Search This Blog

16/11/2011

ટ્યુબલાઈટ

મારામાં નિર્ણયશક્તિનો અભાવ છે. અમારે જ્યાં મકાન બદલવાની જરૂર હતી, ત્યાં હું ટ્યુબલાઈટ બદલવા ટેબલ ઉપર ચઢ્‌યો હતો. જીવનમાં ઉન્નતિ મને ગમે છે, પણ ટેબલ પર ચઢીને બોલતી ઉન્નતિ નહિ ! હું જાણું છું કે, કેટલાક કામો કરતી વખતે હું શોભતો નથી. મને તલવાર ચલાવતા કે રીપેર કરતા આવડતી નથી. પણ તલવારની ઝીણીઝીણી અણી વડે ગમે તેવા જામ થઈ ગયેલા ડબ્બાનું ઢાંકણું હું બહુ આકર્ષક ઢબે ખોલી શકું છું. ગમે તેવા મોંઘા કપડાં પહેરૂં, સરવાળે તો પૂછનારા એટલું પૂછે છે, ‘તમને કોઈના બી કપડા ફિટ થઈ રહે છે, નહિ ?’ ગાડી ચલાવતી વખતે હું ગાડીના માલિક જેવો નથી લાગતો. મેં લશ્કરી ગણવેશ પહેરીને સ્ટુડિયોમાં ખભે બંદૂક ભરાવેલો ફોટો પડાવેલો છે. મને યાદ છે, ઊંઝાથી આવેલા ૩-૪ જણા બોલ્યા હતા કે, ‘આ કોઈ શહીદનો ફોટો લાગે છે...!’ 

ટ્યુબલાઈટો તો જેણે બદલી હોય એમને ખબર પડે કે, એ કોઈ નાની માંના ખેલો નથી. એક રૂમમાં મિનિમમ ૩-૪ ટ્યુબલાઈટો હોય તો એમાંથી કઈ ઊડી ગઈ છે, એ નક્કી કરવામાં જ ઘણી વાર તો કલાક નીકળી જતા હોય છે. એ પછી જમીનથી ટ્યુબ કેટલા ફૂટ ઊંચે છે, તે માપી જોવું પડે છે. અનુભવ બધાને હશે કે, ટ્યુબલાઈટો બદલવા માટે વપરાતા ઘરના સ્ટુલો ઉપર ચઢ્‌યા પછી આપણો પનો ટૂંકો પડતો હોય છે, એટલે પગના પંજા ઉપર ઊંચા થઈ થઈને ટ્યુબને મચડવાની હોય છે. ઘણા લાંબડાઓના કેસમાં એવું ય બનતું હોય છે કે, એમનું માથું છત સુધી પહોંચી ગયું હોય ત્યારે ખબર પડે કે, ટ્યુબ તો નીચે ઠેઠ ઢીંચણ પાસે રહી ગઈ છે.

ખરો નિર્ણય તમારે એ લેવાનો આવે છે કે, સ્ટૂલ ઉપર ચઢતી વખતે સાઈડમાંથી સ્ટૂલ કોની પાસે ઝાલી રખાવવું ? સોસાયટીમાં તો ઘણાની સાથે ઓળખાણો હોય પણ કહે છે કે, વાતવાતમાં રિસ્ક લેનારા માણસો આવે વખતે સ્ટૂલો પોતાની પત્ની પાસે પકડાવે છે. મારો તો પર્સનલ અનુભવ છે કે, હું દરિયા કિનારાના ખડક પર ચઢતો હોઉં, તો ય હકી બન્ને હાથ દબાવી-દબાવીને ખડક પકડીને ઊભી રહે છે અને છેક સુધી ખડકને હલવા નથી દેતી, એ હિસાબે અનુભવ કાફી હોવાથી એ મારું સ્ટૂલ તો ના જ હલવા દે. મારે માઉન્ટ આબુમાં કોક સારા અને ખાનદાની ઘોડા ઉપર બેસવું હતું, ત્યારે ઘોડાને પકડી રાખવાને બદલે હકીએ પૂરી તાકાતથી મને પકડી રાખ્યો હતો. એ દ્રશ્ય જોઈને હું કે ઘોડો બેમાંથી કોઈ હાલ્યું નહોતું, છતાં દુઃખ પણ હકીને પહોંચ્યું હતું કે, ‘આજકાલ મૉ’ર જેવા ઘોડાઉં કિયાં થાય છે...!’ (‘મૉ’ર’ જેવા એટલે પહેલા જેવા) 

વિજ્ઞાનમાં લખેલા ઉચ્ચાલન અને સંતુલનના નિયમો અનુસાર, સ્ટૂલ પર ચઢ્‌યા પછી સ્ટૂલ હાલવું ન જોઈએ, માટે જીવનમાં નહિ તો સ્ટૂલ પકડવામાં તમારે કોક સહારો જોઈતો હોય છે. મારે તો ઘરમાં એક જ વાઈફ છે, એટલે મદદ માંગીએ તો ય બીજા કોની માંગીએ ? (જવાબ : ઘરમાં એ વખતે એકે ય વાઈફ ન હોય તો આજુબાજુમાં રીકવેસ્ટ કરી આવવી ખોટી નહિ... ! જવાબ પૂરો.) 

અફ કોર્સ, હકીના કેસમાં એવું ઘણીવાર બન્યું છે કે, હું સ્ટૂલ પર ચઢી ગયો હોઉં ત્યારે એ બીજા સ્ટૂલને પકડીને ઊભી ઊભી બૂમો મારતી હોય, ‘અસોક... હું આંઈ સ્ટૂલ પકડીને ઊભી છું ને તમે તીયાં ક્યાં ચયઢા...?’ 

કહે છે કે, ભલે તમે ટ્યુબ બદલવા સ્ટૂલ પર ચઢ્‌યા હો, તમારા આકારમાં છટા હોવી જોઈએ, (કેમ જાણે, કળા કરતો મોર લીમડાના ઝાડ ઉપર ન ચઢ્‌યો હોય ?) પર્સનાલિટીમાં બાદશાહત હોવી જોઈએ, અંગૂઠા અને આંગળીઓમાં કંઈક કરી નાંખવાનો તરવરાટ જોઈએ અને ખાસ તો... એ વખતે ટ્યુબલાઈટની મેઈન-સ્વિચ બંધ હોવી જોઈએ. વાત નાની છે, પણ બહારથી કોક આવીને તમને આ રીતે સ્ટૂલ પર ચઢેલા જુએ, તો તમારા માભ્ભો પડતો એને દેખાવો જોઈએ, ઇલેકટ્રિકના થાંભલે વાંદરૂં ચઢ્‌યું હોય, એવી ઇમેજ ન પડવી જોઈએ. મારા મનમાં ઉમંગો તો એવા કે, મારા વરદ હસ્તે છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક કરવાનો હોય ને વરમાળા મારે પહેરાવવાની હોય, એવો એમના સ્ટેચ્યૂ ઉપર, નિસરણી મૂકાવીને ચઢું... જો પ્રેસ-ફોટોગ્રાફરો ટાઈમસર આવી ગયા હોય તો ! પણ બોલાઈએ તો ય, ટ્યુબ બદલવાની ઘટના કવર કરવા પ્રેસ-ફોટોગ્રાફરો હાળા બોલાઈએ, તો ય આવતા નથી હોતા. છેવટે પ્રસિદ્ધિની કોઈ લાલસા વગર હું હતી એટલી છટાઓ ભેગી કરીને સ્ટૂલ પર ચઢ્‌યો. 

મારામાં બઘું છે, છટા નથી, સ્ટાઈલ નથી એટલે ઓગળી ગયેલો શ્રીખંડ પૂંઠાના ખોખાની ધાર ઉપર બહાર ચોંટ્યો હોય, એવો ભીંત સાથે છાતી અને પેટના ભાગો દબાયેલા રાખીને હું ટ્યુબલાઈટ બદલતો હતો. અમારી ટ્યુબલાઈટ સોનિયા ગાંધીની આંખો જેવી છે... ઝબકારા મારે જ રાખે, પણ મહીં લાઈટ-બાઈટ કાંઈ નહિ...! અને જગત આખું જાણે છે કે, ઊડી ગયેલી ટ્યુબ ઘરના કે દેશના-કોઈના કામમાં આવતી નથી. 

આપણે ત્યાં રિવાજ છે. ઝબકારા મારતી ટ્યુબ પકડીને બે હાથ વડે આગળ-પાછળ ફેરવી જોવાની. કદાચ ચાલુ થઈ પણ જાય. એ ન થાય તો ચૉકની ડબ્બી પહેલા જમણી બાજુ-પછી ડાબી બાજુ, એમ ૨૦-૨૫ વખત ફેરવ-ફેરવ કરવાથી મનને સારું લાગે છે કારણ કે, એમ કરવાથી ય ક્યારેક ટ્યુબ ફરી ઝળહળવા માંડે છે. 

પણ... પ્રોબ્લેમ એ થાય છે કે, ટ્યુબલાઈટો આપણી ફિલમ ઉતારનારીઓ હોય છે. એવી ફેરમફેરી કરવાથી ક્યારેક ઝબકારો દિવ્ય, ભવ્ય અને મોટો દેખાય, એટલે આપણને વિશ્વાસ બેસે કે, ‘... બહુત જાન બાકી હૈ, છમીયા કી ટાંગો મેં... બહુત જાન બાકી હૈ.. લેકીન નખરેં ભી બહોત દિખા રહી હૈ !’ એ તબક્કે નીચેથી સૂચનાઓ ચાલુ હોય કે, ‘હા હા... હજી જરીક વાંહે ફેરવો, અસોક.... ઓલો ચોક પકડીને ધુમ્મર-ધુમ્મર ફેરવી જોવો... ઘણી વાર લાઈટું ચાલુ થઈ જાતી હોય છે...!’ 

ચઢ્‌યા હશે એમને ખબર હશે કે, નિસરણી કે સ્ટૂલ ઉપર એમ બહુ વાર લગી અઘ્ધર-પઘ્ધર ઊભા રહેવું સહેલું નથી. બેન્કની જેમ આમાં બેલેન્સો હાથવગાં નથી હોતા. એમાં ય સ્ટૂલ પકડીને નીચે કોણ ઊભું હતું, એ જોયા પછી મને એડવાન્સ વિચારો ય બહુ આવતા હતા કે, ‘સ્ટૂલ ખસ્યું... આ હું ભમ્મ થઈને પડ્યો... કરોડરજ્જુનો છેલ્લો મણકો ભાંગ્યો... હોસ્પિટલમાં ૨-૩ લાખની ચોંટી ને ઘરમાં છ મહિનાનો ખાટલો... રોજ રાત્રે બીજું કાંઈ પણ કર્યા વિના ‘ઓય વોય...’ ને ‘મરી ગયો રે...’ની બૂમો પાડવાની અને જે કોઈ ખબર કાઢવા આવે એ બધાને હકી ભૂલ્યા વગર કહે છે, ‘આ અમારે બઉ વાર હખણા ઊભા નો રિયે... એમાં પગ ખશી ગીયો ને ધમ્મ કરતા પઈડાં... ઈ વખતે તો એવી રાયડું નાંખે... એવી રાયડૂં નાંખે કે આપણાથી નો રે’વાય કે નો શહેવાય...’ (‘રાયડું’ એટલે ચીસો)... હવે અસોક બીજી વાર સ્ટૂલું ઉપર ચઢે તો વાત જાવા દિયો... હું ઝાલવા ય ઊભી નો રઉં...! બહાર તો એમની આંયખું લટકમટક થાતી હોય એટલે પડીને આવતા હોય, એના હું માઈન્ડો નો કરું, પણ ઘરમાં આવા ફંદફતા મને નો પોસાય !’ 

બસ, સારા સમાચાર આપવા જ આટલો લાંબો લેખ લખ્યો કે, હકીની મદદ છતાં હું સ્ટૂલ પરથી હેમખેમ હેઠો ઉતરી ગયો છું. જેને રામ રાખે, તેને કોણ ચાખે ? 

સિક્સર 
- એક લૅડી ડોક્ટરે મારી ૮૧-વર્ષની મા અને ૨-૩ વર્ષના મારા પૌત્ર-પૌત્રીને જોયા પછી બહુ હરખથી કીઘું, ‘બાળકો બિલકુલ દાદી જેવા દેખાય છે...!’
- હું આજ સુધી સમજી શક્યો નથી કે, મારી મા બાળક જેવી લાગે છે કે, બાળકો એટલા બુઢ્ઢા લાગે છે ! 

No comments: