Search This Blog

12/12/2012

અમારે લાયક કામકાજ હોય તો કહેવડાવજો

અમદાવાદના રીક્ષાવાળા ઘેર જઈને ઊંધ્યા પછી પણ આપણને ઉલ્લુ બનાવી શકે છે. એમની રીક્ષાની પાછળ આપણી આંખમાંથી પાણી નીકળી જાય એવી એક ઑફર લખી હોય છે, ‘‘રાત્રે ૧૨ થી ૫ ગરીબ દર્દીઓ માટે ફ્રી.’’ વાંચીને એમ થઇ જાય કે, મહાભારતમાં એક કર્ણ હતો ને બીજો અમદાવાદમાં આ રીક્ષાવાળો... દેશમાં બે જ દાનવીર થઈ ગયા. આપણે સાવ ખોટેખોટા પૈસાદાર થઈ ગયા!

પણ એ ગરીબ દર્દી આપણે ન હોઈએ ત્યારે ખ્યાલ આવે કે, આની રીક્ષામાં મફત બેસવા માટે કેટલી શરતો પૂરી કરવાની? (૧) અહીં ગરીબ હોવું જરૂરી છે. આની રીક્ષામાં ફ્રી બેસવા માટે અંબાણીઓ કે અદાણીઓનું કામ નહિ. ભિખારીઓ માટે પણ આ યોજનામાં કોઈ સવલત આપવામાં આવી નથી. (૨) માત્ર ગરીબ હો, એ નહિ ચાલે. ગરીબ થઈ ગયા પછી દર્દી હોવું આવશ્યક. એટલું જ નહિ, ગરીબ દર્દી થઈને હેડકીઓ ખાતા ઘેર પડ્યા રહો, એ ચલાવી નહિ લેવાય. રાત્રે ૧૨ પછી છેવટે ચક્કર મારવા ઘરની બહાર નીકળવું જરૂરી છે. હૉસ્પિટલે જ જવું, એવી આમાં શરત નથી. ‘‘ચલ ભ’ઈ... મારા સાસરે લઈ લે ને...! આપણે ચક્કર મારીને પાછા આઈએ છીએ. હું ગરીબ દર્દી છું.’’ (૩) ઘડીયાળમાં બાર ને પાંચ થવી જ જરૂરી છે... અને એ પણ એની ઘડીયાળમાં... આપણી નહિ! ન થઇ હોય તો થોડીવાર ઊભા રહો. થવા દો. (૪) એક ફફડાટ રહે કે, ભલે એ રીક્ષાભાડું ન લે, પણ હૉસ્પિટલે પહોંચ્યા પછી આપણે સો-બસ્સો જોઇતા હોય તો એ આલે ખરો? શરતમાં ‘રીક્ષાભાડું જ ફ્રી’ એવી વાત નથી. સામાન્ય રીતે, દર્દીઓ માટે ફ્રૂટ્‌સ અને લીલાં નારીયેળ લઈ જવાનો શિરસ્તો છે. રીક્ષાવાળો આપણા માટે નારીયેળો લાવશે ખરો? ફ્રીમાં શું શું આવે, તે કાંઇ ફોડ પાડવામાં આવ્યો નથી, એમાં અનેક લોકો ગરીબ થવાનું માંડી વાળવાના. (૫) સમય રાત્રે ૧૨ થી ૫ નો રાખ્યો છે, એ બરોબર છે, પણ આપણે પોણા પાંચે રીક્ષા કરી હોય ને રસ્તામાં જ પાંચ વાગી જાય તો ભાડાનું શું? પાંચ પછી એની ઑફર તરત બંધ થઈ જાય છે, તો એક તો આપણે ગરીબ હોઈએ ને એમાં રીક્ષાભાડું ચોંટે, તો વાટ લાગી જાય ને? આવા કિસ્સામાં સંસ્થા જાણવા માંગે છે કે, શું એ અડઘું રીક્ષાભાડું માંગી લેશે? (૬) એક અઘરી શરત છે, રાત્રે ૧૨ વાગે એને શોધવા નીકળવાની. એ તો ૯-વાગ્યાનો ઘરમાં ઘોંટાઈ ગયો હોય તો શું આપણે એને ઘેર જઈને ઉઠાડી શકીએ? એની એની વાઇફને કહી શકીએ કે, ‘‘અમે ગરીબ દર્દી છીએ, સિવિલ (હૉસ્પિટલ) જવું છે.. ભ’ઇને જરા ઉઠાડો ને...!’’ (૭) આપણા ગરીબ હોવાની એ ખાત્રી માંગે તો કયા દસ્તાવેજો રજુ કરવા? દર્દી પણ છીએ કે નહિ, એ તો દવાખાને ગયા પછી ડૉક્ટર નક્કી કરે. ‘‘તમને તો કાંઈ થયું નથી... જાઓ ઘરે!’’ એવું ડૉક્ટર કહી દે તો, રીક્ષાવાળો ઊંઘમાં ય વગર રીક્ષાએ આપણી પાછળ પડે અને ઊંધા હાથની ઠોકી દે! (૮) ...અને છેલ્લી શરત તો ઘણી આકરી છે. દર્દી હોઈએ પછી આપણું કાંઇ ઠેકાણું ન કહેવાય. ઘેર પાછા આવવાની કોઇ ગૅરન્ટી હોય? ઇવન, રીક્ષામાં જ છેલ્લું ડચકું ખાઈએ તો ટૅકનિકલી આપણે દર્દી કહેવાઈએ ખરા? ‘ઇસ ગાડી મેં લાશ નહિ જાતી...!’ કહીને એ ઊભો રહી જાય તો?

બરોબર આવી જ આકરી શરતોની હાલમાં સીઝન બેઠી છે લગ્નોની. લગ્નસરા ચાલતી હોવાને કારણે આપણા અનેક સગાસંબંધી ને મિત્રો બિલકુલ રીક્ષાવાળા જેવી જ ઑફરો કરતા હોય છ, ‘‘અમારે લાયક કોઇ કામ હોય તો અડધી રાત્રે કહેવડાવજો... શરમાતા નહિ!’’

હૉસ્પિટલમાં ય આવી જ ઑફરો થાય છે. હું દાખલ થયો ત્યારે જે આવે તે આવી ઑફર મૂકતું. હું નીચે જોઇને શરમાઈને કહેતો, ‘‘આમ તો ખાસ કાંઈ કામ નથી... બસ, આ હૉસ્પિટલનું બિલ ભરવાનું બાકી છે... એ જો તમે----’’

‘‘અરે દાદુ... અમારે ‘લાયક’ કોઈ કામ હોય તો કહેવડાવાનું કહ્યું છે... અમને દાખલ કરવા પડે, એવું કામકાજ ના સોંપો, યાર!’’

મારા લગ્ન વખતે મારા સસરાએ પૂછાવડાવ્યું હતું કે, ‘મારે લાયક કાંઇ કામકાજ હોય તો કહેવડાવજો.’ મેં નમ્રતાથી કીધેલું, ‘‘બસ... ખાસ તો કાંઈ નહિ... તમારી છોકરી પૈણવી છે.’’ પણ એ તો એમને જ લાયક કામ હતું એટલે ભોળાભાવે બિચારાએ કરી આપ્યું. ને ‘આવી’ ઑફરો તો લાગણીમાં આવીને ઘણા કરતા હોય છે, પણ હરકોઈને આવા કામો કાંઈ સોંપાય છે?... કોઈ પંખો ચાલુ કરો.

પણ આપણા ઘરોમાં લગ્ન આવે, એટલે ભૂલ્યા વિના લોકો આવી ઑફરો કરે છે, એમાં આપણી વિમાસણ પેલા ગરીબ દર્દી જેવી થઈ જાય છે. એમને લાયક એટલે કયું કામ ગણવું ને કયા કામમાં એ નાલાયક હશે? લગ્નને દિવસે એમને એમ તો કહેવાય નહિ કે, ‘‘ભાઇ... આ જરા ખુરશીઓ ગોઠવવામાં મદદ કરો ને...!’’ ડૅકોરેટર હજી ન આવ્યો હોય તો આપણે આમને મંડપના વાંસડે થોડા ચઢાવી શકાય છે કે, ‘‘ઉપર જઈને જરા સૂથળી ખેંચો.’’ લગ્નપ્રસંગે તો એકમાત્ર ખાસ કામ હોય તો જમણવાર અને ડૅકોરેટર્સના બિલો ભરવાનું હોય, એ એમને સોંપાય નહિ ને સોંપીએ તો, ‘‘ઓહ... ૧૩-લાખની સગવડ હમણાં તો થાય એવી નથી... એક કામ કરો ને... આવતા એપ્રિલમાં અડધી રાત્રે કહેવડાવજો... ત્યાં સુધીમાં કંઇ ગોઠવી રાખું છું...!’’

સાલી, એમની બીજી શરત પૂરી કરવી બાય ગૉડ... બહુ અઘરી પડે એવી હોય છે કે, એમને કોઇ કામ સોંપવું હોય તો રીક્ષાવાળાની જેમ અડધી રાત્રે કહેવડાવવું પડે. કોઇ મોટું કામ તો જાવા દિયો, પણ આપણે ચોરીમાં બેસવાનું હોય ને ધોતીયું પહેરતા ન આવડતું હોય તો એમની ઑફર પ્રમાણે, આપણને ધોતીયું પહેરાવવાનું કામ બાકાયદા સોંપી શકાય, પણ એમને તો અડધી રાત્રે જ ફૂરસત હોય! રાત્રે રીક્ષા કરીને એમના ઘેર ધોતીયું લઈ જવાનું? સવારે ચોરીમાં એનો બાપ બેસશે?... આ તો એક વાત થાય છે!

આ ‘અડધી રાતે કામ સોંપવા’વાળી વાત મારા મનમાં બહુ બેસતી નથી. શક્ય છે કે, દિવસના ભાગમાં એમને પોતાને ધોતીયાં પહેરવાના હોય... આઈ મીન, એમના પોતાના કામો હોય, પણ હજી સુધી કોઇ ‘અડધી સવાર’, ‘અડધી બપોર’ કે ‘અડધી સાંજે’ કામ કરી આપવાની ઑફર કરવાવાળો કેમ કોઇ પેદા નહિ થયો હોય? એણે તો સૌજન્યપૂર્વક આવી સેવા કરી આપવાનું કહેવડાવ્યું હોય પણ આપણાથી અડધી રાત્રે એને કઇ કમાણી ઉપર ઉઠાડી શકાય? અડધી રાત્રે માણસ પોતાના ઘરમાં ગમે તે કરતો હોય, એમાં આપણે હલવઇ જઈએ ને? એ જે કાંઈ કરતો હોય તો વળતા સૌજન્ય માટે આપણાથી થોડી ઑફર કરી શકાય કે, ‘‘લાવો... બાકીનું હું પતાવી આલું...!’’ 

મારવા જ આવે ને...?

હવે માની લો કે, આપણે કહેવડાવ્યું કે, ‘‘આપે ખાસ કીઘું હતું કોઇ કામ સોંપવાનું, એટલે... આ તમારા ઍરિયાની પાંચ કંકોત્રીઓ વહેંચવાની બાકી છે ને હવે અમારાથી પહોંચી વળાય એવું નથી. આપને તકલીફ પડે એમ ન હોય, તો બસ... આટલી કંકોત્રીઓ મોકલાવી દેશો?’’

બસ. એમને જે કંકોત્રીઓ આપી હોય, એ બધા સાથે જીવનભરના સંબંધો તૂટી જાય. ભાઇ મોકલાવી તો ન શક્યા હોય, પણ ‘નથી મોકલાવી’ એવો સંદેશો ય ન કહેવડાવે. લગ્ન પછી આપણે પેલા પાંચે ય નો ધોખો કરીએ કે, ‘‘કેમ આવ્યા નહિ?’’ જવાબ માથામાં ઇંટ મારી હોય એવો આવે, ‘‘દાદુ... તમે મોટા માણસ હશો, પણ અમે ય કંઈ નાના નથી... વગર બોલાવે તો અમે બેસણામાં ય જતા નથી... સમજ્યા?’’

‘‘અરે સૉરી, દાદુ... તમે મને પેલી કંકોત્રીઓ પહોંચાડવાનું કામ સોંપ્યું હતું, પણ મારે પછી બીજા પચ્ચી કામો આઇ ગયેલા, એટલે મોકલાઈ ના શક્યો... સૉરી, હોં!’’

અફ કોર્સ, આ લેખ ૧૦૦-માંથી એવા કોઈ પચીસ-ત્રીસ લોકો માટે છે, બાકી ગુજરાતીઓની આ જ એક મોટી સિઘ્ધિ છે કે, સહેજ પણ દોસ્તી ઓળખાણ હોય, તો પૈસાટકાથી માંડીને તમામ પ્રકારની જોઇએ એટલી મદદ કરે એવા છે... એ ઑફર કરે, એ એમની ખાનદાની અને આપણે ન લઇએ એ આપણી!

સિક્સર

- નરહરી અમીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો...!
- ‘‘ફાડી નાંખી’’ કહેવાય!

No comments: