Search This Blog

23/11/2011

ગિફ્‌ટમાં ઘોડો...?

દસ્તૂર થઇ ગયો છે કોઇને ત્યાં જઇએ એટલે ખાલી હાથ ન જવાય! કંઇક તો લઇ જ જવું પડે. આ ‘કંઇક’માં હું તો મારા સમ્રાટના બાળકો સિવાય કાંઇ લઇ જતો નથી, એમાં છાપ બગડે છે. ‘આ લ્લે લે... આ તો હાવ ખાલી હાથે આયા..!!!’ એવા ત્રણ આશ્ચર્ય ચિહ્નો એમના ચેહરાઓ ઉપર દેખાય.‘‘આમને એમ પણ ન થાય કે, કોકને ઘેર જઇએ છીએ તો છેવટે છોકરાઓ માટે કંઇક લેતા જઇએ..??’’ એવા બે વધારાના પ્રશ્નાર્થ ચિહ્‌નો અમને પાણી પિરસતી વખતે દેખાય. બીક લાગે કે, પાણી આપણા મોંઢા ઉપર તો નહિ ઢોળે ને? 

ખાલી હાથ નહિ જવાનું આ કલ્ચર હમણાં-હમણાંનું ઊભું થયું છે... મેહમાનો આવે ત્યારે આઇસ્ક્રીમ, ચોકોલેટસ, મીઠાઇ કે અન્ય કોઇ ગિફ્‌ટ હસતા-હસતા સાથે લેતા આવે ને આ લોકો હસતા-હસતા, ‘‘ઓહ... આની શી જરૂર હતી..’’ એવું પાછું હસતા હસતા ખરખરો કરતા હોય, એમ બોલે. આમ તો, ‘આની ‘જ’ જરૂર હતી’ એવું એ લોકો જાણતા હોય છે. 

મહેમાનગતિને આ લોકોએ પૉટલૉગ બનાવી દીધી છે. કોઇએ જમવા બોલાવ્યા હોય, ત્યાં આપણે તો કાંઇક લેતા જ જવાનું.. ભલે પછી એમના ફ્રીજમાં પડયું રહે. હું આવી ગીફ્‌ટ -સ્કૂલનો વિદ્યાર્થી નથી. સાવ મિડલ-ક્લાસનો માણસ હોવાથી મને પોસાતું પણ નથી કોઇના ઘરે ‘ભરેલે’ હાથે જવાનું. તમે કાંઇ પણ લઇ જાઓ, એ મિનિમમ રૂ. ૨૦૦-૩૦૦થી ઓછું તો હોવાનું નથી! જ્યાં જઇએ ત્યાં દર વખતે આવા ૨૦૦-૩૦૦ ના પોસાય, ભ’ઇ... અમારામાં તો બા ખીજાય! એ લોકોએ પણ નાસ્તા-પાણી બનાવ્યા હોય છતાં આપણે કાંઇક ને કાંઇક લઇ શું કામ જવાનું? ઓહ.. કદાચ એ લોકોના ઘરમાં ખૂટી પડે, એવો આપણને ડર હોય...? કદાચ, એમને ઘેર આપણો નાસ્તો આપણે જ લઇ જવાની સીસ્ટમ હોય તો? કદાચ દર વખતની જેમ, એમના ઘરનું બનાવેલું આપણા મ્હોમાં ય પેસે નહિ એવું હોય તો? કે પછી સારા નાસ્તા-પાણી કોને કહેવાય, એ બતાવી આપવા આપણે કંઇક સાથે લેતા જતા હોઇશું? 

.... તારી ભલી થાય ચમના... ત્યાં તું નાસ્તા-પાણી ઉડાડવા નથી જતો... મળવા બે ઘડી હળવા જાય છે, પછી શેના આ બધા ફતૂર માંડયા છે..? પંખો ચાલુ કર ચમના..! 

ઇન ફેક્ટ, ‘ખાલી હાથ’ નહિ જવાનું કારણ એ નથી કે, શિરસ્તો છે માટે લઇ જવું પડે... મનમાં ડર એ હોય છે કે, એ લોકોએ આટલું બઘું બનાવ્યું છે, એટલે સામું આપણે પણ કંઇક ‘વાળી આપવું જોઇએ’’.. હાં, યે બાત હૈ..! અમે તમારૂં ખાઇને બેસી રહીએ એવા નથી.. કે પછી, ‘‘અમે કાંઇ ભૂખાવડાઓ નથી..!’’ એવો ડર પણ બધાના નહિ તો ઘણાના મનમાં હોય છે. ગુજરાતીઓને ખર્ચાનો કે બગાડનો કોઇ વાંધો હોતો નથી. પણ સામસામું બતાઇ આપવાના ઝનૂનો બધાને ઉપડતા હોય છે. ‘આપણે એ લોકોને ત્યાં જમી આયા... હવે સાલાઓને આવવા દો આપણે ઘેર... બઘ્ઘું બતાઇ દેવું છે કે, અમે ય કોઇ ગેંગેં-પેંપે નથી.. અમારા ઘરમાં ય સેવન-કોર્સ ડિનર હોય છે...!’ 

લો કલ્લો બાત...! એક બાજુ સૅવન-કોર્સ ડિનર જમવા જતા હોઇએ ને બીજી બાજુ, સાથે ૨૦૦-૪૦૦ની ગિફ્‌ટ પણ લેતા જવાનું! હું ક્યારેય કોઇના ઘેર આવી કોઇ ગિફ્‌ટ લઇને જતો નથી, જેને જે માનવું હોય તે માને... અફ કોર્સ, મને પણ મારા ઘરે આવતું કોઇ ગિફ્‌ટ લાવે, એ પસંદ ન જ હોય... 

...ને તો ય, એક વાચક બહુ ખુશ થઇને મારા માટે ગિફ્‌ટમાં જીવતેજીવતો ઘોડો લઇને આવ્યા. મારા હાથમાં ઘોડાની ગિફ્‌ટ પેક કરેલી લગામ પકડાવતા બોલ્યા, ‘‘સાવ ખાલી હાથે તો તમારે ત્યાં ન અવાય ને?’’ 

મારી નોકરી બરોબર નહિ ચાલતી હોય ને જરૂર પડે તો શહેરમાં હું ઘોડાગાડી ફેરવીને પેટીયું રળી શકું, એવો કોઇ પવિત્ર હેતુ તો એમનો ન લાગ્યો. દેખાવ ઉપરથી એમણે મને શહેનશાહ અશોક ધારી લીધો હોય એવું મને જોયા પછી બનવા જોગ નથી. ઇતિહાસમાં મારા ૩૯ માર્કસ આવ્યા હતા, એટલે મને મારા પૂરતા ઇતિહાસમાંથી હું એટલું જ શીખ્યો હતો કે ઘોડા ઉપર શહેનશાહો શોભે. મને નજરે જોનારાઓ જાણે છે કે, હું ઘોડા ઉપર તો જાવા દિયો... હિંચકે બેઠેલો ય શોભતો નથી. 

ના-ના કરવા છતાં ગિફ્‌ટનો ઘોડો સ્વીકારવો તો પડયો, તો પણ સવાલ એ ઊભો થયો કે, એને અમારા ચોથે માળે કેવી રીતે લઇ જવો? તાસિર દરેક ઘરની કોઇ નવી વસ્તુ આવે, એટલે જોવાનું બધાને મન થાય. પણ પ્રેક્ટીકલી, ઘોડો કે BMW કાર પણ લીધી હોય, એને ચોથા માળે લઇ ન જવાય... લોકો વાતો કરે! ફ્‌લેટોમાં લોખંડના કબાટો ચઢાવવાના આવે છે, ત્યારે, મજૂરીયાઓ દોરડા બાંધીને બાલ્કની-માર્ગે સિધાવે છે.. આઇ મીન.. ફ્‌લેટની બહારથી બાલ્કનીના રસ્તે દોરડા વડે કબાટને ખેંચીને ઉપર લાવે છે. પણ એમ કાંઇ થોડો ઘોડાને પણ ચારે બાજુથી મુશ્કેટાટ બાંધીને ઉપર ખેંચી લેવાય છે? બીજો સવાલ મારી આખી સોસાયટીને થયો કે, બીજું બઘું તો ઠીક છે, પણ અશોક દવે આ ઘોડો ‘પાર્ક’ ક્યાં કરશે? મને આવો સવાલ ન થયો કારણ કે હું તો મારી ગાડી પણ પાર્કિંગને તબેલો માનીને ગમે ત્યાં પાર્ક કરી દેતો હોઉં છું. (સ્પષ્ટતાઃ ‘ગાડી’ એટલે ઘોડાગાડી નહિ, કાર સમજવાની છે.. સ્પષ્ટતા પૂરી) ફ્‌લેટવાળા તો બધાનો નકરો વિરોધ જ કે, તમે હાથી લાવો કે ઘોડા-ગધેડા લાવો; પાર્કિંગમાં પોદળાં નહિ પાડવા દઇએ, ઘાસના ઢગલે ઢગલા નહિ જોઇએ, અડધી રાત્રે ઘોડા હણહણવા નહિ જોઇએ અને ચોથી શરત તો ભયાનક હતી.. ઘોડાની સાથે ઘોડી લાવવા નહિ દઇએ...! 

હું ય માણસ છું અને મારા ય કેટલાક સપનાં હોઇ શકે છે. પેટ્રોલના આ મોંઘાદાટ જમાનામાં ગાડીને બદલે હું ઘોડો વાપરૂં તો ઓફિસે ઘોડા ઉપર બેસીને જતો હોઉં, ટ્રાફિકના રેડ-સિગ્નલ વખતે શિસ્તબદ્ધ રીતે ઊભો રહી જાઉં, રોંગ-પાર્કિંગમાં એકાદ-બે વખત મારૂં અને ઘોડાનું નામ લખાય, થોડા પૈસા કમાઉં, તો ઘોડાનો ય ડ્રાયવર રાખું, એના મ્હોં પાસે મારા હાથમાં ઘાસનો પૂળો પકડીને ફોટા પડાવું... (આમ પાછો કોકની સાથે ઊભા રહીને ફોટા પડાવું ત્યારે સારા આવે છે!... મારા એકલાના ફોટા સારા નથી આવતા!) 

ગિફ્‌ટમાં ઘોડો આપનારની નિષ્ઠા પ્રત્યે મને ડાઉટ પડયો કે, સાલાએ કોઇ જૂની દાઝો કાઢવા તો મને ઘોડો નહિ આપ્યો હોય ને? ગાય હોય તો દૂધો ય દોહીને પીવાય. મને નોલેજ છે ત્યાં સુધી ઘોડાઓ દૂધ નથી આલતા. પોપટ ગીફ્‌ટમાં આપ્યો હોય તો ઘરમાં કોઇ તો ‘રામરામ’ બોલે! ગિફ્‌ટમાં આવેલો કૂતરો મને ગમે ખરો પણ કહે છે કે, દર અઠવાડિયે એને બ્રિડિંગ કરાવવા કોકને ત્યાં લઇ જવો પડે.... અહીં આપણા જીવો બળે! આપણે ઘરમાં થૂઇ-થપ્પા રમવાના ને ઘોડાને સ્પેશિયલી બહાર લઇ જવાનો?... કોઇ પંખો ચાલુ કરો! એક દોસ્તે મને મસમોટુ વૉલ-પેન્ટીંગ ગિફ્‌ટમાં આપ્યું, એમાં અમારૂં આખુ ફેમિલી ટેન્શનમાં આવી ગયું કે, એ કૃતિ લટકાવવા માટે ભીંત ક્યાંથી લાવવી? આ લોકો ગિફ્‌ટમાં પેઇન્ટિંગોની સાથે ભીંતો નથી આલતા હોતા, એમાં બા ખીજાય કે નહિ? ખાસ પેઇન્ટિંગ મૂકવા માટે અમારે ઘરની બહાર એક ભીંત ચણાવવી પડી... એમ કાંઇ મોંઘા ભાવની ગિફ્‌ટો માળીયે મૂકી દેવાય છે કાંઇ? 

એ તો ત્રણ મહિના પછી એમનો (ગિફ્‌ટમાં ઘોડો આપનારનો) અકળાઇને ફોન આવ્યો ત્યારે ખબર પડી કે લોચો મરાઇ ગયો છે.. મેં વળી જાતના ખર્ચે ટ્રક ભાડે કરીને વૌઠાના મેળામાં એ ઘોડો હજાર રૂપિયામાં વેચી નાંખ્યો, એની એમને ખબર પડી એટલે ગિન્નાયા કે, ‘‘આઠ લાખનો ઘોડો તમને ગિફ્‌ટમાં આપ્યો હતો, એ તમે હજાર રૂપરડીમાં વેચી નાંખ્યો, એ તો હું ચલાવી લઇશ.. પણ.. પણ.. દવે સાહેબ, વૌઠામાં ગધેડાનો મેળો ભરાય છે, ઘોડાઓનો નહિ, એટલી ય તમને ખબર નથી પડતી???’’ 

(એ તો અકળાઇ-અકળાઇને મારા ઓળખિતાઓને ખાનગીમાં કહેતા હતા કે, ‘‘વૌઠાનો બીજો મેળો આવવા દો...બારોબાર અશોક દવેનો સોદો કરી ન નાખું તો મને ફટ્ટ કહેજો..! જેને ઘોડા-ગધેડામાં ય ખબર પડતી ન હોય એને તો...’’)

સિક્સર
I can not, but laughનો ગુજરાતી અનુવાદ શું થાય?

1 comment:

Dipak Dave said...
This comment has been removed by a blog administrator.