Search This Blog

05/12/2012

ફિલ્મ ''કોરા કાગઝ''ના લોચા

ફિલ્મ 'કોરા કાગઝ' સારા ઘરના ગુજરાતીઓને ગમી હતી. જયા ભાદુરી અને વિજય આનંદની એ ફિલ્મના અંતે, આખા દેશને ગમી ગયેલા અનેક સંવાદો આવે છે. વર્ષોથી છુટાછેડા જેવી હાલતમાં એકબીજાથી છુટા પડી ગયેલા આ બન્ને પતિ-પત્ની અનાયાસ ગામડાંના એકાકી રેલ્વે-સ્ટેશને મળી જાય છે. બન્ને એકબીજાની સામે ભાવશૂન્ય દ્રષ્ટિએ જુએ છે. નજીક આવે છે. જયાની નજર વિજયના શર્ટ ઉપર પડે છે, જેનું બટન તૂટેલું હોય છે.

બસ. અહીં પેલું પિકચર પૂરૂં થાય છે, ને આપણું શરૂ થાય છે. મને કેટલાક સવાલો ઉદ્ભવ્યા છે, જેનો જવાબ હું સમાજ પાસે માંગુ છું.


(૧) આટલા વર્ષે મળ્યા પછી જયાની નજર પેલાના શર્ટના બટન પર જાય છે અને 'બટન તૂટી ગયું છે,' એવું ધ્યાન દોરે છે. એનો એક અર્થ એ હોઇ શકે કે, એ છુટક છુટક ગાજ-બટન ટાંકવાનું દરજીકામ કરતી હોવી જોઇએ. યૂ.સી...એણે પેલાએ, ''દાઢી નથી કરી ?'' એવું નથી પૂછ્યું. હજી એ વ્યવસાયમાં સ્ત્રીઓ નથી પડી. (ક્યાં સુધી આપણે સ્ત્રીઓ ઉપર અત્યાચારો કરતા રહીશું, એંહ...?)

(૨) જયાની પહેલી નજર બટન પર પડી છે, એનો બીજો અર્થ એવો પણ થાય કે, મૂળથી જ પેલો લઘરો હશે અને ગમે તે બટનો તોડી લાવતો હશે. સુધર્યો નહિ હોય, એટલે પેલીએ આને જામીન પર છોડી મૂક્યો હોય. સુખી લગ્નજીવનની પ્રથમ શરત એ છે કે, બટન ક્યાંયથી પણ તૂટેલા ન હોવા જોઈએ. આવું હોય તો ખિસ્સામાં બે-ચાર બટનો ઍકસ્ટ્રા રાખી મૂકવા. સ્થાનિક કક્ષાએ પણ કોઇ બટન તોડી ગઇ હોય તો, આવી વાઇફો પાસે કામ આવે ! (બીજી પણ એક શરત છે ખરી, પણ હાલમાં મને યાદ નથી !)

(૩) એક ગોરધન તરીકે હીરો વિજય આનંદ સાવ સ્ટુપિડ હોવો જોઇએ. હજી તો પેલીએ બટનમાં માફ કર્યો નથી, એ પહેલા એ બાફી મારે છે કે, ફક્ત બટન જ નહિ, ઘણું બધું તૂટી ગયું છે. આમાં તો પેલી પાછી આવતી હોય તો ય ના આવે. ઘરથી સેંકડો કીલોમીટર દૂર અને આટલા વર્ષે સ્ટેશન પર મળ્યા હોઇએ તો પેલીને સમાચાર સારા આપવા જોઇએ કે, ''તું હવે ચિંતા ના કરીશ. કામવાળી રાધા પાછી આવી ગઇ છે...કમુમાસી ગૂજરી ગયા છે ને મસ્તુભ'ઇ ગૂજરી જવાની તૈયારીમાં જ છે. હજી ગયા સોમવારે જ બે અડધી હેડકીઓ ખાધી હતી. આજકાલમાં ઉપડયા, સમજો ! અને હા, બાથરૂમ રીપૅર કરાઇ લીધું છે...'' એને બદલે પેલીનું કામ આણે વધારીને મૂક્યું છે કે, બટન જ નહિ, ઘરમાં જ નહિ, જીવનમાં ય બીજી ઘણી તોડફોડ થઇ છે. જયાડી ઉશ્કેરાય નહિ ?

(૪) આ તબક્કે, પેલીનું અસલી સ્ત્રી-સ્વરૂપ પ્રગટ થાય છે. આટલા વર્ષો પછી ખોવાયેલો ડૉગી મળે તો ય આપણે વહાલથી એની પૂંછડી રમાડીએ, એના ખબરઅંતર પૂછીએ, એને બદલે જયા સીધું જ પૂછી લે છે, ''કોઇ બટન લગાવી આપનારી મળી નહિ ?'' (આમ તો બઉ ડાહ્યું થતું'તું..કે, ''તારા જેવી તો કેટલી ય આવશે...હીડ...હીડ....!'')

એ તો એમ કહો કે, પેલામાં બુધ્ધિ ચાલી અને કહી ના દીધું કે, ''આમ તો ત્રીજા માળે ૩૦૨-વાળી શર્મિષ્ઠા રોજ સવારે દૂધ ગરમ કરવા આઇ જાય છે ને કોક વખતે વળી બાથરૂમનું ગીઝરે ય ચાલુ કરી આલે...ના થતું હોય તો 'શીસ...શીસ...' કરીને મને બોલાવે.''

આજ આ કારણે મને સ્ત્રી-સ્વભાવ ગમતો નથી...ઇર્ષા કે બીજું કાંઇ....? જયા જેવા બટન ટાંકતા બીજી કોઇને આવડતા જ ના હોય ? આ પગારમાં કોઇપણ ગોરધનને બટન લગાવી આપનારી જુદી, બટન બીડી આલનારી જુદી ને ખીજાય ત્યારે ચોડેલા બટન તોડી આલનારી જુદી જુદી વાઇફો ના પોસાય. સુઉં કિયો છો ? આમાં શું ઇર્ષા કરવાની હોય ?

હા. પેલો ગીઝરમાં ભરાયો હોય તો પૂછી લેવાય કે, ''....ગીઝરવાળી બહાર નીકળી કે નહિ ?''

(૫) હવે વિજય આનંદ એક પતિ તરીકે બિલકુલ ડોબો સાબિત થાય છે. એને તો એસ.ટી.ની પૂછપરછની બારીએ બેહાડયો હોય, એવી વિગતવાર માહિતી આપે છે કે, ''એક હતી ઊંઝાવાળી...એ હમણાં જ ત્રણ ને પચ્ચીસે ગઇ...બીજી સિધ્ધપુરવાળી હમણાં આવશે !''

તારી ભલી થાય, ચમના ! આટલી બધી કૉર્સ બહારની માહિતીઓ ના ફૂંકી મારવાની હોય ! આપણે હોઇએ તો એમ કહીએ કે, ''ના...હું તો હંમેશા 'ગદાણી લૅડીઝ ટૅલર્સ' પાસે જ બટન ચોડાવવાનો આગ્રહ રાખું છું. ઓળખાણમાં એક બટન સાઈડમાં વધારે ચોડી આલે છે.'' તો શું કે, વાત ત્યાંની ત્યાં પતી જાય. જયાડી થોડું એમ કહેવાની હતી કે, ''તમારા ગયા પછી...હું ય બટનો ચોડવાનું જ છુટક કામ કરતી'તી....!''

(૬) અહીં જયા વળી એક નવતર હૂમલો કરે છે. પેલો ગરીબ ગાય થઇને એવું કબુલે છે કે, ''એમ તો એક હતી, પણ એ એવી રીતે જતી રહી કે, બસ....'' ગળે ડૂમો ભરાઇ જવાને કારણે એ માણસ પૂરૂં બોલી શકતો નથી કે, ''...એવી રીતે જતી રહી કે, રોજ રાત્રે ઊંઘોમાંથી ફફડીને જાગી જવાય કે, હાળી પાછી તો નહિ આઇ જાય ને....?''

મૅરેજના ૨૫-૩૦ વરસ થઇ ગયેલા ગોરધનોના ભાયગ એ રીતે ફૂટલાં હોય કે, પેલીના પિયરીયે બધું સફાચટ થઇ ગયું હોય અથવા ભાઇ-બાઇ સાથે બહુ બનતું ન હોય એટલે વાઇફો બે-ચાર દહાડા માટે ય પિયરડે ગૂડાય નહિ. આટલામાં જ ક્યાંક ગઇ હોય તો ય સાલો છાતીમાં ફડકો રહે કે, 'તરત તો પાછી આવતી નહિ રહે ને ?' આદર્શ પુરૃષની આંખે તો એવા અંધારા આવી જાય કે, ઘરની સામેથી જે કોઇ આવતી દેખાય, તે બધીઓ વાઇફો જ લાગે. (હું ખોટો હોઉં, તો મને રોકવો. કહેવત છે ને કે, ''મન હોય તો માળવે જવાય !'')

(૭) ''આપને ચાહા નહિ હોગા....!'' એમ પેલી શૉલમાં લપેટીને સ્લીપર મારે છે.

સ્ત્રીઓ ક્યારેય હખણી નહિ રહેવાની. અલી, ગામમાં તારૂં ક્યાંય પતતું નહોતું, શહેરભરના મૅરેજ-બ્યુરોઝના તારા બાપે પગલૂછણીયા ઘસી નાંખ્યા હતા, તારી ઢીચકી હાઈટનો છોકરો ગુજરાત તો જાવા દિયો, ઠેઠ બરફના ટૂન્ડ્ર-પ્રદેશના ઍસ્કિમો લોકોમાં ય મળતો નહતો....આવડો આ કેમ કરતા ભરઇ ગયો, એનો લવારો તો એની બા ય આજ સુધી કરે રાખે છે. ખુદ અમે ય તમને બન્નેને સરદાર પટેલ કૉલોની પાસે વાંકા વળીવળીને દસ રૂપિયાની તત્તણ-પાણી પુરીઓ ખાતા જોયા છે, ને આજે તું કહે છે, પેલો તને ચાહતો નહતો ?

વળી, તારા કહેવા મુજબ માની લઈએ કે વિજીયાએ ચાહ્યું-બાહ્યું નહિ હોય...ઓકે, તો તું શું કરતી'તી ? તારાથી ન ચહાય ? તેં એકે ય sms મોકલ્યો'તો ? અરે, સમય સાચવી લેવા, તું નહિ તો તારી કોઇ સખી પાસે એસ.એમ.એસો. કરાવવા'તા....! ઘણી સ્ત્રીઓ 'ટણી'ને પોતાનું આઇડૅન્ટિટી-કાર્ડ માનતી હોય છે, જેની ઍક્સપાયરી-ડૅટ જ ન હોય !

(૮) બધું ચોખ્ખુંચટ કરવા જયા હજી ય પેલાને ધોઇ નાંખવાનું ચૂકતી નથી ને પૂછે છે, ''ક્યા, સારા દોષ મેરા હી થા ?''

(૯) બસ. અહીં પહેલીવાર વિજીયો બુધ્ધિ દોડાવે છે. એને ખબર છે કે, જો હું પાડી દઇશ તો, પેલી ''શ્યોરી, હોં'' કહીને ઘેર પાછી આવતી રહેશે ને ગીઝરના રીપેરિંગો બંધ કરાવવા પડશે. બધું મારા માથે ઓઢી દઇશ તો, શર્ટ ઉપર હજી તઇણ બટનો લટકે છે, એ ય આવી આ ખેંચી નાંખશે. ફરી વગર બટને આટલે દૂર આ સ્ટેશન ઉપર આવવાનું ના ય થાય ને થાય તો છ-એ-છ બટનો ખુલ્લા રાખીને સ્ટેશનના બાંકડે આખી રાત બેઠા રહીએ, છતાં આના જેવી એકે ય બટન વિશે પૂછવા ન આવે તો, આપણે તો બીજે દિવસે સવારે બાપા સીતારામના મંદિરની બહાર જ બેસવાનું આવે કે નહિ ? (એમાં ય, ભીખમાં ભક્તાણીઓ રોકડા ન નાંખે, બટનો નાંખે !)

એટલે વચલો માર્ગ કાઢીને વિજય આનંદ કહે છે, ''થોડો તારો, થોડો મારો ને થોડો આપણા બન્નેનો !'' 'ઍનિમલ-હસબન્ડરીના' આજ સુધીના અનુભવે એ માની બેસે છે કે, આવું કહીશ, એટલે ગુસ્સામાં સ્ટેશનનો ઘંટ પછાડીને પેલી છેવટે ગૂડઝ-ટ્રેનમાં બેસીને ગામડે જતી રહેશે, પણ મારી પાસે ઊભી નહિ રહે.

પણ મહાન લગ્નવિચારક, ચિંતક અને દાર્શનિક શ્રી અશોક દવેજીએ કહ્યું છે કે, 'માણસ ધારે છે કંઇક, પણ પત્ની કહે તેમ જ થાય છે.' એકલા વિજય આનંદના જ નહિ, ઑડિયન્સમાં બેઠેલા એકોએક ગોરધનોના આઘાતની વચ્ચે જયા ભાદુરી અડધી માફી સ્વીકારી લે છે ને પેલાને જળોની જેમ ચોંટી પડે છે. કોઇને ફિલમ યાદ હોય તો યાદ કરી જુઓ, વિજય કેવો ટૅન્શનમાં આવી જાય છે કે, ''આ તો હાળી પાછી આઇ....!''

આ તમને હસાવવા નથી લખતો. વિજયને ચોંટી પડેલી જયા પ્રેમના એવા તો ઝનૂનમાં આવી જાય છે કે, પેલાના શર્ટના બાકીના ચાર બટનો ય તોડી નાંખે છે...! ડાહ્યો ના થયો હોત તો ત્રણ બટને ઘેર તો વટથી જવાત !

બસ. એક 'ઈગો' છોડી દો, તો બધી જયાઓ પાછી આવે ને બધા વિજયો ખુલ્લે હાથે તમને સમાવી લે.

સિક્સર

- ઈ.સ. ૨૦૨૪ની સાલમાંય સચિન તેન્ડુલકર જાતે રીટાયર નહિ થાય...! એ વખતે પણ બધા એને રીટાયર થવા સમજાવતા હશે :

''બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, 
જેને મળું છું મુજથી સમજદાર હોય છે

જોયા છે એવા ય સંતાનો મેં રસ્તા ઉપર 'મરીઝ'
કદમોમાં જેના સેંકડો ઘરબાર હોય છે.''

No comments: