Search This Blog

08/07/2012

ઍનકાઉન્ટર : 08-07-2012

૧. લોકો જિંદગી લંબાવવા માંગે છે, સુધારવા કેમ નહિ?
- જિંદગી સુધર્યા પછી પણ લંબાવવાની જરૂર પડે છે.
(રમેશ સુતરીયા, મુંબઈ)

૨. શું સાસુની સામે થઈ જતો જમાઈ ખરો હિંમતવાળો કહેવાય?
- સાસુ સામે એક જ માણસે હિંમત બતાવી કહેવાય... તમારા સસુરજીએ!
(સુનિલ નાણાવટી, રાજકોટ)

૩. હવે તો રસ્તાના ભિખારીઓ પણ મને ધમકી આપતા જાય છે... શું કરવું?
- જોઈ શું રહ્યા છો...? જોડાઈ જાઓ.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

૪. સાધન-સંપન્ન લોકો ય મફતનું ખાવા કેમ ટેવાયા છે?
- સાધન-સંપન્ન થવાનો એ કીમિયો છે.
(સેજલ રમેશભાઈ ગાંધી, સુરેન્દ્રનગર)

૫. એકતા કપૂરની વિકૃત ટીવી-સીરિયલો ઉપર પ્રતિબંધ કેમ નહિ?
- ટીવીમાં કેટલી બધી ચૅનલો આવે છે, તમારા જેવા આવી વિકૃત ચૅનલો જુએ છે, તો એ લોકો બનાવે છે ને?
(ચેતન કિશોરભાઈ વ્યાસ, રાજકોટ)

૬. નિર્ણય આપને લેવાનો હોય તો શું આપ આઈપીઍલ (ક્રિકેટ) ઉપર પ્રતિબંધ મૂકી દો ખરા?
- હરગીઝ નહિ... ગમે તેવી ભેળસેળવાળી હોય, કોઈપણ પ્રકારની રમત ઉપર કદી પ્રતિબંધ ન મૂકાય... એક એ જ તો માણસોને ઘરમાં રાખે છે!
(નીતિન ઉપાઘ્યાય, ભાવનગર)

૭. જીંદગીમાં તમને શું હોવાનો પસ્તાવો થાય છે?
- સમર્થ હોવા છતાં, દુશ્મનોને હું રીઍક્ટ નથી કરતો ને ઉપરથી હાથ મિલાવવા જઉં છું... એનો પસ્તાવો હંમેશા થયો છે.
(પૂજા એમ. વસ્તાણી, રાજકોટ)

૮. ગુજરાત આખું ભયભીત છે, એવા કેશુબાપુના આક્ષેપ અંગે સુઉં કિયો છો?
- ચૂંટણી નજીક આવી રહી છે. આપણને નવાઈ લાગે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ કે કેશુભાઈના માણસો, મોદીની વિરૂઘ્ધ બોલવા સિવાય કોઈ મુદ્દો જ નથી? રાજ્યના વિકાસ કે સુખાકારી માટે બે શબ્દો કહેવાની કોઈ સ્કીમ જ નથી તમારી પાસે? ચલો, મોદી કે ભાજપ બેકાર છે, પણ અમારે તમને વૉટ આપવો હોય તો કઈ લાયકાત ઉપર આપવો, એવું કોઈ સામર્થ્ય જ નથી તમારી પાસે?
(પ્રદીપ શાહ, અમદાવાદ)

૯. પતિને પરમેશ્વરકેમ કીધો છે?
- સાચા પરમેશ્વરને તો કોઈએ જોયો નથી. પત્નીની આખી જીંદગીની સુરક્ષા પતિ કરે છે, પ્રેમ એ આપે છે... ટૂંકમાં પરમેશ્વર પાસે જે કાંઈ માંગો, તે આપે કે ન આપે, કાંઈ નક્કી નથી... ગોરધન એ અર્થમાં સાચ્ચે જ પરમેશ્વર-સ્વરૂપ છે. સારો ગોરધન પોતાની પત્નીને ય દેવી-સ્વરૂપ જ માને છે ને?
(ભરત ડી. સાંખલા, ડીસા)

૧૦. એક સવાલનો જવાબ આપવા સામે રદબાતલ સવાલોની સંખ્યા કેટલી?
- લગભગ તો તમામ સવાલોના જવાબ અપાય છે... હા એક હપ્તે ૨૫-૨૬ સવાલો જ સમાવી શકાતા હોવાથી, થોડી રાહ જોવી પડે!
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

૧૧. બાપા કહે છે, ‘ડર કે આગે જીત હૈ’, પણ બાપાને ડર છે કોનો?
- મુનવ્વર રાણાનો એક કાતિલ શેર છે :
રોજ સિતારોં કી નૂમાઇશ મેં ખલલ પડતા હૈ,
ચાંદ પાગલ હૈ, અંધેરે મેં નીકલ પડતા હૈ.’ 
(ખલલ એટલે કોઈ નડે એ. નૂમાઇશ એટલે પ્રદર્શન)
(રાહુલ બગડા, જૂનાગઢ)

૧૨. નીતિન ગડકરી બાબા રામદેવને પગે કેમ લાગ્યા?
- સીધી રીતે બુઘ્ધિના પ્રદર્શનો ન ભરી શકાય એટલે આ રીતે!
(મૈત્રી એચ. માંકડ, જામનગર)

૧૩. કરીના કપૂરને આજ સુધી ફક્ત સૈફઅલી ખાને જ કેમ પ્રપોઝ કર્યું? બીજા કોઇએ કેમ નહિ?
- બીજાઓમાં તો અક્કલ હોય ને...?
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

૧૪. રાજા દશરથને એક જ પત્ની હોત તો?
- સવાલ પૂછતા શીખો... પૂછો કે, અમારે બધાને ચાર-ચાર હોત તો?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૧૫. જૅન્ટલમૅન્સ ગેઇમ ગણાતી ક્રિકેટમાં ક્રિકેટરોના લીલામ થાય છે...
- છાના રહો... આજે ક્રિકેટરોના ભાગ્ય ખુલ્યા છે તો કાલે હાસ્યલેખકોના ય ખુલશે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૬. પેટ્રોલના ભાવ વઘ્યા પછી, અમારા મુંબઇમાં તો સાયકલોના ભાવ પણ વધી ગયા છે... હવે શું?
- ટુંક સમયમાં જ ફૂટવાથવેરોઆવી રહ્યો છે.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

૧૭. ઘરનું કામકાજ આજ સુધી હું ફક્ત શોખથી કરતો... પત્નીએ એને હવે મારી ફરજ બનાવી દીધી. શું કરૂં?
- તમે તો પત્ની ય શોખથી જ રાખી હશે ને?
(પરેશ નાણાવટી, રાજકોટ)

૧૮. પેટ્રોલના ભાવ વારંવાર વધવાનું કારણ શું?
- ભાવ વધારો.
(ભૂપત રતિલાલ પરીખ, અમદાવાદ)

૧૯. ટીવી-શો સત્યમેવ જયતેના સંદર્ભમાં દેશભરના ડૉક્ટરો હલબલી ગયા...!
- એ લોકો હલબલવાનો ચાર્જે ય આપણી પાસેથી લે છે.
(વ્રજબાળા એચ. પટેલ, દહેગામ)

૨૦. પેટ્રોલના વધતા ભાવો સામે તમારો શું વિચાર છે?
- હવે હું ઢાળ ઉપર ગાડી ગગડાવીને ચલાવું છું.
(તીર્થરાજ ડી. ગંધકવાલા, અમદાવાદ)

૨૧. કિશોર કુમારે ઘરમાં રફી સાહેબનો ફોટો રાખ્યો હતો. તમે કયા હાસ્યલેખકનો ફોટો રાખો છો?
- રફી સાહેબ તો ગૂજરી ગયા હતા...!
(નિરત ઉનડકટ, રાજકોટ)

૨૨. ગુજરાતની પ્રગતિમાં આપનાવાળા ઍનકાઉન્ટરનો ફાળો કેટલો?
- એ તો ખબર નથી, પણ મારા ઍનકાઉન્ટરની પ્રગતિમાં ફક્ત ગુજરાતીઓનો ફાળો છે.
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

૨૩. આપની શુક્રવારની કૉલમ ફિલ્મ ઈન્ડિયામાં દરેક ફિલ્મની સાથે વાચકોને જે તે ફિલ્મની એક ડીવીડી પણ આપો તો?
- બીજે બધે તો ઠીક છે, પણ તમે કમ-સે-કમ સાડીની દુકાને ન જતા!
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

૨૪. ધર્મ અને ફેશન વચ્ચે શું ફરક?
- દરેકે પોતાનો ધર્મ ફૅશનેબલ બનાવ્યો છે.

(બબુ  દફ્તરી, રાજકોટ)

No comments: