Search This Blog

11/11/2011

અમર


ગીતો
૧. ઈન્સાફ કા મંદિર હૈ યે ભગવાન કા ઘર હૈ... મુહમ્મદ રફી
૨. ઉદી ઉદી છાઈ ઘટા, જીયા લહેરાયે... લતા મંગેશકર
૩. ઉમંગો કો સખી પિ કી નગરીયા કૈસે લે જાઉં?... લતા મંગેશકર
૪. તેરે સદકે બલમ, ન કર કોઇ ગમ યે સમા... લતા મંગેશકર
૫. ખામોશ હૈ ખેવનહાર મેરા, નૈયા મેરી ડૂબી... લતા મંગેશકર
૬. ન મિલતા ગમ તો બર્બાદી કે અફસાને કહાં જાતે... લતા મંગેશકર
૭. જાનેવાલે સે મુલાકાત ન હોને પાઇ, દિલ કી... લતા મંગેશકર
૮. એક બાત કહું મેરે પિયા સુન લે અગર તૂ... આશા ભોંસલે
૯. રાધા કે પ્યારે, ક્રિષ્ન કન્હાઇ, તેરી દુહાઇ... આશા ભોંસલે
૧૦. ન શિકવા હૈ કોઇ, ન કોઇ ગીલા હૈ... લતા મંગેશકર



ફિલ્મ ‘અમર’ (’૫૪)
નિર્માતા : મેહબૂબ પ્રોડકશન્સ
દિગ્દર્શક : મેહબૂબખાન
સંગીત : નૌશાદ
ગીતો : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ.
થીયેટર : (અમદાવાદઃ ખબર નથી)
કલાકારો : દિલીપકુમાર, મઘુબાલા, નિમ્મી, ઉલ્હાસ, જયંત, હુસ્નબાનુ, મુકરી, મુરાદ અને અમર.

પાકિસ્તાનમાં બનેલી બે પાકિસ્તાની ફિલ્મો તો હું આંખ મીંચીને તમને જોવાની ભલામણ કરૂં છું. (આંખ મીંચીને મેં ભલામણ કરી છે... તમારે જોવાની આંખો ખુલ્લી રાખીને...!) પહેલી ફિલ્મ ‘ખુદા કે લિયે’ છ-એક મહિના પહેલા આવી હતી અને બીજી, ‘બોલ’ ઈન્ડિયામાં આવીને ઊડી ય ગઇ ને કોઇએ એની નોંધ પણ ન લીધી. બન્નેની ડીવીડી-ઓ અફ કૉર્સ સારી પ્રિન્ટ્‌સમાં મળે જ છે. આમ તો પાકિસ્તાનમાંથી આવતું કૂતરૂ ય અહીં વહાલું લાગતું હોય છે, પણ આ બન્ને ફિલ્મો તો ફક્ત બૌઘ્ધિકો માટે હોવાથી, અહીં એમને જોઇએ એવો આવકાર ન મળ્યો... ઈસ્લામ જેવા પવિત્ર મજહબનો નાસમઝીમાં ગૈરમતલબ કાઢીને કૌમને અને ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓને જે નાઈન્સાફીનો સામનો કરવે પડે છે, એના તમાચા આ બન્ને ફિલ્મોમાં બેઝીઝક ઠોકી દેવામાં આવ્યા છે. પણ આ ફિલ્મ ‘બોલ’ના દિગ્દર્શક શોએબ મન્સૂરને સલામ કરવી પડે કે, હિંમત રાખીને મજહબનો નાસમજ અર્થ કાઢતા લોકોને આ ફિલ્મ દ્વારા લાલ બત્તી બતાવી છે. આંખ મીંચીને બસ... બાળકો પેદા કરતા રહો- ભલે એને પાળી પોસી શકો નહિ અને એમાં ય, બાળકોની ફૌજમાં દીકરીઓ વધારે હોય કે ફક્ત દીકરીઓ જ હોય, તો અલ્લાહ પાકનો મોટો ગૂન્હો સમજીને એમને તરછોડવાની બેઅદબી ઉપર ‘બોલ’ ફિલ્મે પવિત્ર કામ કર્યું છે. ફિલ્મ વિશે કંઇક નાનું-અમથું ય કહેવા જઇશ તો આખો મૂડ માર્યો જશે, માટે કહીશ તો કાંઇ નહિ, પણ ફિલ્મમાં એક જ મુદ્દો જરા ગમ્મત કરાવે એવો છે. 

અહીં રહે રહે ભલે ગુણગાન ફક્ત પાકિસ્તાનની ક્રિકેટરોના જ ગાવાના પણ લાહૌરમાં બે મુસ્લિમ બહેનો ક્રિકેટની કમૅન્ટરી સાંભળતા સાંભળતા એકબીજા સાથે મીઠી ઝગડી પડે છે... કારણ, ભારત-પાકિસ્તાનની મૅચ ચાલતી હોય છે, એમાં સૅન્ચૂરી પર પહોંચવા આવેલા સચિન તેન્ડુલકરની સૅન્ચૂરી પૂરી થાય, એને માટે એક બહેન દુઆ માંગે છે, તો બીજી બહેનને શાહિદ આફ્રિદી વહાલો છે. બાપ આને અપશુકન માને છે, પાપ માને છે ને એમાં પાકિસ્તાન હારી જાય છે, ત્યારે આ બન્નેની મોટી બહેન (જે આ ફિલ્મની હીરોઇન પણ છે- હુમાઇમા મલિક) બન્ને દેશોની ફૅનેટિક કૌમોને લપડાક મારતી વાત કરે છે. ભારતના હિંદુઓ એમનો દેશ પાકિસ્તાન સામે તો જીતવો જ જોઇએ, એની ભગવાનો પાસે પ્રાર્થના કરે છે અને પાકિસ્તાનના મુસલમાનો, કમસેકમ ભારત સામેની હાર બર્દાશ્ત કરી શકતા નથી, માટે અલ્લાહ પાસે દુઆ માંગે છે. આ છોકરી પૂછે છે, છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાન ભારત સામે હારતું જ આવ્યું છે. દુનિયાભરના મુસલમાનોની દુઆઓ છતાં... જ્યારે ઑસ્ટ્રેલિયા માટે તો કોઇ દુઆ કરતું નથી છતાં એ છેલ્લા ૨૦ વર્ષોથી વર્લ્ડ-ચૅમ્પિયન જ કેમ છે...? 

કંઇક એવી જ સિચ્યુએશન ધી ગ્રેટ ફિલ્મસર્જક મરહૂમ મેહબૂબખાને વર્ષો સુધી ઊભી કરી હતી. કોઇ વિવાદ ઊભો કર્યા વગર. એમની તમામ ફિલ્મોમાં ભગવાન શંકરની મૂર્તિ કે એમના માટેનું ભજન હોય જ. (એકાદો અપવાદ હોય તો ખ્યાલ નથી!) એ ય જ્યારે એમના મજહબમાં બૂતપરસ્તી (મૂર્તિપૂજા) સામે જોખમો ઘણા છે. આ ફિલ્મ ‘અમર’માં નૌશાદે બનાવેલું, શકીલ બદાયૂનીએ લખેલું, મુહમ્મદ રફીએ ગાયેલું ‘ઈન્સાફ કા મંદિર હૈ યે ભગવાન કા ઘર હૈ’ જ નહિ, આશા ભોંસલેના કંઠે ‘રાધા કે પ્યારે, ક્રિષ્ન કન્હાઇ, તેરી દુહાઇ...’ દ્વારા મેહબૂબખાને બાકાયદા બિનસાંપ્રદાયિકતાનો પરચમ એ જમાનામાં લહેરાવ્યો હતો. વળી, આ ફિલ્મના ટાઇટલ્સ વાંચો ત્યારે ખબર પડે કે, આખી ફિલ્મના નિર્માણમાં તમામે તમામ મુસલમાનો જ છે... હિંદુઓ ભાગ્યે જ ક્યાંક છે, છતાં કેવી અદબપૂર્વક હિંદુધર્મનું ગૌરવ આ મુસલમાનોએ જાળવ્યું છે. સલામ.

ધી ગ્રેટ મેહબૂબખાને એમની ફિલ્મોમાં બીજા સર્જકો કરતાં ઘણું નોખું અને અનોખું આપ્યું છે. એકતા કપૂરો કે રાકેશ રોશનોને ‘ક’ની પિન ભરાઇ ગઇ હતી, એમ મેહબૂબને ‘અ’ની પિન ભરાઇ ગઇ હતી... (અફ કૉર્સ.... ‘અ’ અક્ષરથી તો તમે જાણો છો, જગતના સર્વોત્તમ મહાપુરૂષો પેદા થયા છે... આપણે શું કામ ખોટું બોલવું?... આ તો એક વાત થાય છે!) એટલે વચમાં થોડા અપવાદોને બાદ કરતા મેહબૂબખાને પોતાની ફિલ્મોના નામો ‘અ’ પરથી રાખ્યા હતા : એક હી રાસ્તા, ઔરત, અલીબાબા, અણમોલ ઘડી, એલાન, અનોખી અદા, અંદાઝ, આન અને અમર. છેલ્લે છેલ્લે વળી ખબર પડી કે, ‘અ’ ઉપરથી તો કેટલાક ફાલતુ લેખકોના નામો ય આવે છે, એટલે વળી ‘મધર ઈન્ડિયા’ કે ‘સન ઓફ ઈન્ડિયા’ બનાવી. 

 ઍક્ચ્યૂઅલી, મેહબૂબે ફિલ્મ ‘અમર’ બનાવી, એમાં માર બહુ ખાવો પડ્યો હતો. ફિલ્મની વાર્તા એ સમય પ્રમાણે તો વિવાદાસ્પદ હતી જ, પણ દિલીપકુમાર પાસે મેહબૂબ આવું કામ કરાવે અને ‘દિલીપ સા’બ’ પાછા આવું કામ કરે ય ખરા, એ વાત દિલીપકુમારના ચાહકોને રાસ નહોતી આવી, એટલે બળાપો બહુ ઉઠ્યો હતો. સમજો ને કે, ઍન્ટી-હીરો છાપનો આ રોલ હતો, જેમાં શહેરના એક પ્રતિષ્ઠિત વકીલ હોવા છતાં દિલીપકુમાર મઘુબાલા સાથે પ્રેમ અને સગાઇનું વહાણે ય ચાલવા દે છે ને વચમાં (ઝીરો અવર્સમાં) નિમ્મી ઉપર બળાત્કારે ય કરી આવે છે..

ઓહ... એ જમાનાની કોઇપણ ફિલ્મનો હીરો અને એમાં ય પાછો દિલીપકુમાર માત્ર વાસના ખાતર બળાત્કાર કરે, એ સહન થાય એવી વાત નહોતી. 

જુઓ જરી યાદ કરી લઇએ, એની વાર્તા. 

નિમ્મી ગામડાની એક અલ્લહડ દૂધવાળી સાથે અકસ્માત ભેટો થઇ જતા દિલીપકુમાર એના રૂપથી આકર્ષાય છે, પણ પ્રેમ-બ્રેમમાં પડવાની ગોઠવણ- બોઠવણ થાય તે પહેલા મઘુબાલા સાથે સગાઇ-ફગાઇ થઇ જાય છે. ફિલ્મનો વિલન સંકટ છૈલા (અમજદખાનનો પિતા ઉર્ફે જયંત ઉર્ફે ઝકરીયા ખાન) નિમ્મીને પામવા માટે હલકટાઇ બતાવતો રહે છે, એ દરમ્યાન આ જયંતથી પોતાની લાજ બચાવવા નિમ્મી (સાચું નામ, ‘નવાબબાનો’-- નિમ્મી નામ રાજ કપૂરે આપ્યું હતું, જે એને ફિલ્મોમાં પહેલીવાર લાવ્યો હતો.) વરસાદી રાત્રે દિલીપકુમારના ઘરમાં ભૂલમાં આવી જાય છે. ભોળી નિમ્મુડી બિચારીને ખબર નહિ કે, બહાર જંગલમાં તો ખૂંખાર જયંતથી લાજ બચી ગઇ, પણ અહીં દિલીપકુમાર પાસે નહિ બચે. દિલીપકુમાર નિમ્મી ઉપર બળાત્કાર કરે છે, પણ ઘેર આયા પછી બા ખીજાય નહિ, એ માટે વાર્તાલેખકે સમજી-વિચારીને ફિલમમાં દિલીપને એકે ય બા આલી જ નથી. 

જો કે, થતાં થઇ ગયું સમજીને દિલીપકુમાર ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી પસ્તાવો કરતો રહે છે, પણ એનો ઝમીર તો તો ય જાગતો નથી, જ્યારે જયંતનું ખૂન એને હાથે થઇ જાય છે અને ઈલ્ઝામ નિમ્મી પોતાને માથે લઇ લે છે. આ દરમ્યાનમાં મઘુબાલાએ મૂંઝાયે રાખવાનું હોય છે કારણ કે, ફિલ્મના વાર્તાલેખકે એને બીજું કાંઇ કામ પણ આપ્યું નથી. એ જો કે, જૅમ્સ બૉન્ડ બનીને જાસૂસીના બહુ ટ્રાયો મારે છે, પણ નિમ્મુડી પણ એને મચક આલતી નથી કે, ‘‘બતા... તેરી લાજ કિસને લૂટી હૈ..?’’ 

જો કે, ફિલ્મ પતતા સુધીમાં પ્રેક્ષકોને જયંત અને દિલીપકુમાર વચ્ચે ફરક મેહસૂસ થવો જોઇએ, એટલે છેક છેલ્લે કૉર્ટમાં દિલીપનો ઝમીર જાગી ઊઠે છે ને ખૂન, બળાત્કાર અને નિમ્મીને તરછોડી દેવા જેવા તમામ ગુન્હાઓ કબુલ કરી લે છે... એ વાત જુદી છે કે, ફિલ્મના વાર્તા અને સંવાદ લેખક નિમ્મીના ગોરધન અલી રઝા હોવાથી ફિલ્મના અંતે ભારતમાં કયો પિનલ કોડ ચાલતો હશે કે, ભરી અદાલતમાં કબુલાતો કરવા છતાં, દિલીપકુમારને એક નાની અમથીય કોઇ સજા થતી નથી. લેવા-દેવા વગરનો જયંત બિચારો જાનથી હાથ ધોઇ બેસે છે... ‘‘ખાયા, પિયા કુછ નહિ... ગિલાસ તોડા, બારહ આના...!’’ 

આમ, આખી ફિલ્મ પાપ કરી બેઠેલા માણસના ઝમીર (અંતરાત્મા) જાગવા પરની છે. એ વાત જુદી છે કે, આવા ઝમીરો જાગતા હોય, એવા માણસો હાલમાં તો આપણી પાસે કોઇ દેખાતા નથી. જેમના જાગેલા છે, એ બધા હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ‘અલ્લાહ બચાયે નૌજવાનોં સે...’ 

કોઇપણ ફિલ્મમાં દિલીપકુમાર હોય, એટલે ઍક્ટિંગના મામલે તો શહેનશાહી જ હોય. એ જમાનાનો એ અફ કૉર્સ, ‘વન ઑફ ધ બેસ્ટ ઍક્ટર્સ’ હતો. પણ આ ફિલ્મ જોનાર પ્રેક્ષકોમાંથી જેમને ઍક્ટિંગ વિશે થોડી ઘણી ય ખબર પડે છે, એ લોકો તો બાકાયદા કહેવાના કે, દિલીપસા’બના કામમાં કાંઇ જોવું ન પડે, તેમ છતાં ય આ કોઇ એમની ઍક્ટિંગ-કૅપેસિટીને મોટું આકાશ આપે, એવી મહાન ફિલ્મ નહોતી. રૅગ્યુલેશન સંવાદો બોલવા સિવાય અહીં આવા મહાન કલાકારને એવી કોઇ ઍક્ટિંગ બતાવવાનો મોકો દિલીપને તો ઠીક મઘુબાલાને ય નથી મળ્યો. આહલાદક ઍક્ટિંગ બેશક નિમ્મી કરી ગઇ છે, કારણ કે એના રોલમાં વૅરિએશન્સ ઘણા છે... આ બન્નેની માફક પહેલેથી છેલ્લે સુધી એકની એક જ સિચ્યૂએશનો દિગ્દર્શકે આપી નથી. અને અફ કૉર્સ... સુંદરતાની વાત જુદી છે, બાકી અભિનયની વાત હોય ત્યાં નિમ્મી પાસે મઘુબાલા તો છોક્કરૂં કહેવાય! 

એકાદ નાના ઝટકા સાથે નવાઇ નૌશાદના સંગીત માટે લોગે-આ ફિલ્મ પૂરતી કે, આટલા ગ્રેટ સંગીતકાર એમની બાકીની તમામ ફિલ્મોની સરખામણીમાં ક્યાં માર ખાઇ ગયા આ આખી ફિલ્મના સંગીતને ઘેરઘેર પહોંચાડવામાં...? યૂ સી... મારા તમારા જેવા જૂનાં ગીતોના ઠેઠ તળીયે અડી આવેલાઓની વાત જુદી છે, પણ રફી સાહેબના ‘ઈન્સાફ કા મંદિર હૈ યે...’ને બાદ કરતા બાકીના ગીતો એવા કોઇ ઘૂમદામ જલસા કરાવી દે, એવા નહોતા બન્યા. આપણા જેવાઓની વાત જુદી છે કે, લતા મંગેશકરનું ‘તેરે સદકે બલમ, ન કર કોઇ ગમ..’ જેવું ગીત તો વસીયતનામામાં ચોખ્ખું લખીને છોકરાઓને આલતા જઇએ ક, ‘‘આ મઘુરૂં ગીત જેને આવડતું હશે, એને જ મારી મિલ્કતમાંથી આપણી કારવાળી મ્યુઝિક-સીસ્ટમ ફ્રી મળશે...’’ ફિલમમાં હતા તો દસ જ ગીતો, અગીયારમું હોય તો રાજકોટના જૂનાં ફિલ્મી ગીતોના હીરો મઘુસુદન ભટ્ટને પૂછવું પડે. ભટ્ટસાહેબ સાચા અર્થમાં જૂની ફિલ્મોના ગીતોના માલેતુજાર છે. એ એક એવી હસ્તિ છે, જેમનો રેડીયો-ઈન્ટરવ્યૂ રેડિયો સીલોન પરથી બ્રોડકાસ્ટ થયો હતો. 

યસ. નવાઇ લાગી શકે, પણ લાગતી નથી કે, છેલ્લે નૌશાદ સાહેબે લતા મંગેશકરની પ્રશંસા કરવામાં આશા ભોંસલે માટે એવું બોલી ગયા હતા કે, ‘‘આશા પણ સારી ગાયિકા છે, પણ લતાની સરખામણીમાં એનો અવાજ બાજારૂ લાગે છે. એ વાત જુદી છે કે, ફિલ્મ ‘અમર’ના બે મશહૂર અને પવિત્ર ગીતો ‘રાધા કે પ્યારે ક્રિષ્ન કન્હાઇ, તેરી દુહાઇ’ અને ‘એક બાત કહું મેરે પિયા સુન લે અગર તુ’ કમ-સે-કમ અમને તો બાજારૂ નથી લાગ્યા...

No comments: