Search This Blog

04/11/2011

‘રાજકુમાર’ (’૬૪)

ફિલ્મ : ‘રાજકુમાર’ (’૬૪)
દિગ્દર્શક : કે. શંકર
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૯-રીલ્સ
વાર્તા : મનમોહન દેસાઈસંવાદો : રામાનંદ સાગર
થીયેટર (અમદાવાદ) : અલંકાર
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, શમ્મી કપૂર, સાધના શિવદાસાણી, પ્રાણ, રાજેન્દ્રનાથ, માસ્ટર બબલુ, ટુનટુન, અચલા સચદેવ, હરિ શિવદાસાણી, શિવરાજ, મનોરમા, ઓમપ્રકાશ


ગીતો
૧. જાનેવાલે જરા હોશિયાર, યહાં કે હમ હૈ રાજકુમાર... મુહમ્મદ રફી
૨. આજા, આઈ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે... લતા મંગેશકર
૩. નાચ રે મન બદકમ્મા, ઠુમ્મક ઠુમ્મક બદકમ્મા... આશા-લતા
૪. ઈસ રંગ બદલતી દુનિયા મેં, ઇન્સાન કી નિયત... મુહમ્મદ રફી
૫. તુમને કિસી કી જાન કો જાતે હુએ દેખા હૈ... મુહમ્મદ રફી
૬. દિલરૂબા, દિલ પે તુ, યે સિતમ કિયે જા કિયે જા... આશા-રફી
૭. તુમને પુકારા ઔર હમ ચલે આયે, દિલ હથેલી પર... સુમન-રફી

શમ્મી કપૂરની સાથે સાથે આપણા બધાનું ય કેવું દુર્ભાગ્ય કે, ’૬૦-ના દસકામાં એનો જમાનો પૂરજોશ ચાલતો હતો, ત્યારે એ વખતે જે લોકો મારી જેમ કિશોરા કે યુવાવસ્થામાં હશે, એ બધાને બાદ કરતા મોટેરાઓને શમ્મી કપૂર ફક્ત ઠેકડા મારતો કે વાંદરાવેડાં કરતો હીરો જ લાગતો હતો. અમારા જેવા એના ડાય-હાર્ડ ચાહકોને ગલી ગોતવી પડતી જ્યારે મોટાઓ રાજ-દિલીપ-દેવ જેવા મોટા સ્ટાર્સની વાતો કરતા હોય. ‘શમ્મીને ઍક્ટિંગ સાથે શું લેવા-દેવા? એ ઝાડ પર ઊંધો લટકે, એમાં બધી ઍક્ટિંગ આઇ ગઇ...!’’

પોતે બર્નાર્ડ શોના લૅવલની કોઈ મોટી જોક મારી હોય, એવા ગર્વિષ્ઠ ભાવોથી આવું બોલનારો બધાની સામે જુએ અને સાંભળનારાઓ ય હજી ગયે મહિને ‘મધર-ઇન્ડિયા’, ‘ગાઈડ’ કે ‘આવારા-ફાવારા’ના હીરો તરીકે શૂટિંગ પતાઈને પાછા આયા હોય, એવા અંદાજથી બે વાત વધારે ઉમેરે, ‘‘જો ભ’ઈ... પ્રાણ-બાણની ધોલાઈ કરવી હોય, ત્યાં સુધી શમ્મી કપૂર બરોબર છે... હોડીઓમાં તત્તણ-ચચ્ચાર ફૂટના કૂદકા મારવા હોય ત્યાં આ તમારો શમ્મી ચાલે મારા ભ’ઈ... બાકી એને પેલો કયો?...?... હા, ‘મઘુમતિ’નો દિલીપકુમારવાળો રોલ આપો.... ૬.૪૦-ની લોકલ પકડીને ઘેર પાછો આવતો રહેશે, બૉસ!’’ આમાં વળી એકવાર શમ્મીના લાઈફ-ટાઈમ ચાહક અમદાવાદના અમારા લલિત ઓઝાથી બોલાઈ જાય કે, ‘‘એવું હોય તો એક વાર ‘કાશ્મિર કી કલી’ના ‘તારીફ કરું ક્યા ઉસકી, જીસને તુમ્હેં બનાયા...’ ગીત તમારા દિલીપકુમાર પાસે ગવડઇ જુઓ, એટલે ખબર પડી જશે...’’ આટલામાં તો તલવારો ઉછળે... બે-ચાર જણા પંખા ચાલુ કરવા જતા રહે, બીજો એક પ્રતાપ સિનેમાની ગલીમાં મળતી ૧૨-નયા પૈસાની ‘શમ્મી કપૂરના ગીતો’ની ચોપડી લેવા ગયો હોય, જેથી પાછા આઈને પેલાના મોંઢા ઉપર મારી શકાય, ‘‘બોલ... હવે તું બોલ... આમાંનું એકે ય ગીત આ તારા દિલીપ-ફિલીપ કે રાજ-બાજને ગાતા ય આવડે...? ખોટી ફિશીયારીઓ તો આપણી પાસે મારવાની જ નહિ...!’’

પણ ‘બ્રહ્મચારી’ પછી શમ્મી કપૂરે હીરોગીરી બંધ કરી અને હીરોલોગનો જે નવો લૉટ આવવા માંડ્યો, એ જોઈને એ બઘ્ધાં વડીલો ય સ્વીકારવા માંડ્યા કે, ‘‘આ બધા કરતા તો શમ્મી કપૂર લાખ દરજ્જે સારો હતો... એમ ઍક્ટર તરીકે પણ.’’ તબક્કા એવા ય જોવા મળ્યા કે, અગાઉ ડરનારાઓ હવે ઉઘાડેછોગ કહેવા માંડ્યા કે, પેલા ત્રણ મહારથીઓ કરતા ય અમને શમ્મી કપૂર વધારે ગમે છે. નસીરૂદ્દીન શાહે તો હજી હાલમાં ય એક બૉલ્ડ સ્ટૅટમેન્ટ આપ્યું કે, ‘‘મને ખબર પડતી નથી કે, લોકો કેમ દિલીપકુમાર કે અમિતાભ બચ્ચનને મહાન ઍક્ટરો ગણાવે છે...! ઇન ફૅક્ટ, એ લોકોએ ફિલ્મી પરદા પર જે કર્યું છે, એ બઘું તો અમે ય કરી શકીએ છીએ, પણ શમ્મી કપૂર જે કરી ગયો છે, એવી ઍક્ટિંગ કે એવો પ્રભાવ લાવવાની તો અમારામાંથી એકે ય ની હૈસિયત નથી. શમ્મી કપૂર સર્વોત્તમ હીરો હતો.’’અને એ તો હવે એ જ શમ્મી કપૂરની એ જમાનામાં ખૂબ ઉપડેલી અને આજે જોઈએ તો સાવ ફાલતુ લાગે, એવી બધી ફિલ્મો ‘રાજકુમાર’, ‘ઍન ઈવનિંગ ઇન પેરિસ’, ‘જંગલી’, ‘જાનવર’ કે ‘બદતમીઝ’માં પણ એક અભિનેતા-ઍક્ટર તરીકે શમ્મી કપૂરની અભિનયક્ષમતામાંથી એક દોરો ય ખેંચી શકાય એવો નથી. સીરિયસ રોલ કે દ્રષ્યોમાં શમ્મી કેવો છવાઇ જતો હતો, એ તો આ બધી વાહિયાત ફિલ્મોમાં ય તમે જોઇ શકો...તો શું... આ બધા નામો લખ્યા, એ બધી ફિલ્મો વાહિયાત હતી?

હા અને ના. આજે ડીવીડી મંગાવીને જુઓ તો આપણી જવાની પર શંકા જાય ખરી કે, આવી ફિલ્મો ય આપણને ગમતી’તી? પણ જવાની એમ કાંઈ બેકાર જવા દીધી નહોતી, એટલું સ્વીકારો તો પાછો મત બદલવો પડે કે, ’૬૦-ના દાયકામાં આ બધી ફિલ્મો જોઇ, ત્યારે અદ્‌ભુત મનોરંજક લાગી હતી અને ખૂબ ગમી હતી. અમદાવાદની પ્રતાપ સિનેમામાં તો દર દિવાળીએ બાય હૂક ઑર બાય ક્રૂક... શમ્મી કપૂરની ‘ઍન ઈવનિંગ ઇન પૅરિસ’ તો લાગી હોય જ. શર્મીલા ટાગોર (આપણા સૈફઅલી ખાન બાબાના મમ્મીજી)એ સાવ પોતાની જાંઘો પરફૅક્ટ દેખાય એવા દ્રષ્યો આપ્યા હોવા છતાં, લોકો શમ્મીને જોવા જતા હતા અને દર દિવાળીએ અચૂક આ જ થીયેટરમાં આ ફિલ્મ આવે, છતાં ય ‘હાઉસફૂલ’ જ હોય!

સાધના સાથે શમ્મી કપૂર ખૂબ ખીલતો, એની પહેલી સાબિતી ફિલ્મ ‘રાજકુમાર’થી મળી. ‘રાજકુમાર’ માત્ર શમ્મી માટે જ નહિ, મુહમ્મદ રફી સાહેબ અને શંકર-જયકિશન માટે પણ એક લૅન્ડમાર્ક ફિલ્મ બની ગઇ. યૂ સી... સંગીતના ક્ષેત્રે પણ જમાનો નવો આવી રહ્યો હતો... નૌશાદ-મદન મોહન બ્રાન્ડના સીરિયસ ગીતો અને સીરિયસ ગાયકી હવે પતવા આવી હતી, ત્યારે ટકી રહેવા માટે ય રફી સાહેબે કંઇક નવું કરી બતાવવું પડે એમ હતું અને એ જ એમણે કરી બતાવ્યું. અગાઉના કોઈ ગીતમાં ન કરી હોય એવી હરકતો એમણે બતાવવા (સૉરી... સંભળાવવા) માંડી. આશા ભોંસલે તો પહેલા જ દિવસથી આવી હરકતોના કામમાં માહિર હતી... તખ્તો રફી માટે નવો હતો, પણ બન્નેએ ભેગા મળીને ‘દિલરૂબા, દિલ પે તૂ, યે સિતમ કિયે જા... કિયે જા’ ગીતથી રફી સાહેબે પણ અવાજને વધારે યુવાન બનાવવા માંડ્યો, એમાં સૅક્સી હરકતો ય ઉમેરી અને ખાસ તો, આ ગીતના અંત ભાગમાં આખી પંક્તિનું યૉડેલીંગ કરીને ગાયું, એમાં તો આપણે ગાર્ડન-ગાર્ડન થઇ જઈએ છીએ. નો ડાઉટ, આ મામલે આશા તો જન્મજાત કલાકાર એટલે, જે હિસક-ખીસકના અવાજો એણે કાઢી બતાવ્યા છે, એમાં તો ભા’આય... ભા’આય... પગપાળા યાત્રાસંઘ સીધો આપણા પોતપોતાના ભાગે આવેલા સાસરાના ગામનો જ કાઢવો પડે કે, વાઈફને કહેવાય, ‘‘હવે તું રજાઓ ટૂંકાવીને ઘેર પાછી આવતી રહે... ઇમરજન્સી ઊભી થઈ છે...!’’

ફિલ્મ ‘રાજકુમાર’ની કોઈપણ વાત શરૂ કરતા પહેલા જાહોજલાલી શંકર-જયકિશનના સંગીતથી જ બતાવવી પડે. સાલું, એકેએક ગીત દિલડોલ, હર્યુભર્યું અને તરખાટ મચાવનારૂં. ‘‘જાનેવાલે જરા હોશિયાર’’ કે ‘‘આજા આઈ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે, રાજકુમાર, તેરે બિન રહા ન જાય’’ ગીતનું ઈન્ટ્રોડક્ટરી મ્યુઝિક (મૂળ ગીત શરૂ થતા પહેલા વાગતું સંગીત) હોય કે ઈન્ટરલ્યૂડ (બે અંતરા વચ્ચેનું સંગીત ઈન્ટરલ્યૂડ કહેવાય.) શંકર-જયકિશને જલસા કરાવી દીધા છે. રફીસાહેબના તો બન્ને ગીતો ‘વો દેખો મુઝ સે રૂઠકર, મેરી જાન રહી હૈ’ અને ‘ઈસ રંગ બદલતી દુનિયા મેં, ઈન્સાન કી નિયત ઠીક નહિ...’ તો વેચવા કાઢો તો સામેવાળો આખો તાજમહાલ ગિફ્‌ટમાં આપી દે, પણ બહુ ઓછું સંભળાયેલું આશા-લતાનું યુગલ ગીત, ‘નાચ રે મન બદકમ્મા, ઠૂમ્મક ઠૂમ્મક બદકમ્મા’ સંગીત અને ગાયકીની દ્રષ્ટિએ પણ અનોખો પીસ બન્યો છે. થોડા થોડા કવ્વાલી જેવા લાગતા ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે...’માં રફીએ બિલકુલ શમ્મીને જ ઘ્યાનમાં રાખીને એવું તે કેવું ગાયું હશે કે, જોતી-સાંભળતી વખતે શમ્મી કપૂર રફીને પ્લૅબૅક આપતો હોય એવું લાગે?

મારા માટે તો શંકર-જયકિશન જ આજ સુધીના સર્વશ્રેષ્ઠ સંગીતકારો હોવાથી, મને તો ‘રાજકુમાર’ના ટાઈટલ-મ્યુઝિકમાં જયકિશને સૅક્સોફોનની લીડમાં ‘યહાં કે હમ હૈ રાજકુમાર’ વગાડાવ્યું છે, તે પણ સ્વતંત્ર ગીત જેવું જ મનોહર-મનોહર લાગે છે...! બહુ ઓછાને ખબર હશે કે, એ બન્નેની કોઈપણ ફિલ્મનું ટાઈટલ અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જયકિશન એકલો તૈયાર કરતો... એમાં શંકરજી ન હોય! અગાઉ અનેકવાર કહી ચૂક્યો છું તેમ, થોડા અપવાદોને બાદ કરતા, હસરત જયપુરીએ લખેલા તમામ ગીતો જયકિશન બનાવતો અને શૈલેન્દ્રએ લખેલા ગીતો શંકર બનાવે.

‘રાજકુમાર’ ’૬૪-ની સાલમાં આવી. આ સાલમાં રંગીન ફિલ્મ આવવી કોઇ નાની અમથી વાત નહોતી. એમ તો ’૬૦-ની સાલમાં ‘જંગલી’ આવી ગઇ, પણ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના એ જમાનામાં આઝાદ-ચિત્રાની હોમી વાડીયાની ઝીમ્બો-ટારઝનવાળી ગેવા કલર ફિલ્મો ય મોટી વાત કહેવાતી. અને દિલીપકુમારની ‘આન’ અને અંશતઃ ‘મુગલ-એ-આઝમ’ને બાદ કરતા બાકીની બધી ફિલ્મો કાળી-ધોળી જ હતી. દેવ આનંદને ઠેઠ ‘ગાઈડ’ સુધી અને રાજ કપૂરને પોતાની ‘સંગમ’ સુધી રાહ જોવી પડી હતી. પણ એક તો આવો સોહામણો ને એમાં ય પાછી આંખો મરિન લાઈન્સ પરથી દેખાતા દરિયાના નીલા રંગ જેવી, એટલે શમ્મી કપૂર કલર ફિલ્મોમાં કેવો રૂપકડો લાગતો હશે, એ ધારણાનો વિષય નથી રહ્યો... આજે પણ સીડી મંગાવીને જોઇ શકાય છે. ‘રાજકુમાર’ની વાર્તા મનમોહન દેસાઈએ અને સંવાદો રામાનંદ સાગરે લખ્યા હતા, એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે, ફિલ્મમાં કોઇ ઢંગધડો નહિ હોય, પણ મનોરંજન ભરપુર હશે અને આ ધારણા પરફૅક્શન સાથે સાચી પડી. એક તો કૉસ્ચ્યૂમ-ફિલ્મ હોવાથી રાજા-મહારાજાઓવાળી ફિલ્મો જોવાની બાદશાહત અમથી ય વહાલી લાગે અને એમાં ય ફિલ્મ જોતા જોતા તમારો ખભ્ભો પંપાળવા બાજુમાં સાધના બેઠી હોય, તો મ્હેલોને માથાકૂટ કે મનમોહન દેસાઈની ફિલ્મોમાં બહુ મગજ નહિ દોડાવવાનું... ગેલગમ્મત કેટલી પડે છે, એ જૂઓ... ધૅટ્‌સ ઑલ, મી. લૉર્ડ! 

પરદેશ ભણવા ગયા પછી દસ વર્ષે દેશમાં પાછા આવતા રાજકુમાર શમ્મી કપૂરના રાજા પિતા પૃથ્વીરાજ કપૂરના મનસુબા પર શમ્મી પાણી ફેરવી દે છે કે, રાજયકુમારને શોભે એવી શાનોશૌકતને બદલે આવતા વ્હેંત એણે જોકરવેડાં કરવા માંડ્યા છે... પોતાના પાલતુ રાજ્યની રાજકુંવરી સાધના સાથે ઉઘાડેછોગ ઇશ્ક ફરમાવવા માંડ્યો છે. અહી શમ્મી કપૂરની બા (જાડી મનોરમા) સહેજ પણ ખીજાતી નથી, કારણ કે એ સાવકી બા હોય છે... આ તો એક વાત થાય છે. આ મુદ્દા ઉપર પ્રધાનમંત્રી પ્રાણ શમ્મીને ગાંડો સાબિત કરાવીને સાધનાના પિતાના ખૂનનો સફળ આક્ષેપ શમ્મી ઉપર મૂકાવીને સાધના સાથે શમ્મીની કિટ્ટા કરાવી દે છે. પણ શમ્મી પોતાના જીગરી દોસ્ત રાજેન્દ્રનાથની મદદથી પ્રાણને ખુલ્લો પાડવામાં સાડા ત્રણ કલાક પછી સફળ થાય છે, કારણ કે ફિલ્મ સાડા ત્રણ કલાકની છે.

શમ્મી કપૂર અને રાજેન્દ્રનાથ બન્ને ફિલ્મોમાં આવ્યા તે પહેલાના એકબીજાના જાનેમન દોસ્તો હોવાને કારણે શમ્મીની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં પોપટલાલને ચાન્સ મળ્યો છે. પ્રાણને આજ દિન સુધી લોકો કેમ સદાબહાર અભિનેતા ગણે છે, એની સાબિતી આવી ‘રાજકુમાર’ જેવી ફિલ્મો જોવાથી ય મળી જાય. એક તો હીરો કરતા ય વધારે ચુસ્ત શરીરની જાળવણી, પરિણામે કોઈપણ કપડામાં એ શોભે. તલવારબાજીમાં નામ તો સાઉથના રંજનનું ‘પટ્ટાબાજ’ તરીકે ઓળખાતું. યાદ છે, મૂકેશનું બુલો સી.રાનીએ કમ્પોઝ કરેલું ફિલ્મ ‘હકદાર’નું ગીત, ‘મૈં હૂં દીવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભી કહે, ગાતા ચલા દિલ કા તરાના’ ફિલ્મમાં રંજન ઘોડા ઉપર બેસીને ગાય છે. આ ફિલ્મ પાંચકુવા આવેલી ‘ઇંગ્લિશ ટૉકીઝમાં મેં ૫૦-પૈસાવાળીમાં આગલી પાટલી પર બેસીને જોઈ હતી. પણ પ્રાણ સાહેબ તલવારબાજીમાં ચૅમ્પિયન ગણાતા. જીંદગીભર આટલી બધી સિગારેટો પીનાર પ્રાણ આજે ૯૦-પ્લસની ઉંમરે પણ અડીખમ છે. (આમાં પબ્લિસિટી પ્રાણની કરી છે... સિગારેટની નહિ!)

શંકર-જયકિશનવાળી આ જ ટીમ સાથે શમ્મી કપૂર અને સાધનાની બીજી ફિલ્મ ‘બદતમીઝ’ વિશે આ કૉલમમાં લખાય ખરૂં? સુઉં કિયો છો?

No comments: