Search This Blog

04/07/2011

ઍનકાઉન્ટર : 04-07-2011

* આળસ અને કામ વચ્ચે ભેદ શું ?
- કસાબને ફાંસી અપાતી નથી તે આળસ, પણ રાજકારણીઓ અબજો રૂપિયા બનાવી રહ્યા છે, તેને કામ કહેવાય.
(શેહનાઝ રઝાકભાઈ ગોગદા, વલ્લભીપુર)

* પતિ અને પટાવાળા વચ્ચે શું ફરક ?
- ઘેર આવે ત્યારે કૂદકો મારીને હોંશથી પટાવાળાને ભેટી ન શકાય.
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* બેકાબુ બનતી જતી મોંઘવારીને રોકવાનો કોઈ ઉપાય ?
- કોઈપણ ઍન્ગલથી હું તમને ‘અશોક હઝારે’ કે ‘બાબા અશોકદેવ’ જેવો લાગું છું ?
(હિરલ વાઘેલા, અમદાવાદ)

* સાનિયા મિર્ઝાને આખા ભારત દેશમાંથી કોઈ મૂરતીયો ન મળ્યો, તે પાકિસ્તાનીને પરણી ?
- ‘અબ પછતાયે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત... હોઓઓઓઓ.’
(ઈલ્યાસ એ. પટેલ, સંતરામપુર અને કમલ વંગવાણી, વિજાપુર)

* દેશમાં ચાલી રહેલી બેરોકટોક સ્ત્રીભૃણહત્યા અંગે આપનું શું માનવું છે ?
- એવા પિતાની ખસી.
(હિતેશ એસ. દેસાઈ, ગણદેવી- નવસારી)

* દેશભરમાં સફેદ લુંગી પહેરતા ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ પરદેશ જાય ત્યારે ટાઈ-શૂટ-બૂટમાં ફરે છે..!
- થૅન્ક ગોડ.,.. ઘરમાં એ શું પહેરે છે, તેની તમે ચિંતા નથી કરી !
(ડૉ. વી. પી. કાચા, અમદાવાદ)

* બરફ પિગળે, એ શું સૂચવે છે ?
- કામ પતી ગયું.
(ગીતા રામોલીયા, હરિયાસણ)

* ઈચ્છાઓની યાદી લાંબી ને લાંબી થતી જવાનું કારણ શું ?
- પ્રિન્ટિંગ-મિસ્ટેક.
(ચંદ્રકાંત ભટ્ટ, અમદાવાદ)

* પ્રેમીઓને પંખીડા કહે છે, પશુડા કેમ નહિ ?
- કામ પતે એટલે પંખીડું ઊડી તો જાય.. ઢોર-જાનવર તો હાળા ઊભા ય ન થાય..! આ તો એક વાત થાય છે.
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* દેશમાં આગામી વડાપ્રધાન તરીકે તમને સૌથી સર્વશ્રેષ્ઠ કોણ લાગે છે ?
- દેશનો ખૂબ મોટો બૌદ્ધિક વર્ગ, મહાન વૈજ્ઞાનિકો અને ૯૮ ટકા પ્રજાના હૈયે એક જ નામ છે. ‘શ્રી અશોક દવે’. (ક્યું નામ છે ? જી. અશોક દવે. જવાબ પૂરો)
(સુહાસી વિક્રમ મહેતા, અમદાવાદ)

* ‘શીલા કી જવાની’ અને ‘મુન્ની બદનામ હુઈ’ પછી ક્યું ગીત હીટ થવાનું છે ?
- ‘મુન્ના પ્રધાનમંત્રી હુઆ’.
(કેવલ ત્રિવેદી, સાવરકુંડલા)

* ગીતામાં કહ્યું છે, ‘કર્મ કરો પણ ફળની આશા ન રાખો’. તમે શું કહો છો ?
- આવું પગાર તારીખે ન બોલાય !
(જીતેન્દ્રસિંહ આર. રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ)

* નરેન્દ્ર મોદી અને તમારી વચ્ચે કેટલો ફરક છે ?
- બસ... નામનો જ !
(પ્રકાશ જે. ગીદવાણી, સંતરોડ)

* શું આજ સુધી તમે કોઈને ગળે પડ્યા છો ? કે કોઈ તમારા ગળે પડ્યું છે ?
- બેન... આ પૂછપરછ છે કે આમંત્રણ ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* પોતે લગ્ન કરવામાં ઘણી બાંધછોડ કરી છે, એવું દરેક વ્યક્તિ કેમ માનતી હોય છે ?
- ઘણા બધા સાથે બાંધછોડ કરી હોય છે, માટે !
(હિમાંક નાણાવટી, રાજકોટ)

* લોંઠકી સ્ત્રીઓ તેમના ગોરધનોની ભગવાનની જેમ ક્યારે પૂજા કરશે ?
- એ લોંઠકી હોય તો પૂજા શું કામ કરે..? ઉપાડીને હેઠે પછાડે નહિ...?
(સુકેતુ પી. વરીયા, સુરેન્દ્રનગર)

* શું નરેન્દ્ર મોદી ગુજરાતના ‘સરદાર’ છે ?
- એ ‘સરદાર’ નહિ, ‘અસરદાર’ છે.
(પ્રતીપ પંડ્યા, હિંમતનગર)

* આજકાલ મોબાઈલ, કૅમેરા કે ઘડીયાળ સ્ત્રીની જેમ લાઈફ-ટાઈમ ટકે એવા નથી હોતા... એક ભાગ બગડે તો આખો પીસ નાંખી દેવો પડે છે, એમ કેમ ?
- એમ ? લાઈફટાઈમ ટકે એવી સ્ત્રીઓ સુરત બાજુ થાય છે ?
(મઘુરી આઈ. લાકડાવાલા, સુરત)

* પ્રણવ મુકર્જીએ સ્પષ્ટતા કરી કે, કાળા નાણાં અંગે સરકાર પાસે છુપાવવા જેવું કશું નથી’. તો સરકાર પાસે છુપાવવા જેવું કે જાહેર કરવા જેવું શું છે ?
- સર વિન્સ્ટન ચર્ચિલ નહાવા બેઠા હતા (એમ ને એમ જ..!), ત્યાં અચાનક અમેરિકાના પ્રેસિડૅન્ટ રૂઝવૅલ્ટ આવી ચઢ્‌યા. ચર્ચિલ એવી જ સ્થિતિમાં બાથટબમાંથી બહાર આવી ગયા. શરમાઈ ગયેલા રૂઝવૅલ્ટને જોઈને ચર્ચિલે કહ્યું, ‘ચિંતા ન કરો.. ઈંગ્લૅન્ડને અમેરિકાથી છુપાવવા જેવું કાંઈ નથી...!’ પ્રણવની વાત જાવા દિયો...! ચર્ચિલ તો ફક્ત બાથરૂમ પૂરતા..!!
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

* હીરો-હીરોઈનોને મળવા લોકો પડાપડી કરે છે... આપને કેમનું છે ?
- મારે ત્યાં લેણદારોની પડાપડી હોય !
(જલ્પા એ. પટેલ, ટલાસવા- જૂનાગઢ)

* ઈફ્‌તેખાર, ઓમપ્રકાશ, એ. કે. હંગલ, પિંચુ કપૂર... શું આ બધા કલાકારો જન્મથી જ વૃદ્ધ હતા ?
- બાય ગૉડ.. એ વખતે હું હાજર નહોતો એટલે મને કાંઈ જ ખબર નથી.
(રણજીતસિંહ પી. ગોહિલ, રાજકોટ)

* કૉંગ્રેસનું હવે પૂરૂં થવામાં છે.. સુઉં કિયો છો ?
- તે ભાજપનું ય વળી ક્યાં શરૂ થવામાં છે ?
(પંકજ એન. દફતરી, રાજકોટ)

* મારી વાઈફ તમારી જબરદસ્ત ફૅન છે, ને તમને જોવા માંગે છે.. શું કરવું ?
- જોઈ લેવા દો. એ પછી તમને જોતી થઈ જશે.
(સુનિલ જે. શાહ, અમદાવાદ)

* ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા...’
- મૂળ ગીતમાં ‘જીના હી’ નહિ... ‘પીના હી’ પડેગા હતું !
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* ૨૫. ફિલ્મ ‘શોલે’માં તમારી દ્રષ્ટિએ સૌથી કરૂણ દ્રશ્ય ક્યું હતું ?
- બસંતી અને ધન્નોમાંથી હેમા માલિની કઈ, તે આજ સુધી મને ખબર નથી પડી, એ ! કહે છે કે, બેમાંથી એક ઘોડી હતી અને એક હીરોઇન !
(સલીમ અને જાવેદ, નડિયાદ)

૨૬. ‘ઍનકાઉન્ટર’ની સફળતાનો યશ કોને આપો છો ?
- ઑનેસ્ટલી........ ‘ઍન્કાઉન્ટર’ સફળ થયું છે, એમ ન કહેવાય ! વર્ષો લાગશે હજી.
(ડૉ. જ્યોતિ કલ્પેશ હાથી, રાજકોટ)

No comments: