Search This Blog

28/12/2012

‘દુશ્મન’ (’૩૯)

ફિલ્મ : દુશ્મન’ (’૩૯)
નિર્માતા : બી.એન. સરકાર (ન્યુ થીયેટર્સ)
દિગ્દર્શક : નીતિન બૉઝ
સંગીત : પંકજ મલિક
આસિસ્ટન્ટ સંગીતકાર : હરિ પ્રસન્ન દાસ
ગીતો : આરઝુ લખનવી
રનિંગ ટાઈમ : ૧૩-રીલ્સ
થીયેટર : કોઇ વડીલની જાણમાં હોય તો જણાવશો
કલાકારો : કુંદનલાલ સેહગલ, લીલા દેસાઇ, પૃથ્વીરાજ કપૂર, નેમો, વિક્રમ કપૂર, નજમુલ હુસેન, જગદિશ સેઠી, મનોરમા, જી.એલ. વૈદ્ય, સિરાજ, બોકેન ચટ્ટો, ઘૂમી ખાન, એલિયાસ ચાવલા.

ગીતો
૧. સિતમ થે, જુલ્મ થે, આફત થે ઈન્તઝાર કે દિન... હઝાર શુક્ર કે દેખેંગે....  કે.એલ. સાયગલ
૨. કરૂં ક્યા આસ નિરાસ ભઇ, દિયા બુઝે ફિર સે જલ જાયે... કે. એલ. સાયગલ
૩. પ્રિત મેં હૈ, જીવન જોખોં, કિ જૈસે કોલ્હૂ મેં સરસોં.... કે.એલ. સાયગલ
૪. પ્યારી પ્યારી સૂરતોં, મોહ ભરી મૂરતોં, દેસ સે પરદેસ મેં તુમ્હારા... કે.એલ. સાયગલ

(રાધા-કૃષ્ણના પ્રસંગ પર એક ગીત કોઇ મહિલાના સ્વરમાં પણ છે. ગીત નં. ૧માં કોઈ બે પુરૂષોના સ્વર છે.)

મારા સ્વ. પિતા શ્રી ચંદુભાઈ દવે કહેતા, ‘‘અમે નસીબદાર છીએ કે, મહાત્મા ગાંધી અને સાયગલ સાહેબ અમારા જમાનાના હતા.’’ ઓહ. સૃષ્ટિની બે મહાન વિભૂતિઓ એક જ અરસામાં કાર્યરત હોય, એ પેઢી તો બાકાયદા નસીબદાર જ કહેવાય ને? અત્યારે આપણા છોકરાઓએ સાયગલનું નામ ન સાંભળ્યું હોય, તો એમાં એમનો દોષ નથી. આખી પેઢી ને આખું કલ્ચર બદલાઈ ગયું, પણ આપણાંમાં તો જૂનું સંગીત અને જુનાં ગીતો, વિશાળ પુરાણી હવેલીની બહાર ખાંસતા રહેતા બુઢ્ઢા ચોકીદારની જેમ જીવિત છે. સંગીતની આપણે બનાવેલી આ હવેલીમાં પાછા આવીએ કે બહાર જઈએ, ચોકીદાર હર વખતે અસર કરતો રહે છે ને, ‘કરૂં ક્યા આસ નિરાસ ભઇ...કે પ્રીત મેં જીવન જોખોં, કિ જૈસે કોલ્હૂ મેં સરસોં....યાદ અપાવતો રહે છે. મારો ને તમારો ઓપિનિયન જવા દો, સંગીતના જાણકારો હક્કપૂર્વક કહે છે, ‘‘સાયગલ સાહેબ જેવો ગાયક સૃષ્ટિમાં બીજો થયો નથી.’’

આ ઑવરસ્ટેટમૅન્ટ હશે? કોઈને સાયગલ ગમે, એ જુદી વાત છે, પણ સૃષ્ટિના સર્વોત્તમ ગાયક...?

તો હવે એ જાણકારોના ઓપિનિયન્સ પણ જવા દો... તમને શું લાગે છે? લાંબુ નથી ખેંચવું... હું જ તમારા વતી જવાબ આપી દઉં છું કે, આપણને સહુને એકી અવાજ સાયગલ જ સર્વોત્તમ ગાયક લાગે છે. ચર્ચા પૂરી.

કલકત્તાના ન્યુ થીયૅટર્સની તો કેવી બોલબાલા ને રોફ હતા! બી.એન. સરકારના આધિપત્ય હેઠળ પતિ-પત્ની હિમાંશુ રૉય અને દેવીકારાણીએ આ ફિલ્મ નિર્માણ સંસ્થાને એક વિરાટ ઔદ્યોગિક જાયન્ટ બનાવી દીઘું હતું. આજની આપણી ફિલ્મ સાયગલ સાહેબની દુશ્મનપણ એને જ દેન. પંકજ મલિક અને સાયગલ સાહેબની આ માતૃસંસ્થાની આ ફિલ્મમાં સાઇડ-હીરો બનતો નજમુલ હૂસેન સાથે દેવિકારાણી ભાગી ગઈ. કાપ પતી ગયું એટલે નજમુલે એને છોડી તો દીધી પણ હિમાંશુએ સ્વીકારી પણ લીધી. સંસ્થા પૂરતો પ્રોબ્લેમ એ હતો કે, નજમુલ પાછો ન આવ્યો, એમાં બાકીની ફિલ્મોનાં કામ અટકી ગયું. હિમાંશુ રૉયે તાબડતોબ ન્યુ થીયેટર્સના લૅબોરેટરી આસિસ્ટન્ટ કંચનલાલ ગાંગુલીને હીરો બનાવી દીધો - માન ન માન, મૈ તેરા મહેમાનના ધોરણે કંચનલાલને નામ પણ બદલવું પડ્યું અને રાખ્યું સંસારનું સર્વશ્રેષ્ઠ નામ, ‘‘અશોક કુમાર.’’

ન્યુ થીયૅટર્સની ઘણી ફિલ્મોના ડાયરેક્ટર તરીકે નીતિન બૉઝ રહેતા. ફિલ્મની વાર્તા, દિગ્દર્શન અને કૅમેરા-ત્રણે ય કામ નીતિન દાએ નિભાવ્યા છે.

ઠેઠ ઈ.સ. ૧૮૯૭માં જન્મેલા નીતિન બૉઝ સત્યજીત રે ના ફર્સ્ટ-કઝિન હતા. દિલીપ કુમારે ગંગા જમુનાપોતે બનાવી હતી અને સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં દિલીપને બદનામ કરનારી-બીજાના દિગ્દર્શનમાં માથું, ખભો, હાથ-પગ બઘું મારવાની આદતને કારણે નીતિન બૉઝ આ ફિલ્મ અડધેથી છોડીને જતા રહ્યા. જો કે, કબુલ કરવું પડશે કે, દિલીપે દિગ્દર્શન હાથમાં લીધા પછી પણ ગંગા-જમુનાખૂબ સુંદર ફિલ્મ બની હતી.

સંસ્થાની અન્ય ફિલ્મોની જેમ દુશ્મનનું સંગીત પણ પંકજ મલિકે આપ્યું હતું. સાયગલ અને પંકજ - બન્નેની સરખામણી કર્યા પછી, પંકજબાબુનો પક્ષ લેનારા આજે ય અનેક ચાહકો છે. કંઠની મીઠાશ અને ખરજના અવાજમાં પણ એ જ મીઠાશ બરકરાર રહેવાને કારણે સાયગલ કરતા પંકજ દા વઘુ ગમે, એ બનવાજોગ છે. આ બન્નેએ ન્યુ થીયેટર્સ માટે સાચા અર્થમાં જાત ઘસી નાંખી હતી, પણ એવા વળતર સામે મળ્યા નહતા. અહીં જ નોકરી કરતા હોવાને કારણે પંકજ મલિક પાસે તો ન્યુ થીયેટર્સ આ જ ફિલ્મ દુશ્મનના રીલ્સના પતરાનાં ડબ્બા ઉચકીને કલકત્તાથી મુંબઈ મોકલ્યા હતા. આપણે શરમાઇ જઈશું કે, આટલો મોટો ગાયક-સંગીતકાર... એક મજૂરની માફક ફિલ્મના રીલ્સના મોટા મોટા ડબ્બાઓ ઉચકીને સ્ટેશનેથી ઉતરે...! જો તાર સે નીકલી હૈ વો ઘૂન સબ ને સૂની હૈ, જો સાઝ પે ગૂઝરી હૈ વો કિસ દિલ કો પતા હૈ...

દુશ્મનમાં ફક્ત ચાર જ ગીતો હતા, એ નવાઇ લાગે. ફિલ્મ એ જમાનાની (૩૯ની) હોવા છતાં માત્ર ૪-જ ગીતો હતા. નહિ તો એક ફિલ્મમાં ૩૦-૩૫ ગીતો હોવા તો બહુ સામાન્ય હતું. ઈન્દ્રસભાનામની એક ફિલ્મમાં ૬૯-ગીતો હતા, કૅન યુ બીલિવ...? યસ. ૬૯!

સાયગલ કે પંકજ મલિકના ચાહકોને એટલી હળી કરવાની કે, એ ફિલ્મોના ગીતો જે આપણે રેડિયો કે હવે સીડી પર સાંભળીએ છીએ અને જે ફિલ્મમાં મૂકાયા હતા, એમાં થોડો ઘણો ફરક હોય છે. એક દાખલો : આપણે જે કરૂં ક્યા આસ નિરાસ ભઇ...સાંભળ્યું છે, તે તો તમને યાદ છે. ફિલ્મમાં આ ગીત જૂદું રૅકોર્ડ થયું હોવાથી ‘...આસ બંધેગી નઇ...રિપીટ થઇને થોડું તારસપ્તક ઉપર જાય છે. કુતૂહલ ઉપરાંત મૂળ ગીતની મીઠાશ પણ વધે. એવી જ રીતે, આપણે સાંભળેલા, ‘પ્રીત મેં હૈ જીવનજોખોં...ગીત પુરું થયા પછી સાયગલસાહેબ ઉધરસ ખાઇને ભારે વેદનાથી, ‘‘...ઐસા ક્યું? ફિર ઐસા ક્યું...?’’ બોલે છે, જે ઓરિજીનલ સાઉન્ડટ્રેક પર નથી.

ફિલ્મ નિર્માણ એવું કાંઇ વિક્સ્યું નહોતું, એ હિસાબે આજની સરખામણીમાં એ વખતની ફિલ્મો વામણી લાગે-પ્રોડક્શન ઉપરાંત પણ. દિગ્દર્શકને ફિલ્મની વાર્તા કહેતા કેવી આવડી છે, એના ઉપર મોટો આધાર છે. અહીં નીતિન બૉઝ દિગ્દર્શનના સર્વેસર્વા હોવા છતાં, વટથી એમ નહિ કહી શકાય કે, ફિલ્મ કોઇ ક્લાસિક હતી. વાર્તા ચીલાચાલુ હોવાને કારણે ખાસ કોઈ મોર માર્યા નહોતા. સાયગલ અને લીલા દેસાઈ પ્રેમીઓ છે. સાયગલ રેડિયો અને ગ્રામોફોન પર ગાઇને બે પૈસા કમાય છે. લીલા સાથે લગ્ન કરવા સાયગલ ઉતાવળા થાય છે, ત્યાં એના જીગરી દોસ્ત નજમલ હુસેન એને એકાદ વર્ષ થોભી જવા જણાવે છે, ત્યારે ખબર પડે છે કે, એને ટીબી છે. ટીબી એ જમાનામાં અસાઘ્ય રોગ ગણાતો. નજમુલ સાયગલને ક્યાંક દૂર જતા રહેવાની સલાહ આપે છે ને પેલો જતો ય રહે છે. દરમ્યાનમાં લીલા અને નજમુલ એકબીજાના પ્રેમમાં પડે છે, લગ્ન કરવાના હોય છે, ત્યાં ડૉક્ટર પૃથ્વીરાજ કપુરની સારવારથી સાયગલ નખશીખ બચી જાય છે ને લીલા પાસે પાછો આવે છે. ખાઘું, પીઘું ને રાજ કર્યું.

જોવાની મસ્તી એ વાતમાં છે કે, આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર સાવ નાનકડા રોલમાં છે અને તે પણ ઓળખી જ ન શકાય એવા લિબાસમાં. ફિલ્મ ન્યુ થીયેટર્સ જેવા મોટા બૅનરની છે, એટલે એમણે આવો ફાલતુ કક્ષાનો રોલ સ્વીકાર્યો હોય ને એ ય, માથે અને મોંઢે છલોછલ રૂની પૂણીઓ ચોંટાડી હોય એવી વિગ સાથે. હસવું ય આવે કે, ઉંમરમાં પૃથ્વીરાજ સાયગલથી કોઈ અઢી-ત્રણ વર્ષ જ મોટા હોવા છતાં, ફિલ્મમાં સાયગલના દાદાજી હોય, એવો કિરદાર કર્યો છે. નેમોને તો તમે રાજ કપૂરની ફિલ્મ શ્રી.૪૨૦માં રાજ સાથે તીનપત્તીની ગૅઇમમાં તોતિંગ  મૂરખ બનતા જોયો છે, એ નેમો અહીં હીરોઇન લીલા દેસાઈના ફાધરના રોલમાં છે. જગદિશ સેઠીને તો પછી અમારી પોળના નાકે ઊભા રહેતા યારદોસ્તો જ ઓળખી શકે, જે અહીં  રૅકૉર્ડિંગ-સ્ટુડિયોના માલિકનો રોલ કરે છે. હા, એક ઓળખાણ આપવી ગમ્મત પડે એવી છે. ડૉક્ટર પૃથ્વીરાજના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ડૉક્ટર વિક્રમ કપૂર છે, જે સંગીતકાર અનિલ બિશ્વાસના બીજા રાઉન્ડના સસુરજી છે, એટલે કે ગાયિકા મીના કપૂરના પિતા.

ફિલ્મ દુશ્મનની હીરોઇન લીલા દેસાઈ વિશે જાણવું ઈન્ટરેસ્ટિંગ છે. એક તો એ ગુજરાતણ હતી. પિતા ડૉ. ઉમેદરામ લાલભાઈ દેસાઈની પુત્રી, પણ મમ્મી બિહારી હતી. લીલાના મમ્મી-પાપા ત્રણેક વર્ષ માટે અમેરિકાના પ્રવાસે ગયા, ત્યાં નૅવાર્ક-ન્યુજર્સીમાં લીલાનો જન્મ થયો. લીલાની બહેન મોનિકા દેસાઈ ન્યુ થિયેટર્સના જ ડાયરેક્ટર ફણી મજમુદારને પરણી. આ ફની મજમુદારે અશોક કુમાર-રાજકુમાર-ફિરોઝખાનવાળી ફિલ્મ ઉંચે લોગઅને અશોક કુમાર-મીના કુમારી-પ્રદીપ કુમારવાળી ફિલ્મ આરતીબનાવી હતી. ખૂબ જાણીતી હીરોઇન રમોલા લીલાની સગી બહેન થાય. રમોલા દેવ આનંદ સાથે બે-ત્રણ ફિલ્મોમાં આવી હતી અને એની દીકરી દીના ફક્ત એક ફિલ્મ એહસાસમાં આવી હતી, જેનું કિશોર કુમારે ગાયેલું ગીત, ‘કિતને રાંઝે તુઝે દેખકે, બૈરાગી બન ગયેમશહૂર થયું હતું. ૪૧-માં બનેલી ગુલામ હૈદરના સંગીતની ફિલ્મ ખજાનચીમાં રમોલા હીરોઈન હતી... યાદ છે ને, સાયકલ પર બે ચોટલા આગળ રાખીને એ સાવન કે નઝારે હૈં, હાહા... હહાહાહાહાહા’. આ લીલાની સગી બહેન થાય. વઘુ મજાની વાત છે, આપણા બધાને કંઠસ્થ એવું પંકજ મલિકનું પિયા મિલન કો જાના..ની કપાલ કુંડલાએ જ આ લીલા દેસાઈ. ભૂરી આંખોવાળી લીલા દેસાઈ અંગત જીવનમાં અત્યંત તોફાની અને ટીખળી હતી.

ફિલ્મ ઠેઠ ૧૯૩૯-ની છે, એ હિસાબે એ સમયના ભારતનું કલ્ચર જોવા મળે. હજી આઝાદી મળી નહોતી, એટલે સ્ત્રી-પુરૂષો ઉપર ગોરાઓની અસર ભીષણ હતી. નવાઇ લાગે કે, સાયગલ પણ અમસ્તા ઘરમાં ય, કોઇ લેવાદેવા વગરના શૂટ-ટાઈ પહેરીને ફરે છે. શૂટ સભ્યતાનું પ્રતિક હતો. પ્રેમો તો બગીચામાં ગયા પછી ઝાડ નીચે ફેરફુદરડી ફરતા ફરતા જ થાય. પેલી થોડી ઝૂકે પછી જ એના અંબોડામાં ફૂલ ખોસવાનું. રોમેન્ટિક શબ્દો આવે ત્યારે હીરોઇને પોતાની દાઢી ઉપર જમણા હાથની પહેલી આંગળી મૂકવી જ પડે. અહીં નવાઇઓ લાગવાની શરૂઆત થાય કે, અહીં પેલો શૂટ પહેરીને શું કામ આવ્યો હશે? આવીને પાછો લોન ઉપર ગલોટીયા ખાય છતાં એની ઈસ્ત્રી ન ભાંગે. લેવા-દેવા વગરના ઝટકા આપણને વાગે કે, આટલી ઉંમરના આપણે થયા છતાં, આજુબાજુ કોઈ ન હોય એવો તો એકે ય બગીચો કે પહાડ જોયો નથી ને આ બન્ને જાય ત્યાં બઘું ખાલીખમ્મ હોય... ત્યારે છેલ્લી નવાઇ લાગે કે, આટલો એકાંત મળે ત્યારે કોઈ લલવો ઝાડની ફરતે ફેરફુદરડી મારવામાં ટાઈમો બગાડે?

એ તો આખી ફિલ્મ જોઇ લો, ત્યારે ખ્યાલ આવે કે પૂરી ફિલ્મમાં ક્યાંય દુશ્મનકે દુશ્મનીની તો કોઈ વાત જ નથી, તો ફિલ્મનું નામ કેમ આવું રાખ્યું હસે? એ વાત જુદી છે કે, સાલ ૧૯૩૯-ની હો કે આજની... મોટા ભાગની ફિલ્મોને એના નામ સાથે કોઈ મતલબ કે લૉજીક હોતા નથી. જબ જબ ફૂલ ખિલે’ ...શું અર્થ કાઢવો? ‘ઝૂક ગયા આસમાનનો કોઇ અર્થ થતો હશે? ‘સપનોં કા સૌદાગરઆખી ફિલ્મ જોઈ લો ત્યાં સુધી મેળ ન પડે કે, ભાઈએ કયા સપનાનો કોની સાથે સોદો કર્યો...! દુશ્મનનો ય અર્થ ફિલ્મમાં કાંઈ નથી.

24/12/2012

ઍનકાઉન્ટર 24-12-2012

૧. આપણે રાહુલ ગાંધીને ક્યાં સુધી સહન કરવાના છે?
- તમારે તો કાંઈ ન કહેવાય... એમની પાર્ટીએ જે સહન કરવું પડ્યું છે... ઉફ!
(પૂજા પી. દફતરી, રાજકોટ)

૨. ‘કાનુડો કરે એ લીલા...’ એટલે શું?
- ભારતીય સંસ્કૃતિમાં કાનુડો એક જ મહાન વિચારધારા છે, જે અન્ય ભગવાનો કરતા આપણી વઘુ નજીક છે. આ એક જ ભગવાનને દોસ્તીના દાવે આવી તોછડાઈથી તમે બોલાવી શકો છો. ક્યાંય સાંભળ્યું, ‘શંકરીયો’, ‘રામડો’ કે ‘અંબાડી...’? આવી સરળ લીલા તો કેવળ કૃષ્ણની જ હોય ને?
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

૩. ‘ખુરશીને નિકમ્મા કર દિયા હમ કો, વર્ના હમ ભી આદમી થે કામ કે’...!
- આપણે ત્યાં જીતેલો ઉમેદવારે ય કોઈ કામનો નથી, ત્યાં હારેલો આવી બડાશ ક્યાંથી મારી શકે?
(રશિદા શબ્બીર તરવાડી, ચલાલા)

૪. ગાંધીજીએ અંગ્રેજોને શું કામ ભગાડ્યા?
- આખા દેશમાં એ એક તો મરદ હતો.
(લીલાધર ભારદીયા, પૂના-મહારાષ્ટ્ર)

૫. તમારી ખૂબ ચહિતી ડિમ્પલ ગંગા સ્વરૂપ થઈ ગઈ... હવે તમારું શું થશે?
- ‘‘...કૌન કમબખ્ત કહેતા હૈ કિ ડિમ્પુ ‘ગંગા સ્વરૂપ’ હો ગઈ... અભી હમ જીંદા હૈ!’’ (આવું કાંઈ પૂછાય તો વાચકોએ મને જરા સાચવી લેવો! હું બહુ કડક માણસ છું !)
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

૬. ‘સત્તા આગળ શાણપણ નકામું’, એવું કહેનાર કાયર કહેવાય?
- શાણપણ હોય તો જ સત્તા હોય!
(દેવેન્દ્ર શાહ, વડોદરા)

૭. બ્રશ કરતી વખતે અરીસામાં દાંતને બદલે ચેહરો કેમ જોવાય છે?
- ચેહરાના અન્ય ભાગો ઉપર બ્રશ ન ફરવા માંડે માટે.
(વિશ્વા નાણાવટી, રાજકોટ)

૮. ભગવાને આગળ જોવા માટે આંખો આપી છે, તો પાછળ જોવા માટે કેમ નહિ?
- તમારા અક્ષરો ઉકેલવા માટે ગાલ, કાન, લમણું, બગલ, ઢીંચણ અને પગના તળીયામાં ય પ્રભુએ આંખો આપવી પડત...! (હવે પછી, કોઈ માણસ પાસે પોસ્ટકાર્ડ લખાવજો!)
(અરવિંદ દેસાઈ, વિજલપુર)

૯. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે લડી-ઝગડીને મરી ફિટવાને બદલે ભેગા મળે તો દેશનો કેવો ઉઘ્ધાર થાય?
- એ બન્ને મળેલા છે, એ તો મોટી મોંકાણ છે!
(ગીરિશ વાઘેલા, અમદાવાદ)

૧૦. ગંગા અવતરણ વખતે રાજા ભગીરથે ગૂર્જરભૂમિને યાદ કરી હોત તો, ગુજરાતીઓને હરદ્વાર સુધી લાંબા થવું ન પડત, કે નહિ?
- એમ તો મારે ય અમદાવાદમાં એક વિશાળ દરીયો નંખાવવો છે...
(મહેશ એચ. મકવાણા, અમદાવાદ)

૧૧. પહેલા દૂધવાળા સાયકલ પર આવતા, હવે બાઈક પર આવે છે... વિકાસ?
- પેટ્રોલ-પંપવાળા પેટ્રોલમાં પાણી ભેળવે તો આ લોકો ‘બીએમડબલ્યૂ’ લઈને આવશે! જૂની ટેવ કાંઇ જાય?
(અસગરઅલી નોમાનલી, બારીયા)

૧૨. આપની કૉલમ અહિંસક છે, છતાં નામ કેમ હિંસક છે?
- નામ મનમોહન છે... ક્યાંય મોહી પડાય એવું લાગે છે?
(સૈયદ અકબરઅલી, ઈલોલ)

૧૪. આજનું રાજકીય વાતાવરણ જોતા, ભવિષ્યમાં આપણો દેશ ‘સુપર-પાવર’ બની શકે, એવું લાગે છે?
- અફ કૉર્સ બની શકે. ફક્ત એટલું કહો, પૈસા ક્યાં ખવડાવવાના છે?
(એસ.કે. ભુસાવાલા, ભરૂચ)

૧૫. બદનામ મુન્ની, જવાન શીલા કે ચીકની ચમેલીની ઘૂનો પર નાચતી આજની પેઢી ક્યાં જશે?
- અઅઅ... મોટે ભાગે તો આ ત્રણ જવાનીઓના ઘર સુધી તો જશે!
(મિતેશ દોશી, અમદાવાદ)

૧૬. બીજું સંતાન આવતા, પહેલા માટે પ્રેમ ઓછો થશે, એ સાચું?
- આવું તો કેવળ બીજી વાઇફોવાળા કિસ્સામાં થાય!
(મોના જે. સોતા, મુંબઈ)

૧૭. સ્ત્રી અતિ સુંદર હોય પણ માથામાં ચકાચક તેલ નાંખેલું હોય, એવી ચાહકને તમે ઑટોગ્રાફ આપો ખરા?
- અલ્યા... કોઈ મારી રીવૉલ્વર લાવો તો જરા...!
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

૧૮. સાઘુ તો ચલતા ભલા, તો ગોરધન...?
- ઠેર ઠેર ‘ચરતા’ ભલા!
(મહેશ માંકડ, અમદાવાદ)

૧૯. ‘ધીરે સે આજા રી અખીયન મેં, નીંદીયા...’ એ ફિલ્મ ‘અલબેલા’ની લોરી બેનમૂન છે કે નહિ?
- તે આમ અડધે ‘ઍનકાઉન્ટરે’શું કામ પૂછો છો?... પતાઇને સૂઈ જજો ને!
(કરીમ સોઢા, સુરેન્દ્રનગર)

૨૦. નિષ્ફળ જવાનો કોઇ ફાયદો પણ બતાવશો?
- ભારતના વડા પ્રધાન બની શકાય છે.
(મિતુલ જોગલ, ભાળઘર-ખંભાળીયા)

૨૧. તમે જન્મ્યા ત્યારે અન્ય બાળકોની જેમ રડ્યા હતા કે, હસ્યા હતા?
- સાંભળ્યું છે કે, મને જોઇને ડૉક્ટરો અને નર્સો ખુબ હસ્યા’તા... કે, ‘‘આપણું બાળક પણ આવું સુંદર જોઇએ...’’ ને તો ય આટલી ઉંમરે મને અભિમાન નહિ... હું રડતો’તો છતાં ય !

૨૨. ‘કરવા ચોથ’નું વ્રત કરી, પતિને લાંબુ જીવાડ્યા પછી પત્નીઓ બિચારાનું જીવન હરામ કેમ કરી નાંખે છે?
- ટૅઇક ઇટ ઈઝી, માય બૉય...! અમે બધા તમારી સાથે છીએ.
(પ્રબોધ જાની, વસઇ-ડાભલા)

૨૩. પરણીને દીકરી પારકે ઘેર જતી રહે છે, ત્યારે મન મનાવવાનું કે, એ તો પારકી થાપણ છે, પણ પરણીને દીકરો માં-બાપથી અલગ જતો રહે, એનું શું?
- બઘું અહીંનું અહીં છે. તમે તમારા માં-બાપને પ્રેમપૂર્વક રાખ્યા હશે, તો તમારા સંતાનો તમને રાખશે. સંસ્કાર તો તમારામાંથી જ આવ્યા હોય, ના?
(ઉષા જગદીશ સોતા, મુંબઈ)

૨૪. આંખ-કાન નબળાં હોય તો ચશ્મા કે કાનનું મશિન લેવાય, પણ જેનું મગજ નબળું હોય એનું શું કરાય?
- પૈણાઇ દેવાનો!
(અનુજ અનિલ કારીયા, મુંબઇ)

૨૫. ૧૦૦-ભ્રષ્ટાચારી દેશોમાં આપણો નંબર ૮૫-મો...! સુઉં કિયો છો?
- આટલો નંબર મેળવવા ય પૈસા ખવડાવવા પડ્યા હશે.
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

૨૬. તમે ધર્મ કરતા દેશને વઘુ મહત્ત્વ આપો છો, એનું ખાસ કારણ?
- બહુ નસીબદાર હો તો ભારતમાં જન્મ મળે. માથું ભરાઈ જાય, એટલી દેશની માટી નાંખીએ, એ માટીના કણ કણના આપણે એહસાનમંદ છીએ. તમે જોયું તો હશે જ કે, આપણા દેશના ધર્મોએ જ આપણને દેશથી દૂર રાખ્યા છે.
(કૃપા પટેલ, અમદાવાદ)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

19/12/2012

લેખક મરવો ન જોઇએ....

શક્ય છે, આજના લેખનો ઉઘાડ અગાઉના મારા કોઇ લેખમાં નીકળી ચૂક્યો હોય. પણ સબ્જેક્ટ એવો છે કે,આપણા મૂર્ધન્ય સાહિત્યકારોય આમાં નવું કાંઇ લાવી શક્તા નથી, તો હું શું કામ અદ્વિતીય બનું?

વાત તો સિમ્પલ છે કે, અમારે ત્યાં કોઇ કવિ કે લેખક ટપક્યો, એટલે એનો પ્રતિભાવ આપવામાં હજી ૧૦૦-વર્ષ જૂની પ્રથાઓ જ ચાલી આવે છ. કોઇ નવું કાંઇ લાવતું નથી. વિસ્તારથી સમજાવું.

- દાદુ, રમણભ’ઇ ગયા...!

- રમ...રમ...રમણ...? યૂ મીન, આપણા રમણભ’ઇ....?? શાસ્ત્રી..??? ના હોય....!!!

- હા... આજે સવારે જ છેલ્લું ડચકું આવ્યું ... (બોલનારના ગળામાં ડૂમો ભરાવવો) ... ને બસ... આપણને બધાને છોડીને ... (બીજો નાનો ડૂમો)...!
બસ. અહીંથી અમારી યાત્રા શરૂ થાય છે. છેલ્લા છ-એક મહિનાથી ભાવવાહી બન્યા વિનાના નવરા બેસી રહ્યા હતા, એ સહુમાં ચેતના આવી જાય છે. અમારા ફિલ્ડમાં તો કેવુ કે, બહું લાંબા સમય સુધી કોઇ ‘ગયું’જ ન હોય, તો પ્રેક્ટિસ છૂટી જાય છે ને સરખા શબ્દોમાં શ્રઘ્ધાંજલિ અપાતી નથી. નહિ તો ચાહકો કહેતા હોય છે, ‘‘સ્વ.ભોગીભ’ઇની શોકસભામાં તમે ખૂબ રસમઘુરૂં બોલ્યા હતા... તેમના નાક ઉપર મસો હતો, એ તો તમારૂં શાસ્ત્રીજી અમારા બહુ મોટા ગજાના સાહિત્યકાર. એમના જવા છતાં હજી આપણે તો સલામત છીએ ને, એવા સંતોષ સાથે અમે લોકો નાટકો શરૂ કરીશું ... કંઇક આ રીતે ...’’

‘‘સવારે બરોબર ૯ ને ૪૫ વાગે મારા ઉપર કવિશ્રી. ‘મંદગતિ’નો ફોન આવ્યો. હું તો નહાવા બેઠો હતો. પત્નીશ્રીએ તાકીદનો ફોન હોવાનું જણાવી બાથરૂમના બારણાંની આડશમાંથી ફોન આપ્યો. ઓહ ..મારા તો માનવામાં જ ન આવ્યું રમણભ’ઇ.. બસ, આમ જ ચાલ્યા જશે? હું ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયો... ઓહ... ઉહ... હવે રમણભ’ઇની ખોટ ક્યાંથી પૂરાશે?’’

સંસ્થાનો વિરોધ આ એકના એક છાપેલા કાટ્‌લાંસમાં શબ્દો માટે છે. કોઇ કાંઇ નવું લાવતું જ નથી. અમારો સાહિત્યકાર ૧૦૦- વર્ષો પહેલા ગૂજરી ગયેલો, ત્યારે પણ આ જ પઘ્ધતિ હતી. એ બાથરૂમમાં નહાવા બેઠા હોય કે વાળ કપાવવા સલૂનમાં ગયા હોય અથવા ... મોટા ભાગે તો લખવા બેઠા હોય, ત્યાં એમની ઉપર આવો ફોન અચાનક આવે. સાલું... જગતભરમાં એકેય ફોન ‘અચાનક’ કેવી રીતે આવી શકે, તે તમને ન સમજાય. એવડો એ સવારે દસ-પોણા દસ સુધી શોકની લાગણીમાં ડૂબ્યા કેવી રીતે હશે? શું સાબુની ભીની ગોટી હાથમાં સજડબંબ પકડાઇ ગઇ હશે? એમની નજર થત પર સ્થિર થઇ ગઇ હશે? વાત ઘેરા શોકમાં ડૂબવાની એમણે કાઢી છે તો બંધ બાથરૂમે નળ ચાલુ રહી ગયો હોય ને પગ બોળાય એટલા સાબુવાળા(ઘેરા) પાણીડાં ભરાઇ ગયા હશે? અને છેલ્લો સવાલ ઝનુની ઉપડે. એ કહે છે ને કે, હવે રમણભ’ઇની ખોટ કોણ પૂરશે? એ તો તું બાથરૂમની બહાર નીકળે પછી ખબર પડે ને? તું નીકળી જાય ને આવનારા હજારો વર્ષો સુધી એ બાથરૂમનો કોઇ ઉપયોગ કરવાનું ન હોય તો, બાથરૂમમાં તારે કારણે પડેલી ખોટ કોણ પૂરશે, એ સવાલ વ્યાજબી છે. ઘરવાળા અડધી કલાકમાં તો આવી ખોટો પૂરી જ નાંખતા હોય છે. આજકાલ કાંઇ નહાયા વિના કાંઇ રહેવાય છે?

કવિશ્રી ‘મંદગતિ’ની વાત ઉપર આપણને ત્રણ ખાટા ઘચરકાઓ આવી જાય કે, શાસ્ત્રીજી આપણને બધાને મૂકીને જતા રહ્યા...!

તારી ભલી થાય ચમના... ‘આપણા બધા’માં તું અમને પૂછ્‌યા વિના અમને શેનો ભેળો ગણી લે છે? તું ઉપડ, રમણીયાની સાથે... સાથ આ પીસને ય લેતો જા. દિવંગત સાહિત્યકાર આપણને બધાને મૂકીને જતા રહ્યા, એ તો જીવનભરનું એકમાત્ર સારૂં કામ સદગતે કર્યું છે... ઘણીવાર સંબંધોમાં ના નથી પાડી શકાતી. પણ બારોબાર સંભવિત સહયાત્રીઓની યાદીમાં તું અમારૂં નામ શેનો ઠોકી દે છે કે, ‘આપણને બધાને મૂકીને ગયા..?’ હજી ઘેર અમારી આ બેઠી છે... એને પૂછી આય .. ને પંખો ચાલુ કરતો આય.. !

અલબત્ત, હવે બહ થયું. હવે આ શબ્દો ને આ પ્રતિભાવમાં ફરફારો કરવા જરૂરી છે. ક્યાં સુધી એકના શબ્દો વાપરીને આમ ઢીલાં થતા રહીશું? શોકસંદેશા એવા હોવા જોઇએ કે, એકવાર નીકળી ગયા પછી સદગતને પાછા ફરવાનું મન ન થાય. શ્રઘ્ધાંજલિઓમાં મરનારના જે હદે વખાણ થાય છે, એમાં ફફડાટ થઇ જાય કે, ઉપર જવામાં પેલો હજી અડધે ય નહિ પહોચ્યો હોય ને એને માટેનો તારો કરૂણ સંદેશ સાંભળી, ભાવવિભોર થઇને પ્રવાસ ટૂંકાવીને અડધેથી પાછો આવશે તો, સાહિત્યજગત તો ઘેર ગયું, એના ઘરવાળા તને મારવા આવશે. છેલ્લાં અઢી વરસથી ડોહો ખોં-ખોં-ખોં કરે જતો હતો ને ૧૫-૨૦ લાખ તો એની સારવારમાં હળગાઇ માર્યા હોય, એ રીટર્ન થયો તો તારા ઘેર રાખવાનો છું? હિંચકે બેઠા બેઠા ખોટી હુંશિયારીઓ ના માર ને પેલો જતો હોય તો જવા દે. સદગતના જવાથી ખોટ પૂરાવાની કે નવી ઊભી કરવાની હોય તો તારૂં નામ લખાઇ દે...!

એટલું યાદ રાખો કે, તમને જેવા સમાચાર મળે કે તરત વહેતા કરી દો. પાસે નહિ રાખી મૂકવાના. તાબડતોબ ફોનો જોડવાથી, શોકસભામાં દિવંગત કરતા ય પહેલું નામ તમારૂં બોલાશે, ‘‘મારા ઉપર કવિ ‘મંદગતિ’નો ફોન આવ્યો કે રમણભ’ઇ ગયા..!’’... યૂ સી. ફોન કરવામાં મોડા પડો તો સમાચાર વેડફી નાંખવાનો કેવો ઝટકો લાગે? આમાં તો,‘વહેલો તે પહેલો ની સ્કીમ મુજબ, આપણી પહેલા કોક બીજો પહોચી ગયો હોય, તો આપણે આપેલા આવા માઠા સમાચાર વાસી થઇ જાય છે. એવા ભરાઇ પડાય છે કે, પછી ફોન ચાલુ રાખીને વાત કઇ કરવી તેની સુઝ પડતી નથી અને, ‘‘શું .. હવે મોદીનું શું લાગે છે?’’ત્યાંથી વાત શરૂ કરવી પડે છે. જો કે, કવિ ‘મંદગતિ’જેવા મૂર્ધન્ય સ્મશાનકારોનો તો આવા સમાચારો ઝડપથી પહોંચાડવા ઉપર એવો સરસ હાથ બેસી ગયો હોય છે કે, ક્યારેક તો બે કે ચાર મિનીટનું જ છેટું રહે.... આઇ મીન, કવિ સમાચારો બધે પહોચાડી દે, એ પછી ડોહાએ પ્રાણત્યાગ કર્યો હોય!

ઇન ફેક્ટ, જો તમે સાચું બોલવાના હો તો કહો, કેટલા અવસાનના સમાચાર સાંભળીને તમે ઘેરા શોકની કાલિમામાં છવાઇ ગયા હતા? કોઇ ખૂબ પોતાનું કે યુવા- મૃત્યુ હોય તો અહી ચર્ચા નથી. બાકી લેખકો છાપઓમાં શ્રંઘ્ધાજલિઓ આપતી વખતે જે ગ્રેટ-ગ્રેટ શબ્દો વાપરે છે કે, ‘‘હવે બીજ રમણ નહિ થાય...!’’ એ વાસ્તવિક્તામાં કેટલું સાચુ છે? રમણીયો બીજો તો હવે નહિ જ થાય, એની તો એની બાને ય ખબર હશે, પણ રમણ-ભાગ બીજો લાવીને તારે કામે ય શું છે? પહેલાને તો હરખો વાપર્યો નહિ. જીવતો ત્યારે આજ લોકો એની પાછળ કેવું બોલતા હતા? વાસ્તવિક્તા તો એ છે કે, આવા કવિ-લેખક મરવાના સમાચાર સાંભળીને, શોકબોક તો જાવા દિયો...તત્ક્ષણે ચેહરાનો કોઇ ભાવ બદલાતો નથી ને એટલું જ પૂછાય છે, ‘‘ક્યારે કાઢી જવાના છે?’’ ધોળા લેંઘા-ઝભ્ભામાં સદગતના ઘેર પહોચ્યા પછી અદબ વાળીને એક ખૂણામાં ઊભા રહી જવાનું હોય છે. બે-ચાર તો તમારી પાસે આવશે. એ વખતે, અદબવાળો એક હાથ છોડીને, દિલીપકુમારની જેમ ગાલ ઉપર ચાર આંગળા અડાડીને જે ઊભું હોય એને પૂછી લેવાનું, ‘‘ખરૂં થયું, નહિ?’’એટલે પેલાનો પાસે ખરૂં થયું કે ખોટું થયું, સંદર્ભમાં જે ઇન્ફોર્મેશન હશે, તે આપશે. બીજો સવાલ તૈયાર રાખવાનો, ‘‘આમ.. બિમાર તો ...નહોતા, નહિ?’’

અહીં કોમિક એ ઊભું થાય કે, જેને સવાલ પૂછાયો હોય, એને તો એ ય ખબર ન હોય ભ’ઇ, એ બહાને બે-ચાર નવી ઓળખાણો થાય..! આ તો એક વાત થાય છે.

સાહિત્યકારો સાયન્ટિસ્ટો નથી, છતાં આવું કશું એમના માનવામાં જ ન આવે. ‘‘મને તો કાલે રાત્રે ખબર પડી કે, રમણભ’ઇ હવે આપણી વચ્ચે નથી... મારા તો માનવામાં જ ન આવ્યું!’’એમના માનવામાં આવે,એ માટે ઉપસ્થિત ડાધુઓએ શું કરવું, તે નક્કી, તે નક્કી કરવું અઘરૂં પડે છે.બહુ બહુ તો એમને ડેથ-સર્ટીફિકેટ બતાવી દેવાય, સદગતના અંતિમ ડચકાંની વેળાએ ઉપસ્થિત સગાસંબંધીઓને ફરી પૂછી જોવાય કે, ‘‘અમારા સાક્ષરશ્રી. ગગનવિહારીજીના માનવામાં આવતું નથી કે, કાકા ખરેખર ગયા કે મહીં હિંચકે બેઠા છે? બહાર બધા રાહ જુએ છે... જે કાંઇ હોય તે જલ્દી કહો, અમારે નોકરી-ધંધે જવાનું હોય ને? વળી, આમના માનવામાં ન આવે ત્યાં સુધી, મરનારના છોકરાઓ ટેન્શમાં ન આવી જાય? હાળી કોઇ ભૂલ તો થઇ ગઇ નથી ને? આપણે બાળી આયા કોને?’’

અમારા સાહિત્યજગતની ખૂબી એ છે કે, શોકસભા કે શોકસંદેશમાં મરનાર ગમે તે હોય, શ્રધ્ધાંજલિ પહેલો ‘હું’ આવે. ‘‘હજી ગયા મંગળવારે તો રમણભાઇ મને મળ્યા છે... અમે સાહિત્યોત્થાનની વાતો કરી...અમારો પરિચય’’૫૪ની સાલથી. એક વાર તો એમના ઘેર મેહમાનો આવવાના હતા, તે મારા ઘેરથી હિંચકો લઇ ગયેલા...! એમની દીકરીનું ક્યાંય પતતું નહોતું ...બહુ દુઃખી રહેતા ...મે બચુભ’ઇના ભાણેજ સાથે ગોઠવી આપ્યું. ખૂબ મીઠા સંસ્મરણો છે...’’

બસ, સાચી શ્રંઘ્ધાજલિ એ જ છે કે, વાતો સદગત વિશે કરો ... તમારી નહિ.. તમે હજી જીવતા છો. તમે જશો ત્યારે તમારા સંસ્મરણો ય નિયમ મુજબ આવશે. સુઉં કિયો છો?

સિક્સર

- સચિન બ્રેડમેન કે ગાવસકરનો બસ....એક રેકોર્ડ તોડી ન શક્યો.... સન્માનપૂર્વક નિવૃત્ત થઇ જવાનો !

16/12/2012

ઍનકાઉન્ટર 16-12-2012

1 ‘ણ’થી શરૂ થતું હોય એવું કોઇ નામ આપો ને!
- ‘ણલિણકાંત’.
(નલિનકાંત હ. ત્રિવેદી, જામનગર)

2 શું હજી ગુજરાત આખું ભયભીત છે?
- હવે એવું કહેનારા પોતે ભયભીત છે... ચૂંટણીના રીઝલ્ટ પછી.
(રાહુલ બગડા, જૂનાગઢ)

3 તમે કોની મમ્મીના પપ્પાના દીકરા?
- મારા ભાણાની.
(હિના ડી. શમા, કોસંબા)

4 ભક્તોના ધસારાથી ભગવાનો અકળાઇ નહિ જતા હોય?
- ભક્તો ભગવાનને એમના બાપનો માલ સમજે છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

5 સરકારી કર્મચારીઓ ૧૦૦ ટકા પ્રામાણિક બને, તો ભ્રષ્ટાચારનો નાશ થાય કે નહિ?
- તમારાથી સરકારી કર્મચારીઓનું આટલું બઘું બુરૂં ન ઈચ્છાય...!
(બી.એસ. જેજરીયા, ધંઘૂકા)

6 વારંવાર સવાલો પૂછનાર વાચકોને તમે ઓળખી શકો ખરા?
- ના. મને નામો યાદ નથી રહેતા.
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

7 અમેરિકાએ લાદેનને માર્યા પછી દરિયામાં કેમ નાંખ્યો હશે?
- એનું ક્યાંય સ્મારક ન બની જાય માટે.
(વિશ્વા નાણાવટી, રાજકોટ)

8 આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની જોડી તમને કેવી લાગી?
- આપણા વડાપ્રધાનની બાજુમાં ઊભેલો તો કોઇપણ માણસ બુઘ્ધિશાળી લાગે!
(નિરાલી ચૌહાણ, ચોટીલા)

9 છોકરીઓ ચાલે તેને ‘કૅટ-વૉક’ કહેવાય, તો છોકરાઓ ચાલે એને?
- ચાલુ.
(ઈન્દ્રવદન શિવલાલ જોગી, મુંબઇ)

10 ‘ઍનકાઉન્ટર’માં સવાલ પૂછનારના નામ, સરનામાં ને મોબાઇલ નંબર માંગવામાં આવે છે... ફોટો કેમ નહિ?
- આપણે વાચકોને ‘એ રીતે’ નથી હસાવવાના!
(અતુલ બિનીવાલે, વડોદરા)

11 ફિલ્મોમાં ભૂત તરીકે સ્ત્રીઓને જ કેમ બતાવવામાં આવે છે?... પુરૂષો કેમ નહિ?
- એટલા પૂરતી આપણી ફિલ્મો સત્યની વઘુ નજીક હોય છે.
(દિલીપ લોટીયા, મુંબઇ)

12 મારે વજન વધારવું છે. શું કરું?
- છાપાઓમાં વજન ‘ઘટાડવાની’ જાહેરખબરો આવે છે, એનો લાભ લેવાથી વજન વધશે.
(સ્નેહ જી. પટેલ, આકરૂંદ)

13 હાલમાં ડિમ્પલ કાપડીયાને તમારી વધારે જરૂર છે....
- ડૉન્ટ વરી... એની સંભાળ માટે આપણા ‘અક્ષુ’ને મૂક્યો છે.
(શિવાની ઓઝા, રાજકોટ) અને (સુધીર ભટ્ટ, ભાવનગર)

14 ‘વર’ અને ‘ડ્રાયવર’ વચ્ચે શું ફરક?
- ઘર ચલાવવા કરતાં ટ્રક ચલાવવાની વઘુ સલામત છે, એની ડ્રાયવરને ખબર છે.
(કમલેશ દફ્‌તરી, રાજકોટ)

15 ‘ઉંબરાવાળી’ માને મૂકીને લોકો ‘ડૂંગરાવાળી’ માને પૂજવા કેમ જાય છે?
- ડૂંગરે પહોંચ્યા પછી ઠેસ વાગે ત્યારે મ્હોંમાંથી રાડ તો ઉંબરાવાળી માની જ નીકળે છે.
(શ્રીમતિ બિંદુ દોશી, વડોદરા)

16 મલ્લિકા શેરાવત તમને સપનામાં હાથ મિલાવે તો શું કરો?
- મલ્લુએ તમારૂં કાંઇ બગાડ્યું છે? સપનામાં શું કામ?
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

17 મનુષ્યોની જેમ પશુઓમાં જાતીયપરિવર્તન થતું કદી સાંભળ્યું નથી...!
- શું કામ છે તમારે?
(રમાકાંત જોશી, રાજકોટ)

18 ક્યાંય ન ચાલે, તે રાજકારણમાં કેમ ચાલી જાય છે?
- ચૂંટણીના પરિણામો જોજો... હારેલાઓ તો ત્યાં ય ચાલે એવા નહોતા!
(વલ્લભ એમ. પારેખ, કાલોલ)

19 સદાબહાર દેવ આનંદના અવસાનને એક વર્ષ થયું... આપની શ્રઘ્ધાંજલિ?
- એ હવે ‘દેવ’ થઇ ગયા!
(પી.આર. સોનપાલ, ભાવનગર)

20 બધા કૌભાંડીઓ જામીન ઉપર છુટી જતાં હોય છે, એનો શું અર્થ?
- એ જ કે, જામીન ‘નીચે’ ન છુટાય!
(ફાતેમા/તસનીમ વ્હોરા, ઉમરેઠ)

21 સુંદર સ્ત્રીઓમાં અક્કલ ન હોય, એવું કોણે કીઘું?
- શું કામ પુરવાર કરવા માંગો છો?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

22 ઈશ્વરપ્રાપ્તિનો સરળ માર્ગ કયો?
- તમે મને ગમે ત્યારે મળવા આવી શકો છો.
(સુનિલ નાણાવટી, રાજકોટ)

23 વરરાજાના હાથમાં શ્રીફળ જ કેમ? અન્ય ફળ કેમ નહિ?
- એ તો પરણ્યા પછી જેને યાદ રહ્યું હોય એને ખબર.
(જયેશ અંતાણી, ભાવનગર)

24 ચલણી નોટો ઉપર તમારી તસ્વીર ક્યારે છપાશે?
- ‘‘મેરી તસ્વીર લેકર ક્યા કરોગે... હોઓઓઓ!’’
(યોગેશ કૃ. દલાલ, સુરત)

25 ‘તેલ, તીખું અને દારૂ, એને મોદી સાથે સારૂં’
- તમારી કહેવતમાંથી કાં તો દારૂ બદલો ને કાં તો મોદી બદલો!
(ભૂપેન્દ્ર એચ. મોદી, વલસાડ)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

14/12/2012

ડૉક્ટર (’૪૧)

ગૂઝર ગયા વો ઝમાના કૈસા...કૈસા
ન્યૂ થીયેટર્સનું ડૉક્ટર (’૪૧)


ગીતો

૧...ચલે પવન કી ચાલ, જગ મેં ચલે પવન કી ચાલ... પંકજ મલિક
૨...કબ તક નિરાશ કી, અંધિયારી, ભઈ જગત.... પંકજ મલિક
૩...ભઈ જગત ઉજિયારી દેખો...... પંકજ મલિક
૪...ગુજર ગયા વો જમાના કૈસા, કૈસા.... પકંજ મલિક
૫...યે તીતલી, યે તીતલી, ક્યા રંગરંગીલી તીતલી.....?
૬...બડી સુહાની ભોર સાજન........ પંકજ મલિક-ભારતી
૭...આઈ નીત નઈ રૂત કી બહાર આઈ........ ભારતી
૮...આપન જીવન દર્પન પ્યારા.........ભારતી
૯...આજ અપની મેહનતોં કા મુઝકો સમરા મિલ ગયા... પંકજ મલિક
૧૦...મહેક રહી ફૂલવારી........ પંકજ મલિક
૧૧...આઈ નીત નઈ રૂત કી બહાર આઈ....... પંકજ મલિક 


ફિલ્મ : ડૉક્ટર (૧૯૪૧)
નિર્માતા : ન્યુ થીયેટર્સ (કલકત્તા)
નિર્દેશકઃ સુબોધ મિત્તર
સંગીત : પંકજ મલિક
ગીતો : આરઝુ લખનવી - એ. એચ. શોર
રનિંગ ટાઈમ : સૅન્સર સર્ટિફિકેટમાં વંચાતો નથી.
થીયેટરઃ કોઈ વડીલને યાદ હોય તો ખબર આપશો.
કલાકારો : પંકજ મલિક, અહિન ચૌધરી, જ્યોતિ પ્રકાશ, નેમો, પન્ના, માસ્ટર મીનું, અમર, બુઘ્ધદેવ, ઈન્દુ મુકર્જી, ભારતી, ટોના રાય, બોકેન ચટ્ટો, અરવિંદ સેન, અરધેન્દુ મુકર્જી, કેનારામ બૅનર્જી, સુકુમાર પાલ.

હજી આપણી પેઢીના એ લોકો બચ્યા છે, જેમને પંકજ મલિક કે સાયગલ કોણ હતા કે, ‘મહેંક રહી ફૂલવારી’ અને ‘આજ અપની મેહનતોં કા મુઝકો સમરા મિલ ગયા...’ના શબ્દો યાદ દેવડાવવા પડે એમ નથી. એ તો આ લખનારનું ય ઝળહળતું નસીબ છે કે, ’૪૦ની આસપાસની આવી ફિલ્મ ‘ડૉક્ટર’ જેવી ફિલ્મો વિશે હું લખી શકું છું. નહિ તો, ધડ કરતો પહેલો સવાલ તો એ ઊભો થાય કે, પંકજ મલિક કે સાયગલ કે એમની ફિલ્મો વિશે ભલેને શૅક્સપિયરની કક્ષાનું લખ્યું હોય... વાંચનારા કેટલા બચ્ચા હોય ? પંકજ મલિક (જન્મ-મરણ : ૧૯૦૫-૧૯૭૮)ની આ ફિલ્મ ‘ડૉક્ટર’ છેક ૧૯૪૧માં આવી હતી. એ વખતે જોઈ હોય, એવા આ કૉલમના વાંચકો ય માંડ કોઈ ૨૦-૨૫ બચ્યા હોય... અને એટલા માટે જ, આ લેખ એવા ૨૦-૨૫ વાચકોને સમર્પિત છે. 

પંકજ મલિક ગાયક હતા, હીરો નહિ. પણ એ સમય એવો હતો કે, ઍક્ટિંગ ભલે ન આવડતી હોય, ગાતા સરસ આવડતું હોય, એટલે હીરો તો બની જાઓ. પોંકોજકુમારમા મોલિકના કૅસમાં એવું એટલે કે, સાવ સાયગલ જેવું નહોતું કે, ઍક્ટિંગ-બૅક્ટિંગ આવડે નહિ, કેવળ ગળાના સહારે નામ કમાઈ ગયા ! મેં તો એમની આ પહેલી ફિલ્મ જોઈ. પંકજ દા બાકાયદા સારા અભિનેતા હતા. આંખમાં ખોટી ઉંમરે ‘બૅરી-બૅરી’ નામનો રોગ થઈ ગયો, એટલે પરાણે સુંદર તો ન કહેવાય. આંખો ફાંગી લાગતી. પણ એની સામે, દરેક ફિલ્મમાં એમને રોલ પણ એવા મળતા, જેથી પ્રેક્ષકોને એવું કાંઈ અજુગતું ન લાગે. સ્વાભાવિક છે, ફિલ્મ ‘શોલે’માં જય કે વીરૂ તો ઠીક, ગબ્બરસિંઘના રોલમાં ય પંકજ મલિક ફિટ ન બેસે. પંકજ મલિકે ‘ડૉક્ટર’ ઉપરાંત, ‘નર્તકી’ ‘ઝીંદગી’, ‘મેરી બહેન’ ‘કપાલ કુંડલા’, ‘ધરતીમાતા’, ‘દુશ્મન’, ‘યાત્રિક’, ‘મુક્તિ’, ‘અંજનગઢ’ કે ‘ઝલઝલા’ જેવી ફિલ્મોમાં ય પોતાના મઘુર અવાજથી દેશ આખો પાગલ-પાગલ કરી મૂક્યો હતો.

...અને તો ય, આજની કે ઈવન ’૫૦-પછીની ફિલ્મોના હીરો અને આ ’૩૦-’૪૦ના દાયકાની ફિલ્મો કે તેના હીરો-હીરોઈનો બહુ નોખા પડતા. મોટા ભાગે તો, આદર્શવાદી ફિલ્મો વઘુ બનતી. ઉપર પરમેશ્વર પછી ધરતી ઉપર બીજો નંબર આજની કે તે જમાનાની ફિલ્મોના હીરોલોગનો જ આવે, જે હંમેશા ગામ આખાનું સારૂં કરતા અને તે પણ મફતના ભાવે નહિ... પોતાનું નખ્ખોદ વાળીવાળીને. પ્રેક્ષકોને એ ગળે ઉતરવું જોઈએ કે, આમ તો હીરોઈન એમને એમ બચી જાય એવી હતી, પણ હીરોએ જાતજાતના ભોગ-બોગ આપીને એને બચાવી લીધી છે. રાત્રે ૩ વાગે આખા બંધ શહેરમાંથી જોઈતું ઈન્જેક્શન હીરો ન લાવી શક્યો હોત તો બેન અરિહંતશરણ થઈ ગયા હોત... હઓ ! 

ખબર એક જ કોઈને ન પડતી કે, ઘરડો થયા પછી હિંદી ફિલ્મોનો દરેક હીરો દાઢીઓ શેના માટે વધારતો હશે ? માથે રૂ ના જીંડવા ચોંટ્યા હોય, એવી કાબરચીતરી વિગ શેનો પહેરતો હશે ? ફિલ્મના પોણા ત્રણ કલાક પૂરા ન થાય ત્યાં સુધી, (હવે માજી થઈ ગયેલી એની પ્રેમિકા-એટલે કે હીરોઈન) આવડા આની પાસેથી પચ્ચા વખત પસાર થઈ જાય તો ય, બન્નેનો મેળાપ તો નહિ જ કરાવવાનો ! એ તો છેક છેલ્લે બધા સારા વાના થાય, ભ’ઈ ! 

અહીંયા ય એવું જ છે. કાગડા બધે કાળા. હીરો પંકજ મલિક ડૉક્ટર થઈને બંગાળના ગામડામાં ગરીબોની વિના મૂલ્યે સેવા કરે છે. ગામમાં કૉલેરા ફાટી નીકળે છે, એમાં એક મરતો ડોહો, કોઈ કમાણી વગર છેલ્લી હેડકીઓ ખાતા ખાતા, પોતાની દીકરીનો હાથ આ ડૉક્ટરના હાથમાં ભરાવતો જાય છે... (આમ તો ગળામાં ભરાવ્યો કહેવાય !) એમાં આ બ્રાહ્મણનો દીકરો એના રઈસ પિતા (બ્રાહ્મણ હોય પછી રઈસ હોય ખરો ?... આ તો જસ્ટ... પૂછું છું !) સામે ખુલ્લેઆમ બળવો પોકારીને માયા સાથે લગ્ન કરી લે છે. લગ્ન પછી ડૉક્ટર દવા કે દર્દીઓ કરતા એમની વાઈફ સાથે મઘુરા ગીતો ગાવામાં વઘુ સમય કાઢે છે. પિતાને એવું કહીને ઘર છોડ્યું હોય છે કે, હવે હું તમારા ખાનદાનમાંથી મારૂં નામ સદા ય ને માટે કાઢી નાંખીશ. પાછો તો નહિ જ આવું. (હીરો આજની ફિલ્મોનો હોત તો ઘરની બહાર ડોહા નીકળ્યા હોત...!) પંકજ મલિકને છોકરો થાય છે, પણ સુવાવડમાં હીરોઈન ગૂજરી જાય છે. ઘરના નોકરને આ છોકરો મોટો કરી, કોઈપણ હિસાબે ડૉક્ટર જ બનાવવાનો આદેશ આપીને પોતે ગુમનામીમાં જતા રહે છે. (સવાલ એ ઊભો થાય કે, નોકરમાં એટલી તાકાત હોત તો એ પોતે ડૉક્ટર ન હોત ?) છોકરો ડૉક્ટરે થાય છે ને હીરોઈન નં. ૨-ના પ્રેમમાં ય પડે છે. લગ્નની વાત આવે ત્યારે, ‘‘લડકે કા ખાનદાન કૌન સા હૈ ? કૌન સી જાત કા યા ઘરાને કા હૈ ?’’ એ સવાલો તો પૂછાવાના જ હતા. આ મોટા ડૉક્ટર ફિલ્મ પતવા આવે ત્યાં સુધી ના-ના ના-ના કરતા રહે છે, પણ ફિલ્મ પતાવવાની હોવાથી બધા સારાવાનાં થાય છે. 

ફિલ્મ બન્યાના આજે ૭૨-વર્ષો પછી એ ફિલ્મ જુઓ તો જીજ્ઞાસા ખૂબ વધે. એ સમયનું ભારત, રીતરિવાજ, સંસ્કૃતિ, ફેશન, બોલવા-ચાલવાની રીતભાતો... આજે બહુ અપ્રસ્તુત લાગે. આપણા જોવામાં જેટલી ફિલ્મો આવી હોય, તે બધીઓ સૅન્સર બૉર્ડ ઑફ ઈન્ડિયાના સર્ટિફિકેટથી આવી હોય. ફિલ્મ ‘ડૉક્ટર’નું સર્ટિફિકેટ ‘બૅન્ગાલ બૉર્ડ ઑફ સૅન્સર્સ’નું ૧૯૪૧ની સાલનું છે. ફિલ્મ જોતા જાઓ, એમ ઘ્યાન પડતું જાય કે, એ જમાનામાં સાયકલની પાછળ કૅરિયર હજી આવ્યા નહોતા. પુરૂષો સુતરાઉ કોટ (જેને એ દિવસોમાં ‘ડગલો’ કહેવાતું) અને નીચે ધોતીયું અને એની નીચે પાછા બૂટ. શૂટ-ટાઈ પહેરેલા તો મૉડર્ન ગણાતા... ભલે નીચે પાછી સ્લિપર પહેરી હોય ! એ વાત જુદી છે કે, રબ્બરની સ્લિપરો ય હજી શોધાઈ નહોતી. છોકરીઓ કપાળથી પાછળની બોચી સુધી પાંથી પાડીને વાળના બે સરખા ભાગ કરે ને બે ચોટલા બન્ને ખભાની આગળ લટકતા હોય. (લતા મંગેશકર હજી આજની તારીખે આવા ચોટલા રાખે છે.) ફિલ્મ બંગાળની છે, એટલે પંકજબાબુ ય ટિપિકલ બંગાળી લિબાસમાં બે-ત્રણ વખત દેખાય છે, મતલબ... સફેદ સુતરાઉ શર્ટ થોડું લાંબુ, બન્ને હાથની બાંયો કોણીથી ય ઉપર સુધી વાળેલી, નીચે ધોતીયું અને ચપ્પલ. કોક ફોટો જોયાનું યાદ હોય તો ગાયક-સંગીતકાર હેમંત કુમારે આજીવન આ જ ડ્રેસ પહેર્યો છે. બોલતી ફિલ્મો તો ’૩૨-માં શરૂ થઈ, પણ પ્લૅબૅક મોડું (’૩૫માં ફિલ્મ ‘ભાગ્યચક્ર’થી) અને દરેક દ્રષ્યની પાછળ વાગતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તો એ પછી ય ઘણું મોડું શરૂ થયું. ફિલ્મ ‘ડૉક્ટર’માં આવી ગયું હતું. કૅમેરા પણ એક સ્થળે સ્થિર મૂકી રાખવાને બદલે ફરતો થયો હતો. જો કે, ઝૂમ લૅન્સ હજી આવ્યા નહોતા. વિચાર કરો કે, આજે તમે જે ફલૅટમાં રહો છો, ત્યાં શક્ય છે, હજી લિફ્‌ટ નહિ આવી હોય, પણ ’૪૧-ની આ ફિલ્મમાં લિફ્‌ટનો ઉપયોગ થયો છે. પંકજબાબુના છોકરાને રમવા માટે હાથે બનાવેલો લાકડાનો ઘોડો બતાવાયો છે... ઓહ... હવે યાદ આવે છે કે, આપણા બાળપણો ય કેવા સીધાસાદા રમકડાંથી પસાર થઈ ગયેલા ? ચાલણગાડી, માટીના ક્રૃષ્ણ અને રામ ભગવાન. તઈડ-તઈડ બોલતું જાય એવું દોરી બાંધેલું તડતડીયું. કાંકરીયા બાલવાટીકામાં એ વખતે રમકડાંગૃહ હતું, જેમાં બન્ને હાથ પછાડીને રીંછ ખંજરી વગાડે, એમાં તો ભ’ઈ.. બહુ રાજી થઈ જવાતું, પણ ચાવીવાળા રમકડાં જરા મોંઘા પડે એવા હોવાથી, ગરીબ ફાધર ભમરડો લાવી આપતા... એને ફેરવવાની દોરી... આવતા પગારે ! અરે, પોતાનું બાળક જન્મતા પંકજબાબુ પોતાના હાથમાં તેડી લે છે, એ બાળકે ય આજે ૭૨-વર્ષનું ડોહું થઈ ગયું નહિ હોય...? 

પણ મૂળ મુદ્દાની વાત હવે આવે છે. ફિલ્મ ‘ડોક્ટર’ આજ સુધી યાદ રહી ગયું હોય તો એના ખૂબ્બ મઘુરા ગીતોથી. 

પંકજબાબુના કંઠની મીઠાશ અને ભગવાન શંકરની નાભિમાંથી નીકળતો હોય એવો ખરજનો અવાજ...ઓહ, આટલી હદે નીચો જવા છતાં મીઠાશ બરકરાર રહે, તો તમે પંકજબાબુના કંઠની વાત કરી રહ્યા છો. સૉરી જૅન્ટલમૅન, સાયગલનો તો હું ય ચાહક, પણ ખરજે પહોંચ્યા પછીની મીઠાશમાં પંકજબાબુ સિવાય કોઈનું નામ જ લેવાય એવું નથી. પેલું ‘યે રાતેં, યે મૌસમ, યે હંસના હંસાના...’માંથી ત્યાં બેઠા બેઠા ફક્ત ‘યે રાતેં...’ જ ગળામાંથી કાઢી જુઓને ! ટ્રાય પણ ન કરતા... એ અવાજ ગળામાંથી નહિ, નાભિમાંથી કાઢવાનો છે...! એમાં ય, આ ફિલ્મમાં તો પંકજબાબુએ ખજાનો લૂંટાવી દીધો છે. બાજુનું લિસ્ટ વાંચી જુઓ... ખુદ તમને ય કેટલા બધા ગીત આખેઆખા કંઠસ્થ છે ! આ તો હજી ’૪૧-ની ફિલ્મ, પણ ’૫૦-ના દાયકામાં આવેલી ફિલ્મ ‘યાત્રિક’માં પંકજબાબુએ કેવા કેવા કરતબો બતાવ્યા છે ! ‘નર્તકી’ના ગીતો કોણ ભૂલવાનું છે ? પેટ ભરીને પ્રભુની સમક્ષ રડવું જ હોય તો પંકજબાબુનું ગૈરફિલ્મી ભજન ‘તેરે મંદિર કા હું દીપક જલ રહા...’ સાંભળો. નજીકની ઓળખાણ હશે સ્વયં પ્રભુ તમને સામેથી મળવા આવશે. (સલાહઃ આ ભજન વહેલી સવારે ગવાય અને હજી આ ઉંમરે ય સુધર્યા ન હો તો, ‘પિયા મિલન કો જાના’ અને ‘યે રાતેં, યે મૌસમ, યે હંસના હંસાના...’ રાત્રે સુતી વખતે રોજની ગોળીઓ-બોળીઓ લઈ લીધા પછી, અંધારૂં-બંધારૂં કરીને, કાકીને સામે ખુરશીમાં બેહાડીને ગવાય...! સલાહ પૂરી) 

ફિલ્મ ‘૪૧માં બની હતી, એટલે સ્વાભાવિક છે, આપણે કોઇને ઓળખતા ન હોઇએ. એક ‘નેમો’ જાણિતો છે, જેને તમે ફિલ્મ ‘શ્રી-૪૨૦’ માં રાજ કપૂર સાથે, પેલી વર્લ્ડ-ફેમસ ‘દો-તીન-પાંચ’વાળી તીનપત્તી રમતા જોયો છે. એ નેમો અહીં અક્ષયબાબુના કિરદારમાં છે.

બાકીના થોડા જાણિતા નામોમાં પંકજ મલિકના પિતાનો રોલ અહિના ચૌધરીએ, પુત્રનો જ્યોતિ પ્રકાશે અને વાઇફનો પન્નાએ કર્યો છે. પુત્રની પ્રેમિકા ભારતી છે, જે તે સમયની ફિલ્મોમાં ગાતી હતી. અલબત્ત, છેલ્લા ૬૫-વર્ષથી જે કોઇ નવી ગાયિકા આવે છે, તેમાં મોટાભાગીનીઓના કંઠ ઉપર લતા મંગેશકરનો હજી પ્રભાવ છે, તેમ એ જમાનાની ગાયિકાઓ ઉપર કાનનદેવીની સીધી અસર હતી. ભારતીનો અવાજ પણ કાનનને મળતો આવે છે. આ ફિલ્મ ‘ડોક્ટર’માં ભારતીએ ગાયેલું ‘આપન જીવન દર્પન પ્યારા...’ મીઠડું ગીત છે, જેમાં સાયગલના ‘સોજા રાજકુમારી’ની નાનકડી પેરડી પણ કરવામાં આવી છે. 

હા. ફિલ્મ જોવાનો સીધો ફાયદો એ થયો કે, બાજુના લિસ્ટમાં લખેલા તમામ ગીતો આજ સુધી મેં ને તમે સાંભળ્યા છે, તે ફિલ્મોમાં તદ્દન જુદી રીતે ગવાયા છે, એટલે સુધી કે, ‘ચલે પવન કી ચાલ, જગ મેં ચલે પવન કી ચાલ’ આપણે જે સાંભળ્યું છે, એવું ફિલ્મમાં નથી. ત્યાં તો પુરૂષોનું કોરસ પણ સાથે છે, જેમ કે... પંકજબાબુ ફક્ત ‘ચલે પવન કી ચાલ...’ સુધી ગાય, પછી ‘જગ મેં ચલે પવન કી ચાલ’ પુરૂષોના સમુહસ્વરોમાં છે. મતલબ, મૂળ સાઉન્ડ-ટ્રેક પરના ગીતો-આપણે સાંભળેલા ગીતોથી ઘણા જુદા પડે છે, એટલે આપણા જેવા પંકજબાબુના ડાયહાર્ડ ચાહકોને તો જલસા ના પડી જાય ? મને યાદ છે, મારા મામા-પ્યારે એ જમાનામાં રમુજ કરતા. એક ભ’ઈને ઘેર પારણું બંધાયું. ખુશ થતો, બાળકને ખોળામાં રમાડતો ક્યું ગીત ગાય ? 

‘‘આજ અપની મેહનતોં કા મુઝકો સમરા મિલ ગયા...!’’

12/12/2012

અમારે લાયક કામકાજ હોય તો કહેવડાવજો

અમદાવાદના રીક્ષાવાળા ઘેર જઈને ઊંધ્યા પછી પણ આપણને ઉલ્લુ બનાવી શકે છે. એમની રીક્ષાની પાછળ આપણી આંખમાંથી પાણી નીકળી જાય એવી એક ઑફર લખી હોય છે, ‘‘રાત્રે ૧૨ થી ૫ ગરીબ દર્દીઓ માટે ફ્રી.’’ વાંચીને એમ થઇ જાય કે, મહાભારતમાં એક કર્ણ હતો ને બીજો અમદાવાદમાં આ રીક્ષાવાળો... દેશમાં બે જ દાનવીર થઈ ગયા. આપણે સાવ ખોટેખોટા પૈસાદાર થઈ ગયા!

પણ એ ગરીબ દર્દી આપણે ન હોઈએ ત્યારે ખ્યાલ આવે કે, આની રીક્ષામાં મફત બેસવા માટે કેટલી શરતો પૂરી કરવાની? (૧) અહીં ગરીબ હોવું જરૂરી છે. આની રીક્ષામાં ફ્રી બેસવા માટે અંબાણીઓ કે અદાણીઓનું કામ નહિ. ભિખારીઓ માટે પણ આ યોજનામાં કોઈ સવલત આપવામાં આવી નથી. (૨) માત્ર ગરીબ હો, એ નહિ ચાલે. ગરીબ થઈ ગયા પછી દર્દી હોવું આવશ્યક. એટલું જ નહિ, ગરીબ દર્દી થઈને હેડકીઓ ખાતા ઘેર પડ્યા રહો, એ ચલાવી નહિ લેવાય. રાત્રે ૧૨ પછી છેવટે ચક્કર મારવા ઘરની બહાર નીકળવું જરૂરી છે. હૉસ્પિટલે જ જવું, એવી આમાં શરત નથી. ‘‘ચલ ભ’ઈ... મારા સાસરે લઈ લે ને...! આપણે ચક્કર મારીને પાછા આઈએ છીએ. હું ગરીબ દર્દી છું.’’ (૩) ઘડીયાળમાં બાર ને પાંચ થવી જ જરૂરી છે... અને એ પણ એની ઘડીયાળમાં... આપણી નહિ! ન થઇ હોય તો થોડીવાર ઊભા રહો. થવા દો. (૪) એક ફફડાટ રહે કે, ભલે એ રીક્ષાભાડું ન લે, પણ હૉસ્પિટલે પહોંચ્યા પછી આપણે સો-બસ્સો જોઇતા હોય તો એ આલે ખરો? શરતમાં ‘રીક્ષાભાડું જ ફ્રી’ એવી વાત નથી. સામાન્ય રીતે, દર્દીઓ માટે ફ્રૂટ્‌સ અને લીલાં નારીયેળ લઈ જવાનો શિરસ્તો છે. રીક્ષાવાળો આપણા માટે નારીયેળો લાવશે ખરો? ફ્રીમાં શું શું આવે, તે કાંઇ ફોડ પાડવામાં આવ્યો નથી, એમાં અનેક લોકો ગરીબ થવાનું માંડી વાળવાના. (૫) સમય રાત્રે ૧૨ થી ૫ નો રાખ્યો છે, એ બરોબર છે, પણ આપણે પોણા પાંચે રીક્ષા કરી હોય ને રસ્તામાં જ પાંચ વાગી જાય તો ભાડાનું શું? પાંચ પછી એની ઑફર તરત બંધ થઈ જાય છે, તો એક તો આપણે ગરીબ હોઈએ ને એમાં રીક્ષાભાડું ચોંટે, તો વાટ લાગી જાય ને? આવા કિસ્સામાં સંસ્થા જાણવા માંગે છે કે, શું એ અડઘું રીક્ષાભાડું માંગી લેશે? (૬) એક અઘરી શરત છે, રાત્રે ૧૨ વાગે એને શોધવા નીકળવાની. એ તો ૯-વાગ્યાનો ઘરમાં ઘોંટાઈ ગયો હોય તો શું આપણે એને ઘેર જઈને ઉઠાડી શકીએ? એની એની વાઇફને કહી શકીએ કે, ‘‘અમે ગરીબ દર્દી છીએ, સિવિલ (હૉસ્પિટલ) જવું છે.. ભ’ઇને જરા ઉઠાડો ને...!’’ (૭) આપણા ગરીબ હોવાની એ ખાત્રી માંગે તો કયા દસ્તાવેજો રજુ કરવા? દર્દી પણ છીએ કે નહિ, એ તો દવાખાને ગયા પછી ડૉક્ટર નક્કી કરે. ‘‘તમને તો કાંઈ થયું નથી... જાઓ ઘરે!’’ એવું ડૉક્ટર કહી દે તો, રીક્ષાવાળો ઊંઘમાં ય વગર રીક્ષાએ આપણી પાછળ પડે અને ઊંધા હાથની ઠોકી દે! (૮) ...અને છેલ્લી શરત તો ઘણી આકરી છે. દર્દી હોઈએ પછી આપણું કાંઇ ઠેકાણું ન કહેવાય. ઘેર પાછા આવવાની કોઇ ગૅરન્ટી હોય? ઇવન, રીક્ષામાં જ છેલ્લું ડચકું ખાઈએ તો ટૅકનિકલી આપણે દર્દી કહેવાઈએ ખરા? ‘ઇસ ગાડી મેં લાશ નહિ જાતી...!’ કહીને એ ઊભો રહી જાય તો?

બરોબર આવી જ આકરી શરતોની હાલમાં સીઝન બેઠી છે લગ્નોની. લગ્નસરા ચાલતી હોવાને કારણે આપણા અનેક સગાસંબંધી ને મિત્રો બિલકુલ રીક્ષાવાળા જેવી જ ઑફરો કરતા હોય છ, ‘‘અમારે લાયક કોઇ કામ હોય તો અડધી રાત્રે કહેવડાવજો... શરમાતા નહિ!’’

હૉસ્પિટલમાં ય આવી જ ઑફરો થાય છે. હું દાખલ થયો ત્યારે જે આવે તે આવી ઑફર મૂકતું. હું નીચે જોઇને શરમાઈને કહેતો, ‘‘આમ તો ખાસ કાંઈ કામ નથી... બસ, આ હૉસ્પિટલનું બિલ ભરવાનું બાકી છે... એ જો તમે----’’

‘‘અરે દાદુ... અમારે ‘લાયક’ કોઈ કામ હોય તો કહેવડાવાનું કહ્યું છે... અમને દાખલ કરવા પડે, એવું કામકાજ ના સોંપો, યાર!’’

મારા લગ્ન વખતે મારા સસરાએ પૂછાવડાવ્યું હતું કે, ‘મારે લાયક કાંઇ કામકાજ હોય તો કહેવડાવજો.’ મેં નમ્રતાથી કીધેલું, ‘‘બસ... ખાસ તો કાંઈ નહિ... તમારી છોકરી પૈણવી છે.’’ પણ એ તો એમને જ લાયક કામ હતું એટલે ભોળાભાવે બિચારાએ કરી આપ્યું. ને ‘આવી’ ઑફરો તો લાગણીમાં આવીને ઘણા કરતા હોય છે, પણ હરકોઈને આવા કામો કાંઈ સોંપાય છે?... કોઈ પંખો ચાલુ કરો.

પણ આપણા ઘરોમાં લગ્ન આવે, એટલે ભૂલ્યા વિના લોકો આવી ઑફરો કરે છે, એમાં આપણી વિમાસણ પેલા ગરીબ દર્દી જેવી થઈ જાય છે. એમને લાયક એટલે કયું કામ ગણવું ને કયા કામમાં એ નાલાયક હશે? લગ્નને દિવસે એમને એમ તો કહેવાય નહિ કે, ‘‘ભાઇ... આ જરા ખુરશીઓ ગોઠવવામાં મદદ કરો ને...!’’ ડૅકોરેટર હજી ન આવ્યો હોય તો આપણે આમને મંડપના વાંસડે થોડા ચઢાવી શકાય છે કે, ‘‘ઉપર જઈને જરા સૂથળી ખેંચો.’’ લગ્નપ્રસંગે તો એકમાત્ર ખાસ કામ હોય તો જમણવાર અને ડૅકોરેટર્સના બિલો ભરવાનું હોય, એ એમને સોંપાય નહિ ને સોંપીએ તો, ‘‘ઓહ... ૧૩-લાખની સગવડ હમણાં તો થાય એવી નથી... એક કામ કરો ને... આવતા એપ્રિલમાં અડધી રાત્રે કહેવડાવજો... ત્યાં સુધીમાં કંઇ ગોઠવી રાખું છું...!’’

સાલી, એમની બીજી શરત પૂરી કરવી બાય ગૉડ... બહુ અઘરી પડે એવી હોય છે કે, એમને કોઇ કામ સોંપવું હોય તો રીક્ષાવાળાની જેમ અડધી રાત્રે કહેવડાવવું પડે. કોઇ મોટું કામ તો જાવા દિયો, પણ આપણે ચોરીમાં બેસવાનું હોય ને ધોતીયું પહેરતા ન આવડતું હોય તો એમની ઑફર પ્રમાણે, આપણને ધોતીયું પહેરાવવાનું કામ બાકાયદા સોંપી શકાય, પણ એમને તો અડધી રાત્રે જ ફૂરસત હોય! રાત્રે રીક્ષા કરીને એમના ઘેર ધોતીયું લઈ જવાનું? સવારે ચોરીમાં એનો બાપ બેસશે?... આ તો એક વાત થાય છે!

આ ‘અડધી રાતે કામ સોંપવા’વાળી વાત મારા મનમાં બહુ બેસતી નથી. શક્ય છે કે, દિવસના ભાગમાં એમને પોતાને ધોતીયાં પહેરવાના હોય... આઈ મીન, એમના પોતાના કામો હોય, પણ હજી સુધી કોઇ ‘અડધી સવાર’, ‘અડધી બપોર’ કે ‘અડધી સાંજે’ કામ કરી આપવાની ઑફર કરવાવાળો કેમ કોઇ પેદા નહિ થયો હોય? એણે તો સૌજન્યપૂર્વક આવી સેવા કરી આપવાનું કહેવડાવ્યું હોય પણ આપણાથી અડધી રાત્રે એને કઇ કમાણી ઉપર ઉઠાડી શકાય? અડધી રાત્રે માણસ પોતાના ઘરમાં ગમે તે કરતો હોય, એમાં આપણે હલવઇ જઈએ ને? એ જે કાંઈ કરતો હોય તો વળતા સૌજન્ય માટે આપણાથી થોડી ઑફર કરી શકાય કે, ‘‘લાવો... બાકીનું હું પતાવી આલું...!’’ 

મારવા જ આવે ને...?

હવે માની લો કે, આપણે કહેવડાવ્યું કે, ‘‘આપે ખાસ કીઘું હતું કોઇ કામ સોંપવાનું, એટલે... આ તમારા ઍરિયાની પાંચ કંકોત્રીઓ વહેંચવાની બાકી છે ને હવે અમારાથી પહોંચી વળાય એવું નથી. આપને તકલીફ પડે એમ ન હોય, તો બસ... આટલી કંકોત્રીઓ મોકલાવી દેશો?’’

બસ. એમને જે કંકોત્રીઓ આપી હોય, એ બધા સાથે જીવનભરના સંબંધો તૂટી જાય. ભાઇ મોકલાવી તો ન શક્યા હોય, પણ ‘નથી મોકલાવી’ એવો સંદેશો ય ન કહેવડાવે. લગ્ન પછી આપણે પેલા પાંચે ય નો ધોખો કરીએ કે, ‘‘કેમ આવ્યા નહિ?’’ જવાબ માથામાં ઇંટ મારી હોય એવો આવે, ‘‘દાદુ... તમે મોટા માણસ હશો, પણ અમે ય કંઈ નાના નથી... વગર બોલાવે તો અમે બેસણામાં ય જતા નથી... સમજ્યા?’’

‘‘અરે સૉરી, દાદુ... તમે મને પેલી કંકોત્રીઓ પહોંચાડવાનું કામ સોંપ્યું હતું, પણ મારે પછી બીજા પચ્ચી કામો આઇ ગયેલા, એટલે મોકલાઈ ના શક્યો... સૉરી, હોં!’’

અફ કોર્સ, આ લેખ ૧૦૦-માંથી એવા કોઈ પચીસ-ત્રીસ લોકો માટે છે, બાકી ગુજરાતીઓની આ જ એક મોટી સિઘ્ધિ છે કે, સહેજ પણ દોસ્તી ઓળખાણ હોય, તો પૈસાટકાથી માંડીને તમામ પ્રકારની જોઇએ એટલી મદદ કરે એવા છે... એ ઑફર કરે, એ એમની ખાનદાની અને આપણે ન લઇએ એ આપણી!

સિક્સર

- નરહરી અમીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો...!
- ‘‘ફાડી નાંખી’’ કહેવાય!

09/12/2012

ઍનકાઉન્ટર 09-12-2012

1 ઘણા સરકારી કર્મચારીઓ રજાને દિવસે પણ ઑફિસે આંટો કેમ મારી આવતા હશે ?
- ઘેર બેઠા ખર્ચો ને ઑફિસે આવક....!
(મઘુકર પી. માંકડ, જામનગર)

2 .....ચારે બાજુ નિર્મલબાબા જેવાના કૌભાંડો ટીવી પર આવે રાખે છે....આપનો અભિપ્રાય ?
- કાશ....એમાંનો એક ‘અશોકબાબો’ હું હોત....!
(ચાર્વી નિર્મેશ બલવાણી, અમદાવાદ)

3 પૂર્વ કેન્દ્રીયમંત્રી નારાયણ તિવારીને આખરે નાજાઇઝ ઔલાદ સ્વીકારવી કેમ પડી ?
- એમના નામે અનાથાશ્રમો બંધાય, એના કરતા આ એકમાં પતે એ સારૂં.
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

4 તમારે અમિતાભના ‘ચીની કમ’ કે ‘નિઃશબ્દ’ જેવું થઇ જાય તો શું કરો ?
- બન્ને ફિલ્મો બેશક સારી હતી, પણ એમની થીમ સાથે હું સહેજ પણ સહમત નથી. દીકરીની ઉંમરની છોકરીને મળીને પિતાતુલ્ય વાત્સલ્ય જ ઊભરાવું જોઇએ.
(ડૉ. દીપક સી. ભટ્‌ટ, બોડેલી)

5 પ્રેમમાં પરીક્ષા હોય છે, પણ પરીક્ષામાં પ્રેમ કેમ નથી હોતો ?
- બન્ને વ્યવસ્થામાં ‘પાસ થવું’ જરૂરી હોય છે, માટે.
(વૃત્તિ અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

6 પરદેશ જવાનું ખૂબ વધી કેમ ગયું છે ?
- ‘ઈમ્પોર્ટેડ’ માલ વાપરવા કરતા ઇમ્પૉર્ટેડ ‘બનવામાં’ વટ વધારે પડે !
(ભાવના અનિલ કારીયા, મુંબઇ)

7 શિયાળામાં તો સમજ્યા, પણ ઉનાળામાં પણ શૉલ ઓઢાડીને સ્વાગત કરવાનો શું મતલબ ?
- મેં સમાજને સૂચનો કર્યા જ છે કે, હવે નવા જમાના પ્રમાણે શૉલને બદલે લૅપટૉપ, BMW કે ફ્રીજ ઓઢાડો....મારે ઘેર તો શૉલના ગાદલે-ગાદલાં ભરાઇ ગયા છે !
(ડૉ. નિષ્મા પી. નાણાવટી, જામનગર)

8 લંડનના મૅડમ તુસાડ્‌ઝના મ્યુઝિયમમાં ‘અશોક દવે’નું સ્ટૅચ્યૂ ક્યારે મૂકાશે ?
- અચ્છા અચ્છા...તો આ લોકો હવે ગમે તેના સ્ટેચ્યા મૂકવા માંડ્યા છે...એમ ?
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

9 મારા પતિને સન્યાસમાં રસ છે, મને સંસારમાં. તમે એમને કાંઇ સમજાવો !
- તમારો ગોરધન કરોડો કમાશે, એમાં તમને વાંધો શું છે ?
(ચેતના પંડ્યા, ભાઇંદર-થાણા)

10 સારી પત્ની મેળવવા પુરૂષે ક્યું વ્રત કરવું જોઇએ ?
- શું કામ પણ તમારે કોઇની તૈયાર પત્ની જોઇએ છે....?
(પંકજ કે. દવે, ગોધરા)

11 કોઇપણ નિર્ણય લેતા વડાપ્રધાન ખચકાટ કેમ અનુભવે છે ?
- મગજ તોતડાય છે.
(રિતેશ સુખડીયા, ખંભાત)

12 ધીમે ધીમે માણસની માણસાઇ ઘટી રહી છે, તેનું કારણ શું હશે ?
- ‘ગૂગલ’માં તપાસ કરો.
(ભદરૂ કાનજીભાઈ, ગોલગામ)

13 બીજાની મજબુરીનો લાભ ન લે, એવો માણસ ક્યાંય હશે ?
- આવો સવાલ એવા સ્ટુપિડને શું કામ પૂછો છો ?
(સુનિલ નાણાવટી, રાજકોટ)

14 ઘર જમાઈએ કોના આદેશો માથે ચઢાવવા ? પત્ની કે સાસુ-સસરાના ?
- બૅગર્સ હૅવ નો ચૉઈસ.
(દિલીપ ધંઘૂકીયા, અમદાવાદ)

15 પત્નીઓ ૧૬-૧૬ કલાક સુતી રહે તો વિશ્વશાંતિ થાય કે નહિ ?
- થતી હશે, પણ એ બધીઓને જુદી જુદી સુવડાવવી....!
(વંદિત નાણાવટી, રાજકોટ)

16 પત્ની પિયર જાય તો ગોરધન ખુશ કેમ થતો હશે ?
- ખુશ તમારી બાજુ થતા હશે....અમારી બાજુ તો ગાન્ડા થયાના દાખલા છે !
(મીના નાણાવટી, રાજકોટ)

17 ઘરઆંગણે શાકભાજી ઊગાડવાથી મોંઘારત ઓછી થઇ શકે ?
- વધારે ઊગાડો તો ગામમાં પોતાની લારી ય ફેરવી શકાય !
(ડૉ. બી.એમ. મહેતા, વડોદરા)

18 પેટ સાફ કરવાના ચૂરણોની જાહેરખબરો વાંચીને શું નિર્ણય લેવો ?
- ચૂરણ લીધા પછી, યોગ્ય સ્થળ પગવગું છે કે નહિ તેનો !
(હિતેન્દ્ર જી. તાડ, અમદાવાદ)

19 ભક્તોની ભીડ શ્રાવણ માસમાં જ થવાનું કારણ શું ?
- દરેક ધર્મમાં ધાર્મિકોએ પોતે એક સગવડ ઊભી કરી છે...૧૧-મહિના પાપો કરવા અને બારમે મહિને બીજાને બતાડવાનું પ્રાયશ્ચિત !
(ભાનુ જી. સોની, અમદાવાદ)

20 મારી પ્રેમિકા નાલાયક હતી, માટે મને છોડી ગઇ હશે કે એને બીજું મળી ગયું હોય માટે ?
- જેને એકવાર પણ પ્રેમ કર્યો હોય, એને વિશે કદી ખરાબ શબ્દો વિચારવા પણ ન જોઇએ. કાયમી સંબંધો તો ઇશ્વર સાથે ય ટકતા નથી ત્યાં માણસ શું ચીજ છે ?
(શિરીષ પટેલ, અમદાવાદ)

21 અન્ના હજારે કેમ ચૂપ થઇ ગયા ?
- એ મીડિયાએ બનાવેલો હીરો હતો. પ્રજાને મૂરખ અન્ના કરતા ઇલેકટ્રોનિક્સ-મીડીયાએ વધારે બનાવી છે.
(જીનેશ મહેતા, જામનગર)

22 નાનપણના દોસ્ત માટે ‘લંગોટીયો મિત્ર’ કહેવાય છે, તો નાનપણની સખી માટે ?
- મારી એવી સખીને તો હું પરણી ગયો છું, એટલે એ સબ્જૅક્ટ વિશે બોલવાની મારામાં હવે હિંમત નથી.
(મીના પી. સ્વામી, વલ્લભ વિદ્યાનગર)

23 મૉડૅલ્સ માટેના રૅમ્પ-વૉકના સ્ટૅજ ઊંચા કેમ રાખવામાં આવે છે ?
- બઘું જોવાની તક મળે.
(પરેશ નાયક, નવસારી)

24 પુરૂષોને સ્ત્રીઓ જેટલો અસરકારક અભિનય કરતા કેમ આવડતું નહિ હોય ?
- સ્ત્રીને એક ફાયદો ઇશ્વરે મોટો આપ્યો છે....બેતહાશા જુઠ્‌ઠું બોલી શકવાનો !
(અજય પી. પંચાસરા, રાજકોટ)

25 ગૂન્હેગારોના અને પીડિતોના મોંઢે કપડું ઢાંકવામાં આવે છે...આમાં સમાચાર ક્યાં કહેવાય ?
- સમાચાર કોને કહેવાય, એ એ લોકો નક્કી કરતા હોય છે.
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

26 ફાયદાકારક શું વધારે ? બોલવું કે ચૂપ રહેવું ?
- એનો આધાર તમે પતિ છો કે પત્ની....એની ઉપર છે.
(સેજલ સોલંકી, આટકોટ)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

05/12/2012

ફિલ્મ ''કોરા કાગઝ''ના લોચા

ફિલ્મ 'કોરા કાગઝ' સારા ઘરના ગુજરાતીઓને ગમી હતી. જયા ભાદુરી અને વિજય આનંદની એ ફિલ્મના અંતે, આખા દેશને ગમી ગયેલા અનેક સંવાદો આવે છે. વર્ષોથી છુટાછેડા જેવી હાલતમાં એકબીજાથી છુટા પડી ગયેલા આ બન્ને પતિ-પત્ની અનાયાસ ગામડાંના એકાકી રેલ્વે-સ્ટેશને મળી જાય છે. બન્ને એકબીજાની સામે ભાવશૂન્ય દ્રષ્ટિએ જુએ છે. નજીક આવે છે. જયાની નજર વિજયના શર્ટ ઉપર પડે છે, જેનું બટન તૂટેલું હોય છે.

બસ. અહીં પેલું પિકચર પૂરૂં થાય છે, ને આપણું શરૂ થાય છે. મને કેટલાક સવાલો ઉદ્ભવ્યા છે, જેનો જવાબ હું સમાજ પાસે માંગુ છું.


(૧) આટલા વર્ષે મળ્યા પછી જયાની નજર પેલાના શર્ટના બટન પર જાય છે અને 'બટન તૂટી ગયું છે,' એવું ધ્યાન દોરે છે. એનો એક અર્થ એ હોઇ શકે કે, એ છુટક છુટક ગાજ-બટન ટાંકવાનું દરજીકામ કરતી હોવી જોઇએ. યૂ.સી...એણે પેલાએ, ''દાઢી નથી કરી ?'' એવું નથી પૂછ્યું. હજી એ વ્યવસાયમાં સ્ત્રીઓ નથી પડી. (ક્યાં સુધી આપણે સ્ત્રીઓ ઉપર અત્યાચારો કરતા રહીશું, એંહ...?)

(૨) જયાની પહેલી નજર બટન પર પડી છે, એનો બીજો અર્થ એવો પણ થાય કે, મૂળથી જ પેલો લઘરો હશે અને ગમે તે બટનો તોડી લાવતો હશે. સુધર્યો નહિ હોય, એટલે પેલીએ આને જામીન પર છોડી મૂક્યો હોય. સુખી લગ્નજીવનની પ્રથમ શરત એ છે કે, બટન ક્યાંયથી પણ તૂટેલા ન હોવા જોઈએ. આવું હોય તો ખિસ્સામાં બે-ચાર બટનો ઍકસ્ટ્રા રાખી મૂકવા. સ્થાનિક કક્ષાએ પણ કોઇ બટન તોડી ગઇ હોય તો, આવી વાઇફો પાસે કામ આવે ! (બીજી પણ એક શરત છે ખરી, પણ હાલમાં મને યાદ નથી !)

(૩) એક ગોરધન તરીકે હીરો વિજય આનંદ સાવ સ્ટુપિડ હોવો જોઇએ. હજી તો પેલીએ બટનમાં માફ કર્યો નથી, એ પહેલા એ બાફી મારે છે કે, ફક્ત બટન જ નહિ, ઘણું બધું તૂટી ગયું છે. આમાં તો પેલી પાછી આવતી હોય તો ય ના આવે. ઘરથી સેંકડો કીલોમીટર દૂર અને આટલા વર્ષે સ્ટેશન પર મળ્યા હોઇએ તો પેલીને સમાચાર સારા આપવા જોઇએ કે, ''તું હવે ચિંતા ના કરીશ. કામવાળી રાધા પાછી આવી ગઇ છે...કમુમાસી ગૂજરી ગયા છે ને મસ્તુભ'ઇ ગૂજરી જવાની તૈયારીમાં જ છે. હજી ગયા સોમવારે જ બે અડધી હેડકીઓ ખાધી હતી. આજકાલમાં ઉપડયા, સમજો ! અને હા, બાથરૂમ રીપૅર કરાઇ લીધું છે...'' એને બદલે પેલીનું કામ આણે વધારીને મૂક્યું છે કે, બટન જ નહિ, ઘરમાં જ નહિ, જીવનમાં ય બીજી ઘણી તોડફોડ થઇ છે. જયાડી ઉશ્કેરાય નહિ ?

(૪) આ તબક્કે, પેલીનું અસલી સ્ત્રી-સ્વરૂપ પ્રગટ થાય છે. આટલા વર્ષો પછી ખોવાયેલો ડૉગી મળે તો ય આપણે વહાલથી એની પૂંછડી રમાડીએ, એના ખબરઅંતર પૂછીએ, એને બદલે જયા સીધું જ પૂછી લે છે, ''કોઇ બટન લગાવી આપનારી મળી નહિ ?'' (આમ તો બઉ ડાહ્યું થતું'તું..કે, ''તારા જેવી તો કેટલી ય આવશે...હીડ...હીડ....!'')

એ તો એમ કહો કે, પેલામાં બુધ્ધિ ચાલી અને કહી ના દીધું કે, ''આમ તો ત્રીજા માળે ૩૦૨-વાળી શર્મિષ્ઠા રોજ સવારે દૂધ ગરમ કરવા આઇ જાય છે ને કોક વખતે વળી બાથરૂમનું ગીઝરે ય ચાલુ કરી આલે...ના થતું હોય તો 'શીસ...શીસ...' કરીને મને બોલાવે.''

આજ આ કારણે મને સ્ત્રી-સ્વભાવ ગમતો નથી...ઇર્ષા કે બીજું કાંઇ....? જયા જેવા બટન ટાંકતા બીજી કોઇને આવડતા જ ના હોય ? આ પગારમાં કોઇપણ ગોરધનને બટન લગાવી આપનારી જુદી, બટન બીડી આલનારી જુદી ને ખીજાય ત્યારે ચોડેલા બટન તોડી આલનારી જુદી જુદી વાઇફો ના પોસાય. સુઉં કિયો છો ? આમાં શું ઇર્ષા કરવાની હોય ?

હા. પેલો ગીઝરમાં ભરાયો હોય તો પૂછી લેવાય કે, ''....ગીઝરવાળી બહાર નીકળી કે નહિ ?''

(૫) હવે વિજય આનંદ એક પતિ તરીકે બિલકુલ ડોબો સાબિત થાય છે. એને તો એસ.ટી.ની પૂછપરછની બારીએ બેહાડયો હોય, એવી વિગતવાર માહિતી આપે છે કે, ''એક હતી ઊંઝાવાળી...એ હમણાં જ ત્રણ ને પચ્ચીસે ગઇ...બીજી સિધ્ધપુરવાળી હમણાં આવશે !''

તારી ભલી થાય, ચમના ! આટલી બધી કૉર્સ બહારની માહિતીઓ ના ફૂંકી મારવાની હોય ! આપણે હોઇએ તો એમ કહીએ કે, ''ના...હું તો હંમેશા 'ગદાણી લૅડીઝ ટૅલર્સ' પાસે જ બટન ચોડાવવાનો આગ્રહ રાખું છું. ઓળખાણમાં એક બટન સાઈડમાં વધારે ચોડી આલે છે.'' તો શું કે, વાત ત્યાંની ત્યાં પતી જાય. જયાડી થોડું એમ કહેવાની હતી કે, ''તમારા ગયા પછી...હું ય બટનો ચોડવાનું જ છુટક કામ કરતી'તી....!''

(૬) અહીં જયા વળી એક નવતર હૂમલો કરે છે. પેલો ગરીબ ગાય થઇને એવું કબુલે છે કે, ''એમ તો એક હતી, પણ એ એવી રીતે જતી રહી કે, બસ....'' ગળે ડૂમો ભરાઇ જવાને કારણે એ માણસ પૂરૂં બોલી શકતો નથી કે, ''...એવી રીતે જતી રહી કે, રોજ રાત્રે ઊંઘોમાંથી ફફડીને જાગી જવાય કે, હાળી પાછી તો નહિ આઇ જાય ને....?''

મૅરેજના ૨૫-૩૦ વરસ થઇ ગયેલા ગોરધનોના ભાયગ એ રીતે ફૂટલાં હોય કે, પેલીના પિયરીયે બધું સફાચટ થઇ ગયું હોય અથવા ભાઇ-બાઇ સાથે બહુ બનતું ન હોય એટલે વાઇફો બે-ચાર દહાડા માટે ય પિયરડે ગૂડાય નહિ. આટલામાં જ ક્યાંક ગઇ હોય તો ય સાલો છાતીમાં ફડકો રહે કે, 'તરત તો પાછી આવતી નહિ રહે ને ?' આદર્શ પુરૃષની આંખે તો એવા અંધારા આવી જાય કે, ઘરની સામેથી જે કોઇ આવતી દેખાય, તે બધીઓ વાઇફો જ લાગે. (હું ખોટો હોઉં, તો મને રોકવો. કહેવત છે ને કે, ''મન હોય તો માળવે જવાય !'')

(૭) ''આપને ચાહા નહિ હોગા....!'' એમ પેલી શૉલમાં લપેટીને સ્લીપર મારે છે.

સ્ત્રીઓ ક્યારેય હખણી નહિ રહેવાની. અલી, ગામમાં તારૂં ક્યાંય પતતું નહોતું, શહેરભરના મૅરેજ-બ્યુરોઝના તારા બાપે પગલૂછણીયા ઘસી નાંખ્યા હતા, તારી ઢીચકી હાઈટનો છોકરો ગુજરાત તો જાવા દિયો, ઠેઠ બરફના ટૂન્ડ્ર-પ્રદેશના ઍસ્કિમો લોકોમાં ય મળતો નહતો....આવડો આ કેમ કરતા ભરઇ ગયો, એનો લવારો તો એની બા ય આજ સુધી કરે રાખે છે. ખુદ અમે ય તમને બન્નેને સરદાર પટેલ કૉલોની પાસે વાંકા વળીવળીને દસ રૂપિયાની તત્તણ-પાણી પુરીઓ ખાતા જોયા છે, ને આજે તું કહે છે, પેલો તને ચાહતો નહતો ?

વળી, તારા કહેવા મુજબ માની લઈએ કે વિજીયાએ ચાહ્યું-બાહ્યું નહિ હોય...ઓકે, તો તું શું કરતી'તી ? તારાથી ન ચહાય ? તેં એકે ય sms મોકલ્યો'તો ? અરે, સમય સાચવી લેવા, તું નહિ તો તારી કોઇ સખી પાસે એસ.એમ.એસો. કરાવવા'તા....! ઘણી સ્ત્રીઓ 'ટણી'ને પોતાનું આઇડૅન્ટિટી-કાર્ડ માનતી હોય છે, જેની ઍક્સપાયરી-ડૅટ જ ન હોય !

(૮) બધું ચોખ્ખુંચટ કરવા જયા હજી ય પેલાને ધોઇ નાંખવાનું ચૂકતી નથી ને પૂછે છે, ''ક્યા, સારા દોષ મેરા હી થા ?''

(૯) બસ. અહીં પહેલીવાર વિજીયો બુધ્ધિ દોડાવે છે. એને ખબર છે કે, જો હું પાડી દઇશ તો, પેલી ''શ્યોરી, હોં'' કહીને ઘેર પાછી આવતી રહેશે ને ગીઝરના રીપેરિંગો બંધ કરાવવા પડશે. બધું મારા માથે ઓઢી દઇશ તો, શર્ટ ઉપર હજી તઇણ બટનો લટકે છે, એ ય આવી આ ખેંચી નાંખશે. ફરી વગર બટને આટલે દૂર આ સ્ટેશન ઉપર આવવાનું ના ય થાય ને થાય તો છ-એ-છ બટનો ખુલ્લા રાખીને સ્ટેશનના બાંકડે આખી રાત બેઠા રહીએ, છતાં આના જેવી એકે ય બટન વિશે પૂછવા ન આવે તો, આપણે તો બીજે દિવસે સવારે બાપા સીતારામના મંદિરની બહાર જ બેસવાનું આવે કે નહિ ? (એમાં ય, ભીખમાં ભક્તાણીઓ રોકડા ન નાંખે, બટનો નાંખે !)

એટલે વચલો માર્ગ કાઢીને વિજય આનંદ કહે છે, ''થોડો તારો, થોડો મારો ને થોડો આપણા બન્નેનો !'' 'ઍનિમલ-હસબન્ડરીના' આજ સુધીના અનુભવે એ માની બેસે છે કે, આવું કહીશ, એટલે ગુસ્સામાં સ્ટેશનનો ઘંટ પછાડીને પેલી છેવટે ગૂડઝ-ટ્રેનમાં બેસીને ગામડે જતી રહેશે, પણ મારી પાસે ઊભી નહિ રહે.

પણ મહાન લગ્નવિચારક, ચિંતક અને દાર્શનિક શ્રી અશોક દવેજીએ કહ્યું છે કે, 'માણસ ધારે છે કંઇક, પણ પત્ની કહે તેમ જ થાય છે.' એકલા વિજય આનંદના જ નહિ, ઑડિયન્સમાં બેઠેલા એકોએક ગોરધનોના આઘાતની વચ્ચે જયા ભાદુરી અડધી માફી સ્વીકારી લે છે ને પેલાને જળોની જેમ ચોંટી પડે છે. કોઇને ફિલમ યાદ હોય તો યાદ કરી જુઓ, વિજય કેવો ટૅન્શનમાં આવી જાય છે કે, ''આ તો હાળી પાછી આઇ....!''

આ તમને હસાવવા નથી લખતો. વિજયને ચોંટી પડેલી જયા પ્રેમના એવા તો ઝનૂનમાં આવી જાય છે કે, પેલાના શર્ટના બાકીના ચાર બટનો ય તોડી નાંખે છે...! ડાહ્યો ના થયો હોત તો ત્રણ બટને ઘેર તો વટથી જવાત !

બસ. એક 'ઈગો' છોડી દો, તો બધી જયાઓ પાછી આવે ને બધા વિજયો ખુલ્લે હાથે તમને સમાવી લે.

સિક્સર

- ઈ.સ. ૨૦૨૪ની સાલમાંય સચિન તેન્ડુલકર જાતે રીટાયર નહિ થાય...! એ વખતે પણ બધા એને રીટાયર થવા સમજાવતા હશે :

''બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, 
જેને મળું છું મુજથી સમજદાર હોય છે

જોયા છે એવા ય સંતાનો મેં રસ્તા ઉપર 'મરીઝ'
કદમોમાં જેના સેંકડો ઘરબાર હોય છે.''

02/12/2012

ઍનકાઉન્ટર 02-12-2012

૧ મૂરતીયો છોકરી જોવા જાય ત્યારે કન્યા હાથમાં ચાની ટ્રે જ લઈને કેમ જાય છે ?
- પેલાને ગર્ભિત મૅસેજ આપવા કે, ‘આ છેલ્લીવારની જ ‘હું’ લઈને આવી છું...!’
(અજય વ્યાસ, બિલખા)

૨ ‘પરણ્યા એટલી પતી ગયા’નો અર્થ શું થાય ?
- ‘પતિ’ ગયો.
(ધર્મેશ બી. વેકરીયા, વિસાવદર)

૩ આ કોંગ્રેસવાળા ‘ઘરનું ઘર’ કરાવવા માંગે છે, એટલે શું ?
- એમનું ‘ઘરનું ઘર’ !
(ઈલિયાસ એસ. તરવાડી, ચલાલા)

૪ ગુજરાતી ભાષા ઉપર આપનું આટલું પ્રભુત્વ જોયા પછી એક સવાલ થાય છે કે, તમે ગુજરાતી ફિલ્મ કેમ બનાવતા નથી ?
- એટલું બઘું પ્રભુત્વ નથી.
(મિતેશ આઈ. દોશી, અમદાવાદ)

૫ આપણી સંસદને નેતાઓએ શાકમાર્કેટ બનાવી દીધી છે કે નહિ ?
- સ્મશાન ભૂમિ.
(વિસનજી નરભેરામ ઠક્કર, થાણા)

૬ ઓછું ભણેલા ક્રિકેટરો કરોડોમાં આળોટે છે, એનું શું ?
- કંઈક પુરવાર કર્યા પછી કમાયા છે ને ? એ લોકો નેતાઓ નથી !
(રાજેશ મોદી, અમદાવાદ)

૭ આ કેશુબાપાના સર્કસમાં જે ‘ગોરધન’ આવે છે, તે આપની કૉલમવાળો તો નહિ ને ?
- જબાન સમ્હાલકર બોલો... આપણો ‘ગોરધન’ ચારે બાજુથી નિષ્ફળ નથી ગયો!
(દિવ્યેશ ત્રિપાઠી, ન્યુયૉર્ક-અમેરિકા)

૮ એક જ ચહેરો... લગ્ન પહેલા દયામણી અવસ્થામાં અને લગ્ન પછી મુંઝાયેલી અવસ્થામાં કેમ ?
- તમે સ્ત્રીઓ ઉપર આક્ષેપ મૂકી રહ્યા છો !
(મૈત્રી હેમાંગ માંકડ, જામનગર)

૯ લગ્ન કરીને પસ્તાવું, એના કરતા ન કરીને પસ્તાવું શું ખોટું ?
- ભરાયા છો ...?
(કેશવ ક્ક્કડ, અમદાવાદ)

૧૦ આપણા દેશમાં વિઘૂરો કરતા વિધવાઓની સંખ્યા વઘુ કેમ ?
- આમાં તમે નસીબદારોની સંખ્યા વઘુ કીધી કહેવાય !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૧૧ મોટા ભાગના પુરૂષો પરિણિત સ્ત્રીઓને કેમ વઘુ ચાહે છે ?
- અનુભવીને પ્રથમ પસંદગી.
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

૧૨ રોટી, કપડા અને મકાન સરળતાથી મેળવવાનો કોઈ ઉપાય ?
- કરી નાંખો કોઈનું !
(પી.આર. પટેલ, હીરાપુરકંપા, ધનસુરા)

૧૩ તમને શિવજી મળે તો શું માંગો ?
- એમની સાથે લાઈફટાઈમ મૅમ્બરશીપ.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૧૪ તમારા હાથમાં સત્તા આવે તો દારૂબંધી બાબતે શું કરો ?
- પીધા પછી આપણું કાંઈ નક્કી નહિ...!
(શિવરાજસિંહ વાઘેલા, થરા-કાંકરેજ)

૧૫ ઘરેલું હિંસાના મામલે સ્ત્રીઓનું દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય ?
- હમણાં જરા પુરૂષોનું પતવા દો ને, બહેન... પછી તમારો કૅસ હાથમાં લઈએ!
(સ્મિતા તલકચંદ શાહ, જામનગર)

૧૬ સાથમાં કપડાં ધોતી હેમા, રેખા, જયા અને સુષ્માઓ વિશે કાંઈ કહેશો ?
- આખી જા.ખ. જ ખોટી છે. સાચા નામો મહેશ, ગૌતમ, કિરીટ અને નીતિન હોવા જોઈએ.
(યોગેશ દવે, આદિપુર-કચ્છ)

૧૭ મતાધિકાર ૧૮-ની ઉંમરે તો લગ્ન કેમ નહિ ?
- કોણ બેવકૂફ છે, એ સમજવા માટે ૧૮-ની ઉંમર પૂરતી છે, પણ પોતે કેટલો બેવકૂફ છે, એ સમજ તો ૬૦-ની ઉંમરે ય નથી આવતી... માટે જે છે તે બરોબર છે. પંખો ચાલુ કરો.
(ભરત ડી. સાંખલા, ડીસા)

૧૮ ઘેર વિઝિટે આવેલા ડૉક્ટરને ‘‘આવજો’’ કહેવાય ખરૂં ?
- એ વખતે ફી નહિ આપવાની... એની મેળે પાછા આવશે !
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

૧૯ આ ‘પ્રથમ દ્રષ્ટિના પ્રેમ’ પછી ‘દ્વિતીય દ્રષ્ટિનો પ્રેમ’ હોય ખરો ?
- મારે તો આંખે બેતાલાં છે !
(ઓ.વી. સાગર, રાજકોટ)

૨૦ એવું કહેવાય છે કે, થાઈલૅન્ડ જવું હોય તો વાઈફને સાથે ન લઈ જવાય. લઈ જઈએ તો હોટલમાં ટિફીન લઈને જતા હોઈએ એવું લાગે... તમારે કેમનું છે ?
- હું મારી વાઈફને બધે લઈ જતો નથી.
(કનુ બારોટ, અમદાવાદ)

૨૧ રાજકારણીઓ વાતેવાતે ‘આમ આદમી’નો ઉલ્લેખ કરે છે, તે કોણ ?
- આમ ઔરતને ખબર...! (આપણા દેશમાં આમ આદમી સવાસો કરોડ છે... ‘‘આમ ઔરત’’ એક જ છે !)
(શિરીષ વસાવડા, વેરાવળ)

૨૨ ફરી પાછો અન્ના હજારેનો એક નવો પક્ષ...?
- પ્રજાને ઉલ્લુ બનાવવા માટે આ એક માણસ કાફી છે.
(દેવાનંદ લખમીચંદ, અમદાવાદ)

૨૩ દવા અને દારૂ વચ્ચે શું તફાવત ?
- બન્ને ભેગા કરીને પી જાઓ... બઘું ભૂલાઈ જશે !
(રમેશ મોદી, ઈટાદરા-માણસા)

૨૪ સત્યમેવ જયતે ?
- હઓ !
(હેમાંગ પી. ત્રિવેદી, પેટલાદ)

૨૫ તમને પ્રવચન કરતા જોયા... તમારા પ્રેમમાં પડી જવાનું મન થાય છે...! શું કરૂં?
- હવે ઘરમાં મારે હકીને પ્રવચન કરતી જોવાનો વખત આવ્યો !
(કલ્યાણી સુ. પટેલ, અમદાવાદ)

૨૬ શું સ્ત્રીઓ સાથે વિચાર કરીને જ વાત કરવી જોઈએ ?
વિચાર જ નહિ... કસરત પણ કરી લેવી !
(પ્રણવ કારિયા, મુંબઈ)

૨૭ કોંગ્રેસને ‘રાહુલ દ્રષ્ટિ’ નડે છે ને ભાજપને ‘નીતિન દ્રષ્ટિ’... સુઉં કિયો છો ?
- પ્રશ્નમાં તમે ઘણી ઉદારતા બતાવી... આ બન્ને પાસે કોઈપણ પ્રકારની દ્રષ્ટિ છે, એવું ધારી લેવા બદલ !
(અરૂણ વ્યાસ, અમદાવાદ)