Search This Blog

20/07/2012

‘તીન દેવિયાં’ (’૬૫)

ફિલ્મ : તીન દેવિયાં’ (’૬૫)
નિર્માતા-દિગ્દર્શક : અમરજીત
સંગીત : સચિનદેવ બર્મન
ગીતકાર : મજરૂહ
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
થીયેટર :
કલાકારો : દેવ આનંદ, નંદા, કલ્પના, સિમી, આઈ.એસ. જોહર, હરીન્દ્રનાથ ચટ્ટોપાઘ્યાય, સુલોચના (રૂબી મેયર્સ), રતન ગૌરાંગ, જાનકીદાસ, રવિકાંત, દિલીપ દત્ત, ધન્ના, વાજીદખાન, નર્મદા શંકર, રશિદખાન અને ફિલ્મ દરમ્યાનની કોમેન્ટરીમાં અવાજ અમીન સાયાણી. 

ગીતો
૧...લિખા હૈ તેરી આંખો મેં, કિસકા અફસાના, અગર ઈસે સમઝ સકો.... લતા-કિશોર
૨...અરે યાર મેરી તુમ ભી હો ગઝબ, ધૂંઘટ તો જરા ઓઢો.... આશા-કિશોર
૩...ઉફ..કિતની ઠંડી હૈ યે રૂત, સુલગે હૈં તન્હાઈ મેરી.... લતા-કિશોર
૪...ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત કૌન હો તુમ બતલાઓ... કિશોર-કોરસ
૫...ઐસે તો ના દેખો, કે હમ કો નશા હો જાયે, ખૂબસૂરત સી કોઈ .... મુહમ્મદ રફી
૬...કહીં બેકરાર હો કર, યું હી છુ લિયા કિસીને, કઈ ખ્વાબ દેખ ડાલે.... મુહમ્મદ રફી

આ લેખ શરૂ કરતા પહેલાં વાચકોને એક ચેતવણી આપી દેવા જેવી છે કે, તમે જૂની ફિલ્મોની મોંઘા ભાવે ડીવીડી ખરીદો છો. એમાં એ બનાવનાર કંપનીઓ સાથે સાથે તમને ય બનાવે છે. એની ખબર પડી ગઈ હોય તો બેસી રહેવા જેવું નથી. મોટા ભાગની આપણી જૂની ફિલ્મોની ડીવીડીમાં કંપનીવાળાઓ જાતે કાપકૂપ કરીને આપણને બઝાડી દે છે. યાદ હોય તો, આપણી ઘણી બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં વચ્ચે વચ્ચે રંગીન રીલ્સ પણ આવી જતા. આ લોકો એ રંગીન પાર્ટ કાઢી નાંખે છે. ઘણી વખત એવું ય થયું છે કે, ખાસ જે ગીતો માટે આપણે એ ફિલ્મની ડીવીડી ખરીદી હોય, એ ગીતો જ ડીવીડી બનાવનારી કંપનીએ કાઢી નાંખ્યા હોય. ફિલ્મ તીન દેવીયાંનો અંશતઃ પાર્ટ રંગીન હતો, જે ડીવીડીમાં નથી. વાચકોએ હવે તો પોસ્ટ કાર્ડ શોધવા ય જવું પડે એમ નથી... ડીવીડી ઉપર એ લોકોનો ઈ-મેઈલ આઈડી કે વેબ સાઈટનું સરનામું લખ્યું હોય છે. ફટકારો ફરિયાદ...! તીન દેવીયાંની ડીવીડી શેમારૂકંપનીએ બહાર પાડી છે.

***

એ જ જમાનામાં દેવ આનંદની યુવતીઓમાં ધાયધાંય લોકપ્રિયતાની રોકડી કરી લેવા માટે ઘણી ફિલ્મો બનતી, જેમાં એ કેટલો સોહામણો અને હાય મર જાઉં...લાગે છે, એ ધોરણે ફિલ્મોમાં એને માટે વાર્તાઓ લખાવાતી, એના કપડાં, એની ટોપી કે ઈવન એની ચાલને લક્ષ્યમાં રાખીને ફિલ્મોમાં ખાસ દ્રષ્યો ઊભા કરવામાં આવતા. બહુ ચવાઈ ગયેલી વાત છે, ફિલ્મ સી.આઈ.ડી.ના લેકે પહેલા પહેલા પ્યારગીતમાં મરિન લાઈન્સ પર ખાસ એની ચાલ બતાવવા માટે ગોઠવણ થઈ હતી. તો વિજય આનંદે આખી ફિલ્મ તીન દેવીયાંદેવ આનંદ માટે સ્ત્રીઓની છેલછાને વટાવી ખાવા જ બનાવી...! 

વિજય આનંદ...? યૂ મીન, ગોલ્ડી...? ઓહ, કમ ઓન... એનું તો ફિલ્મમાં ક્યાંય નામોનિશાન તક નથી ને અહીં એ ક્યાંથી આવ્યો ? ઓકે. ફિલ્મના નિર્માતા-નિર્દેષકનું નામ અમરજીત છે, જે આમ તો દેવ આનંદનો પર્સનલ સેક્રેટરી હતો ને દિગ્દર્શક તરીકે ફિલ્મ હમદોનોય એના નામે બેસાડી દેવાઈ. હકીકતમાં, આ બધા કામકાજો દેવના નાના ભાઈ વિજય આનંદના હતા. નાનપણથી સોનેરી વાળને કારણે હુલામણું નામ ગોલ્ડીપડ્યું હતું. 

દેવ આનંદની સાથે ગોલ્ડી હોય એટલે શક્ય હોય ત્યાં સુધી તો દેવ આનંદના જાણિતા મેનરિઝમ્સ’ (વાંકી ચાલ, ઝીણી આંખો કરવી, લકવાગ્રસ્ત હોય એમ બન્ને હાથ લટકાયે રાખવા વગેરે વગેરે...) બંધ રહેતા, એનો મોટ્ટો નમૂનો એ બન્નેની ફિલ્મ તેરે મેરે સપનેમાં જોવા મળે, જ્યાં તમને સ્વચ્છ અને કોરોધાકોડ એક્ટરદેવ આનંદ જોવા મળે. ગાઈડમાં ય એ તમામ નખરા ઉપર પ્રતિબંધ હતો, એ તમે જોયું હશે, પણ ફિલ્મ તીન દેવીયાંતો ખાસ બનાવાઈ જ એના મેનરિઝમ્સને વટાવી ખાવા માટે... અને સફળ પણ થયા ! થાય જ ને ! એ તો આજે આપણે બહુ ડાહ્યા થઈને એના એ ચેનચાળાની મશ્કરી કરીએ છીએ, કારણ કે બીજા વઘુ સારા અને બહુ ખરાબ એક્ટરો દેવ આનંદના સમયમાં અને આજે પણ જોવા મળે છે, ત્યારે યાદ આવે કે, એ જ દેવ આનંદના એ નખરાં આપણને બહુ ગમતા. યસ. દેવ એકલા નખરા ઉપર ચાલી ગયો નથી. એ હેન્ડસમ તો પૂરબહાર હતો, શરીર માપોમાપનું જોવું ગમે એવું. ક્યા કપડાં એને શોભે છે, એની એને પોતાને ય ખબર હતી, એટલે આજના ગોવિંદા જેવા પોપટી પેન્ટ ઉપર ગુલાબી શર્ટ જેવા ઘટીયા ટેસ્ટના કપડાં દેવ નહોતો પહેરતો. રાજ કપૂર કે દિલીપ કુમારની જેમ દેવના વાળ મુક્તપણે લહેરાતા નહોતા. વાળને એણે સર્વોચ્ચ મહત્વ આપ્યું હતું. યાદ હોય તો વાળનો એ કોઈ બેહતરીન ગુચ્છો પાડતો. આપણે એવો પાડવા જઈએ તો ન આવે. દેવને ય ન આવે, પણ ઘણી મેહનત પછી એનો ગુચ્છો પાડીને એના ઉપર હેર-સ્પ્રે છીડકવું પડતું, જેથી શૂટિંગમાં ગુચ્છો ગાયબ થઈ ન જાય. એને દિવસના ફક્ત ૨૪ કલાક જ પરફેક્ટ હેન્ડસમ રહેવું ગમતું, એટલે ગાલ સ્મૂધ રાખવા આડી-ઊભી-ઊંધી બધી રીતે રેઝર ફેરવતો, એને લીધે ગાલ પથ્થર જેવા સોલ્લિડ થઈ ગયેલા. ઈવન છેલ્લી અવસ્થામાં પણ રોજ એને બબ્બે વખત દાઢી કરવી પડતી, એટલો ફાસ્ટ ગ્રોથ હતો એની દાઢીનો.

આ સહુ નખરાઓથી ઉપર પણ એક દેવ આનંદ હતો, ‘એક્ટરદેવ આનંદ. ગોલ્ડી, રાજ ખોસલા કે ગુરૂદત્ત જેવા મજેલા ડાયરેક્ટરો મળી ગયા, ત્યારે એ ઉત્તમ એક્ટર તરીકે છવાયો છે. પણ અહમ બ્રહ્માસ્મિના ધોરણે લેંઘો ય હું સિવું, જલેબી ય હું ઉતારૂં, ઘોડાને ઘાસ પણ હું ખવડાવું, તો જ રાજસિંહાસન પર બેસી શકું, એવી બેવકૂફીઓમાં પડી જવાને કારણે ફિલ્મ હરે રામા, હરે ક્રિષ્નાપછી... નામ પૂરતી ય એની એકે ય ફિલ્મ પ્રેશકોને થોડી બી ગમી નહિ, કારણ કે બધી દિગ્દર્શિત એણે પોતે કરી હતી. કબુલ કરવું પડે કે, દેવ આનંદ માટે કોઈ સહેજ પણ ખરાબ બોલે, તો ઝગડો કરી નાંખનાર એના ડાય-હાર્ડ ચાહકો એની આ હરે રામા....પહેલાની ફિલ્મો જોઈને થયા હતા.. એ પછીની ફિલ્મો જોઈને કોઈ એનો ફેનબન્યો હોય, એ માનવું પોસિબલ નથી. 

તીન દેવીયાંમાં તો દેવ આનંદ સાચે જ દેવ પુરૂષ લાગતો હતો. ઈંગ્લિશમાં એને માટે નાર્સિસિસ્ટશબ્દ સહેલાઈથી વાપરી શકાય... મતલબ, પોતાના જ પ્રેમમાં પડી ગયેલી વ્યક્તિને નાર્સિસિસ્ટકહેવાય. બીજા હીરોની સરખામણીમાં એના લટકા-ઝટકા આને કારણે આવ્યા. દુનિયાભરની ટોપીઓ પહેરવાનો એને શોખ, એટલે લગભગ બધી ફિલ્મોમાં એણે અવનવી ટોપી પહેરી છે, પણ ફિલ્મ ઈન્સાનીયતને બાદ કરતા, એકે ય ફિલ્મમાં એણે રાજાનો મુગુટ પહેર્યો નથી...! 

આપણને નવાઈઓ લાગે કે, ફિલ્મ કલાકારોને શરીર જાળવવા જીંદગીમાં કેટલું બઘું જતું કરવું પડતુ હશે ! ખાવાની કરતા નહિ ખાવાની લલચામણી ચીજોની તો સામે ય નહિ જોવાનું ને ? કસરત ચાલુ રાખવામાં આળસી ન જવાય. હું દેવ સાહેબની પાલી હિલ પરના એમના આનંદ રોકોર્ડીંગ સ્ટુડિયોની ઓફિસે મળ્યો, ત્યારે ગ્રાઉન્ડ ફલોર પર બેસતા એમના સેક્રેટરી-કમ-સાળો કેપ્ટને (નામ યાદ નથી) કહ્યું, ‘‘પાછળ લિફ્‌ટ છે, ત્યાંથી ઉપર જાઓ.’’ દેવ સાહેબ માટે ગાંડો પ્રેમ એટલે મનમાં દેવ-દેવ-દેવ થયે રાખતું હતું. મેં બુઢ્ઢા લિફ્‌ટમેનને કહ્યું, ‘‘ચાચા, તમે કેટલા નસીબદાર છો, તમને દેવ સાહેબને ઉપર-નીચે લાવવા-લઈ જવાનો રોજ મોકો મળે છે...’’ જવાબમાં એણે ફિક્કા સ્માઈલ સાથે કહ્યું, ‘‘સાહેબ, ૪૦ વર્ષથી અહીં છું... આજ સુધી દેવ સાહેબ એકે ય વાર લિફ્‌ટમાં બેઠા નથી...!’’ 

દેવ આનંદને બદલે હું રજનીકાંતની ઓફિસે ગયો હતો તો પૂછત, ‘‘લિફ્‌ટ નહિ તો શું રોજ પાઈપ ચઢીને ઉપર જાય છે ?’’ 

પણ એ જમાનાની ફિલ્મો જોવાની આજે ય અમથી આવે મઝા. ૬૫-ની સાલનું મુંબઈ, ખાલીખમ્મ ને એટલે જ દેવ આનંદ જેવા સર્વોત્તમ લોકપ્રિય હીરો નંદા સાથે રસ્તા ઉપર શૂટિંગ કરી શકે ને ? એ તો હવે બંધ થઈ ગયા, નહિ તો એ ફિલ્મોના દ્રષ્યોમાં મરફી રેડિયોકે નેકોનેશનલ એકોરેડિયો, ગ્રામોફોન, એનેસિન, બ્રિલ્ક્રીમ, ૫૫૫-સિગારેટ, પાસિંગ-શો, હની-ડ્યૂ, બર્કલી, તાજછાપ, રેડ-એન્ડ-વ્હાઈટ કે સિઝર્સ જેવી સિગારેટોની બોલબાલા હતી. ફિલ્મોની પાર્ટીઓમાં બધા હાથમાં ગ્લાસ પકડીને ઊભા હોય, જેથી હીરો પિયાનો વગાડી શકે ને હીરોઈન નાચી શકે. એ બધા મેહમાનોને જુનિયર આર્ટિસ્ટો કહેવાય. એમની હાલત બદલી-કામદાર જેવી હોય (ભલે ને, હીરોએ ઓળખાણ, ‘‘...ઔર યે હૈં હમારે શહેર કે આઈ.જી. ચોપરા સાબ...’’ પછી ભલે ને શૂટિંગ પત્યા પછી શૂટ પહેરેલો ચોપરો રોજની મજૂરી લેવા લાઈનમાં ઉભો હોય !!) એક જમાનામાં હીરો કે હીરોઈન બનવા ઘર છોડીને મુંબઈ આવેલા આ લોકો થાકી થાકીને રખડ્યા પછી કામ ન મળ્યું હોય એટલે આવા જુ. આર્ટિસ્ટ બની જવું પડે. આ લોકોનો રીતસરનો વેપાર થાય છે. શૂટિંગ માટે જરૂરી ઉંમરના જુ. આર્ટિસ્ટોને સપ્લાય કરતી કંપનીઓ હોય, જે ફિલ્મની જરૂરત મુજબ ઓર્ડર નોંધે, ‘‘રાજ સાબની બુટ પોલીશમાટે ૨૫-ભિખારીઓ મોકલવાના છે.. દિલીપ સાબની પૈગામમાચે ૪૨-સરઘસીયા મજૂરો મોકલવાના છે. મનોજ સાબના પથ્થર કે સનમના ગીતની પાર્ટી માટે ૧૮-મેહમાનો જોઈશે.... વગેરે વગેરે...!’’ 

એક નીરિક્ષણ તો તમે ય કર્યું હશે. ઘરમાં આપણે બધા સ્ટીલના ગ્લાસમાં પાણી પીએ છીએ, એ વાત તમને કબુલ છે ? કાચના ગ્લાસમાં તરસ ન છીપે, એવું બધા માનીએ પણ છીએ. પણ ફિલ્મોમાં આજ સુધી મેં એકે ય વખત સ્ટીલ કે પિત્તળનો ગ્લાસ જોયો નથી. બધે કાચના જ ગ્લાસ....! 

એ વખતના મોટા ભાગના હીરો હેન્ડલૂમના શટ્‌ર્સ પહેરતા. પેલો પાર્ટીઓમાં ખાસ વિલનો પહેરતા એ સફેદ શૂટ શાર્ક-સ્કીનનો હતો (જેને આજ સુધી આપણે સાસ્કીનબોલીએ છીએ. શાર્ક નામની માછલીની ચામડીમાંથી એ બનાવાતો, માટે શાર્ક-સ્કીનકહેવાયો છે. 

આ ફિલ્મમાં હીરોઈનો ત્રણ છે. નંદા, કલ્પના અને સિમી. પહેલા જોઈ ત્યારે આ ફિલ્મ નહોતી ગમી, પણ હમણાં જોઈ ત્યારે સારી લાગી. સારી એટલે, ખરાબ સહેજ પણ નહિ. જોવી ગમે એવી. મુખ્ય હીરોઈન તો નંદા જ હોય, પણ કલ્પના કે સિમીને ય સરખા પ્રમાણમાં ફૂટેજ અને ગીતો મળ્યા છે. નંદાના કપાળ પરનો કાયમી આડો ચીરો, સિમીના લાંબા વાળ અને કલ્પનાની ચાયનીઝ આંખો હજી ય યાદ છે. ફિલ્મની વાર્તી મુજબ, હીરો દેવ દત્ત આનંદને એક સાથે આ ત્રણે હીરોઈનો ગમે છે ને ત્રણેને એ એવું માનતી કરી દે છે કે, એ એમને જ પરણશે. અહીં ડીવીડીવાળાએ બદમાશી એ કરી છે કે, ત્રણેમાં ફસાયેલો દેવ આનંદ હિપ્નોટિસ્ટની કઈ સમજાવટથી બાકીની બે ને કેન્સલ કરીને નંદાને પરણી જાય છે, તે જ ડીવીડીમાં ઉડાડી દેવાયું છે. વચમાં વચમાં આઈ.એસ. જાહેર મસ્ત મજાનું હસાવતો રહે છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાઘ્યાય કાયમી ઓવર-એક્ટિંગ કરતા ને મોંઢાના ગમે તેવા ચાળા તમામ ફિલ્મોમાં કર્યા છે. રાજેશ ખન્નાની ફિલ્મ બાવર્ચીમાં એ દાદાજીનો રોલ કરે છે. સગપણમાં હરીન દા આપણા સ્વાતંત્ર્ય સેનાની ડો. સરોજીની નાયડૂના સગા ભાઈ થાય.

સાલું... જીવ નહિ પણ જીવો ભડભડભડ બળે તો ખરા ને...? દેવ આ ફિલ્મમાં એક લેખકનો રોલ કરે છે ને સિમી એ લેખક પાછળ પાગલ છે. 


....અહીં ૪૦-૪૦ વર્ષોથી જખ મારીએ છીએ... આજ સુધી અમારા પુસ્તકોના પ્રકાશક સિવાય કોઈ અમારી પાછળ પાગલ નથી બન્યુ... સુઉં કિયો છો ?

No comments: