Search This Blog

11/11/2011

મારી પહેલી (અને છેલ્લી) મારામારી

મને મારામારી બહુ ગમે, પણ એ તો કોઇ કરતા હોય તો. હું પોતે તો ઢીલીયો–પોચીયો છું. મારી સાથે કોઇ પણ કક્ષાની મારામારીને હું પ્રોત્સાહન આપતો નથી. મારા સમગ્ર જીવનકવન દરમ્યાન મે કોઇને એક નાનો લાફો કે નાનકડી લાફી મારી નથી. આ નિવેદન હું, ‘હું રહી ગયો’ એવા પસ્તાવાના ધોરણે આપી રહ્યો નથી. તમાચા બમાચા તો ઠીક, મને નાનપણથી ઓળખનારાઓ એ પણ જાણે છે કે, હજી સુધી હું કોઇની સામે ગુસ્સાથી ઊંચા અવાજે બોલ્યો નથી, કોઇનું ક્યારેય અપમાન કર્યું નથી કે બધાની વચ્ચે કોઇને ઉતારી પાડ્યો નથી. મારી આત્મકથા લખાશે, ત્યારે એક વાત બહુ ફખ્રથી લખી શકીશ કે, મારૂં અપમાન કરનારાઓના પણ સમા અપમાનો મે કદી કર્યા નથી. અમદાવાદના ખાડીયાની ખત્રી પોળમાં રહેતો, ત્યારે મિત્રો માટે હું બહુ હાથવગો રહેતો. એમના હાથમાં ચળ આવતી હોય ને કોકને ફટકારવાનું મન થાય તો બેઝિઝક મને ઘેરથી બોલાવીને કહી દેતા, ‘‘અસોકીયા.... હમણાંથી કોઇને માર્યો નથી. ચલ, અહીં વચ્ચે ઊભો રહે.’’

એકાદ કિસ્સામાં તો મે પ્રોક્સી તરીકે ય માર ખાધો છે. પોળના એક તોફાની પોરૂને મારવા કોઇ ત્રણ ચાર જણા આવવાના હતાં. કર્યું હશે એવું કંઇક... પણ પોરૂ સીધો મારા ઘેર આવ્યો. મને અગાસી ઉપર લઇ જઈ, મારા ખભે વાત્સલ્યનો હાથ મૂકીને રીક્વૅસ્ટના ટોનમાં બોલ્યો, ‘‘અસ્કા, મામુ નાયકની પોળવાળા આજે સાંજે મને મારવા આવવાના છે દોસ્ત... તુ તો જાણે છે, પરમ દહાડે મારી સગાઇ છે... તને વાંધો ન હોય તો આ બે દહાડા પૂરતો મારા બદલે તુ માર ખાઈ લેજે ને...! પ્લીઝ, અસ્કા પ્લીઝ... તુ ઘરનો છું, એટલે તને હક્કથી કહેવાય, દોસ્ત ! પ્રોમિસ બૉસ પ્રોમિસ... એ લોકો ફેંટો સિવાય બીજું કાંઇ મારે એવા નથી.’’ ( હવે તમે કહેતા હો, તો હું પંખો ચાલુ કરૂં....! )

એ વાત જુદી છે કે, મારા કોઇ પણ કળા–કૌશલ્ય વગર, મને મારવા આવેલા ‘હત્યારાઓને’ મારૂં સૂકલકડી શરીર જોઇને દયા આવી ગઇ કે, ‘‘આમાં કોઇ કમાવા જેવું નથી.,’ એટલે માર્યો તો નહિ પણ ઉપરથી મને કહેતા ગયા, ‘‘જો બા’મણ... આજ પછી કોઇ તને હાથ અડાડે તો અમને કહી દેજે.... અમે બેઠા છીએ !’’

મારી મર્દાનગીઓની આ કબુલાતમાં, હું બહુ સારા સંસ્કારનો હતો અથવા અહિંસાના નિયમોને વળગેલો હતો, એવું કાંઇ નહોતું. ઈન ફૅક્ટ, મને એવો કોઇને મારવાનો ચાન્સ કોઇએ આપ્યો નહોતો. આપે તો મને લેતા નહોતું આવડતું. બીક હું મારૂં તો એને નહિ, મને વાગી જવાની લાગતી.

એ દિવસોમાં માર ખાવાની આપણી બી એક સ્ટાઇલ હતી. બેટ્સમૅન ક્રીઝ પર આવીને પોતાનું સ્ટાન્સ લે, એમ માર ખાતા પહેલા, મારા બન્ને હાથ માથા ઉપર દબાવીને વાંકો વળીને ઊભો રહી જઉં, જેથી એ લોકોને મારો બરડો હાથવગો રહે. દયામણે ચહેરે હું પૂછી લઉં કે, ‘પેટમાં નહિ મારો ને... ?’ હું કોઇ પણ લૅવલનો સામનો કરવાનો નથી, એની સહુને ખબર છતાં ક્યારેક તો પોળના વાણીયાઓ ય મને છાનામાના આવીને ફટકારી જતા ને પાછા બીજાને કહેતા જાય, ‘અસોકિયો પૂછે તો આપણું નામ નહિ દેવાનું, હોં....! સાલો આજે સામો હૂમલો કરે એવો નથી.... વખત છે ને દસ–બાર વરસ પછી એનામાં હિંમત આવે તો –’ તારી ભલી થાય, ચમના... મારા લીધે પોળના વાણીયાઓ ય બહાદુર બને જતા હતા ને હું.... ?

આમ તો હું કોઇને લાફો–બાફો મારૂં એવો નહતો, કબ્બુલ પણ, મને બચકું ભરી લેતા બહુ સરસ આવડતું. મને મારનાર મારીને જતો રહે તો આપણું મન મોટું.... પણ મારવા માટે મને વળગવા આવે કે બથ્થ ભરે, તો એના ખભા ઉપર દોઢ ઈંચ પહોળું અને સમજો ને, અડધોક ઈંચ ઊંડુ બચકું ભરી લેતો. પછી મને છોડાવવા માટે એની ચીસો મારૂં મન પિગળાવી શકતું નહિ. ભરેલું બચકું કદી અડધું છોડવું નહિ, એ આપણો નિયમ. એમ પાછો સ્વભાવનો હું મક્કમ. ‘‘બચકું ભર્યું ના હઠવું, ના હઠવું... હોઓઓઓ !’’ સ્વાભાવિક છે.... આખરે વિજય સત્યનો એટલે કે મારો થતો.

બીજું, હું ગાળો ખૂબ સારી બોલી શકતો. ઉચ્ચાર કે સ્પૅલિંગ કે ગ્રામરની એક ભૂલ બતાવો તો સાહેબ... પૈસા પાછા. એકવાર પોળના છોકરાઓનું મને મારવાનું બંધ થાય ને મને ખાત્રી થાય કે બધા જતા રહ્યાં છે, પછી હું એ બધાને વીણીવીણીને ગાળો દેતો. ભલે સાંભળનાર કોઇ ન હોય ( અને એટલે જ ) મને મારનાર હત્યારાઓમાંથી કોકને પાછળથી ખબર પડે કે, હું એના માટે નઠારી ગાળો બોલ્યો હતો ને અત્યારે એને ટાઇમ ન હોય તો મને કહેતો જતો, ‘‘અસ્કા... ગુરૂવારે સાંજે સાતેક વાગે ક્યાંક જતો નહિ... મારે તને ઠોકવાનો છે... મોહન ધોબીના ઘર પાસે ઊભો રહેજે... ’’ ને એમ પાછો હું વચનનો પાક્કો...! મંગળ–બુધ વચમાં ખાલી જતા હોય ત્યાં સુધીમાં બીજા બે નો માર ખાઈ આવું, પણ પેલાને ધક્કો ન પડવા દઉં.

આમ કાંઇ મને માર ખાવાની મજા નહોતી આવતી. પણ પેલાએ નક્કી કર્યું હોય એટલે આજે નહિ તો પછી... એ છોડવાનો તો ન હોય. મને કોઇ ઇન્ફૉર્મ કર્યા વગર મારી જાય, એ ન ગમે. એમાં માર વધારે પડે. આમાં તો ગુરૂવારનો વાયદો પાળીને ધોબીના ઘર પાસે ટાઇમસર પહોંચી જઇએ, તો આપણું સારૂં ય લાગે ને ગામમાં ખોટી વાતો ના થાય...! આ તો એક વાત થાય છે.

એમાંનો મારી પોળનો એક વ્હેંતીયો – અઢી ફૂટિયો તો ’૭૬ની સાલમાં ઠેઠ માઉન્ટ આબુમાં મને મારવા આવ્યો હતો. કહેતો’તો કે, દસેક વર્ષ પહેલા મે એને ઊંચો કરીને એની પાછળ ક્યાંક બચકું ભરી લીધું’તુ, તે ’દિ નો એ મને ગોતતો’તો...! જો કે, આબુમાં એ વખતે હકી સાથે હતી, એટલે હું બચી ગયો હતો. હું હકી સાથે આબુમાં બે ઘડી હનીમૂન મનાવવા આવ્યો હતો. અલબત્ત, આજે પણ હું કોક શૉપિંગ મૉલમાં હોઉં કે ગાડી પાર્ક કરતો હોઉં ને ક્યાંકથી કોક અઢી ફૂટીયો નીકળે ને એ વખતે હકી સાથે ન હોય તો ફફડી જઉં છું. મને મારવા માટે, અમદાવાદ રેલવે સ્ટેશનના સોડા–લેમનની બાટલીવાળા ય આમાદા હતા. થોડા વર્ષો પહેલા, મારા જામનગરથી અમારા સંબંધીની મૅરેજ–પાર્ટી રેલ્વે સ્ટેશનથી પસાર થવાની હતી, તે અમે ૮–૧૦ ફૅમિલી હરખ કરવા સ્ટેશને ગયા. આ આપણા ગુજરાતીઓમાં હાળું આવું બહુ કે, લગન એ લોકો કરી આવે, એમાં હરખ આપણને શેનો થાય ? પણ કહે છે ને કે, કરવો પડે... ના કરીએ તો એક સાથે બધાની બાઓ ખીજાય.

શરૂઆતમાં કેમ છો – વાળી ચાલી ને અમારામાંથી કેટલાક હરખપદુડાઓએ મેહમાનો  માટે સોડા–લેમનો મંગાવી.  પેલો એક પછી એક ઢાંકણા ખોલતો હતો, એમાનું એક ઢાંકણું ઊડીને એકાદ મહેમાનના નાક ઉપર વાગ્યું. ગુસ્સાના મામલે અમારા જામનગરમાં ઊભરા થતા આવે. ‘‘કાં.... આઆઅા ? આંયખુમાં હરખું દેખ્ખાતું નથી, ખોલકી–– ?’’ (કાઠીયાવાડમાં ‘ખોલકી’ એટલે ગધેડાની વાઇફ અને એ પછી જે ખાલી જગ્યા રાખી છે, એમાં ઐ લોકો પોતાની મરજી મુજબ, ‘નો’, ‘ની’, ‘નુ’ અને ‘ના’ ઉમેરી દેતા હોય છે. જેવી જેની શક્તિ....! શક્તિ એટલે ગધેડાની વાઇફની શક્તિ... બસ... હવે તમે પંખો ચાલુ કરો !)

કાચી સેકંડમાં તો બાટલીવાળાઓ અને અમારી વચ્ચે ધૂમધામ મારામારી શરૂ થઇ ગઇ. કપડાંની ફાટાફાટી અને ધોધમાર મુક્કાબાજી વચ્ચે મૅક્સિમમ હું તો ગાળો બોલી શકું. જેવી જેની શક્તિ, ભ’ઇ ! આવેશમાં એ વખતે કાંઇ મને ભાન ન હોય કે, હું ગાળો અમારાવાળાઓને દેતો’તો કે બાટલીવાળાઓને. ગુસ્સામાં આપણું કાંઇ ઠેકાણું ન હોય ! 

પણ એ દરમ્યાન મને લાઇફનો પહેલો અવસર મળી ગયો – હું કોઇકને મારૂં એનો. બે–ચાર બાટલીવાળાઓ મારા ફૂઆ શંભુપ્રસાદને રેલ્વેની સળીયાવાળી બારી પાસે દબાવીને મારતા હતા. ને કોક બાટલીવાળો મારા ચશ્મા ખેંચી ગયો, એમાં મને દ્રષ્યો પૂરી ફાવટ સાથે દેખાતા નહોતા. આ બાજુ મારી ગાળો વેડફાતી જતી હતી ને કોઇ સાંભળતું હોય એવું લાગ્યું નહિ, એટલે ફૂઆનો ‘જાન બચાવવા’ મે ય ધમાધમ ઠોકવા માંડી...

...ખરો ફૂઓ હવે અધમૂવો થઇ ગયો. નજરે જોનારાઓ કહેતા હતા કે, વગર ચશ્માએ હું એટલો ઝનૂનમાં આવી ગયો હતો કે, ચોક્કસ નિશાન ન લઇ શકાતા, બાટલીવાળાઓને બદલે હું ફૂઆને ફેંટો ફટકારતો હતો. ‘‘આ એકલો પહોંચી વળે એવો છે...’’ એમ સમજીને બાટલીવાળાઓ હાથ ખંખેરીને ફૂઆને છોડીને બીજા પાસે ગયા, ત્યાર પછી ય હું ફૂઆને ઠપકારતો રહ્યો. અંતિમ પરિણામો ઘોષિત થયા ત્યારે, બાટલીવાળાઓ ટોટલ દસ ઘવાયા હતા અને અમારી તરફથી એકલા ફૂઆ બેભાન થઇ ગયા હતાં.

મારા અધરવાઇઝ બહુ શાંતિપૂર્ણ જીવનની આ પહેલી અને છેલ્લી મારામારી. 

કહે છે કે, સારા ઘરના માણસો કદી મારામારી કરતા નથી, માર ખાય છે. પણ મારામાંથી પ્રેરણા લઇને આપણી ભારત સરકાર પણ પાકિસ્તાનનો માર ખાધે રાખે છે, સામે કદી મારતી નથી. એ લોકો દર મહિને એકાદો બૉમ્બ આપણે ત્યાં ઝીંકી દે છે. સામે આખો દેશ પાકિસ્તાન પડ્યો છે... આપણી સરકાર ત્યાં જઇને તારામંડળે ય ફોડી શકે એમ નથી... સાલી, સરકારે ય અશોક દવે જેવી...!

સિક્સર
– આપણે કેવા નસીબદાર છીએ કે, હજી એ જમાનો આવ્યો નથી કે, આપણો દીકરો કહે, ‘‘ડૅડ... મારા માટે એક સિગારેટનું પાકીટ લઇ આવો ને.... ’’
(સાર : આજે કેટલા પિતાઓની હિમ્મત છે, પોતાના દીકરાને કહી શકે, ‘‘બહાર જાઓ છો તો મારા માટે જરા પાન લેતા આવશો ? )

No comments: