Search This Blog

01/04/2012

ઍનકાઉન્ટર : 01-04-2012

* તમે મૉડેલિંગમાં કેમ નથી હાથ અજમાવતા?
- મૉડેલિંગમાં હાથ નહિ, ચહેરો અજમાવવાનો હોય છે... ને એમાં હવે ફેરફારો થાય એમ નથી!
(પરંતપ જી. શાહ, વડોદરા)

* મીમીક્રી આર્ટિસ્ટ અને હાસ્યલેખક વચ્ચે શો ફરક?
- હાસ્યલેખકને દર અઠવાડીયે તદ્દન નવું હાસ્ય સર્જવું પડે છે.
(કમલ વી. પરીખ, મુંબઈ)

* અશોક દવે, મને BMW (કાર) અને તમારી કૉલમ-બે ય નથી ગમતા. શું કરવું?
- નહિ ગમાડવા માટે ય તમારો ટેસ્ટ ઊંચો છે.
(યોગેશ જીવાભાઈ પટેલ, વલસાડ)

* ઝેરી દવા અને પ્રેમિકા વચ્ચે સમાનતા શું અને તફાવત શું?
- બન્નેની ઍક્સપાયરી-ડૅટહોય છે... અને તફાવત? ઝેરી દવાનું મારણ (ઍન્ટીડોટ) મળી જાય છે.
(કિશોર ત્રિપાઠી, અમદાવાદ)

* આ કેવી કરૂણા છે તમારા ગુજરાતી સાહિત્યની...! અમારા મુંબઈ ઉપરાંત આખા ગુજરાતમાં પણ હવે તો આપના સિવાય બીજો એકે ય હાસ્યલેખક રહ્યો નથી! કોઈ કારણ?
- ગુજરાતીઓને હાસ્યસાહિત્ય સમજાવવા માંડ્યું છે.
(દિવ્યા અમીન, મુંબઈ)

* મારી એક દોસ્ત કહે છે, હાસ્યસાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે સર્વોત્તમ હતા. હું કહું છું, અશોક દવે બેસ્ટ છે. સાચું કોણ?
- આટલી નાની ઉંમરના બાળકો સાથે હવે તમારે દોસ્તી નહિ રાખવી જોઈએ.
(કેદારનાથ પરીખ, સુરત)

* હું મારો ફોટો તમને મોકલાવવા માગું છું. તમે ગુજરાત સમાચારમાં છાપશો?
- નિયમ મુજબ, ફોટા સાથે ડૅથ-સર્ટિફિકેટ મોકલવું જરૂરી છે.
(મયૂરી શાહ, સુરત)

* તમારી દ્રષ્ટિએ વઘુ સુંદર કોણ? કૅટરિના કૈફ, પ્રિયંકા ચોપરા કે ચિત્રાંગદા સિંઘ?
- બાકીની બધીઓ પાસે મારે રાખડી બંધાવવાની છે?
(શ્યામ આર. શાહ, અમદાવાદ)

* તમારા લેખમાં વાંચ્યું હતું એ શું સાચું છે કે, મીનાકુમારીના ડાબા હાથની ટચલી આંગળી કપાઈ ગઈ હતી?
- હા. પણ એ તો પછી, એ આંગળીની જરૂર પડે તો એ જમણા હાથની ટચલી આંગળી વાપરી લેતી હતી.
(વિનોદ સી. શેઠ,વડોદરા)

* પરિણિત સ્ત્રી પ્રેમમાં પડે તો શેનું ઘ્યાન ખાસ રાખતી હોય છે?
- બસ. ત્રીજો આવે એની!
(કૃપા જે. વેદ, મેહસાણા)

* હવે તો સ્કૂલના છોકરા-છોકરીઓ પણ પ્રેમમાં પડી જાય છે. તમે શું માનો છો?
- થૅન્ક ગૉડ... એ લોકો નોર્મલતો છે!
(પ્રકાશ ટી. જાની, અંકલેશ્વર)

* લગ્ન પહેલા પ્રેમ સારો કે લગ્ન પછી?
- હું બન્ને અજમાવી ચૂક્યો છું... લગ્ન પછી વાળો હાળો બહુ લાંબો ચાલે છે!
(સુબોધ શેઠ, મુંબઇ)

* શું આપ માનો છો, ઇંગ્લિશ ફિલ્મોમાં બાળકો ઉપર ખરાબ અસર પડે, તેવા દ્રશ્યો વધારે હોય છે?
- હા. પણ એ બધી ખરાબ અસરો ઈંગ્લિશ બાળકો ઉપર પડતી હશે...! આ મામલે ગુજરાતી બાળકો તો બહુ પહેલેથી તૈયાર હોય છે...!
(અમરિશ એસ. કાપડીયા, મોરબી)

* હવે તો તમે ૬૦-ના થયા... છતાં અવારનવાર શૉપિંગ-મૉલ્સમાં કેમ જાઓ છો?
- હું મારી લૉસ્ટ પ્રોપર્ટીશોધવા જતો હોઉં છું.
(દ્રષ્ટિ એન. શેઠ, અમદાવાદ)

* અશોકભાઈ, તમે કદી તમારા લેખો વાંચો છો?
- ના. એને બદલે શ્રીમદ ભગવદ ગીતા વાંચી લઉં છું.
(મૂકેશ શેઠ, વડોદરા)

* પરણ્યા પછી ગોરધનની અટક સાથે યુવતીઓ એમના ફાધરની અટક પણ કેમ લખાવે છે?
- એ લોકો ચીકુને નામે બટાકા વેચવા માંગે છે.
(રૂપા કિશોર મહેતા, મુંબઈ)

* તમારે કેટલા બાળકો છે?
- ઘરમાં બે.
(કેવલ પૂંઠાવાલા, સુરત)

* અત્યારે તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યો છે, તો માનવી ક્યાં પહોંચ્યો છે?
- માનવી જાવા દિયો... મનમોહન કિયાં પહોંક્યા છે, ઇ પૂછો!
(રાહુલ ઠાકોર, લિલીયા મોટા-અમરેલી)

* મારા એક મિત્ર, ‘‘સ્ત્રીઓને શું જોઈએ છે?’’ તે વિષય પર થીસિસ લખી રહ્યા છે. તમે એના ગાઈડ બનશો?
- સ્ત્રીઓ મારી પાસેથી ઑલરેડી એટલું બઘું લઇ ગઈ છે કે, હવે પુરૂષોને આપવા જેવું મારી પાસે કાંઇ બચ્યું નથી... કોઇ પંખો ચાલુ કરો!
(પી.લાલ, મુંબઈ)

* હૃદયને પ્રેમ અને લાગણી સાથે કેમ જોડી દેવાયું છે? મનુષ્યની શરીર રચનામાં એ તો બસ, એક પંપ છે.
- ચલો, હૃદયને બદલે ખભો મૂકી જુઓ અને પ્રેમ અને લાગણી સાથે એકાદવાર જોડી જુઓ...!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* આપણા બન્નેનું ટિફીન હું લઈ આવું અને પરિમલ ગાર્ડનમાં સાથે જમીએ તો...?
- હું પાછો... એમાંનો નહિ!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* માણસ બીજાના દોષ તરત જાહેર કરે છે. પોતાના દોષ કેમ ઢાંકે છે?
- મને ચોક્કસ જગ્યાએ એક કૂતરૂં કરડી ગયું હતું... હું એની ઉપર ધુરક્યો તો, બાજુવાળા કૂતરા તરફ બહુ ઊંચા માઈલું ઉઉઉઉઉ...કરીને એણે જવાબ આપી દીધો કે, ‘‘એ હું નહોતો...’’
(શુકન વહિયા, અમદાવાદ)

* તમે જે સવાલો પસંદ કરો છો, તેમાંના ઘણા જવાબો મજાકમાં જ આપી દો છો... બરોબર છે?
- હા, હવે...!
(દિવાક એસ. વહિયા, અમદાવાદ)

* લોકો માળા જપતી વખતે આડું કપડું કેમ રાખે છે?
- ચાલુ માળાએ આંગળી ઉપર મંકોડો ચઢી ન જાય માટે.
(ઝીલ ડી. જાની, ભાવનગર)

* પોતે ધિક્કારને પાત્ર છે, એવા જૂઠ્ઠા લોકો સાચાને કેમ ધિક્કારતા હશે?
- હાથ ન આયા ખટ્ટા હૈ !
(ઝૂબૈદા યુ. પુનાવાલા, કડી)

* ગુજરાતના લોકાયુક્ત તરીકે અશોક દવેની પસંદગી થાય તો?
- ‘આપને તો મેરે મુંહ કી બાત છીન લી...!ઓહ... મારે પણ પોતાનું એક ઍરપોર્ટ હોય... દુબાઈમાં આઠ-દસ પૅલેસો હોય, મારા ઘરઘાટીઓ ય રોલ્સ રૉયસમાં ફરતા હોય... રોજની કમાયેલીનોટો ગણવા સો-બસો માણસોનો પ્રામાણિક સ્ટાફ હોય... હું બસ... બીજું કાંઈ નથી માંગતો!
(જયેશ વી. જરીવાલા, સુરત)


No comments: