Search This Blog

01/07/2012

ઍનકાઉન્ટર 01-07-2012

૧. લગ્નપૂર્વે તમારા પત્ની અને તમારામાંથી એકબીજાની કોણે પસંદગી કરી હતી?
- ભ’ઇ... એનો ટેસ્ટ બહુઉઉઉ... ઊંચો નીકળ્યો!
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

૨. સહનશીલતાની મૂર્તિસમા અમારા ભાભીને મારે સાડી મોકલવી છે, તો તેમને કયો રંગ વઘુ પસંદ છે?
- મૂર્તિઓને શોભે એવો કોઈ રંગ મોકલજો.
( દર્શના ધવલ શાહ, વડોદરા)

૩. શાસ્ત્રો કહે છે, પડોસીને પ્રેમ કરો. મારા પડોસમાં રૂપાળી વિધવા રહે છે. શું કરવું?
- એ વિધવા તમારા પ્રતાપે થઈ હોય તો આગળ વધો...!
(ભૂપેન્દ્ર ટી. શાહ, વડોદરા)

૪. ફેશન-શૉમાં કૅટવૉક જોઈને પુરુષો કઈ લાગણી અનુભવતા હશે?
- એમાં લાગણી બહુ ઊંચી થતી હોય છે...!
(વંદિત નાણાવટી, રાજકોટ)

૫. મરતા પહેલા એક વાર મારી ઈચ્છા આપનો ચેહરો જોવાની છે. ક્યારે તક મળશે?
- આજે જ આવી જાઓ...!
(કૌશિક જી. ઠક્કર, અંજાર-કચ્છ)

૬. શું યુવાપેઢીમાં દેશ માટે મરી ફીટવાની ભાવના મરી પરવારી છે?
- દેશ ખાતર જીવતા રહેવાની ભાવના હજી અકબંધ છે.
(ઉદય ખત્રી, ભાવનગર)

૭. મોટી ઉંમરે સંસાર માંડવો, એ મધ ચાખવા જેવું છે... સુઉં કિયો છો?
- સૉરી... મારા તો બાળવિવાહ હતા.
(સત્યમ પટેલ, સુરેન્દ્રનગર)

૮. હાથખર્ચીના પૈસા તો નીકળી જાય છે, પણ પગ-ખર્ચી (ંહીી-ીૅિનચબીસીહા)બહુ મોંઘી પડે છે...
- તમારે ન્યૂરો-સર્જનને પગ બતાવવા જોઈએ.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૯. માંનું ધાવણ છઠ્ઠીનું જ વખણાય છે, અન્ય કોઈ દિવસનું કેમ નહિ?
- વિધાતાએ બસ... આ એક જ દિવસ માટે ઑફ લીધો હોય છે.
(તારાગૌરી કે. વ્યાસ, ઘોઘા)

૧૦. પૃથ્વીને જ સ્વર્ગ કેમ ન બનાવી શકાય?
- ટૅન્ડર ભરો. મંજૂર થયે દિન-૭માં આપને જાણ કરીશું.
(હિરેન વ્યાસ, ઘોઘા)

૧૧. મોટું કલંક કયું? અનાથાશ્રમ કે વૃઘ્ધાશ્રમ?
- તમારે જવું હોય ત્યારે કહેજો. આપણે બન્નેમાં ઓળખાણો છે.
(નિરત ઉનડકટ, જામનગર)

૧૨. ભગવાનના ભક્તો ગરીબ કેમ હોય છે?
- એટલે તમે મને ભક્ત નથી ગણતા...!
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

૧૩. કોઈ સ્ત્રીના વાળ એની સુંદરતાનો કેટલો હિસ્સો કહેવાય?
- ઘચાઘચ તેલ નાંખેલી સ્ત્રી જોઈને મને ચીતરી ચઢે છે.
(દિનેશ જગદિશભાઈ પ્રજાપતિ, રામનગર-આણંદ)

૧૪. રાખડીના તહેવારમાં બેન ભાઈને રાખડી કેમ બાંધે છે?
- દોરડું મોટું પડે!
(અનીરૂઘ્ધ બી. શાહ, મુંબઈ)

૧૫. સરકાર અનાજ સંગ્રહી શકતી નથી ને વેડફાઈ જાય છે... ઓહ!
- થોડી ધીરજ ધરો... આખી સરકાર વેડફાઈ જવામાં છે.
(પલક નાણાવટી, ઓખા)

૧૬. ઈશ્વર પાસે કોઈનું કશું ચાલતુ નથી... ચલાવવા માટે શું કરવું?
- એ ય કંટાળ્યો છે... એક ઘરની શોધમાં અનેક મકાનો બદલે રાખે છે.
(ડૉ. રજનિ ગેરીયા, ધોરાજી)

૧૭. વડીલોની સલાહ યુવાપેઢીને બકવાસ કેમ લાગે છે?
- મારા સર્વાધિક પ્રિય શાયર રાજેશ રૅડ્ડીનો અસરકારક શે’ર છે ઃ
‘મેરે દિલ કે કિસી કોને મેં એક માસુમ સા બચ્ચા,
બડોં કી દેખકર દુનિયા બડા હોને સે ડરતા હૈ’
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૮. પૃથ્વીના વિનાશની વાત કેટલી હદે સ્વીકારવી?
- એ થાય ત્યાં સુધી.
(તુષાર જે. ભટ્ટ, ભૂવેલ-ખંભાત)

૧૯. દર વર્ષે રફી, મૂકેશ કે કિશોર કુમારની પૂણ્યતિથિએ પૈસા કમાવવા કાર્યક્રમો યોજાતા આયોજકોને આપ શું કહેશો?
- મારી આવે ત્યારે જરા ઘ્યાન રાખજો.
(લલિત ઓઝા, જૂનાગઢ)

૨૦. રાજપુતોના સમયમાં યુઘ્ધ મોરચે રાજા પોતે પણ યુઘ્ધમાં જતા... આપણા નેતાઓ સૈન્ય સાથે મોરચે કેમ નથી જતા?
- ફાટે નહિ...?
(યોગેશ શાહ, મેહસાણા)

૨૧. ઈશ્વરના નામો ઉપર દુકાનોના નામ રાખવાનું કારણ શું હોઇ શકે?
- બેસ... અહીં આવ્યા પછી ફક્ત ઈશ્વર તમને બચાવે.
(રિઘ્ધિ કણસાગરા, સુરત)

૨૨. પ્રેમને બહેરો કે મૂંગો નહિ, પણ આંધળો કેમ કહ્યો છે?
- સામે જે મળે તેને ભૂલમાં ભેટી પડાય માટે. પેલીની બા ખીજાય તો કહી દેવાય કે, હું શું કરૂં? આપ તો જાણો છો કે, પ્રેમ તો આંધળો હોય છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

૨૩. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી નેતા ગુજરાતમાં કોઈ થશે ખરા?
- લખવામાં તમારી ક્યાંક ભૂલ થાય છે... ‘શીખંડી’ નેતાઓ તો ઘણા છે!
(નાનુભાઈ એમ. ઢોડીયા, નવસારી)

૨૪. આઉટ થયેલા બેટ્‌સમૅન માટે ફીલ્ડરો ભેગા મળી બન્ને હાથ ઊંચા કરીને એક બીજાને હવામાં તાળીયો શેને માટે આપે છે?
- પગથી એવી તાળીઓ આપતા ના ફાવે માટે.
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

૨૫. રસોઈની સુગંધ અને મીઠું/મસાલાના પ્રમાણથી પત્નીનો તે દિવસનો મીજાજ ઓળખાઇ જાય છે. વાત સાચી?
- ઓહ... આ સ્ટેજ તમારે હજી હવે આયું...?
(નયન ભટ્ટ, મુંબઈ)

૨૬. કોઈપણ સ્ત્રીના પ્રેમમાં પડતા પહેલા શું જોવું જોઈએ? એની સુંદરતા, એનું બૅન્ક-બૅલેન્સ કે એના સંસ્કાર?
- એના ગોરધનના હાઇટ-બૉડી.
(વિરાટ પટેલ, સુરત)

No comments: