને ?
(
તાહેરઅલી વાસણવાલા, સુરત)

* ધર્મને નામે પૈસા ખર્ચવા કે માનવસેવામાં ?
- જો મને માનવ ગણતા હો, તો કોઇ પણ પ્રકારનાં દાન સ્વીકારવામાં આવે છે.
(
ધીરજ છેડા, બાંભડાઈ- કચ્છ)

* ઈંગ્લિશનો 'I' કૅપિટલમાં કેમ લખાય છે ?
- આમ. 'I'.
(
જય દેસાઇ, તેજલાવ- નવસારી)

* માણસને પાંખો આપી હોત તો ?
- શહેરોના ટ્રાફિક-જામ જોતાં  તમારું સપનું ખોટું નથી.
(
રાજેશ બારૈયા, બોરડા- તળાજા)

* ખોટાં કામો કરતી વ્યક્તિઓ પકડાય ત્યારે 'મને ફસાવી દેવામાં આવ્યો છે !' એવું શું કામ કહે છે ?
- 'લો... બહુ સારું કર્યું મને પકડીને.. હવે મને હાશ થઇ...!' એવું તો ન કહે ને ?
(
નવિનચંદ્ર મજીઠીયા, કુકાવાવ)

* સંબંધોની તિરાડ પૂરવા કયો સિમેન્ટ વપરાય ?
- પ્રોડક્ટનું નામ તો ખબર નથી, પણ આવું થાય ત્યારે પેલાના મોંઢે સિમેન્ટ ન ચોપડાય ! બા ખિજાય !
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* જો 'સર' એ ખિતાબ હોય, તો અંગ્રેજી ભાષામાં 'સાહેબ' માટે કોઇ શબ્દ ખરો ?
- ખરો ને... 'સાહેબ'.
(
હર્ષવર્ધન સિંહા, વડોદરા)

* IAS કે IPS અધિકારીઓ ઈમાનદારીથી નોકરી કરતા હોત તો દેશમાં ગૂનાખોરી કમ થઇ જાત ને ?
- આ બે જણાએ જ તમારું શું બગાડયું છે ?
(
મોહિત મર્થક, રાજકોટ)

* ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થશે ખરું ?
- આર્થિક ધોરણે પાકિસ્તાન એટલું ખવાઇ ગયું છે કે, ભારત તો જાવા દિયો... એને તિબેટ સાથે ય યુધ્ધ પોસાય એવું નથી.
(
કશ્યપ જોશી, જેતલસર- જેતપુર)

* દિલ તો બધાની પાસે હોય છે, પણ 'દિલવાલે' ફક્ત ફિલ્મોમાં જ કેમ ?
- સસરો દુલ્હનને બદલે બીજો કોઇ માલ ભટકાડી ન દે માટે ચોખવટ કરવી સારી.
(
રહિમ મલકાણી, ભાવનગર)

* અપરિણીત છોકરીને 'કુમારી' કહેવાય, પણ પરણેલા પુરુષોના નામની પાછળ 'કુમાર' કેમ લગાવાય છે ?
- ઘણા પરણેલાઓ હજી કુમારાવસ્થામાં જિંદગી કાઢતા હોય છે....
(
વૃત્તિ અધ્યારૂ, પાટડી- સુરેન્દ્રનગર)

* 'બાહુબલિ' કે બારે મેં આપ કા ક્યા ખયાલ હૈ...?
- બસ... એક બાર મેરે સામને આને દો... એ બાહુબલિ છે તો હું 'પગબલિ' છું.
(
ટી.પાટોળીયા, કરમસદ)

* લગ્ન શા માટે જરૂરી છે ?
- રહેવા દો, ત્યારે !
(
હેમુ ચૌહાણ, ભૂજ)

* સવાલ પૂછ્યા પછી ઘણીવાર ઍડ્રેસ કે ફોન નં. લખવાનું ભૂલી જવાય છે... શું કરવું?
- પછી તમારે કાંઇ કામ કરવાનું હોતું નથી... અમે કરીશું. તમારો સવાલ કૅન્સલ કરીશું.
(
પૂર્વી બારોટ બ્રહ્મભટ્ટ, વડોદરા)

* પોલિટિશિયનો કેમ લાખો અને કરોડોમાં જ વાતો કરતા હોય છે ?
- માત્ર વાતો જ નથી કરતા... એટલાનું કરી પણ બતાવે છે.
(
ડૉ. રવિ દયાણી, વડોદરા)

* અમારા નામની પાછળ શહેર ખોટું છપાયું છે...
- પૂરા ઍડ્રેસ કે મોબાઇલ નંબર વગર સવાલ પૂછનારને આવો સવાલ પૂછવાનો શું અધિકાર ?
(......?
વડોદરા)

* આપની ફૅવરિટ હીરોઇન ડિમ્પલ કાપડિયાની દીકરી ટ્વિન્કલ પણ સૅન્સ ઑફ હ્યૂમરથી ભીંજાયેલી છે..
- હા. એ 'ઍનકાઉન્ટર' નથી વાંચતી.
(
શૈલેષ દુધાત્રા, પૂણે- મહારાષ્ટ્ર)

* આપણી રાષ્ટ્રભાષાનું મહત્ત્વ વધારવા શું કરવું જોઇએ ?
- હવે પ્લીઝ... હિંદીમાં 'ઍનકાઉન્ટર' શરૂ કરવાનું ન કહેતા...
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* આપના જન્મસ્થળ જામનગર વિશે શું માનવું છે ?
- એકાદ અપવાદને બાદ કરતાં ત્યાં મહાન માણસો જ જન્મ્યા છે.
(
મેહૂલ પી. ટોલીયા, જામનગર)

No comments: