Search This Blog

30/12/2011

‘બેમિસાલ’ (’૮૨)

ફિલ્મ ‘બેમિસાલ’ (’૮૨)
નિર્માતા : દેવેશ ઘોષ.
દિગ્દર્શક : ૠષિકેશ મુકર્જી
વાર્તા : આશુતોષ મુકર્જી
સંગીત : આર.ડી. બર્મન
ગીતો : આનંદ બક્ષી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ
કલાકારો : અમિતાભ બચ્ચન, રાખી ગુલઝાર, વિનોદ મહેરા, દેવેન વર્મા, શીતલ, અરૂણા ઇરાની, એ.કે. હંગલ, ઓમ શિવપુરી, અસિત સેન,પ્રતિમાદેવી, વિજય શર્મા, મીના રૉય, સમર રૉય, ગૌતમ સરીન, ગોગા કપૂર અને અંજન શ્રીવાસ્તવ. 

ગીતો 
૧. કિતની ખૂબસુરત યે તસ્વીર હૈ,યે કશ્મિર હૈ... કિશોર-સુરેશ વાડકર 
૨....એ રી પવન.... લતા મંગેશકર 
૩...ખફા હૂં, ખફા હૂં..... કિશોર કુમાર 
૪....એક રોજ મૈં તડપકર..... કિશોર કુમાર 

અમિતાભ બચ્ચનને વર્લ્ડ-કલાસ ઍક્ટર કહેવામાં થોડું ઘણું ય જે જોખમ હતું.... કે કેમ ભ’ઇ, સંજીવ કુમારો, દિલીપ કુમારો કે અશોક કુમારો ભોંયરામાં બેઠા છે, તે તમને એક માત્ર આ આઠ માળનું બિલ્ડિંગ જ દેખાય છે ?... તે જોખમ એની આ ફિલ્મ ‘બેમિસાલ’ જોયા પછી રદબાતલ થઇ જાય છે. અહીં તમે આંખ મીંચીને બેધડક કહી શકો કે, Go East or West, Bachchan is the best. એ તો ૠષિકેશ મુકર્જી અને બચ્ચન બાબુની જેમ આપણી ય કમનસીબી કે, ’૮૨-માં આ ફિલ્મ આવી, ત્યારે ગમે તે કારણ હોય, થોડી બી ચાલી નહિ અને એ પછી અમિતાભનો ગમે તેટલો જીક્ર થાય, આ ફિલ્મ ક્યાંય ચર્ચામાં પણ નહોતી આવતી-નથી આવી હજી-રાધર ! એ ખૂબી એની પોતાની હતી કે, આમ સામાન્ય કક્ષાની કહેવાય તેવી ફિલ્મ ‘શરાબી’ એકમાત્ર અમિતાભના જોર ઉપર ‘ક્લાસિક’ની કક્ષાએ પહોંચી ગઇ. ‘જંઝીર’, ‘દીવાર’, ‘શોલે’ જેવી કમર્શિયલ ફિલ્મોમાં એક ઍક્ટર અને હીરો તરીકે એની ધાંયધાંય સફળતા પછીનો જે લૉટ આવ્યો, તે ફિલ્મો ‘બ્લૅક’, ‘પા’ કે ‘ચીની કમ’ બ્રાન્ડનો, એમાં એના દુશ્મનોને પણ સ્વીકારવું પડ્યું કે, ‘‘કમ ઑન... આનાથી વધારે સારો બીજો કોઇ ઍક્ટર નથી જ !’’ 

બહુ ઓછાને ખબર હશે કે, મિસ્ટર અમિતાભની સાચી અટક ‘શ્રીવાસ્તવ’ છે. ‘બચ્ચન’ તો એમના પિતાશ્રી હરિવંશ રાયે એમના તખલ્લુસ તરીકે રાખ્યું હતું. બચ્ચન તો આજે ય પિતાશ્રીને કેવા આદરણીય નામે યાદ કરે છે, ‘‘બાબુજી.’’ એ બધી દ્રષ્ટિઓ ભેગી કરીને જોવા જઇએ, તો અમિતાભમાં અડઘું હિંદુસ્તાન સમાયેલું છે. જન્મે એ યુ.પી.નો કહેવાય, પણ માતા ‘તેજી’ (પંજાબી) સીખ્ખ હતા. (એકોએક લેખકો-પત્રકારો સીખ્ખોનો ઉચ્ચાર અને જોડણી ખોટી ‘શીખ’ કરે છે. તાજ્જુબીની વાત છે કે, ખુદ સરદારજીઓ જ એનો વિરોધ કરતા નથી.) બચ્ચને યુવાનીના મોટા ભાગના વર્ષો કોલકાતા (બંગાલ)માં કાઢ્‌યા. પત્ની જયા ભાદુરી (મઘ્ય પ્રદેશના) ભોપાલની છે. પ્રેમિકા રેખા મદ્રાસ (સાઉથ)ની છે. પોતે રહે છે, મહારાષ્ટ્ર (મુંબઇ)માં, બ્રાન્ડ ઍમ્બેસેડર આપણો, એટલે કે (ગુજરાતનો) અને પોતાની વાત સાબિત કરવા વાત પરાણે જોડી કાઢેલી લાગે, પણ રાજસ્થાનીઓ પોતે કહે છે કે, બચ્ચન સાહેબ અમારા કરતા વઘુ ચોખ્ખી અને સાચી રાજસ્થાની કે મારવાડી બોલે છે. અને માટે જ, ફિલ્મ ‘બેમિસાલ’ની વાર્તાનું પુસ્તક તમે ટ્રેનમાં બેઠા બેઠા વાંચી જાઓ, તો એણે જે રોલ ડૉ. સુધીર રૉયનો કર્યો છે, એમાં તમને કોઇ ખાસ સ્કૉપ ન દેખાય કે, આમાં તો શું ઍક્ટિંગ કરી શકાય ? ઇંગ્લિશમાં જેને, ‘A run of the mill’ કહે છે, તે બ્રાન્ડનો ચીલાચાલુ રોલ જણાય.... પણ ભા’આ... ભા’આ... ય, આ માણસના હાથમાં તમે પિત્તળ પકડાવો તો એનો ય નૅકલૅસ બનાવી આપે ને માણેક ચૉકમાં સોનાના ભાવે વેચી આવો, તો ય સોનીની બા ના ખીજાય ! અભિનય વિશે પોતાની સૂઝબુઝથી બચ્ચન બાબુએ ડૉ. સુધીર રૉયના રોલને નવવઘુના શરીર પર પહેરાવેલા તમામ ઘરેણાં જેવો કિંમતી અને આકર્ષક બનાવી દીધો છે.

શું છે આ ફિલ્મમાં ? નો વૅ....આ ફિલ્મ એક સોશિયલ થ્રિલર જેવી હોવાથી એની વાર્તા-ફાર્તા કે ટુંકસાર-ફુંકસાર કહેવાનો મજો નહિ આવે ! એ તો ગરજ હોય તો જાતે ડીવીડી મંગાવીને જોઇ લેવી પડે ! લખવા બેસીએ, એટલે ગૅરન્ટી-ફૅરન્ટીની જબાનમાં અમારાથી પડકારૂં નો ફેંકાય, પણ જાવ ને, તો ય ફેંયકો... આપણે રૂપિયાભાર પડકાર ફેંયકો.... અમિતાભ બચ્ચનની તમે જોયેલી તમામ ફિલ્મોમાં એક ઍક્ટર તરીકે-આ ફિલ્મથી વધારે મજબુત બીજો બચ્ચન એકે ય ફિલ્મમાં નહિ લાગે ! અફ કૉર્સ, એની એકલી ઍક્ટિંગ જોઇને જ બેસી રહેવાનું નથી, ફિલ્મ ૠષિકેશ મુકર્જીની છે, એટલે કોઇ સામાન્ય ફિલ્મ તો હોય નહિ ! ને પાછી આ તો થ્રિલર છે, એટલે ફિલ્મ શરૂ થાય તે અંત સુધી જકડાઇ તો રહેવું પડશે... ઠંડી શરૂ થઇ ગઇ છે, એટલે બઘું જકડાવાનું જાતે નહિ કરવું પડે !

યસ. અગાઉ આશ્રમ રોડના પેલા અજંટા-ઇલોરા, કે શિવ અને શ્રી જેવા ૪-૫માંથી કોઇ એક થીયેટરમાં ‘બેમિસાલ’ આવી ત્યારે જેમણે જોઇ હતી, તેમને થોડું યાદ અપાવવા માટે જરા સરખું જીસ્ટ આપી દઇએ, એટલે બાકીનો લેખ વાંચવાના કામે એ લોકો ય વળગે.

ઓમ શિવપુરી અદાલતના ન્યાયાધિશ હોવા છતાં ન્યાયી હતા, એટલે પોતાના સગા દીકરા (વિનોદ મેહરા)ની સાથે સાથે રસ્તા પરથી ઉપાડીને લાવેલા એક ગરીબ અને ‘જરા બિગડેલ’ સુધીર (બચ્ચન)ને પણ સગા પુત્રની જેમ જ ઉછેરીને, બન્નેને ડૉક્ટર બનાવે છે. (ન્યાયતંત્ર ઉપરથી એમને કેટલો વિશ્વાસ ઉઠી ગયો હશે કે, બેમાંથી એકે ય ને વકીલ કે જજ ન બનાવ્યા...! આ તો એક વાત થાય છે !) ફરવા નીકળ્યા પછી કાશ્મિરના પહેલગામમાં આ બન્ને દોસ્તોને કવિતા ચતુર્વેદી (રાખી ગુલઝાર)નો ભેટો થાય છે ને બન્ને સરખે હિસ્સે એની એકલીના પ્રેમમાં પડી જાય છે. પેલીને તો બન્ને બાજુ ઘી-કેળાં હતા, એટલે છાપાના વધારાની જેમ માંગા નીકળ્યા, એટલે રાખીએ બન્નેના લવાજમ ભરી દીધા. પેલા બન્નેની દોસ્તી એવી કે, ‘તું એકલો ખા... આમાં વહેંચીને ના ખવાય... આપણે પાંડવો નથી’ એટલે છેવટની ગિફટ-કૂપન વિનીયો લઇ જાય છે.. આઇ મીન, વિનોદ મહેરા. જે પૈણીને ઘરમાં રહેવાને બદલે પરદેશ ભેગો થઇ જાય છે... (આવા સુખ માટે ઘણા પરણેલાઓએ એની કૂંડલી મંગાવી હશે !) બીજી બાજુ આ ભાઇ એના પાગલ મોટા ભાઇના અપમાનનો બદલો લેવા મોટા ભાઇ (અધીર-એ ય બચ્ચન પોતે.. ડબલ રોલમાં)ની શિષ્યા શીતલને હેરાન-પરેશાન કરી નાંખે છે.

...બસ! આ તો થ્રિલર હોવાથી આગળની વાત સ્પૉઇલર ગણાશે, માટે વાર્તા પૂરતું અહીં જે શી ક્રસ્ણ. પણ ૠષિ દા ની તમામ ફિલ્મો હેતુલક્ષી હોય. દિગ્દર્શક તરીકે એવા મજેલા કે, એમની ફિલ્મોમાં એક ગીત પણ કારણ વગરનું ન હોય.. મોટે ભાગે તો ગીતની સાથે સાથે વાર્તા અડોઅડ વહેતી હોય અથવા ગીત માટેની સીચ્યૂએશન સાર્થક હોય. એવું નહિ કે, હવે જરા ગૅપ પડ્યો છે, એટલે વચમાં એક ગીત મૂકી દઇએ. આ ફિલ્મના ૪-૫ ગીતો જ હોવા છતાં, એક વખત વાર્તા કસોકસ જામવા માંડી, એટલે ગીતો-ફીતો બંધ. પ્રેક્ષકોની લિન્ક તૂટી જાય. નૉર્મલી, એમની ફિલ્મોમાં આઉટડોર શૂટિંગ જવલ્લે જ હોય, પણ અહીં વાર્તાનુસાર, કશ્મિરના પહેલગામ અને સોનમર્ગના બહારી દ્રષ્યો એમને બખૂબી ફિલ્માવ્યા છે.આ બન્ને સ્થળોએ જઇ આવનારાઓ સાથે બેસીને તો ફિલમ જોવાય પણ નહિ, નહિ તો વાતે વાતે, ‘‘એ... આ પેલું ઝરણું... યાદ છે... આપણે અહીં ગયેલા... તારી ભાભીનો પગ લપસી પડેલોઓઓઓઓ....! ઓહ... આ બ્રીજ ઉપર તો આપણે કેટલા બધા ફોટા પડાવેલા....!... ને છેલ્લો ફોટો પાડી લીધા પછી હાથમાંથી કૅમેરો નીચે નદીમાં પડી ગયેલો... યાદ છે ને ?’’

ફિલ્મના બાકીના કલાકારો મેહમાન કલાકારો જેવા છે. એકાદ મિનીટ આવીને વયા જાય. સાઉથની સૅક્સ બૉમ્બ ખુશ્બુ આ ફિલ્મમાં ચાઇલ્ડ-આર્ટિસ્ટ છે... ‘ઍ ચાઇલ્ડ-બૉમ્બ.’ આપણા અરૂણાબેન ઇરાની, દેવેનભાઈ વર્મા જેવા પ્યૉર ગુજરાતીઓ ઉપરાંત એ.કે. હંગલ કે ઓમ શિવપુરી તો મેહનત કરો તો આજે ય યાદ આવી જાય, એવા જાણિતા નામો છે, પણ ૠષિ દાની ફિલ્મોમાં ઍક્ટરોની એક ચોક્કસ ટીમ રહેતી. વિજય શર્મા બધાને યાદ નહિ આવે. પણ જયા ભાદુરીની ‘મિલી’માં એ એનો લશ્કરી ભાઇ થતો હતો. આજકાલની ફિલ્મોમાં રાક્ષસ જેવા દેખાવા માંડેલા ગોગા કપૂર અને અંજન શ્રીવાસ્તવ આમાં ઘ્યાનથી જુઓ તો માણસો જેવા લાગે છે. 

ૠષિકેશ મુકર્જીની ફિલ્મોમાં નિર્બંધપણે એક નોકર હોય જ અને એનું નામ ‘રધુકાકા’ જ હોય. એ જમાનામાં વખણાયેલી કરતા જરા વગોવાયેલી વૅમ્પ શીતલને આ ફિલ્મમાં મીટી રોલ મળ્યો છે-બન્ને બચ્ચનોની પ્રેમિકા અને દેવેન વર્માની વાઇફ બનવાનો. (બોલો....એક ભવમાં તત્તણ ભવો...? આ આર્યનારીને શોભે છે ? જવાબ : જરીકે નથી શોભતું. જવાબ પૂરો) ૠષિ દાએ આ ફિલ્મ તેમના જીગરી બંગાલી દોસ્ત અને બંગાલના આજ સુધીના સર્વોત્તમ લોકપ્રિય અભિનેતા સ્વ. ઉત્તમકુમારને અર્પણ કરી છે. ઉત્તમ દા ને તમે હિંદી ફિલ્મો ‘છોટી સી મુલાકાત’ (વૈજ્યંતિમાલા) અને ‘અમાનુષ’ (શર્મિલા ટાગોર)માં જોયા છે. 

ફિલ્મ ૠષિ દા ની હોય, એટલે એનું હ્યૂમર પણ ટીપીકલ બેંગોલી-બ્રાન્ડનું હોય... (એટલે કે, સારૂં હોય !) કાશ્મિરના પહેલગામમાં બચ્ચન અને વિનોદ મેહરા પહેલી વાર રાખી ગુલઝારને જુએ છે, ત્યારે બન્ને વચ્ચે શરત લાગે છે કે, ‘આ છોકરી ગુજરાતની છે કે યુ.પી.ની ? મેહરા પકડી રાખે છે કે, એ ગુજરાતની જ છે, ત્યારે બચ્ચન જરા કટાણા મોંથી કહે છે,’ ‘‘ઐસી નશીલી ચાલ વાલી લડકી ગુજરાત કી તો હો હી નહિ સકતી... વહાં પર તો દારૂબંધી હૈ !’’

ફિલ્મના સંગીતમાં આપણે કાંઇ કમાવા જેવું નથી. એકે ય ગીતમાં ઠેકાણાં નથી. The rise and fall of RD Burman નામનું કોઇ પુસ્તક લખવાની તમે તૈયારી કરી રહ્યા હો, તો પહેલા ચૅપ્ટરમાં જ ખાસ લખજો કે, લોભીયાની માફક જ્યાં ને ત્યાંથી પૈસા, પૈસા ને પૈસા ફેણી લેવા જતા આર.ડી. બર્મન મૃત્યુ સુધીમાં ઘણું બઘું ગૂમાવી બેઠા હતા. એના પિતાશ્રી સચિનદેવ બર્મન સાથે સરખામણી કરી લેવા જેવી છે. એક જમાનામાં, બર્મન દા પાસે પોતાની ફિલ્મમાં સંગીત અપાવવા માટે નિર્માતાને રીતસર છટકું ગોઠવીને ચમચાગીરી કરવા જવું પડતું ને તો ય દાદા હા જ પાડશે, એની કોઇ ગૅરન્ટી નહિ. બહુ બધાને પેલી જાણિતી વાત ખબર છે કે, દાદા કોલકાતામાં ફૂટબૉલની મૅચ હોય ત્યારે મુંબઇમાં હોય જ નહિ. મુંબઇના નિર્માતાને જર્મન-સિલ્વરની ચોરસ પેટીમાં દાદાની મનગમતી જાફરાની પત્તીના પાન સાથે લઇ જઇને સીધા ઇડન ગાર્ડન્સ પહોંચીને દાદાને શોધવા મંડી પડવાનું. મળે એટલે પાનની પેટી ધરી દેવાની. મૅચ પૂરી થાય ને મોહન બગાન જીત્યું હોય તો નિર્માતા અડધી મૅચ જીતી ગયો કહેવાય. દાદા બગીચામાં જઇને રજનીગંધાના ફૂલો ચૂંટવાના આદી હતા, જ્યારે એમનો સુપુત્ર એ હાલતે પહોંચી ગયેલો કે, વહેલી પરોઢે કચરાવાળીઓ રસ્તા પરથી કાગળના જે ડૂચા મળે, તે ટોપલામાં નાંખતા જવાનું, એવા વલખાં મારીને હાથમાં જે ફિલ્મ આવે, તે લઇ જ લેવાની. ગીતોની ક્વૉલિટી કે કન્સિસ્ટૅન્સી (ગુણવત્તા અને સાતત્ય) ક્યાંથી જળવાય ? જે માણસે હિંદી ફિલ્મ-સંગીતમાં જબરદસ્ત ક્રાંતિઓ આણી, તે સૂર-તાલને બદલે ગમે ત્યાંથી-મળે ત્યાંથી પૈસા ભેગા કરવાની લાલચ પર ચઢી ગયો. તમે એના ગમે તેટલા ડાય-હાર્ડ ફૅન હો, થોડી ગણત્રી કરી જુઓ, બઘું મળીને રાહુલદેવ બર્મને ૩૩૧-ફિલ્મોમાં સંગીત આપ્યું. એક ફિલ્મમાં સરેરાશ ફક્ત પાંચ જ ગીતો ગણીએ તો ૧૫૦૦-ગીતો થયા. પ્રામાણિકતાથી જવાબ આપો, આ ૧૫૦૦-માંથી કેટલા ગીતો ઈવન, તમારા જેવા ફૅનને પણ યાદ છે ? હજી કાંઇ બાકી રહી જતું હોય, તેમ પાંચ હિંદી-મરાઠી ટીવી સીરિયલોનું સંગીત તો જુદૂં. નૉન-ફિલ્મી આલ્બમો નહિ ગણવાના....? ઈવન, આ જ ફિલ્મ ‘બેમિસાલ’ના ચાર જ છતાં ક્યું ગીત તમે ગુનગુનાવો છો ?... જો એકે ય યાદ હોય તો ! એને ગીત કહેવાય કે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની હૅડલાઇન, એવો છણકો આર.ડી. એ ખુદ ગુલઝારને કર્યો હતો, ‘મેરા કુછ સામાન લૌટા દો...’ ગીત લખીને કવિ આવ્યા ત્યારે...! અને છતાં ય, એવું ગીત આર.ડી.એ બનાવ્યું ય ખરૂં ! શું કામ ભ’ઈ ? બજારમાં આવો માલસામાન આવવા માંડે, ત્યારે ગ્રાહકોમાં ય થોડી અક્કલ તો હોય, માલ પરખવાની. ‘છોટે નવાબ’, ‘અમર પ્રેમ,’ ‘કટી પતંગ’ કે ‘આપકી કસમ’ જેવી ફિલ્મોમાં ભગવાન શંકરને પણ મજ્જા પડી જાય, એવું સંગીત આપનાર આ મહાન સંગીતકારને છેલ્લે છેલ્લે તો ફિલ્મો મળવાની બંધ થઇ ગઇ અને જે તે ઘટીયા ફિલ્મોમાં બહુ વ્યાજબી ભાવે (ગ્રાહકને પોસાય એટલા ભાવે) સંગીત આપવાની તૈયારી બતાવનાર ‘પંચમ દા’ ઉર્ફે રાહુલદેવ બર્મનના સંગીતને કમનસીબે, ફિલ્મ ‘બેમિસાલ’નું એક માત્ર કલંક કહેવું પડે, તે એક જમાનાના એના મારા જેવા ચુસ્ત ફૅન માટે બહુ આકરૂં પડે છે !

(દેવ આનંદના મૃત્યુ સાથે આ કૉલમનો કેવો દર્દનાક યોગાનુયોગ જોડાયો ! રૅર કહી શકાય, એવી ત્રણ ફિલ્મો ‘સરહદ,’ ‘મંઝિલ’ અને ‘શરાબી’ની સીડીઓ માટે આખા ગામમાં ને ગામની બહારે ય તપાસો કરી.. ન મળી, ત્યારે જામનગરના શ્રી ચંદુભાઈ બારદાનવાલાએ કાચી સેકંડમાં એ મોકલાવી આપી, એટલે ‘ફિલ્મ ઇન્ડિયા’ માટે અનાયાસે જ એ ત્રણે ફિલ્મો વિશે લખીને મુંબઇ મોકલાવી દીઘું, ત્યારે કલ્પના ય નહોતી કે, ત્રણે લેખો છપાશે, ત્યારે સ્વ. દેવ સાહેબ ત્રણ સપ્તાહ જૂનાં થઇ ગયા હશે. ઉપરોક્ત લેખો લખાયા, ત્યારે તેઓ જીવિત હતા.)

No comments: