Search This Blog

25/11/2011

'હમારી યાદ આયેગી' (૬૧)

ફિલ્મ : 'હમારી યાદ આયેગી' (૬૧)
સંગીત : સ્નેહલ ભાટકર
ગીતો-વાર્તા : કેદાર શર્મા
ફિલ્મની લંબાઇ : ૧૬ રીલ્સ
કલાકારો : તનૂજા, અશોક, માધવી, અનંતકુમાર, આર. દુબે, સુજાતા, વિજય એમ., શિવરાજ

ગીતો 
૧. ફરિશ્તોં કી નગરી મેં મૈં આ ગયા હૂં... મૂકેશ, મુબારક બેગમ
૨. કભી તો પૂરા તોલ પ્રાણી... મુબારક બેગમ અને અન્ય
૩. દિલ તોડ કે જાના હૈ તો કલ હી ચલે જઇયો... સુમન કલ્યાણપુર
૪. સોચતા હૂં મૈં ક્યા, યે ક્યા કિયા મૈંને... લતા-મૂકેશ
૫. જવાં મુહબ્બત હસિન આંખો મેં કિસ લિયે... લતા-મૂકેશ
૬. છેલ છબિલા છોકરા મુઝે લિ ગયા નદિયા પાર... સુમન-રફી
૭. કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આયેગી... મુબારક બેગમ
૮. આંખોં મેં તેરી યાદ લિયે જા રહા હૂં મૈં... મૂકેશ 

અમદાવાદના રેલવે સ્ટેશનની સામે અલંકાર સિનેમા હતું, ત્યાં આજે કોઇ માર્કેટ-બાર્કેટ જેવું બની ગયું છે, પણ '૬૦ની સાલમાં થીયેટરના નવા રૂપરંગ સાથે ફિલ્મ 'જંગલી' આવ્યું, તે પહેલા... સમજો ને, કોઇ '૫૮-'૫૯ની સાલમાં અમે હોઇશું કોઇ ૬-૭ વર્ષના, એટલે જૂની અલંકાર ટૉકીઝમાં (એની ય પહેલા મોટે ભાગે તો એનું નામ 'સરસ્વતિ ટૉકીઝ' હતું... મૅમરી-લૉસ કરવાની મને છુટ્ટી...!!!) પહેલા અમે બાળકો માટે કેદાર શર્માની ટચુકડી (આજની ભાષામાં ૨૦ -૨૦ ક્રિકેટ મૅચો જેવી) બાળકો માટે ખાસ બનાવેલી ફિલ્મ 'જલદીપ', 'હરિયા' અને 'સ્કાઉટ-કૅમ્પ'... કૅન યૂ બીલિવ...? ફક્ત રૂ. ૦.૨૫ પૈસાની ટિકીટમાં જોવા મળતી. આ ત્રણે ફિલ્મો થોડી ઘણી નહિ, ઘણી-ઘણી હજી ય યાદ છે. ખાસ તો એ ફિલ્મોનો હીરો સંસારનું સર્વશ્રેષ્ઠ નામ જીતી લાવ્યો હતો, ''અશોક'' (અહીં તમે સૌજન્ય ખાતર, આ વાંચતા વાંચતા ઊભા થઇને તાળીઓ દ્વારા અભિવાદન કરી શકો છો...!) આ અશોક શર્મા કેદાર શર્માનો દીકરો હતો. ઘણો હૅન્ડસમ અને રૂપકડો. થોડો મોટો થયો એટલે એના ડૅડીએ નૂતનની નાની બહેન તનૂજાને લઇને પહેલી ફિલ્મ બનાવી, તે આ.... 'હમારી યાદ આયેગી'. 

ધેટ્સ ફાઇન... ફિલ્મની વાતો પછી કરીશું, પહેલા કેદાર શર્મા (૧૨ April ૧૯૧૦ - ૨૯ April ૧૯૯૯)ની વાતો વાંચવામાં ય પડતી મૂકાય નહિ, એવી રંગતભરી છે. એક તો, આ માણસનો બહુ મોટો આભાર માનવો પડે, એણે ફિલ્મો દ્વારા આપણને જે કાંઇ આપ્યું છે, એ માટે. ઠેઠ કે.એલ. સાયગલના જમાનામાં અભિનેતા, દિગ્દર્શક, ગીતકાર રહી ચૂકેલા કેદાર શર્માએ રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી, પેલી ખૂબ સુંદર-સુંદર ઝેબ રહેમાન (પ્રીતિબાલા), સંગીતકારો રોશન અને સ્નેહલ ભાટકરની ભેટ એમણે આપી છે. સૈગલના તમે ચાહક હો તો એમના મુલ્કમશહૂર ગીતો, 'બાલમ આયે બસો મોરે મન મેં', 'દુઃખ કે અબ દિન બીતત નાહી' કેદારનાથ શર્માએ લખેલા હતા. ફિલ્મ 'બાવરે નૈન'ના તો એકેક ગીત તમને કંઠસ્થ છે, એટલે 'તેરી દુનિયા મેં દિલ લગતા નહિ, વાપસ બુલા લે'થી માંડીને અશોકકુમાર-મીનાકુમારી-પ્રદીપકુમારવાળી ફિલ્મ 'ચિત્રલેખા' સુધીની કેદાર-સફર મનોહર હતી. એ પણ જોવાની બાદશાહત છે કે, પોતે આવા અર્થપૂર્ણ ગીતકાર હોવા છતાં, 'ચિત્રલેખા'ના ગીતો શુધ્ધ હિંદીમાં હોવા છતાં સાહિર લુધિયાનવી ઉપર વિશ્વાસ રાખીને સાહિર પાસે લખાવ્યા... અને, ભા'...આય...ભા'...આય'.... 'યે પાપ હૈ ક્યા યે પૂન્ય હૈ ક્યા, રીતોં પર ધર્મ કી મોહરેં હૈં. ઈસ લોક મેં ભી અપના ન સકે, ઉસ લોક મેં ભી ક્યા પાઓગે..!' જેવી સુંદર રચનાઓ સાહિરે લખી છે. 

ફિલ્મવાળાઓની આદત મુજબ, હીરો હોય કે દિગ્દર્શક, મજબુત બનાવટની, આકર્ષક અને ટકાઉ હીરોઇનોના પ્રેમોમાં પડવું જ પડે... ના પડે તો, હીરોઇનોની બાઓ ખીજાય એટલે પરંપરા તૂટે નહિ એ ખાતર મૂળ છોકરી જેવો અવાજ અને શરીર ધરાવતા કેદાર શર્મા ગીતા બાલીના પ્રેમમાં પડી ગયા. (ગીતામાં અક્કલ હતી, એટલે પછી તો એ શમ્મી કપૂરને પરણી, એ તમે જાણો છો.) ગીતા બાલીને પણ પ્રેમમાં ઘસડી લાવવા માટે પહેલી વાર કેદારે જ ફિલ્મ 'સુહાગન'માં એને હીરોઇન બનાવી. આ ફિલ્મ મારા ઘેર પડી છે... અને કેદાર શર્માના સોગંદ... પૂરી ૨૦ મીનિટ પણ જોઇ ન શકાય, એવી કન્ડમ ફિલ્મ છે. 

ઇન ફૅક્ટ, કન્ડમ ફિલ્મો જ બનાવવાની કેદાર શર્માને સૉલ્લિડ ફાવટ આવી ગઇ હતી. ઇવન ભલે રાજ કપૂરને પહેલી વાર હીરો તરીકે એમણે જ 'નીલકમલ'માં ચમકાવ્યો- આ આપણી મધુબાલા સાથે, પણ ફિલ્મ એક ત્રાસ હતી. મેં જોઇ છે એટલે કહું છું. એટલે પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા એમણે 'હમારી યાદ આયેગી' બનાવી, જે સૌથી વધુ કન્ડમ હતી, એમાં મેં નવું શું કીધું? આ તો એક વાત થાય છે. પણ, પણ... પણ મૂળ મધુબાલામાં ન ફાવ્યા તો ગીતા બાલીમાં રોકાણ કરી જોયું, ત્યાં ય અરજી પાછી આવી એટલે પોતે બનાવેલી ફિલ્મોમાં હીરો ચારે બાજુથી રીજૅક્ટ થતો હોય, એ વાત બધી વાર્તાઓમાં કૉમન રહી. મોટે ભાગે, પરણેલો પુરૂષ બહારના રોકાણોમાં નિષ્ફળ જાય, ત્યારે બહુ ધુંધવાતો હોય, દુઃખી દુઃખી થઇને ફરતો હોય, લેંઘાનું નાડૂં ય ફીટ ના બાંધ્યું હોય અને સલૂનમાં ગયા પછી ય ભૂલી જાય કે, દાઢી મારે કરાવવાની છે કે બીજા કોઇની કરી આલવાની છે...! લેખનો આ હિસ્સો આત્મકથાનો ભાગ નથી, પણ લગ્ન માટે કૂંવારાઓ બાબતે કહેવાય છે કે, 'લગ્ન ના કર્યા હોય પણ જાનમાં તો ગયા હોઇએ ને...?' એમ અમે કાંઇ કર્યું ન હોય, પણ બીજાઓને જોઇને જીવો તો બાળ્યા હોય ને...? આ તો એક વાત થાય છે!) 

એટલે કેદારનાથ શર્માની પર્સનલ નિષ્ફળતાઓ એમની ફિલ્મોમાં ડોકાતી હતી એટલે એમણે જે આત્મકથા લખી, એનું ટાઇટલ બહુ સૂચક રાખ્યું The One And Lonely, KIDAR SHARMA. 

એમનો પુત્ર અશોક સ્માર્ટ અને હૅન્ડસમ બેશક હતો, પણ હીરો-મટીરિયલ નહતો, એટલે ફક્ત ઘરમાં જ ચાલ્યો. તનૂજાને પણ હીરોઇન તરીકે આ પહેલો બ્રેક મળી રહ્યો હતો. આજે આ ફિલ્મ જુઓ તો, તનૂ માટે રીસ્પૅક્ટ થાય કે, સાવ કૂમળી વયની હોવા છતાં ઍક્ટિંગ એને માટે સાવ સાહજીક હતી. મમ્મી શોભના સમર્થ હોય અને સગી બહેન નૂતન હોય, પછી સુપુત્રી કાજોલ જેવી હરકોઇ ઍન્ગલથી બેનમૂન અભિનેત્રી બને, એમં આશ્ચર્યો ફક્ત સુખદ જ થાય. આજ સુધીની તમામ હીરોઇનોમાં ગીતા બાલી અને તનૂજાની બરોબરીની બીજી કોઇ હીરોઇન આવી હોય તો એક માત્ર કાજોલ જ. 

બાકી તો ફિલ્મ 'હમારી યાદ આયેગી'માં બીજી ય એક સાઇડ-હીરોઇન હતી, માધવી. ફાલતુ ઍક્ટ્રેસ હોવાને કારણે ક્યાંય ચાલી નહિ અને છેવટે ભપ્પી સોની નામના દિગ્દર્શક સાથે થૂઇ-થપ્પા કરી લીધા, એટલે કે પરણી લીધું. આમ તો, આ ભપ્પી સોની ય એક જમાનામાં સફળ નામ હતું, ખાસ કરીને શમ્મી કપૂરવાળી ફિલ્મ 'બ્રહ્મચારી' એમણે બનાવી હતી. એ પહેલા ય શમ્મી સાથે જ 'જાનવર' (જેમાં પોપટલાલ-રાજેન્દ્રનાથની પ્રેમિકા આ માધવી બને છે!), 'જવાં મુહબ્બત' અને ધર્મેન્દ્ર સાથે 'તુમ હંસિ, મૈં જવાં', 'પ્યાર હી પ્યાર' અને 'ઝીલ કે ઉસ પાર' બનાવી. જેમાં રફી સાહેબનું મારૃં લાકડું ગીત 'ચાંદની રાત મેં યૂં દિલ કો ચુરા કે તો ન જા' શશી કપૂર પર ફિલ્માયું હતું... ભલે કલ્યાણજી-આણંદજીએ બનાવ્યું હોય...! પણ એક ઘણી સારી કૉમેડી 'એક ફૂલ ચાર કાંટે' (સુનિલ-વહિદા) પણ ભપ્પી સોનીની જ દેન છે. 

ભપ્પી સોની અને માધવીની સુપુત્રી 'સાગરિકા સોની' જાણીતી મૉડેલ છે. 

આ કૉલમમાં આપણે 'હમારી યાદ આયેગી'ને બંડલ ફિલ્મ કહી દીધી અને અગાઉ પણ આવી ફાલતુ ફિલ્મો વિશે લખીએ છીએ, તો પ્રશ્ન થાય કે જાણવા છતાં આવી ફિલ્મો વિશે લખવાનો ઈરાદો શું

ઘણીવાર આપણને જોર ચઢે છે બંડલ ફિલ્મોના બેનમૂન સંગીત અને ગીતોથી. આ લો ને... અત્યારે પૅપર ફોડી દીધું કે, 'હમારી યાદ આયેગી' ફાલતું ફિલમ જ હતી, છતાં ય એ જ ફિલ્મના ગીતો જરી યાદ તો કરી જુઓ...! ઉપર લખેલા છે, એટલે રીપિટ નથી કરતો, પણ પૂરી સાનભાન સાથે કહી રહ્યો છું કે, મેં સાંભળેલું આજ સુધીનું સર્વોત્તમ ગીત આ ફિલ્મનું મૂકેશજીએ ગાયેલું, 'ફરિશ્તોં કી નગરી મેં મૈં આ ગયા હૂં...' છે. અફ કૉર્સ, મારી પસંદ-નાપસંદ સાથે વાચકોને લેવા-દેવા ન હોય, પણ આ ગીત હું કદી ય સાંભળતો એટલા માટે નથી કે મારે એનો ચાર્મ બરકરાર રાખવાનો છે. ઘરમાં તો વર્ષોથી ડાયમંડ નૅકલેસની માફક સચવાયેલું પડયું હોય, પણ આ સમજ મારી છે કે, મને ખૂબ જ ગમતા ગીતો સાંભળવાના જ નહિ... સિવાય કે, મન બહુ ભરાઇ આવ્યું હોય ત્યારે એકાદ વાર સાંભળી લેવાથી વર્ષો જૂનો ઊભરો બહાર નીકળી જાય. સંગીતકાર સ્નેહલ ભાટકરને મૂકેશ ખૂબ ગમતો હતો, એટલે એમની ફિલ્મોમાં ક્યાંક તો મૂકેશ હોય જ... ઇવન, વર્ષો પહેલાની એમની ફિલ્મ 'ઠેસ'માં મુહમ્મદ રફી સાથે મૂકેશનું યુગલ ગીત 'બાત તો કુછ ભી નહિ, દિલ હૈ કે ભર આયા હૈ..' તો જેણે સાંભળ્યું હોય, એને માટે સિંહાસન સાતમા આસમાને મૂકાવવું પડે. ઇવન આ ફિલ્મ હમારી યાદ આયેલી'માં પણ લતા સાથેનું યુગલ ગીત, 'સોચતા હું યે ક્યા...'માં મૂકેશ કેવી જમાવટો કરે છે! સંપૂર્ણ ગાંધીવાદી સંગીતકાર સ્નેહલ ભાટકરે પૂરી કરિયરમાં સંગીત તો ફક્ત ૧૯ ફિલ્મોમાં જ આપ્યું છે અને ખાસ કાંઇ સફળ બી નહોતા, પણ કેદાર શર્માની જ ફિલ્મ 'ફરિયાદ'ના ગીતો આલા-દરજ્જાના હતા કે નહિ? પેલું ઝગડમ-ઝગડીવાળું મહેન્દ્ર કપૂર-સુમન કલ્યાણપુરવાળું, 'વો દેખો દેખા દેખ રહા થા પપીહા... પપીહા... પપીહા... પપીહા... પપીહા... પપીહા'વાળું ગીત, સુમનનું જ 'હાલે દિલ ઉનકો સુનાના થા, સુનાયા ન ગયા' અને રફી-સુમનનું 'તેરે દમ સે મેરી મેરે મેરે તેરે દમ સે તેરી જીંદગાની... જીંદગાની... જીંદગાની'વાળું ગીત. સ્નેહલે તો સ્વયં નૂતન પાસે અને હેમંતકુમાર પાસે ફિલ્મ 'છબિલી'માં કેવા મધુરા ગીતો ગવડાવ્યા હતા, 'લહેરોં પે લહેર, ઉલ્ફત હૈ જવાં...

અગાઉ ફિલ્મનું નામ 'જવાં મુહબ્બત' રાખવામાં આવ્યું હતું અને ફિલ્મના બે-ત્રણ ગીતોની ૭૮ rpm રૅકોર્ડ્સ્ એ નામે જ બહાર પડી હતી. પછી મુબારક બેગમનું ગીત 'કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આયેગી...'ના રીહર્સલો થતા હતા, ત્યારે સંગીતકાર સ્નેહલ ભાટકર અને નિર્માતા કેદાર શર્માને ખ્યાલ આવી ગયો હતો કે, આ ગીત સુપરહિટ જવાનું તય છે. ત્યાં સુધીમાં ફિલ્મ 'જવાં મુહબ્બત'ને નામે રૅકોર્ડ્સ ભલે બહાર પડી ગઇ... બાકીના ગીતોમાં ફિલ્મનું હવે બદલેલું નવું નામ, 'હમારી યાદ આયેગી' જ રાખીશું. 

સ્નેહલનો છોકરો રમેશ ભાટકર અગાઉ 'કમાન્ડો' કે એવા કોઇ નામ વાળી ટીવી-સીરિયલમાં આવતો હતો. 

અમોલ પાલેકર ફૌજી ભાઇયોં કા વિશેષ જયમાલા કાર્યક્રમમાં આવ્યો ત્યારે એક રસિક વાત કરતો ગયો હતો કે, નાનપણથી રેડિયો ઉપર ફિલ્મી ગીતોમાં સંગીતકાર સ્નેહલ નામ સાંભળું, એટલે એ કોક સુંદર સ્ત્રી હશે, એમ સમજીને મનોમન એમના પ્રેમમાં પડી ગયો હતો, પછી ખબર પડી એટલે...! 

ઇન ફૅક્ટ, સ્નેહલ એમની દીકરીનું નામ છે. એમનું પોતાનું નામ તો વાસુદેવ ભાટકર હતું, એટલે કેદાર શર્માએ બનાવેલી રાજ કપૂર-મધુબાલાવાળી ફિલ્મ 'નીલકમલ'માં ભાટકરનો 'બી' લઇને સંગીતકાર તરીકે નામ, 'બી. વાસુદેવ' રાખ્યું હતું. એ ફિલ્મમાં આપણા ગુજરાતી ગાયક નીનુ મજુમદાર અને અનિલ બિશ્વાસના બીજી વારના ઘરવાળા અને ગાયિકા મીના કપૂર પાસે જે ભજન ગવડાવ્યું, ''આઇ ગોરી રાધિકા, બ્રીજ મેં બલખાતી, બલી બલી જાઉં, ક્રિશન કન્હાઇ...'' એના રાગ-ઢાળ સાથે રાજ કપૂરે પૂરેપૂરૃં 'સત્યમ શિવમ સુંદરમ'માં ઉઠાવીને મૂકી દીધું હતું. હવે 'યશોમતિ મૈયા સે પૂછે નંદલાલા...'ના રાગમાં આ 'આઇ ગોરી રાધિકા...' ગાઓ, એટલે તમે વગર સાંભળે ૭૦ વર્ષ પહેલાનું ગીત પરફૅક્ટ ગાયું કહેવાય! 


ફિલ્મ વિશે બહુ કાંઇ વાત કરવા જેવી નથી. કેદાર શર્માનું નામ બહુ ફખ્ર સાથે ભંગાર ડાયરેકટરોના લિસ્ટમાં મૂકાય. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો બનાવતા હોવા છતાં એમને લાઇટિંગ કે કૅમેરાના 'ટૅકિંગ'નું બહુ ભાન પડતું હોય, એવું તો ક્યાંય દેખાતું નથી. કૅમેરા એક જ સ્થાને યથાવત રહે, ફિલ્મના પડદે ગાનાર હીરો-હીરોઇન ફ્રૅમમાંથી બહાર નીકળ્યા વગર આખું ગીત પૂરૂં કરી લે, એવું તો સંવાદોમાં ય અનેક ઠેકાણે બન્યું છે. પોતાની ફિલ્મોમાં પોતાનો પર્સનલ-ટચ આપો, એમાં તો ખુદ રાજ કપૂરે ય નિષ્ફળ ગયો હતો, ત્યાં આ લોકો તો બિચારા કેટલું દોડે? કાઢવો જ હોય તો એક સારો ગુણ નીકળે કે, કેદાર શર્માને વાર્તા કહેતા સરસ આવડતી હતી, એટલે ફિલ્મ જોતી વખતે બહુ સરળતાથી વાર્તાનો ફ્લો વહે રાખે... ક્યાંય કશો ગુંચવાડો નહિ, એટલે ફિલ્મ જોવાનો કંટાળો સહેજ પણ ન આવે.

23/11/2011

ગિફ્‌ટમાં ઘોડો...?

દસ્તૂર થઇ ગયો છે કોઇને ત્યાં જઇએ એટલે ખાલી હાથ ન જવાય! કંઇક તો લઇ જ જવું પડે. આ ‘કંઇક’માં હું તો મારા સમ્રાટના બાળકો સિવાય કાંઇ લઇ જતો નથી, એમાં છાપ બગડે છે. ‘આ લ્લે લે... આ તો હાવ ખાલી હાથે આયા..!!!’ એવા ત્રણ આશ્ચર્ય ચિહ્નો એમના ચેહરાઓ ઉપર દેખાય.‘‘આમને એમ પણ ન થાય કે, કોકને ઘેર જઇએ છીએ તો છેવટે છોકરાઓ માટે કંઇક લેતા જઇએ..??’’ એવા બે વધારાના પ્રશ્નાર્થ ચિહ્‌નો અમને પાણી પિરસતી વખતે દેખાય. બીક લાગે કે, પાણી આપણા મોંઢા ઉપર તો નહિ ઢોળે ને? 

ખાલી હાથ નહિ જવાનું આ કલ્ચર હમણાં-હમણાંનું ઊભું થયું છે... મેહમાનો આવે ત્યારે આઇસ્ક્રીમ, ચોકોલેટસ, મીઠાઇ કે અન્ય કોઇ ગિફ્‌ટ હસતા-હસતા સાથે લેતા આવે ને આ લોકો હસતા-હસતા, ‘‘ઓહ... આની શી જરૂર હતી..’’ એવું પાછું હસતા હસતા ખરખરો કરતા હોય, એમ બોલે. આમ તો, ‘આની ‘જ’ જરૂર હતી’ એવું એ લોકો જાણતા હોય છે. 

મહેમાનગતિને આ લોકોએ પૉટલૉગ બનાવી દીધી છે. કોઇએ જમવા બોલાવ્યા હોય, ત્યાં આપણે તો કાંઇક લેતા જ જવાનું.. ભલે પછી એમના ફ્રીજમાં પડયું રહે. હું આવી ગીફ્‌ટ -સ્કૂલનો વિદ્યાર્થી નથી. સાવ મિડલ-ક્લાસનો માણસ હોવાથી મને પોસાતું પણ નથી કોઇના ઘરે ‘ભરેલે’ હાથે જવાનું. તમે કાંઇ પણ લઇ જાઓ, એ મિનિમમ રૂ. ૨૦૦-૩૦૦થી ઓછું તો હોવાનું નથી! જ્યાં જઇએ ત્યાં દર વખતે આવા ૨૦૦-૩૦૦ ના પોસાય, ભ’ઇ... અમારામાં તો બા ખીજાય! એ લોકોએ પણ નાસ્તા-પાણી બનાવ્યા હોય છતાં આપણે કાંઇક ને કાંઇક લઇ શું કામ જવાનું? ઓહ.. કદાચ એ લોકોના ઘરમાં ખૂટી પડે, એવો આપણને ડર હોય...? કદાચ, એમને ઘેર આપણો નાસ્તો આપણે જ લઇ જવાની સીસ્ટમ હોય તો? કદાચ દર વખતની જેમ, એમના ઘરનું બનાવેલું આપણા મ્હોમાં ય પેસે નહિ એવું હોય તો? કે પછી સારા નાસ્તા-પાણી કોને કહેવાય, એ બતાવી આપવા આપણે કંઇક સાથે લેતા જતા હોઇશું? 

.... તારી ભલી થાય ચમના... ત્યાં તું નાસ્તા-પાણી ઉડાડવા નથી જતો... મળવા બે ઘડી હળવા જાય છે, પછી શેના આ બધા ફતૂર માંડયા છે..? પંખો ચાલુ કર ચમના..! 

ઇન ફેક્ટ, ‘ખાલી હાથ’ નહિ જવાનું કારણ એ નથી કે, શિરસ્તો છે માટે લઇ જવું પડે... મનમાં ડર એ હોય છે કે, એ લોકોએ આટલું બઘું બનાવ્યું છે, એટલે સામું આપણે પણ કંઇક ‘વાળી આપવું જોઇએ’’.. હાં, યે બાત હૈ..! અમે તમારૂં ખાઇને બેસી રહીએ એવા નથી.. કે પછી, ‘‘અમે કાંઇ ભૂખાવડાઓ નથી..!’’ એવો ડર પણ બધાના નહિ તો ઘણાના મનમાં હોય છે. ગુજરાતીઓને ખર્ચાનો કે બગાડનો કોઇ વાંધો હોતો નથી. પણ સામસામું બતાઇ આપવાના ઝનૂનો બધાને ઉપડતા હોય છે. ‘આપણે એ લોકોને ત્યાં જમી આયા... હવે સાલાઓને આવવા દો આપણે ઘેર... બઘ્ઘું બતાઇ દેવું છે કે, અમે ય કોઇ ગેંગેં-પેંપે નથી.. અમારા ઘરમાં ય સેવન-કોર્સ ડિનર હોય છે...!’ 

લો કલ્લો બાત...! એક બાજુ સૅવન-કોર્સ ડિનર જમવા જતા હોઇએ ને બીજી બાજુ, સાથે ૨૦૦-૪૦૦ની ગિફ્‌ટ પણ લેતા જવાનું! હું ક્યારેય કોઇના ઘેર આવી કોઇ ગિફ્‌ટ લઇને જતો નથી, જેને જે માનવું હોય તે માને... અફ કોર્સ, મને પણ મારા ઘરે આવતું કોઇ ગિફ્‌ટ લાવે, એ પસંદ ન જ હોય... 

...ને તો ય, એક વાચક બહુ ખુશ થઇને મારા માટે ગિફ્‌ટમાં જીવતેજીવતો ઘોડો લઇને આવ્યા. મારા હાથમાં ઘોડાની ગિફ્‌ટ પેક કરેલી લગામ પકડાવતા બોલ્યા, ‘‘સાવ ખાલી હાથે તો તમારે ત્યાં ન અવાય ને?’’ 

મારી નોકરી બરોબર નહિ ચાલતી હોય ને જરૂર પડે તો શહેરમાં હું ઘોડાગાડી ફેરવીને પેટીયું રળી શકું, એવો કોઇ પવિત્ર હેતુ તો એમનો ન લાગ્યો. દેખાવ ઉપરથી એમણે મને શહેનશાહ અશોક ધારી લીધો હોય એવું મને જોયા પછી બનવા જોગ નથી. ઇતિહાસમાં મારા ૩૯ માર્કસ આવ્યા હતા, એટલે મને મારા પૂરતા ઇતિહાસમાંથી હું એટલું જ શીખ્યો હતો કે ઘોડા ઉપર શહેનશાહો શોભે. મને નજરે જોનારાઓ જાણે છે કે, હું ઘોડા ઉપર તો જાવા દિયો... હિંચકે બેઠેલો ય શોભતો નથી. 

ના-ના કરવા છતાં ગિફ્‌ટનો ઘોડો સ્વીકારવો તો પડયો, તો પણ સવાલ એ ઊભો થયો કે, એને અમારા ચોથે માળે કેવી રીતે લઇ જવો? તાસિર દરેક ઘરની કોઇ નવી વસ્તુ આવે, એટલે જોવાનું બધાને મન થાય. પણ પ્રેક્ટીકલી, ઘોડો કે BMW કાર પણ લીધી હોય, એને ચોથા માળે લઇ ન જવાય... લોકો વાતો કરે! ફ્‌લેટોમાં લોખંડના કબાટો ચઢાવવાના આવે છે, ત્યારે, મજૂરીયાઓ દોરડા બાંધીને બાલ્કની-માર્ગે સિધાવે છે.. આઇ મીન.. ફ્‌લેટની બહારથી બાલ્કનીના રસ્તે દોરડા વડે કબાટને ખેંચીને ઉપર લાવે છે. પણ એમ કાંઇ થોડો ઘોડાને પણ ચારે બાજુથી મુશ્કેટાટ બાંધીને ઉપર ખેંચી લેવાય છે? બીજો સવાલ મારી આખી સોસાયટીને થયો કે, બીજું બઘું તો ઠીક છે, પણ અશોક દવે આ ઘોડો ‘પાર્ક’ ક્યાં કરશે? મને આવો સવાલ ન થયો કારણ કે હું તો મારી ગાડી પણ પાર્કિંગને તબેલો માનીને ગમે ત્યાં પાર્ક કરી દેતો હોઉં છું. (સ્પષ્ટતાઃ ‘ગાડી’ એટલે ઘોડાગાડી નહિ, કાર સમજવાની છે.. સ્પષ્ટતા પૂરી) ફ્‌લેટવાળા તો બધાનો નકરો વિરોધ જ કે, તમે હાથી લાવો કે ઘોડા-ગધેડા લાવો; પાર્કિંગમાં પોદળાં નહિ પાડવા દઇએ, ઘાસના ઢગલે ઢગલા નહિ જોઇએ, અડધી રાત્રે ઘોડા હણહણવા નહિ જોઇએ અને ચોથી શરત તો ભયાનક હતી.. ઘોડાની સાથે ઘોડી લાવવા નહિ દઇએ...! 

હું ય માણસ છું અને મારા ય કેટલાક સપનાં હોઇ શકે છે. પેટ્રોલના આ મોંઘાદાટ જમાનામાં ગાડીને બદલે હું ઘોડો વાપરૂં તો ઓફિસે ઘોડા ઉપર બેસીને જતો હોઉં, ટ્રાફિકના રેડ-સિગ્નલ વખતે શિસ્તબદ્ધ રીતે ઊભો રહી જાઉં, રોંગ-પાર્કિંગમાં એકાદ-બે વખત મારૂં અને ઘોડાનું નામ લખાય, થોડા પૈસા કમાઉં, તો ઘોડાનો ય ડ્રાયવર રાખું, એના મ્હોં પાસે મારા હાથમાં ઘાસનો પૂળો પકડીને ફોટા પડાવું... (આમ પાછો કોકની સાથે ઊભા રહીને ફોટા પડાવું ત્યારે સારા આવે છે!... મારા એકલાના ફોટા સારા નથી આવતા!) 

ગિફ્‌ટમાં ઘોડો આપનારની નિષ્ઠા પ્રત્યે મને ડાઉટ પડયો કે, સાલાએ કોઇ જૂની દાઝો કાઢવા તો મને ઘોડો નહિ આપ્યો હોય ને? ગાય હોય તો દૂધો ય દોહીને પીવાય. મને નોલેજ છે ત્યાં સુધી ઘોડાઓ દૂધ નથી આલતા. પોપટ ગીફ્‌ટમાં આપ્યો હોય તો ઘરમાં કોઇ તો ‘રામરામ’ બોલે! ગિફ્‌ટમાં આવેલો કૂતરો મને ગમે ખરો પણ કહે છે કે, દર અઠવાડિયે એને બ્રિડિંગ કરાવવા કોકને ત્યાં લઇ જવો પડે.... અહીં આપણા જીવો બળે! આપણે ઘરમાં થૂઇ-થપ્પા રમવાના ને ઘોડાને સ્પેશિયલી બહાર લઇ જવાનો?... કોઇ પંખો ચાલુ કરો! એક દોસ્તે મને મસમોટુ વૉલ-પેન્ટીંગ ગિફ્‌ટમાં આપ્યું, એમાં અમારૂં આખુ ફેમિલી ટેન્શનમાં આવી ગયું કે, એ કૃતિ લટકાવવા માટે ભીંત ક્યાંથી લાવવી? આ લોકો ગિફ્‌ટમાં પેઇન્ટિંગોની સાથે ભીંતો નથી આલતા હોતા, એમાં બા ખીજાય કે નહિ? ખાસ પેઇન્ટિંગ મૂકવા માટે અમારે ઘરની બહાર એક ભીંત ચણાવવી પડી... એમ કાંઇ મોંઘા ભાવની ગિફ્‌ટો માળીયે મૂકી દેવાય છે કાંઇ? 

એ તો ત્રણ મહિના પછી એમનો (ગિફ્‌ટમાં ઘોડો આપનારનો) અકળાઇને ફોન આવ્યો ત્યારે ખબર પડી કે લોચો મરાઇ ગયો છે.. મેં વળી જાતના ખર્ચે ટ્રક ભાડે કરીને વૌઠાના મેળામાં એ ઘોડો હજાર રૂપિયામાં વેચી નાંખ્યો, એની એમને ખબર પડી એટલે ગિન્નાયા કે, ‘‘આઠ લાખનો ઘોડો તમને ગિફ્‌ટમાં આપ્યો હતો, એ તમે હજાર રૂપરડીમાં વેચી નાંખ્યો, એ તો હું ચલાવી લઇશ.. પણ.. પણ.. દવે સાહેબ, વૌઠામાં ગધેડાનો મેળો ભરાય છે, ઘોડાઓનો નહિ, એટલી ય તમને ખબર નથી પડતી???’’ 

(એ તો અકળાઇ-અકળાઇને મારા ઓળખિતાઓને ખાનગીમાં કહેતા હતા કે, ‘‘વૌઠાનો બીજો મેળો આવવા દો...બારોબાર અશોક દવેનો સોદો કરી ન નાખું તો મને ફટ્ટ કહેજો..! જેને ઘોડા-ગધેડામાં ય ખબર પડતી ન હોય એને તો...’’)

સિક્સર
I can not, but laughનો ગુજરાતી અનુવાદ શું થાય?

20/11/2011

ઍનકાઉન્ટર : 20-11-2011


* સાસુ-વહુનો સંબંધ હંમેશા વિવાદાસ્પદ કેમ રહ્યો છે?
- કઈ સાસુ એના જમાઇને ખરેખર દીકરા જેવો ગણે છે?
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* વાઈફોથી કોણ નથી બીતું?
- પત્નીની સુંદરતાથી અંજાયા વગર પોતાને પણ મૂલ્યવાન ગણે એવા ગોરધનો.
(માનસી હિમાંશુ ચૌહાણ, આણંદ)

* ઓસામા મરે કે બાબા રામદેવ અનશન કરે, મીડિયાકર્મીઓ મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર કે શબાના આઝમીઓ પાસે શેના માટે દોડી જતા હશે?
- અરે એ રીતે, આવા દંભીઓ ખુલ્લા તો પડે છે.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* દુઃખમાં માનવી ઇશ્વરને પ્રાર્થના કરે છે... સુખમાં કેમ નહિ?
- દુઃખ લાંઆઆઆ...બું ચાલે....! સુખ ઘડી-બે ઘડીનું હોય. માંડ મળ્યું હોય, એ પ્રાર્થનાઓમાં વેડફી નાંખે તો ભોગવવાનું ક્યારે?
(ઝુલ્ફિકાર એ.રામપુરાવાલા, મુંબ્રા-મુંબઈ)

* પિતાના પૈસા જતનપૂર્વક વાપરનાર છોકરી પરણ્યા પછી, એના ગોરધનના પૈસા વેડફવામાં શાથી અતિનિર્દય થઈ જાય છે?
- ડોબા ગોરધનો માટે આ સંસારમાં કોઈ જગ્યા નથી.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* શું ‘એનકાઉન્ટર’માં સવાલ પૂછનારનું નામ સવાલ પછી મૂકાય, એ વધારે સાર્થક ન કહેવાય?
- ના. હ્યૂમરની મઝા એના ટાઈમિંગમાં છે. કન્ટીન્યુટી ખાતર સવાલ પછી તરત જવાબ આવે ને ગૅપ ન પડે, એની મઝા હોય છે.
(મનસુખ રામજીભાઈ પ્રજાપતિ, પાલનપુર)

* વચમાં, ‘ઍનકાઉન્ટર’ની જગ્યાએ કોઈ મૉલનું ‘કાઉન્ટર’ ખૂલવાની જા.ખ. હતી!!!
- લોકોને એ દિવસનું ‘ઍનકાઉન્ટર’ ખૂબ ગમ્યું હતું...!
(પ્રો. આનંદ નિકેતન, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, કૉલેજકાળ દરમ્યાન તમે બહુ રૉમૅન્ટિક હતા?
- વૉટ ડૂ યૂ મીન... ફક્ત કૉલેજકાળ દરમ્યાન...??
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)



* હું સાસરામાં સેટ તો થઈ ગઈ છું, પણ કામ અંગે મહેણાં-ટોણાં સાંભળવા મળે છે. શું કરવું?
- આમાં પર્સનલી હું હલવઇ જઉં એમ છું... તમને કોઈ ટીપ્સ આપું, એ હકી વાપરી લે તો...
(શ્રીમતી આરતી નાણાવટી, રાજકોટ)

* તમને સંયુક્ત કુટુંબ ગમે કે બસ... પતિ-પત્ની અને બાળકોવાળું...?
- એનો આધાર તમે મને કયું કુટુંબ સોંપવા માંગો છો, એની ઉપર છે.
(હર્ષા ઈલેશ ઝવેરી, મુંબઈ)

* એ વાત સાચી કે, ટાલ પડવા માંડે ત્યાં પૈસા આવવાની શરૂઆત થાય?
- મેં તો હજી સુધી કોઈ ગરીબ ટાલીયો જોયો નથી!
(અરવિંદ ઠક્કર, મુંબઈ)

* પહેલાના જમાનામાં તો તપશ્ચર્યા કરવાથી પ્રભુ પ્રસન્ન થઈને દર્શન દેતા... હવે કેમ નહિ?
- એ પ્રભુઓ દર્શન દેવા ન આવે એમાં જ ભલાઈ છે... ક્યાંક સામેથી આપણા દર્શન કરવા આપણને ઉપર બોલાવી લે, એ ધંધો વાયડો પડે!
(સ્મિતા શૈલેષ કોઠારી, મુંબઈ)

* ઘરના પ્રસંગે વ્યવહાર ખાતર પણ અણગમતા સંબંધીઓ કે મિત્રોને આમંત્રણ આપવા જવાનું હોય ત્યારે કેવી લાગણી અનુભવો છો?
- સૉરી... હું એટલો બધો ઢીલીયો-પોચીયો નથી. મારે ત્યાં ફક્ત મને ખૂબ ગમતા લોકોને જ આમંત્રણ મળે!
(રવિન્દ્ર નાણાવટી, રાજકોટ)

* રામ-સીતાના મંદિરમાં હનુમાનજી હોય જ, પણ હનુમાનજીના મંદિરમાં રામ-સીતા કેમ નહિ?
- મારા સાસરે મારો ફોટો ટીંગાડેલો છે, પણ મારા ઘરમાં સસુરજી ને સાસુના ફોટા નથી... યે આરામ કા મામલા હૈ...!
(જાગૃતિ એ. ઠક્કર, મુંબઈ)

* ૭૨-ની ઉંમર પછી કાર ન ચલાવી શકાય, પણ સરકાર ચલાવી શકાય...! સુઉં કિયો છો?
- હા. જે મહિલાને જાતે ગાડી ચલાવતા આવડતી ન હોય, તે ૮૦-પ્લસના ડ્રાયવરને ગાડી સોંપી શકે, તો સરકાર તો ક્યા ચીજ હૈ...?
(એન.એમ. ઠક્કર, જામનગર)

* આંખે ઓછું દેખાય તો ચશ્મા પહેરાવાય, કાને ઓછું સંભળાય તેને મશિન મૂકાવાય, પણ મગજમાં પાવલી/આઠ આના ઓછા હોય, એને શું કરાય?
- એને દેશ ચલાવવા આપી દેવાય!
(મોના જગદિશ સોતા, મુંબઈ)

* અચાનક ભગવાન તમારી સામે આવીને ઊભા રહે, ને તમને કાંઈ માંગવાનું કહે તો શું માંગો?
- અત્યાર સુધી જે કાંઈ માંગ્યું છે, એમાંનું કંઈક તો આપો, આ બ્રાહ્મણને!
(ભક્તિ મેહુલ કારીયા, મુંબઈ)

* મરહૂમ રફી સાહેબ વિશે એક વાક્યમાં કહેવું હોય તો શું કહો?
- ફક્ત, ‘‘રફી’’ એટલું બોલો, એમાં ય સંગીતના પૂરા ગ્રંથ વિશે તમે બોલ્યા કહેવાઓ!
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* અગાઉ દીકરીને રસોઈ બનાવતા કેવી આવડે છે, એ પૂછાતું... હવે ભણી છે કેટલું, એ પૂછાય છે...!
- હવે એ અમારા ઘરમાં ‘ટકશે કેટલું?’ એ ય પૂછાશે.
(છાયા આશિત કોટક, મુંબઈ)

* સ્વ. પ્રિયકાંત પરીખની વિદાય વિશે કાંઈ કહેશો?
- એમની જેટલી તોતિંગ સંખ્યામાં સન્માન્નીય વાચકો મેળવવાનું તમે ફક્ત સપનું જોઈ શકો... બાકી તો ઈર્ષા કરવી જ સહેલી પડે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

*  (............)
- મહાત્મા ગાંધી મારા માટે પરમેશ્વરથી ય વઘુ મહાન છે... એમના વિશે કોઈપણ પ્રકારનો હળવો પ્રશ્ન પૂછવાની ય કોઈને છૂટ નથી, સ્ટુપિડ!

* બ્યુટી-પાર્લરમાં સુંદર સ્ત્રીઓ તૈયાર થતી હોય, એ જ વખતે ભૂકંપનો આંચકો આવે તો શું થાય?
- તારી ભલી થાય, ચમના...! પાર્લરમાં તૈયાર થતી જગતની કોઈપણ સ્ત્રી (એ વખતે) તો જોવી ય ન ગમે, એવી કદરૂપી દેખાતી હોય છે... ભલે આંચકા આવતા...! કોઈ પંખો ચાલુ કરો!
(મઘુકર પી. માંકડ, જામનગર)

* બલિનો હંમેશા બકરો જ હોય, કોઇ સિંહ કે વાઘ કેમ નહિ?
- આપણે ત્યાં એક સરદાર માટે પણ આ કહેવાય છે... સિંહ હોવા છતાં!
(રમીલા પ્રહલાદ રાવલ, રાજપિપળા)

16/11/2011

ટ્યુબલાઈટ

મારામાં નિર્ણયશક્તિનો અભાવ છે. અમારે જ્યાં મકાન બદલવાની જરૂર હતી, ત્યાં હું ટ્યુબલાઈટ બદલવા ટેબલ ઉપર ચઢ્‌યો હતો. જીવનમાં ઉન્નતિ મને ગમે છે, પણ ટેબલ પર ચઢીને બોલતી ઉન્નતિ નહિ ! હું જાણું છું કે, કેટલાક કામો કરતી વખતે હું શોભતો નથી. મને તલવાર ચલાવતા કે રીપેર કરતા આવડતી નથી. પણ તલવારની ઝીણીઝીણી અણી વડે ગમે તેવા જામ થઈ ગયેલા ડબ્બાનું ઢાંકણું હું બહુ આકર્ષક ઢબે ખોલી શકું છું. ગમે તેવા મોંઘા કપડાં પહેરૂં, સરવાળે તો પૂછનારા એટલું પૂછે છે, ‘તમને કોઈના બી કપડા ફિટ થઈ રહે છે, નહિ ?’ ગાડી ચલાવતી વખતે હું ગાડીના માલિક જેવો નથી લાગતો. મેં લશ્કરી ગણવેશ પહેરીને સ્ટુડિયોમાં ખભે બંદૂક ભરાવેલો ફોટો પડાવેલો છે. મને યાદ છે, ઊંઝાથી આવેલા ૩-૪ જણા બોલ્યા હતા કે, ‘આ કોઈ શહીદનો ફોટો લાગે છે...!’ 

ટ્યુબલાઈટો તો જેણે બદલી હોય એમને ખબર પડે કે, એ કોઈ નાની માંના ખેલો નથી. એક રૂમમાં મિનિમમ ૩-૪ ટ્યુબલાઈટો હોય તો એમાંથી કઈ ઊડી ગઈ છે, એ નક્કી કરવામાં જ ઘણી વાર તો કલાક નીકળી જતા હોય છે. એ પછી જમીનથી ટ્યુબ કેટલા ફૂટ ઊંચે છે, તે માપી જોવું પડે છે. અનુભવ બધાને હશે કે, ટ્યુબલાઈટો બદલવા માટે વપરાતા ઘરના સ્ટુલો ઉપર ચઢ્‌યા પછી આપણો પનો ટૂંકો પડતો હોય છે, એટલે પગના પંજા ઉપર ઊંચા થઈ થઈને ટ્યુબને મચડવાની હોય છે. ઘણા લાંબડાઓના કેસમાં એવું ય બનતું હોય છે કે, એમનું માથું છત સુધી પહોંચી ગયું હોય ત્યારે ખબર પડે કે, ટ્યુબ તો નીચે ઠેઠ ઢીંચણ પાસે રહી ગઈ છે.

ખરો નિર્ણય તમારે એ લેવાનો આવે છે કે, સ્ટૂલ ઉપર ચઢતી વખતે સાઈડમાંથી સ્ટૂલ કોની પાસે ઝાલી રખાવવું ? સોસાયટીમાં તો ઘણાની સાથે ઓળખાણો હોય પણ કહે છે કે, વાતવાતમાં રિસ્ક લેનારા માણસો આવે વખતે સ્ટૂલો પોતાની પત્ની પાસે પકડાવે છે. મારો તો પર્સનલ અનુભવ છે કે, હું દરિયા કિનારાના ખડક પર ચઢતો હોઉં, તો ય હકી બન્ને હાથ દબાવી-દબાવીને ખડક પકડીને ઊભી રહે છે અને છેક સુધી ખડકને હલવા નથી દેતી, એ હિસાબે અનુભવ કાફી હોવાથી એ મારું સ્ટૂલ તો ના જ હલવા દે. મારે માઉન્ટ આબુમાં કોક સારા અને ખાનદાની ઘોડા ઉપર બેસવું હતું, ત્યારે ઘોડાને પકડી રાખવાને બદલે હકીએ પૂરી તાકાતથી મને પકડી રાખ્યો હતો. એ દ્રશ્ય જોઈને હું કે ઘોડો બેમાંથી કોઈ હાલ્યું નહોતું, છતાં દુઃખ પણ હકીને પહોંચ્યું હતું કે, ‘આજકાલ મૉ’ર જેવા ઘોડાઉં કિયાં થાય છે...!’ (‘મૉ’ર’ જેવા એટલે પહેલા જેવા) 

વિજ્ઞાનમાં લખેલા ઉચ્ચાલન અને સંતુલનના નિયમો અનુસાર, સ્ટૂલ પર ચઢ્‌યા પછી સ્ટૂલ હાલવું ન જોઈએ, માટે જીવનમાં નહિ તો સ્ટૂલ પકડવામાં તમારે કોક સહારો જોઈતો હોય છે. મારે તો ઘરમાં એક જ વાઈફ છે, એટલે મદદ માંગીએ તો ય બીજા કોની માંગીએ ? (જવાબ : ઘરમાં એ વખતે એકે ય વાઈફ ન હોય તો આજુબાજુમાં રીકવેસ્ટ કરી આવવી ખોટી નહિ... ! જવાબ પૂરો.) 

અફ કોર્સ, હકીના કેસમાં એવું ઘણીવાર બન્યું છે કે, હું સ્ટૂલ પર ચઢી ગયો હોઉં ત્યારે એ બીજા સ્ટૂલને પકડીને ઊભી ઊભી બૂમો મારતી હોય, ‘અસોક... હું આંઈ સ્ટૂલ પકડીને ઊભી છું ને તમે તીયાં ક્યાં ચયઢા...?’ 

કહે છે કે, ભલે તમે ટ્યુબ બદલવા સ્ટૂલ પર ચઢ્‌યા હો, તમારા આકારમાં છટા હોવી જોઈએ, (કેમ જાણે, કળા કરતો મોર લીમડાના ઝાડ ઉપર ન ચઢ્‌યો હોય ?) પર્સનાલિટીમાં બાદશાહત હોવી જોઈએ, અંગૂઠા અને આંગળીઓમાં કંઈક કરી નાંખવાનો તરવરાટ જોઈએ અને ખાસ તો... એ વખતે ટ્યુબલાઈટની મેઈન-સ્વિચ બંધ હોવી જોઈએ. વાત નાની છે, પણ બહારથી કોક આવીને તમને આ રીતે સ્ટૂલ પર ચઢેલા જુએ, તો તમારા માભ્ભો પડતો એને દેખાવો જોઈએ, ઇલેકટ્રિકના થાંભલે વાંદરૂં ચઢ્‌યું હોય, એવી ઇમેજ ન પડવી જોઈએ. મારા મનમાં ઉમંગો તો એવા કે, મારા વરદ હસ્તે છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક કરવાનો હોય ને વરમાળા મારે પહેરાવવાની હોય, એવો એમના સ્ટેચ્યૂ ઉપર, નિસરણી મૂકાવીને ચઢું... જો પ્રેસ-ફોટોગ્રાફરો ટાઈમસર આવી ગયા હોય તો ! પણ બોલાઈએ તો ય, ટ્યુબ બદલવાની ઘટના કવર કરવા પ્રેસ-ફોટોગ્રાફરો હાળા બોલાઈએ, તો ય આવતા નથી હોતા. છેવટે પ્રસિદ્ધિની કોઈ લાલસા વગર હું હતી એટલી છટાઓ ભેગી કરીને સ્ટૂલ પર ચઢ્‌યો. 

મારામાં બઘું છે, છટા નથી, સ્ટાઈલ નથી એટલે ઓગળી ગયેલો શ્રીખંડ પૂંઠાના ખોખાની ધાર ઉપર બહાર ચોંટ્યો હોય, એવો ભીંત સાથે છાતી અને પેટના ભાગો દબાયેલા રાખીને હું ટ્યુબલાઈટ બદલતો હતો. અમારી ટ્યુબલાઈટ સોનિયા ગાંધીની આંખો જેવી છે... ઝબકારા મારે જ રાખે, પણ મહીં લાઈટ-બાઈટ કાંઈ નહિ...! અને જગત આખું જાણે છે કે, ઊડી ગયેલી ટ્યુબ ઘરના કે દેશના-કોઈના કામમાં આવતી નથી. 

આપણે ત્યાં રિવાજ છે. ઝબકારા મારતી ટ્યુબ પકડીને બે હાથ વડે આગળ-પાછળ ફેરવી જોવાની. કદાચ ચાલુ થઈ પણ જાય. એ ન થાય તો ચૉકની ડબ્બી પહેલા જમણી બાજુ-પછી ડાબી બાજુ, એમ ૨૦-૨૫ વખત ફેરવ-ફેરવ કરવાથી મનને સારું લાગે છે કારણ કે, એમ કરવાથી ય ક્યારેક ટ્યુબ ફરી ઝળહળવા માંડે છે. 

પણ... પ્રોબ્લેમ એ થાય છે કે, ટ્યુબલાઈટો આપણી ફિલમ ઉતારનારીઓ હોય છે. એવી ફેરમફેરી કરવાથી ક્યારેક ઝબકારો દિવ્ય, ભવ્ય અને મોટો દેખાય, એટલે આપણને વિશ્વાસ બેસે કે, ‘... બહુત જાન બાકી હૈ, છમીયા કી ટાંગો મેં... બહુત જાન બાકી હૈ.. લેકીન નખરેં ભી બહોત દિખા રહી હૈ !’ એ તબક્કે નીચેથી સૂચનાઓ ચાલુ હોય કે, ‘હા હા... હજી જરીક વાંહે ફેરવો, અસોક.... ઓલો ચોક પકડીને ધુમ્મર-ધુમ્મર ફેરવી જોવો... ઘણી વાર લાઈટું ચાલુ થઈ જાતી હોય છે...!’ 

ચઢ્‌યા હશે એમને ખબર હશે કે, નિસરણી કે સ્ટૂલ ઉપર એમ બહુ વાર લગી અઘ્ધર-પઘ્ધર ઊભા રહેવું સહેલું નથી. બેન્કની જેમ આમાં બેલેન્સો હાથવગાં નથી હોતા. એમાં ય સ્ટૂલ પકડીને નીચે કોણ ઊભું હતું, એ જોયા પછી મને એડવાન્સ વિચારો ય બહુ આવતા હતા કે, ‘સ્ટૂલ ખસ્યું... આ હું ભમ્મ થઈને પડ્યો... કરોડરજ્જુનો છેલ્લો મણકો ભાંગ્યો... હોસ્પિટલમાં ૨-૩ લાખની ચોંટી ને ઘરમાં છ મહિનાનો ખાટલો... રોજ રાત્રે બીજું કાંઈ પણ કર્યા વિના ‘ઓય વોય...’ ને ‘મરી ગયો રે...’ની બૂમો પાડવાની અને જે કોઈ ખબર કાઢવા આવે એ બધાને હકી ભૂલ્યા વગર કહે છે, ‘આ અમારે બઉ વાર હખણા ઊભા નો રિયે... એમાં પગ ખશી ગીયો ને ધમ્મ કરતા પઈડાં... ઈ વખતે તો એવી રાયડું નાંખે... એવી રાયડૂં નાંખે કે આપણાથી નો રે’વાય કે નો શહેવાય...’ (‘રાયડું’ એટલે ચીસો)... હવે અસોક બીજી વાર સ્ટૂલું ઉપર ચઢે તો વાત જાવા દિયો... હું ઝાલવા ય ઊભી નો રઉં...! બહાર તો એમની આંયખું લટકમટક થાતી હોય એટલે પડીને આવતા હોય, એના હું માઈન્ડો નો કરું, પણ ઘરમાં આવા ફંદફતા મને નો પોસાય !’ 

બસ, સારા સમાચાર આપવા જ આટલો લાંબો લેખ લખ્યો કે, હકીની મદદ છતાં હું સ્ટૂલ પરથી હેમખેમ હેઠો ઉતરી ગયો છું. જેને રામ રાખે, તેને કોણ ચાખે ? 

સિક્સર 
- એક લૅડી ડોક્ટરે મારી ૮૧-વર્ષની મા અને ૨-૩ વર્ષના મારા પૌત્ર-પૌત્રીને જોયા પછી બહુ હરખથી કીઘું, ‘બાળકો બિલકુલ દાદી જેવા દેખાય છે...!’
- હું આજ સુધી સમજી શક્યો નથી કે, મારી મા બાળક જેવી લાગે છે કે, બાળકો એટલા બુઢ્ઢા લાગે છે ! 

13/11/2011

ઍનકાઉન્ટર : 13-11-2011

* ગીફ્‌ટ લઈ ગયા પછી એ લોકો, ‘આની શી જરૂર હતી ?’ એમ કહેતા હોય છે...!
- ‘આની ‘જ’ જરૂર હતી...!’
(લલિતા ઓઝા, જૂનાગઢ) 

* અગાઉ તો પુરૂષોને છાતી પર વાળ, મર્દાનગીનું પ્રતિક ગણાતા... હવે તો હોય એ ય કાઢી કેમ નાંખે છે ?
- છાતીના વાળને મર્દાનગી સાથે કોઈ લેવા-દેવા હોત, તો સૌથી વઘુ ‘મરદ’તો રીંછ ગણાતું હોત !
(મેહબૂબ ધાસુરા, જૂના ડીસા) 

* અનેક ક્ષેત્રના મોટા માણસોના કટાક્ષ ચિત્રો (કૅરીકૅચર્સ) જોવા મળે છે, પણ હાસ્યલેખકોના કેમ નહિ ?
- લાગે છે, તમે એકે ય હાસ્યલેખકને રૂબરૂ જોયા નથી.. અમે એકોએક દેખાવમાં ય કાર્ટુનો જેવા લાગીએ છીએ ! (એક મૅગેઝિને મારો ફોટો મંગાવ્યો હતો, મેં સ્ટુડિયોમાં પડાવીને અસલ ફોટો મોકલ્યો, તો સંપાદકનો જવાબ આવ્યો, ‘‘તમારી પાસે ફોટો મંગાવ્યો હતો, કૅરીકૅચર નહિ !’’)
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ) 

* અબજોનું કૌભાંડ કરનાર કનિમોરી શકલથી નિર્દોષ લાગે છે... સુઉં કિયો છો ?
- શકલથી તો હું ય બદમાશ લાગું છું...!
(જગદીશ રસિકલાલ શાહ, રાજકોટ) 

* ફિલિપીન્સની એક અનિતા અડવાણી સાથે કાકા (રાજેશ ખન્ના) પ્રેમમાં પડ્યા છે, તો હવે ડિમ્પલ ઑફિશીયલી એકલી પડી કે નહિ ?
- તે તમારે ક્યાં એને કામવાળી તરીકે બોલાવવી છે...!! (એને એટલે, અનિતાને..!)
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ) 

* વાહન પર લીંબુ-મરચા બાંધવાથી પેટ્રોલની ઍવરેજ વઘુ આવે છે, એ વાત સાચી ?
- એ વાત સાચી હોત તો, દરેક કરકસીયો ગોરધન પોતાની પત્નીના ગળે લીંબુ-મરચા બાંધત !
(રમેશ આર. સુતરીયા, મુંબઈ) 

* કન્યાવિદાય વખતે કન્યાપક્ષ વાળા રડતા હોય છે, ત્યારે વરપક્ષવાળાઓ ફટાકડા કેમ ફોડતા હોય છે ?
- હા, તે વળી એમ કાંઈ મોંઘા ભાવનું દારૂખાનું ફેંકી દેવાય છે, કાંઈ...?
(મીનાઝબાનુ (મૌસમ) લિયાકતહુસેન મલેક, અમદાવાદ) 

* ઍલિઝાબેથ હર્લી અરૂણ નાયરની ના થઈ, તો શૅન વોર્નની ક્યાંથી થઈ રહેવાની છે ?
- ....એટલે જ પછી આપણે એમાં ના પડ્યા ને ?
(રેશ્મા વોરા, આણંદ) 

* તમારી દ્રષ્ટિએ વિશ્વની સૌથી ઉત્તમ અને પૂજનીય વ્યક્તિ કોણ છે ?
- આવો નાજુક સવાલ, એ જ વ્યક્તિને તો તમારાથી ન પૂછાય ને..!
(અસ્મા ખુશ્બુ, વડાલી) 

* કોઈપણ શુભ પ્રસંગે પાવૈયાઓ અચૂક હાજર થઈ જાય છે... મતલબ ?
- સામે ચાલીને આપણે એમને ત્યાં જઈએ તો કંઈ ના ન પાડે... એમની બાઓ કદી ખીજાય નહિ !
(મઘુકર પી. માંકડ, જામનગર) 

* પ્રધાનો લાડી અને ગાડી બબ્બે-ત્રણ ત્રણ કેમ રાખે છે ?
- બાકીની ચચ્ચાર-પાંચ પાંચ બીજા મિત્રોના સદુપયોગ માટે આપી હોય છે !
(ડૉ. દીપક સી. ભટ્ટ, બોડેલી) 

* ચક્ષુદાનની મોટી મોટી વાતોનો પ્રચાર કરવામાં આવે છે, પણ એ પછી કેટલા પ્રજ્ઞાચક્ષુઓ દેખતા થયા, એ કોઈ કહેતું નથી !
- એવું નથી. આમાં એવું હોય છે કે, તમારી ડાબી આંખે શું દાન કર્યું છે, એની જમણી આંખનેય ખબર પડવી ન જોઈએ, એ જ સાચું દાન.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર) 

* ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સમગ્ર દેશના સાઘુ-સંતો જોડાઈ જાય તો પરિણામ સારૂં આવે કે નહિ ?
- ભક્તોના પૈસે જેણે પોતે પૈસા બનાવ્યા ન હોય, એવા એક માત્ર સાઘુ કે સંતનું નામ આપો...
(વંદિત નાણાવટી, રાજકોટ) 

* દેશની ચિંતા ડૉ. મનમોહનસિંઘ કરતા અન્ના હજારેને વધારે છે, એવું તમને નથી લાગતું ?
- એક ડોહા તો અમથા ય મૌની બાબા ઓછા હતા, તે બીજાએ ય લેવા-દેવા વગરના મૌનો રાખ્યા..! ‘અલ્લાહ બચાયે નૌજવાનોં સે...!’
(ઈલ્યાસ તરવાડી, ચલાલા) 

* સ્વ. કે. એલ. સાયગલના ગીતો સાંભળવાથી મને સ્વર્ગના સુખનો અનુભવ થાય છે. આપનો અભિપ્રાય ?
- સૉરી... હજી ૧૫-૨૦ વર્ષો સુધી મારા માટે અમદાવાદના નારણપુરાના સુખનો અનુભવ કાફી છે.
(મથુરદાસ સોની, ચૅન્નઈ-તમિલનાડુ) 

* બજારમાં હવે મોટે ભાગે ‘ડિસ્પોઝેબલ’ ચીજવસ્તુઓ આવી રહી છે... સુઉં કિયો છો ?
- હા. શરૂઆત ઘરડાં મા-બાપથી થઈ...!
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા) 

* તમને પેટ પકડીને કોણ હસાવી શકે છે ?
- બહાર મહેશ શાસ્ત્રી અને ઘેર હકી.
(અનીલા મેહતા, ભાવનગર) 

* માણસ મરી ગયા પછી બેસણાંમાં એનો ફોટો, દીવો, અગરબત્તી અને ભજન-કિર્તન થાય છે... એનો શું અર્થ ?
- જીવતો હોય ત્યારે એ જ્યાં જ્યાં જાય, ત્યાં એના ઘરવાળાઓ ‘રામે રામ..ઓ...’ બોલતા બોલતા એનો ફોટો, દીવો, અગરબત્તી અને ભજન-મંડળી સાથે રાખી રાખીને તો ન ફરી શકે ને ? એના ગયા પહેલા આ બઘું કરીએ, તો બા કેવા ખીજાય...?
(હસમુખ બી. ઠક્કર, કરજણ) 

* મહાભારતના યુદ્ધમાં સો કૌરવો માર્યા ગયા, પરંતુ શકુનિનું શું થયું ?
- હું ત્યાં હાજર હતો, તે મને ખબર ખબર હોય....???
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* તમે ગુસ્સામાં આવી જઈને હકીભાભી ઉપર કદી હાથ ઉપાડ્યો છે ખરો ?
- જીભે ય ઉપાડી નથી...!
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર) 

* ‘ઍનકાઉન્ટર’ની તોતિંગ સફળતાનું રહસ્ય, બા ખીજાય એમ ન હોય તો કહેશો ?
- હું ને બા ઘરમાં ભાગ્યે જ બોલીએ છીએ, એ કદાચ એક કારણ હોય !
(રત્નાકર નાગર, બોટાદ) 

* દારૂબંધી દૂર થાય તો વધારે દુઃખી કોણ થાય ?
- અફ કૉર્સ હું...! દારૂબંધીના પ્રચાર માટે પ્રવચનો કરવાના મને ઢેર સારા રૂપિયા મળે છે. એ બંધ થઈ જાય, ભ’ઈ !
(હારૂન ખત્રી, જામ ખંભાળીયા) 

* સાળીને અડધી ઘરવાળી કહેવાય તો પ્રેમિકાને ?
- પરણેલા પુરૂષો પ્રેમિકાને જાહેરમાં ‘બહેન’ કહે છે અને પ્રેમિકા ય પરણેલી હોય તો, ‘આઘી-બાઘી’ નહિ, આખી ‘ભાભી’ કહે છે.
(ભાવેશ માધાણી, રાજકોટ) 

11/11/2011

મારી પહેલી (અને છેલ્લી) મારામારી

મને મારામારી બહુ ગમે, પણ એ તો કોઇ કરતા હોય તો. હું પોતે તો ઢીલીયો–પોચીયો છું. મારી સાથે કોઇ પણ કક્ષાની મારામારીને હું પ્રોત્સાહન આપતો નથી. મારા સમગ્ર જીવનકવન દરમ્યાન મે કોઇને એક નાનો લાફો કે નાનકડી લાફી મારી નથી. આ નિવેદન હું, ‘હું રહી ગયો’ એવા પસ્તાવાના ધોરણે આપી રહ્યો નથી. તમાચા બમાચા તો ઠીક, મને નાનપણથી ઓળખનારાઓ એ પણ જાણે છે કે, હજી સુધી હું કોઇની સામે ગુસ્સાથી ઊંચા અવાજે બોલ્યો નથી, કોઇનું ક્યારેય અપમાન કર્યું નથી કે બધાની વચ્ચે કોઇને ઉતારી પાડ્યો નથી. મારી આત્મકથા લખાશે, ત્યારે એક વાત બહુ ફખ્રથી લખી શકીશ કે, મારૂં અપમાન કરનારાઓના પણ સમા અપમાનો મે કદી કર્યા નથી. અમદાવાદના ખાડીયાની ખત્રી પોળમાં રહેતો, ત્યારે મિત્રો માટે હું બહુ હાથવગો રહેતો. એમના હાથમાં ચળ આવતી હોય ને કોકને ફટકારવાનું મન થાય તો બેઝિઝક મને ઘેરથી બોલાવીને કહી દેતા, ‘‘અસોકીયા.... હમણાંથી કોઇને માર્યો નથી. ચલ, અહીં વચ્ચે ઊભો રહે.’’

એકાદ કિસ્સામાં તો મે પ્રોક્સી તરીકે ય માર ખાધો છે. પોળના એક તોફાની પોરૂને મારવા કોઇ ત્રણ ચાર જણા આવવાના હતાં. કર્યું હશે એવું કંઇક... પણ પોરૂ સીધો મારા ઘેર આવ્યો. મને અગાસી ઉપર લઇ જઈ, મારા ખભે વાત્સલ્યનો હાથ મૂકીને રીક્વૅસ્ટના ટોનમાં બોલ્યો, ‘‘અસ્કા, મામુ નાયકની પોળવાળા આજે સાંજે મને મારવા આવવાના છે દોસ્ત... તુ તો જાણે છે, પરમ દહાડે મારી સગાઇ છે... તને વાંધો ન હોય તો આ બે દહાડા પૂરતો મારા બદલે તુ માર ખાઈ લેજે ને...! પ્લીઝ, અસ્કા પ્લીઝ... તુ ઘરનો છું, એટલે તને હક્કથી કહેવાય, દોસ્ત ! પ્રોમિસ બૉસ પ્રોમિસ... એ લોકો ફેંટો સિવાય બીજું કાંઇ મારે એવા નથી.’’ ( હવે તમે કહેતા હો, તો હું પંખો ચાલુ કરૂં....! )

એ વાત જુદી છે કે, મારા કોઇ પણ કળા–કૌશલ્ય વગર, મને મારવા આવેલા ‘હત્યારાઓને’ મારૂં સૂકલકડી શરીર જોઇને દયા આવી ગઇ કે, ‘‘આમાં કોઇ કમાવા જેવું નથી.,’ એટલે માર્યો તો નહિ પણ ઉપરથી મને કહેતા ગયા, ‘‘જો બા’મણ... આજ પછી કોઇ તને હાથ અડાડે તો અમને કહી દેજે.... અમે બેઠા છીએ !’’

મારી મર્દાનગીઓની આ કબુલાતમાં, હું બહુ સારા સંસ્કારનો હતો અથવા અહિંસાના નિયમોને વળગેલો હતો, એવું કાંઇ નહોતું. ઈન ફૅક્ટ, મને એવો કોઇને મારવાનો ચાન્સ કોઇએ આપ્યો નહોતો. આપે તો મને લેતા નહોતું આવડતું. બીક હું મારૂં તો એને નહિ, મને વાગી જવાની લાગતી.

એ દિવસોમાં માર ખાવાની આપણી બી એક સ્ટાઇલ હતી. બેટ્સમૅન ક્રીઝ પર આવીને પોતાનું સ્ટાન્સ લે, એમ માર ખાતા પહેલા, મારા બન્ને હાથ માથા ઉપર દબાવીને વાંકો વળીને ઊભો રહી જઉં, જેથી એ લોકોને મારો બરડો હાથવગો રહે. દયામણે ચહેરે હું પૂછી લઉં કે, ‘પેટમાં નહિ મારો ને... ?’ હું કોઇ પણ લૅવલનો સામનો કરવાનો નથી, એની સહુને ખબર છતાં ક્યારેક તો પોળના વાણીયાઓ ય મને છાનામાના આવીને ફટકારી જતા ને પાછા બીજાને કહેતા જાય, ‘અસોકિયો પૂછે તો આપણું નામ નહિ દેવાનું, હોં....! સાલો આજે સામો હૂમલો કરે એવો નથી.... વખત છે ને દસ–બાર વરસ પછી એનામાં હિંમત આવે તો –’ તારી ભલી થાય, ચમના... મારા લીધે પોળના વાણીયાઓ ય બહાદુર બને જતા હતા ને હું.... ?

આમ તો હું કોઇને લાફો–બાફો મારૂં એવો નહતો, કબ્બુલ પણ, મને બચકું ભરી લેતા બહુ સરસ આવડતું. મને મારનાર મારીને જતો રહે તો આપણું મન મોટું.... પણ મારવા માટે મને વળગવા આવે કે બથ્થ ભરે, તો એના ખભા ઉપર દોઢ ઈંચ પહોળું અને સમજો ને, અડધોક ઈંચ ઊંડુ બચકું ભરી લેતો. પછી મને છોડાવવા માટે એની ચીસો મારૂં મન પિગળાવી શકતું નહિ. ભરેલું બચકું કદી અડધું છોડવું નહિ, એ આપણો નિયમ. એમ પાછો સ્વભાવનો હું મક્કમ. ‘‘બચકું ભર્યું ના હઠવું, ના હઠવું... હોઓઓઓ !’’ સ્વાભાવિક છે.... આખરે વિજય સત્યનો એટલે કે મારો થતો.

બીજું, હું ગાળો ખૂબ સારી બોલી શકતો. ઉચ્ચાર કે સ્પૅલિંગ કે ગ્રામરની એક ભૂલ બતાવો તો સાહેબ... પૈસા પાછા. એકવાર પોળના છોકરાઓનું મને મારવાનું બંધ થાય ને મને ખાત્રી થાય કે બધા જતા રહ્યાં છે, પછી હું એ બધાને વીણીવીણીને ગાળો દેતો. ભલે સાંભળનાર કોઇ ન હોય ( અને એટલે જ ) મને મારનાર હત્યારાઓમાંથી કોકને પાછળથી ખબર પડે કે, હું એના માટે નઠારી ગાળો બોલ્યો હતો ને અત્યારે એને ટાઇમ ન હોય તો મને કહેતો જતો, ‘‘અસ્કા... ગુરૂવારે સાંજે સાતેક વાગે ક્યાંક જતો નહિ... મારે તને ઠોકવાનો છે... મોહન ધોબીના ઘર પાસે ઊભો રહેજે... ’’ ને એમ પાછો હું વચનનો પાક્કો...! મંગળ–બુધ વચમાં ખાલી જતા હોય ત્યાં સુધીમાં બીજા બે નો માર ખાઈ આવું, પણ પેલાને ધક્કો ન પડવા દઉં.

આમ કાંઇ મને માર ખાવાની મજા નહોતી આવતી. પણ પેલાએ નક્કી કર્યું હોય એટલે આજે નહિ તો પછી... એ છોડવાનો તો ન હોય. મને કોઇ ઇન્ફૉર્મ કર્યા વગર મારી જાય, એ ન ગમે. એમાં માર વધારે પડે. આમાં તો ગુરૂવારનો વાયદો પાળીને ધોબીના ઘર પાસે ટાઇમસર પહોંચી જઇએ, તો આપણું સારૂં ય લાગે ને ગામમાં ખોટી વાતો ના થાય...! આ તો એક વાત થાય છે.

એમાંનો મારી પોળનો એક વ્હેંતીયો – અઢી ફૂટિયો તો ’૭૬ની સાલમાં ઠેઠ માઉન્ટ આબુમાં મને મારવા આવ્યો હતો. કહેતો’તો કે, દસેક વર્ષ પહેલા મે એને ઊંચો કરીને એની પાછળ ક્યાંક બચકું ભરી લીધું’તુ, તે ’દિ નો એ મને ગોતતો’તો...! જો કે, આબુમાં એ વખતે હકી સાથે હતી, એટલે હું બચી ગયો હતો. હું હકી સાથે આબુમાં બે ઘડી હનીમૂન મનાવવા આવ્યો હતો. અલબત્ત, આજે પણ હું કોક શૉપિંગ મૉલમાં હોઉં કે ગાડી પાર્ક કરતો હોઉં ને ક્યાંકથી કોક અઢી ફૂટીયો નીકળે ને એ વખતે હકી સાથે ન હોય તો ફફડી જઉં છું. મને મારવા માટે, અમદાવાદ રેલવે સ્ટેશનના સોડા–લેમનની બાટલીવાળા ય આમાદા હતા. થોડા વર્ષો પહેલા, મારા જામનગરથી અમારા સંબંધીની મૅરેજ–પાર્ટી રેલ્વે સ્ટેશનથી પસાર થવાની હતી, તે અમે ૮–૧૦ ફૅમિલી હરખ કરવા સ્ટેશને ગયા. આ આપણા ગુજરાતીઓમાં હાળું આવું બહુ કે, લગન એ લોકો કરી આવે, એમાં હરખ આપણને શેનો થાય ? પણ કહે છે ને કે, કરવો પડે... ના કરીએ તો એક સાથે બધાની બાઓ ખીજાય.

શરૂઆતમાં કેમ છો – વાળી ચાલી ને અમારામાંથી કેટલાક હરખપદુડાઓએ મેહમાનો  માટે સોડા–લેમનો મંગાવી.  પેલો એક પછી એક ઢાંકણા ખોલતો હતો, એમાનું એક ઢાંકણું ઊડીને એકાદ મહેમાનના નાક ઉપર વાગ્યું. ગુસ્સાના મામલે અમારા જામનગરમાં ઊભરા થતા આવે. ‘‘કાં.... આઆઅા ? આંયખુમાં હરખું દેખ્ખાતું નથી, ખોલકી–– ?’’ (કાઠીયાવાડમાં ‘ખોલકી’ એટલે ગધેડાની વાઇફ અને એ પછી જે ખાલી જગ્યા રાખી છે, એમાં ઐ લોકો પોતાની મરજી મુજબ, ‘નો’, ‘ની’, ‘નુ’ અને ‘ના’ ઉમેરી દેતા હોય છે. જેવી જેની શક્તિ....! શક્તિ એટલે ગધેડાની વાઇફની શક્તિ... બસ... હવે તમે પંખો ચાલુ કરો !)

કાચી સેકંડમાં તો બાટલીવાળાઓ અને અમારી વચ્ચે ધૂમધામ મારામારી શરૂ થઇ ગઇ. કપડાંની ફાટાફાટી અને ધોધમાર મુક્કાબાજી વચ્ચે મૅક્સિમમ હું તો ગાળો બોલી શકું. જેવી જેની શક્તિ, ભ’ઇ ! આવેશમાં એ વખતે કાંઇ મને ભાન ન હોય કે, હું ગાળો અમારાવાળાઓને દેતો’તો કે બાટલીવાળાઓને. ગુસ્સામાં આપણું કાંઇ ઠેકાણું ન હોય ! 

પણ એ દરમ્યાન મને લાઇફનો પહેલો અવસર મળી ગયો – હું કોઇકને મારૂં એનો. બે–ચાર બાટલીવાળાઓ મારા ફૂઆ શંભુપ્રસાદને રેલ્વેની સળીયાવાળી બારી પાસે દબાવીને મારતા હતા. ને કોક બાટલીવાળો મારા ચશ્મા ખેંચી ગયો, એમાં મને દ્રષ્યો પૂરી ફાવટ સાથે દેખાતા નહોતા. આ બાજુ મારી ગાળો વેડફાતી જતી હતી ને કોઇ સાંભળતું હોય એવું લાગ્યું નહિ, એટલે ફૂઆનો ‘જાન બચાવવા’ મે ય ધમાધમ ઠોકવા માંડી...

...ખરો ફૂઓ હવે અધમૂવો થઇ ગયો. નજરે જોનારાઓ કહેતા હતા કે, વગર ચશ્માએ હું એટલો ઝનૂનમાં આવી ગયો હતો કે, ચોક્કસ નિશાન ન લઇ શકાતા, બાટલીવાળાઓને બદલે હું ફૂઆને ફેંટો ફટકારતો હતો. ‘‘આ એકલો પહોંચી વળે એવો છે...’’ એમ સમજીને બાટલીવાળાઓ હાથ ખંખેરીને ફૂઆને છોડીને બીજા પાસે ગયા, ત્યાર પછી ય હું ફૂઆને ઠપકારતો રહ્યો. અંતિમ પરિણામો ઘોષિત થયા ત્યારે, બાટલીવાળાઓ ટોટલ દસ ઘવાયા હતા અને અમારી તરફથી એકલા ફૂઆ બેભાન થઇ ગયા હતાં.

મારા અધરવાઇઝ બહુ શાંતિપૂર્ણ જીવનની આ પહેલી અને છેલ્લી મારામારી. 

કહે છે કે, સારા ઘરના માણસો કદી મારામારી કરતા નથી, માર ખાય છે. પણ મારામાંથી પ્રેરણા લઇને આપણી ભારત સરકાર પણ પાકિસ્તાનનો માર ખાધે રાખે છે, સામે કદી મારતી નથી. એ લોકો દર મહિને એકાદો બૉમ્બ આપણે ત્યાં ઝીંકી દે છે. સામે આખો દેશ પાકિસ્તાન પડ્યો છે... આપણી સરકાર ત્યાં જઇને તારામંડળે ય ફોડી શકે એમ નથી... સાલી, સરકારે ય અશોક દવે જેવી...!

સિક્સર
– આપણે કેવા નસીબદાર છીએ કે, હજી એ જમાનો આવ્યો નથી કે, આપણો દીકરો કહે, ‘‘ડૅડ... મારા માટે એક સિગારેટનું પાકીટ લઇ આવો ને.... ’’
(સાર : આજે કેટલા પિતાઓની હિમ્મત છે, પોતાના દીકરાને કહી શકે, ‘‘બહાર જાઓ છો તો મારા માટે જરા પાન લેતા આવશો ? )

અમર


ગીતો
૧. ઈન્સાફ કા મંદિર હૈ યે ભગવાન કા ઘર હૈ... મુહમ્મદ રફી
૨. ઉદી ઉદી છાઈ ઘટા, જીયા લહેરાયે... લતા મંગેશકર
૩. ઉમંગો કો સખી પિ કી નગરીયા કૈસે લે જાઉં?... લતા મંગેશકર
૪. તેરે સદકે બલમ, ન કર કોઇ ગમ યે સમા... લતા મંગેશકર
૫. ખામોશ હૈ ખેવનહાર મેરા, નૈયા મેરી ડૂબી... લતા મંગેશકર
૬. ન મિલતા ગમ તો બર્બાદી કે અફસાને કહાં જાતે... લતા મંગેશકર
૭. જાનેવાલે સે મુલાકાત ન હોને પાઇ, દિલ કી... લતા મંગેશકર
૮. એક બાત કહું મેરે પિયા સુન લે અગર તૂ... આશા ભોંસલે
૯. રાધા કે પ્યારે, ક્રિષ્ન કન્હાઇ, તેરી દુહાઇ... આશા ભોંસલે
૧૦. ન શિકવા હૈ કોઇ, ન કોઇ ગીલા હૈ... લતા મંગેશકર



ફિલ્મ ‘અમર’ (’૫૪)
નિર્માતા : મેહબૂબ પ્રોડકશન્સ
દિગ્દર્શક : મેહબૂબખાન
સંગીત : નૌશાદ
ગીતો : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ.
થીયેટર : (અમદાવાદઃ ખબર નથી)
કલાકારો : દિલીપકુમાર, મઘુબાલા, નિમ્મી, ઉલ્હાસ, જયંત, હુસ્નબાનુ, મુકરી, મુરાદ અને અમર.

પાકિસ્તાનમાં બનેલી બે પાકિસ્તાની ફિલ્મો તો હું આંખ મીંચીને તમને જોવાની ભલામણ કરૂં છું. (આંખ મીંચીને મેં ભલામણ કરી છે... તમારે જોવાની આંખો ખુલ્લી રાખીને...!) પહેલી ફિલ્મ ‘ખુદા કે લિયે’ છ-એક મહિના પહેલા આવી હતી અને બીજી, ‘બોલ’ ઈન્ડિયામાં આવીને ઊડી ય ગઇ ને કોઇએ એની નોંધ પણ ન લીધી. બન્નેની ડીવીડી-ઓ અફ કૉર્સ સારી પ્રિન્ટ્‌સમાં મળે જ છે. આમ તો પાકિસ્તાનમાંથી આવતું કૂતરૂ ય અહીં વહાલું લાગતું હોય છે, પણ આ બન્ને ફિલ્મો તો ફક્ત બૌઘ્ધિકો માટે હોવાથી, અહીં એમને જોઇએ એવો આવકાર ન મળ્યો... ઈસ્લામ જેવા પવિત્ર મજહબનો નાસમઝીમાં ગૈરમતલબ કાઢીને કૌમને અને ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓને જે નાઈન્સાફીનો સામનો કરવે પડે છે, એના તમાચા આ બન્ને ફિલ્મોમાં બેઝીઝક ઠોકી દેવામાં આવ્યા છે. પણ આ ફિલ્મ ‘બોલ’ના દિગ્દર્શક શોએબ મન્સૂરને સલામ કરવી પડે કે, હિંમત રાખીને મજહબનો નાસમજ અર્થ કાઢતા લોકોને આ ફિલ્મ દ્વારા લાલ બત્તી બતાવી છે. આંખ મીંચીને બસ... બાળકો પેદા કરતા રહો- ભલે એને પાળી પોસી શકો નહિ અને એમાં ય, બાળકોની ફૌજમાં દીકરીઓ વધારે હોય કે ફક્ત દીકરીઓ જ હોય, તો અલ્લાહ પાકનો મોટો ગૂન્હો સમજીને એમને તરછોડવાની બેઅદબી ઉપર ‘બોલ’ ફિલ્મે પવિત્ર કામ કર્યું છે. ફિલ્મ વિશે કંઇક નાનું-અમથું ય કહેવા જઇશ તો આખો મૂડ માર્યો જશે, માટે કહીશ તો કાંઇ નહિ, પણ ફિલ્મમાં એક જ મુદ્દો જરા ગમ્મત કરાવે એવો છે. 

અહીં રહે રહે ભલે ગુણગાન ફક્ત પાકિસ્તાનની ક્રિકેટરોના જ ગાવાના પણ લાહૌરમાં બે મુસ્લિમ બહેનો ક્રિકેટની કમૅન્ટરી સાંભળતા સાંભળતા એકબીજા સાથે મીઠી ઝગડી પડે છે... કારણ, ભારત-પાકિસ્તાનની મૅચ ચાલતી હોય છે, એમાં સૅન્ચૂરી પર પહોંચવા આવેલા સચિન તેન્ડુલકરની સૅન્ચૂરી પૂરી થાય, એને માટે એક બહેન દુઆ માંગે છે, તો બીજી બહેનને શાહિદ આફ્રિદી વહાલો છે. બાપ આને અપશુકન માને છે, પાપ માને છે ને એમાં પાકિસ્તાન હારી જાય છે, ત્યારે આ બન્નેની મોટી બહેન (જે આ ફિલ્મની હીરોઇન પણ છે- હુમાઇમા મલિક) બન્ને દેશોની ફૅનેટિક કૌમોને લપડાક મારતી વાત કરે છે. ભારતના હિંદુઓ એમનો દેશ પાકિસ્તાન સામે તો જીતવો જ જોઇએ, એની ભગવાનો પાસે પ્રાર્થના કરે છે અને પાકિસ્તાનના મુસલમાનો, કમસેકમ ભારત સામેની હાર બર્દાશ્ત કરી શકતા નથી, માટે અલ્લાહ પાસે દુઆ માંગે છે. આ છોકરી પૂછે છે, છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાન ભારત સામે હારતું જ આવ્યું છે. દુનિયાભરના મુસલમાનોની દુઆઓ છતાં... જ્યારે ઑસ્ટ્રેલિયા માટે તો કોઇ દુઆ કરતું નથી છતાં એ છેલ્લા ૨૦ વર્ષોથી વર્લ્ડ-ચૅમ્પિયન જ કેમ છે...? 

કંઇક એવી જ સિચ્યુએશન ધી ગ્રેટ ફિલ્મસર્જક મરહૂમ મેહબૂબખાને વર્ષો સુધી ઊભી કરી હતી. કોઇ વિવાદ ઊભો કર્યા વગર. એમની તમામ ફિલ્મોમાં ભગવાન શંકરની મૂર્તિ કે એમના માટેનું ભજન હોય જ. (એકાદો અપવાદ હોય તો ખ્યાલ નથી!) એ ય જ્યારે એમના મજહબમાં બૂતપરસ્તી (મૂર્તિપૂજા) સામે જોખમો ઘણા છે. આ ફિલ્મ ‘અમર’માં નૌશાદે બનાવેલું, શકીલ બદાયૂનીએ લખેલું, મુહમ્મદ રફીએ ગાયેલું ‘ઈન્સાફ કા મંદિર હૈ યે ભગવાન કા ઘર હૈ’ જ નહિ, આશા ભોંસલેના કંઠે ‘રાધા કે પ્યારે, ક્રિષ્ન કન્હાઇ, તેરી દુહાઇ...’ દ્વારા મેહબૂબખાને બાકાયદા બિનસાંપ્રદાયિકતાનો પરચમ એ જમાનામાં લહેરાવ્યો હતો. વળી, આ ફિલ્મના ટાઇટલ્સ વાંચો ત્યારે ખબર પડે કે, આખી ફિલ્મના નિર્માણમાં તમામે તમામ મુસલમાનો જ છે... હિંદુઓ ભાગ્યે જ ક્યાંક છે, છતાં કેવી અદબપૂર્વક હિંદુધર્મનું ગૌરવ આ મુસલમાનોએ જાળવ્યું છે. સલામ.

ધી ગ્રેટ મેહબૂબખાને એમની ફિલ્મોમાં બીજા સર્જકો કરતાં ઘણું નોખું અને અનોખું આપ્યું છે. એકતા કપૂરો કે રાકેશ રોશનોને ‘ક’ની પિન ભરાઇ ગઇ હતી, એમ મેહબૂબને ‘અ’ની પિન ભરાઇ ગઇ હતી... (અફ કૉર્સ.... ‘અ’ અક્ષરથી તો તમે જાણો છો, જગતના સર્વોત્તમ મહાપુરૂષો પેદા થયા છે... આપણે શું કામ ખોટું બોલવું?... આ તો એક વાત થાય છે!) એટલે વચમાં થોડા અપવાદોને બાદ કરતા મેહબૂબખાને પોતાની ફિલ્મોના નામો ‘અ’ પરથી રાખ્યા હતા : એક હી રાસ્તા, ઔરત, અલીબાબા, અણમોલ ઘડી, એલાન, અનોખી અદા, અંદાઝ, આન અને અમર. છેલ્લે છેલ્લે વળી ખબર પડી કે, ‘અ’ ઉપરથી તો કેટલાક ફાલતુ લેખકોના નામો ય આવે છે, એટલે વળી ‘મધર ઈન્ડિયા’ કે ‘સન ઓફ ઈન્ડિયા’ બનાવી. 

 ઍક્ચ્યૂઅલી, મેહબૂબે ફિલ્મ ‘અમર’ બનાવી, એમાં માર બહુ ખાવો પડ્યો હતો. ફિલ્મની વાર્તા એ સમય પ્રમાણે તો વિવાદાસ્પદ હતી જ, પણ દિલીપકુમાર પાસે મેહબૂબ આવું કામ કરાવે અને ‘દિલીપ સા’બ’ પાછા આવું કામ કરે ય ખરા, એ વાત દિલીપકુમારના ચાહકોને રાસ નહોતી આવી, એટલે બળાપો બહુ ઉઠ્યો હતો. સમજો ને કે, ઍન્ટી-હીરો છાપનો આ રોલ હતો, જેમાં શહેરના એક પ્રતિષ્ઠિત વકીલ હોવા છતાં દિલીપકુમાર મઘુબાલા સાથે પ્રેમ અને સગાઇનું વહાણે ય ચાલવા દે છે ને વચમાં (ઝીરો અવર્સમાં) નિમ્મી ઉપર બળાત્કારે ય કરી આવે છે..

ઓહ... એ જમાનાની કોઇપણ ફિલ્મનો હીરો અને એમાં ય પાછો દિલીપકુમાર માત્ર વાસના ખાતર બળાત્કાર કરે, એ સહન થાય એવી વાત નહોતી. 

જુઓ જરી યાદ કરી લઇએ, એની વાર્તા. 

નિમ્મી ગામડાની એક અલ્લહડ દૂધવાળી સાથે અકસ્માત ભેટો થઇ જતા દિલીપકુમાર એના રૂપથી આકર્ષાય છે, પણ પ્રેમ-બ્રેમમાં પડવાની ગોઠવણ- બોઠવણ થાય તે પહેલા મઘુબાલા સાથે સગાઇ-ફગાઇ થઇ જાય છે. ફિલ્મનો વિલન સંકટ છૈલા (અમજદખાનનો પિતા ઉર્ફે જયંત ઉર્ફે ઝકરીયા ખાન) નિમ્મીને પામવા માટે હલકટાઇ બતાવતો રહે છે, એ દરમ્યાન આ જયંતથી પોતાની લાજ બચાવવા નિમ્મી (સાચું નામ, ‘નવાબબાનો’-- નિમ્મી નામ રાજ કપૂરે આપ્યું હતું, જે એને ફિલ્મોમાં પહેલીવાર લાવ્યો હતો.) વરસાદી રાત્રે દિલીપકુમારના ઘરમાં ભૂલમાં આવી જાય છે. ભોળી નિમ્મુડી બિચારીને ખબર નહિ કે, બહાર જંગલમાં તો ખૂંખાર જયંતથી લાજ બચી ગઇ, પણ અહીં દિલીપકુમાર પાસે નહિ બચે. દિલીપકુમાર નિમ્મી ઉપર બળાત્કાર કરે છે, પણ ઘેર આયા પછી બા ખીજાય નહિ, એ માટે વાર્તાલેખકે સમજી-વિચારીને ફિલમમાં દિલીપને એકે ય બા આલી જ નથી. 

જો કે, થતાં થઇ ગયું સમજીને દિલીપકુમાર ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી પસ્તાવો કરતો રહે છે, પણ એનો ઝમીર તો તો ય જાગતો નથી, જ્યારે જયંતનું ખૂન એને હાથે થઇ જાય છે અને ઈલ્ઝામ નિમ્મી પોતાને માથે લઇ લે છે. આ દરમ્યાનમાં મઘુબાલાએ મૂંઝાયે રાખવાનું હોય છે કારણ કે, ફિલ્મના વાર્તાલેખકે એને બીજું કાંઇ કામ પણ આપ્યું નથી. એ જો કે, જૅમ્સ બૉન્ડ બનીને જાસૂસીના બહુ ટ્રાયો મારે છે, પણ નિમ્મુડી પણ એને મચક આલતી નથી કે, ‘‘બતા... તેરી લાજ કિસને લૂટી હૈ..?’’ 

જો કે, ફિલ્મ પતતા સુધીમાં પ્રેક્ષકોને જયંત અને દિલીપકુમાર વચ્ચે ફરક મેહસૂસ થવો જોઇએ, એટલે છેક છેલ્લે કૉર્ટમાં દિલીપનો ઝમીર જાગી ઊઠે છે ને ખૂન, બળાત્કાર અને નિમ્મીને તરછોડી દેવા જેવા તમામ ગુન્હાઓ કબુલ કરી લે છે... એ વાત જુદી છે કે, ફિલ્મના વાર્તા અને સંવાદ લેખક નિમ્મીના ગોરધન અલી રઝા હોવાથી ફિલ્મના અંતે ભારતમાં કયો પિનલ કોડ ચાલતો હશે કે, ભરી અદાલતમાં કબુલાતો કરવા છતાં, દિલીપકુમારને એક નાની અમથીય કોઇ સજા થતી નથી. લેવા-દેવા વગરનો જયંત બિચારો જાનથી હાથ ધોઇ બેસે છે... ‘‘ખાયા, પિયા કુછ નહિ... ગિલાસ તોડા, બારહ આના...!’’ 

આમ, આખી ફિલ્મ પાપ કરી બેઠેલા માણસના ઝમીર (અંતરાત્મા) જાગવા પરની છે. એ વાત જુદી છે કે, આવા ઝમીરો જાગતા હોય, એવા માણસો હાલમાં તો આપણી પાસે કોઇ દેખાતા નથી. જેમના જાગેલા છે, એ બધા હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ‘અલ્લાહ બચાયે નૌજવાનોં સે...’ 

કોઇપણ ફિલ્મમાં દિલીપકુમાર હોય, એટલે ઍક્ટિંગના મામલે તો શહેનશાહી જ હોય. એ જમાનાનો એ અફ કૉર્સ, ‘વન ઑફ ધ બેસ્ટ ઍક્ટર્સ’ હતો. પણ આ ફિલ્મ જોનાર પ્રેક્ષકોમાંથી જેમને ઍક્ટિંગ વિશે થોડી ઘણી ય ખબર પડે છે, એ લોકો તો બાકાયદા કહેવાના કે, દિલીપસા’બના કામમાં કાંઇ જોવું ન પડે, તેમ છતાં ય આ કોઇ એમની ઍક્ટિંગ-કૅપેસિટીને મોટું આકાશ આપે, એવી મહાન ફિલ્મ નહોતી. રૅગ્યુલેશન સંવાદો બોલવા સિવાય અહીં આવા મહાન કલાકારને એવી કોઇ ઍક્ટિંગ બતાવવાનો મોકો દિલીપને તો ઠીક મઘુબાલાને ય નથી મળ્યો. આહલાદક ઍક્ટિંગ બેશક નિમ્મી કરી ગઇ છે, કારણ કે એના રોલમાં વૅરિએશન્સ ઘણા છે... આ બન્નેની માફક પહેલેથી છેલ્લે સુધી એકની એક જ સિચ્યૂએશનો દિગ્દર્શકે આપી નથી. અને અફ કૉર્સ... સુંદરતાની વાત જુદી છે, બાકી અભિનયની વાત હોય ત્યાં નિમ્મી પાસે મઘુબાલા તો છોક્કરૂં કહેવાય! 

એકાદ નાના ઝટકા સાથે નવાઇ નૌશાદના સંગીત માટે લોગે-આ ફિલ્મ પૂરતી કે, આટલા ગ્રેટ સંગીતકાર એમની બાકીની તમામ ફિલ્મોની સરખામણીમાં ક્યાં માર ખાઇ ગયા આ આખી ફિલ્મના સંગીતને ઘેરઘેર પહોંચાડવામાં...? યૂ સી... મારા તમારા જેવા જૂનાં ગીતોના ઠેઠ તળીયે અડી આવેલાઓની વાત જુદી છે, પણ રફી સાહેબના ‘ઈન્સાફ કા મંદિર હૈ યે...’ને બાદ કરતા બાકીના ગીતો એવા કોઇ ઘૂમદામ જલસા કરાવી દે, એવા નહોતા બન્યા. આપણા જેવાઓની વાત જુદી છે કે, લતા મંગેશકરનું ‘તેરે સદકે બલમ, ન કર કોઇ ગમ..’ જેવું ગીત તો વસીયતનામામાં ચોખ્ખું લખીને છોકરાઓને આલતા જઇએ ક, ‘‘આ મઘુરૂં ગીત જેને આવડતું હશે, એને જ મારી મિલ્કતમાંથી આપણી કારવાળી મ્યુઝિક-સીસ્ટમ ફ્રી મળશે...’’ ફિલમમાં હતા તો દસ જ ગીતો, અગીયારમું હોય તો રાજકોટના જૂનાં ફિલ્મી ગીતોના હીરો મઘુસુદન ભટ્ટને પૂછવું પડે. ભટ્ટસાહેબ સાચા અર્થમાં જૂની ફિલ્મોના ગીતોના માલેતુજાર છે. એ એક એવી હસ્તિ છે, જેમનો રેડીયો-ઈન્ટરવ્યૂ રેડિયો સીલોન પરથી બ્રોડકાસ્ટ થયો હતો. 

યસ. નવાઇ લાગી શકે, પણ લાગતી નથી કે, છેલ્લે નૌશાદ સાહેબે લતા મંગેશકરની પ્રશંસા કરવામાં આશા ભોંસલે માટે એવું બોલી ગયા હતા કે, ‘‘આશા પણ સારી ગાયિકા છે, પણ લતાની સરખામણીમાં એનો અવાજ બાજારૂ લાગે છે. એ વાત જુદી છે કે, ફિલ્મ ‘અમર’ના બે મશહૂર અને પવિત્ર ગીતો ‘રાધા કે પ્યારે ક્રિષ્ન કન્હાઇ, તેરી દુહાઇ’ અને ‘એક બાત કહું મેરે પિયા સુન લે અગર તુ’ કમ-સે-કમ અમને તો બાજારૂ નથી લાગ્યા...

06/11/2011

ઍનકાઉન્ટર : 06-11-2011

* સ્ત્રી થકી જ પુરૂષો ઉજળા છે, છતાં તમે પુરૂષો સ્ત્રીઓને જ કેમ વગોવો છો?
- પુરૂષોને ઉજળા કરવાનું ધોબી-કૃત્ય સ્ત્રીઓ કરે છે, એ આપનું નિરીક્ષણ સાચું, પણ એ ધોલાઈમાં ક્યાંક કપડું-બપડું ફાટ્યું હોય કે ડાઘો રહી ગયો હોય તો ધોબણનું ઘ્યાન તો દોરવું પડે ને?
(શ્રીમતી નિલા નાણાવટી, રાજકોટ)

* લગ્ન કરવા માટે છોકરી નોકરી કરતી સારી કે ઘર સંભાળે તેવી?
- તમે એને સંભાળી શકો એવી.
(હાર્દિક પી. દવે, રાજકોટ)

* મને તમારી ઉપર ગુસ્સો આવે છે, તો હાલમાં મારે ગુસ્સો કોની ઉપર ઉતારવો?
- પપ્પા ઉપર.
(વૃત્તિ અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

* લોકો લગ્નતિથિ ઘૂમધામથી મનાવે છે, છૂટાછેડાની તિથિ કેમ નહિ?
- છૂટાછેડા થયા વગર શું વાવટો મનાવવો...? બધા કાંઈ આવા નસીબદાર ના હોય, ભ’ઈ...! કોઈ પંખો ચાલુ કરો...!!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ડોલીમાં બેસીને સાસરે જતી દુલ્હનને જોઈને એક વેશ્યા શું વિચારતી હશે?
- પરમેશ્વર કદી એને મારા જેવું દુઃખ ન આપે.
(નિરવ બી. ગેડિયા, સાવર-કુંડલા)

* એક બાજુ કસાબની ફાંસી માટે દયાની અરજી ને બીજી બાજુ બૉમ્બ-વિસ્ફોટ...?
- કોંગ્રેસ-સરકાર નવી વ્યવસ્થા વિચારી રહી છે... બૉમ્બ-વિસ્ફોટ કરવા દેવા માટે દયાની અરજીઓ...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ‘‘નળ આવ્યો?’’ આ વાક્યનું અંગ્રેજી ભાષાંતર શું થાય?
- બેટા, ટ્યુશનના માસ્તરની ફી મારી પાસે ના વસૂલાય!
(મૈત્રી હેમાંગ માંકડ, જામનગર)

* મારી બુઘ્ધિ સૅલ્ફ-સ્ટાર્ટર નથી... કોક હૅન્ડલ મારે તો હાલે છે, કોઈ ઉપાય...?
- તમને એ હૅન્ડલ શરીરના કયા ભાગ ઉપર મારે છે, એ જણાવશો.
(નલિન એચ. ત્રિવેદી, જામનગર)

* સુંદરતા જોવા માટે છે, સ્પર્શવા માટે નહિ. તમારે કેમનું છે?
- મને તો બધીઓ અડઅડ જ કરે છે, બોલો!
(ગૌરી કાચા, અમદાવાદ)

* આજકાલ ભગવાનના દર્શનની સાથે સાથે ‘દાન’ ધરમ વધતા જવાનું શું કારણ?
- નિખાલસતાથી કહું તો મને હજી સુધી રૂપિયાનું ય દાન મળ્યું નથી... આ તો એક વાત થાય છે!
(સ્મિતા શૈલેશ કોઠારી, વાશી-નવી મુંબઈ)

* યુવાનો હવે ૩૦-૩૨ના થાય ત્યાં સુધી ભણતા જ રહે છે... આ શું યોગ્ય છે?
- આપણે એવું નહિ... આપણે તો ૨૧-ના થતાં જ બઘું જે શી ક્રસ્ણ કરી નાંખ્યું’તું...!
(જગદિશ બી. ઠક્કર, મુંબઈ)

* સરકાર શું આ ફૂગાવાનો હિસાબ રાખતી હશે?
- આવી સરકારને હજી સુધી આપણે રાખી મૂકી છે, એ પ્રોબ્લેમ કહેવાય!
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

* ભગવાન રાજી શેનાથી થાય? ભેટસોગાદો ધરાવવાથી કે માત્ર બે હાથ જોડીને વંદન કરવાથી?
- માત્ર બે હાથ જોડીને વંદન કરવાથી તો હું ય રાજી ન થાઉં...હઓ!
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

* સ્ત્રીની સુંદરતા યુવાનીમાં અમીર અને પાછલી ઉંમરે ગરીબડી કેમ બની જાય છે?
- ઓહ...વાઉ... અમારે પુરૂષોને એવું સહેજ બી નહિ...! અમે તો ૬૦-ની ઉંમરે પણ... યૂ નો...??
(ભારતી સી. કાચા, મોરબી)

* અરીસામાં જોતી દરેક સ્ત્રી પોતાને સુંદર જ માનતી હશે?
- સાવ ખોટ્ટું...! કેટલીક તો પોતાને વગર અરીસે પણ સુંદર માને છે. (એક વાર જોઈ જુએ તો રાઝ ખુલે!)
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* હું અને મારા સાસુ ઘરમાં નિયમિત સંતાકૂકડી રમીએ છીએ... કોઈ ઉપાય બતાવો ને કે આ રમત બંધ થાય?
- આમાં તો ફક્ત પ્લૅયર જ બદલાય છે... પહેલા એમની સાથે તમારા સસુરજી સંતાકૂકડી રમતા હશે!
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* મારા સસરાનો ધંધો સાડીઓનો નથી, છતાં સાડીઓમાં ખબર બહુ પડે છે... શું સમજવું?
- આમાં તમારે કાંઈ સમજવાની વાત ક્યાં આવી?
(શકુંતલા પટેલ, આણંદ)

* એકનો એક સવાલ એક વ્યક્તિને અવારનવાર પૂછવા છતાં એ ન સમજે તો શું કરવું?
- વ્યક્તિ એની એ જ રાખો... સવાલ બદલો, જેમ કે...‘હું તમને બહેન કહી શકું?’ કાચી સેકંડમાં જવાબ ન આવે અડઘું મુંબઈ તમારૂં... જાઓ!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

* અડવાણી કોઈને પણ ગમતા હશે ખરા?
- ઓહ... પાકિસ્તાનમાં એમનો ઓટોગ્રાફ લેવા પડાપડી થાય છે!
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* હૃદયના ધબકારા વધઘટ થયા કરે છે... કારણ શું?
- હમણાં ચિંતા ના કરો. બંધ થઈ જાય, પછી આવજો.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* તમે ફેસ-બુક પર કેમ નથી.
- મારા માટે પાસબૂક પર રહેવું જરૂરી છે... ફેસબૂક કે ચૅકબૂક પર નહિ!
(મંજુલા પરમાર, ગાંધીનગર)

* ટીવી પર ચાર જુદા જુદા મહાનગરોના તાપમાનો આવે છે, એનો શો મતલબ?
- આપણાં ઘરનું પર્સનલ તાપમાન તો ઘરમાં જ જોઈ લેવું પડે! ...એ લોકો ના આલે...!
(ડૉ. દિનેશ પાઠક, રાજકોટ)

* ‘બુધવારની બપોરે’માં આપશ્રીએ શ્રી અમિતાભ બચ્ચન માટે હમણાં જે લેખ લખ્યો હતો, એવું એમનું સુંદર મૂલ્યાંકન આજ સુધી કોઈએ કર્યું નથી. અમારા પ્રણામ સ્વીકારશો?
- પ્રણામ સ્વીકારવા જેટલી લાયકાત ઈશ્વર મને આપે, પછી વાત.
(શ્રીમતી સુહાસિની પી. ભટ્ટ, વડોદરા)

* વડાપ્રધાન તરીકે મોદી, અરૂણ જેટલી, અડવાણી, સુષ્મા સ્વરાજ...! ભેંસ ભાગોળે ને... ભાજપની બાલિશતા વિશે સુઉં કિયો છો?
- દેશ પર રાજ કરવા માટે કોંગ્રેસ કે ભાજપ... બેમાંથી એકે ય લાયક નથી... ઓહ, બીજું ય ક્યાં કોઈ લાયક છે?
(દીપક શાહ, અમદાવાદ)

* મહિલાઓના માનપાન વધી રહ્યા છે ને પુરૂષોની દશા બેઠી છે... આમ કેમ?
- ..ઍક્ચ્યુઅલી.... થયું’તું શું...???
(ભરત ડી. સાંખલા, ડીસા)

* મૂછો જ શા માટે મર્દાનગીનું પ્રતિક બની?
- આંખોની ભ્રમરો તો તમે કેટલી વખત ઊંચીનીચી કરે રાખો...?
(નટવર ટાંક, જૂનાગઢ)

04/11/2011

‘રાજકુમાર’ (’૬૪)

ફિલ્મ : ‘રાજકુમાર’ (’૬૪)
દિગ્દર્શક : કે. શંકર
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૯-રીલ્સ
વાર્તા : મનમોહન દેસાઈસંવાદો : રામાનંદ સાગર
થીયેટર (અમદાવાદ) : અલંકાર
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, શમ્મી કપૂર, સાધના શિવદાસાણી, પ્રાણ, રાજેન્દ્રનાથ, માસ્ટર બબલુ, ટુનટુન, અચલા સચદેવ, હરિ શિવદાસાણી, શિવરાજ, મનોરમા, ઓમપ્રકાશ


ગીતો
૧. જાનેવાલે જરા હોશિયાર, યહાં કે હમ હૈ રાજકુમાર... મુહમ્મદ રફી
૨. આજા, આઈ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે... લતા મંગેશકર
૩. નાચ રે મન બદકમ્મા, ઠુમ્મક ઠુમ્મક બદકમ્મા... આશા-લતા
૪. ઈસ રંગ બદલતી દુનિયા મેં, ઇન્સાન કી નિયત... મુહમ્મદ રફી
૫. તુમને કિસી કી જાન કો જાતે હુએ દેખા હૈ... મુહમ્મદ રફી
૬. દિલરૂબા, દિલ પે તુ, યે સિતમ કિયે જા કિયે જા... આશા-રફી
૭. તુમને પુકારા ઔર હમ ચલે આયે, દિલ હથેલી પર... સુમન-રફી

શમ્મી કપૂરની સાથે સાથે આપણા બધાનું ય કેવું દુર્ભાગ્ય કે, ’૬૦-ના દસકામાં એનો જમાનો પૂરજોશ ચાલતો હતો, ત્યારે એ વખતે જે લોકો મારી જેમ કિશોરા કે યુવાવસ્થામાં હશે, એ બધાને બાદ કરતા મોટેરાઓને શમ્મી કપૂર ફક્ત ઠેકડા મારતો કે વાંદરાવેડાં કરતો હીરો જ લાગતો હતો. અમારા જેવા એના ડાય-હાર્ડ ચાહકોને ગલી ગોતવી પડતી જ્યારે મોટાઓ રાજ-દિલીપ-દેવ જેવા મોટા સ્ટાર્સની વાતો કરતા હોય. ‘શમ્મીને ઍક્ટિંગ સાથે શું લેવા-દેવા? એ ઝાડ પર ઊંધો લટકે, એમાં બધી ઍક્ટિંગ આઇ ગઇ...!’’

પોતે બર્નાર્ડ શોના લૅવલની કોઈ મોટી જોક મારી હોય, એવા ગર્વિષ્ઠ ભાવોથી આવું બોલનારો બધાની સામે જુએ અને સાંભળનારાઓ ય હજી ગયે મહિને ‘મધર-ઇન્ડિયા’, ‘ગાઈડ’ કે ‘આવારા-ફાવારા’ના હીરો તરીકે શૂટિંગ પતાઈને પાછા આયા હોય, એવા અંદાજથી બે વાત વધારે ઉમેરે, ‘‘જો ભ’ઈ... પ્રાણ-બાણની ધોલાઈ કરવી હોય, ત્યાં સુધી શમ્મી કપૂર બરોબર છે... હોડીઓમાં તત્તણ-ચચ્ચાર ફૂટના કૂદકા મારવા હોય ત્યાં આ તમારો શમ્મી ચાલે મારા ભ’ઈ... બાકી એને પેલો કયો?...?... હા, ‘મઘુમતિ’નો દિલીપકુમારવાળો રોલ આપો.... ૬.૪૦-ની લોકલ પકડીને ઘેર પાછો આવતો રહેશે, બૉસ!’’ આમાં વળી એકવાર શમ્મીના લાઈફ-ટાઈમ ચાહક અમદાવાદના અમારા લલિત ઓઝાથી બોલાઈ જાય કે, ‘‘એવું હોય તો એક વાર ‘કાશ્મિર કી કલી’ના ‘તારીફ કરું ક્યા ઉસકી, જીસને તુમ્હેં બનાયા...’ ગીત તમારા દિલીપકુમાર પાસે ગવડઇ જુઓ, એટલે ખબર પડી જશે...’’ આટલામાં તો તલવારો ઉછળે... બે-ચાર જણા પંખા ચાલુ કરવા જતા રહે, બીજો એક પ્રતાપ સિનેમાની ગલીમાં મળતી ૧૨-નયા પૈસાની ‘શમ્મી કપૂરના ગીતો’ની ચોપડી લેવા ગયો હોય, જેથી પાછા આઈને પેલાના મોંઢા ઉપર મારી શકાય, ‘‘બોલ... હવે તું બોલ... આમાંનું એકે ય ગીત આ તારા દિલીપ-ફિલીપ કે રાજ-બાજને ગાતા ય આવડે...? ખોટી ફિશીયારીઓ તો આપણી પાસે મારવાની જ નહિ...!’’

પણ ‘બ્રહ્મચારી’ પછી શમ્મી કપૂરે હીરોગીરી બંધ કરી અને હીરોલોગનો જે નવો લૉટ આવવા માંડ્યો, એ જોઈને એ બઘ્ધાં વડીલો ય સ્વીકારવા માંડ્યા કે, ‘‘આ બધા કરતા તો શમ્મી કપૂર લાખ દરજ્જે સારો હતો... એમ ઍક્ટર તરીકે પણ.’’ તબક્કા એવા ય જોવા મળ્યા કે, અગાઉ ડરનારાઓ હવે ઉઘાડેછોગ કહેવા માંડ્યા કે, પેલા ત્રણ મહારથીઓ કરતા ય અમને શમ્મી કપૂર વધારે ગમે છે. નસીરૂદ્દીન શાહે તો હજી હાલમાં ય એક બૉલ્ડ સ્ટૅટમેન્ટ આપ્યું કે, ‘‘મને ખબર પડતી નથી કે, લોકો કેમ દિલીપકુમાર કે અમિતાભ બચ્ચનને મહાન ઍક્ટરો ગણાવે છે...! ઇન ફૅક્ટ, એ લોકોએ ફિલ્મી પરદા પર જે કર્યું છે, એ બઘું તો અમે ય કરી શકીએ છીએ, પણ શમ્મી કપૂર જે કરી ગયો છે, એવી ઍક્ટિંગ કે એવો પ્રભાવ લાવવાની તો અમારામાંથી એકે ય ની હૈસિયત નથી. શમ્મી કપૂર સર્વોત્તમ હીરો હતો.’’અને એ તો હવે એ જ શમ્મી કપૂરની એ જમાનામાં ખૂબ ઉપડેલી અને આજે જોઈએ તો સાવ ફાલતુ લાગે, એવી બધી ફિલ્મો ‘રાજકુમાર’, ‘ઍન ઈવનિંગ ઇન પેરિસ’, ‘જંગલી’, ‘જાનવર’ કે ‘બદતમીઝ’માં પણ એક અભિનેતા-ઍક્ટર તરીકે શમ્મી કપૂરની અભિનયક્ષમતામાંથી એક દોરો ય ખેંચી શકાય એવો નથી. સીરિયસ રોલ કે દ્રષ્યોમાં શમ્મી કેવો છવાઇ જતો હતો, એ તો આ બધી વાહિયાત ફિલ્મોમાં ય તમે જોઇ શકો...તો શું... આ બધા નામો લખ્યા, એ બધી ફિલ્મો વાહિયાત હતી?

હા અને ના. આજે ડીવીડી મંગાવીને જુઓ તો આપણી જવાની પર શંકા જાય ખરી કે, આવી ફિલ્મો ય આપણને ગમતી’તી? પણ જવાની એમ કાંઈ બેકાર જવા દીધી નહોતી, એટલું સ્વીકારો તો પાછો મત બદલવો પડે કે, ’૬૦-ના દાયકામાં આ બધી ફિલ્મો જોઇ, ત્યારે અદ્‌ભુત મનોરંજક લાગી હતી અને ખૂબ ગમી હતી. અમદાવાદની પ્રતાપ સિનેમામાં તો દર દિવાળીએ બાય હૂક ઑર બાય ક્રૂક... શમ્મી કપૂરની ‘ઍન ઈવનિંગ ઇન પૅરિસ’ તો લાગી હોય જ. શર્મીલા ટાગોર (આપણા સૈફઅલી ખાન બાબાના મમ્મીજી)એ સાવ પોતાની જાંઘો પરફૅક્ટ દેખાય એવા દ્રષ્યો આપ્યા હોવા છતાં, લોકો શમ્મીને જોવા જતા હતા અને દર દિવાળીએ અચૂક આ જ થીયેટરમાં આ ફિલ્મ આવે, છતાં ય ‘હાઉસફૂલ’ જ હોય!

સાધના સાથે શમ્મી કપૂર ખૂબ ખીલતો, એની પહેલી સાબિતી ફિલ્મ ‘રાજકુમાર’થી મળી. ‘રાજકુમાર’ માત્ર શમ્મી માટે જ નહિ, મુહમ્મદ રફી સાહેબ અને શંકર-જયકિશન માટે પણ એક લૅન્ડમાર્ક ફિલ્મ બની ગઇ. યૂ સી... સંગીતના ક્ષેત્રે પણ જમાનો નવો આવી રહ્યો હતો... નૌશાદ-મદન મોહન બ્રાન્ડના સીરિયસ ગીતો અને સીરિયસ ગાયકી હવે પતવા આવી હતી, ત્યારે ટકી રહેવા માટે ય રફી સાહેબે કંઇક નવું કરી બતાવવું પડે એમ હતું અને એ જ એમણે કરી બતાવ્યું. અગાઉના કોઈ ગીતમાં ન કરી હોય એવી હરકતો એમણે બતાવવા (સૉરી... સંભળાવવા) માંડી. આશા ભોંસલે તો પહેલા જ દિવસથી આવી હરકતોના કામમાં માહિર હતી... તખ્તો રફી માટે નવો હતો, પણ બન્નેએ ભેગા મળીને ‘દિલરૂબા, દિલ પે તૂ, યે સિતમ કિયે જા... કિયે જા’ ગીતથી રફી સાહેબે પણ અવાજને વધારે યુવાન બનાવવા માંડ્યો, એમાં સૅક્સી હરકતો ય ઉમેરી અને ખાસ તો, આ ગીતના અંત ભાગમાં આખી પંક્તિનું યૉડેલીંગ કરીને ગાયું, એમાં તો આપણે ગાર્ડન-ગાર્ડન થઇ જઈએ છીએ. નો ડાઉટ, આ મામલે આશા તો જન્મજાત કલાકાર એટલે, જે હિસક-ખીસકના અવાજો એણે કાઢી બતાવ્યા છે, એમાં તો ભા’આય... ભા’આય... પગપાળા યાત્રાસંઘ સીધો આપણા પોતપોતાના ભાગે આવેલા સાસરાના ગામનો જ કાઢવો પડે કે, વાઈફને કહેવાય, ‘‘હવે તું રજાઓ ટૂંકાવીને ઘેર પાછી આવતી રહે... ઇમરજન્સી ઊભી થઈ છે...!’’

ફિલ્મ ‘રાજકુમાર’ની કોઈપણ વાત શરૂ કરતા પહેલા જાહોજલાલી શંકર-જયકિશનના સંગીતથી જ બતાવવી પડે. સાલું, એકેએક ગીત દિલડોલ, હર્યુભર્યું અને તરખાટ મચાવનારૂં. ‘‘જાનેવાલે જરા હોશિયાર’’ કે ‘‘આજા આઈ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે, રાજકુમાર, તેરે બિન રહા ન જાય’’ ગીતનું ઈન્ટ્રોડક્ટરી મ્યુઝિક (મૂળ ગીત શરૂ થતા પહેલા વાગતું સંગીત) હોય કે ઈન્ટરલ્યૂડ (બે અંતરા વચ્ચેનું સંગીત ઈન્ટરલ્યૂડ કહેવાય.) શંકર-જયકિશને જલસા કરાવી દીધા છે. રફીસાહેબના તો બન્ને ગીતો ‘વો દેખો મુઝ સે રૂઠકર, મેરી જાન રહી હૈ’ અને ‘ઈસ રંગ બદલતી દુનિયા મેં, ઈન્સાન કી નિયત ઠીક નહિ...’ તો વેચવા કાઢો તો સામેવાળો આખો તાજમહાલ ગિફ્‌ટમાં આપી દે, પણ બહુ ઓછું સંભળાયેલું આશા-લતાનું યુગલ ગીત, ‘નાચ રે મન બદકમ્મા, ઠૂમ્મક ઠૂમ્મક બદકમ્મા’ સંગીત અને ગાયકીની દ્રષ્ટિએ પણ અનોખો પીસ બન્યો છે. થોડા થોડા કવ્વાલી જેવા લાગતા ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે...’માં રફીએ બિલકુલ શમ્મીને જ ઘ્યાનમાં રાખીને એવું તે કેવું ગાયું હશે કે, જોતી-સાંભળતી વખતે શમ્મી કપૂર રફીને પ્લૅબૅક આપતો હોય એવું લાગે?

મારા માટે તો શંકર-જયકિશન જ આજ સુધીના સર્વશ્રેષ્ઠ સંગીતકારો હોવાથી, મને તો ‘રાજકુમાર’ના ટાઈટલ-મ્યુઝિકમાં જયકિશને સૅક્સોફોનની લીડમાં ‘યહાં કે હમ હૈ રાજકુમાર’ વગાડાવ્યું છે, તે પણ સ્વતંત્ર ગીત જેવું જ મનોહર-મનોહર લાગે છે...! બહુ ઓછાને ખબર હશે કે, એ બન્નેની કોઈપણ ફિલ્મનું ટાઈટલ અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જયકિશન એકલો તૈયાર કરતો... એમાં શંકરજી ન હોય! અગાઉ અનેકવાર કહી ચૂક્યો છું તેમ, થોડા અપવાદોને બાદ કરતા, હસરત જયપુરીએ લખેલા તમામ ગીતો જયકિશન બનાવતો અને શૈલેન્દ્રએ લખેલા ગીતો શંકર બનાવે.

‘રાજકુમાર’ ’૬૪-ની સાલમાં આવી. આ સાલમાં રંગીન ફિલ્મ આવવી કોઇ નાની અમથી વાત નહોતી. એમ તો ’૬૦-ની સાલમાં ‘જંગલી’ આવી ગઇ, પણ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના એ જમાનામાં આઝાદ-ચિત્રાની હોમી વાડીયાની ઝીમ્બો-ટારઝનવાળી ગેવા કલર ફિલ્મો ય મોટી વાત કહેવાતી. અને દિલીપકુમારની ‘આન’ અને અંશતઃ ‘મુગલ-એ-આઝમ’ને બાદ કરતા બાકીની બધી ફિલ્મો કાળી-ધોળી જ હતી. દેવ આનંદને ઠેઠ ‘ગાઈડ’ સુધી અને રાજ કપૂરને પોતાની ‘સંગમ’ સુધી રાહ જોવી પડી હતી. પણ એક તો આવો સોહામણો ને એમાં ય પાછી આંખો મરિન લાઈન્સ પરથી દેખાતા દરિયાના નીલા રંગ જેવી, એટલે શમ્મી કપૂર કલર ફિલ્મોમાં કેવો રૂપકડો લાગતો હશે, એ ધારણાનો વિષય નથી રહ્યો... આજે પણ સીડી મંગાવીને જોઇ શકાય છે. ‘રાજકુમાર’ની વાર્તા મનમોહન દેસાઈએ અને સંવાદો રામાનંદ સાગરે લખ્યા હતા, એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે, ફિલ્મમાં કોઇ ઢંગધડો નહિ હોય, પણ મનોરંજન ભરપુર હશે અને આ ધારણા પરફૅક્શન સાથે સાચી પડી. એક તો કૉસ્ચ્યૂમ-ફિલ્મ હોવાથી રાજા-મહારાજાઓવાળી ફિલ્મો જોવાની બાદશાહત અમથી ય વહાલી લાગે અને એમાં ય ફિલ્મ જોતા જોતા તમારો ખભ્ભો પંપાળવા બાજુમાં સાધના બેઠી હોય, તો મ્હેલોને માથાકૂટ કે મનમોહન દેસાઈની ફિલ્મોમાં બહુ મગજ નહિ દોડાવવાનું... ગેલગમ્મત કેટલી પડે છે, એ જૂઓ... ધૅટ્‌સ ઑલ, મી. લૉર્ડ! 

પરદેશ ભણવા ગયા પછી દસ વર્ષે દેશમાં પાછા આવતા રાજકુમાર શમ્મી કપૂરના રાજા પિતા પૃથ્વીરાજ કપૂરના મનસુબા પર શમ્મી પાણી ફેરવી દે છે કે, રાજયકુમારને શોભે એવી શાનોશૌકતને બદલે આવતા વ્હેંત એણે જોકરવેડાં કરવા માંડ્યા છે... પોતાના પાલતુ રાજ્યની રાજકુંવરી સાધના સાથે ઉઘાડેછોગ ઇશ્ક ફરમાવવા માંડ્યો છે. અહી શમ્મી કપૂરની બા (જાડી મનોરમા) સહેજ પણ ખીજાતી નથી, કારણ કે એ સાવકી બા હોય છે... આ તો એક વાત થાય છે. આ મુદ્દા ઉપર પ્રધાનમંત્રી પ્રાણ શમ્મીને ગાંડો સાબિત કરાવીને સાધનાના પિતાના ખૂનનો સફળ આક્ષેપ શમ્મી ઉપર મૂકાવીને સાધના સાથે શમ્મીની કિટ્ટા કરાવી દે છે. પણ શમ્મી પોતાના જીગરી દોસ્ત રાજેન્દ્રનાથની મદદથી પ્રાણને ખુલ્લો પાડવામાં સાડા ત્રણ કલાક પછી સફળ થાય છે, કારણ કે ફિલ્મ સાડા ત્રણ કલાકની છે.

શમ્મી કપૂર અને રાજેન્દ્રનાથ બન્ને ફિલ્મોમાં આવ્યા તે પહેલાના એકબીજાના જાનેમન દોસ્તો હોવાને કારણે શમ્મીની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં પોપટલાલને ચાન્સ મળ્યો છે. પ્રાણને આજ દિન સુધી લોકો કેમ સદાબહાર અભિનેતા ગણે છે, એની સાબિતી આવી ‘રાજકુમાર’ જેવી ફિલ્મો જોવાથી ય મળી જાય. એક તો હીરો કરતા ય વધારે ચુસ્ત શરીરની જાળવણી, પરિણામે કોઈપણ કપડામાં એ શોભે. તલવારબાજીમાં નામ તો સાઉથના રંજનનું ‘પટ્ટાબાજ’ તરીકે ઓળખાતું. યાદ છે, મૂકેશનું બુલો સી.રાનીએ કમ્પોઝ કરેલું ફિલ્મ ‘હકદાર’નું ગીત, ‘મૈં હૂં દીવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભી કહે, ગાતા ચલા દિલ કા તરાના’ ફિલ્મમાં રંજન ઘોડા ઉપર બેસીને ગાય છે. આ ફિલ્મ પાંચકુવા આવેલી ‘ઇંગ્લિશ ટૉકીઝમાં મેં ૫૦-પૈસાવાળીમાં આગલી પાટલી પર બેસીને જોઈ હતી. પણ પ્રાણ સાહેબ તલવારબાજીમાં ચૅમ્પિયન ગણાતા. જીંદગીભર આટલી બધી સિગારેટો પીનાર પ્રાણ આજે ૯૦-પ્લસની ઉંમરે પણ અડીખમ છે. (આમાં પબ્લિસિટી પ્રાણની કરી છે... સિગારેટની નહિ!)

શંકર-જયકિશનવાળી આ જ ટીમ સાથે શમ્મી કપૂર અને સાધનાની બીજી ફિલ્મ ‘બદતમીઝ’ વિશે આ કૉલમમાં લખાય ખરૂં? સુઉં કિયો છો?

02/11/2011

રીમોટ ક્યાં ગયું ?


- રીમોટ ક્યાં ગયું ?
- કોનું રીમોટ ?
- અરે ટીવીનું.
- હું ય ક્યારનો ડીવીડીનું રીમોટ શોઘું છું. એ ક્યાંય જોયું ?
- અલ્યા પટીયા... ટીવીનું રીમોટ જોયું ?
- ગઇ કાલે જોયું’તું... આજની ખબર નથી.
- ઘરમાં સાલા બધા ડોબાઓ જ ભર્યા છે.. રોજ કંઇ ને કંઇક તો શોધતા જ રહેવાનું.
- યસ. આ તો સાલી કાંઇ જીંદગી છે ?
- ઓહ મૉમ... તું ક્યારની રૂમમાં શું કરે છે ?
- મારો મોબાઈલ મળતો નથી... કોઇએ જોયો ?
- રિંગ મારી જો ને... જ્યાં હશે ત્યાં વાગશે...
- કેમ, મને એટલી ય ખબર નહિ પડતી હોય ? રિંગ પણ મારી જોઇ... ક્યાંય સંભળાતી નથી.
- તારે રિંગ નહિ, કાન ચૅક કરાવવાની જરૂર છે...
- યપ મૉમ... ઉંમર વધે એટલે કાન તો જાય...!
- બહુ પપ્પાની ગાડીમાં સીધો ચઢી ના જા... એ ય સવારના ચશ્મા ગોતે રાખે છે... કપાળ ઉપર ચઢાવેલા છે, એની હજી એમને ખબર પડી નથી...!
- ડાર્લિંગ....કપાળ તો મળવું જોઈએ ને...! તને પરણ્યા પછી કપાળ જ ગૂમ થઇ ગયું છે...
- એ તો જેવા જેના નસીબ, પૉપ !
- એ હાઆઆઆ... જો આ ચાવીનો ઝૂડો મળી ગયો...
- કેવી રીતે ?
- આ મને એમ કે, મોબાઇલ કબાટની નીચે તો ક્યાંક નહિ જતો રહ્યો હોય ને ? તે હું વાંકી વળીને જોવા ગઇ.. તો કંઇક ખખડયું... મેં’કુ કે.. મોબાઇલનો રિંગટોન આવો ચાવીના ઝૂડા જેવો તો નથી... તો ઝૂડો જ નીકળ્યો.. હાશ, બે કલાકથી શોધતી’તી...!
- ટીવીનું રીમોટ કોઈ શોધવાનું છે કે, યુઘ્ધ જાહેર કરૂં... ?
- ઓહ પૉપ...આજ સુધીની એકે ય વૉર તમે જીત્યા છો...? શેની ખોટી ખોટી ટણી કરે રાખો છો ?
- હે ભગવાન.. હું ‘રા-વન’ની ડીવીડી લાયો છું ને રીમોટીયું મળતું નથી...
- અરે તું રાવણની ડીવીડી લાવે કે હનુમાનની.. મારો મોબાઈલ ગોતી કાઢ ને, બાપા....!
- એ ત્યાં જુઓ તો... શું પડ્યું છે.. પેલા વૉર્ડરોબ ઉપર... ???
- એ ઇસ્ત્રી છે, રીમોટ નથી... ડૉહાની હવે આંખો ય ગઇ છે...!
- ડૅડ... ઇસ્ત્રીથી ટીવી ચાલુ ના થાય... રીમોટથી જ થાય !
- મારા સુંદર સુંદર બાળકો.... માન્યું કે, સુંદરતામાં તમે તમારા ડૅડી ઉપર ગયા છો... પણ બુઘ્ધિમાં સીધા તમારા મમ્મી ઉપર ગયા છો, એનો અફસોસ મને આવતા જનમ સુધી રહેવાનો !
- સૉરી ડૅડ... ભારતીય સંસ્કૃતિ મુજબ, બાળકોએ જે ડૅડી મળ્યા હોય, એ જ વાપરવા પડે છે -
- યસ ડૅડી... હવે અમે એમાં કોઇ ફેરફાર કરાવી નહિ શકીએ..!
- જસ્ટ શટ અપ... ! જસ્ટ શટ અપ... ઓકે ?.... આઇ સૅઇડ, ‘ઑકે ?’
- મળી ગઇ...મળી ગઇ... મળી ગઇઇઇઇ... મારા નાકની ચૂની મળી ગઇ
- ત્રણ ચૂનીઓ મળી છે ?
- અરે, તમે ય શું નૉન-સૅન્સ સવાલો પૂછો છો ? ચૂની તો એક જ હોય ને ?
- તું ત્રણ વખત ચીલ્લાઇ... મને એમ કે ત્રણ ચૂનીઓ---
- ડૅડ.... તમે અમારા ડૅડ હોવા છતાં આવા સ્ટુપિડ સવાલો પૂછો છો.. કાલ ઉઠીને મૉમ તમને ક્યાંકથી ગોતી કાઢે તો ખુશ થઇને ત્રણ-ચાર વખત બૂમ પાડે ‘મળી ગયા મળી ગયા.. મળી ગયા..’ ‘ડઝ ઇટ મીન કે ?’
- આવી રદ્દી સિમિલીઓ ના આપ... તારી મૉમ ‘ળ’ ને બદલે ‘ર’ બોલે છે... એ ‘મળી ગયા...’ની બૂમ ના પાડે ! ઉફ... કોઇ પંખો ચાલુ કરો.. !
- અરે તારા ડૅડી ગયા ચુલામાં... કોઇ ખુશ તો થાઓ, બે મહિના પછી મારી ચૂની પાછી મળી છે...
- નાક બચી ગયું... !
- વચમાં તમારે તો કંઇક ને કંઇક વાંદરાવેડાં કરવા જોઇએ જ, કેમ ? હાઆ..શ. અઢી લાખની ચૂની હતી...
- એ તો નાક સાથેનો ભાવ હતો... એકલી ચૂની બે લાખ પિસ્તાળીસ હજારમાં પડી છે....
- મૉમ... કોઇએ મારૂં વૉલેટ જોયું.. ? મારા પૉકેટમાં નથી...!
- ટૂવાલ પહેરીને પૉકેટ ગોતે છે, ઇડિયટ ?
- હે રામ... આ ઘરનું શું થવા બેઠું છે ?
- ગૂગલ-સર્ચમાં પૂછી જો.
- અરે પણ.. મારૂં રીમોટ ગયું ક્યાં ?
- આ શું છે ?
- એ તો એ.સી.નું રીમોટ છે... એ.સી.ના રીમોટથી ટીવા-ફીવા ચાલુ ના થાય, સ્ટુપિડો...!
- ડૅડ.. એક કલાકમાં મારૂં રીમોટ નહિ મળે, તો હું દિલ્હીના રાજઘાટ ઉપર ઉપવાસ ઉપર બેસી જઇશ...
- યૂ આર એ ક્રેપ....! યૂ આર સિમ્પલી એ ક્રેપ.. ! તારો બાપ પરણ્યો ત્યારથી ઉપવાસ ઉપર જ છે... રાજઘાટને બદલે આપણા ઘરના ધોબીઘાટ ઉપર બેઠો છું એટલો જ ફરક છે...!
- બૅટર લક નૅકસ્ટ ટાઇમ, ડૅડ...!
(દરેક ઘરની આ કહાની છે. રોજ સવાર પડે દરેક ઘરમાં કોઇને કોઇ, કંઇકને કંઇક ગોતતું રહે છે.. મોડું વહેલું બધાને શાંતિ સિવાય બઘું પાછું મળી જ રહે છે...!) 

સિક્સર
આ છસ્સો પાનાની ચોપડી શેની છે ?
કંઇ નહિ... આ આખું એક ગુજરાતી ફિલ્મનું નામ છે....!
(આજકાલની તમામ ગુજરાતી ફિલ્મોના નામો એટલા લાંબા હોય છે કે, ફિલ્મનું નામ છે કે નિબંધ, એ ખબર ન પડે !)