Search This Blog

11/07/2012

આવું થાય તો નહિ, આવું થઈ જાય તો ?

લિફ્‌ટમાં પ્રવેશ કરતી વખતે હું વનરાવનના મોરલા જેવો સોહામણો નથી લાગતો.... જો કે, હવે તો એવા મોરો ય નથી થતા ને હવે એવી લિફ્‌ટો ય ક્યાં બને છે ? પણ હું ય આખરે માણસ છું (નો જોક્સ, પ્લીઝ!). મને પૂરો હક્ક છે લિફ્‌ટમાં દાખલ થતી વખતે, સૌમ્ય સ્માઈલ સાથે અશોકવાટિકામાં પ્રભુ શ્રીરામ પ્રવેશતા હોય, એવો હું લાગતો હોઈશ, એવું માનવાનો ! વાચકોને પણ, એમની સાથે હું હોઉં ત્યારે પોતાને લક્ષ્મણ, ભરત કે શત્રુધ્ન માનવાનો હક્ક છે... જય શ્રીરામ.

સ્પષ્ટતા એટલી કે, લિફ્‌ટ તો દૂરની વાત છે, હું તો ઈન્કમટેક્સની ઓફિસના કોરિડોરમાંથી પસાર થતો હતો, ત્યાં કોકે પાછળથી મારો ખભો ખેંચીને આદેશ આપ્યો, ‘‘ગણપત, તારા સાહેબને કહે.... ઠક્કર સાહેબ આયા છે...!’’

સાલો હું અશોક દવેને બદલે ઈન્કમટેક્સના પટાવાળા ગણપત જેવો ક્યાં એંગલથી અને શું કામ લાગ્યો, એની કાંઈ આપણા જેવા ભોળા માણસને ખબર થોડી પડે ? (જવાબ : માઠું ન લગાડશો, દવે સાહેબ... અમારો કહેવાનો મતલબ એટલો જ હતો કે, ગણપત વધારે સારો લાગે છે... આવી ચિંતાઓ હવે ગણપતને થવી જોઈએ : જવાબ પૂરો !)

હું લિફ્‌ટમાં દાખલ થયો ત્યાં પહેલેથી એક સુંદર સ્ત્રી ઉપસ્થિત હતી. શક્ય છે, મારા ત્યાં જવાને કારણે એ વઘુ સુંદર થઈ હોય... સુંદરતાઓનું કાંઈ ધાર્યું ન ઉતરે ! ઘણીવાર પદાર્થો ઉપર વાતાવરણની અસર પડતી હોય છે! વૃંદાવન ગાર્ડનના વૃક્ષ નીચે રાધા ને કૃષ્ણ ભેગા થયા હોય, એવું એ દ્રષ્ય લાગવું જોઈતું હતું... નહોતું લાગતું કારણ કે, સ્ત્રીઓના મામલે હું પોચીયો બહુ, આપણી પાસે તાકડે વાંસળી નહિ ને રાધા લિફ્‌ટમાં એકલી. એકલી લિફ્‌ટમાં એકલી સ્ત્રી સાથે એકલો હું...! આવા પ્રવાસની આપણા ઘેર ખબર પડે તો આપણી પાસે મોટા જથ્થામાં જવાબો તૈયાર હોવા જોઈએ. ભલે જુઠ્ઠુ બોલવામાં તો આપણને વાઈફે ય ન પહોંચે, એ બધી વાત સાચી, પણ એક આદર્શ ગોરધને જુઠ્ઠું બોલવું જ શું કામ જોઈએ ? જુઠ્ઠું બોલવું એ પાપ છે. (જવાબ : આવી પ્રાતઃ સ્મરણીય સ્ત્રી સાથે લિફ્‌ટમાં ભરાણા હો તો જુઠ્ઠુ બોલવું પાપ ન ગણાય. જવાબ પૂરો)

અમુક એન્ગલથી મને જુઓ તો હું ઘણો સજ્જન લાગું છું, એ ફાયદો ઉઠવીને હું અમુલ એન્ગલે જ ઊભો હતો, એટલે એને મારાથી અસ્વસ્થ થવાનું કોઈ કારણ નહોતું.

સાડા પાંચ કરોડ વાચકોના લાભાર્થે મારે એ મનમોહિનીના સૌંદર્યનું વર્ણન કરવું જોઈએ. એના બન્ને કાન એકસરખા માપોમાપ ઉપસી આવ્યા હતા. વિક્સબામ ચોપડેલી લિસ્સી સપાટી જેવું એનું નાક હતું. એના ટોપકાં ઉપર આંગળી દબાવવાનું મન થાય. એના વાળ... ઓહોહોહોહો... ગાર્ડનમાં બાળકોની લપસણી જેવો મસ્ત મઝાનો ફોલ એના શેમ્પૂ કરેલા લિસ્સા વાળનો પડતો હતો. એના હોઠો... એક મિનિટ.... (A એટલે અહીંથી અનીચ્છનીય કાપકૂપો સાથે સેન્સર બોર્ડ જેવું A સર્ટિફિકેટ આ લેખને એનાયત કરવામાં આવ્યું હોવાથી, હોઠના વર્ણનો પૂરતો હિસ્સો બાળકો માટે પ્રતિબંધિત છે. મોટાઓ વાંચો હવે... આહ, એના હોઠ.... હોઠ એટલે ભરચક વરસાદમાં, મંદિરના બે પગથીયા ભીનાં થઈને બહાર બેઠા હોય એવા. (A સર્ટિફિકેટ પૂરૂ!)

એ પછી તો ધોરણ ૬-બ ના પાઠ્યપુસ્તકની જેમ, એના ગાલ, કપાળ, લમણાં, ગળું તેમ જ ડોકી-બોકીના રસપ્રદ વર્ણનો આવે છે, પણ વાચકોને એ કોઈ કામમાં આવે એવા ન હોવાથી આપણે લિફ્‌ટમાં પાછા આવી જઈએ છીએ. બોલો જય અંબે !

લિફ્‌ટ ઉપડી ને મહીં અમે બે એકલાં. આપણે તો સંસ્કારી માણસ, એટલે એકલી, લાચાર, નિઃસહાય અને સુંદર સ્ત્રી સામે આપણે જોવાનું પણ ન હોય. મેં ય ના જોયું. પહેલાનું જોયેલું હજી ચાલતું હતું. જો કે, એ એટલી સંસ્કારી ય નહોતી કે, બાજુમાં ઊભેલા એક સજ્જનને હેલ્લો-હાયકરે. એણે તો મારા અસ્તિત્વની નોંધ પણ ન લીધી... આપણું મોટું મન. બાકી આમ જોવા જાઓ તો, આપણા હાઈટ-બોડી બી ખોટા નહિ ! લિફ્‌ટો-બિફ્‌ટોમાં તો બહુ સારા લાગે ! પણ દેખાવમાં ભગવાન શ્રીરામ જેવા દેખાતા યુગપુરુષોના ચરણોમાં ગામ આખાની મોહિનીઓ બહુ બહુ તો નારીયેળ ફોડવા આવે... પ્રેમોમાં પડવા નહિ... કોઈ પંખો ચાલુ કરો!

મારી આત્મકથામાં મેં નોંઘ્યું છે કે, મારા હાઈટ-બોડી બહુ બહુ તો રેલ્વેના ડબ્બામાં કોઈ માજી સાથેના નાના બાળકને ઉપરના બર્થ પર ચઢાવવા સિવાય કોઈ કામમાં આવ્યા નથી.

મન તો બહુ થાય કે, એક વાર એને નજરભર જોઈ લઈએ, તો એટલામાં કાંઈ બા ના ખીજાય ! ઘરમંદિરના નાનકડા કબાટમાં ગોઠવેલી કંકુ-ચંદનની બે વાડકીઓ હળવેકથી ખસેડો, એમ મેં મારી બે આંખો એના તરફ ખસેડી. ઓહ... આહ... ઉહ...(અને છેલ્લે...‘‘ઈહ’’!... વાતમાં વજન લાવવા માટે ઘણી વાર આવા ‘‘ઓહ, આહ, ઊહ ને ઈહોબહુ કામમાં આવે!)... વહેલા પરણી જવાનો એને પસ્તાવો નહિ થતો હોય ?

આપણામાં હતી પણ એનામાં સુંદરતાની પરખ નહોતી, એ મારે વાચકોને જણાવવું જોઈએ. દેવતા-પુરૂષને ઓળખવાની જે પરખ મહારાણી જોધાબાઈ, રાણી દમયંતિ, વિદેશી સતી ક્લિયોપેટ્રા, મહારાણી પદ્મિની, દ્રૌપદી, કે ડિમ્પલ કાપડીયામાં હતી, તે આ યુવતીમાં નહોતી. પણ આપણી પાસે ધીરજ ખરી. વિશ્વની મોટી મોટી પ્રેમકથાની શરૂઆતો ચાલુ ટ્રેને કે ચાલુ લિફ્‌ટે થતી હોય છે. બે ક્ષણ દ્રષ્ટિ મળી ગઈ એટલે મામલો ફિટ ! (એ ખરૂં કે, કમનસીબી આપણી હોય તો એ ટ્રેન કે લિફ્‌ટવાળી સાથે વખત આવે પરણી જવું પડે... પછી તો જીવનભર બિલ્ડીંગની પાઈપ પકડીને આઠમા માળે જવું પોસાય, પણ લિફ્‌ટમાં તો એની બા સાથે ય ઉપર જવાની હિંમતો ના ચાલે...! ચીનના પ્રખર ચિંતક મહાત્મા કન્ફ્‌યુશિયસે કીઘું હતું કે, ‘સંબંધો હંમેશા વધારવાથી વધે.ગુજરાત મેલમાં બેઠા હોઈએ તો નડિયાદ આવતા સુધીમાં પૂછી ય લેવાય કે, આપને... બોરીવલી ઉતરવાનું કે સીધા સેન્ટ્રલ જ...?’’ લિફ્‌ટોમાં આવું પૂછાય છે ખરૂં કે, ‘ત્રીજા માળે કે ચોથે ?’ પણ એ લિફ્‌ટવાળો પૂછે... અત્યારે ફરી એકવાર ગણપત બનવાનું જોખમ લેવાય એવું નહોતું...! આપણે પૂછવા જઈએ તો, લોકો આપણને લિફટવાળો સમજીને હાથમાં રૂપિયો-બે રૂપિયા ટીપઆપતા જાય !

લિફ્‌ટમાં નહિ, પણ પુષ્પક વિમાનમાં આવા ઉડ્ડયનો અગાઉ અમારા મહાદેવજી અને પાર્વતી બા કરી ચૂક્યા છે, બીજો નંબર આપણો. અમારા લોકોમાં પ્રવાસો આ જ ઢબે કરવાના હોય. ફરક એટલો કે, ઊડ્યા પછી અધવચ્ચે મહાદેવજીનું વિમાન બંધ પડીને અધવચ્ચે અટકી નહોતું ગયું. અમારે તો આખા એરિયાની વીજળી ગઈ હશે, તે ચાલુ લિફ્‌ટ અધવચ્ચે ઊભી રહી ગઈ. દુનિયાભરમાં લિફ્‌ટો બંધ પડે, ત્યારે મહીં ફસાયેલા તમામ મુસાફરો પહેલા લિફ્‌ટની છત તરફ કેમ જોવા માંડે છે, તે સમજાતું નથી. થોડા ગભરાઈને અમે બન્નેએ છત તરફ ઊંચે જોયું. અહીં અમારા વિચારો મળવા માંડ્યા કહેવાય.

પછી બંધ પડેલી લિફ્‌ટોના મુસાફરો બીજો સ્ટુપિડ સવાલ પૂછવા માંડે છે, ‘‘શું થયું...? શું થયું...?’’ અલ્યા કોડા, આખેઆખી લિફ્‌ટ ઊભી રહી ગઈ છે, એ તને દેખાતું નથી તે હજી પૂછે છે, ‘શું થયુ ?’

ફિલ્મ મધર ઈન્ડિયાના આગના દ્રષ્યોમાં ફસાયેલી નરગીસ બેબાકળી બનીને ચીસો પાડતી પાડતી દોડાદોડી કરવા માંડે છે, એમ પેલીએ પણ લિફ્‌ટમાં દોડાદોડી શરૂ કરીને ચીસો પાડવા માંડીને કોઈને નહિ ને મને પૂછ્‌યું, ‘‘શું થયું ? શું થયું ?’’

લિફ્‌ટ એક જ વાર બંધ પડી, એમાં બબ્બે વાર શું થયું ?’ એ એણે પૂછ્‌યું, એમાં મને એક વારના શું થયું ?’ નો જવાબ આવડતો હતો કે, ‘લિફ્‌ટ બંધ પડી છે.પણ એ મનમોહિનીએ બે વાર પૂછ્‌યું, એટલે ખ્યાલ આવી ગયો કે, પહેલીવારમાં આને ખાસ કાંઈ સમજણ પડતી નથી... છતાં આને તમે બન્ને વચ્ચે વાતચીતનો પ્રારંભ ગણી શકો. પ્રેમોની દુનિયામાં જ્યારે જ્યારે ક્રાંતિઓ થઈ છે, ત્યારે આવી રીતે થઈ છે. પહેલા તબક્કે કાંઈ ખબર ન પડે ને બીજા તબક્કે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે... બાળકો ય એની માં ઉપર ઉતરવામાં માંડે છે !

એ પછી આવનારી અઢી સેકંડ્‌સ સુધી બન્ને વચ્ચે કોઈ સંવાદ ન થયો. માત્ર છત તરફ જોવાનું થયું. પ્રારંભિક પ્રણયમાં સંતોએ મૌનનો મહિમા સ્વીકાર્યો છે.

પણ બાકીની અઢી સેકંડ ખૌફનાક હતી. સાલી, એની માંની... લિફ્‌ટ ચાલુ થઈ ગઈ.. ચોથા માળે જ ઊભી ને મનમોહિની ઉતરી પણ ગઈ...!

આવી ઘટનાઓનો એન્ડકોઈ સનસનાટીભર્યા ન હોય. બધાને આવું થતું હોય. જતા જતા એ બોલી, ‘‘થેન્ક યૂ દાદાજી... તમે હતા તો મને ચિંતા ના થઈ... જે શી ક્રસ્ણ...!’’

સિક્સર
હવેના બંગલાઓના ઝાંપે પાટીયાં કેવા લટકતા હશે ?
ફેરીયાઓ અને વાસ્તુશાસ્ત્રીઓએ પ્રવેશ કરવો નહિ’ - સુરતના અજીતસિંહ કહે છે.

No comments: