Search This Blog

06/11/2011

ઍનકાઉન્ટર : 06-11-2011

* સ્ત્રી થકી જ પુરૂષો ઉજળા છે, છતાં તમે પુરૂષો સ્ત્રીઓને જ કેમ વગોવો છો?
- પુરૂષોને ઉજળા કરવાનું ધોબી-કૃત્ય સ્ત્રીઓ કરે છે, એ આપનું નિરીક્ષણ સાચું, પણ એ ધોલાઈમાં ક્યાંક કપડું-બપડું ફાટ્યું હોય કે ડાઘો રહી ગયો હોય તો ધોબણનું ઘ્યાન તો દોરવું પડે ને?
(શ્રીમતી નિલા નાણાવટી, રાજકોટ)

* લગ્ન કરવા માટે છોકરી નોકરી કરતી સારી કે ઘર સંભાળે તેવી?
- તમે એને સંભાળી શકો એવી.
(હાર્દિક પી. દવે, રાજકોટ)

* મને તમારી ઉપર ગુસ્સો આવે છે, તો હાલમાં મારે ગુસ્સો કોની ઉપર ઉતારવો?
- પપ્પા ઉપર.
(વૃત્તિ અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

* લોકો લગ્નતિથિ ઘૂમધામથી મનાવે છે, છૂટાછેડાની તિથિ કેમ નહિ?
- છૂટાછેડા થયા વગર શું વાવટો મનાવવો...? બધા કાંઈ આવા નસીબદાર ના હોય, ભ’ઈ...! કોઈ પંખો ચાલુ કરો...!!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ડોલીમાં બેસીને સાસરે જતી દુલ્હનને જોઈને એક વેશ્યા શું વિચારતી હશે?
- પરમેશ્વર કદી એને મારા જેવું દુઃખ ન આપે.
(નિરવ બી. ગેડિયા, સાવર-કુંડલા)

* એક બાજુ કસાબની ફાંસી માટે દયાની અરજી ને બીજી બાજુ બૉમ્બ-વિસ્ફોટ...?
- કોંગ્રેસ-સરકાર નવી વ્યવસ્થા વિચારી રહી છે... બૉમ્બ-વિસ્ફોટ કરવા દેવા માટે દયાની અરજીઓ...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ‘‘નળ આવ્યો?’’ આ વાક્યનું અંગ્રેજી ભાષાંતર શું થાય?
- બેટા, ટ્યુશનના માસ્તરની ફી મારી પાસે ના વસૂલાય!
(મૈત્રી હેમાંગ માંકડ, જામનગર)

* મારી બુઘ્ધિ સૅલ્ફ-સ્ટાર્ટર નથી... કોક હૅન્ડલ મારે તો હાલે છે, કોઈ ઉપાય...?
- તમને એ હૅન્ડલ શરીરના કયા ભાગ ઉપર મારે છે, એ જણાવશો.
(નલિન એચ. ત્રિવેદી, જામનગર)

* સુંદરતા જોવા માટે છે, સ્પર્શવા માટે નહિ. તમારે કેમનું છે?
- મને તો બધીઓ અડઅડ જ કરે છે, બોલો!
(ગૌરી કાચા, અમદાવાદ)

* આજકાલ ભગવાનના દર્શનની સાથે સાથે ‘દાન’ ધરમ વધતા જવાનું શું કારણ?
- નિખાલસતાથી કહું તો મને હજી સુધી રૂપિયાનું ય દાન મળ્યું નથી... આ તો એક વાત થાય છે!
(સ્મિતા શૈલેશ કોઠારી, વાશી-નવી મુંબઈ)

* યુવાનો હવે ૩૦-૩૨ના થાય ત્યાં સુધી ભણતા જ રહે છે... આ શું યોગ્ય છે?
- આપણે એવું નહિ... આપણે તો ૨૧-ના થતાં જ બઘું જે શી ક્રસ્ણ કરી નાંખ્યું’તું...!
(જગદિશ બી. ઠક્કર, મુંબઈ)

* સરકાર શું આ ફૂગાવાનો હિસાબ રાખતી હશે?
- આવી સરકારને હજી સુધી આપણે રાખી મૂકી છે, એ પ્રોબ્લેમ કહેવાય!
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

* ભગવાન રાજી શેનાથી થાય? ભેટસોગાદો ધરાવવાથી કે માત્ર બે હાથ જોડીને વંદન કરવાથી?
- માત્ર બે હાથ જોડીને વંદન કરવાથી તો હું ય રાજી ન થાઉં...હઓ!
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

* સ્ત્રીની સુંદરતા યુવાનીમાં અમીર અને પાછલી ઉંમરે ગરીબડી કેમ બની જાય છે?
- ઓહ...વાઉ... અમારે પુરૂષોને એવું સહેજ બી નહિ...! અમે તો ૬૦-ની ઉંમરે પણ... યૂ નો...??
(ભારતી સી. કાચા, મોરબી)

* અરીસામાં જોતી દરેક સ્ત્રી પોતાને સુંદર જ માનતી હશે?
- સાવ ખોટ્ટું...! કેટલીક તો પોતાને વગર અરીસે પણ સુંદર માને છે. (એક વાર જોઈ જુએ તો રાઝ ખુલે!)
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* હું અને મારા સાસુ ઘરમાં નિયમિત સંતાકૂકડી રમીએ છીએ... કોઈ ઉપાય બતાવો ને કે આ રમત બંધ થાય?
- આમાં તો ફક્ત પ્લૅયર જ બદલાય છે... પહેલા એમની સાથે તમારા સસુરજી સંતાકૂકડી રમતા હશે!
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* મારા સસરાનો ધંધો સાડીઓનો નથી, છતાં સાડીઓમાં ખબર બહુ પડે છે... શું સમજવું?
- આમાં તમારે કાંઈ સમજવાની વાત ક્યાં આવી?
(શકુંતલા પટેલ, આણંદ)

* એકનો એક સવાલ એક વ્યક્તિને અવારનવાર પૂછવા છતાં એ ન સમજે તો શું કરવું?
- વ્યક્તિ એની એ જ રાખો... સવાલ બદલો, જેમ કે...‘હું તમને બહેન કહી શકું?’ કાચી સેકંડમાં જવાબ ન આવે અડઘું મુંબઈ તમારૂં... જાઓ!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

* અડવાણી કોઈને પણ ગમતા હશે ખરા?
- ઓહ... પાકિસ્તાનમાં એમનો ઓટોગ્રાફ લેવા પડાપડી થાય છે!
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* હૃદયના ધબકારા વધઘટ થયા કરે છે... કારણ શું?
- હમણાં ચિંતા ના કરો. બંધ થઈ જાય, પછી આવજો.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* તમે ફેસ-બુક પર કેમ નથી.
- મારા માટે પાસબૂક પર રહેવું જરૂરી છે... ફેસબૂક કે ચૅકબૂક પર નહિ!
(મંજુલા પરમાર, ગાંધીનગર)

* ટીવી પર ચાર જુદા જુદા મહાનગરોના તાપમાનો આવે છે, એનો શો મતલબ?
- આપણાં ઘરનું પર્સનલ તાપમાન તો ઘરમાં જ જોઈ લેવું પડે! ...એ લોકો ના આલે...!
(ડૉ. દિનેશ પાઠક, રાજકોટ)

* ‘બુધવારની બપોરે’માં આપશ્રીએ શ્રી અમિતાભ બચ્ચન માટે હમણાં જે લેખ લખ્યો હતો, એવું એમનું સુંદર મૂલ્યાંકન આજ સુધી કોઈએ કર્યું નથી. અમારા પ્રણામ સ્વીકારશો?
- પ્રણામ સ્વીકારવા જેટલી લાયકાત ઈશ્વર મને આપે, પછી વાત.
(શ્રીમતી સુહાસિની પી. ભટ્ટ, વડોદરા)

* વડાપ્રધાન તરીકે મોદી, અરૂણ જેટલી, અડવાણી, સુષ્મા સ્વરાજ...! ભેંસ ભાગોળે ને... ભાજપની બાલિશતા વિશે સુઉં કિયો છો?
- દેશ પર રાજ કરવા માટે કોંગ્રેસ કે ભાજપ... બેમાંથી એકે ય લાયક નથી... ઓહ, બીજું ય ક્યાં કોઈ લાયક છે?
(દીપક શાહ, અમદાવાદ)

* મહિલાઓના માનપાન વધી રહ્યા છે ને પુરૂષોની દશા બેઠી છે... આમ કેમ?
- ..ઍક્ચ્યુઅલી.... થયું’તું શું...???
(ભરત ડી. સાંખલા, ડીસા)

* મૂછો જ શા માટે મર્દાનગીનું પ્રતિક બની?
- આંખોની ભ્રમરો તો તમે કેટલી વખત ઊંચીનીચી કરે રાખો...?
(નટવર ટાંક, જૂનાગઢ)

No comments: