Search This Blog

04/07/2012

૩૫ લાખનું ટૉઇલેટ

નવી દિલ્હીમાં આયોજન પંચની ઑફિસમાં રૂા. ૩૫-લાખના ખર્ચે ‘ફક્ત ઉચ્ચ અધિકારીઓ માટે’ એક ટૉઇલેટ બનાવવામાં આવ્યું, જેમાં જવું હોય તો જનારો ઇલૅકટ્રોનિક લૉકમાં સ્માર્ટ-કાર્ડ પસાર કરે તો જ દરવાજો ખુલે. કહે છે કે, એમાં બહુ પૈસા ખવાઈ ગયા. ઉફ્‌ફો...! એક ૩૫-લાખ રૂપરડી જેવી ફાલતુ રકમ માટે આ દેશમાં ‘બહુ પૈસા’ ક્યારથી કહેવાતું થયું ? ‘૩૫-હજાર કરોડ’ હોય તો કોઇ વાત કરો, સેઠજી...ખાલી ૩૫-લાખ તો અમારા શરદ પવાર જેવાના ખિસ્સામાંથી રૂમાલ કાઢે, એમાં જમીન પર પડી જાય છે, તો આટલી મામુલી રકમ પાછી લેવા એ વાંકા ય વળે એવા નથી. આટલી નાની રકમ લેવા એ ઝૂકે ?

સવાલ ભ્રષ્ટાચારનો નથી. સવાલ ટૉઇલેટનો દરવાજો ‘ઍન વક્ત પર’ ખુલવાનો છે. મને હિચકી આવે છે, એ ધારીને કે ટૉઇલેટનું બારણું સ્માર્ટ-કાર્ડ પસાર કરવાથી જ ખૂલતું હોય તો પ્રોબ્લેમો કેવા કેવા થઇ શકે !

કલ્પના કરી છે કે, આયોજન પંચની મુલાકાતે આવેલા આપણા પૂજનીય વડા પ્રધાનશ્રી મનમોહનસિંહજીને જ તાકડે લાગી આ ‘લાગી’ એટલે મનમોહન બાપા જેવાને કાંઇ ‘રામભજનની’ન લાગે...એમને તો આપણા બધાની જેમ પેલી ‘નૉર્મલ’ પણ લાગે તો ખરી ને ? યાદ રાખો, મિત્રો. એ ફક્ત મોંઢેથી જ કાંઈ કરી શકે એમ નથી. બાકી શરીરના તમામ અવયવો એમના પોતાના તાબામાં હશે, હાઇ-કમાન્ડના નહિ...આ તો એક વાત થાય છે ! ને લાગે એટલે તો ભલભલાને જવું પડે ! એ જાય તો શું થાય....? આઓ, દેખેં !

અહીં નિબંધ જેટલું એમનું લાંબુ નામ લખવાને બદલે, અમારા કાઠીયાવાડી લહેજામાં ફક્ત ‘મનુ બાપા’ લખીએ છીએ. આયોજન પંચની ઑફિસમાં ચાલુ મીટિંગે બાપામાં કંઇક હળવળાટ થયો ને એક જ ઝટકે કમરેથી ઊંચા થઇ ગયા. બાપાનું આમ ઊંચા થઇ જવું, બીજાઓને તો ઝાઝી ખબર ન પડે. ફડકો બધાને પેસી ગયો કે, અચાનક કંઇ મમતા-મોદીના સમાચાર તો નથી આવ્યા ને? બાપા આમ કેમ ઊભા થઇ જાય ?

પણ ચતુર કમાન્ડોઝને તો આવું જોવાનું રોજનું થયું એટલે કાચી સેકન્ડમાં સમજી ગયા કે, બાપાને પેલો-સવારના છ-વાગ્યાવાળો કૉલ આયો લાગે છે...! આમાં પાછી કમાન્ડોએ એક ઝાટકે કડક હાથે મશિનગન ઊંચી કરવાની જરૂર નહિ...આમાં તો જે થતું હોય એ જ થાય, એટલે આઠ કમાન્ડૉઝ તાબડતોબ ઘટનાસ્થળ પર ધસી આવીને બાપાની આજુબાજુ ઊભા રહી જાય છે. મીટિંગવાળાઓ બેઠા બેઠા બિસ્કીટ ખાતા અટકી જાય છે કે, અચાનક બાપા ઊભા કેમ થઇ ગયા ? શું દેશને માથે ફરી કોઇ આફત આવી હશે ? શું ફરી એક કોરા કાગળ પર પાકિસ્તાનને ‘જડબાતોબ જવાબ’ આપવાની ઇમરજન્સી ઊભી થઇ હશે ?

જડબાતોડ જવાબ આપવાની ધારણા સાચી પણ પાકિસ્તાનને નહિ, જડબાતોડ જવાબ ટૉઇલેટમાં જઇને આપવાનો હતો....એ હા, પ્રસ્તુત જડબાતોડ જવાબ પાકિસ્તાન જઇને આપવાનો હતો, પણ અસલી પાકિસ્તાન નહિ...અમદાવાદના ખાડીયાવાળા વર્ષોથી ટૉઇલેટને ‘પાકિસ્તાન’ કહે છે-બહુ લાગી હોય, તો છોકરૂં કહે, ‘‘મૉમ, જરા પાકિસ્તાન જઇને આવું છું...!’’

અત્યારે છોકરાને નહિ, બાપાને લાગી હતી. બાપાએ નિશ્ચિત ખુરશી પર એકવાર સૂચક સંમતિ માટે જોઇ લીઘું. ત્યાંથી હા આવી ગઇ એટલે કમાન્ડોના સહારે સહારે બાપાનો કાફલો ઉપડ્યો, ૩૫-લાખના પાકિસ્તાન તરફ જવા માટે. આમ તો દેશ આખો જાણે છે કે, બાપા જે કોઇ કામે જાય છે, ફક્ત હાથ જોડીને જ જાય છે. ભારતની પ્રજાને અત્યારે એ ખબર ન પડે કે, બાપા ટૉઇલેટ જતી વખતે ય હાથ શેના જોડેલા રાખે છે ? મીટિંગમાં સોંપો પડી ગયો છે. આજુબાજુ કારવાંના કાફલા સાથે, હાથ જોડેલા બાપા ઢુમઢુમઢુમઢુમ કડક કડક ફક્ત સીધી લિટીમાં જોઇને ચાલે રાખે છે. ઘણીવાર એવું ય બનતું હશે ને કે, ભારતની સવાસો કરોડ પૈકીનો એકે ય નાગરિક બાપાના માર્ગમાં ઊભો જ ન હોય, છતાં ય બાળક જેવા નિર્દોષ સ્માઇલ સાથે બાપાએ હાથ તો જોડેલા રાખવા પડે. નમ્રતા એ કોંગ્રેસનું પહેલું કલ્ચર છે, ભલે ટૉઇલેટમાં જવાનું હોય !

બાપાના મુખ પર આનંદ આજે એ વાતનો ય હતો કે, દિલ્હી શહેરના ‘એક રૂપિયા’ના ભાડે મળતા જાહેર શૌચાલયને બદલે પૂરા ૩૫-કરોડના ખર્ચે તૈયાર થયેલા ટૉઇલેટમાં જવાનું હતું. કહે છે કે, જીવનમાં દરેક વ્યક્તિ આવા ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કરી શકતી નથી. એને માટે કેટલા બલિદાનો આપવા પડે. ડૉ. અબ્દુલ કલામના તાજાં પુસ્તકમાં જણાવ્યા મુજબ, મહાસતિ શ્રીમતી સોનિયાજીએ જંગી બલિદાન આપીને ભારતનું વડાપ્રધાનપદું જતું કરીને મનમોહનબાપા ઉપર વરસાવ્યું હતું, ત્યારે બાપા વડાપ્રધાનની ખુરશી અને આ ટૉઇલેટમાં જવા માટે હક્કદાર બન્યા હતા...કોઇ પંખો ચાલુ કરો !

૩૫-લાખના આ અદ્યતન ટૉઇલેટમાં વ્યવસ્થા એવી હતી કે, કોઇ ગીના-ચૂના ૨૦-૨૫ ઉચ્ચ અધિકારીઓ જ એમાં જઇ શકે. એ લોકોને એમના નામના પર્સનલ સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા હોય. જવું હોય ત્યારે ટૉઇલેટના દરવાજા સામે ઊભા રહીને હરિઓમ-બરીઓમ બોલવાનું નથી હોતું...આ કાર્ડ ઇલૅકટ્રોનિક તાળાની ગપોલી વચ્ચેથી પસાર કરો, એટલે ઑટોમૅટિક દરવાજો ખુલે ને બંધ થઇ જાય. બાપાને પણ આયોજન પંચના કોક પદાધિકારના નામનું કાર્ડ આપવામાં આવ્યું હતું.

અહીં ભારતની ભોળી પ્રજાએ સમજવાની વાત એટલી કે, આવી ફાલતુ જગ્યાએ બાપા કાંઇ જાતે કાર્ડ સરકાવે ? પણ રાષ્ટ્રબાપા ઉપર અચાનક આવી પડેલી આફતનો મર્દાનગીભર્યો સામનો કરવા કમાન્ડો પલવણકરને કાર્ડ આપવામાં આવ્યું કે, ‘તું સરકાય...!’ પલણવકર એની અટક મુજબ જ, કાના-માત્ર વગરનો યુવાન હતો. એ સમજી ન શક્યો કે, મને તો અત્યારે સહેજ બી લાગી નથી, તો પછી હું શું કામ અંદર જઉં ? એ મૂંઝાયો ને આજુબાજુના સાથી કમાન્ડોઝ સામે જોયું, જેમના મૌન ચેહરાઓ ઉપર સ્પષ્ટ લખ્યું હતું, ‘‘મૂરખ...દેશની સેવા ખાતર તો ના લાગી હોય તો ય લગાડવી પડે...બાપાનો હૂકમ છે !’’

કદાચ એ ફૅઇલ જાય ને લગાડી ન શકે તો, બાકીના કમાન્ડોઝે પણ ફરજ પર તૈયાર રહેવું, એવો ગુપ્ત સંદેશ એમને ટૉઇલેટના બંધ દરવાજે મળી ચૂક્યો હતો. આ બાજુ બાપા આકળવિકળ. આ અવસ્થા તો આપણે હરકોઇ ભોગવી ચૂક્યા છીએ કે, ઇરજન્સી લાગુ પડી હોય, પછી એક ક્ષણભર પણ રોકાવું ભારે અકળાવનારૂં હોય છે. સમજ તો એમને ય ન પડી કે, લાગી છે મને અને કાર્ડ આ કમાન્ડો શેનો ભરાય-ભરાય કરે છે ? આ બાજુ પલવણકરનો દરવાજો તો ખુલી ગયો, એટલે એ તો દેશની સેવા ખાતર આરામથી અંદર જઇ આવ્યો. એના માસુમ ચેહરા ઉપર દેશ માટે કંઇક કર્યાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો.

અલબત્ત, હાલના તબક્કે આવો સંતોષ બાપાના ચહેરા ઉપર આવવો જોઇતો હતો, એને બદલે એ મૂંઝાયેલા જણાતા હતા. દેશને ખાતર હરહંમેશ ટટ્‌ટાર ઊભા રહેનાર આ મહામાનવ અત્યારે થોડી પળો માટે કમરેથી વાંકા વળવા માંડ્યા હતા. બન્ને ખભા કોઇ જુએ નહિ એમ, વારાફરતી આગળ-પાછળ હાલે રાખતા હતા. ક્યારેક તો એકાદો ઢીંચણ પણ સહેજ ઊંચો થઇ જતો જણાયો હતો. વળી, આ કોઇ ટીવી-સીરીયલ નહતી કે, બાપા અકળાઇને કમાન્ડોઝને પૂછી શકે કે, ‘‘યે સબ ક્યા હો રહા હૈ ?’’

હવે એમાં એકાદો તો બુદ્ધિવાળો હોય ! એ પામી ગયો કે, જવું છે બાપાને અને આપણે સમજ્યા વગર જાનફેસાનીના ઝનૂનો ઉપર ઉતરી આવ્યા છીએ. એ તરત પરિસ્થિતિ પામી ગયો અને બાપાને ઇશારે ઇશારે કહી દીઘું કે, ‘ફિકર કરો મા, બાપા...હવે આગળનો રસ્તો સાફ છે, આપના માટે !’ વરસાદમાં રસ્તો ક્રોસ કરવા માંગતું, ફૂટપાથ પર ઊભેલું નાનકડું ભૂલકું, કોઇ એને રસ્તો પાર કરાવી દે પછી મલકમલક થવા માંડે એમ બાપાના ચહેરા ઉપર નકરી આઝાદીના ભાવો દેખાવા માંડ્યા...૧૫-મી ઑગસ્ટનો સૂરજ ઊગવાને બસ હવે...ક્ષણભરની દેર છે. અલબત્ત, ઢીંચણો હવે કાબુ બહાર ઝૂકવા માંડ્યા હતાં.

ચીફ કમાન્ડો ઇન્દરસિંઘે જાતે લૉકમાં સરકાવી આપ્યું. કમબખ્ત, ખુલ્યું નહિ. ઊંધું ભરાવી જોયું. ન ખુલ્યું. ભરાવ્યા પછી મહીં ફૂંક મારી જોઇ. ન ખુલ્યું. બાપા હવે ફાટી પડે, એવા અકળાણા હતા. દેશની સેવા એક વાત છે, પણ એ સમયસર થાય તો એનું મૂલ્ય છે. ઇન્દરસિંઘે ચેહરા પર નિષ્ફળતાના ભાવ સાથે કાર્ડ કમાન્ડો ભૂપિન્દરસિંઘને આપ્યું, પછી પરબતસિંઘ, પછી ધોબળે, પછી, પછી, પછી...કોઇનાથી કાર્ડ ખુલ્યું નહિ, એ તો સમજ્યા પણ દેશને ખાતર ટોઇલેટ ખોલવાના જૂનુનમાં બધાએ ભેગા મળીને કાર્ડ ઘસી ઘસીને વાળી નાંખ્યું હતું. બાપાનો પિત્તો હવે ના જાય...? (જવાબ : જરૂર જાય....સ્ટુપિડોએ ૩૫-ને બદલે ૭૦-લાખમાં ટોઇલૅટ બનાવવું હતું, પણ આવા કાર્ડ...? જવાબ પૂરો.)

‘રહેના ભી મુશ્કિલ, સહેના ભી મુશ્કિલ’ના આલમમાં, ભોંય પર બેસી પડેલા બાપાને ખુદને અચાનક યાદ આવ્યું કે, નામ પોતાનું રહે ને સેવા પ્રજાજનો કરતા રહે એને બદલે કોક ’દિ પાવડો-કોદાળી જાતે પણ ઉપાડવા જોઇએ, એ ન્યાયે બાપાએ જાતે કાર્ડ સરકાવ્યું. કાચી સેકંડમાં દરવાજો ખુલી ગયો...બાપાના સૌમ્ય ચહેરા ઉપર, અગાઉ કદી ન ફેલાઇ હોય, એવી ઠંડી હવાની લહેરો સરકવા માંડી. બહુ ખુશ થયા...બન્ને હાથો ઢીંચણો ઉપર ટેકવીને ‘‘હાય રબ્બા...’’ કહીને બાપા ઊભા થયા...ત્યાં જ એક દુર્ઘટના બની.

ખુલ્લા દરવાજાનો લાઇ લઇને એક નાનકડું બાળક ફૂલ-સ્પીડમાં ટૉઇલેટમાં ધુસી ગયું. એને ય દેશની સેવા કરવી હતી. બાપા જીવનમાં કદી ન બોલ્યા હોય, એવી ભાષા બોલવા જતા હતા, ત્યાં નજર પાછળ ઊભેલી, એ બાળકની મમ્મી ઉપર પડી...ઓહ, માફ કરજો સોનિયાજી...ભલે બાબાભ’ઇ પહેલા જઇ આવે....’’ 

સિક્સર

- ભાજપને અલવિદા કરતા કેશુભાઈ - એક સમાચાર

- હાશ...હવે ગુજરાતનો કોઇ પટેલ ભયભીત નથી.

No comments: